Search This Blog

18/11/2015

તેરી તલાશ મેં...

દિવાળીના દિવસોમાં કામવાળો દેશમાં જતો રહે, એ સારા ખાનદાનની નિશાની નથી. (એના નહિ, આપણા ખાનદાનની વાત ચાલે છે !) સંસ્કારી ઘરોમાં તો-એક તબક્કે આપણે ઘર છોડીને જતા રહીએ, તો પણ કામવાળો કદી ન જાય. મને મારી વાઈફે સારા સંસ્કારો નહિ આલ્યા હોય, એટલે દર દિવાળીએ અમારો ધૂળજી કામ છોડીને જતો રહે છે ને મહિના સુધી પાછો આવતો નથી, એમાં સમાજમાં મારું ખરાબ દેખાય છે. વાતો કરનારા તો કરે જ ને કે, હું ધૂળજીને થોડી બી હેલ્પ કરાવતો નહિ હોઉં, માંગે એટલા પૈસા આપતો નહિ હોઉં અને ખાસ તો કોક વાર એના દેખતા મારી વાઈફ મને ખખડાવતી હોય, એ જોઈને કયો કામવાળો ટકવાનો છે ? આ તો એક વાત થાય છે.

કહે છે કે, બધું આ જન્મમાં જ ભોગવવાનું છે. ગયા જન્મમાં સારા કામો કર્યા હશે, તો આ જન્મમાં સારો કામવાળો મળી જશે, એવા આધ્યાત્મિક ખ્યાલોમાં ખોવાવાની જરૂર નથી. વાઈફ તો કોક સારા જ્યોતિષીને ય બતાવી આવી હતી કે, 'અમને કયા ગ્રહો નડે છે કે, કોઈ કામવાળો ટકતો જ નથી ?' એણે તો એ પછી સાત સાકરીયા સોમવારો ય કરેલા, પણ સત્તરમે સોમવારે ય કોઈ કામવાળો ન આવ્યો, એટલે એને જ્યોતિષી કરતા કામવાળાઓ ઉપર શ્રદ્ધા વધી ગઈ. કમ સે કમ, કામવાળા ખોટું તો ઓછું બોલે !

દરેક પરિવારની જેમ મારા ઘરમાં ય જે તબક્કાઓમાં કામવાળો હાજર ન હોય, ત્યારે વાઈફ મારી સામે સૂચક દ્રષ્ટિથી જુએ છે... કચરા-પોતાં કરાવવા નહિ, કામવાળો શોધી લાવવા !

આ કાંઈ મજા પડે એવું કામ નથી તે મારી ગાડી ચલાવતા, 'પુકારતા ચલા હૂં મૈં, ગલી ગલી બહાર કી' ગાતો ગાતો ધૂળજી શોધવા નીકળી પડું. આમાં તો જીગર પોલાદનું, છાતી છત્રીસની અને ગાડીમાં પેટ્રોલ ભરેલું હોવું જોઈએ. ઘણા ધૂળજીઓ તો આપણી પર્સનાલિટીઓ જોઈને જ આપણે ત્યાં કામ કરવા આવવાની ના પાડી દેતા હોય છે. ''આવાઓને ત્યાં વાસણ માંજવા કોણ જાય...?'' કામવાળો શોધવા ગાડી લઈને જ જવું જોઈએ.

હું નીકળી પડયો, જાનિબે મંઝિલ ! ('જાનિબ' એટલે 'તરફ'... એટલે કે, ધૂળજી શોધી લાવવાની મંઝિલ તરફ !) પણ આમાં એવું થયું કે, 'મૈં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર, લોગ આતે રહે, કારવાં બઢતા ગયા...!' અર્થાત્, કામવાળો શોધવા મારી જેમ બીજા સેંકડો લોકો મારા કાફલામાં જોડાતા ગયા. અફ કોર્સ, પોતપોતાનો ધૂળજી શોધવા... મારી સહાયમાં નહિ !

આમ પાછો હું બહુ રોમેન્ટિક નહિ, પણ આમ ખરો. એટલે સોસાયટી-સોસાયટીએ ફરીને કોઈ નવો કામવાળો શોધવાનો હતો, એટલે કપડાં-બપડાં સારા પહેર્યા હોય તો એના ઉપર આપણી છાપ સારી પડે. પરફ્યુમનો તો હું પહેલેથી શોખિન. ગુજરાતભરના ધૂળજીઓ વાપરે છે,

એવા મોંઘા પરફ્યૂમો તો આપણને પોષાય પણ નહિ ! ઈંગ્લિશ બહુ નહિ, પણ કામ પૂરતું બોલતા તો મને આવડે ! વખત છે ને, આપણા કરતા થોડું વધારે ઈંગ્લિશ જાણતો કોઈ ધૂળજી મળી ગયો તો આપણે તો સમાજમાં રહેવાનું છે, મોંઢું બતાડવાનું છે... એના સમાજમાં નહિ, આપણા સમાજમાં ! સુઉં કિયો છો ?

મારા જ લાડકા નારણપુરાના રોડ ઉપર આવેલી એક સોસાયટીના પહેલા બંગલામાં ઢીંચણ સુધીનો ચડ્ડો અને સફેદ સદરો પહેરેલા કોઈ કામવાળાને મેં બંગલાના કમ્પાઉન્ડમાં ઊભેલો જોયો. એના કરતા હું વધારે રૂપાળો લાગતો હતો. પછી તો આપણે કાંઈ છોડીએ ? (જવાબ : ના છોડીએ, જવાબ પૂરો) મેં મોંઢા પાસે મુઠ્ઠી રાખીને ઈંગ્લિશમાં ઉધરસ ખાતા પૂછ્યું, ''ભ'ઈ, મારે ત્યાં કામ કરવા આવવું છે ? બે ટાઈમ જમવાનું ને બે હજાર પગાર !''

આપણને શી ખબર કે એ ધૂળજી-ફૂળજી કોઈ નહતો. બંગલાનો માલિક ખુદ હતો. મારા ગાલેથી શરૂ કરીને આખા શરીરે પોતાના દાંત વડે બચકાં ભરવાનો હોય, એવી ધૃણાથી એણે મારી સામે જોયું. કદાચ એ કોઈ ગાળ બોલવા માંગતો હતો, પણ મારી સામાન્ય પર્સનાલિટી જોઈને ગાળને બદલે એણે આંખો કાઢવાનો માર્ગ લીધો. મારા વ્યક્તિત્વની આ પહેલેથી ખૂબી છે.

કોઈ મારી સાથે લડવા-ઝગડવા આવે તો બીજી મિનિટે એ મારી માફી માંગીને જતો રહે... હું તો કાંઈ બોલ્યો ય ન હોઉં...! સદરા-ચડ્ડાવાળો લોખંડના ઝાંપાનો એક ખૂણો પકડીને તેમ જ બીજો હાથ પોતાની કમર ઉપર મૂકીને મારી સામે જોતો હતો. મને આ એના સંસ્કાર ન લાગ્યા. રામાઓ થઈને ઝાંપો પકડીને કોઈની સામે ઊભા રહેવું, એ સજ્જનના લક્ષણ નથી. સુઉં કિયો છો...? (કાંઈ ન કહેતા... તમે ક્યાં રામા છો !) એનું લાલચી મોઢું જોઈને મેં ઓફર વધારી.

''સવા બે હજાર... બસ ?'' હું આટલું જ બોલી શક્યો, ત્યાં પાછળથી એની વાઈફ આવી, ''આઈ ગયો પસ્તીવાળો... ઓહ, આ તો કોઈ ધોબી-બોબી લાગે છે... કહું છું, તમે અંદર આવતા રહો...'' મને આશ્ચર્ય થયું કે, કેવું સંસ્કારી ઘર છે, જ્યાં ઘરના ધૂળજીને ય ''કહું છું, સાંભળો છો...''થી બોલાવાય છે ! ''કેમ અલ્યા, હમણાંથી કપડાંમાં કરચલીઓ વધારે પડે છે...?''

મારા શરીરના કયા અંગને જોઈને સ્ત્રી મને ધોબી સમજી બેઠી, એ ન સમજાણું, એટલે મેં સદરાવાળાને પૂછ્યું, ''અલ્યા, તારી શેઠાણીને કહે, હું કોઈ ધોબી-બોબી નથી... નિવૃત્ત પત્રકાર છું.''

''તો હું ય કોઈ રામો-બામો નથી... આ ઘરનો માલિક છું.'' પેલાએ કડકાઈ વધારતા કહ્યું.

''---તો પછી ઝાંપો પકડીને...?''

'તેરે દર પે આયા હૂં, કુછ કર કે જાઉંગા...' વાળું ઝનૂન મારામાં નહોતું, એટલે વધુ કાંઈ બોલ્યા વગર હું આગળ નીકળી ગયો. એક્ચ્યૂઅલી, આમાં મારો બહુ વાંકે ય નથી. આજકાલ શેઠ અને રામા વચ્ચે શારીરિક ફેરફારો તમે નોંધી ન શકો. બધા સરખા લાગતા હોય છે. ઉપરવાળા બનાવથી ઊલટી ઘટના પણ હું બનાવી ચૂક્યો છું મતલબ, એક ધૂળજીને કોઈ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ સમજીને સી.જી. રોડ પરની એક મોટી રેસ્ટરાંમાં જમવાય લઈ ગયો. બિલ ચૂકવવાનું મારે આવ્યું ત્યારે ખબર પડી કે, ભલે દેખાવમાં એ મારા કરતા વધુ ઊજળો અને સારો લાગે, પણ છે સાલો ધૂળજી ! ખોટ્ટા પૈસા પડી ગયા.

ભારે યાતનાઓ, રઝળપાટ અને ખર્ચાખર્ચી પછી હું એ નતીજા ઉપર પહોંચ્યો છું કે, આપણી સ્ત્રીઓ જ ધૂળજીઓને માથે ચઢાઈ મારે છે. સાલી કમરેથી વાંકી વળતી નથી ને એક નાનકડું વધારાનું કામ કરાવવા ધૂળજીને બસ્સો રૂપિયા વધારાના આપી દે છે... ક્યાં એના બાપાનો માલ છે ?... (અહીં ધૂળજીના બાપાનો માલ સમજવો...!) અમેરિકા-ઈંગ્લેન્ડમાં ભલભલા કરોડપતિઓના ઘરે પણ સ્ત્રીઓ જાતે બધા કામો કરતી હોય છે - રાધર, કરવા પડે છે. ગોરધનો તો અમેરિકાના હોય કે અમરેલીના, ઘરના કચરા-પોતા તો કરે, એમાં શું નવાઈ, પણ આપણી મોટા ભાગની સ્ત્રીઓ હરામ હાડકાંની થઈ ગઈ છે.

શાકભાજી લેવા ય રામાને (અથવા આપણે ફ્રી પડયા હોઈએ તો આપણને) સાથે લઈ જાય... વળતી વખતે શાકના થેલા ઉંચકવા... વધારાના રૂ. ૨૫૦/- આપીને ! દુનિયાભરના... સોરી, ભારતભરના રામાઓને ખબર પડી ગઈ છે કે, કોઈ પણ કામની સીધી ના જ પાડી દેવાની, એમાં સેઠાણી પગાર ઉપરાંત ભથ્થાં દર વખતે વધારી આપવાની છે. મને પલંગ સિવાય બીજે ક્યાંય ચઢતા આવડતું નથી, એટલે માળીયે ચઢવા વાઈફે ધૂળજીને 'રીક્વેસ્ટ' કરી. પેલાએ એટલા કામના રૂ. ૧૦૦/- માંગ્યા અને બહેનજીએ આપ્યા ય ખરા !

દિવાળીને ગયેય વરસ થવા આવ્યું... હજી પેલો આવ્યો નથી. જરાક અમથો દરવાજો ખખડે છે ને પેલી ગાવા માંડે છે, ''તેરી રાહોં મેં ખડે હૈ દિલ થામ કે, હાય હમ હૈ દીવાને તેરે નામ કે, હોઓઓઓ...''

સિક્સર

- શું, આ દિવાળીમાં ક્યાં જઈ આયા...?
- ઓહ... આ વખતે તો ફાધર-મધરને મળી આવ્યા. ઘરડાંના ઘરમાં આ વખતે 'મા-બાપને ભૂલશો નહિ'નો કાર્યક્રમ રાખ્યો'તો...!

No comments: