Search This Blog

20/11/2015

'લડકા-લડકી' ('૬૬)

ફિલ્મ : 'લડકા-લડકી' ('૬૬)
નિર્માતા : બ્રાઇટ ફિલ્મ્સ-મુંબઈ
દિગ્દર્શક : સોમ હકસર
સંગીત : મદન મોહન
ગીતકાર : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ
થીયેટર : મૉડૅલ ટૉકીઝ (અમદાવાદ)
કલાકારો : કિશોર કુમાર, મુમતાઝ, આઇ.એસ. જોહર, લક્ષ્મી છાયા, સુજીત કુમાર, રાજ મેહરા, માસ્ટર ભગવાન, જ્હૉની વ્હિસ્કી, ટુનટુન, રણધીર, લીલા મીશ્રા, રવિકાંત, કેસરી, ગુલશન બાવરા, શ્યામલાલ, કૃષ્ણ દુગ્ગલ, જગદિશ ભલ્લા, નઝીર કાશ્મિરી, અબુ બકર, દીન દયાલ.




૧. સુણિયે સુણિયે, આજે કલ કી લડકીયોં કા પ્રોગ્રામ કિશોર કુમાર
૨. વો આ રહે હૈં સામને સે ચંદ નૌજવાં...કમલ હો યા.... ઉષા ખન્ના
૩ સીખ લો, સીખ લો, ગમ કે મારોં મુસ્કુરાના ઉષા મંગેશકર-કિશોર
૪ આંખોં કો મેરી તુમ અપને ખ્વાબોં કી..... .આશા ભોંસલે- મહેન્દ્ર કપૂર
૫ કિસ્મત જો પિલાયે હમકો વો ઝહેર તો પીના હી... આશા ભોંસલે
૬ અય વાદી-એ-કશ્મિર, અય વાદી-એ-કશ્મિર.... મુહમ્મદ રફી

આઇ.એસ. જોહર ફાલતુ ફિલ્મો બનાવતો એ તો ઠીક, પણ એ ધૂમધામ કબૂલ કરતો કે,હું ફાલતુ ફિલ્મો જ બનાવું છું. બસ, પ્રેક્ષકોને ગમે તેમ.... હસવું આવવું જોઈએ. એ હૉલીવૂડના કૉમેડિયન બૉબ હૉપના પગલે ચાલ્યો અને A road to Bali ના નક્શે કદમ પર પોતાની સાથે ગમે તે એક કૉમેડિયન સાથી લઇને ફિલ્મો ઉપર ફિલ્મો બનાવી. શરૂઆતમાં એની સાથે સામાન્ય કૉમેડિયન મજનૂ (મૂળ ક્રિશ્ચિયન), પછી ગોપ, પછી મેહમુદ, પછી રાજેન્દ્રનાથ.... એમ કૉમેડીનો કારવાં ચાલતો રહ્યો, પણ કિશોર કુમાર સાથે એ ભાગ્યે જ દેખાણો. આજની આ ફિલ્મ 'લડકા લડકી' જોહર કે કિશોર કોઇની નથી. બે ય સાથે બહુ જુજ આવ્યા છે.

આમ તો, આવી 'કહેવાતી' કૉમેડી ફિલ્મ બનાવનારાઓ ય જાણતા હતા કે, આ કોઇ પચ્ચી વીક સુધી ચાલવાની નથી, પણ ભારતના પ્રેક્ષકો '૩૦, '૪૦, '૫૦ કે '૬૦ના દાયકાઓમાં ભંગાર તો ભંગાર, હસવું આવે છે ને... જોઇ નાંખો-ના ધોરણે, ઍટ લીસ્ટ નિર્માતાનું ખિસ્સું ભરાય એટલા સપ્તાહ તો ફિલ્મ ચલાવી આપતા. કૉમિક ફિલ્મ બનાવવી કોઇ ઐરાગૈરા નથ્થુખૈરાનું કામ નથી... ભલે જોનારાઓનું કામ હોય !

ફિલ્મની વાર્તા કહેવાનો કોઇ મજો પડે એવો નથી, છતાં ય જમાદારની જેમ, અમારે ય ડયૂટી ઈઝ ડયૂટી...ભલે પછી 'ઇઝ'નો 'ઝ' 'ઝભલા'નો બોલતા હોઇએઃ

ગીરીધારીલાલ પટવારીલાલ (રાજ મેહરા-'જીસ દેશ મેં ગંગા...નો' પોલીસ સુપ્રિન્ટૅન્ડૅન્ટ સા'બ) આશા (મુમતાઝ) અને કિશોર (કિશોર કુમાર)ની ટૅલેન્ટ પારખીને બન્નેને સંગીતની એક ફ્રી ક્લબ શરૂ કરવા રાજી કરે છે, જેમાં શ્રોતાઓને વિના મૂલ્યે શો બતાવવાના...(ફર્માઈશ ક્લબ, ગ્રામોફોન ક્લબ, સ્ટાર્ઝ ક્લબ, સુરાંગન ક્લબ કે સુરાવલિ ક્લબોવાળા.... કંઇક સમજો આમાંથી !) બન્ને સહમત થાય છે ને શો કરે છે. દરમ્યાનમાં, કિશોરને ખબર પડે છે કે, એ કોઇ રાજા-મહારાજાનો એકલૌતો વારસદાર છે. કિશોર પોતાના દોસ્ત જગમોહન (આઇ.એસ.જોહર)ને પોતાના બદલે અગાઉથી ત્યાં મોકલે છે, જેથી કિશોરના જતા પહેલા બધો ઇન્તેજામ થઇ જાય ને આ બાજુ કિશોર પોતાની માં અને બાળવિધવા બહેન લક્ષ્મી (લક્ષ્મી છાયા)ને મળી અવાય. કિશોર ઇચ્છે છે કે, જગમોહન લક્ષ્મી સાથે લગ્ન કરે. કમનસીબે, પ્રજા જગમોહનને જ સાચો રાજા સમજી બેસે છે અને રાજકુમારી નિર્મલાદેવી (ટુનટુન) સાથે પરાણે પરણાવી દે છે. કિશોરને આ વાતની ખબર પડે છે, એમાં એ ભાંગી પડે છે કે, હવે એની બાળવિધવા બહેન સાથે કોણ પરણશે ? આ બાજુ એની માં (લીલા મીશ્રા) પણ ગૂજરી જાય છે, એના આઘાતમાં કિશોર ગાંડો થઇ જાય છે.

છેલ્લે તો વાર્તાનો અંત સુખદ લાવવાનો હોય... લવાય છે !

આપણી ગુજરાતી નાગર છોકરી સ્વ.લક્ષ્મી છાયા ખાસ તો 'મેરા ગાંવ, મેરા દેશ' ફિલ્મના 'માર દિયા જાય, કે છોડ દિયા જાય...' ગીતથી વધુ ફૅમસ થઇ. એ કાયમ માટે સાઇડી જ રહી. હીરોઇન ક્યારેય ન બની શકી. છેલ્લે છેલ્લે તો એ મુંબઇમાં ડાન્સિંગ-સ્કૂલ ચલાવતી હતી.

સુજીત કુમાર બનારસ-યુ.પી.નો હતો. મૂળ નામ શમશેર સિંઘ. કોઇકે વળી ચણાના ઝાડ ઉપર ચઢાવી દીધો કે તું તો ભોજપુરી ફિલ્મોનો દિલીપ કુમાર છે ! એટલે ઉપડયા ફાલતુ તો ફાલતુ ફિલ્મો કરવા. સત્ય ઝડ્પથી સમજાઇ ગયું ને મુંબઈની ફિલ્મોમાં દિલીપ કુમાર નહિ, વાસ્તવમાં રાજેશ ખન્નાના કાયમી ચમચા તરીકે 'ગૌરવ' મેળવ્યું. 'આરાધના'માં ખન્નાની સાથે જીપમાં બેસી માઉથ ઑર્ગન વગાડે છે એ સુજીત યાદ તો હશે ! આમ તો પોતાને કારણે નહિ, પણ સ્વ. મૂકેશના ઉષા ખન્નાએ ફિલ્મ 'લાલ બંગલા'માં, 'ચાંદ કો ક્યા માલુમ, ચાહતા હૈ ઉસે કોઈ ચકોર...' ગીતથી વધુ જાણિતો બન્યો. એ એની પહેલી ફિલ્મ હતી-હીરો તરીકે. જૂની ઘણી બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોમાં એ ફાલતુ પોલીસ ઇન્સ્પૅક્ટરના રોલમાં એકે ય ડાયલૉગ બોલ્યા વિનાના રોલ કરી ચૂક્યો છે.

માસ્ટર ભગવાન 'માસ્ટર' તરીકે ઓળખાવાના ત્રણ કારણો. એક તો '૩૦ અને '૪૦ના દશકની ફિલ્મોમાં મોટા ભાગના કલાકારો પોતાના નામની આગળ 'મા.' એટલે કે, 'માસ્ટર' લગાવતા. બીજું, એ ફિલ્મોમાં એ સ્ટન્ટ (મારધાડ)નો માસ્ટર કહેવાયો. ત્રીજું, એના ડાન્સની તદ્દન સિમ્પલ સ્ટાઇલ એટલી હદે ઇવન આજ સુધી ચાલી કે, અમિતાભ બચ્ચને ખુલ્લે આમ મા. ભગવાનના સ્ટૅપ્સની નકલ કરે છે. - જાણે સાયકલની ટયુબમાં હવા ભરતો હોય. રવિકાંતને તમે દેવ આનંદની ફિલ્મોમાં બહુ જોયો હશે. બહુ કાળો અને ટાલીયો (જ્વૅલ થીફ). આ ઉપરાંત, ફિલ્મ 'આનંદ'માં 'જીંદગી ઔર મૌત તો ઉપરવાલે કે હાથ મેં હૈં, જહાંપનાહ...' એ વિશ્વપ્રસિધ્ધ ડાયલૉગમાં ખભેથી વળી ગયેલો જાડા કાચના ચશ્માવાળો બુઢ્ઢો હાથમાં ફૂલ લઇને 'જહાંપનાહ' બને છે, તે નઝીર કાશ્મિરી એના બૅઝ-વૉઇસ જેવા મધુર અવાજને કારણે તમે એને અનેક ફિલ્મોમાં જોયો હશે. કેસરી નામનો બટકો કૉમેડિયન દારાસિંઘવાળી ફિલ્મોમાં બહુ આવતો. જેવો સ્ત્રૈણ્ય અવાજ અને એવું જ સ્ત્રૈણ્ય શરીરવાળો કેસરી એની આ બન્ને ખૂબીઓને કારણે જ કૉમેડિયન તરીકે ચાલ્યો. ફિલ્મ 'પ્યાર કિયે જા'માં મુમતાઝનો બાપ બનતો કલાકાર શ્યામલાલ છે, જે અહીં આઇ.એસ. જોહરનો રાજ્યાભિષેક કરાવનાર મંત્રીના રોલમાં છે.

આપણે અનેક વખત લખી ચૂક્યા છીએ કે, હિંદી ફિલ્મ સંગીતનો સુવર્ણકાળ ૧૯૬૬-માં પરવાર્યો હતો. એકાદ છુટક-બુટક સારૂં ગીત કોઇ સંગીતકાર પાસેથી વળી નીકળી આવતું, લેકીન અબ ઉસ મેં વો વાલી બાત નહિ રહી થી ! બધા સંગીતકારો પાસે સામટો સ્ટૉક ખલાસ થઇ ગયો હતો. બધા એકસરખી વેઠ ઉતારવા માંડયા હતા, પછી એ નૌશાદ હોય, શંકર-જયકિશન હોય કે મદન મોહન. મદન મોહન માટે તો દુઃખ થાય કે એનો જમાનો પૂરબહાર ચાલતો ત્યારે પણ ચોક્કસ ફિલ્મો પૂરતું જ સારૂં સંગીત આપતો અને એ ય ખાસ તો ગીત લતા મંગેશકરના ગળે મફલર બંધાય એવું હોય તો ! રડયાખડયા મુહમ્મદ રફી પૂરતા ક્યારેક વળી જલસા કરાવી દેતો, પણ બાકી તો શરૂઆતથી જ, મદન મોહનની સફળ કરતા તદ્દન બકવાસ ગીતોવાળી ફિલ્મોની સંખ્યા ઘણી વિરાટ છે. એ જમાનામાં ભાગ્યે જ હાથમાં આવતો તમને કિશોર કુમાર જેવો સિધ્ધહસ્ત ગાયક મળે છે, એને તો નિચોવી લેવાનો હોય, એને બદલે મદન મોહને ફાલતુ ગીતો ગવડાવ્યા. તમને હવે યાદ આવશે કે, સ્વ.મદન મોહને ૧૯૫૦ પછીની ફિલ્મો માટે બનાવેલી અને વધેલી (જેનો ઉપયોગ કોઇ ફિલ્મના ગીતો બનાવવામાં ન થયો, તે ધૂનોને ફિલ્મ 'વીર-ઝારા'માં મદનપુત્ર સંજીવ કોહલીએ વાપરી. તદ્દન ફાલતુ ગીતો બન્યા. સમજવાનું એટલું જ હતું કે, એ ધૂનો સારી હોત, તો મદને વાપરી ન હોત ? આ ફિલ્મ 'લડકા લડકી'માં તો એણે આપણને ખૂન્નસ ચઢે, એટલી વાહિયાત કક્ષાનું સંગીત આપ્યું છે, જાણે કે એ મદન મોહન જ નહિ !

ગીતકાર રાજીન્દર કિશને સારા કરતા વાહિયાત ગીતો વધુ લખ્યા...આ જ ફિલ્મનું કિશોરનું, 'સુણિયે સુણિયે, આજકલ કી લડકીયોં કા પ્રોગ્રામ....' આ કોઇ શબ્દો છે ? એની સામે સાહિર લુધિયાનવીએ એ જ કિશોર માટે તોફાની તો તોફાની, કેવા અજાયબ ગીતો લખ્યા હતા, 'ચાહે કોઈ ખુશ હો ચાહે ગાલીયાં હઝાર દે, મસ્તરામ બન કે જીંદગી કે દિન ગૂઝાર લે...' (આ ફિલ્મમાં એક નાનકડા રોલમાં એનો નાનો ભાઈ કૃષ્ણ દુગ્ગલ પણ છે.) માસ્ટર ભગવાનદાસે પૈસો તો ખૂબ બનાવ્યો, પણ ગીતા બાલી પાછળ ગાંડા થવામાં શરાબની એવી લતે ચઢી ગયો કે, એના મૃત્યુ પહેલાના છેલ્લા ઇન્ટરવ્યુ વખતે જાણવા મળ્યું કે, આખરી દિવસો એણે બેશુમાર ગરીબીમાં ધારાવી જેવી ઝૂંપડપટ્ટીમાં બહુ હડધૂતીમાં ગાળ્યા હતા.

વર્ષ '૬૬ની સાલનું હતું ને મુમતાઝ હજી 'સી' ગ્રેડની દારાસિંઘ-બ્રાન્ડની હીરોઇન હતી. પણ રોજ એક છોકરી સાથે સુવાના શોખિન મેહમુદ (આ વાત એણે પોતે બિન્ધાસ્ત આત્મકથારૂપે કીધી છે... ''છોકરીઓ મારી નબળાઇ છે.'') એ પહેલી વાર અરૂણા ઇરાનીને એની સાથેની પહેલી ફિલ્મના સેટ પર મળ્યો, ત્યારે હાથ પકડીને સીધું જ પૂછી લીધું હતું કે, ''ચલ અંદર...'' અરૂણાએ નારાજગી સાથે કહી પણ દીધું કે, 'હું એ ટાઇપની છોકરી નથી.' તો મેહમુદે કોઇ બળપ્રયોગ પણ ન કર્યો. પણ મેહમુદની સાથે ફિલ્મોના ડાન્સમાં આગળ-પાછળ નાચતી એકસ્ટ્રા છોકરીઓમાંથી મેહમુદે કોઇને બાકી રાખી નહોતી. આ બધું જાણવા છતાં અરૂણા ઇરાની થોડી ધીરજ ધરીને મેહમુદ પાછળ પાગલ થઇ ગઇ, તે એટલે સુધી કે, રીતસર એની પત્ની બનવાના સપના સાથે મેહમુદના ઘેર ગઇ, જ્યાં એની અમેરિકન પત્ની ટ્રેસી બન્નેને જોઇને હેબતાઇ ગઇ. મેહમુદના ઘરવાળાઓએ અરૂણાને ધક્કા મારીને કાઢી મુકી...

અરૂણા ઇરાની દારૂ પીવાના ભરચક રવાડે ચડી ગઇ હોવાથી મેહમુદે ચેતવણી આપી હતી, છતાં એક દિવસ ઘરે પાછો આવ્યો ત્યારે અરૂણા ચિક્કાર પીને બેઠી હતી. બસ, એ જ વખતે મેહમુદે એને કાયમ માટે કાઢી મુકી. બીજી એક અફવા એવું પણ કહે છે કે, દારૂને કારણે નહિ, મેહમુદ ઘેર આવ્યો ત્યારે અરૂણા બીજા કોઇ પુરુષ સાથે ઝડપાઇ હતી, માટે ખેલ ખતમ થઇ ગયો.

....ને આ બધું ય જાણવા છતાં મુમતાઝ (હા, જી. રાજેશ ખન્નાવાળી મુમતાઝ) મેહમુદ સાથે કોઇપણ ભોગે પરણવા માંગતી હતી. કિશોર-શશી કપૂરની ફિલ્મ 'પ્યાર કિયે જા'ના શૂટિંગ દરમ્યાન મેહમુદને પણ મુમતાઝ જલસાની ચીજ દેખાવા માંડી હતી ને મુમતાઝને કોઇ વાંધો જ નહોતો. (આજે મુમતાઝ ફિરોઝ ખાનની વેવાણ છે, એ તો તમે જાણતા હશો !) મુમતાઝ મેહમુદને સાચો પ્રેમ કરતી હતી, પણ મેહમુદ માટે એ એક લફરાંથી વિશેષ કાંઇ નહોતી, એવું મેહમુદની સગી બહેન અભિનેત્રી મીનુ મુમતાઝે કહ્યું છે.

મેહમુદે ખાસ ઇન્વર્ટેડ કોમા (અવતરણ ચિહ્ન)માં કહ્યું છે કે, 'પૂરી ફિલ્મઇન્ડસ્ટ્રીમાં કિશોર કુમાર જેવો જેન્ટલમેન બીજો કોઇ નથી, (કિશોરના ત્રીજા લગ્ન યોગીતા બાલી સાથે થયા ત્યારે કન્યાદાન મેહમુદે કર્યું હતું.) અલબત્ત, છોકરીઓ મામલે કિશોર પણ સંજીવ કુમારની જેમ દૂધે ધોયેલો નહતો. સંજીવ કુમારે જેટલી હીરોઇનો સાથે કામ કર્યું. એ બધીના પ્રેમમાં પડી જતો. દરેકને લાલ સાડી આપી કહેતો, ''મારી માં મારા લગ્ન થાય ત્યારે વહુને આપવા માટે ખાસ આ સાડી રાખી મૂકી હતી. એ સાડી આજે તને આપું છું.'' આવી અનેક સાડીઓનો ખજાનો સંજીવ પાસે હતો. ફિલ્મ આનંદ'માં બાબુ મોશાયનો રોલ ઋષિકેષ મુકર્જીએ સંજીવ કુમારને આપ્યો હતો, પણ ફિલ્મ 'આપ કી કસમ'માં સંજીવ મેદાન મારી ગયો હોવાથી લઘુતાગ્રંથિ ઉપરાંત દાદાગીરી સાથે રાજેશ ખન્નાએ સંજીવ માટે ના પાડી દીધી, પછી અમિતાભના નામનું સૂચન મેહમુદે કર્યું હતું. એ પહેલા આ કોલમના વાચકો જાણે છે તેમ ફિલ્મ 'આનંદ'ના બન્ને રોલ કિશોર કુમાર અને મેહમુદને સોંપાયા હતા, પણ અજાણતામાં કિશોરના વૉચમેને ઋષિ દાને કોઇ બીજા બંગાળી બાબુ સમજીને અપમાનિત કરીને કાઢી મુક્યા, એમાં કિશોર સાથે જીંદગીભર કામ નહિ કરવાનું દાદાએ નક્કી કરી લીધું. એક બંગાળી નિર્માતા કિશોરને પૈસા આપતો નહતો ને કિશોરે એના વૉચમેનને સૂચના આપી દીધી હતી કે, આ બંગાળી આવે તો ઝાંપેથી જ કાઢી મૂકવાનો ! વૉચમેન બન્ને બંગાળીઓનો ભેદ ક્યાંથી પારખી શકે ?

મેહમુદને એક જ સ્ત્રી માથાની મળી હતી, જેણે બહુ ધિક્કારપૂર્વક મેહમુદને પાછો કાઢ્યો હતો, એ તનૂજાની પાછળ પાગલ હતો. મેહમુદે તનૂજાને લલચાવવા ખાસ ફિલ્મ બનાવી. પણ તનૂજાનો ભભૂકતો ગુસ્સો જોઇને 'ભૂત બંગલા' મેહમુદને પૂરી ફિલ્મ તનૂજાને બહેન માનીને પૂરી કરવી પડી. એવો જ બીજો ધક્કો હીરોઇન શકીલાએ પણ માર્યો હતો. રાજ કપૂર સાથેની ફિલ્મ 'શ્રીમાન સત્યવાદી' દરમ્યાન. કોઇ શરમ વિના તે ઉઘાડેછોગ શકીલાની પાછળ એવો પડયો કે, ગુસ્સે થઇને રાજ કપૂરે કહેવું પડયું કે, 'કમ-સે-કમ એક છોકરી સાથે તો બહેન જેવું વર્તન કર...' બસ, એ પછી મેહમુદ શકીલા પાસે ફરક્યો નથી. શકીલા જ્હોની વોકરની સગીસાળી થતી હોવાને નાતે, બે આંખની શરમ રાખતી, પણ મેહમુદ હદ વટાવવા માંડયો, એટલે શકીલાએ રાજ કપૂરને ફરિયાદ કરી હતી.

ટૂંકમાં, તમને ફક્ત ધિક્કાર જ નહિ, સારા ઘરના માણસ હો છતાં કિશોર કુમાર માટે ગંદી ગાળો બોલવાનું ઝનૂન ઉપડે, એટલા બાળકવેડાં અને મૂર્ખામીભરી કૉમેડી કરી છે. એ તમને ત્રાસ લાગે. કોઇની ઉપર નઠારૂં વેર વાળવું હોય, તો ફિલ્મ 'લડકા લડકી'ની એક ડીવીડી ખરીદીને, ફિલ્મના ખૂબ વખાણો કરીને તમારા દુશ્મનને ગિફ્ટમાં આપો. એ અધમૂવો થઇને છત તરફ જોઇને ''પાણી...પાણી...''ના ચિત્કારો કરશે. કિશોર કરતા ય તમને વધારે ગાળો બોલશે... તમારા વેરની વસૂલાત બસ કોઇ, ૪૦-૫૦ રૂપિયાની સીડીના ખર્ચામાં પતી જશે. જય અંબે...

No comments: