Search This Blog

02/12/2015

મન રે, તૂ કાહે ન ધીર ધરે...

આવું મારે એકલાને થાય છે કે તમને બધા ય ને થાય છે, એ તો ખબર નથી પણ મને એવું થાય છે કે, કોઈ ગીતની પંક્તિ કે ડાયલોગ વગેરે વગેરે... એકવાર મનમાં ઘુસી જાય, પછી મારા અર્ધજાગૃત મન (Subconscious mind) માં એની એ જ લાઇન કે શબ્દો રીપિટ થયે જ રાખે જેમ કે, મનમાં એક વખત 'આંસુ ભરી હૈ યે જીવન કી રાહેં...' ઘૂસી ગયું, એટલે ઘૂસી ગયું. પછી બહાર ન નીકળે. મનમાં ગવાતું રહે. કાઢો તો નીકળે નહિ ને આપણે અકળાયે રાખીએ. મને પાછી એની ખબર ન હોય,  પણ મનમાં એ રીપિટ થયે જતું હોય. હું ત્રાસી જઉં ત્યાં સુધી એ બહાર ન નીકળે. કોઈના રીસેપ્શનમાં સ્ટેજ ઉપર ચાંદલો કરવા સ્ટેજ પર ચઢતા હોઈએ, ત્યારે ય, 'આંસુ ભરી હૈ યે જીવન કી રાહેં...' ગવાયે રાખે ને પાછો ગાનારો હું ન હોઉં... ગાતું તો મારૂં અડધું જાગતું મનડું હોય ! મને મનમાં તો શું, કોઈ સાંભળી જાય એવું ગાવું ય ગમતું અને ફાવતું નથી, પણ આમાં હું કાંઈ હેલ્પ કરી શકતો નથી... પેલું ગવાતું જ જાય ! આમાં પાછું ઓડિયન્સની જરૂર ન પડે ! આ તો એક વાત થાય છે. 

ઓ. કે. ઘેટ્સ ફાઇન. અહીં પાછું એવું નહિ કે આખો દહાડો આની આ જ લાઇન ગવાતી રહે.. ક્યારેક ગાવાનું ન હોય તો કોઈ શબ્દો ઘૂસી ગયા હોય, ''મસ્તુભ'ઇ ગયા...'' તો બસ... ૮- ૧૦ કલાક સુધી, 'મસ્તુભ'ઇ ગયા... મસ્તુભ'ઇ ગયા...''ના રટણો મનમાં ચાલે રાખે. હું ટ્રાફિક સિગ્નલ પર રોકાયો હોઉં, એટલે નવરો પડયો કહેવાઉં, રાઇટ ? તો આવું નવરું પડવું મસ્તુભ'ઈથી.. એટલે કેપેલા અર્ધજાગૃત મનથી સહન ન થાય ને પાછું, 'મસ્તુભ'ઈ ગયા...' ચાલુ થઈ જાય. ગાડીનો કાચ ખખડાવીને ભીખ માંગતી ડોસીને ય મારાથી કહેવાઈ ગયું, 'મસ્તુભ'ઇ ગયા... !' સાલો શું જમાનો આવ્યો છે... ? અહીં આખેઆખો મસ્તુભ'ઇ ઉપડી જાય છે તો ય ડોસી રીક્વેસ્ટ કરે જાય છે, ''સા'બ...કુછ દો, ના !'' 

છેેલ્લા ૧૦-૧૫ વર્ષોથી મને આવું થાય છે એટલે હું ય કંટાળ્યો. એ દિવસોમાં મનમાં, 'તોડી નાખ તબલાં ને ફોડી નાખ પેટી' ચાલે રાખતું હતું. કેમેય કરીને સાલા તબલાં કે પેટી મનની બહાર નીકળે નહિ, મેં વાઇફને પૂછ્યું કે, 'આનો ઇલાજ શું ?' 

''અસોક, સાચું કઉં... ? તમે હાચ્ચીને (સાચેસાચ) તબલાં અને પેટી તોડીફોડી નાખો... એ બહાર તૂઇટી જાશે તો મનમાં ય ફૂઇટી જાશે.'' 

''પણ ડાર્લિંગ... આપણા ઘરમાં તબલાં- પેટી તો છે નહિ અને કોકના તો આવા કામ માટે માગવા જવાય નહિ ને ? કાલ ઉઠીને કોક બીજાને આવો સનો ઉપડયો અને આપણા ઘેર આઈને, 'આ જરા તમારૂં ફ્રીજ અને ટીવી તોડવા આપશો ?' કહે આપણે તો લેવઇ જઇએ ને ? સુંઉં કે'સ... ?'' (સુઉં કિયો છો ?નું એકવચન : વ્યાકરણનું શિક્ષણ પૂરું) 

બહુ કંટાળ્યો એટલે ૮- ૧૦ને પૂછ્યું કે, આ સમસ્યાનો કોઈ ઉકેલ બતાવો, ત્યારે ખબર પડી કે લગભગ બધાને આ સિન્ડ્રોમ નડે છે. નડતો બધાને હોય પણ ખબર બધાને ન હોય ને ઉકેલ તો કોઈની પાસે ન હોય. 

''અસોક... મારું માનતા હો તો માનસિક રોગોના કોક સારા ડોક્ટરને બતાવી જુઓ... ઇ બધું-'' 

''એ લલ્લુ... હું ગાંડો થઈ ગયો નથી... આવું તો બધાને થતું હોય અને---'' 

''હા, પણ બધા તમારી ઘોડે (જેમ) હેરાન તો નો થાતા હોય...!'' 

મને થયું કે, આ કોઈ ડૉક્ટરને બતાવવા જેવો કેસ ન કહેવાય. આવું તો થાય. પણ થાય એ ય સહન થતું નથી. એક વખત પિન ચોંટી જાય એટલે, સિનેમા કે કોઈની બર્થ-ડે પાર્ટીમાં ય ગયો હોઉં ત્યાં આમ મારું મોઢું હસતું હોય પણ મનમાં, 'જલતા હૈ જીયા મોરા ભીગી ભીગી રાતો મેં...' મનમાં હારોહાર ગવાતું રહે. કોઈ સાંભળે તો ય કેવું લાગે, ડોહાને આ ઉંમરે ય જીયાઓ જલતા રહે છે

પણ આ પ્રકારની માનસિક અસ્થિરતાઓમાં એવો કોઈ ખોફ રાખવાની જરૂર રહેતી નથી કે કોઈ સાંભળી જશે તો ? ખૂબી એ વાતની હોય છે કે, 'જલતા હૈ જીયા...' વાળા અડધા કટકાથી આગળ કશું આવડતું ન હોય. એટલી ખબર છે કે, દુનિયાભરના તમામ ગીતો પછી 'હોઓઓઓ' ગાવાનું હોય છે. 

વાત ધીમે ધીમે કાંઈ વધુ પડતી આગળ વધવા માંડી. રોજ કોઈ કટકો ભરાઈ જાય, બહાર નીકળે નહિ અને હું ઉપાય શોધવાની નિષ્ફળતાને કારણે બેબાકળો થવા માંડયો. મારા વર્તનોની નોંધો લેવાવા માંડી, જે નોર્મલ નહોતા. કોક કટકો એવો હોય ત્યારે હું બધાના દેખતા હસવા માંડુતો ક્યારેક ખીજકણો થઈ જઉં. એક વખત તો કોઈ ભરવાડને તમાચો ઠોકી દીધો, એમાં આઠ ભરવાડોએ મને ખોખરો કરી નાખ્યો. હું માર ખાતો જાઉં ને સમજાવતો દજાઉં કે, ''એના બાપનું તગારું...'' નામનું વાક્ય હું એ ભાઈ કે કોઈ વ્યક્તિ માટે નહોતો બોલ્યો, તો 'કોના માટે બોલ્યો'તો ? આ ભવાન ઊભો છે એના... ?' એવા સામા સવાલે બે ડંડા વધારે ખવડાવ્યા. જવાબમાં મારા અર્ધજાગૃત મને જ કીધું, ''એના બાપનું તગારું... !'' 

''આવું કેટલા વખતથી રહે છે ?'' કોઈ ઉપાય ન મળતા હું કંટાળીને માનસિક ચિકિત્સક પાસે ગયો. 

'ગુજરાતનું પશુધન બચાવો... ગુજરાતનું પશુધન બચાવો... ગુજરાતનું---' મેં તો મનમાં જે હતું તે કહી દીધું. 

''દવે સાહેબ, એ તો અમે બચાવીશું, પણ મેં પૂછ્યું, તમને આ પશુધન બચાવવાનો ઉમળકો કેટલા વખતથી આવે છે ?'' ડોક્ટર તો કેમ જાણે કોઈ ગાંડાની ટ્રીટમેન્ટ કરતા હોય, એમ પૂછવા માંડયા.

''વોટ ડૂ યૂ મીન, કેટલા વખતથી... ? અરે, આપણા દરેક ભારતીયની ફરજ છે કે પશુધન બચાવવું જોઈએ...તમારે પણ તમારા સાસુ- સસરાને બચાવી લેવા જોઈએ.'' 

''દવે સાહેબ.. તમારા મનમાં દેશનું પશુધન બચાવવાનું જે ભમે રાખે છે, એ પશુધન તો ખેડૂતો લઈ ગયા... હવે બચાવવાનું કંઈ રહેતુ નથી. તમે મને---'' 

''હાઆ...શ ! ખેડૂતો લઈ ગયા ને ? યૂ મીન, હવે આપણે કાંઈ બચાવવાનું રહેતું નથી ને ? તો પછી 'આજા સનમ મધુર ચાંદની મેં હમ... આજા સનમ મધુર ચાંદની મેં હમ... આજા સનમ...'' 

ડૉક્ટરે મારી કોઈ ફી લેવાને બદલે મારી વાઇફના હાથમાં રૂ. ૧૫૧/- પકડાવતા બોલ્યા, ''બેન... આને તમે મોટા અંબાજી લઈ જઈને ત્યાં મારા નામથી આટલો પ્રસાદ ચડાવી દેજો... માની કૃપાથી બધું સારું થઈ જશે.'' 
કોઈ દસ-બાર દિવસ પછી મસ્તુભ'ઇ મારા ઘરે મળવા આવ્યા. ''અલ્યા, આ બધું તારા વરે શું માંડયું છે, મસ્તુભ'ઈ ગયા... મસ્તુભ'ઇ ગયા....'' મસ્તુભ'ઇએ મારી ગેરહાજરીમાં મારી વાઇફને તતડાવતા પૂછ્યું, 'રોજ કોકનું કોક ધોળા કપડાં પહેરીને મારા ઘરે આઇ જાય છે... ને પહેલું વાક્ય એ બોલે છે કે, 'મસ્તુભ'ઇ બહુ ધાર્મિક સ્વભાવના હતા... હું હજી આખેઆખો બેઠો છું. મંદિરે તારા કાકીને ય બધા પૂછ પૂછ કરે છે. ''તમારામાં હજી કપાળમાં ચાંદલા કરાય... ?'' હું ત્રાસી ગયો છું તારા વરથી... 'મસ્તુભ'ઇ ગયા મસ્તુભ'ઇ ગયા... હાળો હું ગયો છું કે નહિ, એની મને તો ખબર હોય કે નહિ ?' 

એમના ગયા પછી હું પહોંચ્યો, વાઇફે સારા સમાચાર આપ્યા કે, 'મસ્તુભ'ઇ ગયા નથી. તમને કોકેખોટા સમાચારૂં દીધા હઇશે... ઇ પોતે આઇવા'તાને ભારે ખીજાણા'તા તમારી ઉપર...!'' 

બસ... એ દિવસથી મને સારું છે. મસ્તુભ'ઇ ગયા નથી- જીવે છે, એનો આનંદ હું ચેહરા ઉપર કે અર્ધજાગૃત મનમાં છુપાવી ન શક્યો. હવે મારા મનમાં એક પણ વાર 'મસ્તુભ'ઇ ગયા' વાળી પિન ચોંટતી નથી... એના બદલે એમના ૭૭-ના વાઇફ એટલે કે અમારા 'સુમિકાકી પ્રેગનન્ટ છે...' 'સુમિકાકી પ્રેગનન્ટ છે' વાળી રેકર્ડ વાગે રાખે છે.

સિક્સર 
તમારી ગાડી ઉપર હજી સુધી લિસોટો ન પડયો હોય, એનો અર્થ એ થયો કે, રોડ ઉપર તમારી આજુબાજુવાળાઓને સારૂં ડ્રાઇવિંગ આવડે છે.

No comments: