Search This Blog

10/12/2015

મિસ્ટર દવે.... શું કરશો હવે ?

કૉલબૅલ હતી તો ય એ વગાડયા વિના અંદર આવ્યા. સંગીતનો શોખ નહિ હોય ! આવીને સીધા સોફામાં બેસી ગયા. અલબત્ત, ઘરમાં આવ્યા પછી ગમે તે હોય, બેસે તો સોફા ઉપર જ ને ? કોઇ ફ્લૉર કે એ.સી. ઉપર ઓછું બેસવાનું હોય ? પણ આપણને એમ કે, પૂછીને બેસે તો સારૂં લાગે. મને કોઇ ફોન કર્યા વગર આવે, એ ય પસંદ નથી, પણ આ જે આવ્યા હતા, એમણે મને ફોન કરીને આવવું હોત, તો મારો જ ફોન માંગીને મને કરત !

કોઇની ઓળખાણ લઇને એ એમનું જીવન-ચરીત્ર મારી પાસે લખાવવા આવ્યા હતા, પણ એમનો ઍપ્રોચ, સાયકલમાં હવા પૂરાવવા આવ્યા હોય એવો હતો. મને કહે, ''સુઉં ભાવ રાખ્યા છે જીવન ચરિત્રો લખવાના આજકાલ...?''

આ ભાવતાલ એમણે પોતાના ડાબા હાથે જમણા પગનો ઢીંચણ વલૂરતા પૂછ્યો. મને આ ન ગમે. માનવીએ હરહંમેશ પોતાનો ડાબો ઢીંચણ ડાબા હાથે જ વલૂરવો જોઇએ. ગાડીમાં બેઠા બેઠા આપણે જમણા હાથે ગીયર બદલીએ. એ સારૂં લાગે ? પાછળની સીટ પર બેઠેલા બા કેવા ખીજાય ?

''આપની કોઇ ભૂલ થતી લાગે છે. હું કોઇના જીવન ચરીત્રો તો ઠીક, દેશી નામું ય લખતો નથી.'' મેં ચોખવટ કરી. ''અને હા, આપનું નામ શું, એ ય મને ખબર નથી.''

''મારૂં...? યૂ મીન, મારૂં નામ તમને ખબર નથી ? ઈન્ડિયામાં નવા રહેવા આવ્યા લાગો છો. ઓકે. પ્રજા મને કિન્તુભ'ઇના નામે ઓળખે છે. કિન્તુ પરીખ. આ તો વળી વહાલાકાકાએ તમારૂં નામ આપ્યું કે, જીવન ચરીત્ર આની પાસે લખાવો. છાપા-બાપામાં કંઇ હસવા-બસવાનું લખે છે...તે મેં 'કૂ... તમને ચાન્સ આલીએ.''

હું ટીવી પર ઍનિમલ પ્લૅનેટ જોતો હોઉં એવું મને લાગ્યું. એમનો દેખાવ સામાન્ય રીતે, મનુષ્ય જાતિમાં જવલ્લે જ જોવા મળે એવો હતો. સ્કૂલ છૂટી ગયા પછી દસ-બાર છોકરાઓ સ્કૂલના મેદાનમાં હજી રમતા હોય-ઘેર ન ગયા હોય, એમ એટલી સંખ્યામાં એમના માથા ઉપર વાળ હરફર-હરફર કરતા હતા. એમના માથા કરતા કાનમાં વાળની સંખ્યા અને વજન વધુ હતા. આ તો આપણો વિષય નહિ, એટલે બોલાય નહિ પણ, સૅન્ડવિચ-બ્રેડની સૌથી ઉપલા અને છેલ્લા પડ જેવા એમના ગાલ હાફ-શૅવને કારણે, મમરી ચાની ભૂકી ગાલ ઉપર કોઇ ચોંટાડી ગયું હોય એવું લાગે. એમની પાસે ગળું કહો કે ડોકી કહો, હતા પોતાના જ,પણ શીશીનું ઢાંકણું જામ થઇ ગયુંહોય ને ખુલતું ન હોય, એમ એમનું ડોકું ખભા ઉપર માથાને ફરકવા દેતું નહોતું. સાઇડમાં જોવા માટે કિચનમાં આપણે આખું ફ્રીજ ખસેડીએ, એમ એ પેટથી ઉપરનું બૉડી ઘુમાવતા સુવર્ણમૃગની પાછળ ગયેલા શ્રીરામ પાસે જવા હઠાગ્રહે ચઢેલા સીતા માતા સામે ઝૂકી જઇને લક્ષ્મણે પોતાના તીર વડે જમીન પર લક્ષ્મણ-રેખા ખેંચી હતી,એવી બે રેખાઓ આમને કપાળ નીચે ખેંચાવી હતી, જેને સમાજ આંખ ઉપરની ભ્રમરો કહે છે. યુધ્ધભૂમિમાં બુરી રીતે લોહીલુહાણ થયેલા સૈનિકો ઘોડાની પીઠ ઉપર આડા પડીને ગામમાં એક પછી એક પાછા આવતા હોય, એમ એ વાત કરે ત્યારે એમના વાળ ખભાની આગળ આવતા. પ્રભુએ આ માનવ શરીર બનાવતી વખતે બધું ધ્યાન રાખ્યું હશે, પણ ભૂલમાં છાતી પાછળ અને પીઠ આગળ મૂકાઇ ગઇ હોય એવું કંઇક ઊગી નીકળ્યું હતું. સ્નાયુબધ્ધ પુરૂષોની છાતી ઉપર બે મોટા ફોડલાં પડયાં હોય, એવા એમને પાછળ પડતા હતા. દાઢીની વચ્ચોવચ કોઇ કાણાં જેવું પડેલું દેખાતું હતું. કદાચ કાણું ન પણ હોય ને કદાચ હોય પણ ખરૂં, પપ્પાના ડરથી ગભરાઇને છોકરૂં પિપડાંમાં સંતાઇ ગયું હોય, એવો દાઢીનો એક નાનકડો વાળ એ કાણામાં કાંપતો હતો.

બોલતી વખતે એ મારો હાથ ખેંચેલો રાખતા અને વાક્ય પૂરૂં થયે છોડી દેતા, અર્થાત કાયમનો સાથ નહિ ! મને થયું, આમ કરવામાં મઝા આવતી હશે એટલે એક વાર હું કંઇક બોલવા ગયો ત્યારે મેં પણ એ જ રીતે એમનો હાથ પકડીને ખેંચેલો રાખ્યો. ખાસ કાંઇ મઝા ન આવી, એટલે મેં તે છોડી દીધો, એમાં કોઇ વિરાટ સત્ય શોધી કાઢ્યું હોય, એવા ચેહરે ગર્વથી તેઓ બોલ્યા, ''બસ... આ જ! આજ તમારો મોટો સદગુણ છે.... કે લીધેલી વાત તમે પકડી રાખતા નથી. તમે જીદ્દી નથી.... અને તમે મારી નકલ કરી, એ મને ગમ્યું.''
''કિન્તુભાઇ, તમે ગલત જગ્યાએ આવ્યા છો. હું છાપામાં લેખો-બેખો લખું છું, એ બરોબર છે, પણ આવા વસીયતનામાઓ નથી લખતો.'' મેં એમની આંખોમાં જોયા વિના જવાબ આપ્યો. મારી ધારણા અને અપેક્ષા મુજબ એ મારો આવો જવાબ સાંભળીને ખીજાયા.

''જો ભ'ઇ...તમે તમારી જાતને મોટા લેખક-બેખક સમજતા હો, એ તમારો પ્રોબ્લેમ છે. આ તો આપણને એમકે,મારૂં જીવન-ચરીત્ર કોક સારા માણસ પાસે લખાવીએ... તમને બે પૈસા મળે ને મારો સંદેશ પ્રજા સુધી પહોંચે... બાકી તમારા જેવાઓને તો હું નોકરીએ રાખું છું.''

મને મારામારી કરતા નથી આવડતું. આજ સુધી કોઇની સાથે ઝગડયો નથી. ગુસ્સો મને આવતો નથી, છતાં એક સફળ હસબન્ડ છું. પણ કિન્તુભ'ઇ જે બધું બોલી ગયા, એ સાંભળીને વાઇફે કિચનમાંથી આવીને કહી દીધું. ''એ ડોહા... તમે સમજો છો શું તમારી જાતને ? નીકળો બહાર....!'' વાઇફ ગુસ્સાવાળી ખરી, એટલે એ એક સફળ વાઇફ છે. ''ઓકે... ના લખવું હોય તો તમારી મરજી....'' નૉર્મલી આવો ડાયલોગ દુનિયાભરના લોકો ઊભા થતા થતા બોલે... આ બેઠા બેઠા જ બોલ્યા. ''બાકી.... હું તો મારૂં જીવન ચરીત્ર લખાવવાના તમને રૂ. ૨૭ લાખ આપવા આવ્યો છું.... બાકીના ત્રણ લાખ.... લખાઇ ગયા પછી !''

જડબાં 'લોક-જો' થઇ ગયા હોય, એમ અમારા બન્નેનાં મોઢાં પહોળાં થઇ ગયા.

સાલી એમણે તો બૅગ ખોલી અને સાચ્ચે જ એટલા રૂપિયા હતા એમાં. વાઇફ અને હું બન્ને એક સાથે હેબતાઇ ગયા. અમારામાં હેબતાવાનું બહુ હોય, પણ એક સાથે કદી નહિ... હું એકલો જ હેબતાતો હોઉં, પણ દુઃખી તો દુઃખી, જ્યાં રાજા હરિશ્ચંદ્ર જાય ત્યાં જ પાછળ એમના વાઇફ સતી તારામતિ જાય, એમ મારા હેબતાવામાં પહેલી વાર વાઇફે સાથ આપ્યો અને સુંદર રીતે હેબતાઇ બતાવ્યું.

''૨૭ લાઆઆઆઆ..ખ.....?'' અમે બન્ને એક સાથે પેલાના દેખતા બોલી ઊઠયા. શું કરવું, શું નહિ, એનો અમને બન્નેને ખ્યાલ ન રહ્યો. પેલી માટે ઘટનાસ્થળ છોડવું સરળ હતું અને એ, ''બેસો બેસો સાહેબ... પાણી લાવું'' કહીને કિચનમાં પાણી લેવા જતી રહી. કંઇ સૂઝ્યું નહિ એટલે મને ય થયું, હું ય બીજો ગ્લાસ પાણીનો લઇ આવું. પીવાની ના પાડે તો નહાવાનું પણ લઇ આવું, પણ એમના ૨૭ લાખના આવા જીવલેણ હૂમલાથી અમે બન્ને ડઘાઇ ગયા હતા. અફ કોર્સ, ડઘાવામાં મને છેલ્લા ૩૯ વર્ષોથી ફાવટ હતી (લગ્ન તા. ૭ ડીસેમ્બર, ૧૯૭૬) પણ વાઇફ માટે આ બધું નવું નવું હતું, છતાં અમે બન્ને સંયમ રાખીને કિન્તુભ'ઇની  સાથે અને સામે બેઠા.

''ઓહ... યૂ મીન... આઇ મીન..... એટલે કે, કિન્તુભ'ઇ... ભ... પ... ડણ.... ખખખ...

''જુઓ મિસ્ટર દવે.... બોલો હવે ! શું વિચાર છે ? લખવી છે મારી જીવનયાત્રા...?''

''અરે સાહેબ, આ ભાવમાં તો હું મૃત્યુયાત્રા પણ-----આઇ મીન, તમે કહેશો, એ લખી આપીશું... મારા તો કમ્પ્યૂટરમાં ય અક્ષરો સારા આવે છે... બોલો સર-જી, ક્યારથી બેસવું છે ?'' મારા ચરીત્રમાં જો કોઇ ઉત્તમ ક્વોલિટી હોય તો એ વિનય-વિવેકની છે. હું મને બહુ ગમું. કિન્તુભ'ઇને ગમી જઉં, એટલે બેડો પાર.... સુઉં કિયો છો ?

''શાહેબ, અસોક તો બઉ શરશ લખે છે.... તમારૂં જીવન-ચરીત્ર વાંચતા જ બધા દાંત કાઇઢશે (હસી પડશે.)'' હાળી અતિઉત્સાહમાં બધું બાફી રહી હતી. જીવન-ચરીત્રોમાં ફિલમ ઉતારવાની ના હોય, તે બધા પાસે દાંત કઢાવવાની વાત કરે છે. જો કે, ઘણી વાર હું ઘરમાં હોઉં, ત્યારે પણ ઈન્ટેલિજન્ટ સાબિત થઉં છું, એટલે મેં કિન્તુભ'ઇને પૂછ્યું, ''સર-જી, બોલો, મારે શું કરવાનું છે ? આઇ મીન, ક્યારથી શરૂ કરવું છે ?''

સવાલ સાંભળીને કિન્તુના માથાના પેલા ૮-૧૦ વાળ પૈકીના બે-ત્રણ ટટ્ટાર થઇ ગયા. ''બસ. કાલથી શરૂ કરો. એ પહેલાં એક કામ કરો.... આઇ મીન, લખવાનું તો તમારૂં પાક્કું છે ને ?'' અમારો જવાબ સાંભળ્યા વિના જ એમણે પૂછ્યું, ''ઘરમાં કોઇ લૅપટૉપ-બૅપટૉપ પડયું છે ?''

''ઓહ.... અરે, પૂછવાનું હોય ? નવુંનક્કોર લાયા છીએ... વાઇફ... પેલું કાલે લીધું એ લૅપટૉપ લાય તો !''
''હોય તો મને આપો.... એમાં હું મારી લાઇફની બધી દાસ્તાનોના અંશો તબક્કાવાર લખી આપીશ. કાલે મારા ઘેરથી લઇ જજો. આમાં ફક્ત ૧૮ લાખ જ છે.... કાલે ઘેર આવીને પૂરા ૨૭ લાખ લઇ જજો. આ મારૂં કાર્ડ. હું રાતની ફ્લાઇટમાં જર્મની જઉં છું... બે વીક માટે. ત્યાં સુધીમાં આખું જીવન-ચરીત્ર તૈયાર રાખજો... થઇ જશે ને ?''

''અરે સર-જી, હું તો આજથી જ પૂર્વભૂમિકા લખવાની શરૂઆત કરી દઇશ.... ડૉન્ટ વરી.''

૨૭ લાખ તો માય ફૂટ ! સાલો ગઠીયો મારૂં નવુંનક્કોર રૂ. સવા લાખનું લૅપટોપે ય લેતો ગયો. એ તો પછી ખબર પડી કે, અમારા બન્નેના મોબાઇલ ફોનો ય કિન્તુડો લેતો ગયો છે.

આજથી હું મારૂં જીવન ચરીત્ર લખવા બેસીશ.

સિક્સર
- બાંગ્લાદેશની મુસ્લિમ લેખિકા તસલીમ નસરીને લખ્યું છે, 'આમિરખાન, તું તારી ફિલ્મ 'પીકે'માં હિંદુ દેવી-દેવતાઓની મશ્કરીઓ કરી કરી રૂ.૩૦૦ કરોડ કમાયો છું. આવી ધૃષ્ટતા તેં પાકિસ્તાન, બાંગ્લાદેશ કે કોઇપણ મુસ્લીમ દેશમાં કરી હોત, તો તને ફાંસીએ લટકાવ્યો હોત !... અને છતાં તું કહે છે, 'ભારત અસહિષ્ણુ દેશ છે ? ' આવું એક મુસ્લીમ સ્ત્રી ઉઘાડે છોગ હિમ્મતથી કહી શકે છે. ...અને આપણા મોટાભાગના ભારતીયો 'માં બહુચરના' ભક્તો જેવા ચૂપ રહ્યા છે. સાચો ભારતીય હવે આમિરની કોઇ ફિલ્મ ન જુએ !

No comments: