Search This Blog

31/01/2016

ઍનકાઉન્ટર : 31-01-2016

* શું તમારે શ્રી. નરેન્દ્ર મોદી સાથે ફોન-સંપર્ક થાય છે ?
- હું અમેરિકા જઉં, ત્યારે ત્યાં થાય છે.
(પ્રશાંત જે. દવે, જામનગર)

* હવે તો બુઢ્ઢાઓ ય જર્સી પહેરવા માંડયા છે ને કાંઈ... !
- બુઢ્ઢાઓમાંથી બહાર આવીને, તમારા માપસરનીઓ શું પહેરે છે, તે તપાસ કરો, તો કાંઈ વળે !
(કૃતાર્થ આઈ. વૈષ્ણવ, રાજકોટ)

* છુટાછેડા માટેના આવશ્યક પરિબળો... ?
- મારા પ્રિય યુવા કવિ ભાવેશ ભટ્ટનો શૅ'ર છે :
'ના ભલમનસાઈ કામ આવી, ના ચાલાકી,
સમાધાનનો કોઈ રસ્તો રહ્યો ન બાકી.
છુટાછેડા તો હું હમણાં આપી દઉં પણ,
તારી યાદો માંગે છે ખાધાખોરાકી !'

* લોકો બીજાઓને તકલીફ પડે, એમ ગાડી પાર્ક કરે છે. કોઈ ઉપાય ?
- ડ્રાયવર-સાઇડની વિન્ડો ઉપર એક કાર્ડ લખી ભરાવી દો, 'પથ્થર મફતમાં મળે છે ને તમારી ગાડીનો કાચ પાંચ હજારમાં ! જોઈએ, નૅક્સ્ટ ટાઇમ કોણ જીતે છે !'
(હર્ષદ પટેલ, અમદાવાદ)

* ગાંધીજીની સમાધિનું નામ 'રાજઘાટ' છે, તો ડૉ. અબ્દુલ કલામની સમાધિનું નામ શું હોઈ શકે ?
- 'મિસાઇલ-ઘાટ.'
(નીલ ઓડેદરા, પોરબંદર)

* મારે તમને મળવું છે...
- 'મળ્યા પછી શું કરવું છે ?'
(ચેતન ત્રિવેદી, અમદાવાદ) અને (આબિદ જુઝારા, ગોધરા)

* મંદિરમાં ડ્રેસ-કૉડના તમે કેટલા હિમાયતી ?
- હા. કંઈક તો પહેરીને જ જવું જોઈએ.
(જયેશ અંતાણી, ભાવનગર)

* બૉસ, સંગીતનો શોખ ખરો ?
- યસ, હું કૉલબેલ બહુ મસ્ત વગાડું છું.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* દુનિયામાં અશોક દવે એક જ 'ઍનકાઉન્ટર-સ્પેશિયાલિસ્ટ' છે, જે પિસ્તોલને બદલે પૅન, પત્ની અને પંખો વાપરે છે...સુઉં કિયો છો ?
- આમાંથી ફક્ત પત્ની જ પોતાની... બાકી બધું પારકાનું !
(દીપક એસ. માછી, વડોદરા)

* કોઇની આખરી ઘડીઓ ગણાતી '૧૦૮' ઍમ્બ્યુલન્સને માર્ગ કરી આપવાને બદલે, લોકો પોતાની રીતે જ ગાડી ચલાવે જાય છે... કોઈ ઉપાય ?
- ભારતમાં સૌથી પવિત્ર કોઈ કામ થતું હોય, તો તે '૧૦૮'વાળા કરી રહ્યા છે. ઈશ્વર કરે, કોઇને કદી એની જરૂર ન પડે.
(દીપક પટેલ, અમદાવાદ)

* ટ્રાફિક-સિગ્નલ પર રૅડ-લાઇટ હોવા છતાં લોકો હૉર્ન કેમ વગાડે છે ?
- એ તો આગળની કારમાં 'જોવા જેવું' કોઈ બેઠું હોય તો !
(દીપક સોલંકી, નિકોલ)

* જન્માષ્ટમીને દિવસે જુગાર રમવો, ક્યા શાસ્ત્રમાં લખ્યું છે ?
- '૫૨-પાનાંની ગીતા' નામના શાસ્ત્રમાં.
(ધીમંત ભાવસાર, બડોલી-ઈડર)

* ગર્લ-ફ્રૅન્ડને મનાવવાનો કોઈ સીધો ઉપાય ખરો ?
- આવું પાછું તમે એક નિર્દોષ પરિણિતને પૂછો છો... જેણે લાઇફમાં કદી પરિણિત ગર્લ-ફ્રૅન્ડ રાખી નથી.
(મિહિર ગજેરા, સુરત)

* પૅટ્રોલનો ભાવવધારો હવે ક્યારે આવશે ?
- એનો આધાર તમારે પેટ્રોલ શું બાળવા જોઇએ છે, એના ઉપર છે... લોહી બાળવા કે ગાડી બાળવા ?
(કોમલઅલી કાનાણી, ભાવનગર)

* કોંગ્રેસ હજી સુધરી નહિ... કેમ ?
- જોકર ન હોય, એવું કમ-સે-કમ એક પાત્ર તો આખા પક્ષમાં હોવું જોઇએ ને ?
(પાર્થ દેલવાડીયા, સુરત)

* લોકમેળામાં ચાલતી રાઇડ્સ વિશે શું માનો છો ?
- નોકરી તો ત્યાં ય નથી મળતી.
(મહાવીરસિંહ ઝાલા, રાજકોટ)

* હાલમાં બહુ ચર્ચિત 'રાધે માં'ને મળવા તમે જશો ખરા ?
- હું ઘેર રોજ બસ્સો-બસ્સોવાર ઘઉંની ગુણી ઉંચકીને ઘરમાં ફરવાની પ્રૅક્ટીસ કરૂં છું.
(નિખિલ રાજ્યગુરૂ, ભાવનગર)

* તમારા મતે કરકસર એટલે શું ?
- 'કરકસર'માં કેટલા બધા કાના-માત્રની બચત થઇ છે !
(ભરત ગાંભવા, ચંડીસર-બીકે)

* નિરર્થક માંગણીઓને બદલે આતંકવાદીઓ સામે લડવા દેશના લોકો એક કેમ થતા નથી ?
- પોતપોતાના ધર્મો માટે બધા એક થાય છે જ...'જ્ઞાતિ-એકતા ઝીંદાબાદ.'
(દીપ્તી ચેતન દવે, અમદાવાદ)

* હું કવિ બનવા માંગું છું.
- મને તમારા ગામ ચાવંડની પ્રજા ઉપર વિશ્વાસ છે. એ ગમે તેવો જૂલમ સહન કરી લેશે.
(ચિરાગ ભટ્ટ, ચાવંડ-લાઠી)

* તમને બબિતાજી ગમે ?
- જેઠાલાલ સાથે મારા અંગત સંબંધો બહુ સારા છે.
(અભિ ભીમાણી, વાપી)

* અશોક દવેની પસંદ આમાંથી કઇ ? અમિતાભ, રફી, મોદી કે શંકર-જયકિશન ?
- 'અશોક દવે' પછી આ બધા નામો આવે.
(તાહેરઅલી માંડવીવાલા, સુરત)

* અભિષેક બચ્ચન, સૈફઅલી ખાન અને તુષાર કપૂરના ત્રાસમાંથી ક્યારે છુટાશે ?
- અભિ અને સૈફ સારા ઍક્ટરો છે... સારો રોલ મળે એટલે પુરવાર થશે... બાકી તુષાર કપૂર....? કૂવામાં હોત તો હવાડામાં આવત ને ?

No comments: