Search This Blog

29/01/2016

'ચોર બાઝાર'

ફિલ્મ : 'ચોર બાઝાર'
નિર્માતા : ઓલ ઈન્ડિયા પિક્ચર્સ
દિગ્દર્શક : પ્રેમનારાયણ અરોરા
સંગીત : સરદાર મલિક
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઈમ :૧૪-રીલ્સ
કલાકારો : શમ્મી કપૂર, સુમિત્રાદેવી, ચિત્રા, ઓમપ્રકાશ, રામ અવતાર, જગદિશ કંવલ, શશીકલા, અમર, કક્કુ.





ગીતો
૧, ચલતા રહે યે કારવાં, ઉમ્રે રવાં કા કારવાં...  લતા મંગેશકર
૨, યે દુનિયા કે મેલે, મગર હમ અકેલે...  શમશાદ બેગમ
૩, તારોં કી પાલકી મેં આઈ જવાની...  શમશાદ-કોરસ
૪, તેરે દર પે આયા હૂં ફરિયાદ લેકર...      તલત મેહમૂદ
૫, હુઈ યે હમ સે નાદાની તેરી મેહફીલ મેં આ બૈઠે...     લતા મંગેશકર
૬, દર દર કી ઠોકરેં હૈં, કોઈ નહિ સહારા...  લતા મંગેશકર
ગીત નં. ૪ '૫૩માં બનેલી ફિલ્મ 'લયલા-મજનૂ'માં પણ હતું.

આ પહેલો પેરેગ્રાફ તો લતા મંગેશકરના ફૂલ-ટાઈમ ચાહકોએ જ વાંચવા જેવો છે. બાકીના બધા બીજા ફકરાથી શરૂ કરે, તો એમને કાંઈ ગૂમાવવાનું નથી. હું આજ સુધી ગૂમાવતો રહ્યો હતો, સરદાર મલિકના સ્વરાંકનમાં શકીલ બદાયૂનીએ લખેલા, 'હુઈ યે હમ સે નાદાની તેરી મેહફીલ મેં આ બૈઠે!' એ લતાના ગીતને બસ, એકલા આ જ ગીત માટે મને ખબર હતી કે, બાકીની ફિલ્મમાં શમ્મી કપૂર સિવાય કાંઈ કમાવાનું નથી, તો ય મેં આ ફિલ્મ એટલા આ ગીત માટે જોઈ. ઘરમાં ઓડિયો ઉપર તો વર્ષોથી પડી હતી, પણ ફિલ્મમાં આ ગીત કેવું ઉતર્યું હશે, એની ઉત્કંઠા પરીકથાની રાજકુમારીની જેમ વધે જતી હતી. એમ તો તલત મેહમુદનું 'તેરે દર પે આયા હૂં ફરિયાદ લેકર...' ગમતું તો હતું, પણ લતાના આ ગીતની સામે તો લતાના જ બીજા દસેક ગીત માંડ ઊભા રહી શકે...! (લતાના દરેક ગીત માટે હું આમ જ કહેતો હોઉં છું...આ તો એક વાત થાય છે. આજના સંગીતકાર અનુ મલિકના પિતા સરદાર મલિક એ દિવસે શું ખાઈને... સોરી, શું 'પીને' બેઠા હશે કે, આવી મધુર તરજ એમના દિમાગમાંથી નીકળી ! શકીલભાઈ પણ વાચકો જાણે છે તેમ સાહિર પછીના મારા માટે શ્રેષ્ઠ ગીતકાર હતા. એમણે શબ્દો લખ્યા છે, એ તો સહેજ જુઓ, ''ખબર ક્યા થી ગુલિસ્તાને મુહબ્બત મેં ભી ખતરે હૈં, જહાં ગીરતી હૈ બીજલી હમ ઉસી ડાલી પે જા બૈઠે...'' વાચકોને મારૂં આટલું વાંચીને થોડો મધુરો સળવળાટ થયો હોય તો ઓડિયો કે વિડીયો પર તાબડતોબ આ ગીત સાંભળો... સળવળાટ ઘણો વધી જશે. આમાં તમારા પોતાના ગુલિસ્તાનમાં ખતરો-બતરો હોય તો ય ધીરજ ધરીને આ ગીત સાંભળો... નૌશાદઅલીના શબ્દોમાં કહીએ તો, લોકો એમને એમ લતાને માં સરસ્વતિ નથી કહેતા !

દયા આવી જાય આવા નમૂનેદાર ગીતના સર્જક સંગીતકાર સરદાર મલિક જેવા દિગ્ગજ સંગીતકારો ઉપર કે, દિગ્ગજ ખરા, પણ મોટા નહિ ! પણ તો ફિલ્મોમાં બેનમૂન સંગીત આપવા છતાં ચાલ્યા કેમ નહિ ? ઈકબાલ કુરેશી, ખય્યામ, સુધીર ફડકે, શ્રીનાથ ત્રિપાઠી, એસ. મોહિંદર, સ્નેહલ ભાટકર, વસંત દેસાઈ, સજ્જાદ હુસેન (તો સમજ્યા કે, એનો તોછડો સ્વભાવ એને નડયો), રામ ગાંગુલી, એન. દત્તા, જમાલ સેન, બુલો સી. રાની, હંસરાજ બેહલ, શ્યામ સુંદર (એનું ય સજ્જાદ જેવું હતું... માં-બેનની ગાળો ઈવન લતા મંગેશકરને ય દઈ દેતો એમાં છેવટે પત્તું કપાઈ ગયું.) અને આમ જોવા જઈએ તો બદનસીબીની આ વાત ઠેઠ રોશન સુધી પહોંચે છે.

સરદાર મુહમ્મદ મલિક મૂળ તો ફિલ્મોમાં ડાન્સર તરીકે આવ્યા હતા. ભરત નાટયમ, મણિપુરી અને કથ્થકના નિપુણ નૃત્યકાર, જેમણે રેખા-નવિન નિશ્ચલની 'સાવન ભાદો' જેવી અનેક ફિલ્મો બનાવી હતી, તે નિર્માતા-દિગ્દર્શક મોહન સેહગલ સાથે ફિલ્મ '૪૦-કરોડ'માં એમણે ડાન્સ પણ કર્યો હતો.

યસ, ભારતપ્રેમીઓને ગમી જાય એવી વાત એ પણ છે કે, ધી ગ્રેટ શાયર ફૈઝ એહમદ 'ફૈઝ'ના આ ચેલા સરદાર મલિક પણ ગુરૂની માફક ખુલ્લેઆમ કહેતા કે, હું દરેક ધર્મોને સરખા ગણું છું. કારણ કે, જેને મળો, એ પોતાના ધર્મને જ સર્વોત્તમ કહેવાનો છે. એમાં ને એમાં લાખો હિંદુ-મુસલમાનો માર્યા ગયા. સરદાર મલિકે તો ઉઘાડેછોગ એમ પણ કબુલ્યું છે કે, એ કદી નમાઝ પઢતા નથી. 'મારા માટે માણસ માણસને ચાહે, પછી પોતાના માં-બાપને, પછી પોતાના દેશને અને 'જરૂર પડે તો' પોતાની ન્યાત-જાતને પ્રેમ કરવો જોઈએ.'

ફિલ્મ 'સારંગા'ના આ સંગીતકારે માંડ ૨૯-૩૦ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ચોંકાવનારો એક જવાબ તો એમણે પણ આપ્યો હતો કે, તમારા ગયા પછી લોકો તમને કઈ દ્રષ્ટિએ યાદ કરે, એવું ઈચ્છો છો ? તો મોટા ભાગના પોતાના સર્જનો કે સિદ્ધિઓ માટે જવાબ આપે, ત્યારે સરદાર મલિકે કીધું હતું, ''ફક્ત માનવતાવાદી તરીકે... જેને માટે સહુ એક સમાન છે.''

સરદાર મલિકની એક ફિલ્મના ગીતો વધુ જામ્યા, 'સારંગા'ના. પણ રફી-સુમનનું, 'તેરે હમ ઓ સનન, તુ કહાં મૈં કહાં...'ફિલ્મ બચપન, 'ચંદા કે દેસ મેં રહેતી એક રાની' અને 'બહારોં સે પૂછો, મેરે પ્યાર કો તુમ' (સુમન-મૂકેશ) (મૂકેશ-ફિલ્મ 'મેરા ઘર મેરે બચ્ચે'), 'મુઝે તુમસે મુહબ્બત હૈ, મગર મૈં કહે નહિ સકતા..., ફિલ્મ 'બચપન' આ ગીત સલમાન ખાનના પિતા અને સલિમ-જાવેદવાળા સલિમ-જે આ ફિલ્મનો હીરો હતા, એમની ઉપર ફિલ્માયું હતું. આ ફિલ્મના સંગીતકાર સરદાર મલિક હસરત જયપુરીના બનેવી હતા.

ફિલ્માંકન બાબતે સાવ નવોસવો હોવા છતાં શમ્મી કપૂર નસીબદાર નીકળ્યો. એની જ ફિલ્મ 'લયલા-મજનૂ'માં સરદાર મલિકની સાથે ગુલામ મુહમ્મદ-બન્નેનું સહિયારું સંગીત હતું. કમનસીબે એમાંથી તલતે ગાયેલું અને સરદારે બનાવેલું 'તેરે દર પે આયા હૂં, ફરિયાદ લેકર...' ફિલ્મમાંથી કાઢી નાંખવામાં આવ્યું અને એ જ શમ્મી, એ જ સરદાર અને એ જ તલતનો મેળ બેસી જતો હોવાથી એ પછી તરત આવેલી આપણી આજની ફિલ્મ 'ચોર બાઝાર'માં એ મૂકવામાં આવ્યું.

ઓહ, શમ્મી કપૂર...! જેણે 'જંગલી'વાળો શમ્મી જોયો હશે, એના માનવામાં નહિ આવે કે, 'ચોરબાઝાર'નો શમ્મી સુદ્રઢ અને V આકારનું સ્નાયુબદ્ધ શરીર ધરાવતો હતો. શરૂશરૂમાં તો એ નિર્માતાઓની હઠને કારણે મૂછો ય રાખતો, જેથી પ્રેક્ષકોને એમાં રાજ કપૂરની છાંટ દેખાય. આમાં તો રાજ ઉપરાંત ઠેકઠેકાણે શશી કપૂરનો ય અણસાર આપે છે, પણ ત્રણે ભાઈઓની ખૂબી એ કે, ત્રણેએ કદી કોઈની તો જાવા દિયો... એકબીજાની નકલે ય નથી કરી. જેવા હતા, ઓરિજીનલ હતા. આ ફિલ્મ '૫૪માં ઉતરી હતી. અર્થાત્ શમ્મી માંડ ૨૩-વર્ષનો હતો. હજી એકાદ વર્ષ પહેલા તો એ ફિલ્મોમાં આવ્યો હતો. એ વખતે હિંદી ફિલ્મોના વિખ્યાત કલાકારો, દિલીપકુમાર, રાજ કપૂર, નરગીસ, પ્રાણ અને બેગમ પારા જેવા કલાકારો સિલોન (આજનું શ્રીલંકા) સામે ફિલ્મ કલાકારોની ક્રિકેટ મેચ રમવા ગયા, જેમાં સૌથી નાનો શમ્મી પણ હતો. ક્રિકેટ તો બાજુએ રહ્યું, શમ્મી ત્યાંની કોઈ ક્લબમાં કેબરે-ડાન્સ જોવા ગયો અને એક ઈજિપ્શિયન ડાન્સરના પાગલ પ્રેમમાં પડી ગયો. બાકીની ટીમ તો ઈન્ડિયા પાછી આવી ગઈ, પણ ભાઈ રોકાઈ ગયા. પેલી સાથે દોસ્તી થઈ ને શમ્મીએ સીધું પ્રપોઝ કરી દીધું, ''મારે તારી સાથે લગ્ન કરવા છે.'' પેલી ચોંકી. હજી તો એ ય ૧૭ વર્ષની જ હતી, છતાં ય પૂરી મેચ્યોરિટીથી કીધું, ''જોઈશું.''

શમ્મી ઈન્ડિયા પાછો આવ્યો ને થોડા દિવસમાં પોતાના દેશ ઈજિપ્ત (કેરો) જતા એ અને એની માં મુંબઈ ઉતર્યા. શમ્મીને જાણ કરી હતી, એટલે શમ્મીએ માં-દીકરીને મુંબઈની તાજ મહલ હોટલમાં ઉતાર્યા. એટલું જ નહિ, રાજ કપૂરની ફિલ્મનો પ્રીમિયર શો જોવા એ બન્નેને પોતાના ફેમિલી (જેમાં શમ્મીના ય દાદા, લાલા બસેશરનાથ પણ હતા)ને લઈ ગયો ને ત્યાં જ એલાન કરી દીધું કે, ''આ કપૂર ખાનદાનની 'બહુ' બનવાની છે.'' પણ પેલીએ શમ્મીને ખૂણામાં બોલાવીને કહ્યું, ''શામી, હજી આપણે બન્ને ઉંમરમાં બહુ નાના છીએ.'' ઉતાવળ શું કામ ? એક કામ કરીએ. પાંચ વર્ષનો સમય લઈએ, ત્યાં સુધી તું મને ચાહતો હોઈશ અને હું પણ તને ચાહતી હોઈશ, તો લગ્ન કરીશું.'' શમ્મી સહમત થયો. શમ્મીના જ શબ્દોમાં કહીએ તો પેલીની વાત સાચી પડી. પાંચ વર્ષમાં તો મેં અહીં (ગીતા બાલી સાથે) અને એણે ત્યાં લગ્ન કરી લીધા. પછી જીવનના અંત સુધી શમ્મીને એની ભાળ મળી નહિ કે મેળવી પણ નહિ.

ભાળ મેળવવાનું કામ શમ્મીને આ ફિલ્મ 'ચોર બાઝાર'માં સોંપવામાં આવ્યું હતું, ફિલ્મની હીરોઈન સુમિત્રાદેવીના ચોરાયેલા અતિ કિમતી મોતી શોધી લાવવાનું ! કારણ કે, ફિલ્મમાં એ પોતે ચોર અને સુમિત્રા મહારાણી છે. ૧૯૨૩-માં જન્મેલી આ બેંગોલી ટાયગ્રેસ સુંદર વાઘણને પણ શરમાવે એવી સુંદર હતી. મૂળ નામ નીલિમા ચેટર્જી, પણ ન્યુ થીયેટર્સમાં અરજી કરીને સામે ચાલીને હીરોઈન બનવા ગઈ, ત્યાં દેવકી બોઝે એનું નવું નામ સુમિત્રાદેવી પાડયું. તમે એને રાજ કપૂરની ફિલ્મ 'જાગતે રહો'માં જોઈ છે. ફિલ્મના ટાઈટલમાં પહેલું અને મોટું નામ સુમિત્રાદેવીનું મૂકવામાં આવ્યું છે, પણ હીરોઈન ચિત્રાને બનાવવામાં આવી છે. એક સમયે મુંબઈના લેમિંગ્ટન રોડ ઉપર રહેતી (આઈ મીન, રોડ ઉપરના કોઈ મકાનમાં) ચિત્રા પૈસાપાત્ર મુસલમાન પરિવારની હતી અને સાચું નામ 'અફસર બાનુ' હતું. ચિત્રાનું નામ આપણે લોકો સ્કૂલમાં હતા ત્યારે ('૬૦-ના દાયકામાં) 'ઝીમ્બો' અને 'ટારઝન' જેવી ફિલ્મોમાં બહુ સાંભળેલું. ચિત્રા- આઝાદની જોડી મશહુર હતી. બિમલ રોયની 'દો બીઘા જમીન'માં ય એ હતી. એની સૌથી પહેલી ફિલ્મ 'માન' હતી (જોકે, એ પહેલા ફિલ્મ 'દાના પાની'માં ય એ આવી ગઈ હતી.) આ 'માન' (હીરો અજીત) માટે ફરી એક વાર લતા મંગેશકરના મારા જેવા પ્રેમીઓને આ લેખના પહેલા પેરેગ્રાફમાંથી પાછા અહીં ખેંચી લાવવા પડશે. અનિલ બિશ્વાસ એટ હિઝ બેસ્ટ-ના ધોરણે, લતાના 'ગૂઝરા હુઆ ઉલ્ફત કા ઝમાના, યાદ કર કે રોયેંગે,' 'મેરે પ્યાર મેં તુઝે ક્યા મિલા, મેરે દેવતા મુઝે ભૂલ જા' અને મૂકેશના 'રેર' 'દમભર કા થા દૌર ખુશી કા, જિસકો મુકદ્દર લૂટ ગયા' ઉપરાંત એક વિચિત્ર વાત, લતાના 'અલ્લાહ ભી હૈ મલ્લાહ ભી હૈ, કશ્તિ હૈ કે ડૂબી જાતી હૈ.'

આ ગીતની ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી એવી છે કે, ફિલ્મ 'અનારકલી' નામની બે ફિલ્મો બની રહી હતી. એકના સંગીતકાર અનિલ બિશ્વાસ હતા અને બીજાના સી. રામચંદ્ર. અનિલ દા ના કમનસીબે, એમનાવાળી 'અનારકલી' પૂરી જ ન થઈ ને બીજી બાજુ પેલી હિટ ગઈ - ખાસ તો સંગીત અને લતા મંગેશકરના 'યે ઝીંદગી ઉસી કી હૈ...'ને કારણે. આ તો ફિલ્મની વાર્તા જેવું થયું કે, રાજઘરાણામાં જન્મેલી બે રાજકુંવરીઓમાંથી એક મહેલમાં ઉછરે ને બીજી ભિખારણને ઘેર. અહીં એવું જ થયું. જે ગીત ભીંતમાં જીવતી ચણાવવાની શેહજાદી અનારકલી માટે બન્યું હતું, એ અનિલ દાએ એ પછીની પોતાની ફિલ્મ 'માન'માં વાપરવું પડયું અને તે પણ શેહજાદીના કંઠે નહિ, ભિખારણના કંઠે... 'તકદીર કહાં લે જાયેગી માલૂમ નહિ...' એ શંકર-જયકિશનના ગીતના શબ્દો જ યાદ કરવાના !

પણ આ ફિલ્મ 'ચોર બાઝાર'માં યાદ કરવા કે યાદ રાખવા જેવું કાંઈ બન્યું જ નહિ. આમ વિલનને ''બે વાર ઉઠ...ઉઠ...'' કહીને લલકારતો શમ્મી કપૂર અહીં લેવા-દેવા વગરની તલવારબાજી કરવા મંડી પડયો છે, એમાં ફાઈટ-ડાયરેક્ટરમાં ઠેકાણાં નહિ, એટલે શમ્મી ચૂનાનો કૂચડો મારી દિવાલ ધોળે છે કે તલવાર-તલવાર રમે છે, તે સમજવું કઠિન છે. ઓમપ્રકાશ કેમ આટલું બધું સફળતાપૂર્વક આટલા વર્ષો ચાલ્યો, એનું રહસ્ય જોવું હોય તો આહીં કચરાછાપ ફિલ્મમાં ય એનો અભિનય નોંધમાં લેવો પડે એવો છે. શમ્મીની તો હજી શરૂઆત હતી, એટલે આપણા જેવાને ય ખબર પડે કે, 'ભ'ઈને એક્ટિંગ-બેક્ટિંગ આવડતી નથી.'

વાર્તામાં કાંઈ ભલીવાર ન હોય ત્યારે એના અંશો લખવામાં ય મને આખા શરીરે વલૂર ઉપડે છે. અરેબિયન નાઈટ્સ જેવી શાહજાદા-શેહજાદીની પ્રેમકથા જેવી આ ફિલ્મમાં એ જ કાવાદાવા ગાદીના વારસના, એ જ રાજકુમાર ગરીબ ચોરના ઘેર ઉછરે ને એ જ શેહજાદી પાછી એના પ્રેમમાં પડે. સિપાહીઓ સાથે થોડીઘણી તલવારબાજી, દરમ્યાનમાં બીજી એક ચોટ્ટી (ચિત્રા)ના કયા વાંકે આ ફિલ્મમાં એને રોલ આપવામાં આવ્યો છે, તે રામ જાણે. યસ. કારણ મળ્યું, છેલ્લે છેલ્લે ફિલ્મના હીરો સાથે પૈણાવવા માટે !

ફિલ્મના ફાલતુ દિગ્દર્શક પ્રેમનારાયણ અરોરા વાસ્તવિક જીવનમાં ય ફાલતુ માણસ હતો. આપણે અગાઉ લખી ચૂક્યા છીએ તેમ, આપણી લાડકી ડાન્સર હેલનનો આ બુઢ્ઢો રીયલ-લાઈફ પ્રેમી હતો અને હેલને કમાયેલા બધા પૈસા ચાંઉ તો કરી ગયો, પણ હેલને એક સમયના ઉન્માદમાં લખેલા ૪૦૦-પ્રેમપત્રો વડે આ પી.એન. અરોરા હેલનને બ્લેક-મેઈલ કરે રાખતો હતો.

ફિલ્મના ટાઈટલ્સમાં શશીકલાનું નામ આવે છે, પણ આખી ફિલ્મમાં એ શોધી જડતી નથી. ફિલ્મ 'તીસરી મંઝિલ'ની ટ્રેન-સીક્વન્સીમાં શમ્મી કપૂર જે જાડીયાને હસાવી હસાવીને લોટપોટ કરી નાંખે છે, એ રામઅવતારને ઠીક ઠીક કહી શકાય એવો રોલ મળ્યો છે. કક્કુ ઓળખાય પણ નહિ, એટલી ક્ષણો માટે આવે છે. અમર અનેક ફિલ્મોમાં વિલન હતો. જગદિશ કંવલ નાનકડા રોલમાં છે, એ ડાયરેક્ટરની મોટી મેહરબાની.

No comments: