Search This Blog

06/01/2016

આને થ્રિલર કહેવાય ?

અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટના લાઉન્જમાં હું બેઠો હતો. અમદાવાદથી મુંબઈનું વિમાન મારે ચલાવવાનું નહોતું, એટલે, મનમાં શાંતિ અને ખિસ્સામાં બોર્ડિંગ-પાસ હતો. ફ્લાઈટમાં કે ઈવન એરપોર્ટ ઉપર સામાન્ય રીતે ખોળામાં કોઈ ઈંગ્લિશ અને બને ત્યાં સુધી બિઝનેસને લગતું મેગેઝીન જોયે રાખવાનું હોય છે. પસાર થનારાઓને લાગવું જોઈએ કે, 'છે કોઈ મોટો માણસ !' અહીં તમે 'જનકલ્યાણ' કે 'અખંડાનંદ' લઈને બેસો, એ સારું ન લાગે. આમ એવી કોઈ ભીડ નહોતી. મારાથી ૬-૭ સીટ છોડીને કોઈ ધોળીયો ય મારી નકલ કરતો હતો... આઈ મીન, એ ય કોઈ બિઝનેસ મેગેઝીન વાંચતો હતો... ફર્ક એટલો હતો કે, એ વાંચતો પણ હતો ! મારી એક્ઝેક્ટ સામે નહિ, પણ થોડે દૂર સામે એના ટેણીયાને બાજુમાં બેસાડીને અમને સંભળાય એમ એક મોટી ઉંમરની ગુજરાતણ વાતો કરતી હતી, ''સિડ... ડોન્ટ યુ એવર ડૂ ઈટ અગેઈન, ઓકે ? સીટ ક્વાયેટ...'' દેખાવમાં ખાસ કોઈ ભલીવાર નહતો, એટલે નુકસાનની ગેરન્ટી આપતા મૂડી રોકાણોમાં આપણેને રસ નહિ. આમ આગળ-પાછળ થોડી ઘણી ચહલ-પહલ હતી, ખાસ કરીને કોફી શોપ પર વધુ. વાઈફે ઘેર આવી બનાવી હોય તો કોફી ઢોળી દઈને આખો મગ ચાવી જઈએ, એટલો ગુસ્સો આવે, પણ ગુજરાતીઓની આ જ તો ખૂબી છે. માલ ભંગાર અને જ્યાં બીજાઓ પણ હોય, એવી હોટલમાં પંજાબી-મેક્સિકન કે ચાયનીઝ... જ્યાં પૈસા વધારે આપવાના થતાં હોય, ત્યાં જ જવાનું. કોફીના ભાવમાં અમદાવાદ પાછો આવીને હું સેકન્ડ-હેન્ડ સાયકલ ખરીદી શકું એમ હતું, એટલે કોફો મેં મનમાં પી લીધો...! ગુજરાતીઓ જેટલો પૈસો જ નહિ, દેખાડો કરવાની હોબી પણ અન્યત્ર જોઈ નથી.

ઝડપથી પસાર થઈ ગયેલો એક ૧૨-૧૩ વર્ષનો સામાન્ય છોકરો મારા ખોળામાં એક સફેદ કવર મૂકતા મૂકતા મારી પાછળની દિશામાં હાથ બતાવતો બોલ્યો, ''વો સા'બ ને ભેજા હૈ...''

આટલી ક્ષણોમાં કોઈની પાસે એટલી ક્ષણો ન હોય, જેમાં એ પેલાને પાછો બોલાવે કે કયા સા'બને ભેજા હૈ... કે 'વો સા'બ...' એટલે કયા સા'બ... ! અથવા તો કવર શેનું છે, એ તરત ખોલવાનો સસ્પેન્સ પૂરો કરી શકે. મેં નજરને મિલ્ખાસિંઘ બનાવીને આખા લાઉન્જમાં ભરચક દોડાવી. પેલો છોકરો દેખાયો નહિ. ઝટપટ કવર ખોલ્યું, ''આજે તમારે બચવાનું છે,'' એવું કમ્પ્યૂટરના અક્ષરોમાં ગુજરાતીમાં લખ્યું હતું. ગળામાં અધવચ્ચે પહોંચેલો પાણીનો ઘૂંટડો ચામાચીડીયું બની ગયો હોય, એમ હું થીજી ગયો. વગર જ્યોતિષે કોઈ પણ માણસ મને એ વખતે જોઈને કહી શકે કે, 'આ માણસ સોલ્લિડ ગભરાયેલો છે...' હું પત્ર અને કવર બન્ને ઊલટાવી-સૂલટાવીને જોવા માંડયો, એ ભય સાથે કે 'વો સા'બ...' તો મને અત્યારે જોઈ જ રહ્યા છે, પણ ધ્રાસકો એ પડયો કે, 'મારે શું કામ બચવાનું છે, કોનાથી બચવાનું છે, પૈસેટકે બચવાનું છે કે જાનમાલથી કે પછી છેલ્લી સહેલી ધારણા.... 'આ પ્લેન હાઈજેક તો થવાનું નહિ હોય ને ?'

મને તાબડતોબ ભૂતકાળમાં મેં કરેલા પાપો યાદ આવવા માંડયા. પાપો યાદ કરો તો દુશ્મનો યાદ આવે. '૬૪-ની સાલમાં એક ભિખારીને ધક્કો મારી દીધો હતો, પણ એ ભલે પાપ કહેવાતું હોય, પણ એનો બદલો એ ભિખારી એરપોર્ટમાં લેવા આટલા વર્ષે ન આવે. બીજું, મારા ભૂતકાળના લફરાં યાદ કરવા માંડયો. સાલું, એકે યમાં સફળતા મળી હોય તો આજે એનો વર બદલો લેવા આવે. ભવિષ્યમાં આવું કાંઈ ન બને, એ માટે ખાસ તકેદારી રાખીને પ્રેમમાં પડવા માટે જ્યાદાતર હું વિધવાઓ, ત્યક્તાઓ અથવા તો જેનો વર, ભાઈ, ફાધર કે હવે મોટો થઈ ગયેલો છોકરો મને મારવા આવી ન શકે. વિધવાઓના ઉત્કર્ષ માટે મેં ઘણું કામ કર્યું છે, જેની સમાજ કરતા પોલીસે વધુ નોંધ લીધી છે. વિધવાઓના મામલે હું રાજા રામમોહનરાય બની જતો, પણ રાજા પોતે કોઈ વિધવાના પ્રેમમાં નહોતા પડયા. હું નોકરિયાત માણસ ને એમાં ય કદી આંગડીયાની ઓફિસે કામ કર્યું નથી, એટલે મને લૂંટી જવા જેટલા સ્ટુપિડ આ ગુંડા-ભાઈઓ ન હોય ! આટલી લાંબી કારકીર્દી હોવા છાતાં આજ સુધી મેં કોઇને વિધવા બનાવી નથી... આપણો એ સ્વભાવ જ નહીં ! આ તો એક વાત થાય છે. મને કોણ પતાવી દેવા માંગતું હશે ? મારે કોનાથી બચવાનું હશે અને એ ય શેને માટે ? હા, પેલા છોકરાએ બીજાને બદલે કવર મને આપી દીધું હોય એવું બને. મારા ચેહરા ઉપર આશાનું નાનકડું એક કિરણીયું ફૂયટું. પણ તો ય, આ તો જાનમાલનો સવાલ છે... સાલી ધમકી સાચી પડે તો વાઈફના નામ આગળ 'ગંગા સ્વરૂપ' લખાવવું પડે, એ મને ન ગમે. હવે તો ઘરથી ચાર કી.મી. દૂર જ સાબરમતી નદી છે... ગંગા સુધી લાંબા થવાની ક્યાં જરૂર છે ? મારા ગયા પછી વાઈફને 'સાબરમતિ સ્વરૂપ' કહેવડાવવામાં વાંધો શું આવે ?

પણ ગમે તેમ તો ય ગુજરાતી માણસ છું. બ્રાહ્મણ છું, એટલે મેક્સિમમ આ કવર મોકલનારની માં ને... જેવી ૩-૪ ગાળો બોલતા આવડે અને એ ય મનમાં બોલી નાંખી. મારૂં દ્રઢપણે માનવું છે કે, ન્યાય ઘટનાસ્થળે જ મળી જવો જોઈએ. Justice delayed is justice denied. પણ ફફડાટ તો થાય ને ?

હું ધ્રૂજ્યો એટલે પહેલું કામ એરપોર્ટની સીક્યોરિટીને આ પત્ર બતાવવા જવા ગભરાતા ચેહરે ઊભો થયો. ઊભો થતો હતો ત્યાં જ મારા સેલફોનની રિંગ વાગી. કોક બોલ્યું, ''સીક્યોરિટી પાસે જવાનો કોઈ અર્થ નથી. તમે એટલું યાદ રાખો, આજે તમારે બચવાનું છે... હવે તમે કોઈને પણ ફોન કર્યો છે, તો તમે મારા પરફેક્ટ નિશાના ઉપર છો.''

ઓહ માય ગોડ... એ માણસ મને હૂબહૂ જોઈ રહ્યો છે. લાઉન્જમાં તો અનેક મોબાઈલ પર વાતો કરતા હોય. અવાજ પુરુષનો હતો, એટલે મેં ફોન પર મંડેલી સ્ત્રીઓને માફ કરી દઈને બહેનો બનાવી દીધી. પણ બાકીના ય અનેક પુરુષો મોબાઈલ પર મંડેલા હતા. સાલું કોને જઈને પૂછું અને પૂછું તો કોઈ હા પાડવાનું છે કે, 'હા... જા જા... એ ફોન મેં જ કર્યો હતો... બોલ, શું તોડી લઈશ ?'

પહેલેથી જ હું તોડફોડનો માણસ નહિ, એટલે એ મને આવો કાલ્પનિક સવાલ પૂછે, એ પહેલા જ મનમાં મેં જવાબ દઈ દીધો, ''કંઈ નહિ તોડું.''

બોર્ડિંગ-એનાઉન્સમેન્ટ થયું અને સૌથી પહેલો હું પહોંચી ગયો. એ ખાત્રી કરવા કે મારું આકસ્મિક મૃત્યુ અમદાવાદના એરપોર્ટ ઉપર તો નથી જ ! ફ્લાઈટમાં દાખલ થતા જ રૂપાળી એર-હોસ્ટેસે ખૂબ ગમી જાય એવું સ્માઈલ આપી, ''વેલ કમ, સર'' કીધું. એ આજે પહેલી વાર મને માં-બહેનની ગાળ જેવું લાગ્યું. નહિ તો હું સ્ત્રી-સશક્તિકરણમાં વિપુલ ફાળો આપવા માંગું છું, પણ એ ત્યારે નહિ.

અંદર આવતા એકએક પેસેન્જરને હું બારીકાઈથી જોતો હતો કે, કોઈ મને બારીકાઈથી જુએ છે ખરૂં ? વધારે ખૌફ મારી બાજુમાં આવીને કોણ બેસે છે, એનો હતો. આ ફોન કરનારે એની સીટ મારી બાજુમાં જ રખાવી હશે. એટલું તો એ કરી શકે ને ? જોઈને જ ફફડી જવાય, એવો કોઈ સવા છ ફૂટનો કદાવર માણસ મને 'એક્સક્યુઝ મી' કીધા વગર બાજુમાં બેસી ગયો. એની મૂછો બ્રિટીશ વિક્ટોરિયન યુગના ઉમરાવો રાખતા, એવી ભરાવદાર અને નીચેના હોઠને ય ઢાંકી દે એવી વિરાટ હતી. ઉંમર હશે કોઈ ૫૮-૫૯ વર્ષની. ૬૦-વાળી ધારણા એટલે નહોતી રાખી કે, એટલાનો તો હું છું અને મને કોઈ મારી બરોબરી કરે, એ બહુ પસંદ નહિ. (વાચકો, હું ખોટો હોઉં, તો મને ટોકવો... પ્રુફરીડરો, ધ્યાન રાખજો, 'ટોકવો'ને બદલે 'ઠોકવો' છપાઈ ન જાય !) એણે ખભે પાટલૂનને પકડી રાખતા સસ્પેન્ડર્સ પહેર્યા હતા. થ્રી-પીસ શૂટ ખરો. પેટ છેલ્લા પચીસેક વર્ષથી બહાર આવ્યું હોવું જોઈએ કારણ કે પાછળ એના ઢગરા વધુ પાછળ જતા હતા ને પેટની સરખામણીમાં ઓછા સ્ફૂર્તીલા દેખાતા હતા. આંખો મોટી અને કાઢુ-કાઢુ કરે એવી હતી. વાળ કર્લી અને જમણી બાજુએ સેંથી પાડી હોવાથી પહેલી વાર મને એને માટે માન થયું, કારણ કે, હું ય જમણી બાજુ સેંથી પાડું છું. એની આંખોમાં મારા પ્રત્યે કોઈ સદભાવ નહોતો, એટલે પહેલી નજરે જ મને થયું કે, હશે કોઈ નાયરોબી સાઈડનો-મારા સાસરાના ગામનો... નહિ તો, મારી તરફ આવી ઘૃણાઓ ન રાખે. આંખો ઉપરથી ભ્રમરો માટે એણે હેર-સ્પ્રે લગાવ્યું હશે, નહિ તો હતી એટલી મોટી કે મૂછોમાં ખુટે, એ બધા વાળ ભ્રમરમાંથી કાઢી શકાય. ડરતા ડરતા ય મેં સૌજન્યપૂર્વક એને 'હેલ્લો' કીધું, પણ સ્વસ્તિક ચાર રસ્તાના સિગ્નલ ઉપર બારીમાંથી યાચનાભરી નજરે જોતા ભિખારી સામે ગાડીવાળો જે રીતે જુએ, એ તુચ્છકારભરી નજરથી એણે મારી સામે જોયું. જવાબ ન આપ્યો. મને થયું, 'કોઈ ઘવાયેલો પાટીદાર લાગે છે અને અનામતની ચળવળ માટે મુંબઈ જતો લાગે છે. તો ય હું જરા હતપતીયો ખરો. હિમ્મત ભેગી કરીને મેં હળવા સ્માઈલ સાથે ફરી પૂછ્યું.'
''મુંબઈમાં આપની કોઈ સાયકલ-પંક્ચરની દુકાન છે ?'' મારો સવાલ સાંભળીને ધારણા કરતા એ વધુ ભડક્યો.

''વોટ ડૂ યૂ મીન...? હું તમને પંક્ચરવાળા જેવો લાગું છું ?''

''નૉટ ઍટ ઓલ, સર... આ તો મેં 'કુ... હોય તો આજે તમારે બચવાનું છે.''
''વોટ...? વો'ડી યૂ મીન...?''

''સર-જી, આજથી વાહનોના એકી-બેકી નંબરોમાંથી ફક્ત બેકી નંબરોને જ ગાડી ચલાવવા મળશે. જુઓ... મેં તો આ સીટ નંબર પણ ૪૪-નો લીધો છે. તમારો ૪૩- છે. તમારે આજે બચવાનું છે.''

કોઈ વાચક માની નહિ શકે, એટલી હદે એ અકળાયો, ''અરે પણ એ તો ફક્ત દિલ્હીમાં છે... અને સાયકલો માટે નહિ... ખાનગી ગાડીઓ માટે જ !''

''સૌરી સર... અમદાવાદમાં તો સાયકલવાળો ય પોતાની સાયકલને ગાડી કહે છે... એટલે...''

''નોનસેન્સ...'' એટલું કહીને એ ચૂપ થઈ ગયો. ઊંધુ તો ઊંધું, પણ પેલું મફતમાં અપાતું એરલાઈન્સવાળું ઈનહાઉસ-મેગેઝીન વાંચવા માંડયો.

'આ તો લાગતો નથી', એમ સમજીને મેં તપાસ અને ફફડાટ જારી રાખ્યા. સામેની વિન્ડો પાસેની સીટ પર બેઠેલો એક આધેડ અવારનવાર ઊંચો થઈને મારી સામે જોયે રાખતો હતો. એ તો પછી ખબર પડી કે, એ તો હરસ, મસા અને ભગંદરનો પેશન્ટ હતો, એટલે ઊંચો-નીચો થતો હતો.

મુંબઈ એરપોર્ટ પહોંચ્યા સુધી તો કોઈ નવી ઘટના બની નહિ, પણ બહાર નીકળતી વખતે રેલિંગને ચોંટીને કંપનીઓના ડ્રાયવરો હાથમાં પ્લે-કાર્ડ લઈને ઊભા હોય છે, જે આવનારા પેસેન્જરોને લેવા આવ્યા હોય છે, એમાં એકના કાર્ડ-બોર્ડ ઉપર મારું નામ લખ્યું હતું. તરત એની પાસે જઈને પૂછ્યું, ''મૂલાણી સાહેબે ગાડી મોકલી છે ? હું જ અશોક દવે...''

એણે તો મારી સામું પણ ન જોયું અને ફક્ત એટલું બોલ્યો, ''સાહેબ, આજે તમારે બચવાનું છે.'' એમ કહીને મને લીધા વગર ફૂલ-સ્પીડમાં જતો રહ્યો.

... અને મુંબઈમાં ફક્ત એક દિવસના રોકાણમાં કંઈક એવું બન્યું. જેણે મને ધ્રૂજાવી નાંખ્યો.

(વધુ ફાલતુ ભાગ, આવતા સપ્તાહે)
Click here for part II (વો કૌન થા...? )

સિક્સર
વાચકોને ત્રણ સવાલ : (૧) અમેરિકા જેવા દેશોમાં કારમાં 'લેફ્ટ હેન્ડ-ડ્રાઈવ' હોવાનું કારણ શું ? (૨) ડ્રિન્ક્સ લેનારાઓ ગ્લાસ અથડાવીને 'ચીયર્સ' કેમ બોલે છે ? અને (૩) તમે જેને માટે પાગલ થઈ ચૂક્યા છો, એ જ ભગવાનના માથે હાથ મૂકીને અવાજ આપજો, 'તમારા માટે તમારો ધર્મ પહેલો કે દેશ પહેલો ?'

No comments: