Search This Blog

13/02/2016

'સિંગાપુર' ('૬૦)

ફિલ્મ : 'સિંગાપુર' ('૬૦)
નિર્માતાઃ એફ.સી. મેહરા
દિગ્દર્શકઃ શક્તિ સામંત
સંગીતઃ શંકર-જયકિશન
ગીતકારોઃ શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઇમઃ૧૬-રીલ્સઃ ૧૩૫-મિનિટ્સ
કલાકારોઃ શમ્મી કપૂર, પદ્મિની, શશીકલા, મારિયા મીનાડો (મલેશિયન અભિનેત્રી), કે.એન. સિંઘ, મદન પુરી, હેલન, આગા, રાજન કપૂર, ગૌતમ મુકર્જી, લિલિયન, રતન ગૌરાંગ, અવતારસિંઘ, ભગવાન, મોહન વડોદીયા અને દ્વારકા દિવેચા.


ગીતો
૧ યે શહર બડા અલબેલા, હર તરફ હસિનોં કા મેલા.... મૂકેશ-કોરસ
૨ આને લગા જીને કા મઝા....... લતા મંગેશકર
૩. જીવન મેં એક બાર આના સિંગાપુર..... લતા-કોરસ
૪. હટ જાઓ, દીવાને આયે, મસ્તી લેકર...... લતા-રફી
૫. તુમ લાખ છુપાના ચાહોગે પર પ્યાર છુપાના..... લતા-રફી
૬. હો રાસા સાયંગ રે રાસા સાયંગ સાયંગ રે.... લતા-રફી
૭. ધોખા ખાયેગી ન યારોં કી નઝર.... મુહમ્મદ રફી
૮. અરે તુ કહાં ખો ગયા બાલમ મતવાલા....... લતા મંગેશકર

શમ્મી કપૂરની ફિલ્મો ગમાડવાની પહેલી શર્ત એ કે, શમ્મી તમને ગમતો હોવો જોઇએ. કારણ કે, ફિલ્મો તો એ જમાનાની ઑલમોસ્ટ બધી ફાલતુ આવતી (ને આજે ય કઇ વળી લીમડાના ઝાડ ઉપર ચઢીને બ્યુગલો ફૂંકવા જેવી આવે છે ? શમ્મી કપૂર-મને યાદ છે, આપણા જમાનામાં બહુ બધાનો કાંઇ લાડકો નહતો-ઉછળકૂદ માટે એને બદનામ કરવામાં આવતો. એ વખતે પ્રજાને રાજ-દિલીપ-દેવ કે રાજેન્દ્ર કુમાર ગમતા. શશી કપૂરે ય ખરો. અશોક કુમાર ધી ગ્રેટેસ્ટ ઍક્ટર ખરો, પણ એ કોઇ હીરો-મટીરિયલ નહિ, એટલે ચાહકો-બાહકો ના મળે. બાકીનો જે ઘાણ ઉતર્યો હતો, તે પ્રદીપ કુમાર, મનોજ કુમાર, વિશ્વજીત, ભા.ભૂ. એટલે કે ભારત ભૂષણોનો...એ બધા આખે આખા કોઇને ગમ્યા હોય એવું ન બને....હપ્તે હપ્તે ગમતા હોય કે, કોઇ મનપસંદ ફિલ્મમાં વળી પ્રદીપ કુમારે ય ગમી જાય, પણ આ આખા ઘાણનો કોઇ સાગમટે લેવાલ ન નીકળે. પેલા ત્રણ ગ્રેટને પાછળ મૂકીને કોઇને સૌથી વધુ વિશ્વજીત ગમ્યો હોય, એવો ચાહક હજી સુધી તો જોયો નથી. આ બધા હપ્તે-હપ્તે ગમે એવા, જ્યારે શમ્મી કપૂરને સુશિક્ષિત ઘરોના દર્શકોએ સહેજ પણ ન સ્વીકાર્યો.... પણ એક વખત શમ્મીનો જમાનો પૂરો થયો અને બીજા નવાઓ આવવા માંડયા, તેમાં પ્રેક્ષકોને પછીથી ખબર પડી કે, આ બધા કચ્ચરધાણ કરતા તો શમ્મી લાખો દરજ્જે સારો હતો. આ બધા ય ક્યાંક ને ક્યાંક નકલ તો શમ્મીની જ કરતા. શમ્મીનું મૂલ્ય એના નિવૃત્ત થયા પછી સમજાયું. આજે પણ ઉછળકૂદ તો ઉછળકૂદ, ટીવી પર શમ્મીનું કોઇ ગીત આવતું હોય તો બીજા બધા કરતા એને જોવો વધારે લોકોને ગમે છે.

ઉછળકૂદના મૂલ્યાંકનોમાં શમ્મી એક અભિનેતા તરીકે કોઇનાથી ય ઉતરતો તો નહતો. બલ્કે....ઍટ ટાઇમ્સ, તદ્દન ફાલતુ ફિલ્મોમાં ય એની ઍક્ટિંગ માટે કડવા બે બોલ તમે બોલી ન શકો. 'ઉજાલા'થી વધુ ફાલતુ ફિલ્મો ય બની છે, ને એમાં ય શમ્મીએ એક ઍક્ટર તરીકે એ કેટલો સ્વાભાવિક હતો, તે અભિનય શીખેલા ન હો, તો ય ખબર પડે ! દાખલો મળે તો સાહજીકતાથી સમજાઇ જશે. શમ્મી રાજ કપૂર કરતા ૮-૯ વર્ષ નાનો અને શશી કપૂર કરતા ૭ વર્ષ મોટો હતો. એની જન્મ તા. ૨૧ ઑક્ટોબર, ૧૯૩૧ : મૃત્યુ તા. ૧૪ ઑગસ્ટ, ૨૦૧૧ હતી) જરા હિસાબ માંડી જુઓ, એમના પિતા પૃથ્વીરાજ સળંગ કેટલા વર્ષ 'કાર્યરત' હતા...!

અદાયગીની વાત નીકળે ત્યારે શમ્મીનું મૂલ્ય સમજાય. આપણા સહુના ખૂબ ગમતીલા ગીત 'મન રે તૂ કાહે ન ધીર ધરે...' (રફી-રોશન-સાહિર-ફિલ્મ 'ચિત્રલેખા')ને ફિલ્મના પરદા પર પ્રદીપ કુમાર આખા શરીરમાં ફક્ત હોઠ ફફડાવીને ઍક્ટિંગ કરે છે, શરીરના અન્ય સ્નાયુઓનો ઉપયોગ જ નહિ, ત્યારે શમ્મી કપૂરનું આ જૉનરનું કોઇ ગંભીર ગીત યૂ-ટયૂબ ઉપરે ય જોઇ જુઓ, 'જિંદગી ક્યા હૈ, ગમ કા દરિયા હૈ, ન જીના યહાઁ બસ મેં, ન મરના યહાં બસ મેં, અજબ દુનિયા હૈ' (ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા ?' સંગીત : રવિ) કે પછી ભરપુર ઉછળકૂદ સાથેનું 'તારીફ કરૂં ક્યા ઉસકી....' યાદ કરો...વાર્તા પૂરી. ગીતની અદાયગી કોઇ નાની વાત નથી. આ ફિલ્મ 'સિંગાપુર'ની વાર્તા ક્યારે પૂરી થાય, એની રાહો જોવામાં ઍક્ઝૅક્ટ ૧૩૫-મિનિટ્સ ખર્ચાઇ જાય છે. પદ્મિનીને રાજ કપૂરની ઘર બહારની પણ પ્રેમિકા ઉપરાંત 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં એનું માદક રૂપ આપણે જોઇ લીધું હતું...બીજું કરી ય શું શકીએ ! રાજ કપૂરની એક સમયની 'ઑફિશિયલ પ્રેમિકા' રાજના નાના ભાઈ સાથે (ફિલ્મ પૂરતી) ઇશ્કબાજી કરે છે. લગ્ન અને લફરાં પછી નિવૃત્ત થઈને અમેરિકાના ન્યુ જર્સીમાં એના ડૉક્ટર પતિ ડૉ. રામચંદ્રન સાથે સૅટલ થવા ઉપરાંત અમેરિકાની સૌથી મોટી ભરત નાટયમની સ્કૂલ 'પદ્મિની સ્કૂલ ઑફ ફાઇન આટર્સ' ન્યુ જર્સીમાં જ શરૂ કરી હતી. સાઉથની આ 'બક્સમ બ્યુટી'નો અવાજ ઘેરો અને થોડો પૌરૂષત્વસભર હતો. અહીં અફ કૉર્સ, એના કરતા દેખાવમાં પ્રેક્ષકોનું મોટું ધ્યાન તો શશીકલા ઉપર ગોઠવાયેલું રહે છે, જે રાબેતા મુજબ ફિલ્મની હીરોઇન કરતા વધુ ખૂબસુરત લાગે છે. શશીકલાના પ્રેમી બનતા ગૌતમ મુકર્જીને બુઢ્ઢો થયા પછી અનેક ફિલ્મોમાં ચરિત્ર-અભિનેતા તરીકે જોયો હોય. એમ તો, થોડીવાર માટે આ ફિલ્મના કૅમેરામૅન દ્વારકા દિવેચા પણ આવે છે. આ એ જ દિવેચા હતા, જે સુરૈયાના મરિન લાઇન્સ સ્થિત 'કૃષ્ણ મહલ'ની અગાસી ઉપર રાત્રે દેવ આનંદ-સુરૈયાની 'ખૂફીયા' મુલાકાતો ગોઠવી આપતા....કોઇ પણ ઍકસ્ટ્રા-ચાર્જ લીધા વગર. વચમાં આગા આવીને આપણને હસાવવાના વલખા મારે જાય છે. એક તબક્કે તો બન્ને કૉમેડિયનો આગા અને મેહમુદ એકબીજાના વેવાઇ પણ થતા....આઇ મીન, આજ સુધી થાય છે. ફિલ્મમાં સિંગાપુરની કોઇ સામાન્ય ઍક્ટ્રૅસ મારીયા મીનાડોને લઇ આવ્યા છે. એના ઉપલા હોઠની સરખામણીમાં નીચલો આગળ આવતો હોવાથી દર્શકોને એમાંથી કાંઇ કમાવવા જેવું લાગતું નથી.

મદન પુરી એના ઘેરા અવાજ અને મોંગોલિયન-ચેહરાને કારણે આવી સિંગાપુર-ચાઇનાવાળી તો બધી ફિલ્મોમાં હોય જ. હૅલન તો જન્મે પણ બર્મીઝ હતી અને મૂળ નેપાળનો બટકો રતન ગૌરાંગ પણ મોંગોલિયન ચેહરો ધરાવતો હોવાને કારણે આવી ફિલ્મોમાં આ ત્રણ તો હોય જ. એક બીજો, કેશવ રાણા પણ મૂળ નેપાળી, જે દેવ આનંદની ફિલ્મોમાં (જ્વૅલ થીફ) જોવા મળતો. આ ફિલ્મમાં એ નથી. મદન પુરી અનેકગણો સારો વિલન અને ચાલ્યો પણ ખૂબ. મદન પુરીએ એની ૫૦-વર્ષની ફિલ્મ કારકિર્દીમાં ૪૩૦-ફિલ્મોમાં ખૂનો-બળાત્કારો કર્યા છે, પણ એ વખતે ફિલ્મોમાં હજી અસહિષ્ણુતા આવી નહોતી, એટલે મદનલાલ પુરી અમર ગાયક કે.એલ. સાયગલ ના સગા કાકાનો દીકરો થતો એની ખબર બહુ ઓછાને હશે. સાયગલ સાહેબ જ મદનને ફિલ્મોમાં લઇ આવ્યા હતા. મદન પુરી પણ માટુંગાના કિંગ-સર્કલ ઉપર બહુ જાણીતી 'પંજાબી-ગલી'માં રહેતો હતો. આગળ લખ્યું તેમ, આ ગલીમાં જ સાયગલ, પૃથ્વીરાજ અને કે.એન. સિંઘ પણ રહેતા હોવાથી આટલો ઍરિયો મશહૂર થયો હતો. ૧૯૪૬-માં ફિલ્મ 'અહિંસા'માં પહેલી વખત જોવા મળ્યો હતો, એવું વિકીપીડિયામાં લખે છે, તે સદંતર ખોટું છે. મદન પુરીને તો ગુજરાતના હળવદના આપણા બા'મણભ'ઈ દલસુખ પંચોલી ફિલ્મ 'ખજાનચી'માં લઇ આવ્યા હતા. શમશાદ બેગમના કંઠે ગુલામ હૈદરે કમ્પૉઝ કરેલા, 'સાવન કે નઝારે હૈ, આહા હાહા હાહા'એ સાયકલ-ગીતમાં ફિલ્મના હીરો એસ.ડી. નારંગની સાથે સાથે સાયકલ ચલાવતો મદન પુરી સ્પષ્ટ ઓળખી શકાય છે.

પણ અસલી મોરલો તો આપણો ખૂંખાર ખલનાયક કે.એન. સિંઘ જ ! ગમે તેમ કહો, પણ એ જોવો ગમતો હતો-એનો ચેહરો નહિ, એની અદભુત પર્સનાલિટીને ! આંખો ઉપર એની ભ્રમરો કદાપિ 'હખણી' રહી નથી, છતાં એ હીરોઇનોને તો પછી, પહેલા આપણને ડરાવી દેતો. પૃથ્વીરાજ કપૂરને રોજ મળતા આ દોસ્ત માટુંગાના કિંગ સર્કલ ઉપર રહેતા. એ બન્ને નવરા પડે, એટલે કુંદનલાલ સાયગલ સાહેબને ત્યાં જાય.... ''અમે મરી જઇશું, પણ કદી ગાઈશું નહિ,' એવી સાંત્વના આપવા જતા હોવા જોઇએ. 'આરાધના' અને 'અમર' જેવી ફિલ્મો ઉતારનાર દિગ્દર્શક શક્તિ સામંત '૫૦-ના દશકમાં આવી ક્રાઇમ ફિલ્મો બનાવતા. એમની બધી ફિલ્મોના ગુંડાઓનો યુનિફૉર્મ એક જ હોય. આડા પટ્ટાવાળી જરસી, ગળે રૂમાલ બાંધેલો, હાથમાં ચાકુ, ખભા ઉપર જૅકૅટ, કાળા ગૉગલ્સ.....અર્થાત, દિગ્દર્શકો પ્રેક્ષકોને એટલા બેવકૂફ સમજતા હતા કે, નૉર્મલ કપડાંમાં વિલનોને બતાવીશું તો પ્રેક્ષકોને હીરો અને વિલન વચ્ચેના તફાવતની ખબર નહિ પડે. અલબત્ત, પ્રદીપ કુમાર, શેખર, સુરેશ કે એ કૅટેગરીના અન્ય હીરો માટે આ લાગૂ પડતી વાતે ય હતી. શક્તિ સામંતનું ફાલતુ ફિલ્મો બનાવવાનું ઝનૂન '૬૯-સુધી બરકરાર રહ્યું હતું, જે વર્ષમાં તેમણે રાજેશ ખન્નાને લઈને 'આરાધના' બનાવી. ફિલ્મ સુપરડૂપર હિટ થઇ, એટલે કટિ પતંગ બનાવી. એ તો એથી ય વધુ ચાલી. પછી એમણે સીરિયસ લવસ્ટોરી 'અમર પ્રેમ' પણ ખન્નાને લઇને બનાવી.... બહુ જામી. બસ, એ પછી એમણે ખન્નો સદી ગયો અને આવનારી મોટા ભાગની ફિલ્મોમાં ખન્નો જ હોય, છતાં એમણે પોતાના લાડકા હીરો શમ્મી કપૂરને છોડી ન દીધો. 'જાને-અન્જાને' અને 'પગલા કહીં કા'માં શક્તિ દા એ શમ્મીને જ લીધો. એ વખતે તો શમ્મીના વળતા પાણી શરૂ થઇ ગયા હતા. બસ, એકલો ખન્નો જ ચાલ્યો...જ્યાં સુધી ધ ગ્રેટ મિસ્ટર બચ્ચન આવ્યા !

શક્તિ દા એ ફિલ્મનો કૅમેરા પહેલી વાર સિંગાપુર લઇ જઇને ભારતીય પ્રેક્ષકોને આંજી તો નાંખ્યા, પણ નવાઇ બે-અઢી વાતોની લાગે કે, '૬૦-ના' દશકની શરૂઆતમાં રંગીન ફિલ્મો શરૂ તો થઇ ગઇ હતી અને નિર્માતા એફ.સી. મેહરાને શમ્મી કપૂરે અનેક ફિલ્મોમાં લાખો રૂપિયા કમાવી આપ્યા હતા, છતાં આ ફિલ્મને રંગીન કેમ ન બનાવાઇ, જ્યારે પરદેશના દ્રશ્યો કૅમેરાને મળવાના હતા. સિનેમેટોગ્રાફર દ્વારકા દિવેચાએ કીધું કેમ નહિ હોય કે, કૅમેરા વિદેશની ધરતી પર ફરી રહ્યો છે તો બહારી દ્રશ્યોનું શૂટિંગ દિવસના ભાગમાં થવું જોઇએ, જેથી સ્પષ્ટ દ્રશ્યો મળે, ત્યારે અહીં તો મૂકેશ પાસે શમ્મીના પ્લૅબૅકમાં શંકર-જયકિશને 'ઉજાલા'ની જેમ ફરી એક વાર ગવડાવ્યું - 'યે શહર બડા અલબેલા, હર તરફ હસિનોં કા મેલા....'એ ગીતનું શૂટિંગ મલેશિયાની નાઇટ-લાઇફનું છે.

શંકર-જયકિશને કમાલો તો રાબેતા મુજબની કરી છે, પણ સામાન્ય સંગીતપ્રેમીઓ સુધી આ ફિલ્મનું એકે ય ગીત ન પહોંચ્યું. આપણે ચાહક હોઇએ, એટલે આપણને તો બધા ગીતો માણવા ગમે-જેમ કે, મલેશિયન ભાષાના એક-બે શબ્દો ઉઠાવીને લતા-રફીના કંઠે, 'હો રાસા સાયાંગ પ્યાર કા હી નામ રાસા સાયાંગ રે' પણ ત્યાંના લોકસંગીત પર આધારિત છે. મજાની વાત એ ખરી કે, 'સિંગાપુર'ના તમામ ગીતોમાં શંકર-જયકિશને એમના ફૅવરિટ વાદ્ય ઍકૉર્ડિયનનો ખૂબસુરત ઉપયોગ કર્યો છે, ખાસ કરીને ઑબ્લિગેટોમાં, એમના કાયમી ઍકૉર્ડિયન-પ્લેયર હતા, ગુડ્ડી સિરવાઈ.

ઘણા પૂછે છે, '૪૬-થી '૬૬ સુધીના બે દસકાઓ હિંદી ફિલ્મસંગીતના આજ સુધીના સર્વોત્તમ કેમ રહ્યા ? સમજો ને, ઑલમોસ્ટ ૮૦-ટકા ફિલ્મોના ૮૦-ટકા ગીતો આજ સુધી આપણા જહેનમાં ગૂંજતા રહ્યા. એ પછી અને એ પહેલા વિરાટ કદના બેસૂરા ભોપાળા શરૂ થયા. લતા, રફી, મૂકેશ, આશા, કિશોર, સુમન, તલત, ગીતા તેમ જ શંકર-જયકિશનથી માંડીને નૌશાદ જેવા સંગીતકારો શું પેલા બે દશકોને પહેલા કે પછી નહોતા ? ફ્રૅન્કલી કહું તો લતા-રફીને બાદ કરતા બાકીના ગાયકો પહેલા ય હતા અને આજે ય છે. આજના સંગીતકારો એક ઇંચે ય કમ નથી. (બધાની વાત નથી થતી !) આજની શ્રેયા ઘોષાલ કે અરિજીતસિંહ જેવા ગાયકો આપણા જમાનાથી કમ નથી....તો પછી, કેમ એકે ય ગીત, એકાદ-બે મહિનાથી વધારે લોકપ્રિય રહેતું નથી ? બહુ નકશીકામો કર્યા પછી, અંગત રીતે હું એ તારણ પર પહોંચ્યો છું કે, '૪૬-થી '૬૬ના એ બે દાયકાઓ કુદરતી રીતે જ મહાન સંગીતના પુરસ્કર્તા બન્યા. એમાં કમાલ ગાયકો કે સંગીતકારોની નહોતી...નહિ તો '૪૬ પહેલા અને '૬૬-પછી ય આ તમામ સંગીતકારો અને ગાયકો મૌજૂદ હતા..કેમ પેલી મધુરી કમાલ કોઇ કરી શક્યું નહિ ? આજે ય, એ જ લૅવલના ગાયકો-સંગીતકારો છે જ ને તો ય ક્યાં એક પણ ગીત પેલા બે દશકો જેવું બને છે ? માટે, મને લાગે છે કે, કમાલ કુદરતી દ્રષ્ટિએ એ ૨૦-વર્ષોની જ આવી ગઇ. જેણે જેણે મેહનત કરી, એ બધા ગાયકો-સંગીતકારો છવાઇ ગયા...અને આજે ગમે તેટલી મેહનત કરે, તો એકે ય છવાતો નથી. હિસાબ સાફ છે...કારણ કોઇ જાણી ન શકે, છતાં ય એ બન્ને દાયકાઓમાં ૯૦-ટકા ફાલતુ ફિલ્મો બનવા છતાં, સંગીત એની ચરમસીમાએ શ્રેષ્ઠ હતું.

ફિલ્મની વાર્તા કોઇ ગ્રેટ હોવાની અપેક્ષા તો તમે ય ન રાખી હોય, છતાં એના અંશો જોઇ લઇએ : સિંગાપુરમાં આવેલી પોતાની રબ્બર-ઍસ્ટેટને વેચી નાંખવા શ્યામ (શમ્મી કપૂર) તેના દોસ્ત રમેશ (ગૌતમ મુકર્જી)ને મોકલે છે. રમેશ ત્યાં શશીકલાના પ્રેમમાં પડી જાય છે. શશીકલાની બહેન પદ્મિની શમ્મીના પ્રેમમાં પડી જાય છે, એટલે ક્યાંય કોઇ મનદુઃખ ન થાય. એમના કાકા શિવદાસ (કે.એન.સિંઘ) શમ્મીની ઍસ્ટેટનો ગુપ્ત ખજાનાનો નકશો ચોરીને ભાગે છે, શશીકલા અને શમ્મી બન્ને પીછો કરે છે ત્યાં જંગલમાં જ સિંઘ કિંગ રહેતો નથી અને ચાન્ગ (મદન પુરી)ના ગુંડાઓ એને શૂટ કરી નાંખે છે. છેલ્લી ઝપાઝપી પહેલા સિંઘના ખૂનનો ઇલ્ઝામ શમ્મી ઉપર આવે છે, પણ ચાચા (કૉમેડિયન આગા) બધું સમુંસુતરૂં પાર પાડી દઇ, આપણો અને શમ્મીનો જાન છોડાવે છે.

No comments: