Search This Blog

17/02/2016

ઍન્જીઓગ્રાફી

હું ૧૦૦-ટકા જીવિત છું, એનો એક માત્ર પુરાવો ધબકતું હૃદય છે. છાતી ઉપર હાથ દબાવું ત્યારે અંદરથી કોક દરવાજો ખખડાવતું હોય, એવા ધબકારા જણાય છે. કોકને બહાર આવવું હોય, એવું આપણને લાગે. આવું મગજ ઉપર હાથ દબાવવાથી થતું નથી, એટલે મને પહેલો ડાઉટ મગજ બંધ પડી જવાનો થયો. જો કે, મગજ માથામાં જમણી તરફ હોય કે ડાબી, એની બહુ ખબર નથી. મેં તો મીનાકુમારીની માફક બન્ને હથેળીઓ બન્ને લમણાં ઉપર દબાવી જોઇ, તો ય કોઇ નક્કર અવાજ આવ્યો નહિ, એટલે ડાઉટ મગજ કામ કરતું નહિં હોય, એવો પડયો. અલબત્ત, મારા લેખો વાંચનારા ઘણાએ કીધું કે, ''....તો ય, આટલા વર્ષોથી તમે લખી રહ્યા છો, એ ચમત્કાર જ કહેવાય !''

અને એક સુંદર સવારે, એ જ હૃદય નાના બાળકની જેમ ખફા થઈ ગયું. ધબકવાનું તો બંધ ન કર્યું પણ, ''હવે બધું હૃદયથી કામ લેશો તો આખી ફૅક્ટરી બંધ કરી દઇશ,'' એવી ધમકી આપવા અંદર પડયા પડયા એણે તોફાનો શરૂ કરી દીધા. ઘરમાં બધા અને બહારના દોસ્તો ઉપરથી ઠપકો આપવા માંડયા, ''દાદુ, તમે બધા કામો હૃદયથી કરો છો....એનો વપરાશ વધી ગયો છે, એટલે એ ય થાકે ને ?''

એટલે મને વિશ્વાસ બેઠો કે, આ ધોરણે તો મને મગજની કોઇ બિમારી નહિ થાય....એકે ય કામમાં મગજ વાપર્યું હોય, તો તકલીફ ! એ તો વળી સારૂં છે કે, હું એક સામાન્ય કક્ષાનો લેખક છું, એટલે મગજ વાપર્યા વગર ફક્ત હૃદયથી બધું લખાઈ જાય છે....ગુજરાતી સાહિત્યવાળાઓને થોડા વખતથી એક નવો શબ્દ મળ્યો છે, તો વાપર વાપર કરે છે, ''હૃદયસ્થ.'' પણ મારા કૅસમાં કોઇ ''મગજસ્થ'' શબ્દ વાપરે, એવી શક્યતા દેખાતી નથી.

પણ હવે મારૂં હૃદય ખબર નહિ, મહીં પડયું પડયું કોઇ ખરાબ સંગતે ચઢી ગયું હશે. લીવર દારૂડીયું છે. ફેફસાં બરફના પહાડો ઉપર વહેતા ધૂમ્મસ જેવા છે (લોકો એને ધૂમ્મસ નહિ, સિગારેટનો ધૂમાડો કહે છે !) ગોલબ્લૅડર બહુ ડાહ્યું થતું'તું, એટલે પહેલેથી કઢાવી નાંખ્યું હતું અને બન્ને કીડનીઓ સારા ઘરની હોવાથી પરફૅક્ટ કામ આપે છે, એ જોઇને ઘણાએ ઑફર મોકલી હતી, ''બોલો, કેટલામાં કાઢવાની છે ?''

મતલબ, યે તો એક દિન હોના હી થા ! મારા જેવા અનેક લોકો છે, જેમને હૃદયરોગ આવે ત્યારે સમાજને ખબર પડે છે કે, આને તો હૃદય હતું ! મને પોતાને ય, હૃદય આડું ફાટયા પછી વિશ્વાસ બેઠો કે, ''એમ તો હું દિલવાળો માણસ છું.''

''કોઇ હૂમલો-બૂમલો આયો કે નહિ....?'' એક સંબંધીએ મારા ખભે હાથ પછાડીને પૂછ્યું. ''બે સુધી ધ્યાન રાખવાનું હોય છે...ત્રીજામાં ધ્યાન રાખવાનો મોકો મળતો નથી....!''

મેં એમને સમજાવ્યા કે, હજી હું હૂમલાના સ્ટેજે પહોંચ્યો નથી...આળસ ! મૂળભૂત રીતે હું મારામારી કે હુલ્લડોનો માણસ જ નહિ. હજી મને એકે ય ઍટેક આવ્યો નથી, એ સાંભળીને એમને થોડી નિરાશા થઇ. આવે તો એમને ગમે, એવું ય સાવ નહોતું, પણ પહેલો આવ્યા પછી શું કરવાનું, બીજા વખતે કયા ડૉક્ટર પાસે તો નહિ જ જવાનું, ને ત્રીજો આપણા હાથમાં કેમ નથી હોતો, એ બધી ડીટૅઇલ્સ એ મને આપવા માંગતા હતા, પણ મને હજી એકે ય આવ્યો ન હોવાથી એમનું હૃદય બહાર-બહારથી ઘવાયું.

''તમે ઍન્જીઓગ્રાફી કરાવી લો.'' મારા ફૅમિલી-ડૉક્ટરે સલાહ આપી. ''અહીંથી નીકળ્યા છો, તો દાઢી કરાવી લો,'' એવું ઓળખીતો સલૂનવાળો કહે, એટલી આસાનીથી ડૉક્ટરે મને ઑફર મૂકી હતી.

''સર...મેં એકે ય વાર કરાવી નથી....મને એવી હૉબી જ નથી. વળી-''

''અરે ભ'ઇ, આ કોઇ બાબરી ઉતરાવવા જેવી સહેલી વાત નથી. ઍન્જીઓગ્રાફી એટલે તમારૂં હૃદય ઠીક કામ કરે છે કે નહિ, તે ચૅક કરાવવાની વાત છે.'

અમારે બા'મણભ'ઇઓને તો દિવાળી ટાણે ઘરમાં સાફસૂફી કરાવવાની આવે, એ ય સાલી મોંઘી પડતી હોય, ત્યાં આ કંઇ નવું લાયા, ઍન્જીઓગ્રાફી !

''દાદુ, આમાં કાંઇ થતું નથી. જરા ય ગભરાશો નહિ !'' એકાદ વાર કરાવી ચૂકેલાઓ મને સમજાવવા આવ્યા. ''....કાંઇ...થતું નથી ? તો પછી...આટલો બધો ખર્ચો શું કામ કરવો ?''

''અરે ભ'ઇ, કાંઇ થતું નથી, એટલે ઍન્જીઓગ્રાફી કરાવતી વખતે કાંઇ થતું નથી. કોક નળીમાં લોહી ગંઠાઇ ગયું હોય, તો ખબર પડે. એવું હોય તો એ લોકો સ્ટૅન્ટ મૂકશે અને -'

''સ્ટૅન્ટ ? નસમાં ??....તો તો બહુ દુઃખે ને ?'' મેં ગભરાઈને પૂછ્યું.

''અરે, તમને ખબરે ય નહિ પડે કે ઑપરેશન થઇ ગયું છે...''

''ખબરે ય નહિ પડે ? ખબર જ ના પડવાની હોય તો તો ખોટા પૈસા પડી ના જાય ?''

''ઉફ...ઓહ...આ માણસથી તો-અરે, કોઇ પંખો ચાલુ કરો, ભ'ઇ !''

મેં જીવનમાં કદી કોઇને ખબર ન પડે, એવું કામ કર્યું નથી અને અહીં તો ડૉક્ટરો જ આવા-ખબર ન પડે-એવા ધંધામાં પડયા હોવાનું મને ન ગમ્યું. એ તો પછી ખબર પડી કે, આમાં તો આપણને ખબર ન પડે, એ સારૂં કહેવાય. હું આમ મરદ ખરો, પણ દવાખાનામાં બીજા કોઇને ઇન્જેકશન આપતા હોય, એ હું જોઇ શકતો નથી. એવો મારો ઈર્ષાળુ સ્વભાવ નહિ કે, ''તમે (ઇન્જેકશન) લઇ ગયા ને અમે રહી ગયા'' પણ, એ ઇન્જૅકશન મને અપાતું હોય એવો ફફડી જઉં છું. ઘણી વાર તો ડૉક્ટર મને ઇન્જૅકશન આપવા

આવ્યા હોય, તો મોટું મન રાખીને વિનમ્રતાથી કહી દઉં છું, ''મને નહિ....આ બાજુમાં બેઠા છે, એ ભ'ઇને આલી દો....મેં તો લાઇફમાં બહુ ઇન્જૅકશનો જોઇ નાંખ્યા.'

''જુઓ દાદુ, મોટે ભાગે તો કશું નહિ નીકળે...પણ ન કરે નારાયણ ને એકાદી ગાંઠ નીકળી, તો એ લોકો ઍન્જીઓપ્લાસ્ટી કરીને ગાંઠ કાઢી નાંખે છે.''

''પણ મારા મનમાં તો કોઇના માટે ગાંઠ નથી રાખતો. જે ઉકેલતા ન આવડે, એવું કશું વાળવાનું જ નહિ.''

''મનમાં નહિ રાખતા હો....આ તો હૃદયમાં છે. એટલે તમને ઝીણકો ઝીણકો દુઃખાવો છાતીમાં રહે છે ને ?'' વાત તો સાચી હતી. ઉધરસ ખાતી વખતે છાતીમાં થોડું દુઃખે, એને આ લોકો પાપની નિશાની ગણે છે. એનો અર્થ એવો ય થયો કે, ઇશ્વરે તમને ચેતવણી આપી દીધી છે. એ ધારત તો વગર ચેતવણીએ ગૅટ-પાસ મોકલી આપ્યો હોત, પણ બહુ ઓછા લોકોને એ આવા-બબ્બે તત્તણ ઍટેકોવાળા-ચાન્સ આપે છે. આમાં, પહેલો હજી ન આવ્યો હોવાથી, એની રાહ જોવાની હોતી નથી કે ખોટું ય લગાડાય નહિ,

''બાજુવાળાને તો બબ્બે આઈ ગયા...ને અહીં હાવ નવરા બેઠી છીએ.'' આમાં તો 'દિલ' મોટું રાખવું પડે.

ને તો ય, ઍન્જીયોગ્રાફી કરાવવાની તો છે જ, એટલે મેં'કુ...વસીયત-બસીયતનામું કરતા જઇએ. મારા તો અક્ષરે ય બહુ સારા આવે છે. પણ એમાં તો ઘરના છોકરા બગડયા. 'ડૅડ...(પહેલી વાર મને ઉચ્ચાર 'ડેડ' સંભળાયો) ખોટી ઉતાવળો ના કરો...આપણા ફૅમિલી-વકીલ અમેરિકા ગયા છે...ઠેઠ માર્ચમાં આવશે....અત્યારે તમારે વિલ-બિલનો વિચાર જ ના કરવાનો હોય !''

વાઇફ બહુ બગડી, ''અસોક...આ સુઉં માંઈડુ છે...? તમે ગામ આખામાં ઢોલ પિટી આઇવા છો, એમાં ઇ લોકો મારા લોહીડાં પીએ છે, 'ભા'આયને ક્યારે લઈ જવાના છે ?''

એ ભોળુંડાઓ મને 'હૉસ્પિટલ' ક્યારે લઇ જવાના છે, એવું પૂછતા હતા ને આ અમથેઅમથી ઉત્સાહમાં આવતી હતી....આ તો એક વાત થાય છે !

સિક્સર
- અમારા નારણપુરા ચાર રસ્તા ઉપર રોજ એકાદો ઍક્સિડૅન્ટ થાય છે...ટ્રાફિક સિગ્નલ ક્યારે આવશે ?
- કોઇ મોટાને મરવા દો....!
- ઓહ...તો તો તમે જ આવી જાઓ ને!

1 comment:

Unknown said...

અશોકજી,
તમારા આ લેખ પરથી એક કાવ્ય રચ્યું છે :)




સો ટકા જીવિત છું, ધબકતું હ્રદય પુરાવો લ્યો
ખખડશે દ્વાર અંદરથી, છાતીએ હાથ દબાવો લ્યો

છે મગજ કે આ બધુ, હૃદયથી ફક્ત લખાય છે
મુકીને લમણે હાથ જોઉ, મસ્તક જરા નમાવો લ્યો

થશે ભીડ઼ નિયંત્રણ, જ્યારે નામી કોઇ સિધાવશે
તમ જેવું સુનામી કોણ, તમે જ આવી જાઓ લ્યો..

સમો હવે પાકી ગયો, એમનાં પ્રયાણનો, હરખો
શેરીએ શેરીએ ભોળીયાઓ ઢોલ પીટી આવો લ્યો