Search This Blog

02/03/2016

ઘર આયા મેરા પરદેસી...

વનવાસ પછી રામ અયોધ્યા પાછા આવ્યા હોય, એવું 'વેલકમ હોમ' મને મળ્યું. આવા જોખમી ઓપરેશન પછી હોસ્પિટલથી ઘરે હેમખેમ પાછા આવવું, એમાં મારી કોઇ કમાલ નહોતી, હોસ્પિટલની હતી- મારા ફેમિલીની હતી. ૭ દિવસમાં ૯- કીલો વજન ગૂમાવ્યા પછી આપણે કાંઇ અજય દેવગણ જેવા તો ન લાગતા હોઇએ. અશક્તિ એ હદે લાગતી હતી કે, આંખની પાંપણ ઉપર દરિયા ઉલેચવાના સપનાં જોવાના મનસૂબા ય ઘેર આવીને ખાબોચીયામાં ઝબોળી દેવા પડયા. મોઢું તરડાઇ ગયું હતું, ત્યાં જ મને સ્પોન્જ કરાવવા આવેલી વાઇફે ભીનાં નયને છતાં મધુર કંઠે મારા બરડાં ઉપર ભીનો નેપકીન ફેરવતા ગાયું, ''ક્યા ખૂબ લગતી હો, બડી સુંદર દિખતી હો...''

''હેં ?... લગતી હો ?''

હું અચાનક આઘાતમાં આવી ગયો. ટબમાં ઊભા નહોતા થવાતું તો ય આમતેમ આઘાપાછા ઊંચાનીચા થઇને આગળપાછળ જોઇ લીધું કે, 'ઓપરેશન પછી મારામાં કોઇ જાતીય પરિવર્તન તો આવી ગયું નથી ને ?' કંઇક બફાઇ ગયું છે, એનું ભાન થતા વાઇફે મને એણે ગાયેલા શ્લોકની સમજૂતિ આપી, ''ડૉક્ટરે ખાસ કીધું છે કે, ઘરે લાઇવા પછી દર્દીને ખુસ્સ રાખવાનો... અને તમને તો મારો અવાજ બવ ગમે છે એટલે, મેં'કુ--'' એનું આ નિવેદન સાવ ખોટું નહોતું. મને એનો અવાજ ગમે છે. કારણ કે, એ સાંભળતી વખતે કેવળ કાનનો ઉપયોગ કરવાનો હોય છે, મગજનો નહિ ! વળી, એના કંઠમાં એક જાદુ પણ છે કે, એ ગાતી હોય ત્યારે, હોળીની આગલી રાત્રે ઉત્તર પ્રદેશના ભૈયાઓ ભાંગ પીને બુલંદ અવાજો ઉપર ગાતા હોય, એમ ''કાંગરા રે કસીયાવાળો, ભાભી તારો દેવરીયો, એ ટણપો હોય તે રાતે ઇંટાળા ઘસીયો રે... કાંગરા રે...'' એમ એક ગળામાંથી એ મિનિમમ ૨૬ ભૈયાઓના અવાજ કાઢી શકે છે. પણ, આલી ફેરા... મને એના શબ્દોએ ઊંધો લટકાવી દીધો, ''ક્યા ખૂબ લગતી હો...''

ફિલ્મ 'સફર'માં રાજેશ ખન્નો એક સંવાદ કહે છે, ''જાનતે હો, લોગ અસ્પતાલ મેં મરીઝ કા હાલ પૂછને ક્યું આતે હૈં ? વો જાનના ચાહતે હૈં કિ વો ઇસ કી તરહ લાચાર નહિ હૈ, મજબૂર નહિ હૈ...!' બીજાને બિમાર જોઇને પોતે કેટલા સ્વસ્થ છે, એ વાતથી ખુશ થવાનું ફિલ્મ પૂરતું બરોબર હશે, પણ વાસ્તવમાં ઊલટું હોય છે. પૂર્ણ તંદુરસ્ત ખબર કાઢુને જોઇને બિમાર અડધો તો એમને એમ સ્વસ્થ થઇ જાય છે કે, હું પણ આના જેવો તંદુરસ્ત થઇ જઇશ.' ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે, તેના અર્થઘટન ઉપર તંદુરસ્તીનો આધાર રહ્યો છે. મને ખબર કાઢવા આવનારા ગમે છે.. સિવાય કે ''અરે દાદુ, ઘેર આઇ બી ગયા ને અમને કે'વડાવતા ય નથી ? ઓકે... પણ વિલ-બિલ કરાવી લીધું કે નહિ ?... વિલ... વસીયતનામું ?'' એક ઘરની નજીકના ખબરકાઢુએ સૂઝાવ મૂક્તા પૂછ્યું.

''હેં...?''

''ભ'ઇ, આવું એકાદવાર થઇ જાય એટલે વિલ-બિલ કઢાઇ રાખવું સારૂં... ઘરવારા પાછરથી હેરાન ના થાય !'' તો બીજા કેકેઓ (ખબર કાઢુઓ) એવા ઉત્સાહમાં હોય કે સ્થળ કાળનું ભાન ન રહે અને હું તો રથયાત્રાના વિભિન્ન અખાડાઓમાં અંગ કસરતના અનેક ગોલ્ડમેડલો છાતી પર લટકાવીને ઘેર પાછો ફર્યો હોઉં, એમ બરડા ઉપર લાડઉમળકાનો એવો ધબ્બો, ''અરે વાહ... અમારા દાદુ ઘરે આઇ ગયા છે ને કાંઇ...!'' બોલીને પૂરજોશ મારે કે, હવે આ વખતે હોસ્પિટલમાં જતી વખતે એમ્બ્યૂલન્સ બોલાવવી કે શબવાહિની, એ ઘરવાળાઓ ય પહેલી નજરે નક્કી કરી ન શકે, માટે આવા ઉત્સાહી કેકે-સમાજને મારાથી શારીરિક સલામત અંતરે રાખવા પડયા છે. બાયપાસ સર્જરીમાં છાતીના હાડકાને બરોબર વચ્ચેથી ચીરીને ઓપરેશન થાય ને પતી ગયા પછી લોખંડના વાયરો સિવીને છાતી પાછી એ જ શેપમાં લવાય છે. કેકે- સમાજથી આવી નબળી છાતીઓને બહુ દૂર રાખવી જોઇએ. પણ, કોક માંદુ પડે, એટલે ખબર કાઢવા જવું જ પડે ? ન જાઓ તો શું પેલા માઠૂં લગાડીને ફરી એક વાર પાછો દાખલ થઇ જવાનો છે ? (ખરેખર આવું હોય તો ૯૦ ટકા ગુજરાતીઓ કોઇની ખબર કાઢવા જ ન જાય !) મારી સાથે સહમત થવું જરૂરી નથી, પણ તમે હક્કથી જ્યાં ન જઇ શકો, એ સંબંધ શાશ્વત હોય છે. ડીટૅઇલમાં સમજાવું તો, કોકના બેસણામાં કે હોસ્પિટલમાં ખબર કાઢવા જવું, એક દસ્તૂર થઇ પડયો છે.... ના જઇએ તો ખરાબ લાગે ! મતલબ, તમે જલદી સમજાઓ, એવા માણસ નથી. સ્વર્ગસ્થ કે બિમારનો પરિવાર તમને ઓળખી જ શક્યો નથી. તમારા મનમાં ગમે તેટલું ઝેર ભરેલું હોય પણ એકવાર 'જઇ આવો' એટલે આખા ફેમિલીને ખાત્રી થઇ જાય કે, ''વાહ... ભરતભાઇને આપણા માટે લાગણી બહુ...! જુઓ ને... એમની ફેક્ટરી તો આટલે દૂર છતાં અત્યારે બે ઘડી ય આઇ ગયા ને ?''

અને આ બાજુ, તમે ન ગયા તો શું કાયમ માટે સંબંધ તૂટી જવાના ? ચોક્કસ કારણ હોય તો જ તમે જઇ ન શક્યા હોય અને ખુલાસો કરવાનો મોકો કે કારણ પણ ન હોય તેમ છતાં... જસ્ટ બીકોઝ, તમે ગયા નથી, એ ખાતર પેલા લોકો સંબંધ તોડી નાંખશે ?

હવે તમારી અસલી પહેચાન શરૂ થાય. તમે એવા કેવા કાચા સંબંધો રાખ્યા હતા કે, સારા માઠા પ્રસંગે તમે જઇ શક્યા કે ન જઇ શક્યા, એ તમારૂ ભાવિ નક્કી કરે ? માન્યું કે જૂઠ્ઠુ બોલવામાં તમારા બાપે ય તમને ન પહોંચે, એવા બહાના બનાવી શકો એમ છો પણ મારે તો પૂછવું એ છે કે, જૂઠ્ઠું બોલવું જ શું કામ પડે ? બહાના કાઢવા શેના પડે ? આ હું લાંબો થઇને પડયો છું, ને હું જેને ઓળખતો હોઉં, એવી ભાગ્યે જ કોઇ વ્યક્તિએ મારી ખબર ન પૂછી હોય, પણ તેમ છતાં હજી સુધી ખબર નહિ પૂછનારાઓ માટે મને કોઇ આડોઅવળો વિચારમાત્ર નથી આવ્યો, એમાં મારી ખાનદાની જ નહિ, સામેવાળા માટેની મને મળેલી ક્લિયર સમજ છે.

બસ... વાત વાતમાં માઠું લગાડીને તમારા સ્ટેટસને નીચું ન લાવો.

સુઉં કિયો છો ?

સિક્સર
- શું, આ વખતે તો ચાર-ચાર ગણી ગિફ્ટો આવી હશે ને ? (૨૯ ફેબ્રુના જન્મદિન પછી એક કુતુહલ.)
- ના. બધાએ એક એક ગિફ્ટ ચાર ભાગમાં વહેચીને આપી...

No comments: