Search This Blog

17/04/2016

ઍનકાઉન્ટર : 17-04-2016

* શું લાગે છે ? ઇ.સ. ૨૦૧૭-માં ભાજપ કે કૉંગ્રેસ ?
-
થોડા ઉદાર બનો. કૉંગ્રેસને ફરી લાવવી હોય તો ઇ.સ. ૨૧૧૭ બોલો.
(
હની કે. રૉય, આણંદ)

તમે આ કૉલમમાં ઘણાની મજાક ઊડાવો છો. તમારા ઘરમાં તમારી મજાક કોઇ કરે છે ?
-
કૌન માઇ કા લાલ મેરી મજાક નહિ કર સકતા... ?
(
હાર્દિક ક્યાડા, નિકોલ)

તમે ભાજપની ફૅવર કરો છો, પણ કૉંગ્રેસની કદી નહિ... એવું કેમ ?
-
એ બંનેમાંથી એકે ય ની ફૅવર કરવા જેવું તમને કાંઇ લાગે છે ?
(
મનમિત ભાણખરીયા, ઊંઝા)

'ઍનકાઉન્ટર' ચાલુ કરવાનું કારણ ?
-
ક્યાંય ધંધો ચાલુ થાય એમ નહતો.
(
કેવલ શુકલ, વલસાડ)
સઉદી અરેબિયામાં કાયદા સખ્ત છે, માટે અહીં કોઇ ગૂન્હા થતા નથી. આપણે ત્યાં આવું ન થાય ?
-
સઉદીમાં આપણા જેવું ચાલુ કરાવવું હોય તો વાત કરો.. ચાર-પાંચ પ્રધાનોને મોકલીએ.
(
આર્કેશ જોશી, સઉદી અરેબિયા)

સાચું બોલનાર સત્પુરૂષ કહેવાય કે દેશદ્રોહી ?
-
તમારી સમજ મુજબનું 'સાચું' સમજવું પડશે.
(
ઇરફાન મિરઝા, અમદાવાદ)

હમણાં હું મુંબઇ ગયો, ત્યારે ડિમ્પલભાભી મળેલા. એમણે મને એમ પૂછેલું કે, 'અમારા અશોકભાઇ કેમ છે ?'
-
કહીને ના આઇએ કે, 'તમારા એવા કોઇ ભાઇને હું ઓળખતો નથી !'
(
ડૉ. હસમુખ ભટ્ટ, જામનગર)

સવાલ પૂછનારના નામ, સરનામા સાથે ઉંમર પણ લખવી જોઇએ, એવું તમને નથી લાગતું ?
-
ક્યાંય ગોઠવાયું લાગતું નથી...!
(
જયદીપ શાહ, અમદાવાદ)

તમે સવાલ પૂછનારના નામ સરનામા પૂછો તો છો, પણ ક્યારેય ચૅક કરો છો કે, પૂછનાર વ્યક્તિ છે કે નહિ ?
-
અમારાથી કોઇનું એવું અશુભ ન ઈચ્છાય.
(
કૌશલ સોની, વડોદરા)

આવા ફીલ્ડમાં આવવાનો વિચાર કેવી રીતે આવ્યો ?
-
બસ... આવી રીતે !
(
નિરાલી શાહ, ભાવનગર)

તમે આજ સુધી 'ઍનકાઉન્ટર'માં કેટલા જવાબો આપ્યા હશે ?
-
ગણવા માંડો. એક વર્ષના મિનિમમ ૫૦-સપ્તાહ. એક સપ્તાહમાં સરેરાશ ૨૭-સવાલો. લગભગ દસ વર્ષ 'ઍનકાઉન્ટર'ને થયા.
(
પંકજ પ્રજાપતિ, કોદરામ)

તમારા વાઇફે એમના મોબાઇલમાં તમારૂં નામ 'હિટલર' રાખ્યું છે, તમે એમનું શું રાખ્યું છે ?
-
આમાં તો પકડાઇ જવાય એવું છે... એટલે દર અઠવાડીયે નામ બદલતા રહેવાનું.
(
હાર્દિક ચાવડા, વિંછીયા)

દારૂડીયા પણ પોતાની પત્નીનું માનીને દારૂ છોડતા નથી, પણ કેટલાક કહેવાતા બુધ્ધિજીવીઓ પત્નીનું માનીને દેશ છોડવાની વાતો કેમ કરે છે ?
-
કમનસીબી... કે, ખાલી વાતો જ કરે છે !
(
કલ્પેશ વાડોલીયા, રાજકોટ)

શાહરૂખ-આમિર ખાનની ફિલ્મો થીયેટર સુધી જ ન આવે, એ માટે થીયેટરવાળાઓનો પણ સહકાર મળવો જોઈએ. તમે શું માનો છો ?
-
એટલી દેશભક્તિ પ્રજામાં હોત તો થીયેટરવાળા ય શું કરી શકવાના હતા ?
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

તમને સમજી શકી ન હોય, એવી સ્ત્રી વિશે બે શબ્દ કહેશો ?
- '
બચી ગયા.'
(
દીપક આશરા, ગાંધીનગર)

સવાલ-જવાબોમાંથી નવરાશ મળે, તો શું કરવાની ઇચ્છા થાય છે ?
-
ફરીથી કુંવારા બની જવાની... કોઇ સવાલ તો ન પૂછે !
(
ચિંતન પી. વ્યાસ, ધોરાજી)

'રજનીગંધા' સજોડે બે-ચારવાર જોયું, પણ બીજી કોઇ હિન્ટ મળી નહિ. એવી વાર્તા વાસ્તવમાં શક્ય છે ખરી ?
-
મારે તો કોઈ ભૂતપૂર્વ કે વર્તમાન પ્રેમિકા ન હોવાથી, તમારી જેમ હું ય જીવ બાળું છું.
(
બી.એસ. વૈદ્ય, વડોદરા)

સ્ત્રીની પુરૂષ પાસેથી કેવી અપેક્ષા હોવી જોઈએ ?
-
સારી.
(
ભરત ડી. સાંખલા, ડિસા)

વકીલોના બૉર્ડ કાળા-ધોળા રંગમાં જ કેમ ?
-
એ લોકો કાળામાંથી ધોળું બનાવી આપવાના પૈસા લે છે, માટે.
(
કમલ ધોળકીયા, સુરેન્દ્રનગર)

ભારત ક્યારે પૅરિસની જેમ પાકિસ્તાનને જવાબ આપશે ?
-
બહુ ઉતાવળા છો. હજી તો પાકિસ્તાનીઓ સરહદ પર રોજના આપણા પાંચ-દસ સૈનિકો જ મારે છે...
(
અશ્વિન મોરે, વડોદરા)

તમારા ધાંધલ-ધમાલને જે રીતે તમે હૅન્ડલ કરતા હતા, એવું અમારા છોકરાઓને સીધા કરવાની ટીપ્સ આપશો ?
-
મેં તો બંનેને પૈણાઇ દીધા !
(
અનિલ પડાયા, સુરત)

'ચક્કર' વિનાની છોરી લાવું કે અક્કલ વિનાની ગોરી લાવું ?
-
અક્કલ વિનાની ગોરી તો એક ઢુંઢો... હજાર મિલેગી..!
(
આશિષ પાનસેરીયા, સાવરકુંડલા)

તમારી ઍકઝૅક્ટ ઉંમર જણાવશો ?
-
૨૩,૪૧૬ દિવસ.
(
શ્વેતા પ્રજાપતિ, સિધ્ધપુર)

No comments: