Search This Blog

20/04/2016

- સ્માઇલ પ્લીઝ

''અસોક... આ લિયો મોબાઇલ ને મારો સૅલ્ફી પાડી દિયો!''

પાડવા-પડવાના અનેક અઘરાં કામો હું પલભરમાં પતાવી શકું છું, એવા જૂના વિશ્વાસ સાથે વાઇફે મને એનો સૅલ્ફી ફોટો પાડવા મોબાઇલ આપ્યો.

ઘરમાં આજ સુધી મે ઘણું બધું ઊંધુચત્તુ પાડયું છે. એક વાર તો ભૂલમાં ખભો ભટકાઇ જતાં આખેઆખું ફ્રીજ પાડયું હતું, બીજી એકાદવાર અમારા બેડરૂમના પલંગ પરથી ભરઊંઘમાં ધક્કો વાગી જતા મે એને ય પાડી હતી.... સીધી જમીન પર! જો કે, આજે ય એ માનવા તૈયાર નથી કે, એ મારાથી 'ભૂલમાં' પડી ગઇ હતી. પહેલી વારમાં જ એને ડાઉટ પડી ગયો, એટલે સાલો બીજી વાર ટ્રાય પણ ન મરાય!

ને તો ય, પોતાનો સૅલ્ફી પાડી આપવા એણે મોબાઇલ મને આપ્યો. મને પાછી એ ખબર નહિ કે, સૅલ્ફી બીજા પાસે ન પડાવાય. રવીન્દ્રનાથ ટાગોરે કીધું છે કે, પોતાનું કામ પોતે જ કરવું, પણ આવી મહાન વ્યક્તિનો આવો સંદેશ હું એને પહોંચાડી ન શક્યો. અરે, મે તો આજ સુધી મારો સૅલ્ફી ય કદી પાડયો નથી અને પાડયો છે ત્યારે પાછળના ફ્લેટની કપડાં સૂકવેલી બાલ્કનીઓ કે પાસે ઊભેલી ગાયના ફોટા પડી ગયા છે, પણ હું ફોટાના સેન્ટરમાં રહી શકતો નથી. મહાન બાણાવળી અર્જુનની જેમ નીચે પાણીના હોજમાં જોઇને ઉપર ચકરભમ-ચકરભમ ફરતી માછલીને તીરથી વિંધી નાંખવાનું કામ મને સોંપવામાં આવ્યું હોત, તો પહેલું તીર દ્રૌપદીના ફાધરને વાગ્યું હોત!.... આ તો એક વાત થાય છે.

હા, અમારા બંનેનો ભેળો સૅલ્ફી લેવાનો હોય તો હું મદદમાં આવી શકું અને એ સૅલ્ફી બીજા કોક સારા માણસ પાસે લેવડાવું. વાઇફ સાથે મારા ફોટા કદી સારા આવતા નથી. આમ તો કોઇની સાથે મારા ફોટા સારા નથી આવતા. એને શું કે, ફોટા પડાવતી વખતે સ્માઇલો આપવા બહુ જોઇએ ને આપણને એમ કે, લગ્ન કરીને આપણે એવી તે કઇ વિજયપતાકાઓ ફરકાવી છે કે વગર કારણે હસીએ? લગ્ન પછીના ૪૦ વર્ષમાં અમારા બંનેના ભેગા બધું મળીને માંડ કોઇ ૮-૧૦ ફોટા હશે અને એ બધામાં એના એકલીના સારા આવ્યા છે. હું તો એનો ભાઇ હોઉં, એવો લાગુ છું. આપણા સમાજનો પ્રોબ્લેમ એ છે કે, મારા ફોટા મારી વાઇફ સાથે સારા નથી આવતા, એટલે બીજા કોઇની વાઇફ આપણી સાથે ફોટા ન પડાવે. પોતાનો ફોટો બગાડવો કોને ગમે?

તો ય, આ વખતે રામ જાણે કયા વિશ્વાસ ઉપર એણે મને એનો સૅલ્ફી પાડવા બોલાવ્યો!

એ મને અમારા ફ્લેટના ટેરેસ ઉપર લઇ ગઇ. ટેરેસ ઉપર પાણીની ટાંકી છે. મને એમ કે, એ મને ત્યાં ઉપર ચઢાવશે અને ત્યાંથી મારે એનો ફોટો લેવાનો હશે. મને ડાઉટ પડયો કે, આ ઉંમરે એ મારી સાથે ફિલ્મ 'ટાઇટૅનિક બ્રાન્ડ'નો ફોટો પડાવવા તો નહિ માંગતી હોય! પણ એ એટલી બધી ઉદાર અને ભોળી નથી. ટૅરેસ પર સૅલ્ફી પડાવવાનું કારણ એના દાવા મુજબ એ હતું કે, ફ્લેટના કમ્પાઉન્ડમાં કે બીજે ક્યાંક ફોટા પડાવીએ તો લોકો જુએ અને દાંત કાઢે કે ઍક્સ-રે કઢાવવાની ઉંમરે આ બંને વળી સૅલ્ફા પડાવવા હાલી નીકળ્યા છે તે...!

પણ એનો એકલીનો સૅલ્ફી પાડવા મારે એનો મોબાઇલ ક્યાંથી પકડવો ને ઊભા ક્યાં રહેવું તેમજ 'સ્માઇલ પ્લીઝ' બોલું ત્યારે સ્માઇલ એણે આપવાનું કે મારે, તેની પરફેક્ટ માહિતી મારી પાસે નહોતી.

''એમ તમને સમજ નંઇ પડે. એક કામ કરો. આંઇ હાઇલાં આવો અને મારી પડખે ઊભા રહીને હાથ ઊંચો રાખીને સૅલ્ફી પાડી લિયો.''

હું સામાન્ય રીતે એના હૂકમો ટાળતો નથી એટલે એની બાજુમાં ઊભો રહી જઇને મારો હાથ ઊંચો કર્યો. આપણને એવી તે શી ખબર કે, મોબાઇલ હાથમાં રાખીને હાથ ઊંચો કરવાનો હોય! કબુલ કરૂં છું કે, સૅલ્ફી લેનારાઓ મને તો અડધા ગાંડા લાગે છે. કારણ વગર એકલા એકલા હસવું, એ ડાહ્યા માણસના લક્ષણ નથી. આ મોબાઇલમાં સૅલ્ફીની સગવડ મળી, એ પછી અચાનક બધા સુંદર થઇ ગયા. પોતાના પ્રેમોમાં પડવા લાગ્યા. બધાને સ્માઇલો આપતા આવડી ગયું. કોઇકે વળી ભરાઇ દીધું છે કે, સૅલ્ફી લેવો હોય તો ઊંચા હાથે મોબાઇલ પકડીને પાડવો ને આપણે ઊંચુ જોઇને હસવું. મોબાઇલ કદી મોંઢાની સામે લગોલગ રાખીને ફોટા ન પડાવાય. કોઇ પેટ પાસે મોબાઇલ પકડીને નીચે જોઇને હસતાં મોંઢાના ફોટા નથી લેતું.... એમાં તો પેટનો પહેલા આવે!

સૅલ્ફી શોધાયા પહેલા તો એટલું હતું કે, ખાસ ફોટા પડાવવાના કોકના રીસેપ્શનના સ્ટેજ પર ચઢ્યા હોઇએ ને લેવાદેવા વગરનું હસતું મોઢું રાખીને બસની લાઇનમાં ઊભા હોઇએ એવો આપણો એક ફોટો પડે, જે આપણને કદી જોવા મળતો નથી. મને હવે પ્રશ્નો થવા માંડયા છે કે, રીસેપ્શન પર વર-કન્યા પોતાના સૅલ્ફી જાતે લેવા માંડે તો? બીજો ફેરફાર એ કરી શકાય કે, હુતુતુતુ રમતું જે મેહમાન સ્ટેજ પર આવે, એ મોબાઇલ પકડીને જ આવે અને વર-કન્યા સાથે પોતાના સૅલ્ફી પોતે જ લઇ લે, તો લગ્નવાળાનો કેટલો ખર્ચો બચી જાય? કાળક્રમે આ પદ્ધતિ સ્મશાનોમાં ય લાગુ પાડી શકાય. જેને સુવડાવ્યો હોય, એની સાથે લાઇફનો છેલ્લો ફોટો પડાવી લેવા સૅલ્ફી ઘણો ઉપયોગી થઇ પડે. યસ. પાછળ પેલો સુતો હોય, એની આગળ ડાઘુઓ લાઇનમાં એકબીજાના ખભે હાથ મૂકીને સૅલ્ફી ચોક્કસ પડાવી શકે, પણ સ્માઇલો આપી ન શકે. જેને હુવડાવ્યો છે, એનું ય સ્માઇલ લઇ ન શકાય. જેનો ડોહો હુવડાવ્યો હોય, એ ધ્રૂસકે ને ધ્રૂસકે રડતો હોય, ત્યારે સૌજન્ય ખાતર પણ એની પાસે સૅલ્ફી લઇ જઇને, ''એક જરા... સ્માઇલ પ્લીઝ''ની રીકવૅસ્ટ પણ કરવી ન જોઇએ.

ધીમેધીમે સામેથી પાડવાના ફોટાવાળા મોબાઇલો બંધ થઇ જશે ને ફક્ત સૅલ્ફી પાડી શકાય એવા મોબાઇલો મળશે. આ પદ્ધતિમાં ફાયદો એ થશે કે, છાનામાના કોઇના ફોટા પાડી લેતા મોબાઇલિયાઓ ઉપર કન્ટ્રોલ આવી જશે. હજી સુધી સલૂનમાં દાઢી કરાવતો ફોટો કોઇએ પડાવ્યો નથી, તે સૅલ્ફીમાં હસતા મોંઢે પડાવી શકાશે- સિવાય કે પેલાએ અસ્ત્રો વગાડી દીધો ન હોય! (નવા ગ્રાહકનું ખાસ ધ્યાન દોરવામાં આવે છે કે, ગાલ ઉપર સાબુના ફીણફીણ લગાડેલાં મોંઢે પણ સૅલ્ફી ન લેવો જોઇએ. વોટ્સઍપમાં એવા ફોટા મોકલવાથી નવા ગ્રાહકોના ઓર્ડરો તમારા ઉપર આવશે.

આખીર વો હી હુઆ, જીસકા મુઝે ડર થા...! વાઇફને મેં એનો સૅલ્ફી પાડી આપ્યો.... ભોળી આજ સુધી એવું જ સમજે છે કે, એ એનો ફોટો છે!

સિક્સર
- ગયા બુધવારના તમારા 'ભારત માતા કી જય' લેખની વાચકો ઉપર કોઇ અસર થઇ...?
-.... થઇ! ઘણાએ એવું સૂચન કર્યું કે, તમામ સિનેમાઘરોમાં ફિલ્મ પૂરી થયા પછી રાષ્ટ્રગીત ફરીવાર શરૂ કરાવવું જોઇએ...કમ-સે-કમ ઊભા નહિ થઇને સન્માન નહિ આપનારા ગદ્દારો તો પકડાશે!

No comments: