Search This Blog

06/04/2016

હૂર્રે હૂર્રે... તિતિક્ષા આવી

Previous articles on તિતિક્ષા

ઇશ્વર પણ ધાર્યા કરતા બસ્સો ગ્રામ વધુ દયાળુ નીકળ્યો કે, બેન્કના સ્ટાફે રામધૂનની માફક તિતિક્ષા પાછી આવે, એની માનતાઓ માની હતી, એ બધી સાચી પડી. દક્ષિણ દિશાએથી સમાચાર હતા કે, તિત્તુ પાછી આવે છે. (બ્રાન્ચની દક્ષિણ દિશા એટલે ભોંયરાનું ટોયલેટ, જ્યાં દિવસભરના ખાનગી સમાચાર છૂટથી વહેંચાય !) પટેલ તો એવો તાનમાં આવી ગયો હતો કે, ફેમિલીએ એની ભાગે પડતી આવેલી સાસુને હોસ્પિટલમાંથી હેમખેમ પાછી લાવવા ભગવાન શ્રીતિરૂપતિની યાત્રાએ મોકલ્યો હતો ને ત્યાં ગયા પછી સાસુને બદલે તિતિક્ષાને બેન્કમાં પાછી લાવવા માથેથી વાળ પણ ઉતરાવી આવ્યો હતો. પરીખ બેન્કના બીજા સ્ટાફ કરતા વિશાળ હૃદયવાળો, એટલે એ તો એટલી હદે રઘવાયો થયો હતો કે, તિતુ-ફીતુ ન આવે તો એની... આઇ મીન, બોન પૈણાવવા ગઇ, ને એને બદલે બેન્કનું મેનેજમેન્ટ તિતિક્ષાને બદલે કોઇ બી દિક્ષા, રીક્ષા કે ભિક્ષાને ય મોકલી આપે તો સુંદર સ્ટાફનો આ વસમો દુકાળ પૂરો થાય ને રોજ એકની એક ડોસીઓના મોંઢા જોવા ન પડે !

તિતુ આવે, એટલે આ વખતે તો હિંમત ભેગી કરીને એની સાથે કોઇ પ્લાન બનાવવાનું પણ વ્યક્તિગત ધોરણે નક્કી થઇ ગયું હતું - જેમ કે, તિતુને લઇને શિમલા- કૂલુ- મનાલી જઇ આવવું, એના માપના સુંદર ગોગલ્સ ગિફ્ટ આપવા, કે પછી રવિવારે એનું માથું શિકાકાઇ અથવા લોરિયલથી ધોઇ આપવું... અલબત્ત, બધું મનમાં !.. સાલું ચોઇસનું ય કેટલી હદે અધઃપતન થઇ શકે છે ! આ તો એક વાત થાય છે. તિતિક્ષા સાથે આવવા તૈયાર હોય તો બેન્કનો અડધો સ્ટાફ એને મોટા અંબાજી (વાયા મહુડી)ની જાત્રા કરાવવા તૈયાર હતો- સોલ્જરીમાં નહિ, કારણ કે સોલ્જરીમાં તો બીજા ય સાથે આવે. આ જો કે, વ્યક્તિગત મહેચ્છાની વાત હતી. તિતિક્ષા વારાફરતી બધાની સાથે અંબાજી જાય એના કરતા તો સ્વયં અંબાજીનું નાનકડું લાકડાનું મંદિર બ્રાન્ચમાં મૂકાઇ દેવું સહેલું પડે. માટે એ અરમાન અને એ સપના અધૂરા અને ખાનગી રાખવામાં આવ્યા. જેને જવું હોય તે ખાનગીમાં જઇ આવે. આ કંઇ તિતિક્ષાને લઇને લાલ વાવટાંવાળો સકળ સંઘ કાઢવાનો નહતો અને અંબાજી ય વળી કોને જવું હતું ? આ તો ઘેર કોઇને શક ન પડે, એટલે બેન્ક તરફથી જાત્રા જેવું રાખવાનું હતું.

મેહતા આણી કંપની (એટલે કે, એકલા મેહતાએ) એવું નક્કી કર્યું હતું કે, હનીમુન જેવું કાંઇ થતું હોય તો બે હપ્તે લોન લઇને સીધા સિંગાપુર ઉપડવું. (હનીમુન બે હપ્તે નહિ.. એ એક જ હપ્તે પતાવવું) પહેલા હનીમૂનમાં બહુ ખર્ચા નહિ કરવાના. (અડધો ખર્ચો તો તિતુનો ગોરધન આલશે ને ?) તો ચાવડાએ જુદો પ્લાન ઘડયો હતો. આમ આપણે ક્યાં સ્વિત્ઝરલેન્ડ જવાના હતા ને એને તો બાપુજી કદી બહુચરાજીથી આગળે ય નહોતા લઇ ગયા. એમ પાછું આવડું નાનકડું ગોળઅમથું 'ચાવડું' પ્લાનિંગવાળું ! બધાને આંચકા લાગ્યા ! તિતુજીના ઘરથી એરપોર્ટ સુધી રીક્ષાનો ખર્ચો ચાવડો આલે.. બાકીનો સ્વિત્ઝરલેન્ડ સુધીનો તિતુ આપે. એકાદ-બે જણાએ પ્લાન કરવાને બદલે, તિતિક્ષાજીની મરજી મુજબ ઉપડવાનું નક્કી કર્યુ, એ મરજી તો ત્યાં સુધીની કે, સાથે તિતુ ન આવે તો એકલા ય માઉન્ટ આબુ જઇ આવવું.

એ વાત જુદી છે કે, તિતિક્ષા હજી બેન્કમાં આવી નહોતી.. ફક્ત ધારણાઓ ઉપર ધંધો ચાલતો હતો. જેની જગ્યાએ તિતુજી આવવાના હતા, તે હાલનો બ્રાન્ચ મેનેજર રોંચો હતો. આઠ કલાકની નોકરીમાં એક વખતે ય એની ઉપર નજર પડી જાય તો બીજે દિવસે કાણી આંખે જોવું પડે. એ તો બ્રાન્ચના સ્ટાફે સામુહિક અશ્વમેઘ કરાવ્યો હશે કે, આવી નોટના બદલામાં તિતિક્ષાજી જેવી સુંદર મેનેજર આવી રહી છે. ભલે ને રોજના બબ્બે મેમો આપે, એ પોસાય, પણ પેલા રોંચાના હાથે તો પ્રમોશનનો લેટરે કોઇ હાથમાં ન પકડે.

તમે બેન્કના કસ્ટમર હો, તો ગુસ્સે થવાના છો કે, બેન્કનો સ્ટાફ ફૂલટાઇમ પરણેલો હોવા છતાં પારકી સ્ત્રીઓ સામે આવી કુદ્રષ્ટિઓ રાખે ? શું તેઓ નથી જાણતા કે, બેન્કમાં નોકરી કરવા આવતી સ્ત્રીઓ ય કોઇની પત્ની, કોઇની વાઇફ કે કોઇની માં હોય છે ? ધિક્કાર છે, આવી નજર બગાડનારાઓને...!

ઓહ દવે સાહેબ.. આટલો બધો ગુસ્સો રહેવા દો. ચાર કલાક અમારી બ્રાન્ચમાં આવીને કામ કરી જુઓ એટલે બેન્કના ચોપડે નોંધાયેલી બધી માં-બેનો ઓરમાન સાસુ જેવી લાગવા માંડશે. એ તો છેલ્લા ૧૫-૧૫ કે ૨૦-૨૦ વર્ષથી લાગલગાટ એકની એક લીલા ચીટણીસોને જોવી પડતી હોય, એમને પૂછો કે આપણે 'પાકિઝા'ના રાજકુમાર જેવા લાગતા હોઇએ ને આ ચીટણીસો સાલી દેખાવમાં ય બારેમાસ રોતડ મનમોહનકૃષ્ણ જેવી લાગે, એમના દિલો પર શું વિતતી હશે ? (જવાબ : બહુ ખરાબ વિતતી હશે : જવાબ પૂરો)

એમાં ય છ-આઠ મહિને કોક આંખ ઠરે એવી સની લિયોની બેન્કમાં આવે, એ ય સાલી સામેવાળા બબુચક ત્રિવેદીના ટેબલે આવે. આપણે તો એ જાય નહિ ત્યાં સુધી એના શરીરનો બરડો જ જોયે રાખવાનો...! પરમેશ્વર આવી કસ્ટમરોને પાછી મોકલે ય ત્રિવેદા જેવા પાસે, જેના વાઇફ સાથે ઘરની ભીંત ઉપર લટકાડેલા ફોટામાં ય બન્ને ભાઇ-બેન લાગે છે ! અરે, બેન્કમાં નોકરો ય કરવો અને નજર પણ નરસિંહ મેહતાની રાખવી ? પરસ્ત્રી જેને માત રે... અરે, રાખે મેહતા પોતે માત તરીકે, પણ કોઇની માંને આપણી માં કઇ કમાણી ઉપર ગણી લેવાની..? કોઇ પંખો ચાલુ કરો ! ઘરવાળીને તો છેલ્લા બસ્સો વરસથી માતાનો દરજ્જો આપી બેઠા હોઇએ.. આ તો એક વાત થાય છે ! પુરૂષ માત્ર ઘરની બહાર નીકળે, એટલે દેવ આનંદ થઇ જાય છે, કારણ કે ઘરે પાછા આવ્યા પછી તો એણે એ.કે.હંગલ જ બનવાનું છે ! પછી બોલવું જ પડે ને, ''યે ઇતના સન્નાટા ક્યું હૈ, '?''

અને એ શુભ દિન પણ આવી પહોંચ્યો. લાખોની તો ખબર નથી, પણ અમારી બ્રાન્ચની ગુલેગુલઝાર તિતિક્ષા-મૅડમ આવતી કાલે સવારે બ્રાન્ચ- મેનેજરનો ચાર્જ લઇ લેવાના હતા. બધા પુરુષ- સ્ટાફે આગલા દિવસે દસ-દસ રૂપિયાની સોલ્જરી કરીને ચોક-બાર મંગાવ્યા. જીભ બહાર કાઢી કાઢીને ખાધા. લેડીઝ- સ્ટાફને નવાઇ તો નહિ પણ આંચકા લાગ્યા કે, આટલી હદે બેન્કમાં ભાતૃભાવ અગાઉ તો કદી જોવા મળ્યો નહતો. જોયું ? સ્ત્રીઓ જ સ્ત્રીઓની દુશ્મન હોય છે.

ઓહ... આખો સ્ટાફ પોણા દસનો તો આવી ગયો હતો. શાર્પ દસના ટકોરે તિતુજી આવ્યા. કોઇને ખબર છે, કેવા સોહામણા લાગતા હતા ? કોઇ એક વાઇફને મિનિમમ ૨૦ વખત પરણવું પડે, ત્યારે એક તિતિક્ષાને પરણ્યા કહેવાઇએ. આજે એણે ઢીંચણ સુધીની બ્લૅક મિડી, ઉપર ફ્રિલવાળું શર્ટ અને આટલા ઉનાળામાં ય બ્લેઝર પહેરીને તિતલી આવી હતી. આપણાથી એને ટાઢ વાય તો આપણો કોટે ય ઓઢાડવા આપી ન શકાય. સાલો જેલસ સ્ટાફ બીજા જ દિવસથી બેન્કમાં ધાબળા લેતો આવે... ઇર્ષાની કોઇ લંબાઇ થોડી હોય ? આમ તો, ગયે વખતે સ્ટાફની ઔપચારિક ઓળખાણો પતી ગઇ હતી, છતાં બોલાવે તો સારૂં... ઘણી સ્ત્રીઓને આપણે પરણેલા છીએ કે બાકી છીએ, એ યાદ ન પણ રહ્યું હોય !...ને આપણો ચેહરો ય એવો બદમાશ લાગતો ન હોય ! સુંઉ કિયો છો ?

સૌથી વધુ આપણે ખાટી ગયા હતા. નવી બેઠક વ્યવસ્થા મુજબ, મેડમ એમની કેબિનની બહાર નીકળે, એટલે એ ઇચ્છે તો સ્માઇલ આપી શકે. પણ સુંદર સ્ત્રીઓમાં ઇચ્છવાનું બહુ ઓછું હોય છે, એ તમે ક્યાં નથી જાણતા ?

તો... તો...ત્રણ દિવસમાં એવું શું બન્યું કે, આપણા સીખ્ખે પુરૂષ સ્ટાફ તિતિક્ષાની નજીક જવાને બદલે દૂર ભાગતો ગયો...? કોઇ એની પાસે પણ જતું નહી. એણે આલેલા સ્માઇલો પડયા રહે ને કોઇ વાપરે નહિ... એવું તે શું થઇ ગયું..?

એ જ પ્રોબ્લેમ હતો. સાલી, સરસીયાના તેલમાં બનેલી રસોઇ ખાઇને આવતી હતી...!

૪-૪ જણાએ બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર માંગી લીધી. અમારા જેવા કેરેક્ટરના સારા સ્ટાફે બાકીનું જીવન પત્નીમાં પરોવીને જીવવાનું નક્કી કર્યું.

સિક્સર
વિશ્વરંગભૂમિ દિવસે તોફાની યુવાકવિ ભાવેશ ભટ્ટની શુભેચ્છા :
'
મંચ પરથી નીચે ઉતરવું તો
ખૂબ કપરૂં ચઢાણ છે, મિત્રો.'

No comments: