Search This Blog

15/05/2016

ઍનકાઉન્ટર : 15-05-2016

* મુંબઈની સ્ત્રીઓ પતિ કરતાં ઘાટીઓને કેમ વધુ મહત્વ આપે છે ?
- કદી ઘાટીઓની લાચારી વિશે વિચાર્યું છે ? એમને કોઈ વિકલ્પ...?
(પ્રણવ કારીયા, મુંબઈ)

* ટ્રાફિકની સમસ્યાનો કોઈ ઉકેલ ખરો ?
- ગાડીની બારી ઉપર કોણી મૂકીને હાથ માથા ઉપર રાખો અને મનમાં પૂછો, 'ટ્રાફિકની સમસ્યાનો કોઈ ઉકેલ ખરો ?'
(મધુકર મેહતા, વિસનગનર)

* સાંસદોએ પોતાના પગાર-ભથ્થાં વધારવામાં ઉતાવળ કરી મૂકી, પણ સરહદ પરના જવાનોના પગારોનું શું ?
- સાંસદો પગાર લે છે, એ પણ દેશ ઉપર મેહરબાની છે. નહિ તો ક્યાં અબજોપતિ પગાર-ફગાર જેવી 'ફેંકી દેવા જેવી' ચીજમાં હાથે ય નાંખે !
(મનોજ જરીવાલા, સુરત)

* આજકાલ ફેસબૂક અને વૉટ્સઍપના ચક્કરમાં લોકો મસ્તક ઊંચું રાખવાનું ભૂલી ગયા છે ?
- તે હશે... પણ 'સૅલ્ફી' બધાના મસ્તક ઊંચા ય રખાવે છે ને !
(નીલ સી. જોગાણી, સુરત)

* અંગ્રેજોએ આપણા દેશ પર રાજ કરવા આપણને અંદરોઅંદર લડાવી માર્યા... એમાંથી હવે ત્યાં રહેતા મૂળ ભારતીયોએ શું બોધ લેવાનો ?
- આપણે આઝાદી પહેલા અંદરોઅંદલ લડતા-ઝઘડતા'તા... તે બંધ થયું...?
(સાધના નાણાવટી, ગાંધીનગર)

* મોરબીમાં તમારા જાહેર ઍનકાઉન્ટરમાં પૂછાયેલામાંથી ક્યો સવાલ સૌથી વધુ ગમ્યો ?
- ફરી વાર મોરબી ક્યારે આવશો ?
(રાહુલ નાગર, મોરબી)

* અમારા વડોદરાના સવાલો કેમ બહુ ઓછા લેવાય છે ?
- એ લોકો બહુ અઘરા સવાલો પૂછે છે.
(જય એચ. સોની, વડોદરા)

* શું એ વાત સાચી છે કે, રાહુલ ગાંધીએ કહ્યું, 'મેરે પાસ માં હૈ',એ પછી સલિમ-જાવેદે સંવાદો લખવાના બંધ કર્યા ?
- 'મેરે પાસ હૅલીકૉપ્ટર હૈ'... એ સંવાદ સાંભળ્યા પછી એ લોકોએ બંધ કર્યા.
(ફાલ્ગુન વૈદ્ય, ઈલિનૉય- અમેરિકા)

* ચીન અને પાકિસ્તાનની પણ ડોકી દુઃખી જાય, એટલો ઊંચો વિકાસ ભારતે કરવો જોઈએ....
- ડોકીઓ તોડવા માટે હોય... દુઃખાડવા માટે નહિ !
(મયૂર વાળંદ, ભૂજ-માધાપર)

* પૅરિસ ઉપર હૂમલો થયો ત્યારે 'યુનો'થી માંડીને અનેક દેશોએ તેનો વિરોધ કર્યો, ફ્રાંસની પડખે ઊભા રહ્યા. પણ આપણા પઠાણકોટ પર હૂમલો થયો ત્યારે કોઈએ નોંધ પણ ન લીધી...
- હવે ફરીવાર પૅરિસ પર હૂમલો થાય, ત્યારે આપણે ય ચોક્કસ નોંધ લઈશું.
(કાંતિલાલ માંકડીયા, રાજકોટ)

* ધર્મો પર પ્રતિબંધ મૂકાવવાની વાતો કરો છો, પણ ધર્મની વ્યાખ્યા શું છે, એ ખબર હોત તો આવી વાતો ન કરત !
- ચુસ્ત ભારતીયતાની વધુ સારી વ્યાખ્યા તમને આવડતી હોય તો તમે કહો.
(ગીરીશ લાખન્કિયા, સુરત)

* તમને ય ખડખડાટ હસવું આવે ખરૂં ?
- લગભગ રોજ...! 'તારક મેહતા કા ઊલટા ચશ્મા' મને ખૂબ હસાવે છે.. ખાસ કરીને દિલીપ જોશી (જેઠાલાલ) વર્લ્ડ-કલાસ કૉમેડી કરી શકે છે, તેનો ગર્વ છે.
(સૂચના વી. મહેતા, સુરત)

* કૉંગ્રેસ પાર્લામેન્ટ ચાલવા દેતી નથી, એવી મોદીની ફરિયાદ છે. તમે મોદીની જગ્યાએ હોત તો ક્યા પગલાં ભરત ?
- જે મોદી ભરી રહ્યા છે.. કાંઈ નહિ !
(ગૌતમ વાઢેર, રાસ-બોરસદ)

* પહેલાં ઈંડું આવે કે મરઘી ?
- આસપાસમાં કોઈ ઑમલેટની લારી હોય, તેને જઈને પૂછો.
(યેશા ચૌધરી, સુરત)

* વૈજ્યંતિમાલા માટે શું કહો છો ?
- તમે એના નામની પાછળ 'બેન' કેમ નથી લગાવ્યું ?
(બી. એસ. વૈદ્ય, વડોદરા)

* તમારા ૨૯-પુસ્તકો બહાર પડયા.. હજી કેટલા બહાર પાડવાના છે ?
- બસ. બીજા ૨૯.
(સુરેશ મિસ્ત્રી, વડોદરા)

* 'સ્વચ્છ ભારત અભિયાન' વિશે શું કહેવું છે ?
- એનાં પાટીયાં સાફ કરાવવા જોઈએ.
(તનૂજ ઠાકર, કડિયાદરા- ઈડર)

* લોકો 'ચીયર્સ' તેમ પોકારતા હોય છે ?
- પહેલાં ઘૂંટ પહેલાં એ તો બોલવું પડે !
(ઠાકોરભાઈ બારીયા, વડોદરા)

* હવે પાકિસ્તાન સામે આરપારની લડાઈનો ટાઈમ થઈ ગયો નથી ?
- હમણાં બે દહાડા રોકાઈ જાઓ. મારે સ્વામીજી અને મહારાજ સાહેબના પ્રવચનો સાંભળવા જવાનું છે.
(ઠાકોરભાઈ બારીયા, વડોદરા)

* બગાસું અને આળસ ખાવાની ચીજો ન હોવા છતાં લોકો એ ખાતા કેમ હશે ?
- હાફૂસ બહુ મોંઘી છે.
(વર્ષાબેન જે. સુથાર, પાલનપુર)

* મકરસંક્રાત અને ઉત્તરાયણ વચ્ચે શું ફરક છે ?
- સ્પૅલિંગનો.
(જયેશ વી. જરીવાલા, સુરત)

* સ્ત્રીઓ ઉંમર કેમ છુપાવે છે ?
- છુપાવવું જોઈએ. એવું એ લોકો બધ્ધું જ છુપાવે છે. જીવ ન બાળવો.
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* તમને નથી લાગતું ગુજરાત રાજ્યને પણ કેજરીવાલ જેવા મુખ્યમંત્રીની જરૂર છે?
- તમારૂં સર્કલ વધારો. સોનુજી.
(સોનું શર્મા, રાજકોટ)

* મોદી સરકાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ ક્યારે આપશે ?
- જડબાતોડ સવાલ પૂછાશે ત્યારે.
(કૌશિક શાહ, ભાવનગર)

4 comments:

Unknown said...

સાચી વાત છે..
અશોકજી ને ધર્મની વ્યાખ્યાનું જ્ઞાન હોત તો આવું "ભારતીયતા ભારતીયતા" નું ફાલતુ રટણ કદી ના કરત !
એમની જેવા મંદબુદ્ધિ લેખકને શું ખબર પડે કે
સાચુ સુખ તો માત્ર ધરમથી જ પ્રાપ્ત થઇ શકે

ડૉક્ટરો તો તમારુ માત્ર કૅન્સર મટાડી શકે કે પછી હ્રદય બંદ થયુ હોય તો એ ચાલુ કરી શકે કે પછી
તમારી લાઇફ ૪૦ ની હોય એમાંથી ૮૦-૯૦ ની કરી
શકે કે પછી તમારી અસહ્ય પીડાઓ મટાડી શકે,
પણ સાચુ સુખ થોડા આપી શકવાનાં ?? એ તો ધર્મ જ આપી શકે.
ડૉક્ટરો તો વધી વધીને "મોક્ષ" નામની દવા આપણને આપી શકે બાકી અસલી મોક્ષ તો ધર્મથી જ મળે ભાઇ !
અા દેશની સેના તો સાવ કારણ વિનાની સરહદે ટાઇમપાસ કરી રહી છે અને આપણું બજેટ વધારી રહી છે બાકી આપણા ભગવાનો પુરા સક્ષમ છે દેશનાં દુશ્મનોનાં છક્કા છોડાવવા.

દેશને આઝાદી પણ અાપણા ધર્મે જ તો અપાવેલી. ત્યારે કાગનું બેસવું અને ડાળનાં પડવા જેવો ઘાટ થયો હતો! આઝાદી મળી એ દરમ્યાન અમુક નામી લોકો
આઝાદીનાં નિરર્થક આંદોલનો કરી કરી મરી ગયા, આવું ન કર્યું હોત તોય આઝાદી તો મળવાની જ હતી. હવે એમાં એ બધા શહીદોમાં,વીરોમાં ગણાઇ ગયા, લ્યો બોલો ! અને એક આખી પેઢીએ એમનાં ફોટાઓ વર્ષો સુધી ઘરોમાં ટાંગી રાખ્યા !! આ તો સારુ થયુ અત્યારે આપણને ધર્મનાં કર્તૃત્વનું ભાન થયુ અને એ બધા ફાલતુ ફોટાઓ આપણે દીવાલે થી ઉતારી લીધા અને ધર્મનાં,ગુરુઓનાં,બાપુઓના,માવડીઓના,દેવોનાં ફોટા પાછા ટીંગાડ્યા નહિ તો આગામી પેઢીઓ એમ જ સમજત કે દેશને આઝાદી આ ચીલ્લર લોકોએ અપાવી છે !!

હવે આ બધુ આ અશોક દવે જેવા જડભરતોને કોણ સમજાવવા જાય ? આજે ૬૩ વર્ષની ઉંમરે પણ એની પાસે ભારતીયતા સિવાય કોઇ ધર્મ નથી, બોલો !! કોઇ ધર્મનો સ્ટેમ્પ લઇ લીધો હોત તો આજે એ મહામાણસ હોત..
પણ અફસોસ, અશોક દવે આવડી મોટી વયે પણ સાવ માણસ થઇને જીવી રહ્યા છે ! ધિક્કાર છે એમની હયાતી ને.

મને જુઓ, મારી કાંખમાં સદાય મારો ધર્મ ને મારા ભગવાન હોય છે. આ દેશ પર કોઇ દુશ્મન હુમલો કરશે ત્યારે એ જ મારુ રક્ષણ કરશે..અને કદાચ ન કરી શકે તો એમને કાંખમાં લઇ ક્યાંક ભાગી જઇશ,રખેને કોઇ દુશ્મન મને મારી નાંખે તો ધર્મ કાંખમાં હોઇ તુર્ત મને મોક્ષ પ્રાપ્ત થશે.. એમાં દેશ..દેશ, ભારત..ભારત કરવાની શું જરુર છે વ્હાલા ?!

Anonymous said...

Jigar gondalvi ni budhhi fail thai gayi chhe. Grow up man! Try to understand Ashok Dave if you have some budhhi left.

Unknown said...

ભાઇ એનોનિમસ,
આપશ્રીના આક્રોશને બિરદાવતાં હું એટલું જ કહીશ કે ભાઇ શ્રી ગોંડલવીએ પણ આ બધા કહેવાતા ધર્મધૂરંધરોનો તીખા કટાક્ષથી તિરસ્કાર જ કર્યો છે. એમનો તીવ્ર કટાક્ષ ભલે પ્રથમ નજરે તાદ્રશ ન થાય પણ એમની શૈલી જ કહી જાય છે કે એ અશોક દવેના પ્રશંસક અને અશોક દવેની તીવ્ર ‘‘રાષ્ટ્ર પ્રથમ, બીજું બધું બાદમાં ’’ના પ્રખર સમર્થક છે...
અશોક દવેના લેખો હસવાના હોય છે, હસી કાઢવાના નથી હોતા એ આપણે સૌ સારી પેઠે જાણીએ છીએ.. અને ગોંડલવીજીને શૈલી કહે છે કે એ પણ આપણામાંના જ એક છે.

Anonymous said...

That's great, thx for your understanding. Aa badha Ashok Dave na, emni shailee ma deshbhakti jagadvana, ane praja ne jagrut karva na prayaso j chhe.