Search This Blog

11/05/2016

અમારા જમાનામાં...

દુનિયામાં જાણવા જેવું કેટલું બધું પડયું છે. પણ આપણને દર ત્રીજો માણસ એવો મળે છે, જે પોતાના વિશે સૌથી વધુ જાણતો હોય છે. આપણા કોઈ વાંક વગર એ પોતાના વિશે એટલું બધું બોલવા માંડે કે, આપણે શોધતા રહી જઈએ કે, આપણો વાંક કયાં હતો ? તમે ખાલી એટલું જ પૂછ્યું હોય, ''તમે બોપલમાં રહો છો?''

દુનિયામાં જાણવા જેવું કેટલું બધું પડયું છે. પણ આપણને દર ત્રીજો માણસ એવો મળે છે, જે પોતાના વિશે સૌથી વધુ જાણતો હોય છે. આપણા કોઈ વાંક વગર એ પોતાના વિશે એટલું બધું બોલવા માંડે કે, આપણે શોધતા રહી જઈએ કે, આપણો વાંક કયાં હતો ? તમે ખાલી એટલું જ પૂછ્યું હોય, ''તમે બોપલમાં રહો છો?''

મર્યા તમે !

''બોપલમાં ? યુ મીન, અમદાવાદના બોપલમાં.... ?? અરે ભ' , મૂળ તો અમે લંડનમાં સેટલ થવાના હતા, બટ યુ નો... અવર વિઝા પોલિસી ! અમને વિઝા ન મળ્યો. એ પછી અમે સાઉથ દિલ્હીમાં સેટલ થવાના હતા. અમારે તો ફક્ત રાજુને ય કહેવાનું હતું કે, 'ઈ કોઈ સારો બંગલો-''

''રાજુ? યુ મીન, આપણા નટુભ'ઈ વાળો રાજીયો....?''

''અરે શું તમે ય તે યાર ! રાજુ અમારાથી બોલાય, બધાથી નહિ. રાજુ એટલે આપણા એક્સ-પ્રાઈમ મિનિસ્ટર રાજીવ ગાંધી! પણ હજી મળવા જઉં, એ પહેલા તો એ ગૂજરી ગયા.''

એક તબક્કે આપણને ય લાગી આવે કે, ખોટો માણસ ગૂજરી ગયો. એમને બદલે આ આખો પીસ ભગવાને વાપરી કાઢવા જેવો હતો ! ત્યાં એ આપણને સીધો મુંબઈ લઈ આવે.

''આ તમારા મૂકેશ અંબાણી નહિ...?''

''ખરા.... પણ અમારા નહિ! એ તો મને ઓળખતા ય નથી. પણ એને શું છે ?''

''એમનો 'એન્ટીલા' જોયો છે ને ? વર્લ્ડનો સૌથી મોંઘો બંગલો. એ-''

''ઓકે. એ તમે લેવાના હતા?''

''ના ભ'ઈ ના. વાઈફ કહે કે, એન્ટીલાની આજુબાજુમાં કોઈ સારો બંગલો હોય તો જોઈ જુઓ.... કોક વાર નીતાભાભી પાસે દહીંનું મેળવણ-બેળવણ માંગવા જવાય!' મેં 'કુ... બનાવવો તો 'એન્ટીલા' થી મોટો બંગલો બનાવવો.... આજુબાજુમાં ક્યાંય જગ્યા નહોતી. તે વાઈફે કીધું, આના બદલે મારે પિયર અમદાવાદમાં સેટલ થઈએ.... મેં 'કુ... તું ખુશ હોય તો મને પ્રોબ્લેમ નથી... પછી અમદાવાદના એના ભ'ઈએ બોપલમાં થ્રી-બી-એચ-કેનો આ બંગલો શોધી કાઢ્યો. મેં 'કુ.... અત્યારે તો અહીં રહો.... પછી 'એન્ટીલા' જેવું કંઈ કરીશું....''

વાચકો મને ફટકારવા ન આવે, એ માટે એમની સ્ટોરી ૮૦ ટકા કટ કરીને લખી છે. પણ મને એકલાને જ શું કામ ? આપણને બધાને આવી નોટ મળે છે, જે માર્કેટમાં ચાલે એવી હોતી નથી, પણ આપણે ચલાવી લેવી પડે છે. આવી બીજી નોટ હોય છે, 'અમારા જમાનામાં.....'થી વાત શરૂ કરનારાઓની!''

''મહેતા સાહેબ.... તમે ક્રિકેટ રમેલા....''

''અલ્યા ભૂપી... લાય તો મારૂં બેટ લાય તો....''

''ઓહ.... તો તમે ક્રિકેટ રમેલા?''

''ક્રિકેટ.... હંહહહહ...! અમારા જમાનામાં આજના જેવા તેન્ડિયા-ફેન્ડિયા નહોતા. અમારા જમાનામાં તો વિનુ માંકડ.... વિજય હજારે.... આ તમારો લાલો.... આઈ મીન, લાલા અમરનાથ-''

''આ બધા સાથે તમે રમેલા ?''

''ક્રિકેટ નહિં. સીસીઆઈ (મુંબઈ) અમે લોકો કોફી પીવા સાથે બેસતા. અમારાથી બસ..... કોઈ બે-ચાર ટેબલ પર એ લોકો બેઠા હોય. પણ એ જમાનો જ કાંઈ ઓર હતો. મુસ્તાક અલી અડધી પિચે આવીને બોલને ફટકારતો રમાકાંત દેસાઈ જેવા યોર્કર-''

''સર... આપ શું રમેલા?''

''અમારા જમાનામાં અમે લોકો જાતે નહોતા રમતા... આ બધા નામો ગણાવ્યા, એ લોકોને બ્રેબોર્ન પર રમવા મોકલતા. અને-''

હિંદી ફિલ્મોના કોઈ જૂના હીરો-હીરોઈનનો ઈન્ટરવ્યૂ વાંચો-સાંભળો..... શરૂઆતથી જ પોતાના જમાનાની માંડે. ''દેખીયે.... હમારે ઝમાને મેં ઈતના સેક્સ નહિ થા, જીતના આજ કી ફિલ્મો મેં દીખાયા જા રહા હે..... ઉસ વક્ત તો ક્યા હોતા થા., કે કિસી બગીચે મેં એક પેડ હુઆ કરતા થા... હીરોઈન વહાં મૌજૂદ હૈ ઓર હીરો ગુનગુનાતા હુઆ ઉસ પેડ કે પાસ પહુંચતા હૈ.... લડકી ભી સાથ ગાને લગતી હૈ. ઝ્યાદા સે ઝ્યાદા હીરો હીરોઈન કા પલ્લુ પકડ કર અપની ઓર ખીંચતા હૈ ઓર શર્માતી હુઈ લડકી થોડા સા નઝદીક જા કે વાપસ મૂડ જાતી હૈ... યે હી ઔર ઈતના સા થા હમારા સેક્સ! ઔર આજકલ કી ફિલ્મો મેં? હમ તો અપની ફેમીલી કે સાથે બૈઠકર ફિલ્મ દેખ ભી નહિ સકતે.''

તારી ભલી થાય ચમના... ! આ તું તારા જમાનાના હીરોના વખાણ કરે છે કે વખોડે છે ? આજની હીરોઈનને અડો નહિ, તો પ્રેક્ષકો ચાલુ સિનેમાએ હૂરીયો બોલાવે અને તમારા જમાનામાં હીરો કરતા વિલન હીરોઈનને વધુ અડઅડ કરતો હતો... દર્શકોને હીરો કરતા વિલન ક્યારે આવે, એની રાહો જોવાની લઝઝત પડતી. અસલી હીરો તો એ હતો ! સુઉં કિયો છો ?

કમનસીબે, આપણને આવા રોજ નહિ, જેટલા જ્યારે મળે છે, ત્યારે આવા જ ભટકાય છે, જે પોતાના વિશે એટલું બધું જાણતા હોય કે, આજે સવારથી અત્યાર સુધી એમણે શું શું કર્યું, એનું પધ્ધતિસરનું બયાન આપણને આપવા માંડે, જેમાં આપણને કોઈ લેવાદેવા ન હોય, ન આપણે એની દિનચર્યા પૂછી હોય!

''દાદુ, તમે નહિ માનો, હજી સવારે સાડા નવે તો હું ઘેરથી નીકળ્યો છું ને-''

''કોના ઘેરથી?'' આપણને પહેલો ડાઉટ આપણા ઘર ઉપર પડે કે, સાલો ક્યારે ઘરે આવ્યો ને સાડા નવે ક્યાંથી નીકળી ગયો !

''અરે ભ', મારા જ ઘેરથી હોય ને? તમારા ઘેરથી થોડું હોય? તમારા ઘેરથી તો હું ગયા શુક્રવારે નીકળ્યો હતો.... તમે વડોદરા ગયેલા ને ભાભીએ કેરીનો સરસ મજાનો બાફલો પીવડાવેલો... આઈ મીન, હું એમ કહેતો'તો કે, આજે સવારે ઘેરથી નીકળ્યો ત્યાં ઘરની સામે જ પટેલ મળ્યો. મને કહે, ''કેતનીયા, આપણા માટે કાંઈ કર યાર.... સાવ તૂટી ગયો છુ.''હું ચમક્યો, પણ આપણને પટેલને ઓળખીએ ને? મેં 'કુ, ''', અત્યારે તો હું ય ક્યાં સંધાયેલો છું. તૂટૂતૂટૂ તો હું ય કરૂં છું... બોલ, બીજા શું ખબર છે?'' ?એને માંડ છોડયો ને સીજી રોડ પહોંચ્યો, ત્યાં રોડ ક્રોસ કરતા સાલો પગ મચકોડાઈ ગયો... એમાં''

''હા, પણ આ બધું તું મને શું કામ કહે છે?'' હિંમત રાખીને આપણે એને રોકવા પૂછીએ.

''અરે, તારી વાત બી આવે છે.... સાંભળતો ખરો. લંગડાતા પગે હું ગાડી સુધી પહોંચ્યો ત્યારે ખબર પડી કે, ગાડી ગૂમ થઈ ગઈ છે....''

''શું વાત કરે છે? ગાડી-આઈ મીન, તારી ગાડી ચોરાઈ ગઈ? પણ... તારી પાસે તો એક્ટિવા છે... ગાડી ક્યાં છે?''

''અરે ભ'ઈ એ જ ગાડી. પણ તું તો જાણે છે, પોલીસખાતામાં આપણા સંપર્કો ખરા, યાર!''

''શું વાત છે? પોલીસ-કમિશ્નર કે આઈજીપી ય તને ઓળખે છે?''

''ના બાપા.... તું વચમાં બહુ બોલબોલ કરે છે. અમારા એરિયાનો જમાદાર કેસરસિંહ મનુસિંહ નહિ?..... મને એનો બક્કલ નંબર બી યાદ છે... એ આપણને નામથી ઓળખે. મેં 'કુ, આપણી ગાડી ગૂમ થયાની એને જ વાત કરીશું... ઓ યાર, પછી ખબર પડી કે, એની બદલી તો ગયા જૂનમાં જામનગર થઈ ગઈ છે... હવે સાલી ગાડી અમદાવાદમાં ગૂમ થઈ હોય ને તપાસ જામનગરમાં તો કરવા જવાય નહિ ! ના ગયો...''

''પછી શું થયું? તારૂં એક્ટિવા-આઈ મીન, ગાડી મળી કે નહિ?''

''ગૂમ જ ક્યાં થઈ'તી આ તો રોન્ગ પાર્કિંગમાં ટ્રાફિકવાળા ઉપાડી ગયા'તા... તે લાલ દરવાજે જઈને છોડાઈ...! પચ્ચાસની ચોંટી!''

''કેતન.... એક વાત પૂછું? આ આખી વાતમાં મારો કોઈ વાંક હતો? લેવા દેવા વગરની શું કામ મારી મેથી--''

સિક્સર
ના ચાલો તો ચાલે નહિ,
ચાલો, નહિ તો ચાલ્યા જશો

No comments: