Search This Blog

18/05/2016

અન્નકૂટ - ધનકૂટ

અમારા હિંદુઓના કેટલાક ભગવાનો જેટલો ડાયાબીટીસ દુનિયાના બીજા એકે ય ભગવાનને નહિ હોય... ગેરન્ટી, બૉસ ગેરન્ટી ! અમારા ભગવાનો દાળભાતશાક નથી ખાતા, ફક્ત રસમલાઇ અને ઘારી જેવી ઘીમાં લથબથ મીઠાઇઓ ખાય છે અને તે પણ એકાદ-બે ટુકડા નહિ.... આપણો અડધો ડ્રોઇંગ રૂમ ભરાઇ જાય એટલી મીઠાઇઓના અન્નકૂટ તો ભગવાન એકીઝાપટે આરોગી જાય છે.

અને છતાં ય, સદીઓથી એકે ય પ્રભુને ડાયાબીટીસ કે ઈવન લૂઝમોશન્સ થઇ ગયા હોવાનું હજી સુધી તો સાંભળ્યું નથી. મંદિરમાં પ્રભુ મળે, ત્યારે આપણને આશીર્વાદ આપવા જમણા હાથની હથેળી આપણા તરફ અડધી ઊંચી આશીર્વાદ આપવા માટે રાખી હોય છે, પણ પેલી મીઠાઇઓમાંથી એકાદો નાનકડો પેંડો કે પેંડી આપણા તરફ ન આવે ! સાલું, 'મીસ યુનિવર્સ'ની સ્પર્ધામાં જજ આપણે હોઇએ... બધીઓ આપણી પાસેથી પસાર થતી જાય પણ એકે યને સ્માઇલ આપી/લઇ શકીએ નહિ, ત્યારે કેવા જીવો બળે ? 'સામને જામ થા, ઔર જામ ઉઠા ભી ન સકે...!'

હવે બેશક કરોડો રૂપિયાને ય આંબી જાય એટલી મીઠાઇઓનો અન્નકૂટ મંદિરોમાં ભક્તો ચઢાવે છે, એનો એક અર્થ એ પણ થયો કે આ લોકોને ઈન્કમટૅક્સના અને ભગવાનોને બ્લડ-સુગરના કોઇ પ્રોબ્લેમો જ નહિ ! વર્ષ દરમ્યાન ભક્તો પાછા છુટકછુટક પ્રસાદ તો ધરાવતા જ રહે, એમાંથી ભક્તોને એકાદી કટકી મળે, એ ય ભક્તોનું કેવું ભાગ્ય કહેવાય ! દિલ્હીના દરબારમાં સામસામે અબજો રૂપિયાના ગોટાળાની વાતો રોજ સવાર પડે વાંચવા મળે છે, એમાંથી એકાદી નાનકડી કટકી...(...કે, કટકું !) આપણને એટલે કે, દેશના ભક્તોના ભાગમાં આવે તો બેડો પાર થઇ જાય, પણ ઘંટડી ય નથી આવતી, એનો અર્થ એ થયો કે, દિલ્હી-દરબારવાળાઓની સમકક્ષ આપણા ભગવાનો પહોંચી શક્યા છે. બધું એકલેએકલા ઝાપટે રાખવાનું... ભક્તોને શકોરૂં ય નહિ !

ઓહ નો ! ભક્તોને ય પ્રસાદ મળે છે, પણ પૈસા ચૂકવીને ! જેવા પૈસા, એવો પ્રસાદ, મોટા થાળાઓના થાળાઓ ભરીને પ્રભુને ચઢાવાયેલો મીઠાઇઓનો અન્નકૂટ સ્વાભાવિક છે, કોઇ દસ-બાર જણા ન ખાઇ શકે. એટલે ભક્તોને તગડી કિંમતે વેચી દેવામાં આવે છે. (....નહિ, કોઇ પ્રિન્ટિંગ-મિસ્ટેક નથી... 'વહેંચી' નહિ, 'વેચી' દેવામાં આવે છે.) તમારે શક્તિમુજબ, એની કિંમત ચૂકવવી પડે.

અહીં તો સીઝન આવી છે તો ય ડૉકટરો ડાયાબીટીસને કારણે બે ચમચી હાફૂસનો રસ પીવાની ના પાડે છે, આપણા જીવો ના બળે ? મોંઢામાં પાણીઓ ના આવે ? બાઓ ના ખીજાય ?

તમારી પાસે પૈસો કેટલો છે, એ પૂછતો નથી પણ પૈસો ગમે તેટલો હોય, બજારમાં મળતી બધી મીઠાઇઓમાંથી માંડ તમે બસ કોઇ... ૧૦-૧૫ જોઇ હોય ! નામ તો કંદોઇઓ પોતે પાડતા હોય, એટલે એ બધા યાદ રહે, એ જરૂરી નથી, પણ પેંડા, બરફી, મોહનથાળ, દૂધનો હલવો, મગસ, મઠો, શ્રીખંડ... હાય રામ, મને તો આગળ નામો ય આવડતા નથી !

મંદિરોમાં પ્રભુને પ્રસાદ ધરાવવો, એ હિન્દુ પરંપરાનો એક ભાગ છે. આપણે એવા ખાઉધરા નથી કે, ભગવાનો ભૂખ્યા રહે અને આપણે ઓડકારો ખાતા હોઇએ. વાસ્તવમાં તો આપણે જે ખાવાના છીએ, તે પ્રથમ પ્રભુને ચરણે ધરી, જમણા હાથની આડી હથેળી વડે માખી ઊડાડતા હોઇએ, એમ પરમેશ્વરને પિરસેલું આરોગી જવાની પ્રાર્થના કરીએ છીએ. કેટલીક જ્ઞાતિઓમાં તો જમતી વખતે થાળીની ઉપલી કિનારની પાછળ, થાળીની દરેક વાનગીમાંથી ત્રણ આંગળીમાં મ્હાંય એટલો ટુકડો લઇને મૂકવાનો, ગંદુ થાય, માખીઓ થાય તો વાળનારી વાઇફ છે જ ને ! પવિત્ર હેતુ એટલો કે, આપણે એવા ખાઉધરા નથી કે, ભગવાનને ધરાવ્યા વિના એકલેએકલા ઝાપટી જઇએ.

એક સવાલ ઉઠી શકે છે. અન્નકૂટમાં ભગવાનને કેવળ મીઠાઇઓ જ કેમ ? દાળ-ભાત-શાક-રોટલી કેમ નહિ ? મૅક્સિકન કે ચાયનીઝ ફૂડ કેમ નહિ ? ભલે ૧૦૦ ટકા વૅજીટેરિયન હોય, પણ મીઠાઇઓ સિવાયનું કેમ કશું નહિ ? આપણા તો જીવો ય બળે કે, આટલી બધી મીઠાઇઓ આરોગીને પ્રભુ આડે પડખે થતા પહેલા મુખવાસમાં ધાણાની દાળ કે વરીયાળી જેવું તો કશું લે કે નહિ ? એ તો અન્નકૂટમાં આવતું નથી. પ્રભુ પાન-બાને ય ન ખાતા હોય ? કારણ કે, અન્નકૂટમાં પાન કે મસાલાઓ મૂક્યા હોતા નથી.

હિંદુ મંદિરોની એક અન્ય સિધ્ધિ પણ નિહાળવા સમી છે.

લગભગ બધા મંદિરોમાં, ઈશ્વરની ભક્તિ કરતા દાનદક્ષિણાઓ લેવાના પાટીયાં વધારે માર્યા હોય છે. શેને માટે ? આ પૈસાનું મંદિરના ટ્રસ્ટીઓ શું કરવા માંગે છે ? ગરીબોમાં વહેંચી દેતા હશે ? મંદિરનો દર મહિને જીર્ણોધ્ધાર કરાવતા હશે ? સમાજને ઉપયોગી થાય એવા બાગબગીચા, જાહેર શૌચાલય, પુસ્તકાલયો કે ખાસ તો 'મારી નાંખે' એવી ભીડ કાપીને ધક્કામુક્કી વચ્ચે અધમૂવા થઇને આવતા ભક્તોને આવી તકલીફો ન પડે, એ માટે મંદિરના પરિસરમાં એર-કન્ડિશનર્સ જેવી સગવડો કરતા હશે ? કારણ કે, એક ભક્ત તરીકે તમે કાંઇ પણ કરો, એનો ચાર્જ આપવાનો હોય છે.

આરતીમાં જોડાવવું હોય, પ્રસાદ ચઢાવવો હોય, સ્વ. દાદા-દાદીનો ફોટો કે નામ ચિતરાવવા હોય, પક્ષીઓને ચણ નાંખવું હોય.... દરેક કામના ધમધોકાર પૈસા આપણા દરેક મંદિરો ઠોકી લે છે. કહે છે કે, ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ કરતા દસ ગણો વધુ પૈસો તિરૂપતિ બાલાજીના મંદિર પાસે છે. કયા મંદિર પાસે કેટલો પૈસો છે, એ બોલવા જેવું નથી, નહિ તો આવનારી બે પંચવર્ષીય યોજનાઓનો પૂરો ખર્ચો એમાંથી નીકળી જાય... ને મોદીએ આપેલા વચન મુજબ, વિદેશોનું કાળું નાણું ભારત પાછું લાવીને દરેક ભારતીયના ખાતામાં રૃા. ૧૫ લાખ મૂકવાનું કામ કાચી સેકન્ડમાં પતી જાય.

વિદેશોમાં પડયા છે, એ બ્લેક-મની તો મંદિરોમાં પડયા છે એ કયા મની ? એકે ય ધર્મનો એક ય ભક્ત જાણવા નવરો નથી કે, એણે આપેલા કરોડો રૂપિયાના દાનનું થયું શું ? કરોડો તો દૂર રહ્યા, પણ કોઇ પણ મંદિરમાં - એક હિંદુ તરીકે આપણને શરમ આવે, એટલા પાટીયાં રૂપિયા ઉઘરાવવાના માર્યા હોય, 'દાન-પેટી' શબ્દનો અર્થ પણ સમજાય એવો નથી. કોના માટે દાન લો છો. ભ'? આવેલા દાનની ગણત્રી ખરી ? ભારતભરની આજ સુધી આવેલી તમામ સરકારો કદી ય ધર્મસ્થાનોને ટૅક્સ-ફૅક્સના મામલે છંછેડતી નથી, કારણ કે, બહુ મોટી વૉટ-બૅન્ક આ મંદિરો આપે છે.

હજી ન સમજાય એવી કૉમેડી 'દર્શનનો સમય' છે. ભક્ત બિચારો માઇલોના માઇલો દૂરથી ઠેબાં ખાતો ભગવાનને ચરણે આવ્યો હોય, કેટલી આસ્થાઓ સાથે... ને અહીં આવીને જુએ કે દર્શનનો સમય તો બે કલાક પછી છે. આ બે કલાક આવા ધોમધખતા તડકામાં એણે ક્યાં ગાળવાના ? ભગવાનના દર્શનમાં રીસેસ શેની ? તમને રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી ઊંઘો ન આવતી હોયને તમે હરિસ્મરણ કરો તો એવા ડરો છો કે, ''હાય રામ... અટાણે રાત્રે તઇણ વાગે પ્રભુની નીંદરૂં તે બગાડાતી હશે ? ભગવાન જ નહિ, ભગવાનના બા ય આપણી ઉપર ખીજાય !'' ઈશ્વર-સ્મરણનો કોઇ સમય શેનો હોય ? ડોહા છેલ્લા ડચકાં ખાતા હોય ત્યારે ઘરવાળા ઘડીયાળ સામે થોડું જુએ કે, ''હાય રામ.... હજી તો રાતના અઢી જ વાગ્યા છે... અત્યારે તો મારા નટવરગીરધરના નસકોરાં બોલતા હોય... કાકા જતા હોય તો ભલે જતા, પણ એમ કાંઇ કાનુડાની ઊંઘો થોડી બગાડાય છે ?''

ઊંઘ તો જાવા દિયો... આપણે જાગતાઓ ઝબકીને જાગી જઇએ, જ્યાં મંદિરમાં માંડ આંખ મીંચીને પ્રભુસ્મરણમાં બેઠા હોઇએ ને ત્યાં 'ઠડિંઈઈઈઈઈઈં....ગ' કરતો આ મોટો ઘંટ વાગે. મંદિરમાં લોકો શાંતિ પામવા આવતા હોય છે. ઈશ્વરનું સ્મરણ શાંતિમાં વધુ અસરકારક રીતે થઇ શકે, એના બદલે ભક્તો એકબીજાને કચડતા-ધક્કા મારતા અને દેકારો બોલાવવા ધસી જતા હોય ને સામે પ્રભુ નિશ્ચલમને બેઠા બેઠા બધો ખેલ શાંતિથી જોતા હોય ! (આ પ્રભુઓમાં મંદિરના ટ્રસ્ટીઓ પણ ખરા !)

ઈન્ડિયનો એક વાત ખૂબીપૂર્વક શીખી ગયા છે કે, જ્યાં એજન્ટપ્રથા હોય, ત્યાં જાતને ઘસારો નહિ આપવાનો. થોડા રૂપિયા એજન્ટને આપી વગર લાઇનમાં ઊભા રહે કામ કરાવી લો અને ટાઇમ બચાવી લો. આ પ્રથા હરિભક્તિમાં ય લાગુ પાડે છે. પરમેશ્વર અને ભક્ત વચ્ચે કેવળ ડાયરેક્ટ-ડાયલિંગ જ હોય, વચમાં એજન્ટોની જરૂર નથી. પણ પૂજારી, સ્વામીજી, ગુરૂજી કે બાબાસ્વરૂપે આવા એજન્ટો દ્વારા જ પ્રભુસમીપે જઇ શકાય છે, એમ ભારતીય ભક્ત માને છે. પરિણામે, ઈશ્વર ગયો તેલ લેવા, જે સ્વામીજી કહે-શીખવાડે, એ જ એમને સ્વીકાર્ય... બાકીનું કાંઇ નહિ !

ઝીણી આંખે જોઇ લેવું હોય તો જોઇ જુઓ... આવા તમામ ગુરૂઓને એક વાતની ખબર પડી ગઇ છે. અસલી ભગવાન બાજુ પર રહે અને ભક્તો ગુરૂજીને નામે એમને જ સ્વયં ભગવાન માનતા થઇ જાય, એવી કથા-આખ્યાનો આજકાલ સફળતાની બુલંદીઓ ઉપર છે.

હું તો કહું છું, છોકરાને ડૉક્ટર-એન્જીનીયર બનાવવાને બદલે બાવો બનાવો... સાધ્વી બનાવો. આવનારી પેઢીઓની પેઢીઓ તરી જશે.

સિક્સર
'શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
કોઇ અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ?'
યુવાપેઢીના વિસ્ફોટક કવિ અનિલ ચાવડાનો આ શે'ર ગાર્ડનમાં રોજ સાંજે એકલા બેસતા વડિલોને સમર્પિત છે.

1 comment:

pravin said...

Superb article, I like it most.