Search This Blog

25/05/2016

ચોળાફળી, કોને ફળી ?

પહેલા મને શરમ આવતી હતી કે, આમ મોટી ગાડી લઇને નીકળ્યા હો અને ખાવા ઊભા રહેવાનું ચોળાફળી ? શરૂશરૂમાં તો કોઇની નજર ન પડે, એમ શરમનો માર્યો ગાડી પાર્ક કરીને છાનોમાનો ચોળાફળીની લારીએ બે હાથ મારી આવું. ડર તો લાગે ને કે, ગામમાં કેવી વાતો થાય કે આમ દસ લાખની ગાડી લઇને નીકળ્યા છે ને ઊભા છે ચોળાફળીની લારીએ ? ગાડીની પણ ઈજ્જત હોય છે, એ લઇને પંજાબી-ફૂડની મોટી હૉટેલમાં જાઓ તો માભો ય પડે, પણ ચોળાફળીની લારી ઉપર ગાડી...? શૂટ પહેરીને પગમાં સ્લિપર પહેરવા જેવું લાગે ને ? લેંઘો ગમે તેટલો મોંઘો હોય, એમાં શર્ટ ઈન્સર્ટ તો ન કરાય ને ?


તારી નહિ, પણ મારી ભલી થાય, ચમના નહિ, 'અશોકીયા'... ચોળાફળીમાં વળી માભો ક્યાંથી આવ્યો ? અશોક, તું એ ન ભૂલ કે, ચોળાફળી જ તારા શહેરની શાન છે, સ્વાદ છે ને અને ટેસડો છે. અમદાવાદમાં દર એકાદ બસસ્ટેન્ડના અંતરે ચોળાફળીની લારી હોય જ અને એ લારી ઉપર ભીડ હોય જ. મોટા શહેરો પોતાની કોઇ ખુમારીથી નહિ, ખાણી-પીણીની આદતોથી ઓળખાય છે. રાજકોટનો વિકાસ 'પાટા'ને કારણે થયો છે, જેને આખું ગુજરાત 'ફાફડા' કહે છે. રોજ વહેલી સવારે જામનગર-રાજકોટમાં પાટાની દુકાનો ઉપર લાઇનો લાગી હોય. રેલવેના પાટા દેવો આકાર બે ફાફડા ઊભો કરી શકતા હોવાથી એ બાજુ એને પાટા કહે છે. અમદાવાદમાં રેલવેના પાટા ચાવતા હોઇએ, એવા કડક ફાફડા આવતા હોવાથી અહીં કોઇ એને પાટા કહેતું નથી. અહીં ફાફડાને ફાફડા જ કહેવાય છે.

સુરતના આધાર-કાર્ડમાં લોચો લખાવવો પડે. ખમણના ભૂકાને ત્યાં 'લોચો' કહે છે... સાલું, આવું નામ સાંભળ્યા પછી ખાવાનું ય ન ભાવે ! મુંબઇની ઓળખાણ 'વડા-પાઉં' છે. બ્રેડના બે ટુકડાની વચ્ચે એક બટાકાવડું ભરાવી દીધું, એટલે 'વડા-પાઉં' થઇ ગયું ! વડોદરામાં મીસળ-પાઉં. ત્યાં મહારાષ્ટ્રીયનોની વસ્તી વધુ હોવાથી આપણા 'ઉસળ'ને આ લોકો 'મીસળ' કહે છે. કહે છે કે આ શહેરો પછી શોધાયા... પહેલા આવો લોચો, વડા-પાઉં અને મીસળ-પાઉં શોધાયા હતા. એ એટલા લોકપ્રિય થયા કે, ત્યાંના સ્થાનિક લોકોએ ત્યાં જ પછી સુરત, મુંબઇ અને વડોદરા નામના શહેરો બનાવી દીધા. અમદાવાદમાં ચોળાફળી બહુ મોડી આવી. દસ-પંદર વર્ષ પહેલા કોઇ એનું નામે ય જાણતું નહોતું. એના શોધકનું નામ જાણવા મળ્યું નથી પણ કહે છે કે, ચોળાફળીને કારણે અમદાવાદ હવે દુનિયા નહિ તો દેશભરમાં તો મશહૂર છે.

'ગૂગલ'માં ચોળાફળીનો અર્થ જાણવો બેકાર છે. રામાયણ-મહાભારતમાં ય એનો ઉલ્લેખ નથી. ચોળા એક કઠોળનું નામ છે, પણ ચોળા કોઇને ફળ્યા હોય, એવું જાણમાં નથી, તો 'ફળી' ક્યાંથી અને શેનું આવ્યું ? વળી, સંસ્થા જાણવા પણ માંગે છે કે, શા માટે કોઇએ ચોળાફળીના આકાર વિશે ચર્ચાસત્રો પણ યોજ્યા નથી ? પીળા રંગનો નિચોવેલો લેંઘો પડયો હોય, એમ ચોળાફળી વળી વળીને સંકોચાઇ ગઇ છે. ફાફડું ગમે તેવું હોય, પણ એ કદી કમરથી વળી ગયેલું કે ચોળાફળીની જેમ બસ્સો-ગ્રામ બંધાવ્યા હોય તો અડધો ડ્રૉઇંગ-રૂમ જેટલી જગ્યા રોકતા નથી.

શું ચોળાફળીના આકારને કોઇ મૉડર્ન-ટચ આપી ન શકાય ? તળતી વખતે ફાધરનું કિંગડમ હોય એમ એ આડી-અવળી વળીને એવો આકાર ધારણ કરે છે, જેનું બીજગણીત કે ભૂમિતીમાં ય કોઇ માપ નથી. નાનકડી તો નાનકડી પણ પાણી-પુરીનો એક સ્વતંત્ર અને મનભાવન આકાર છે. વણેલા ગાંઠીયા કે પાપડી પણ રૂપાળા થઇને કોઇને મોંઢું બતાવી શકે એમ નથી, તેમ છતાં ય એ બન્નેમાં નિરાકાર હોવાની એક આઇડેન્ટિટી છે, જ્યારે ચોળાફળીના આકારને કોઇ સુંદર યુવતીના ફિગર સાથે સરખાવી શકાય એમ નથી. ક્યાંક અરમાનોની જેમ દબાઇ ગયેલી તો ક્યાંક અહંકારની જેમ ફૂલેલી ચોળાફળી એક માત્ર ચીજ છે, જેના આકાર વિશે હજી સુધી મતભેદો પ્રવર્તે છે.

બનાવતી વખતે ફાફડાની માફક કાપવામાં તો એને ય આવે છે, પણ બન્યા પછી એના આકારનું કોઇ ઠેકાણું નહિ. શરૂઆતની ધારી ઈસ્ત્રી કરેલા પેન્ટની કિનારી જેવી સપાટ હોય, પણ હજી નડિયાદ આવતા પહેલા જ પટેલો જોર મારે, એમ એ કિનારી પછી તરત જ ચોળાફળી આંગળી ઉપર પડેલા ફોડલા જેવી ફૂલી ગઇ હોય. પણ એ જોર લાંબુ ટકે નહિ, એની પછી તરત જ જૂની સાબરમતી નદીના સુક્કા પટ જેવો સપાટ પ્રદેશ આવે, જેમાં નાના-મોટા ટેકરા-ટેકરીઓ અડીને બેઠા હોય. લંબાઇમાં એક નાનું ફાફડું ય ચોળાફળીને મારી જાય.

ફાફડું એકાદ ફૂટ સુધી પણ વિસ્તર્યું હોય, પણ ચોળાફળીની જાત અંદરઅંદરના વિખવાદોને કારણે આકારોમાં એકતા લાવી શકી નહિ. ચાવવામાં ય ચોળાફળી કચડકચડ બોલી, ફાફડાનો એ સ્વાભાવ નહિ. કારણ કે, દરેક ફાફડાએ કાંદા ઉપર જીવવાનું છે અને ચોળાફળીએ એની બેશુમાર લોકપ્રિય પીળી ચટણી ઉપર ! આ એવી ચટણી છે, જે ચોળાફળી સિવાય અન્ય એકે ય ખાદ્યપદાર્થ સાથે ખવાય નહિ, એમને એમ ઘુંટડો મારીને પી જવાય નહિ કે એના વગર ચોળાફળી ખવાય પણ નહિ. ફાફડાની જેમ ચોળાફળી કાંદાની મોહતાજ નથી. દુનિયાભરની એકે ય લારી ઉપર જૈન ફાફડા મળતા નથી, કારણ કે ફાફડાને કાંદા વગર ખવાય નહિ, ત્યારે ચોળાફળી જ્ઞાાતિજાતિના બંધનોમાં રાચતી નથી. પેલી પીળી ચટણીમાં લસણ આવતું નથી, પણ એકે ય લારી ઉપર એવી કોઇ જૈન ચટણી મશહૂર થઇ હોય, એવું સાંભળ્યું નથી.

ફાઇવ-સ્ટાર હોટેલોએ તો નહિ, પણ મોટી ક્લબોએ સેવ-મમરાની જેમ ફાફડા શરૂ કરવા પડયા છે. સ્ટેટસનો સવાલ હતો, એટલે આવી મોટી હોટલ કે ક્લબમાં ચાયનીઝ-મેક્સિકન શોભે, દાળવડાં કે પાણા-પુરા નહિ ! પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. ફાફડાની જેમ ચોળાફળી પણ ઈજ્જતથી પ્રવેશ મેળવવા માટે થનગની રહી છે. ફાઇવ-સ્ટાર હોટેલ કે ક્લબની ચોળાફળી કેવી હશે ? હાથમાં સફેદ ગ્લોવ્ઝ પહેરેલો એક શૂટેડ-બૂટેડ વેઇટર સલાડ પાથરેલી મોટી પ્લેટમાં ચોળાફળીના બે પીસ લઇને ટેબલ પર આવશે. સાથે સ્પૂન-ફૉર્ક (છરી-કાંટા) પણ હશે. બન્ને હાથમાં પકડેલા છરી-કાંટા વડે ચોળાફળીના બે કટકા કરીને ફૉર્ક વડે ચોળાફળીનું એક કટકું ઉપાડીને પીળી ચટણીના બાઉલમાં બોળવામાં આવશે. ત્યાંથી મોડા સુધીના પ્રવાસમાં જો ચટણીનું ટીપું શર્ટ પર ઢોળાઇ ગયું, તો સ્માઇલમાં સાથે ઈંગ્લિશમાં, 'ઍક્સક્યૂઝ મી' બોલીને ઉપાડેલું બાઇટ પાછું મૂકીને પેપર-નેપકીન વડે શર્ટ પરનો ડાઘો સાફ કરવાનો રહેશે. (ખાસ ધ્યાન એ રાખવાનું કે, ફાઇવ-સ્ટાર હોટલમાં, ''ભૈયાજી, થોડી ચટણી ઓર ડાલો, ના !'' નહિ બોલવાનું....

ભૈયાજીની ય બા ખીજાય !) જો ભ', આ ચોળાફળી છે, ચાયનીઝ કે મૅક્સિકસન નહિ, એટલે ખાતી વખતે મોંઢા ઉપર ચોળાફળીના નાનાનાના કટકાઓ તો ચોંટવાના, ચટણીઓ પાટલૂન પર પડવાની જ અને ખાસ તો, ખાતી વખતે કચડકચડ અવાજ આવવાનો જ. અવાજો તો ખાખરા ખાતા ય આવે છે, એટલે આપણે કાંઇ એને પાણીમાં ઓગાળીને ખાતા... આઇ મીન, પીતા નથી. શક્ય છે, ચોળાફળી શબ્દો દેસી લાગતા હોવાથી, ફાઇવ-સ્ટાર કલ્ચરમાં એનું કોઇ ઈંગ્લિશ નામ, 'ડીપ-ફ્રાઇડ સૉલ્ટી કૅક' જેવું કાંઇ અપાય. દાળવડાનું ઈંગ્લિશ નામ પણ શોધાઇ રહ્યું છે.

ગુજરાતીઓ બહારના રાજ્યોમાં ખમણ-ઢોકળાંથી વધુ ઓળખાય છે, પણ હજી સુધી ચોળાફળીને કોઇ ક્રેડિટ મળી નથી, જે દુઃખદ છે. પણ એમાં દુઃખી થવા જેવું નથી. જે મજો 'વઘારેલો ભાત' બોલવામાં (અને ખાવામાં) આવે છે, 'ફ્રાઇડ-રાઇસ' બોલવામાં નથી આવતો. સુંઉ કિયો છો ?

સિક્સર
- આઆઆ...હ ! આવી ગરમીથી બચવા શું કરવાનું ?
- બ્લૅન્કેટ ઓઢીને નહિ સુવાનું !

No comments: