* બસમાં બેઠેલા બાળકે મને પૂછી જ લીધું, 'તમે બસમાં સુઇ કેમ જાઓ છો
?' મારે શું જવાબ આપવો ?
- એ તો બસ તમે ચલાવતા હો, તો જવાબ આપવાનો હોય !
(અફરોઝબેન મીરાણી, મહુવા)
* ડિમ્પલ કાપડીયાના ગળે હવે કરચલીઓ બહુ દેખાય છે...!
- તે તમારે ક્યાં એની ઉપર ઈસ્ત્રી ફેરવવા જવાનું છે !
(મધુરી ડી. પટેલ, વડોદરા)
* શું દેશને વ્યવસ્થિત ચલાવી શકે, એવી સરકાર મળશે કે નહિ ?
- એ તો દેશને રીક્ષા સમજીને ચલાવવાનો છે કે ઘરડાનું ઘર
સમજીને, એની ઉપર આધાર છે.
(ધરતી પટેલ, અંકલેશ્વર)
* મોદી એમની સરકારમાં તમને જોડાવવા બોલાવે તો કયું ખાતું
માંગો અને કેમ ?
- એમણે 'અચ્છે દિન 'આયેંગે' કીધું છે.. 'જાયેંગે' નહિ !
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ) અને (મિતુલ પ્રજાપતિ, અરોડા-ઈડર)
* અમારૂં સરનામું અને ફોન નંબર તો લો છો... કોક દિવસ ફોન
તો કરો !
- હું તો સારો માણસ છું.
(રોહિત દરજી, હિંમતનગર)
* દેશ માટે ફાવે તેમ બોલનારાઓને પબ્લિકે શું સજા કરવી
જોઈએ ?
- સજા આવું ચલાવી લેનારાઓને કરવાની હોય !
(મધુકર મેહતા વિસનગર)
* તમે જ્યોતિષમાં માનો છો ?
- મને એમને એમે ય હસવું આવે છે..!
(ધવલ સોની, ગોધરા)
* તમે ટ્રાફિક-પૉલીસથી બચવા શું કરો છો ?
- ધ્યાન ટ્રાફિકમાં રાખું છું, પોલીસમાં નહિ !
(સાગર ભટ્ટ, ભાવનગર)
* આજકાલ ફિલ્મો સારી કેમ બનતી નથી ?
- ફિલ્મો જ...?
(શશીકાંત દેસલે, સુરત)
* માણસ અને વાહનોની જેમ સરકાર પ્રાણીઓનું રજીસ્ટ્રેશન
ફરજીયાત કેમ બનાવતી નથી ?
- પ્રાણીઓ દસની નોટ સરકાવી ન શકે ને !
(મુહમ્મદ હનિફ મહુડાવાલા, ડભોઇ)
* આપણે બહારથી ભય રાખવાની જરૂર નથી. આપણી ભારતીયતા તોડવા
આપણા જ કેટલાક લોકો કાફી છે...
- બોલો, જયહિંદ.
(વાહિદ સૈયદ, ધંધૂકા)
* જેઍનયુના દેશવિરોધી સૂત્રો અને વિપક્ષોનો સાથ. આપનો શું
અભિપ્રાય છે ?
- આપણા દેશપ્રેમીઓ કાફી છે, આવા હલકટોના છેદ ઊડાવવા !
(દિશા શાહ, મુંબઈ)
* તમે કોઇની સાથે બેવફાઇ કરી છે, જેમાં તમારૂં દિલ દુભાયું હોય ?
- મારે બેવફાઈ કરવી પડે, એટલું મહત્ત્વ કોઇને આપતો નથી.
(શૈલેષ આહિર, બામણાસા-ગીર)
* તમે ગુજરાતમાંથી પૂછાયેલા સવાલોના જવાબો પહેલા આપો છો.
મુંબઇના પ્રશ્નો ભાગ્યે જ આવે છે !
- મુંબઇવાળાઓને પ્રશ્નો ઊભા કરવાની ટેવ જ નથી.
(જીજ્ઞા ગેવરીયા, મુંબઈ)
* હું તમને શું સવાલ પૂછું, એ જ ખબર પડતી નથી !
- ....પડે ત્યારે પૂછજો !
(વૃંદા વાઘેલા, વડોદરા)
* શું મોદી કામ કરી રહ્યા છે ?
- આ સવાલ તમે ભાજપને પૂછી રહ્યા છો કે કૉંગ્રેસને, એના ઉપર જવાબનો આધાર છે.
(મોબિન બ્લોચ, જામનગર)
* છોકરીઓના ૩૬-ગુણ કયા હોઇ શકે ?
- એ લોકો કામ પૂરતું બોલે, એમાં ૩૫-ગુણ તો આવી ગયા... પછી બાકીનો એક શોધવાની જરૂર
નથી.
(ઉદિત જગતાપ, વડોદરા)
* ફિલ્મ 'આદમી ઔર ઈન્સાન' મુજબ, બંને વચ્ચે ફરક શું ?
- મને લાગે છે, ઈન્સાનમાં અડધો અક્ષર વધારે છે.
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)
* ડિમ્પલની જન્મ તારીખ જણાવશો ?
- હું એ વખતે હાજર નહોતો.
(હિતેશ પરમાર, મુંબઈ)
* લેખક બનતા પહેલા, 'ઘર કેવી રીતે ચાલશે ?' એનો વિચાર તમને નહોતો
આવ્યો ?
- વિચારી-વિચારીને લખે, એ બીજા !
(ધીરેન જોગીદાસ, ભરૂચ)
* તમને નથી લાગતું હિંદુ, મુસ્લિમ કે સીખ્ખ- એમ જુદા જુદા ધર્મોને બદલે એક માત્ર 'ભારતીય' ધર્મ હોવો જોઈએ ?
- ના. ધર્મો તો બધા પવિત્ર છે... એમાંનો કયો ધર્મ
ભારતીયતા શીખવે છે, એની ઉપર બધો આધાર છે.
(નાગરાજ ગીડા, સુરત)
* લગ્ન કરવા સારા કે પ્રેમ ?
- પ્રેમ એકની સામે એક ફ્રી મળી શકે..
(સંકેત વ્યાસ, રાલીસણા-વિસનગર)
* યુવાનોમાં મહાત્મા ગાંધીને બદનામ કરવાનો ટ્રૅન્ડ શરૂ
થયો છે... આવા લોકો કેવા કહેવાય ?
- બાપુનું નામ એટલું નબળું નથી કે કોઇ પણ આલીયા-માલીયા
બગાડી જાય !
(રવિ રસિકભાઈ શાહ, અમદાવાદ)
* ફિલ્મ 'ઍરલિફ્ટ' માટે અક્ષય કુમારને નૅશનલ ઍવોર્ડ મળવો જોઈએ કે નહિ ?
- જે લોકોને આવા ઍવૉડર્સ મળી ચૂકયા છે.. એમાંના ઘણાનું
સ્તર જોતા, અક્ષય આવા ઍવૉર્ડ કરતા ઘણો આગળ નીકળી ચૂક્યો છે.
(મયૂર વાળંદ, ભૂજ-માધાપર હાઈવે)
* સાંભળ્યું છે, તમે ડિમ્પલના ફૅન છો...? બાય ધ વે, હું પણ ડિમ્પલ છું.
- તમારા ફોઇનો ટેસ્ટ ઊંચો કહેવાય !
(ડિમ્પલ વ્યાસ, સુરત)
* હમણાં જ 'વૂમન્સ-ડે' ગયો. સ્ત્રીઓ માટે આપ શું માનો છો?
- બસ... પ્રભુ એક દિવસ તો 'મેન્સ-ડે' આપશે..!
(દેવાંગી દેત્રોજા, જામનગર)
* શું આપણા દેશમાં 'રામરાજ્ય' આવશે?
- અત્યારે તો રામ(દેવ) રાજ્ય ચાલે છે... કહે છે કે, હવે તો આયુર્વેદિક પાણી-પુરીઓ ય આવી રહી છે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)
* વિશ્વમાં ક્રૂડ ઑઈલના ભાવો અડધા થઈ ગયા, છતાં આપણે ત્યાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં મામૂલી
ઘટાડો...?
- પણ એટલે કાંઈ આપણી બહેનો માથામાં તેલને બદલે
પેટ્રોલ-ડીઝલ તો ના છાંટે ને?
(વાહિદ સૈયદ, ધંધૂકા)
* કેજરીવાલ જેવાઓને મીડિયા આટલું મહત્વ કેમ આપે છે?
- ન્યૂઝમાં ચમકતા રહેવા માટે બેવકૂફીભર્યા નિવેદનો આપતા
રહો... બેવકૂફ મીડિયા તૈયાર જ છે.
(કૈલાશ હરિનારાયણ ભટ્ટ, અમદાવાદ)
* ઘણા નેતાઓ હિંદીને બદલે ઈંગ્લિશમાં કેમ ભાષણો આપે છે?
- ઈંગ્લિશમાં બીજું શું આપે?
(સંજય ઓડ, વાલેવડાઃદસાડા)
No comments:
Post a Comment