Search This Blog

01/06/2016

ગરમી ૫૦

તમારી એકેય વાત કોઇ માનતું ન હોય અને... મનાવવી હોય તો ફક્ત એટલું બોલો, ''ગરમી બહુ પડે છે, નહિ?''

અડધો નહિ, આખો દેશ તમારી સાથે સહમત! આટલું સાંભળ્યા પછી કોઇ એમ નહિ કહે, ''લાય.... તો અલ્યા... મારૂં સ્વેટર લાય તો! આને જરા પહેરી બતાવવા દે...'' તમે 'બહુ' ગરમી પડે છે, એમ કહેશો તો પેલો એમાં થોડી વધારી આપશે, ''બહુઉઉઉઉ...? અરે, ભયંકર બહુ પડે છે!'' અમથી મજાકમાં ય કોઇને કહેવાય એવું નથી કે, ''કેમ, આજે શૉલ/બ્લાન્કેટ વગર બહાર નીકળ્યા છો?''

યસ. ગુજરાતમાં ફાંકાબાજો મળી આવશે. ''શીટ... આને તમે ગરમી કહો છો? આ તો કંઇ નથી. ગયા વર્ષે હું રાજસ્થાન ગયો'તો, ત્યાં ૫૮ ડિગ્રી ગરમી જોઇને આયો છું, બૉસ...! ગ્લાસમાં બરફવાળું પાણી હોય ને સીધું મ્હોમાં રેડો.... એની ધારમાંથી ગરમાગરમ વરાળો નીકળે, બૉસ! આ તમારી ૫૦-તો કંઇ ન કહેવાય!''

બીજું ય એક છાપેલા કાટલાં જેવું વાક્ય ગુજરાતીઓ બોલે રાખે છે, '''ઇ શા'બ.. મારાથી ઠંડી ગમે એટલી સહન થાય... પણ ગરમી જરા ય સહન ન થાય..??? કેમ જાણે બીજા બધા તો ગરમી સહન કરવા ઘરમાં ગરમ ફ્રીજ અને તણખા ઝરતું એસી નંખાવતા હશે!

આમાંના મોટા ભાગનાઓ હળાહળ જૂઠ્ઠું બોલે છે. સરેરાશ આજે દરેક ઘરમાં એસી (એર-કન્ડિશનર) હોય છે. લિફ્ટમાં એસી, ગાડીમાં એસી.. ઓફિસમાં સેન્ટ્રલી ઍસી! જ્યાં જવા-બેસવાનું હોય ત્યાં બધે એસી હોય છે. બસ, ગાડી પાર્ક કરતી વખતે કે રસ્તો ક્રોસ કરતી વખતે તડકો સહન કરવો પડે, એટલી ગરમી બેશક ખરી, પણ બૂમો પાડવાની આપણને ટેવ પડી ગઇ છે. સીધી વાત છે. ઉનાળામાં ગરમી જ પડે અને કોકવાર બહુ ય પડે. કુદરત એવી મહેરબાન ન હોય કે, આટલી ગરમીમાં રાહત આપવા ઉપરથી સીધી ખસની ટટ્ટીઓ પડે, ઠંડી છાશોના ફુવારા થાય કે ઇચ્છો એ સ્થળે આઇસ-કોલ્ડ ઝાપટું પડે! આ તો હવે એરકન્ડિશન્ડ ગાડીઓ આવી, બાકી ટાટા-બિરલા કે હૈદ્રાબાદના નિઝામ પણ એમની રૉલ્સ રૉયસમાં નીકળતા, એ ગાડીઓ એસીવાળી નહોતી. પતરાંની ગાડીઓ લ્હાય થઇ જતી. એ લોકોના બૉડીમાં પતરાં નહોતાં નંખાવ્યા કે પરસેવો સીધો ધાર પાડીને જમીન પર રગડી જાય! એ લોકોને એટલી જ ગરમી લાગતી હતી, જેટલી આજના લારીવાળાને લાગે છે. આપણે બધા તો નિઝામો કરતા ય નસીબદાર છીએ કે, જન્મ્યા ત્યારથી એસીવાળી ગાડીમાં જ ફર્યા છીએ. એવી ઠંડકવાળી ગાડી ટ્રાફિક- સિગ્નલ પર રોકાય ત્યાં નજર પડે, મારવાડી લારીવાળા પતિ-પત્ની ઉપર, જેમની ગાડીમાં ઉપર તો અગણિત માલ ભરેલા કોથળા હોય ને હાથલારીની ગાડીની નીચે બાંધેલા કંતાનના ઘોડીયામાં એમનું છ મહિનાનું બાળક લૂ ઝરતી ડામરની સડક ઉપર બરડો શેકતું હોવા છતાં મીઠડી નીંદરૂં ખેંચતું હોય! ભારતનું સૌથી શક્તિશાળી નાગરિક આવું છોકરૂં થાય.. સુઉં કિયો છો?

તમને ખબર હશે, મુંબઇવાળા લેવા-દેવા વગરના અમદાવાદની ગરમીને માં-બેનની જોખાવતા હોય છે, ''અરે ભાઇ સા'બ... અમદાવાદની ગરમી? વાત જાવા દિયો? અમે તો એક મિનિટ રઇએ નંઇ!''

તારી ભલી થાય ચમના. અમદાવાદની આટલી ગરમીમાં કોઇને પસીનો થતો બતાવ ને થઇ જા ભાયડો! ચાલતા ચાલતા કોઇને હાંફતો બતાવ અને મુંબઇવાળા જેટલા પરસેવાની ગંધ મારતા અમારામાંથી એકે ય ના કપડાં બતાવ! મુંબઇ કરતા તો ગુજરાતમાં જલસે જલસા છે. ત્યાં ભેજવાળી આબોહવા હોવાને કારણે આ સીઝનમાં સખ્ત ઉકળાટ સાથે પસીનો- પસીનો નિતર્યા કરે. દસ ડગલાં ચાલતા ય તમે હાંફી જાઓ, એવી હાલત ગુજરાતમાં ૪૦ ડીગ્રી ગરમીમાં ય જોવા મળતી નથી. મુંબઇમાં તો પાછું પરાંની ટ્રેનોમાં બેઠા વિના ચાલે નહિ અને એની ગીર્દી...? પરસેવાની બૂ મારતા લોકો એકબીજાને આડેધડ અડીને ઊભા હોય, તમે કાંઇ કરી ન શકો કારણ કે તમારો પરસેવો એ સહન કરતો હોય! હું એટલે જ મુંબઇ જતો નથી ને જઉં છું તો ત્યાંની ટ્રેનોમાં બેસતો નથી અને બેસું છું તો ઊભો રહેતો નથી. સાલું ત્યાં બરોબર બાજુમાં કોઇ મજૂર આપણને ચોંટીને ઝૂલતો ડંડો પકડીને ઊભો હોય અને એની બગલ બરોબર આપણા મોંઢા પાસે મૂકી હોય. બીજી બાજુ ય કોઇ મોટી બગલવાળો હોય, એમાં ચર્ચગેટથી બોરીવલી સુધી માથું છત તરફ રાખીને તો કેટલી વાર ટકી શકો? આવું લખવું મને ગમતું નથી, પણ મુંબઇગરાઓ માટે આ રોજનું છે. એમને નવાઇઓ ય ના લાગે. આ જૂનની સીઝનમાં એકેય મુંબઇકરનું શર્ટ ઈસ્ત્રીવાળું જુઓ તો...  ૫૦/-ની આપણા તરફથી શર્ત. જીતો તો રૂ. ૫૦/- એ શર્ટવાળા પાસેથી લઇ જ લેવાના!

ગરમી કોના જેવી છે? ગરમી માથામાં ખચાખચ તેલ નાંખેલી પડોસણ જેવી છે. કપાળમાંથી ય તેલના રેગાડાં નીકળતા હોય ને પરાણે આપણા ઘેર આવીને બેસે તો ના ય ન પડાય અને એ એની વાતો પતાવે નહિ ત્યાં સુધી એની વાતો સહન કરવી પડે... મનભાવન સ્ત્રીઓ માટે બચાવીને રાખેલા સ્માઇલો ય આને આપવા પડે! આપણે કેવા ભરાઇ ગયા, એવી સિક્સરો મારતો એનો ગોરધન એની બારીમાં ઊભો ઊભો આપણી સામે હસતો હોય... એ તો છૂટયો!

મને યાદ છે, બે વર્ષ પહેલાં હું અમેરિકાના લોંગ આઇલેન્ડથી મારા ઘેર અમદાવાદ વિડિયો-ફોન કરતો ત્યારે વાઇફ બોકાહાં નાંખતી કે, ''અમે આંઇ મરી રિયાં છીં...ને તમારે તીયાં બરફું પડે છે?'' હું ગમે તેટલો પ્રેમાળ પતિ હોઉં છતાં વાઇફ માટે બરફ મોકલાવી શકું એમ નહતો, પણ એની લ્હાય ઝરતી વાણીમાં મને બરફના વરસાદમાં ય સખ્ત ઉકળાટનો ધ્રૂજારો થતો. હું કેવો લાચાર ગોરધન હતો કે, પત્ની માટે જાન કુરબાન ચોક્કસ કરી દઉં (જો બદલામા એનો ય જાન મળતો હોય!) પણ એના અમદાવાદની ગરમી એક ડીગ્રી ય ઓછી કરી શકું એમ નહતો. લગ્નજીવનમાં આવું ય બનતું હોય છે કે, પતિ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવા માંગતો હોય પણ સામે તો દસના છુટાય ન નીકળે! દુનિયાભરના દેશોમાં ચચ્ચાર મહિનાની સીઝન હોય- શિયાળો, ઉનાળો અને ચોમાસું. સાલુ આપણા દેશમાં કોણે જનમ લીધો છે કે, એકલો ઉનાળો જ ૯ મહિનાનો ચાલતો હોય.. વરસાદ તો એકાદ દિવસ આવે મારા ભ'ઇ અને મને યાદ નથી કે, '૭૬ની સાલમાં અમેરિકાથી મારા કઝિને મોકલાવેલું ઊનનું સ્વૅટર એકે ય વાર મારે પહેરવા કાઢવું પડયું હોય! એ તો એમ કહો કે, વાઇફમાં પહેલેથી જ અગમચેતી ખરી, એટલે ઝાપડઝૂપડના કામમાં આવે, એમ એ સ્વેટરને દિવાલો કે સોફા ઝાટકવા કામમાં લઇ લીધું... આપણે ત્યાં સ્વેટરો પહેરવા પડે, એવો શિયાળો ક્યારે પડયો....?

આજે ઘરઘરમાં એક પ્રોબ્લેમ કોમન છે. બધાને ઠંડુ હિમ જેવું પાણી પીવા જોઈએ છે, પણ પાણી ભરીને ફ્રીજમાં બોટલ કોઈ મૂકતું નથી, એમાં ઘરની મમ્મી દેકારો બોલાવતી હોય, 'હું એકલી મરૂં ? ખલી બોટલો બધી મારે એકલીએ જ ભરીને મૂકવાની ?'

.... અને છતાંય, કોઈ સાંભળતું નથી, એમ હકીકત છે.

રાજકોટ- સુરતની તો ખબર નથી પણ અમદાવાદની રાતો ખૂબ શીતળ હોય છે. દિવસના ભલે લૂ ઝરતી ગરમી વરસે, પણ રાતો 'કૂલ' હોય છે. ટેરેસ પર ગુલઝારના શબ્દોમાં, 'ઠંડી સફેદ ચાદરોં પર, જાગે દેર તક, ઔંધે પડે રહે કભી કરવટ લિયે હુએ...' માથું ઓશિકાંને અડયું તે સાથે જ ઠંડકનો જે અનુભવ થાય તે અપ્રતિમ હોય છે. ભરબપોરે એ જ ટેરેસ પર ન જવાય, પણ રાત્રે?

અત્યારે આપણા સહુની હાલત બસસ્ટેન્ડ ઊભી પ્રેમિકા જેવી છે કે, પેલો (વરસાદ) હમણાં આવશે.... હમણાં આવશે, એવી બેકારની રાહો જોઈએ છીએ.

લાચારી એ છે કે, ટીવીમાં બીજા શહેરોમાં વરસાદને જોઈને ય ભીંજાઈ જવાય છે.

સિક્સર
બિમાર રાહુલના ખબરઅંતર મોદીએ પૂછ્યા.
'હમ જાનતે હૈં જન્નતે- હકીકત લેકીન, દિલ કો બહેલાને કે લિયે, 'ગાલિબ' યે ખ્યાલ અચ્છા હૈ'

No comments: