Search This Blog

15/06/2016

કાળાને કાળો કહેવાય...?

એવો ડર આદ્યકવિ દયારામે એમના પદમાં વ્યક્ત કર્યો હતો. સ્કૂલમાં ભણવામાં આ પદ આવતું, ત્યારે દયારામ જેટલી વિદ્વત્તા અમારામાં નહિ, (એમનામાં અમારા જેટલી નહિ!) એટલે માની લીધુ હતું કે, તેઓશ્રી રહેતા હશે, તેની આજુબાજુ કોલસાની ફેક્ટરી-બેક્ટરી હશે ને કાળો રંગ લાગી ન જાય તે માટે રસ્તો બદલીને ઘરે જતા જતા આ પદ સૂઝી આવ્યું હોય કે, 'મરી જાઉં તો ય શ્યામ રંગ સમીપે ન જાઉં...' એ તો પછી ખબર પડી કે, પ્રભુ શ્રીકૃષ્ણની ભક્તિના રંગે રંગાઈને દયારામે આવું મધુરૂં પદ કૃષ્ણની છેડછાડ કરતા ભક્તિસ્વરૂપે લખ્યું હતું.

'દયા'ના પ્રીતમને મુખે નિમ લીધો, પણ મન કહે કદી ન નિભાવું.' એવું દયારામ કબુલે છે. અર્થાત, આ શ્યામ રંગ છે એવો કે એની સમીપે ન જવાય અને એનાથી દૂર પણ ન રહેવાય! બિલકુલ પોલીસ-ખાતાં જેવી વાત થઈ. દેવ આનંદ કહે છે ને, ''યે પુલીસવાલેં હૈં, ન ઈનકી દોસ્તી અચ્છી, ન દુશ્મની!'' જેમને પોતાને ભોગવવાનો આવ્યો છે, એ બધાની હાલત 'ન આ બાજુ પ્રેમ કરાય, ન આ બાજુ.' અહીં મારી દશા ઉપરથી આવા શ્યામરંગીઓ તથા એમની હડફેટમાં આવેલાઓએ શીખવા જેવું છે.

મારા-તમારામાં ઘણાની હાલત આવી હશે... જે રંગ આવ્યો જ છે, તો પછી ગુલાબી સમજીને વાપરો! રંગે શ્યામ હો ને તમને ગોરો કહી જાય, એ વધુ અપમાનજનક છે કે શ્યામને શ્યામ કહેવામાં ખીજાવું પડે? યસ, પેલાના ખીજવવા પાછળનો ભાવ કે ઈરાદો જોવો પડે કે, તમને ઉતારી પાડવા-સહુની વચ્ચે નીચા બતાવવા કાળા કીધા છે? એ સહન ન થાય, પણ સહન ન થાય તો ય મારામારી કરવા થોડું ઉતરી પડાય છે? ચામડીના રંગ કરતા તમારી પર્સનાલિટી, ઈજ્જત અને સ્વભાવનો રંગ વધુ ગોરો છે ને?

અમારી આજુબાજુમાં નહિ નહિ તો ય ૪૦૦-૫૦૦ આવા ડામરછાપ કૃષ્ણો અને કૃષ્ણીઓ રહે છે. રાધા તો ગોરી હતી, એટલે એને મોંઘા સાબુઓ વાપરવાની જરૂર નહોતી, પણ અમારા આ કૃષ્ણ-કૃષ્ણીઓના લૉટને જોયા પછી ડઘાઈ જવાય એમ છે કે, કૃષ્ણ તો કેવા ગોરા હશે? એમને શ્યામ કહેવાય નહિ!

રંગો ઉપર તો આખી દુનિયાની શકલ-ઓ-સૂરત બગડતી સુધરતી રહી છે. કાળા રંગના માણસોને સેકન્ડ-ક્લાસ સિટીઝન્સનું લેબલ મારી દીધું, પછી ગોરાઓએ આ દુનિયા એમના બાપની હોય, એમ માની લીધું. થૅન્ક ગૉડ, મહાત્મા ગાંધી ઉપરાંત નીગ્રો લોકોએ રંગભેદની નીતિને નેસ્તનાબૂદ કરવાની કસમ ખાધી અને આજે કોઈ કાળાને કાળો કહી તો જુઓ... કાયદેસર તો જે થવાનું હશે તે થશે, બાકી સંબંધોની ભેગેભેગા હાડકાં ય તૂટે!

હજી તો હું ન્યુયૉર્કના જ્હૉન એફ. કેનેડી ઈન્ટરનેશનલ એરપાર્ટ પર ઉતરીને ઈમિગ્રેશનની લાંબી લાઈનમાં ઊભો જ છું. આજુબાજુનો નજારો જોઈને કોઈ નવી દુનિયામાં આવી ગયો હોઉં, એવી મસ્તી ચઢી હતી. એકબાજુ, માની ન શકાય એવા ગોરા અમેરિકનો અને બીજી બાજુ, તરત માની જવાય એવા નીગ્રો અને એ બન્નેની વચ્ચેવાળો હું, કબુલ કે, પેલી બન્ને પાર્ટીઓને મારી કોઈ પડી જ નહોતી કે, 'દવે સાહેબ પહેલી વખત અમેરિકા આવ્યા છે, તો સાઇડમાં લઈ જઈને ચા-કૉફી પિવડાવીએ.' 'મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ...' જેવી કોઈ વૃતિ જ નહિ. હું ય બાઘો બનીને આજુબાજુ ઊભેલા સેંકડો લોકોને જોયા કરતો હતો. જાતે ગોરો નથી, એટલે ગોરાઓને જોઈને રાજી થતો હતો અને નીગ્રોને જોઈને ઈશ્વરને પ્રાર્થના કરતો તો 'કમસે કમ... આ લોકોને મારા જેવી સ્કિન તો આપી દે, પ્રભો!'

...અને અચાનક એક ભોચાલ આવ્યો... આવ્યો નહિ, 'આવી'! લાઈનમાં મારાથી ૮-૧૦ પેસેન્જર દૂર એક નીગ્રો યુવતીઓનું ટોળું ઊભું હતું, એમાંની સૌથી લાંબી અને ઊંચી-મને લાગે છે કે, સાતેક ફૂટ ઊંચી કાયળી હશે. મારે તો એના કાનમાં ય કાંઈ કહેવા જતા માટે એની બેગ ઉપર ચઢવું પડે. મારી નજર એની ઉપર નહિ, એના માથા ઉપર અટકી ગઈ. એણે ભગવાન શ્રી ગણપતિબાપાના આકારનો અંબોડો માથે બંધાવ્યો હતો. લાંબી સૂંઢ, પહોળા કાન અને મોટા પેટ સાથે બનાવેલી હેરસ્ટાઈલમાં ખચાખચ સ્પ્રે માર્યું હતું. જોઈને ચીતરી ચઢે. મારે કુતુહલતા ઉપરાંત ચોંકાવનારું વધારે હતું. આવી હેરસ્ટાઈલ લઈને એ મુંબઇના એરપોર્ટ પર ઉતરી હોત, તો શિવસેનાવાળા કાચી સેકન્ડમાં કાઢી મૂકત.

પણ હું હજી કાંઇ આગળ વિચાર કરું, એ પહેલાં તો એણે મારી સામે જોઈને ચીસાચીસ કરવા માંડી અને તે પણ મશ્કરીમાં. એની સાથેની સખીઓ મશ્કરીમાં મારા તરફ હાથ કરીને હસતા હસતા આખા શરીરે વળી જતી હતી. સ્વાભાવિક છે, હું ડઘાઈ ગયો એના કરતા ગભરાઈ વધારે ગયો. પારકા દેશમાં પહેલો જ પાણો (પાણો એટલે પથરો)?

બાકીના પેસેન્જરો એની નહિ, મારી સામે જોવા માંડયા. પેલી સ્ત્રીઓ અમેરિકન ઇંગ્લિશમાં જેને ગાળો કહેવાતી હશે એવા એમના ગળાની સાઇઝ કરતા આઠેકગણા મોટા અવાજો કાઢી રહી હતી. મારી જેમ બાકીના પેસેન્જરો ય સમજી શકતા નહોતા કે થયું છે શું? અલબત્ત, બધાના મોંઢા ઉપર એવી શંકા બેશક જતી હતી કે, આ ઈન્ડિયન હખણો રહ્યો લાગતો નથી... કંઈક અડપલું કર્યું હશે!

તકદીર એટલે સુધી સારું હતું કે, એ યુવતીઓ પોતાના સ્થાનેથી જ ગાલીપ્રવાહ વહેવડાવતી હતી-ઘટનાસ્થળ છોડતી નહોતી, પણ હું તો છોડી શકું ને? જાણે કાંઈ બન્યું જ નથી, એવા હાવભાવ સાથે મહાબાણાવળી અર્જુન કુરુક્ષેત્ર છોડે એમ, હું મારા સ્થાનેથી આઘોપાછો થઈ ગયો... (સત્યઘટના)

એ પછી હું સળંગ બે મહિના રહ્યો... માં કસમ... એકે ય વાર એકે ય નીગ્રો સામે જોવાની હિમ્મત કરી નથી. ૧૦૨-માળ ઊંચા 'ધી એમ્પાયર સ્ટેટ બીલ્ડિંગ' નીચે સીક્યોરિટીના સ્ટાફમાં મોટા ભાગના નીગ્રો છે. આપણે ઈન્ડિયનો તરત જ ઓળખાઈ તો જઈએ. એમાંના એકે મને જોઈને હસતા મોંઢે એકે ગુજરાતીમાં કહ્યું, ''કેમ છો? આવો.'' હું રાજી થયો કે ભલે છે નીગ્રો, પણ હશે મારા જામનગરબાજુનો કોક સીદ્દી... અલબત્ત, પહેલા ઘાણમાં હું એટલો ઘવાયો હતો કે, બીજી વાર એકની એક ભૂલ કરવી નહોતી, એટલે હવે હું (ભલે ધોળીયો નહિ પણ) મૂળથી અમેરિકન હોઉં, એમ અમેરિકન ઈંગ્લિશમાં સ્માઈલ સાથે કહી દીધું, ''ઓ ય્યા..!'' નવાઈઓ એને એકલાને નહિ, એના સાથીઓને પણ એટલી જ લાગી. મારા અડધો ફૂટ દૂર ગયા પછી એમનું આખું ટોળું કોઇ બોકડાંની સામે આખા બૉડી વાળી નાંખીને ખડખડાટ હસતું હોય, એમ હસ્યું.

ફ્રેન્કલી કહું, મને એમાં ય આનંદ આવ્યો. એ લોકો તો 'બુધવારની બપોરે' વાંચવાના નહોતા, પણ વગર 'બુધવારની બપોરે' હું એમને ખડખડાટ હસાવી શક્યો, એ કાંઈ નાની ઉપલબ્ધિ છે?

હું કબુલ કરું છું કે, હું સહેજ પણ ગોરો નથી... ગુલાબી હોવાનો તો સવાલ જ ઊભો થતો નથી. એક એવરેજ ઈન્ડિયન જેવી મારી સ્કીન છે, એનો અર્થ એ કે હું ય શ્યામળામાં જ આવું. મને એવો અફસોસ તો દૂરની વાત છે, હું તો ખુશ છું, જે કલર વાપરવાનો આવ્યો છે તેનાથી. ઈવન મારી પત્નીની સરખામણીમાં કોઈ મને કાળો કહે તો, બાય ગૉડ... દુઃખ થતું નથી. એ મારા કરતા ગોરી છે. ૪૦-વર્ષ પહેલા લોકો ખાનગીમાં કહેતા હતા, હવે એ જાહેરમાં ય બોલે છે, 'કાગડો દહીથરૂં લઈ ગયો'.

ઈન ફેક્ટ, કાળા માણસોની એ એક્સ્ટ્રા ઓળખાણ છે. કોઈનો રેફરન્સ નીકળે તો કાળાને ઓળખી કાઢવો ઈઝી છે, ''કોણ..! પેલો કાળીયો છે, ?''

મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે, રંગે શ્યામ હોય એને કોઈ કાળીયો કહે તો ખોટું લાગે છે. અરે ભાઈ, આ તારી સીધીસટ્ટ અને તદ્દન સહેલી ઓળખાણ છે અને તારી સામે નહિ કહેનારા તારી ગેરહાજરીમાં-ઇચ્છે તો ય તારા રંગનો મહિમા ગાયા વિના રહેવાના નથી. નાના પાટેકર કેવી ભવ્યતાથી પોતાના પરિચયમાં ખૂબ આસાનીથી કહે છે, ''લંબાઈ ૬ ફૂટ, વજન ૭૫-કીલો, રંગ કાલા...!'' પરમેશ્વરે જે કાંઈ આપ્યું છે, એનો તો વૈભવ જ કરવાનો હોય. ઈવન એની ખુદની શક્તિ નથી કે, જન્મજાત કાળાને ગોરો બનાવી શકે કે હોય એનાથી ચેહરો વધુ સુંદર બનાવી શકે, તો પછી જલસા કરો ને, જેન્તીલાલ!

કમનસીબે, તમે ધૂમધામ જાડીયા હો, તો હવે અનંત અંબાણીનો કેસ જોયા પછી દુનિયાભરના જાડાઓને એક આશ્વાસન રહે છે કે, અંબાણી જેવી મેહનત કરીશું તો આપણે ય સ્લીમ થઈ શકીશું. પણ કાળા રંગને નાથવો કોઈ કાળા માથાના માનવીના ગજાં બહારની વાત છે. ઢમઢોલ જાડા અને કાળા માણસ વચ્ચે આટલો ફરક છે. જાડીયાઓ મૂળભૂત રીતે હસમુખા હોય છે ને એમના સ્થૂળ દેહને જોઈને લોકો રાજી થાય છે, એનો એમને ગુસ્સો આવતો નથી. એ ય હસી કાઢે છે. આજ નહિ તો કાલે, એમના પાતળા થવાની શક્યતા છે, જ્યારે શ્યામરંગ ચઢ્યો એ ચઢ્યો... ચૂનાવાળી ભીંતે ગાલ ઘસો તો ય ગોરા ના થવાય.

'જો મિલ ગયા ઉસી કો મુકદ્દર સમજ લિયા...' આટલી લાઈન ગાય પછી સરસ મજાનું સ્માઈલ આપવાનું હોય છે, કૂંવરજી.

સિક્સર
હવે તો હૉસ્પિટલમાં ય ઓપરેશન પહેલા હૉટલની માફક પૂછે છે, ''સા'બ... ઇન્જેક્શનમાં ડિસ્ટિલ્ડ-વૉટર વાપરુ કે નળનું?''

No comments: