Search This Blog

15/07/2016

ફિલ્મ : 'સોનેકી ચીડિયા' (૫૮)
નિર્માતા : ઈસ્મત ચુગતાઈ
દિગ્દર્શક : શાહિદ લતિફ
સંગીતકાર : ઓપી નૈયર
ગીતકારો : સાહિરમજરૂકૈફી
રનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ : ૧૭૧-મિનિટ્સ
કલાકારો : નૂતનબલરાજ સાહનીતલત મેહમુદઅમરવિક્રમ કપૂરપ્રતિમાદેવીચંદાબાઈજગદિશ કંવલશિવરાજલોટનનઝીર કશ્મિરીબેબી ચોગુલેમા. પાટનકરબેબી શોભા બેબી મુમતાઝ અને ધૂમલ.


ગીતો
૧.પ્યાર પર બસ તો નહિ હૈ મેરા લેકીન ફિર ભી...  આશા-તલત
૨. બેકસ કી તબાહી કે... દીપક તો અકેલા હૈ...  આશા ભોંસલે
૩. સચ બતા તુ મુઝપે ફિદા ક્યું હુઆ...  આશા-તલત
૪. રાતભર કા હૈ મેહમાં અંધેરા, કિસ કે રો કે...  મુહમ્મદ રફી
૫. સૈંયા જબ સે લડી હૈ તોસે અખીયાં...  આશા ભોંસલે
૬. છુક છુક છુક છુક રેલ ચલે, ચુન્નુમુન્નુ આયે...  આશા-કોરસ
૭. પ્યાર પર બસ તો નહિ હૈ મેરા લેકીન ફિર ભી...  આશા ભોંસલે
૮. રાતભર કા હૈ મેહમાં અંધેરા, કિસ કે રોકે...  આશા-રફી

ફિલ્મમાં નૂતન હોય અને સાથે બલરાજ સાહની હીરો હોય પછી ફિલ્મ કેવી હશે, એ પૂછવાનું ય ન હોય ને ? એમાં ય, એ સમયની ફાયરબ્રાન્ડ કહેવાતી લેખિકા ઈસ્મત ચુગતાઈની કલમે વાર્તા લખાઈ હોય અને ફિલ્મ ઈન્ડિયા કોર્પોરેશનના નેજાં હેઠળ ફિલ્મનું નિર્માણ પણ ઇસ્મતે કર્યું હોય... પ્લસ, એના પતિ શાહિદ લતિફે દિગ્દર્શન કર્યું હોય, એ ફિલ્મ કેવા ઊંચા દરજ્જાની હોવી... જોઇતી... હતી... ???

એના બદલે, ફિલ્મ જોતી વખતે બાજુમાં પ્લાસ્ટિકની ડોલ પડી હોય તો ખાલી કરીને દાંત વડે ખેંચી ખેંચીને એ આખી ચાવી જાઓ, એવો ગુસ્સો આવે, એ ફિલ્મ કેવી હશે ? આપણે તો નૂતન, બલરાજ સાહની અને ઓપી નૈયરના દમદાર ગીતોથી ખેંચાયા હોઈએ, 'રાતભર કા હૈ મેહમાં અંધેરા, કિસ કે રોકે રૂકા હૈ સવેરા...' અને 'પ્યાર પર બસ તો નહિ હૈ, મેરા લેકીન ફિર ભી...' અને ફિલ્મ જોવા બેસો ત્યારે એ ગીતો ફિલ્મમાં કેવા ફાલતુ લાગે છે, એ જોવાય પણ નહિ અને સંભળાય પણ નહિ !

નૂતન માટે ગર્વથી માથું ઊંચુ રહે એવી કલાકાર હતી એ. બિમલ રોય, ઋષિકેશ મુકર્જી કે એમના સરીખા દિગ્દર્શકો માટે ખુદ નૂતન એક સોનેકી ચીડિયા હતી... પૈસા કમાવા માટે નહિ, ઉત્તમ ફિલ્મ આપવા માટે ! પણ આ ફિલ્મ એ લોકોએ થોડી બનાવી હતી ? આપણને બનાવ્યા હતા.

આખી ફિલ્મનું કોઈ દ્રષ્ય એવું નથી, જેમાં નૂતન ન હોય, એ આપણા માટે બોનસ-ફોનસ બધી વાત બરોબર, પણ એના હોવામાં ય કાંઈ વાત તો બનવી જોઈએ ને ? નથી બનતી ને ઉપરથી લેખિકા ઈસ્મત ચુગતાઈનું ભરબપોરે છટકી ગયું હોય, એવી ટોટલ એબ્સર્ડ વાર્તા ફિલ્મ 'સોને કી ચીડિયા'ની એમણે લખી છે અને એના ગોરધન એટલે કે વરજીએ દિગ્દર્શિત કરી છે.

નવાઈ તો પહેલા જ લાગવી જોઈતી હતી કે, સાહિર લુધિયાનવી, મજરૂહ સુલતાનપુરી કે કૈફી આઝમી-ત્રણે સ્વતંત્ર શાયરો હતા, જેમણે મોટા ભાગે આખી ફિલ્મના એકલા ગીતો લખ્યા હોય, બીજો કોઈ શાયર ન હોય ! અહીં ત્રણે ત્રણ છે. એક માત્ર સાહિરમાં, 'રાત જીતની ભી સંગીન હોગી, સુબહા ઉતની હી રંગીન હોગી...' ગીત પૂરતો સાહિરનો ટચ દેખાય, બાકી તો એ જ સાહિરે લખેલા, 'પ્યાર પર બસ તો નહિ હૈ, મેરા લેકીન ફિર ભી, તુ બતા દે કે તુઝે પ્યાર કરૂં યા ન કરૂં...' ગીતના આ મુખડામાં ય સાહિર તો આવું ન જ લખે, એવો વહેમ પાકો થાય. 'લેકીન' અને 'ફિર ભી' બન્ને શબ્દો સાથે મુકવાનો ક્યો અર્થ નીકળે છે ? અત્યાર સુધી તો સ્ટેજ શોમાં ગાયકો 'પ્યાર પર્બત તો નહિ હૈ...' ગાતા હતા, એ સુધારાવ્યું અને 'પર બસ...' કરાવ્યું, પણ એમાં ખુદ આપણે ય ગોટે ચઢી જઈએ એવું બને છે કે, અનુવાદ કરવો હોય તો આ 'પર બસ'નો અર્થ શું કાઢવો ? એ નુસખો ય લગાવી જોયો કે, 'પર બસ'ને બદલે 'પરવશ' તો નહિ હોય ? અર્થઘટનોમાં હું એકલો શું કામ ઉલેચાઉં... ? વાચકો ય ઘેર બેઠા મેહનત કરી જુએ, જો આવો રસ હોય તો !

યસ. ઓપી નૈયરે પોતાના સ્વભાવથી વિરુદ્ધ એક સુંદર કામ બેશક કર્યું છે. મુહમ્મદ રફી-આશા ભોંસલેના યુગલ ગીત 'રાતભર કા હૈ મેહમાં અંધેરા...'નો બીજો અંતરો 'લબ પે શિકવા ન લા અશ્ક પી લે...'માં ઢાળ બદલાઈ જાય છે, એટલે ઈન્ટરલ્યૂડ મ્યુઝિક પણ બદલાય જ ! નોર્મલી, એકદમ પ્રોફેશનલ રહેતા નૈયરે બહુ ઓછા કિસ્સામાં ગીતના બે અંતરા જુદા બનાવ્યા હોય કે પહેલા અને બીજા અંતરા વચ્ચેનું સંગીત જુદું હોય (જે બર્મન દાદા અને શંકર-જયકિશનના સંગીતમાં રોજીંદી બાબત હતી.) ઓપીએ પોતે કરેલા દાવા મુજબ, એમને કદી કરૂણ ગીતો બનાવવા ગમ્યા નથી. એમના બધા ગીતો રોમેન્ટિક અને રમઝટવાળા જ હોય, ત્યારે આ ફિલ્મમાં રફીના ઉપરાંત તલત-આશાના 'પ્યાર પર બસ તો નહિ હૈ...'માં કરૂણ સમો ઊભો થયો છે.

ઓહ. ફિલ્મ જોતા ત્રણ-ચાર વખત આંખમાં પાણી છાંટી આવવું પડે, તો એની જવાબદારી આ ફિલ્મમાં હીરો બનેલા ગાયક તલત મેહમુદની છે. એક તો માથે વિગ પહેરે અને એમાં ય, આ ફિલ્મમાં ચેહરો બહુ કદરૂપો લાગે છે. એક્ટિંગની તો એની પાસે આશા ન રખાય અને એ અરસામાં કોઈ ૪-૫ ફિલ્મો હીરો તરીકે કરી લીધા પછી ભ'ઈ ભરાઈ ગયા. એના કહેવા મુજબ, એના હરિફોએ એવી હવા ઊડાડી કે, તલતે હવે ગાયકી છોડી દીધી છે ને ફક્ત એક્ટિંગ ઉપર ધ્યાન આપશે, એમાં અમથા ય માંડ ૮-૧૦ ગીતો આવતા હતા, એ ય બંધ થઈ ગયા... 'ચલા મુરારી હીરો બનને... !'

યસ. ગાયકીમાં એ ખૂબ મીઠડો એની કોઈ ના જ નહિ. એના કંઠમાં એક અજબની કંપન (tremolo) હતી, જે એને અન્ય ગાયકોથી જુદો પાડતી.

ફિલ્મ 'સોને કી ચીડિયા'માં નૂતનને એવી ચીડિયા સમજનાર આ ફિલ્મમાં એના પરિવારના સભ્યો હતા, અમર, અલ્તાફ, ચંદાબાઈ, પ્રતિમાદેવી.

વિક્રમ કપૂર (જે અનિલ બિશ્વાસના બીજી વારના સસુરજી થાય, મીના કપૂરના પિતા) આ ફિલ્મમાં નૂતન માટે સહાનુભૂતિનો રોલ કરે છે. મૂળ તો એ સાયગલના જમાનાનો કલાકાર, પણ નાના નાના કિરદારોથી કદી આગળ વધ્યો નહિ, એની દીકરીની જેમ ! મીના કપૂરને પણ ગાવા માટે 'મોરી અટરીયા પે કાગા બોલે' જેવા ૨૦-૨૫ ગીતો માંડ મળ્યા હતા, અલબત્ત, એણે ગુજરાતી ફિલ્મોમાં ઘણું ગાયું છે... એટ લીસ્ટ, હિંદી ગીતો કરતા ગુજરાતી વધુ વખણાયા અને યાદ રહી ગયા હતા. બારેમાસ રોતડ કંપનીનો પર્મનેન્ટ કલાકાર શિવરાજ અહીં બલરાજ સાહનીના નોકરના રોલમાં છે. ફિલ્મ 'સીમા'ની માફક બલરાજ અહીં પણ અનાથ અને ગરીબ નૂતનનો પાલનહાર બને છે.

પાછું સારૂં થયું કે, ટાઇટલ્સમાં અશોક કુમાર, દેવ આનંદ, શેખર અને મુમતાઝ (બાળકીના રોલમાં)ના નામો નહોતા લખ્યા, કારણ કે મેહમાન કલાકારો તરીકે એ લોકો એક એક દ્રષ્ય માટે જ આવે છે અને તે પણ, નૂતન સાથેની એમની કોઈ ફિલ્મનો ટુકડો ઉઠાવીને મૂકી દેવાયો છે.

આ ફિલ્મમાં હિંદી ફિલ્મનગરીના જુનિયર આર્ટિસ્ટો માટે લેખિકાએ બહુ દયાધરમનું હાસ્યાસ્પદ કામ કરાવ્યું છે. મોટા હીરોલોગના ભાવ એટલા તોતિંગ હોય છે કે, નિર્માતાઓ પાસે જુ.આર્ટિસ્ટોને આપવા શકોરૂં ય હોતું નથી, એ ધોરણે આ ફિલ્મમાં ઈસ્મત ચુગતાઈએ હીરોઈન બનવાનો ફ્લોપ પ્રયાસ કર્યો છે.

શાહિદ લતિફની પુત્રી સીમા સાહની એર હોસ્ટેસ હતી અને પહેલા કુલભૂષણ ખરબંદા અને પછી ઓમ પુરી સાથે એની સગાઈઓ પણ થઈ ચૂકી હતી.

શાહિદ ૧૯૪૮-માં 'શિકાયત' નામની ફિલ્મ બનાવી રહ્યો હતો, એમાં કે. આસિફની એક પત્ની રહી ચૂકેલી નિગાર સુલતાના સાથે પ્રેમ થઈ ગયો. નિગાર સાથે પ્રેમ થઈ જવો બહુ સહેલું કામ હતું કારણ કે, એ કામમાં સૌથી મોટી મદદ ખુદ નિગારની મળી રહેતી. અલબત્ત, શાહિદ બોલવામાં ઢીલો અને નિગાર સાથે નિકાહ પઢવા માંગતો હતો. નિગાર તૈયાર પણ હતી, પણ ભ'ઈ વધુ પડતા મોળા પડયા, એમાં 'તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની'વાળો છ-ફૂટીયો હીરો શ્યામ નિગારને બડી આસાનીથી બેડરૂમમાં લઈ ગયો... રોજ... રોજેરોજ ! એ જ નિગારે લખેલા સેક્સથી ભરપુર પ્રેમપત્રો શ્યામ પોતાની સાથે પાકિસ્તાન લઈ ગયો અને ત્યાંની દોસ્તોની પાર્ટીમાં નફ્ફટાઈથી હસતા હસતા બધાને એ પત્રો વાંચી સંભળાવતો. નિગારને તમે ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં 'તેરી મેહફીલ મેં કિસ્મત આઝમાકર હમ ભી દેખેંગે' પોતાની નશીલી બ્લ્યુ આંખો સાથે ગાતી જોઈ છે. છેલ્લે છેલ્લે, એ માલા સિન્હા અને વિશ્વજીતની ફિલ્મ 'દો કલીયાં'માં દેખાઈ હતી. એની દીકરી હિના કૌસર ફિલ્મ 'મૈં તુલસી તેરે આંગન કી'માં તવાયફના રોલમાં છે, જેની પાછળ દેબુ મુકર્જી ખાનદાન કી ઈઝ્ઝત ખાક મેં મિલાકર ભી... પડે છે. એ અત્યંત ખૂબસુરત હિના કૌસર દાઉદ ઈબ્રાહિમના ખાસ ડ્રગ માફિયા ઈકબાલ મિર્ચીને પરણી છે. લંડનમાં કાયમી રહેતા મિર્ચીના અવસાન પછી હિનાના ખબરઅંતર નથી. યૂ-ટયુબ પર તમે ઇકબાલ મિર્ચીનો ઈન્ટરવ્યૂ જુઓ તો માની ન શકાય કે આટલો સીધો અને રીફાઈન્ડ માણસ આટલું મોટું ડ્રગ-રેકેટ ચલાવતો હશે ?

બસ. જીવ નૂતન માટે બળી જાય આ ફિલ્મ 'સોને કી ચીડિયા' જોયા પછી કે જે સ્ત્રીએ 'સુજાતા, બંદિની, સુરત ઔર સીરત, મૈં તુલસી તેરે આંગન કી, ખાનદાન કે મિલન જેવી સદાબહાર ફિલ્મો કરી હોય એ આવી બદતર ફિલ્મમાં આવી શું કામ હશે ? નૂતનના સ્વર્ગસ્થ પતિ રજનીશ બહેલ નેવીના કલાસ-વન ઓફિસર હતા, એ તો ઠીક, પણ એમણે લખેલા પુસ્તકો દુનિયાભરની કોલેજોમાં પાઠયપુસ્તકો તરીકે ચાલે છે, માટે તો કોઈ એની ખૂબ પ્રશંસા કરે ત્યારે એ કહેતી, ''બહેલ સાહેબની સામે મારી સિધ્ધિઓ કોઈ વિસાતમાં નથી.''

નૂતનને મૃત્યુ સુધી એક જ ગમ રહ્યો હશે કે, સગી મા શોભના સમર્થ અને બહેન તનૂજા સાથે ઝનૂનપૂર્વક અદાલતમાં ચઢવું પડયું હતું, પ્રોપર્ટીના મામલે ! દીકરો મોહનીશ બહેલ ખૂબ સારો અભિનેતા હોવા છતાં (અને આટલી મહાન અભિનેત્રીનો પુત્ર હોવા છતાં, આજે ટીવી સીરિયલોમાં ય ફાલતુ કિરદારોમાં આવે છે. પ્રારંભ તો કોઈ ફિલ્મમાં હીરો તરીકે કર્યો હતો, પણ આ જ ફિલ્મ 'સોને કી ચીડિયા'માં બતાવ્યા મુજબ, કો ફાલતુ ફિલ્મ ભૂલ કે લાલચમાં પસંદ થઈ જાય, એમાં કાયમ માટે તમે ફેંકાઈ જાઓ અને મોહનીશ બહેલની માફક એક ગ્લોરિયસ-એકસ્ટ્રાનું કામ કરતા થઈ જાઓ ! ઝીણાવટથી જોવા જાઓ તો આ ફિલ્મમાં ખુદ બલરાજ સાહની અને તલત મેહમુદે પણ એકસ્ટ્રાઓનો જ રોલ કર્યો છે.

1 comment:

Anonymous said...

Sir,sone ki chidiya na lekhma pyarpar bas to nahi geet na shabdo barabar chhe. Teno matlab em thay ke pyar karvanu mara vash ma nathi etleke mara control ma nathi. Jawab barabar lage to please mane mobile no 9925210265 par sms karjo.hu tamara badha lekho vachu chu ane tamaro contact karva magu chhu.aabhar
Maulin mehta