Search This Blog

21/07/2016

સિસૃક્ષા એટલે શું ?

હમણાં એક વિદ્વાન સાહિત્યકારનો લેખ વાંચવામાં આવી ગયો. (મારે મારી ભાષા સુધારવી જોઈએ. પહેલું વાક્ય આવી ભાષામાં ન લખાય, જાણે ખાવામાં કાંઈ આવી ગયું હોય ! આને બદલે બસ, ‘વાંચ્યો’, એટલું લખો, તો ય મૂળ લેખકનું માન જળવાય !)

નૉર્મલી, ‘વિદ્વત્તાસાથે મારા સંબંધો સાસુ-જમાઈ જેવા રહ્યા છે. બન્ને એકબીજાને અવૉઈડ કરતા હોઈએ છીએ. એટલે વાંચતા વાંચતા એક ચોક્કસ શબ્દ ઉપર હું ગડથોલીયું ખાઈ ગયો. શબ્દ હતો, ‘સિસૃક્ષા’.

ઉનાળાની ભરબપોરે, ધોમધખતા ખેતરની ખાટલી ઉપર, બ્રાન્ડ ન્યૂ શૂટ પહેરીને બેઠા હોઇએ ને ઉપરથી કાગડો આપણા ખભા ઉપર ચરકે, એવો આ શબ્દ મારા મગજ ઉપર ચરક્યો. એક ખાટો ઘચરકો આવી ગયો. અફસોસ શૂટ બગડવાનો ન હોય, અફસોસ કાગડાની સાવ ન સમજાય એવી ચરક ઉપર થાય. કાગડા લોકોએ ચરકો તો કેવી વિવિધ ફ્લૅવર્સની કાઢવી જોઈએ, એને બદલે ખભામાં ખાડો પાડી દે, એવી ચરક તો ન મૂકવી જોઇએ ને ? આમાં કાગડાની બા ના ખીજાય, આપણી ખીજાય !

સિસૃક્ષાએ મારી છાતીમાં ગોબો પાડી દીધો. ‘‘હું સાલો આટલો ડોબો...? ગુજરાતી સાહિત્યનો એક મહાન લેખક હોવા છતાં, મને આ સિસૃક્ષાનો અર્થ પણ આવડે નહિ ? આવડવાની વાત તો બહુ દૂરની હતી પણ, બે-ચાર વખત આ શબ્દ બોલવા ગયો તો મોંઢામાંથી થૂંક ઊડ્યું. જીભ તોતડાઇ. મેં ગુજરાતી સાહિત્યના એક વઘુ વિદ્વાન લેખકને પૂછ્યું તો, બાબો રૂપિયો ગળી ગયો હોય ને એના બરડે ધબ્બા મારી મારીને, એનું જડબું જોસ્સાપૂર્વક ખૂબ હચમચાવ્યું હોય, પછી રૂપિયો ખંખેરાય, એ પદ્ધતિથી, છ-સાત વખત તૂટી ગયેલો શબ્દ સિસૃક્ષાએમના ગળામાંથી નીકળ્યો. એમણે આ શબ્દ જેટલી વાર બોલવાનો પ્રયત્ન કર્યો, એટલી વાર એ સિસોટી મારતા હોય, એવું નગરજનોને લાગતું હતું. આ ઉંમરે આવી સિસોટીઓ ન શોભે, હકીકત પોતે પણ જાણતા હોવાથી, એમણે મને નિખાલસતાપૂર્વક કહ્યું, ‘‘મૂળભૂત વ્યૂત્પત્તિ મુજબ, સદરહૂ શબ્દના પ્રાદુર્ભાવ પ્રમાણે કોઇ અર્થ તો અવશ્ય હોવો જોઈએ, પરંતુ હાલ પૂરતો મ્હારા સ્મરણમાં આવતો નથી.’’

અમારા ગુજરાતી સાક્ષરોને આવું શ્વાન-કૃત્ય બહુ માફક આવી ગયું છે. કોઇ મકાન ધરાશાયી થયું હોય ત્યારે એના કાટમાળ નીચે કોક બચ્યું-ફચ્યું હોય તો એને કાઢી લેવા સ્નીફર-ડૉગ્સ (સૂંઘતા કૂતરાં) બોલાવાય છે. એ લોકો કાટમાળ સુંઘી સુંઘીને, લગભગ મરવા પડેલા કોઇ જીવને ખોળી કાઢે છે, એમ આ સાક્ષરોશબ્દ-શ્વાનબનીને ગુજરાતી શબ્દોના કાટમાળ નીચે આવા સદીઓથી દટાયેલા અને મરવા પડેલા શબ્દો, સૂંઘી સૂંઘીને ખોળી કાઢે છે. ઘટનાસ્થળે જમા થયેલી પબ્લિકને એ શબ્દનું ઝભલું પકડીને લટકાવીને ઘોષણા કરે, ‘‘જુઓ ભાવકો.... મુખમાંથી અંતિમ રક્ત ટપકતો આ શબ્દ મરવા પડ્યો હતો, તે તિતિક્ષામળી આવ્યો છે. અગાઉ મૃતઃપ્રાય થયેલા હૃદ્ય પ્ર-ભાવાંશ’’, ‘વયાન્તર’, ‘વ્યાવર્તક’, ‘કારયિત્રી’, ‘પારતંત્ર્ય’... જેવા અગાઉ સ્મશાને નાંખી આવેલા શબ્દો પણ આ કાટમાળ હેઠેથી મળ્યા છે. અપેક્ષા છે, આપ સહુ આ શબ્દોને પાનના ગલ્લે, ધોબી કપડાં લેવા આવે ત્યારે અથવા તો ડૉક્ટરને બતાવવા જાઓ, ત્યારે અવશ્ય વાપરશો.... અસ્તુ !’’

મારે જાતે જ આ શબ્દનો અર્થ શોધવા પૃથ્વીપરિભ્રમણા કરવી જોઇએ એ હિસાબે, ખભે બગલથેલો લટકાવીને મારે ડાંગના જંગલોમાં જઇને કોકને પૂછ્વું જોઈએ કે, ‘‘, સિસૃક્ષાએટલે શું ?’’ પણ આદિવાસીઓ લાંબા લાંબા ભાલા અને તીરકામઠાં રાખતા હોય છે, એમાં આપણી ફાટે તો ખરી ને ? એ લોકોને ન પૂછાય...

પણ વિશ્વપ્રવાસે નીકળતા પહેલા આ શબ્દ લખનાર ભાઈનો મને વિચાર આવ્યો. (મને ક્યારેક વિચારો પણ આવતા હોય છે, બોલો !) કે સ્વભાવથી આ વિદ્વાન કેવા ક્રૂર સ્વભાવના હશે ? ‘‘આજે તો વાચકોને મારી જ નાંખું...! મારો આ શબ્દ વાંચ્યા પછી વાચકો, ‘‘પાણી... પાણી.... પાણીઇઇઇ....’’ની બૂમો પાડતા, ગોળી ગળી ગયેલો ઉંદર ખાળ-ચોકડી તરફ મરતો મરતો ઢસડાય, તેમ વાચકો કેવા ત્રાહિમામ પોકારી જશે ?... તત્પશ્ચાત, આ એક સિસૃક્ષાશબ્દ હું લખીશ, તો મારા સમકાલીન સાહિત્યકારો મારી ઉપર કેવા પ્રભાવિત થશે, કે.... ‘‘વાહ... ડોહામાં હજી વાચકોના લોહીઓ પીવાની તાકાત બાકી છે !’’

લેખ લખતી વખતે તેઓશ્રી સફેદ શૂટ, ગળામાં રંગબિરંગી સ્કાર્ફ, નીચે લાલ મોજાં, કાળા ગૉગલ્સ, ચીપોચીપ તેલ નાંખીને વચ્ચે પાંથી પાડેલું ઊભું ઓળેલું માથું, જમણાં હાથના કાંડા ઉપર ઘોડાના ચિહ્નવાળી લટકતી સોનાની ચેઇન સાથે ઢીંચણ ઉપર ઢીંચણ ચઢાવીને બેઠા હશે, બાજુમાં એમનો કોઇ આશ્રિત કવિ કે લેખક ગળા ઉપર હાથ ઘસતા ઘસતા મોબાઇલ પર તોછડાઇથી વાત કરતો હશે, બૅકગ્રાઉન્ડમાં હૉરર મ્યુઝિક વાગતું હોય અને ડૉન પોતાની તાજી જ ફોડેલી રીવૉલ્વરના નાળચામાંથી નીકળતા ઘૂમાડાને ફુંક મારે, એમ આ સાક્ષરશ્રી પોતાની ફાઉન્ટન-પૅનની સ્ટીલ ઉપર ફૂંક મારી, ખંઘુ હસતા હસતા અને ફૉલ્ડર કવિને પૂછશે, ‘‘અબે છોટા સુંદરમ્.... પરિષદમાં ખળભળાટ મચી ગયો ?’’ જવાબમાં છોટા સુંદરમ્ બાયનોક્યૂલર વડે, ‘‘બડા ઉશનસ’’ના ઘરમાં જોઈને કહેશે, ‘‘સરકાર.... યે બડાવાલા તો હમ સે ભી બડા લબ્ઝ ઢૂંઢ રીયેલા લગતા હૈ.... લગતા હૈ, ઉસને અપની રીવૉલ્વર કા નામ તિતિક્ષારખ્ખા હૈ....!’’

‘‘યે કૌન સી રીક્ષા હોતી હૈ, છોટા સુંદરમ્....?’’

મને બીજો ક્રૂર વિચાર એ પણ આવ્યો કે, આ શબ્દ લખતી વખતે લેખકને ગુજરાતી સાહિત્ય પરિષદના પહેલા પ્રમુખ મહાત્મા ગાંધી પણ યાદ આવ્યા હશે જેમણે, ગુજરાતી ભાષાના સાહિત્યકારોને પ્રમુખકીય ભાષણમાં કહ્યું હતું કે, ગામડાનો કોશિયો પણ સમજી શકે, એવી ભાષામાં સાહિત્યનું સર્જન કરજો...’’

બાપૂથી આવું ન બોલાય, એનું કેટલું ભાન ખાસ્સા વિનયપૂર્વક આજના સાહિત્યકારો રાખી રહ્યા છે. ગામના કોશિયાઓ તો સાલા માં-બેનની આવડી ને આવડી ગાળો બોલતા હોય છે અને એમને તો એમાં જ સમજ પડે એટલે જસ્ટ બાપૂએ કીઘુંતું એટલે કાંઈ એવી ભાષામાં વાર્તા, ગઝલો, વિવેચનો કે હાસ્યલેખો તો ન લખાય ને ? આપણે એવી ભાષા વાપરવા માંડો, જેમાં કોશિયાઓ તો ઠીક, આપણે એકબીજા ય ઊંધા પડીને ગલોટીયાં ખાવા માંડીએ, તો ય સમજણ ન પડે, એવા શબ્દો લઈ આવો... જેથી, સામાન્ય ગુજરાતી તો સાહિત્યથી દૂર રહે ! પરિણામે, આ વિદ્વાનોએ સિસૃક્ષાકે વ્યાવર્તનોજેવા શબ્દો વડે ગુજરાતી ભાષાની પૂજ્ય માતાના વેવિશાળો ગોઠવવા માંડ્યા, તે આજ સુધી ચાલુ છે.

પણ હું ય આમ તો એમાંનો એક જ કહેવાઉં ને ? ભલે એ લોકો મને એમનો ગણતા ન હોય. મારે પણ સામે વિનયપૂર્વક એમને કાંઇ આપવું જોઇએ, એટલે આજે-આઇ મીન, અત્યારે જ હું એક નવો શબ્દ આ વિદ્વાનો માટે આપું છું, જેનો અર્થ તો પછીની વાત છે, એ લોકો સીધેસીધો ઉચ્ચારી શકે, તો ય ભારતના કોશિયાઓ રાજી થશે.

મેં હમણાં જ શોધેલો આ શબ્દ છે, ‘‘ણાળીણું.’’

એનો જરા ઉપયોગ પણ જોઇ લઇએ. ‘‘કાંતાલક્ષ્મીએ એના ગોરધનને ણાળીણું આપતા કીઘું, ‘‘હે નાથ, આજથી આપ આ ણાળીણાંને ળાળીળાળીકરાવજો, જેથી આપણાં જીવનમાં ણુંણુંણુંનો પરિયોગ થઇ શકે....!’’

જવાબમાં ગોરધન વડે ણાળીણાને ઢીંચણ પર ઘસતા ઘસતા બોલાયું, ‘‘હે દેવી, તથાસ્તુ.’’

સિક્સર
ઈતિહાસનો વિષય ભણાવતા શિક્ષકને કદી ન પૂછાય, ‘‘શું છે નવું કાંઈ ?’’
(Published on 30-04-2008)

No comments: