Search This Blog

22/07/2016

'શબાબ' ('૫૪)

ફિલ્મ : 'શબાબ' ('૫૪)
નિર્માતા : દિગ્દર્શકઃએમ. સાદિક
સંગીતકાર : નૌશાદઅલી
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ : ૧૫- રીલ્સ
કલાકારો : નૂતન, ભારત ભૂષણ, બદ્રીનાથ, શ્યામકુમાર, યશોધરા કાત્જુ, વાસ્તી, રમેશ કપૂર, કેસરી, ખટાના, રમેશ ઠાકૂર, એસ. નઝીર, ઉમાદેવી, મીરા રાની, મુન્શી મુનક્કા, નવાબ.




ગીતો
૧.સંગીત હૈ શક્તિ ઇશ્વર કી... ભગત કે બસ મેં હૈ....    મન્ના ડે- કોરસ
૨.ચંદન કા પલના, રેશમ કી ડોરી, ઝૂલા ઝૂલાયે....    લતા- મંગેશકર
૩.મન કી બીન મતવારી બાજે...    લતા મંગેશકર- મુહમ્મદ રફી
૪.જોગન બન જાઉંગી સૈંયા તોરે કારન....    લતા મંગેશકર
૫.લાગી મોરે મન કી ઓ સાજના....    શમશાદ બેગમ
૬.જો મૈં જાનતી બિસરત હૈ સૈયા, ઘૂંઘટા મેં આગ....    લતા મંગેશકર
૭.મહેલો મેં રહનેવાલે હમે તેરે દર સે ક્યા....    રફી- મુબારક બેગમ, કોરસ
૮.આયે ન બાલમા વાદા કર કે, થક ગયે નૈના, ધીરજ....    મુહમ્મદ રફી
૯.યહી અરમાન લેકર આજ અપને ઘર સે હમ નીકલે....    મુહમ્મદ રફી
૧૦.મર ગયે હમ જીતે જી માલિક તેરે સંસાર મેં....    લતા મંગેશકર
૧૧.મરના તેરી ગલી મેં, જીના તેરી ગલી મેં....  લતા મંગેશકર
૧૨.દયા કર હૈ ગીરધર ગોપાલ (રાગ: મુલતાની)....   ઉસ્તાદ આમિરખાન
ગીત નં.: ૩ રાગ બહાર ઉપર આધારિત છે, પણ વધુ ભાર રાગ બસંત ઉપર છે.

જમાનો સો કરોડ- પાંચસો કરોડનો ધંધો લાવી આપતી ફિલ્મોનો છે. સલમાન ખાનની સળંગ દસમી ફિલ્મે ૨૦૦ કરોડ તો પહેલા વીકમાં જ ભેગા કરી નાંખ્યા હતા. ફિલ્મ બકવાસ છે, પણ બકવાસ ફિલ્મોમાંથી સો- બસ્સો કરોડ પેદા કરવા જબરદસ્ત હુન્નરનું કામ છે, બદમાશીઓનું કામ છે, સરકારી ભ્રષ્ટાચારનું કામ છે અને ખાસ તો માર્કેટિંગની કરામતો છે. યાદ કરો, ફિલ્મ 'સંગમ', 'મુગલ-એ-આઝમ', 'પાકીઝા'ની બૉક્સ ઓફિસ પરની તોતિંગ સફળતા. આજના ધોરણે તો એ ફિલ્મો હજાર કરોડ ભેગા કરી શકી હોત. ટ્રિક સિમ્પલ છે. આજની ફિલ્મોની ટિકિટના ભાવો સાંભળ્યા છે ? 'સુલતાન'ની પહેલા વીકની ટિકીટનો 'ઑફિશીયલ' ભાવ ૬૦૦/-નો હતો. પછીના વીકથી ઓછો થવા માંડે પણ ત્રણ- ચાર વીકમાં ફિલ્મ ઉડી પણ ગઈ હોય.

આપણા જમાનાની ફિલ્મોના લૉઅર સ્ટોલ્સ, અપર સ્ટોલ્સ અને બાલ્કનીના ભાવો અનુક્રમે ૧/-, ૧.૪૦ અને ૧.૬૦ના હતા. એની પહેલાની ફિલ્મો માટે તો વડીલો કહેશે, 'અરે અમારા જમાનામાં તો એક રૂપિયામાં બાલ્કની મળતી. એ ફિલ્મ રજૂ થઈ ત્યારે બ્લૅકમાં ટિકિટો વેચાતી. અપર સ્ટૉલ્સના ૧૦૦/- તો દિલીપકુમારની ફિલ્મ 'રામ ઔર શ્યામ'ના મેં ય જોયા છે. કાળાબજારીયાઓને પોલીસ પકડતી...તો આજે ટિકિટનો મૂળ ભાવ જ ૧૦૦/-થી શરૂ થાય અને (કાળાબજારને નાથવા) સરકારે ફિલ્મ નિર્માતાઓને જ ઑફિશિયલ બ્લેક કરવાની કેવી મસ્ત છૂટ આપી દીધી ? ૧૦૦/-વાળી ટિકિટ ઑફિશિયલી ૬૦૦/-માં વેચાય, એ કાળાબજાર નહિ તો બીજું શું છે ? એમાં ય, એક જ ફિલ્મ એક શહેરના એવરેજ ૨૦- ૨૫ થીયેટરોમાં દર્શાવાય એટલે કલેક્શન કેટલું થયું ? આવી છૂટ 'મુગલ-એ-આઝમ' કે 'સંગમ'ને મળી હોત તો ? એ બધી તો ઑલમોસ્ટ ૨૫ વીક ચાલતી હતી.

એ હિસાબે ૨૫ વીક્સના એક ટિકિટના ૧.૪૦ને બદલે ૬૦૦/- મૂકીને હિસાબ માંડી જુઓ તો... ?  ત્રિરાશી મૂકો તો, છસ્સો કરોડનો બિઝનેસ તો બધી ફિલ્મો કરતી હતી ! ધૂમધડાકા સાથે વધતી વસ્તી અને સેક્સના ઉઘાડા દ્રષ્યોનો ય આજની ફિલ્મોની કહેવાતી સફળતા માટે જવાબદાર છે. કંઈક બાકી રહી જતું હોય તેમ (જે એ જમાનામાં વિચારાયું ય નહોતું કે) નવી ફિલ્મ રીલીઝ થવાની હોય તો પહેલી ઇદ કે દિવાળી જેવા તહેવારોનો ય ખ્યાલ રાખવાનો, મતલબ... પહેલી ફિલ્મ ૨૦૦ કરોડ ફેણી લે પછી બીજી રીલિઝ થાય.

બસ, એક જ પ્રોબ્લેમ આપણા સમયની ફિલ્મોનો હતો કે, સંગીતને બાદ કરતા આપણે ખુસ્સ- ખુસ્સ થઈ જઈએ એવા પરિબળો એ વખતની ભાગ્યે જ કોઈ ફિલ્મોમાં હતા. જેમ કે, આજની આપણી ફિલ્મ 'શબાબ' એકલા સંગીતને જ ધ્યાનમાં લઈએ તો આવનારા બસ્સો વર્ષ સુધી સડેડાટ આખી ફિલ્મના તમામ ગીતો આટલા મધુર અને આજ સુધી ચાલે એવા તો એ સમયની લગભગ ૭૦ ટકા ફિલ્મોના બનતા. નૌશાદ માટે એકલી 'શબાબ' જ ઝંડા ફરકાવનારી નહોતી. આ જ ૧૯૫૪ની સાલમાં એમની ફિલ્મ 'અમર' કે એક વર્ષ પછી આવેલી ફિલ્મ 'ઉડન ખટૌલા'ના એકેએક ગીતો યાદ કરો. એમની તો સમજો ને, શંકર-જયકિશન કે ઓ.પી. નૈયરની ફિલ્મોની જેમ દરેક ફિલ્મના દરેક મધુર ગીતોનું સાતત્ય (consistency) એક સરખું જળવાયું...  લગભગ '૭૦ની સાલ સુધી !

સંગીતનું પ્રભુત્વ કેટલું હતું તેનો ખ્યાલ એ વાત પરથી આવશે કે, નૌશાદની જ ફિલ્મ 'બૈજુ બાવરા'ના ગીતો અને પરિણામે ફિલ્મે ધૂમધામ મચાવી, એટલે હિરોઇન બદલી એ જ ટીમ રાખીને એ લોકોએ ફિલ્મ 'શબાબ' બનાવી એની ય તોતિંગ સફળતાથી અંજાઈને એ જ ભારતભૂષણે પોતે ફિલ્મ 'બસંત બહાર' બનાવી જાદુ કર્યો હતો જાદુ. એ ફિલ્મોના સંગીતકારો અને ગાયકોએ !

અને એમાં ય, આજના સંગીતનો વાંકે ય ક્યાં સુધી કાઢવો ? ધરતી ઉથલપાથલ થઈ જાય તો ય હવે જગતભરમાં મુહમ્મદ રફી અને લતા મંગેશકર જેવા ગાયકો થવાના નથી. એવી બંદિશો કોણ બાંધવાનું છે ? એવી મૅલડી જ હવે ક્યાં પુનર્જન્મ લેવાની છે ?

અહીં તો ફિલ્મની થીમ જ આ ફિલ્મના નિર્માતા- નિર્દેશક મુહમ્મદ સાદિકે 'સંગીત હૈ શક્તિ ઇશ્વર કી, હર સૂર મેં બસે હૈ રામ'ની બનાવી છે. આ ઇશ્વરીય શક્તિને પામવા રફી-લતા ઓછા હતા તે નૌશાદે હેમંતકુમાર અને મન્ના ડે ઉપરાંત શમશાદ બેગમ કે મુબારક બેગમને ય આ ફિલ્મમાં ગવડાવીને કોઈ અજબનો જાદુ પાથરી દીધો. બાકી તો શાસ્ત્રીય ગાયકીના અમર શહેનશાહ ઉસ્તાદ આમિરખાન સાહેબ (ઇન્દોર ઘરાણા) આમ તો કે તેમ તો... ક્યાં વળી ફિલ્મોમાં ગાવાના હતા, છતાં ફિલ્મ નૌશાદની હોય ત્યારે પંડિત્ત દત્તાત્રેય વિષ્ણુ પલુસ્કરથી માંડીને નૌશાદ કે વસંત દેસાઈ જેવા દિગ્ગજો ઉસ્તાદ બડે ગુલામઅલી ખાનથી માંડીને ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન પાસે ય મનાવી મનાવીને ફિલ્મોમાં ગવડાવ્યું છે.

પંડિત ડી.વી. પલુસ્કર (ગ્વાલિયર ઘરાના અને ગંધર્વ મહાવિદ્યાલય) ગાનનો પ્રારંભ કરે, એના આલાપમાં જ જે તે રાગની ઓળખ આવી જાય. તો ઉસ્તાદ આમિરખાને જે રસિકજનો લાઇવ સાંભળી ચૂક્યા છે, એ બધા 'આમિરી-અસર'માંથી હજી સુધી બહાર નથી આવ્યા. ઉસ્તાદ આમિરખાન ઓ.પી. નૈયરના દોસ્ત હતા. નૈયર કાયમ કીધે રાખે કે, મને શાસ્ત્રીય સંગીતનો 'સા' ય આવડતો નથી, ત્યારે નૈયરે બનાવેલું ને આશા ભોંસલેએ ગાયેલું 'બેકસી હદ સે જો ગુજર જાયેં' સાંભળીને ખાનસાહેબ એટલા ખુશ થઈ ગયા કે, કોલકાતાથી મુંબઈ કૉલ કરીને ઓ.પી.ને ફરિયાદ કરી કે, 'ઓમકાર, તુમ તો કહતે હો, તુમ્હે ક્લાસિકલ મૌસિકી આતી નહિ... તો ફિર યે ક્યા હૈ ? કિતની લાજવાબ ધૂન બનાઈ હૈ... ?' ઓપી પણ કોઈ એના વખાણ કરે તો મુહમ્મદ રફીની જેમ આસમાન તરફ આંગળી કરીને કહે, 'સબ ઉપરવાલે કી દૈન હૈ...!'

આ આમિર ખાનસાહેબને યુ ટયુબ પર લાઇવ રાગ માલકૌંસ ગાતા જોવા- સાંભળવા જેવા છે. કારણ એટલું કે, લતા મંગેશકર એના પિતા પંડિત દીનાનાથ મંગેશકર પાસે શીખતી હતી, ત્યારે ખાસ કરીને તાન મારતી વખતે એનું મોઢું પંડિત ભીમસેન જોશી જેવું તરડાય- મરડાય ('ખરડાય' નથી લખ્યું !), એ જોઈને માઇ મંગેશકર (લતાના માતાજી) ખીજાતા, 'ગાતી વખતે મોઢું વિકૃત શેનું થાય છે ? મોઢું મચકોડાય છે શેનું ? ગાવાનું ગળાથી છે કે ચહેરાથી ?' બસ, ત્યારથી લતાએ પણ શુદ્ધ શાસ્ત્રીય ગાતી વખતે ચેહરાનો પૂરો ખ્યાલ કેવો રાખ્યો છે, એ જોવો હોય તો યુ-ટયુબ પર લતાએ ગાયેલો રાગ માલકૌંસ સાંભળવા જેવો છે. નસીબજોગે આ જ રાગ ઉસ્તાદ આમિરખાન પણ ગાતા જોવા મળશે. તમે જોઈ શકશો. ઇવન તાનો મારતી વખતે ય ઉસ્તાદજીના હોઠ સિવાય બીજું ફરકતું નથી. આમિરખાન તેમની તાનો માટે વધુ પ્રખ્યાત હતા.

અહીં પણ નૌશાદે અન્ય કોઈ નહિ પણ હેમંતકુમાર પાસે રાગ પિલુ પર આધારિત 'ચંદન કા પલના, રેશમ કી ડોરી...' ગવડાવ્યું છે, તો મન્ના ડે પાસે 'ભગત મેં બસ મેં હૈ ભગવાન' ગવડાવ્યું છે. નૉર્મલી આ બન્ને ગાયકો નૌશાદના ભાથામાં હોય જ નહિ, કારણ કે નૌશાદે મોટા ભાગનું કામ રફી પાસે જ કરાવ્યું છે. હું જ્યારે જ્યારે મન્ના ડે દાદા પાસે બેસતો, ત્યારે દાદા નૌશાદનો ઉલ્લેખ 'ધી ગ્રેટ નૌશાદ સા'બ શબ્દોથી કરે... ભલે એમણે મન્નાદાને ભાગ્યે જ કોઈ કામ આપ્યું છે.

પણ ખરી કમાલ લતા પાસે રાગ માંડમાં, 'જો મૈં જાનતી બિસરત હૈ સૈયાં, ઘુંઘટા મેં આગ લગા દેતી' ગવડાવીને કરી છે. આ જ રાગ માંડના અન્ય ગીતો તમને કેવા કંઠસ્થ છે ! 'થાડે રહીયો, ઓ બાંકે યાર રે', 'કલ રાત જીંદગી સે મુલાકાત હો ગઈ', 'મર ગયે હમ જીતે જી માલિક તેરે સંસાર મેં' (આ જ ફિલ્મ 'શબાબ'નું) અને 'ફિર તેરી કહાની યાદ આઇ, ફિર તેરા ફસાના યાદ આયા' (તમને શાસ્ત્રીય સંગીત ભલે ન આવડતું હોય, પણ આ ગીતો વારાફરતી ગુનગુનાવી જુએ. બધામાં એક કોમન ફેક્ટર જણાઈ આવશે... એ ફેક્ટર જ રાગ માંડ. મામૂલી ફેરફાર સાથે એને રાજસ્થાની માંડ પણ કહે છે, 'કેસરીયા બાલમા, પધારો મ્હારે દેસ રે...')

નૌશાદના આસિસ્ટન્ટ તરીકે મુહમ્મદ ઇબ્રાહિમ છે, જે સંગીતકાર ગુલામ મુહમ્મદનો ભાઈ થાય. નૌશાદને ગુલામ મુહમ્મદ સાથે બહુ લાંબુ ગોઠયું નહિ, એટલે એના નાના ભાઈ ઇબ્રાહિમ મુહમ્મદને આસિસ્ટન્ટ તરીકે કામ સોંપી દીધું, પણ જાલીમ જમાનાને બહુ ખ્યાલ ન આવે કે આ બન્ને ભાઈઓ છે, એટલે નૌશાદે આનું નામ ઉલટાવીને મુહમ્મદ ઇબ્રાહિમ રાખી દીધું.

એમ. એટલે કે મુહમ્મદ સાદિક બહુ મજેલો પ્રોડયુસર ડાયરેક્ટર હતો. (મધુબાલા માટેની લાંબી લાઇનમાં આ ભ'ઇ પણ ઉભેલા હતા.) અને એના નામે અનેક જાણીતી ફિલ્મો છે. બહુ બેગમ, નુરજહાં, ચૌદહવી કા ચાંદ, તાજમહલ, છુમંતર, મુસાફિરખાના, રતન અને અણમોલ રતન ઉપરાંત બીજી વીસેક ફિલ્મો ખરી, જે ખાસ ઉપડી નહિ.

એક્ટિંગના મામલે ભા.ભૂ. ઘણો હાંસિપાત્ર બનતો રહ્યો છે. ચેહરા પર કોઈ ભાવ જ ન મળે. એની સામે બીજી કોઈ નહિ ને નૂતન, અભિનય સામ્રાજ્ઞા...! પણ ભા.ભૂ. એક જમાનામાં સંગીતના કારણે જ દેશભરમાં લોકપ્રિય થતો રહ્યો. સંગીતકાર કોઈ પણ હો, એ મુહમ્મદ રફીના મોટા ભાગના લાડકા ગીતો લઈ ગયો છે. વ્યક્તિગત ધોરણે પણ એ શાસ્ત્રીય સંગીતનો પૂરો જાણકાર હતો. રાજેશ ખન્નાનો જે બંગલો 'આશીર્વાદ' વેચાયો તે પહેલા રાજેન્દ્રકુમારનો હતો, પણ રાજેન્દ્રએ એ બંગલો ભારતભૂષણ પાસેથી ખરીદ્યો હતો, જ્યાં નુસરત ફત્તેહઅલી ખાનના વાલીદ સાહેબ એટલે કે પિતાજી સમેત અનેક ગાયક- સંગીતકારોના જલસા ભા.ભૂ.ના આ બંગલે નિયમિત યોજાતા. સફળતાનો સમય પૂરો થયો એમાં ભા.ભૂ. નિષ્ફળતાના પૂરમાં એવો તણાઈ ગયો કે, પાછલી ઉંમરમાં એને ફિલ્મોમાં આવતી પાર્ટીમાં પિયાનો પર બેઠેલ ગાયક ગાતો હોય ને મેહમાનો હાથમાં ગ્લાસ પકડીને ઊભા હોય, એ બધાને એકસ્ટ્રા કહેવાય એમાં ભા.ભૂ.ને ઉભા રહેવાનો વારો આવ્યો, નહિ તો જાહોજલાલી હતી ત્યારે અશોકકુમારના ઘરે ન હોય, એવી વિશાળ લાયબ્રેરી આના ઘરમાં હતી. એ બેશક વિદ્વાન હતો, પણ સમયાંતરે ધોવાઈ ગયો.

નૂતન પોતે માત્ર ગાયિકા નહિ, ક્લાસિકલ સંગીતની પૂરી જાણકાર હતી. આ ફિલ્મ વખતે તો એ નવીસવી હતી, એટલે રોના-ધોનાવાળી એક્ટિંગ સિવાય ખાસ કંઈ કરવાનું આવ્યું નથી.

ફિલ્મમાં ભારત ભૂષણના ધોબી મમ્મી-પપ્પા બનતા પંડિત બદ્રીપ્રસાદની પત્ની અમીરબાનુ છે. જાડાપાડા વૈદ્યરાજના રોલમાં 'ખટાના' (ક્યાંક 'કઠાના' પણ લખાય છે.) મોટી આંખો અને મોટા પેટવાળો કોમેડિયન હતો, ફૂલેલા ગાલની સાથે પેરમાં લાંબી લબડતી મૂછો પણ લગભગ બધી ફિલ્મોમાં હોય. ફિલ્મનો વિલન વાસ્તી છે, જે નાસીર હુસૈનની લગભગ બધી ફિલ્મોમાં હીરો/ હીરોઇનનો ક્રૂર બાપ બનતો હોય. આ વાસ્તી પણ કમોતે મર્યો. છેલ્લે છેલ્લે મુંબઈના મેટ્રો સિનેમાની ફૂટપાથ પર ભીખ માંગતા ઘણાએ એને જોયો હતો ને એ જ અવસ્થામાં મરી ગયો. 'મોહે પ્રિત કી રીત ન ભાયે સખી' એ લતા ગાય છે, એમાં આ સખી બનતી કોમેડિયન હતી, યશોધરા કાત્જુ, જે પોતાના ઠીંગણા કદને કારણે મશહૂર (!) થઈ હતી. શ્યામકુમાર અડધી ફિલ્મમાં વિલન અને બાકીનીમાં સજ્જન બની જાય છે.


ફિલ્મની વાર્તામાં તમે ય બહુ ન પડો તો સારું, પણ ફિલ્મ એવી બંડલ નહોતી. આઇ મીન, જોવાનો કંટાળો એ જમાનાની ફિલ્મો જેટલો ન આવે. પણ ખાસ ઉલ્લેખ ગીતકાર શકીલ બદાયૂનીનો કરવા જેવો છે. કેવો અણમોલ શાયર હતો એ ! એમના શબ્દોની સ્વચ્છતા અને અર્થપૂર્ણ રચનાઓ ઉપરાંત સાહિત્ય પણ હૃદયમાં વસી જાય એવું હતું. એમની એક ખૂબી એ પણ હતી કે ફિલ્મનુ કથાનક હિંદુ હોય તો ત્યાં એ હિંદી ભાષા જ વાપરતા, જેમ કે આ ફિલ્મમાં એમના ગીતો. એટલે જ, એવું માનવાને કારણ મળે છે કે નૌશાદે અત્યંત હાઇ-પીચ (તીવ્ર સૂર)માં રફી પાસે ગવડાવેલું 'યે હી અરમાન લેકર આજ અપને દર સે હમ નીકલે' મૂળતઃ અન્ય કોઈ ફિલ્મ માટે લખાયું હશે, જેમાં ઊર્દૂનો સવિશેષ ઉપયોગ થયો છે. સાહિર લુધિયાનવીએ પણ આવું ધ્યાન એમની તમામ ફિલ્મોમાં રાખ્યું હતું. એક ધોબીનો સંગીત શીખેલો પુત્ર રાજકુમારીને ઊંઘ નથી આવતી, તેનો ઇલાજ સંગીતથી કરી આપે છે, એમાં રાજકુમારી એના પ્રેમમાં પડી જાય છે. જે રાજ્યના મંત્રી (વાસ્તી)થી ખમાતું નથી અને બન્નેનું મિલન થવા દેતો નથી. બૉક્સ ઓફિસ ઉપર આ ફિલ્મના અંતે હીરો- હીરોઇન ભેગા થતા નથી અને પાપનો વિજય થાય છે. બસ. ફિલ્મના તમામ ગીતો ઓડિયો પર સાંભળે રાખો... ફિલ્મ જોવાની જરૂર નથી.

No comments: