* સારા કામનું ફળ મળે છે, એ
જાણવા છતાં લોકો સારૂં કામ કેમ નથી કરતા ?
- આજકાલ કામવાળા જ ક્યાં મળે છે !
(અંકિત આર. ઢોલીયા, સુરત)
* હવે તો હદ થઇ ગઈ... 'ભારત
માતાની જય'
બોલવામાં
લાકડીઓ ખાવી પડશે ?
- દેશને બદલે પોતપોતાના ધર્મોને વળગી રહીશું, તો
ખાવી પડશે.
(મયૂર સુખડીયા, ધોરાજી)
* કન્હૈયાકુમાર જેવાઓને ટીચી નાંખવા ટુકડી બનાવી છે. તમારૂં
માર્ગદર્શન જોઇએ છે.
- ટીચાટીચીમાં 'મારૂં' માર્ગદર્શન...? એટલું આપું કે, દેશના બધા યુવાનો તમારા જેવું ખમીર ધરાવે તો કન્હૈયાકુમારોની
ખૈર નથી !
(અજય બી.ગોહેલ, જેતપુર)
* ટીવી-સીરિયલોમાં સ્ત્રી-પાત્રો ભજવતા કલાકારો કેવા ભદ્દા
લાગે છે !
- હાસ્તો, એમને બદલે કરણ જોહર કે તુસ્સાર કપૂરને લેવામાં શું વાંધો છે ?
(જીતેન્દ્ર કેલ્લા, મોરબી)
* ભારતમાતાની જય ન બોલે, એને
શું સજા થવી જોઇએ ?
- નહિ બોલનારાઓ પોતાની હેસીયત જાણે છે.
(કેતન ઠોસાણી, સાવરકુંડલા)
* દારૂ પીવાય કે ના પીવાય ?
- આજુબાજુમાં જોઇને કહું...!
(સંજય વાજા, કડાયા-ગીર)
* સ્ત્રીને સમજવા માટે ચાહવી જરૂરી છે કે ચાહવા માટે સમજવી
જરૂરી છે ?
- આવા બીજ ગણિતો ગણવા રહેશો તો એ તમને ગુજરાતી વ્યાકરણના
માસ્તર સમજીને જતી રહેશે... આમાં તો સીધો હલ્લાબોલ જ હોય !
(મધુકર માંકડ, જામનગર)
* દીકરાઓ મા-બાપને વૃધ્ધાશ્રમમાં કેમ મૂકી આવે છે ?
- વૃધ્ધાશ્રમોથી સ્મશાન નજીક પડતું હોય છે.
(દીપીકા જે. રાવલ, કપવંજ)
* લાભ પામીને લાભ આપનાર બાબા રામદેવને આધ્યાત્મિક ગુરૂ કહેવાય
કે ઔદ્યોગિક ગુરૂ ?
- બન્ને ક્ષેત્રોમાં એમના લાભાર્થીઓ એમનાથી ખુશ છે.
(અફરોઝબેન મીરાણી, મહુવા)
* ગાંધીજીએ કહ્યું હતું, 'પરસ્ત્રી
મા સમાન ગણાય',
તો 'પરપુરૂષ' બાપ
સમાન કેમ નહિ ?
- આમાં ભાવના જોવાની હોય... (હવે એવું ન પૂછતા કે, ભાવના
પટેલ કે ભાવના મેહતા ?)
(મુગ્ધા ઉલ્લાસ વૉરા, જૂનાગઢ)
* તમારો પ્રિય પોષાક કયો ?
- કપડાં.
(જયેશ અંતાણી, ભાવનગર)
* તમે ફરીવાર અમેરિકા ક્યારે જવાના છો ?
- હવે તો એ લોકો મારા પૈસે આવી જવાનું કહે છે, બોલો !
(ડૉ. વિપુલ મકવાણા, શામપરા-ભાવનગર)
* સુખદુઃખના પૈડાં ઉપર આપની મુસાફરી કેવી ચાલે છે ?
- હું તો રીક્ષા જ કરી લઉં છું.
(રશ્મિન એમ. દવે, રાજકોટ)
* ફિલ્મ 'ડોન'માં હૅલનનો ડાન્સ અનેકવાર જોવાનું મન થાય છે...
- સીધા બેસીને જોજો.
(દીલીપ પટેલ, મુંબઇ)
* તમારા ઘરનું વીજળીનું બિલ કેટલું આવે છે ?
- બસ... એ લોકોનો પગાર નીકળી જાય એટલું તો ખરૂં !
(ઋષિત પરમાર, રાજકોટ)
* આજના રાજકારણ માટે સાવ અનફિટ હોય એવો નેતા કોણ ?
- હું જવાબ આપું એ પહેલા તમામ વાચકો જવાબ આપી દેશે ને સાચું
પૂછશે,
'ફિટ કયો છે ?' એ પુછો.
(શિલ્પેશ પી. રાવલ, સુરત)
* મને એવું લાગે છે, ૨૦૧૭-માં કોંગ્રેસની જ સરકાર આવશે ? તમને
શું લાગે છે ?
- મને કદી ખોટું નથી લાગતું.
(ફિરોઝ મોરાવાલા, સંતરામપુર)
* નવી પેઢીને જૂનાં ગીતો નથી ગમતા, છતાં એ
જ ગીતોનું રીમીક્સ ખૂબ સાંભળે છે... !
- આખેઆખી પેઢી જ મીક્સ આવી છે !
(અશ્વિન મોરે, વડોદરા)
* પહેલાના વકીલ અબ્રાહમ લિંકન અને આજના જેઠમલાણી વચ્ચે શું તફાવત
છે ?
- લિંકન તો ફક્ત વકીલાત જ જાણતા હતા... જેઠમલાણી તો
ન્યાયાધીશોને ય જાણે છે !
(અશોક એમ. વોરા, મુંબઇ)
* 'સહૂનું થાય, તે વહુનું થાય', એ કહેવતમાં નવું કાંઈ ઉમેરશો ?
- અમારા ઘરમાં તો 'વહુનું થાય, એ જ બધું સહુનું થાય છે...!'
(સંજય કાપડીયા, કોડિનાર)
* જીવનમાં સુખશાંતિથી જીવવાનો રસ્તો કયો ?
- જીવનભર તમે ડૉક્ટરને શોધતા ન રહો અને પોલીસ તમને શોધતી ન રહે, એ !
(શિવાંગ જલસણવાલા, સુરત)
* અદાલતોનું કામ ઝડપી કરવાનો કોઈ ઉપાય ?
-અદાલતોમાં કામ કરાવવાનું જ નહિ !
(સાધના નાણાવટી, ગાંધીનગર)
* કોઈવાર વાચકોના ઇ-મૅઇલ ના આવે તો જાતે સવાલ ક્યાંથી લાવો ?
- હું સહેજ પણ સ્વાવલંબી નથી.
(ડૉ. હેમંત રાઠવા, વલ્લભ વિદ્યાનગર)
* 'ભાર વિનાનું ભણતર' એટલે ?
- ભટ્ટ વિનાના પ્રતિક જેવું !
(પ્રતિક ભટ્ટ, જૂનાગઢ)
* પનામા પૅપર્સમાં તમારૂં નામ ન જોઇને દુઃખ થયું કે આનંદ ?
- મને નામનો બહુ મોહ નહિ... !
(ડો. ભરત સોનીગરા, મોટા આંકડીયા-અમરેલી)
* સ્ત્રીઓ માટેની પૂર્તિમાં સવાલ પૂછાય છે, 'મને
મારા પતિથી સંતોષ નથી. કોઈ ઉપાય બતાવશો - એક બહેન.' તો આ
બહેન કોણ છે ?
- નામ જાણશો તો એમને તમારાથી ય સંતોષ નથી, એવો
સવાલ પૂછાશે.
(સમીર જગોત, રાજકોટ)
No comments:
Post a Comment