Search This Blog

19/08/2016

'પરિણીતા' ('૫૩)

ફિલ્મ : 'પરિણીતા' ('૫૩)
નિર્માતા  :  અશોકકુમાર
દિગ્દર્શક  :  બિમલ રૉય
સંગીત  અરુણકુમાર મુકર્જી
ગીતો  :  ભરત વ્યાસ
રનિંગ ટાઇમ  :  ૧૫ રીલ્સ
કલાકારો  :  અશોકકુમાર, મીના કુમારી, આસિત બરન, નઝીર હુસૈન, પ્રતિમા દેવી, બદ્રીપ્રસાદ, મનોરમા, એસ. એન. મુખર્જી, તિવારી, મંજૂ, નૈના, ભૂપેન કપૂર, વિક્રમ કપૂર, કૉલિન પાલ, ગોપીકૃષ્ણ, રાધેશ્યામ, શૈલેન બોઝ અને બેબી શીલા.




ગીતો
૧. ચલી રાધેરાની, અખીયો મેં પાની, અપને મોહન સે... - મન્ના ડે
૨.ગોરે ગોરે હાથો મેં મેંહદી રચાય કે, આંખો મેં - આશા ભોંસલે
૩.ચલી રાધે રાની, અખીયોં મેં પાની, અપને મોહન સે.. - મન્ના ડે
૪.અય બાંદી તુમ બેગમ બની ખ્વાબ દેખા હૈ - આશા-કિશોરકુમાર
૫.તૂટા હૈ નાતા મીત કા, ફલ યે જો મિલા હમે -આસિત બરન
૬.કૌન મેરી પ્રીત કે પહલે જો તુમ યાદ આ રહે હો... - આશા ભોંસલે
૭.    ચાંદ હૈ વહી, સિતારે હૈ વહી, ગગન...- ગીતા દત્ત

આપણા જમાનામાં શરદબાબુ બહુ મોટું અને લાડકું નામ ગણાતું. ગુજરાતી લેખકો કરતાં ય એમની નૉવેલો વાંચવી વધારે ગમતી, એમાં આપણો વાંક ઓછો ને શરદબાબુની સિદ્ધિ વધારે, કારણ કે એ જમાનો હોય કે આજનો, કોઈ ગુજરાતી લેખક રાષ્ટ્રીય ફલક પર આટલો વંચાયો નથી. અફ કૉર્સ, એમને દોમદોમ ચાહનારા ગુજરાતી વાચકો આજે ય સ્વ. શ્રીકાંત ત્રિવેદીનો આભાર માને છે. જેમણે શરદબાબુની તમામ જાણીતી નવલકથાઓ કે ટૂંકી વાર્તાઓનો ગુજરાતીમાં રસપ્રદ અનુવાદ કર્યો છે, ત્યારે શરદબાબુ આપણા સુધી પહોંચી શક્યા છે. મને યાદ છે, કૉલેજમાં હતો (હા, હું એટલે સુધી તો ભણ્યો છું !) ત્યારે શરદબાબુની બિરાજ બહુ, દેવદાસ, શ્રીકાંત, પરિણીતા, ચંદ્રનાથ, કાશીનાથ (ટૂંકી વાર્તા), ગૃહદાહ અને બડી દીદી જેવી નવલકથાઓ વાંચવી માત્ર ઊંચો ટેસ્ટ નહિ, આપણા વ્યક્તિત્વ ઘડતરમાં ય મોટો ભાગ ભજવતી.

ને પછી બાકી શું રહે, જો એમની નૉવેલ પરથી ફિલ્મ અશોકકુમારે બનાવી હોય, મીનાકુમારીનો ટાઇટલ રોલ હોય અને... યસ, ધી ગ્રેટ ફિલ્મ સર્જક બિમલ રૉય દિગ્દર્શિત એ ફિલ્મ હોય !

બિમલ રૉય કલકત્તાથી મુંબઈ ફિલ્મોમાં કેરિયર બનાવવા આવ્યા, ત્યારે એમની સાથે દિગ્દર્શક અસિત સેન, લેખક નબેન્દુ ઘોષ, એક્ટર નઝીર હુસૈન, સંગીતકાર સલીલ ચૌધરી, કેમેરામેન કમલ બૉઝ, લેખક પાલ મહેન્દ્ર અને બિમલ દાના માનીતા શિષ્ય ઋષિકેશ મુકર્જી ઠેઠ ન્યુ થીએટર્સથી સાથે. એમ તો વહિદા રહેમાન- રાજેશ ખન્નાની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ 'ખામોશી'ના કેમેરામેન કમલ બૉઝ પણ સાથે હતા, જેમનો કેમેરા આ ફિલ્મમાં પણ દર્શકોને શરદબાબુનો શબ્દદેહ પણ આપે છે. આ ટીમે દો બીઘા જમીનથી માંડીને પરિણીતા, બિરાજ બહુ, મધુમતિ, સુજાતા અને નંદિની જેવી ફિલ્મો બનાવી.

જો કે, આ ફિલ્મ 'પરિણીતા' બનાવવાની વિનંતી સ્વ. અશોકકુમારે કરી હતી. એમને શરદબાબુ માટેનું તો પાગલપન હતું. મીનાકુમારી ય 'બૈજુ બાવરા'ની સફળતા પછી આખા દેશમાં પોપ્યુલર થઈ ગઈ હતી અને આમે ય એનો ચહેરો અને સમગ્ર વ્યક્તિત્વ એવું હતું કે, શરદ બાબુની મોટા ભાગની નાયિકાઓના કિરદારમાં બિલકુલ પરફેક્ટ લાગે. હિંદી ફિલ્મના પ્રેક્ષકોએ ખાસ નામ ન સાંભળ્યું હોય, પણ બંગાળી ગાયક- અભિનેતા આસિત બરનને આ ફિલ્મમાં ઑલમોસ્ટ હીરોનો રોલ (ગીરીન બાબુ) અપાયો છે.

...અને એટલે જ, હિંદી ફિલ્મોના આજ સુધીના ધી ગ્રેટેસ્ટ એક્ટર અશોકકુમાર- દાદામોની માટે આશ્ચર્ય ઉપજે કે, પોતાના જમાનામાં એ સુપરસ્ટાર હોવા છતાં (અને ફિલ્મો બનાવતા ય ખરા) મોટા ભાગે એમણે આ ફિલ્મની જેમ એન્ટી હીરોના રોલ જ ભજવ્યા છે. એન્ટી-હીરો... મતલબ, વિલનની છાંટવાળો હીરો એને હીરોઇન સાથે ગીતો ન ગાવાના હોય, પ્રેક્ષકોની ખાસ સહાનુભૂતિ ન મળે અને છેલ્લે સેકન્ડ હીરો ખાતર ભવ્ય બલિદાન આપી કાં તો ગુજરી જવાનું હોય ને કાં તો હસતા મોઢે હાથ ઘસતા રહી જવાનું હોય. ફિલ્મ 'પરિણીતા'માં દાદા મોનીએ શેખર બાબુનો મુખ્ય કિરદાર કર્યો છે, પણ સામાજિક દ્રષ્ટિએ ફિલ્મનો સાચો હીરો આસિત બરન લાગે છે. ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી દર્શકો દાદા માનીને ધિક્કારતા રહે અને આસિત બરન માટે સહાનુભૂતિ આપતા રહે. એ વળી જુદી વાત છે કે, વાર્તા શરદબાબુની હોવા છતાં ફિલ્મના હીરોને ફિલ્મને અંતે હીરોઇન સાથે મેળવી આપ્યા છે.

યસ. 'પરિણીતા' બની હતી ૧૯૫૩-માં. શરદબાબુની આ વાર્તાનું બ્રેકગ્રાઉન્ડ' '૩૦-'૪૦ની આસપાસનું છે, એટલે આજના સંદર્ભમાં વાર્તા ફિક્કી અને ક્યાંક અવાસ્તવિક લાગે. વિધુ વિનોદ ચોપરાએ વિદ્યા બાલન, સૈફઅલી ખાન અને સંજયદત્તને લઈને આ જ ફિલ્મ ઇ.સ. ૨૦૦૫માં બનાવી હતી. મેં જોઈ નથી અને એટલે અમથી ય સરખામણીનો સવાલ ઉભો થતો નથી. ચોપરાએ ફિલ્મ સારી બનાવી હતી, એવું સાંભળ્યું છે. આનંદ એ વાતનો છે કે '૩૦- '૪૦ની આસપાસના સંદર્ભવાળી વાર્તા ઇ.સ. ૨૦૦૫-ના વર્ષમાં ય પ્રસ્તુત લાગે ! જો કે, ફિલ્મ 'કહાની' જોયા પછી એ વિશ્વાસ હતો જ કે, વિદ્યા બાલન એક્ટ્રેસ તરીકે મીનાકુમારીથી સહેજ પણ ઉતરતી નહિ હોય. વિધુ વિનોદની કાબેલિયત પર શંકા કરી શકાય એમ નથી.

જો કે, શંકા હતી કે, ચરિત્ર અભિનેતા નઝીર હુસૈન શું જન્મથી જ આવો રોતડો હશે ? (અશોક દવે... જન્મથી બધા જ રોતડાં હોય !) પણ કોલકાતાથી બિમલ રૉયની સાથે મુંબઈ આવેલા નઝીર હુસૈનનો આ ફિલ્મમાં કિરદાર રોતડાંનો એટલો બધો સફળ થયો કે, બાકીની જિંદગી એમને આવા જ રોલ કરવાના આવ્યા ! અહીં એ, મીનાકુમારીના ગરીબ અને લાચાર મામા બને છે અને હીરો અશોકકુમારને પડેલા ડાઉટ મુજબ પૈસા ખાતર આ મામા મીનાને આસિત બરનને વેચી દે છે અને ચલો, એમાં મજા નહિ આવે. આપણે વાર્તાના અંશો જોઈ લઈએ.

મા-બાપ વિનાની લલિતા (મીનાકુમારી) એના મામા- મામી સાથે પૈસાપાત્ર જમીનદાર બદ્રીપ્રસાદની બાજુના મકાનમાં રહે છે. બદ્રીપ્રસાદ શેખર (અશોકકુમાર)ના પિતા અત્યંત લુચ્ચા અને કપટી વ્યાજખાઉં છે અને મામા નઝીર હુસેનનું મકાન હડપ કરી જવાના પેંતરામાં છે. મતલબ કે મામાને ઉધાર આપી પૈસે ટકે લાચાર બનાવી દે છે.

અલબત્ત, બાજુબાજુમાં રહેતા હોવાના કારણે મામાની ભાણેજ મીનાકુમારીની અવરજવર પરિવારના સદસ્યની જેમ આ ઘરમાં રહે છે, જેનો મોટો પુત્ર અશોકકુમાર આ મીનાકુમારીને મનોમન ચાહે છે, પણ વ્યક્ત થતો નથી, એમાં સંજોગોવશાત, બદ્રીપ્રસાદના દેવામાંથી બચવા મામા એમને ત્યાં આવતા- જતા રહેતા ગીરિનબાબુ (અસિત બરન) પાસેથી પૈસા લઈ બદ્રીપ્રસાદનું દેવું ચૂકવી દે છે અને ઇચ્છે છે કે, આસિત બરન મીનાકુમારીને પરણે. આ બાજુ સંબંધિત ઘટનાના દોઢેક વર્ષ પહેલા મીના- અશોકે મકાનની અગાસી ઉપર ગાંધર્વ-વિવાહ કરી લીધા હોય છે, પણ જાણ કોઈને કરી હોતી નથી.

વાર્તાના આ હિસ્સા પૂરતા સવાલો પૂછવાના થાય ખરા કે, હિન્દી ફિલ્મોમાં પરદા પર જે ઘટનાઓ દર્શાવાય છે, જે દ્રષ્ય મારી- તમારી નજર સામે છે, એની આજુબાજુનું કે એ પછી / એ પહેલાનું દિગ્દર્શક મોઘમમાં રહેવા દે છે. ફિલ્મોની અન્ય વાર્તાઓની જેમ અહીં પણ વ્યક્ત કરેલા અવ્યક્ત રહીને - એના પાત્રોને જ નહિ, પ્રેક્ષકોને ય અંધારામાં રાખે, ગૂંચવતા રાખે અને પ્રેક્ષકો સ્વયં જવાબ શોધી લે તો એ પ્રશ્ન રહેતો નથી, જેમ કે, એકબીજાને મળવા- હળવાની સ્વતંત્રતા અહીં સાહજિકતાના રૂપમાં છે. એકબીજાને પૂરી સરળતાથી હીરો-હીરોઇન મળી શકે છે, છતાં પણ પરદા પર કેવળ એટલું જ દર્શાવાય છે કે, હજી તો બંનેના ગાંધર્વ-વિવાહ થયા છે ને થઈ ગયા પછી ય ઇચ્છે એટલીવાર મળી શકાય એમ છે, છતાં બંને પાત્રો પાસેથી ઘટનાઓ સરકી શેની જાય છે ? તદઉપરાંત, ગીરિનબાબુ, મીનાકુમારીના ઘરે આવ-જા કરે છે, એ અશોકને ગમતું નથી અને બધી પૂછપરછ અડધી કરીને મૂંઝાયેલો પાછો આવતો રહે છે. પરણવાનું તો ગૃહલક્ષ્મીને છે તો પણ એને ગણકાર્યા વિના અશોક જતો રહે છે.

કિશોરકુમારના ગાઢ ચાહકોએ પણ માંડ સાંભળ્યું હોય, એવું આશા ભોંસલે સાથેનું કોમિક ગીત 'અય બાંદી તુમ બેગમ બની ખ્વાબ દેખા હૈ...' આ ફિલ્મમાં છે. વધારે કોમિક વાત એ છે કે, ફિલ્મમાં આ ગીત વિશ્વવિખ્યાત નૃત્યવિદ ગોપીકૃષ્ણ અને મંજુ પર ફિલ્માવાયું છ, જે પૂર્ણતઃ શાસ્ત્રીય નૃત્ય છે. ફિલ્મ અશોકકુમારની પોતાની હતી અને એમણે નાના ભાઈ કિશોરને આ ફિલ્મમાં રોલ કરવાની પણ ઑફર કરી હતી, પણ ભાઈને એક્ટિંગ- ફેક્ટિંગનો શોખ જ નહોતો.

સાફ ના પાડી દીધી. પણ એમ કાંઈ મોટા ભાઈનો જીવ ઝાલ્યો રહે ? ફિલ્મમાં એણે એવી કોઈ જરૂરત નહોતી છતાં, ગોપીકૃષ્ણવાળું આ નૃત્ય ગીત ઉમેરી દીધું. યસ. ગીત ગાવાનો કિશોરને કોઈ વાંધો નહોતો, ડીવીડી-માં જો કે, હવે તો એ રહેવાનું કે, એકાદ-બે ગીતો (કે વધુ) એ લોકો કાપી નાંખે છે, પરિણામે ગીતા રૉયનું 'ચાંદ હૈ વહી સિતારે હૈ વહી, ગગન...', આશા ભોંસલેનું 'કૌન મેરી પ્રીત કે પહલે જો તુમ યાદ આ રહે હો...' અને આસિત બરનનું 'તૂટા હૈ નાતા મીત કા...' ડીવીડી-માં મળતું નથી. અલબત્ત ગીતા રૉયના ગીતને બાદ કરતાં એમાં ગુમાવવા જેવું ય કશું નથી.

ફિલ્મના સંગીતકાર અરુણકુમાર મુકર્જી સહુ જાણે છે એમ દાદામોનીનો નિકટનો ભાણિયો- ભત્રીજો હતો. એ એક્ટર પણ હોવાને નાતે દિલીપકુમારની સર્વપ્રથમ ફિલ્મ 'જ્વારભાટા'માં મહત્ત્વનો રૉલ હતો. આંચકો લાગી શકે, પણ આ ફિલ્મનો હીરો દિલીપકુમાર નહિ, કૉમેડિયન આગા હતો દાદામોનીનો એ બહુ લાડકો હતો. કમનસીબે અરુણનું મૃત્યુ દાદામોનીના ખોળામાં થયું હતું.

લેજન્ડરી ફિલ્મ 'કિસ્મત'ના બધા ગીતો અશોકકુમારે પોતે ગાયા હતા, એ વાત સાચી પણ ફિલ્મની પટ્ટી પૂરતા જ. અનિલ બિશ્વાસને દાદામોનીના કંઠમાં જામ્યું નહિ એટલે ૭૮ આર.પી.એમ.ની રેકર્ડસમાં પ્રખ્યાત ગીત, 'ધીરે ધીરે આ રે બાદલ ધીરે, મેરા બુલબુલ સો રહા હૈ' સહિત બધા ગીતોનું પ્લૅબૅક અરુણકુમારે આપ્યું હતું. નવાઈની વાત છે કે, અરુણકુમારનો કંઠ દાદામોનીના કંઠને પરફેક્ટ મળતો આવતો હતો.

ગાયક - અભિનેતા ઉપરાંત સંગીતકારના રૂપમાં પણ આ ફિલ્મના તમામ ગીતો અરુણકુમારે હિટ આપ્યા હતા, જેમાં મન્ના ડેનું 'ચલી રાધે રાની, આખીયો મેં પાની' (બે પાર્ટમાં) આજદિન તક મશહૂર છે. ફિલ્મમાં આ ભજન રાધેશ્યામ ગાય છ, જેને તમે ફિલ્મ 'જ્હોની મેરા નામ'માં મંદિરમાં 'ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો' ગાતા જોયો છે. નવાઈની વાત એ છે કે, 'પરિણીતા' પછી તો ૧૭ વર્ષે 'જ્હોની...' આવ્યું હતુ, છતાં રાધેશ્યામ બંનેમાં એકસરખો ઘરડો લાગે છે. મનમોહનકૃષ્ણ, નાના પળશીકર, નઝીર હુસેન, કે એ.કે. હંગલ... બધા પૈદાઈશી બુઢ્ઢાઓ હતા, જેમને આપણે યુવાનીમાં જોયા જ નથી.

ફરી એકવાર શત શત પ્રણામ, શરદબાબુ, બિમલ રૉય, અશોકકુમાર અને મીનાકુમારીને આવી સુંદર ફિલ્મ બતાવવા બદલ !

No comments: