Search This Blog

31/08/2016

ઇશ્વર કરે એ ખરું... !

'ઍનકાઉન્ટર'માં એકનો એક સવાલ અનેક લોકો પૂછે છે મને, 'આવતા જન્મે શું બનવા માંગો છો ?'

જન્મે બ્રાહ્મણ છું, એટલે માંગવાની કૅપેસિટી કેટલી હોય ? હું કહી દઉં, 'બસ. ગાંધીનગરમાં સારી નોકરી મળી જાય, એટલે પત્યું. આમાં સારી નોકરી એટલે ઘણા મુખ્યમંત્રીશ્રીની નોકરી સમજે છે, પણ જન્મે હું જૈન નથી, એટલે એવું બધું આપણને માંગતા ના ફાવે ! પટેલ હોત, તો અનામતેય માંગી શકત, પણ બા'મણભ'ઇની તો માંગવાની પહોંચેય કેટલી ?'

પણ બ્રાહ્મણ હોવાને કારણે હું બુધ્ધિશાળી તો ઘણો, એટલે આવતા જન્મે વડાપ્રધાન કે 'અશોક દવાણી' જેવા વિરાટ ઉદ્યોગપતિ બનવાને બદલે મેં સીધું ઈશ્વર બનવાનું માંગી લીધું છે... સાલો કોઈ વિરોધપક્ષ તો નહિ ! ભગવાન બનીએ, એટલે ભક્તો સિવાય બીજા કોઈની પાસે કાંઈ માંગવાનું નહિ ! બધું વગર માંગે દોડતું આવે ! 

ક્યાંક સુંદર વાક્ય વાંચ્યું હતું, 'મંદિરમાં ઇશ્વરને એક ફૂલ ચઢાવીને માણસ આખો બગીચો માંગી લે છે.

આટલું વાંચ્યા પછી હું થોડો નહિ, પણ ઘણો સળવળ્યો કે, એક ફૂલ ચઢાવનાર આટલું માંગતો હોય તો ભારતભરના મંદિરોમાં અબજો રૂપિયા ચઢાવનારા ભગવાન પાસે કેટલું માંગી લેતા હશે ? અને ભગવાન આપતો ય કેટલું હશે ? માણસ ભગવાનના ગજાની બહાર નીકળી જાય, પછી ટૅન્શનમાં ભગવાન આવી જાય કે, 'આને હવે શું આપવું ? બધું તો છે એની પાસે !'

એમાં ય, રોજ ટીવી જોતા હોઈએ એટલે ખબર પડે કે, સલમાન ખાનની  ૧૦૦ કરોડ જેવી ક્લબો તો મારો શામળીયો રોજ ચલાવે છે. ભારતના મંદિરોની રોજની આવક આવા સો-કરોડ થી તો કંઇય કેટલી ઊંચી છે ! કૅશથી માંડીને સોનું, ચાંદી અને ઝવેરાત તો કેળાની લૂમોની માફક ભક્તો મંદિરોમાં ચઢાવે છે. ગણિત ફાવતું હોય તો ત્રિરાશી મૂકો. એક ભક્ત એક મંદિરમાં સવા કરોડ ચઢાવે છે, તો બદલામાં એની પ્રભુ પાસે ડીમાન્ડ કેટલી હશે ? પાછું, એવું ય નથી કે, ભક્ત માંગે એ બધું પ્રભુ આપે જ ! એવું ય નથી કે, ભક્તો કેવળ પૈસા જ માંગે છે. પોતાના દીકરા-દીકરીનું સારે ઠેકાણે ગોઠવી આપવાથી માંડીને જૂનો ડાયાબીટીસ મટાડી આપવાની ડીમાન્ડ પણ હોય. ભગવાનને જેટલી રકમ ચઢાવે, એનાથી ચાર ગણી તો ડૉક્ટરો ઠોકી ગયા હોય છે, એટલે ડોક્ટરો કરતા પ્રભુ પ્રમાણમાં સસ્તા ય પડે. તેમ છતાં ય, આટઆટલા ચઢાવા પછી ઈશ્વર, ભક્તે માંગેલું આપશે જ એની કોઈ ગૅરન્ટી નહિ. ભગવાન બનવાની લહેર એટલી કે, ભક્તોને આપણે આશીર્વાદ સિવાય કાંઈ આપવાનું નહિ... એ લોકો દોથાં ભરીભરીને આપે... માટે આવતા જન્મે હવે હું ઇશ્વર-અવતાર લેવા માંગુ છું... મને મારે આંગણેથી કોઈ ખાલી હાથ પાછું જાય, એ ન ગમે !

આપણા ભગવાનો ડોક્ટરો જેવા છે. દર્દી સાજો થઇ જાય તો 'ડોક્ટરે બહુ કમાલ કરી'! અને દર્દી ટપકી જાય તો, ''ઇ ડોક્ટરે તો બધું કર્યું... પણ આખરે તો ઇશ્વરની મરજી ! એમ પરમેશ્વર આપણી ભક્તિના બદલામાં કાંઇ ન આપે, તો, ''મારો શામળીયો કરે એ ખરૂ'' ! ડોક્ટર અને ઇશ્વર કાયમ નિર્દોષ છુટી જાય છે. 

વળી, ભારતમાં ભગવાન બનવાનો જલસો છે. કોઈ મંદિર-દેરાસર ઉપર ઈન્કમટૅક્સનો દરોડો પડયો, એવું સાંભળ્યું ? ભગવાન તો જાવા દિયો, એમના ઍજન્ટો એટલે કે, દેશભરના સ્વામી, ગુરૂ, મહારાજ સાહેબો કે એકે ય 'પૂજ્ય'ને ત્યાં સરકારે કોઈ અડપલું કર્યું ?

કરોડ રૂપિયાનો તો મેવા-મિષ્ટાનનો અન્નકૂટ ધરાવ્યો હોય, એનો અર્થ શું સમજવો ? કે ભગવાનને ડાયાબીટીસ તો હોય નહિ ! કોઈ મંદિરમાં પાણી-પુરી, ચોળાફળી કે ઈટાલીયન સૂપ ધરાવતું નથી. પ્રભુને તો મેવા-મીષ્ટાનો જ જોઈએ. એ તો જાણે કે સમજ્યા કે, ભગવાન થયા પછી ૧૨૦ના માવા-મસાલા ન ખવાય એ સોમરસ તો કેવળ ભગવાન શંકર પૂરતો રીઝર્વ્ડ હતો અને બીજા પરમેશ્વરોને તો લીવર ના બગડે માટે ડૉક્ટરોએ સોમરસ નહિ લેવાની સલાહ આપી હોય ! પણ એમ તો અન્નકૂટમાં કોઈ ભાખરી-શાકો ય ધરાવતું નથી... અથાણાંનું તો જાણે સમજ્યા કે, મોંઘા પડે ! તમારા સહુના ભાવિ ભગવાન તરીકે હું તમને સલાહ - સૉરી, આશીર્વાદ આપવા માગું છું કે, મારા મંદિરીયે કરોડ બે કરોડનું દાન કર્યા પછી, એ પૈસાનું મેં શું કર્યું, એ કદી પૂછવું નહિ. વૉટબૅન્કને હિસાબે, ભારતના એકે ય ધર્મવાળાઓને સરકાર છંછેડતી નથી.

મોદી વિદેશોમાંથી કાળું ધન પાછું લાવીને મારા-તમારા દરેક ભારતીયના બૅન્ક-ઍકાઉન્ટમાં  પાંચ-પાંચ લાખ જમા કરાવવાની મજાક કરતા હતા, પણ દેશભરના મંદિરોની આવક દેશની પ્રજા માટે વપરાય તો પાંચ લાખ તો શું ચીજ છે, દરેક નાગરિકના ખાતે ૫૦ લાખ જમા થઇ શકે. એકેય નાગરિકને રોકડા પાંચ કે પચ્ચીસ લાખ આપવાની ક્યાં જરૂર છે ? એને બદલે, નાગરીકદીઠ એટલી રકમ મંદિરોના જમા થયેલા અબજો રૂપિયામાંથી દેશના વિકાસ માટે ખર્ચાય (જેમાં આપણા સન્માનીય નેતાઓનું વહિવટીતંત્ર ન હોય !) તો જલસે-જલસા જ છે, પ્રભો ! 

આ લેખના વાચકની કે લખનાર અશોક દવેની કોઈ કૅપેસિટી નથી કે રાષ્ટ્રવ્યાપી અપીલ કરે કે, દેશ એના ચારે ય સીમાડાઓથી બેશુમાર ખતરામાં છે, ત્યારે બે-ત્રણ વર્ષ સુધી ધર્મ-ભક્તિ કરતા દેશભક્તિને વધુ મહત્ત્વ આપો. પણ સચિન તેન્ડુલકર, અમિતાભ બચ્ચન, સલમાન ખાન કે કથાકારો, મહારાજો, બાપુઓ, એમના ભક્તોને બે વર્ષ સુધી ફક્ત દેશભક્ત બની બતાવવાની અપીલ કરે તો મારા-તમારા કરતા આ લોકોનું ફૅન-ફોલોઇંગ (ચાહકો) અનેકગણું છે. લોકો એમનું માનશે અને બદલામાં આવી અપીલ કરવામાં આ મહાનુભાવોનું કાંઈ જવાનું નથી. 

એમનો તો એક ભક્ત કે ચાહકે ય ઓછો થવાનો નથી. ઉપરથી, આજ સુધી તો સહુ આ લોકોને ચાહતા જ હતા... હવે ગર્વ પણ લેશે. 

યસ. આ અપીલમાં બે વર્ષ માટે લોકોને ઇશ્વરભક્તિ કે ધર્મથી અળગા રહેવાનું કહેવું નિહાયત જરૂરી છે. આ ધર્મો ભારતીયોને દેશ માટે માન-સન્માન આપતા રોકે છે. કહેતા શરમ આવે છે કે, આપણા અનેક ધર્મોમાં એના ગુરૂઓ કે મહારાજ સાહેબો ઉઘાડેછોગ શીખવાડે છે કે, આપણા પોતાના ધર્મ સિવાય બીજાનું તો નામ પણ નહિ લેવાનું. 

માટે આવું છીછરાપણું દૂર કરવા પેલા જે ૭-૮ નામો લખ્યા, તે બધા 'ધી ગ્રેટ' માણસોને આવી રીકવૅસ્ટ કરવી પડી છે કે, આતંકવાદીઓ (ભણેલા-ગણેલા ૭૫ ટકા ગુજરાતીઓ 'આ-તંક' બોલવાને બદલે 'આં-તક' બોલે છે... આપણા દેશને તો ઇશ્વર બન્યા પછી હું ય નહિ બચાવી શકું.) હવે તો સીધા આપણી સોસાયટીઓમાં ત્રાટકશે ત્યારે એવું નહિ પૂછે કે, 'આપ સબ મેં સે જો જૈન ઔર બ્રાહ્મિન હૈ... વો સબ બાજુ પર હટ જાયેં... વો અલ્લાહ કી ઈબાદત કરતે હૈ... બહોત પાકીઝા લોગ હૈ... ઈન્હેં હમ નહિ મારેંગે...' એમ કહીને બાકીના ભારતીયો ઉપર ધડધડધડ ગોળીઓ વરસાવશે, એવું તો નથી. એ લોકો આપણને બધાને એક સાથે મારશે. વૈષ્ણવો મરતા હશે, ત્યારે બ્રાહ્મણો સાંત્વના લેશે કે, 'આપણે શું ?' ને જૈનો ઉપર મશિનગનો ચાલતી હશે ત્યારે કોઈ લોહાણો 'જય જલાબાપા'ના પ્રચંડ નારા સાથે કૂદી નહિ પડે કે, 'મારા જૈનભાઈને મારનારો તું કોણ ?' 

સિવાય કે, બ્રાહ્મણ, દલિત, પારસી, જૈન, ક્રિશ્ચિયન, વૈષ્ણવ, લોહાણા કે સિંધી એક સાથે ભેગા મળીને આતંકવાદીઓનો સામનો કરશે તો એ લોકો ભાગશે તો ખરા જ, પણ આપણો દેશ પણ બચી જશે. 

હું ભગવાન બનું, એમાં દેશના નેતાઓને સૌથી મોટો ફાયદો. આપણે ત્યાં બધું ભગવાન ભરોસે જ ચાલે છે. એ વાત જુદી છે કે, હાલમાં મારા ભરોસે તો મારૂં ઘરે ય ચાલતું નથી, પણ ઘર અને દેશમાં ફરક છે. ઘર રામ ભરોસે ચલાવી શકાતું નથી. 

મોદી સાહેબ, ગૌરક્ષકોને તો ઝાડી નાંખ્યા.... ગૌહત્યારાઓ માટે તો કંઇક બોલો ! 

સિક્સર
કેટલા બધા લોકોને રોજના વપરાશનો ઈંગ્લિશ શબ્દ 'મૅમેન્ટો' બોલતા નથી આવડતો... એ લોકો 'મૉમેન્ટો' બોલે છે. સાચો શબ્દ 'મૅમેન્ટો' (memento) છે, જે કોઇને ગિફ્ટ આપતી વખતે બોલાય છે, 'સ્મૃતિચિહ્ન'.

No comments: