Search This Blog

04/08/2016

તમે લો છો ?

હમણા હમણા ગુજરાતીઓ જરા જુદી રીતે ફાટ્યા છે. પહેલા કરતા પૈસો સારો આવ્યો છે. શેરબજાર ગણો કે ‘ઇઝી મની’ કહો, એવો પૈસો અચાનક અને અજાણતામાં ખૂબ ભેગો થઈ ગયો છે. એ દુનિયાને બતાવવો જરૂરી છે. કમનસીબે, પૈસો તમારી જેમ બીજા લોકો પાસે પણ આવી ગયો છે. એ લોકોના ઘરમાં ભાગ્યે કોઈ સુખ-સગવડ હશે, જે તમારી પાસે ન હોય. ખોટો અને બિનજરૂરી પૈસો વેડફતા તમને ય આવડે છે, એ જ્યાં સુધી સાબિત ન કરી શકો, ત્યાં સુધી સર્કલમાં તમારું નામ થતું નથી. પહેલા તો કેવું હતું કે, શહેરમાં તમારા જેવા કોઈ દસ- બાર લોકો પાસે જ પૈસો હતો. હવે ૧૦- ૨૦ કરોડનો આસામી તો દરેક આલીયો-માલીયો થઈ ગયો છે. વર્ષે માંડ રૂા. ૪૦- ૫૦ કરોડ ભેગા કરીને પેટીયું રળનારાની ગણત્રી તો ભિખારીઓમાં થાય છે. એમના જ સર્કલવાળા કોઈ રક્તપીતિયાની વાત કરતા હોય એમ કહે‘‘...બિચારી મોના... હાય રામ ! આજે લેમ્બોર્ગીની-ગેલાર્ડોમાં ફરવાના દહાડા આયા...! એક જમાનામાં મોનાડી લેમ્બોર્ગીની- મર્સિલૅગો સિવાય ફરતી નહોતી....! સુકેતુ- એનો વર હવે કાંઈ એક્ઝીક્યુટીવ ક્લાસમાં નથી જતો... હમણાં મુંબઈ- અમદાવાદની ફ્લાઇટમાં કોઈકે એને ઇકોનોમી ક્લાસમાં જોયો’તો...!’’

લેમ્બોર્ગિની આજકાલ સ્ટેટસ-સિમ્બોલ કાર છે. એની ગૅલાર્ડો રૂા. ૧ કરોડ ૫૫ લાખની આવે છે અને મર્સિલેગો રૂા. ૨ કરોડ ૬૦ લાખની આવે છે... બાય ધ વે, મારી મારૂતિ અત્યારે વેચવા જઊં તો રૂા. ૨૦- ૩૦ હજાર કોઈ આલે, એવા સપના આવે છે, પણ જાણકારો કહે છે, ‘‘દાદુ, તમારી આ ગાડી જેને આપો’’ (એ ‘‘વેચો’’ શબ્દ નથી બોલતો... યૂ સી !) એને ગાડી ઘર લઈ જવાના ૨- ૪ હજાર પકડાઈ દેજો... નહિ તો હાળો પાછી મૂકી જશે !) ઘટના નં.-૨ : મારી ગાડીને હાથ પણ અડાડવો ન પડે, એ માટે મારો પનોતો પુત્ર સમ્રાટ પોતાની અલગ વૅગન-આર વાપરે છે અને બહુ મોટું મન રાખીને કહે છે, ‘‘ડેડ... તમારી ગાડી લઈને નીકળો, પછી સૅલફોન પર મને તમારો રૂટ કહી દેજો.. મારે ગમે ત્યારે ટોઈંગ કરવા આવવું પડે !’’

સાલું... ટોઈંગના મામલે હું તો મારૂતિ અને હકી- બન્નેમાં ભરાયો છું....! બન્નેને ગમે ત્યારે અને ગમે તે રોડ પરથી ઊંચકીને- ખેંચીને ધેર લઈ જવી પડે છે !

કોઈ મોટા ગૂન્હાઓ કરવા ઘરગથ્થુ ગુજરાતીઓનું કામ નથી. ગુજરાતી કોઈનું ખૂન ન કરી શકે. રસ્તે ઊભો ઊભો મારામારી ન કરી શકે. પહેલો લાફો માર્યા પછી કે ખાધા પછી પોતે એવો ડઘાઈ જાય કે, બીજો ઠોકતા પહેલા તો ભૂલી પણ જાય કે, હવે આ બધામાંથી બીજા કોને મારવાનો છે ! ગુજરાતી લોકો ગાળો બોલે તો મોંઢે રૂમાલ ઢાંકીને બોલે, જેથી ગંદી ગાળ બોલતા થૂંક ન ઊડે. કોઈનું ખીસ્સું કાતરવા જાય તો ગલીપચી કરી બેસે, પેલાને મઝા આવે અને સામેથી ફર્માઇશ કરે, ‘મઝ્ઝા પડી ગઈ...! એ... હજી આ બાજુના ખીસ્સામાં ય કરી આલો ને..!’ ગુજરાતી પોતે આતંકવાદી બની ન શકે, પણ ગમે તેવા ખૂંખાર આતંકવાદીઓથી ડરે નહિ. એને રોજ પોતાના સાસરિયાઓને મળવું પડતું હોય !

ઇન ફૅક્ટ, મોટા ગૂન્હાઓ કરે નહિ અને નાના ગૂન્હાઓ કરવામાં ખૂબ ગેલમાં આવી જાય. એ કરવા ખૂબ ગમે. ટ્રાફિક આયલૅન્ડ પર રૅડ-સિગ્નલ તોડીને ગાડી ભગાવવાની થ્રિલ એને ગમે. પાર્ટી-બાર્ટી જેવો માહોલ હોય, તો કોઈ જુએ નહિ, એમ કોઈની ગમી ગયેલી વાઇફ ઉપર પકડાય નહિ એવી ઝીણી નજરે છાનુંમાનું જો- જો કરવું ખૂબ ગમે. માણસ પાછો ટેસ્ટવાળો એટલે એ સુંદર સ્ત્રીમાં ય ઘ્યાન કયાં સ્થાને પરોવવું, એની તો બહુ ખબર પડે. કાનમાં હળી ફેરવી લીધા પછી કોઈ જુએ નહિ એમ, એમના જ ફર્નિચરની પાછળ હળી લૂછી નાંખવામાં એને લંડન જઈને કોહિનૂર હીરો ચોરી લાયા જેવો આનંદ થાય. નોન-વૅજ જોક સાંભળીને એ બહુ ગેલમાં આવી જાય છે... પણ નાના ગૂન્હાઓમાં ગુજુભાઈ સૌથી વધારે જામી પડે છે, ડ્રિન્કસ લેવામાં. પીતા હજી આવડે નહિ, પણ બહુ આવડતું નથી, એ કબૂલ ન કરાય... બા ખીજાય ! અરે, આવા તો બહુ બધા બાટલા ખાલી કર્યા, એવા ફાંકા મોટે ભાગે પહેલી બીજીવારના પીનારાઓ મારતા હોય ! પાછો મોટી જોક મારતો હોય એમ બધાને કહેશે, ‘‘દાદુ... મને હૉસ્પિટલમાં ખસેડે ત્યારે, ગ્લુકોઝના બદલે વ્હિસ્કી- રમના બાટલા ચઢાવે, તો જ હું ઘેર પાછો આઊં... હહહહહહહાહાહા....!’’

એક જમાનો હતો કે ગુજરાતમાં દારૂનું નામ લેવું ‘પાપ’ ગણાતું. આજે ઘેર બોટલ પડી છે, એ કહેવું પણ સ્ટેટસ ગણાય છે. બહારથી બધા શાણા દેખાય એટલું જ, બાકી પ્રેક્ટિકલી એવું કોઈ ગુજરાતી ઘર નથી, જેના ઘરમાં બૉટલ પડી ન હોય. મેહમાનો આવે ત્યારે ગુજરાતીઓના ઘરમાં ‘ડ્રિન્ક્સ’ ઓફર કરવું મસ્ટ થઈ ગયું છે. પહેલા, ‘અમે તો દારૂને અડીએ પણ નહિ’, એવું કહેવામાં સંસ્કાર ગણાતા. દારૂ પીવાથી સંસ્કાર ઓછા થઈ જાય છે, એ એમની સમજ હતી, પણ હવે ચા-કૉફી આઉટડેટેડ થઈ ગયા છે, એટલે કોઈ ઘેર આવે તો, થોડું ગભરાઈને, થોડું મલકાઈને અને થોડું અહોભવાઈને અને કોઈએ આવું પહેલીવાર પૂછ્યું કે, ‘‘તમે... લો છો... ને ?’’ તો હું ચ્યવનપ્રાશ લેવાનું સમજ્યો હતો. બૉડી બનાવવા માટે ચ્યવનપ્રાશ સારું એમ કોઈ વગર પીધેલો કહેતો હતો. એટલે મેં પૂરા વિનયથી જવાબ આપ્યો હતો કે, ‘‘ઓ.કે. એક-બે ચમચી લઈશું !’’ આપણને એમ કે, ખાસ ઝગડિયા તાલુકાનો પહેલી ધારનો સિંગલ મોલ્ટ ચ્યવનપ્રાશ તબિયત માટે સારો... આપણા મનમાં કોઈ પાપ નહિ ! પણ આ લોકોનો ઇરાદો મને ચ્યવનપ્રાશ ખવડાવવાનો નહિ, વ્હિસ્કી પીવડાવવાનો હતો, પણ કદાચ હું નહિ લેતો હોઊં અને કદાચ એ લોકો વિશે મારી છાપ બગડી જાય તો અને કદાચ હું ઑફર સાંભળીને ગુસ્સે થઈ જઈશ, એવા ડરથી એમણે મને ‘‘આપ... લો છો ને ?’’ પૂછ્યું એવી રીતે કે, અંતીમ શ્વાસો લઈ રહેલા ડોહાના અધખુલ્લા મોંઢામાં ચમચી વડે ગંગાજળ રેડવાનું હોય....!

એ વાત જુદી છે કે, હવેના ડોહાઓને એમના છેલ્લા શ્વાસો વખતે ગંગાજળનું પૂછીએ તો હડબોટીયું ખાઈને ખાટલેથી ઉથલી પડે... એને કલાક વધારે જીવતો રાખવો હોય તો, ‘‘કાકા... થોડી ‘ટેલિસ્કર’ પડી છે... સ્કોટલેન્ડની સિંગલ મોલ્ટ છે... ચાલશે બે ચમચી.... ?’’

અલબત્ત, એ લોકો શું લેવાનું પૂછે છે, એ હું ય પૂરું સમજ્યો નહોતો અને સરકારી ઑફિસોમાં અવરજવર કરું છું, એ હિસાબે હુંં લાંચ-બાંચ લઊં છું કે નહિ, એવું કદાચ પૂછતા હોય ! વઘુમાં વઘુ મારી છાપ એવી પડી હતી કે, ડોંગરેના ‘બાલામૃત’ની જેમ ચમચી- ચમચીથી વ્હિસ્કી પીતો હોઈશ.

પણ ગુજરાતી ઘરોમાં હવે બેરોકટોક પૂછાવા માંડ્યું છે, ‘‘થોડું ચાલશે ને, દાદુ... ?’’

અહીં પાછો મેહમાન બનીને આવેલો શું ય જાણે મોટા વિવેકીયાનો દીકરો થાતો હોય, એમ તદ્દન ખોટું મુસ્કુરાઈને, અને એને જાણે કાંઈ પડી જ ન હોય એવી બેફિકરાઈથી કહેશે, ‘‘અઅઅઅ... અત્યારે ?? (કેમ જાણે એ તો રોજ પરોઢિયે ૪ વાગે એલાર્મ મૂકીને પીવા બેસી જતો હોય !) ઓ.કે. ત્યારે થોડું લઈએ... પણ મારે સોડા વિના નહિ ચાલે... એન્ડ યૂ સી... મન્ચિંગમાં પ્રોટીનવાળું કંઈ બી ચાલશે !’’

હકીકતમાં નિયમિત પીનારાઓમાંથી ય કેટલાને પીતા આવડે છે, એ સવાલ છે. ન આવડે એ ગૂન્હો નથી. ખરેખર તો સારી વાત છે કે, રોજ પીવાનો આપણો કાંઈ ધંધો નથી. માપમાં ચાર- છ મહિને પીઓ તો કંઈ ખોટું નથી, પણ પીતા આવડતું નથી, એ બતાવવું પોસાતું નથી. ‘‘આપણે બરફ-સોડા તો જોઈશે જ....! બાઇટિંગમાં ખારી સિંગ વિના તો ચાલે જ નહિ !’’ ‘‘પીતી વખતે આપણી નજર સામે બોસ... પીળા રંગની ભીંત જ જોઈએ....!’’

આ બધા નખરાં પહેલા બે પૅગ પૂરતા જ હોય છે. બીજા- ત્રીજા પછી તો એવો ઉપડ્યો હોય કે જે ગાદલા પર બેઠો હોય, એને નીચો વળી બચકાં ભરવા માંડે. કહીએ કે, ‘‘સોરી સોડા નથી... ખલાસ થઈ ગઈ...’’ તો માલા સિન્હાની જેમ જમણા હાથનું કાંડુ કપાળ ઉપર ઉડાડીને કરુણ અવાજે કહેશે, ‘‘અરે યારોં... સોડા ખલ્લાસ થઈ ગઈ હોય... તો ખાટી છાશ લાવો... બરફ ના હોય તો સોપારીના કટકા લાઓ... પણ કંઈક લાવો જરૂર...! અબ ગાલિબ... આઇ મીન મહેશભ’ઇ હોસ મેં નહિ હૈ...!’’

પણ હવે એક ત્રીજો ક્લાસ પીવડાવનારાઓનો શરૂ થયો છે. જ્યારે મળે ત્યારે એના ઘેર આવવા આગ્રહપૂર્વક જીદો કરે, ‘‘દાદુ... સાવ આવું નહિ....! આવો ને...! ઘેર બેઠા બેઠા થોડું થોડું પીશું... બ્લેક લેબલ પીવડાઇએ, બોસ !’’

એના ઘેર ગયા પછી કમાલ શરુ થાય છે. એને બતાવવું પણ હોય છે કે, એ ઘેર રાખે છે, પણ પીવડાવવામાં એની જીગર ચાલતી નથી. પહેલો પૅગ જ બકરીનું બચ્ચું મૂતર્યું હોય, એટલો ઝીણકો બનાવે છે અને ઠેઠ નીચે જમીન પર સંભળાય, એટલા મોટા અવાજે બોલે, ‘‘ચીયર્સ... દાદુ ચીયર્સ.’’

આપણે તો ભરાઈ ગયા. પછી પોતે જ પહેલો પેગ પૂરો કરતા મિનિમમ કલાક લગાડે, ત્યાં સુધી તમે તો સવિનય કાનૂન તોડવાના નથી. બીજા કલાક પછી પૂછશે, ‘‘દાદુ... બીજો બનાવું ને... ? થોડો ચાલશે ?’’

એની પાછળની ભીંત ઉપર આપણા આગળના દાંત વડે બચકું ભરવાનો તમને ગુસ્સો તો ત્યારે ચઢે કે, તમે હજી ના ય ના પાડી હોય, ને એ આખુડો ફરી વળશે, ‘‘ઓ. કે... ઓ.કે. બસ.. પરાણે નહિ... પરાણે નહિ... આપણો સ્વભાવ છે બોસ... કોઈને પરાણે નહિ પીવડાવવાનો...! કોઈની લાઇફ બગડી જાય એવું આપણે નહિ કરવાનું....’’ આટલું બોલતા બોલતા સુધીમાં તો પાથરણાં ય ખસેડાઈ ગયા હોય ને પાછો બીજા દહાડે ફોન કરે, ‘‘શું દાદુ... કાલે પીવાની મજ્જા પડી ગઈ ને... ?’’

ત્યારે મનમાં બોલ્યા હોઈએ પણ અહીં લખી ન શકાય એવી ગાળો વડે આજના લેખની પૂર્ણાહુતિ કરીશું.

સિક્સર
‘‘યે પાકિસ્તાન ટીવી ન્યૂસ ચેનલ નાઇન હૈ... આઇયે, કલ ખેલે જાનેવાલે મેચ કે રીઝલ્ટ સે ખબરો કી શુરૂઆત કરેંગે...’’

(Published on 08-09-2010)

No comments: