Search This Blog

04/09/2016

ઍનકાઉન્ટર : 04/09/2016

* ઘણી જીંદગીઓ મેચિંગમાં જ પૂરી થઇ જાય છે. 'મેચ નથી થતું !' બહુ વાર સાંભળવા મળે છે. તમારે કેમનું છે ?
- હાઆઆ... ! વર્ષો પહેલા મારૂં નક્કી થતું'તું, એ ઘરમાં આ ઘુસપુસ-ઘુસપુસ સંભળાઈ હતી તો ખરી !
(કમલ ધોળકીયા, સુરેન્દ્રનગર)

* તમારા સુખી લગ્નજીવનનું રહસ્ય... ?
 - 'પોતાની' પત્નીથી દબાઈ નહિ જવાનું !
(જયેશ અંતાણી, ભાવનગર)

* મને બમ્પ નડે છે. કોઈ ઉપાય ?
- આમાં તો કોઈ સારા ગાયનૅકની સલાહ જ લેવાય !
(રોહિત દરજી, હિંમતનગર)

* તમારી કૉલમનું નામ 'બુધવારની બપોરે' જ કેમ રાખ્યું ? સવાર કે સાંજ માટે કોઈ વાંધા હતા ?
- બપોરને કારણે જ મારી કૉલમો રાજકોટ-જામનગરમાં વધારે વંચાય છે ! સવાર-સાંજ તો એ લોકો ઊંઘમાં હોય !
(કાશ્મિરા ગણાત્રા, અમદાવાદ)

* આપણા દેશની હાલની રાજકીય પરિસ્થિતિમાં મોદીના વિરોધ સિવાય બીજું કાંઈ નહિ ?
- એમની સિધ્ધિઓ પ્રજા સુધી પહોંચાડવાની જવાબદારી ભાજપની છે.
(મધુકર મેહતા, ભાવનગર)

* દિલ્હીની ઑડ-ઇવન ફોર્મ્યુલા ગુજરાતમાં ચાલે ?
- હા, પણ રોજરોજ દિલ્હીથી ગાડીઓ અહીં બોલાવવી ને પાછી મોકલવી કેવી રીતે ફાવે ?
(સંદીપ ઝાલા, રાખેજ-ગીરસોમનાથ)

* અગાઉના મારા પાંચ સવાલો 'ઍનકાઉન્ટર'માં આવ્યા નથી. કોની બાધા રાખું ?
- તમારા સવાલો પચ્ચીસ વખત છપાઈ ચુક્યા હોય 'તો પણ,' દરેક સવાલ સાથે સરનામું અને મોબાઈલ નંબર લખવાના જ !
(જયેશ મુકુંદલાલ સંઘવી, અમદાવાદ)

* અમદાવાદની સરખામણીમાં ગાંધીનગર આટલું શાંત કેમ છે ?
- એની તો મુખ્યમંત્રી વિજય રૂપાણીને ય ખબર નહિ હોય !
(રાહુલ દેસાઈ, પાટણ)

* કાળઝાળ ગરમીથી બચવાનો ઉપાય ?
- કોઇ પંખો ચાલુ કરો.
(પિયુષ પટેલ, માંડવી-સુરત)

* છાપું, કટાર અને જીભ... આ ત્રણમાંથી વધારે ધારદાર શું ?
- એ તો, રોજનું કામ કેટલું રહે છે, એની ઉપર આધાર છે !
(વર્ષા જે. સુથાર, પાલનપુર)

* તમે જામનગર ક્યારે આવશો ? મળવાની બહુ ઈચ્છા છે !
- માઉન્ટ ઍવરેસ્ટ પણ દુરથી જ રળિયામણો લાગે... !
(હેમાંગી કાકુ, જામનગર)

* તમારી ડીગ્રી સાચી છે કે ખોટી ?
- 'ઍનકાઉન્ટર' સાચું કે ખોટું ?
(પિનાક બામણીયા, વેરાવળ)

* એવો કયો પતિ હશે જે પત્નીથી ડરતો ન હોય ?
- ઓ ભ'ઇ... જે ગામ જવું નહિ, એની મ્હેલોને માથાકુટ...! શાંતિ ગમતી જ નથી તમને...?
(સૈયદ ફરહાઝ ઇબ્રાહિમભાઈ, ભાવનગર)

* 'હંસ મત પગલી... પ્યાર હો જાયેગા...!' તમે શું કહેશો ?
- હું તે કાંઈ પાગલ થઇ ગયો હોઉં કે કોઈ પગલીને પ્રેમ કરૂં...?
(હરેશ બી. લાલવાણી, વણાકબોરી)

* પિત્ઝા અને મૅગી વિશે તમે શું માનો છો ?
- બન્નેનો ભાવ પૂછ્યા પછી ઓર્ડર આપવો સારો !
(મૃત્યુંજયસિંહ પઢિયાર, દાંતા)

* તમને અમેરિકાના પ્રેસિડૅન્ટ બનાવીએ તો...?
- ધેટ્સ ફાઈન... ! એક કામ કરો. ઓબામા અને મોદી-બન્નેને મારા નારણપુરા મોકલો. અમે 'ચાય પે ચર્ચા' કરી લઈશું.
(પ્રણવ માંડલીયા, મુંબઇ)

* કોલમનું નામ 'ઍનકાઉન્ટર' કેમ રાખ્યું ?
- મને કોઈ સારા બસ્સો-ચારસો નામો લખી મોકલો ને... !
(ફૈઝ સૈયદ, પેટલાદ)

* મહાભારત કાળમાં દ્રૌપદી પાંચ કોસ દૂરથી આવતી, તો ય ઓળખાઈ જતી... ને આજની હીરોઇન ?
- ભાઈ ભીમ... તમે ચારે ય ભાઈઓ મારા સુધી એની થોડી સુગંધ તો આવવા દો, બાપા !
(મધુકર માંકડ, જામનગર)

* ટૂથપૅસ્ટમાં નમકની જેમ, શૅમ્પૂમાં દહીં હોવું જોઇએ કે નહિ ?
- એમ તો, સાયકલના ટાયરમાં ય ફૂલવડી નંખાય...!
(કિશન બદીયાણી, પોરબંદર)

* દીકરી વહાલનો દરિયો, તો દીકરો ?
- આ બધું અમારા સાહિત્યકારોનું પાગલપન છે. મા-બાપ માટે તો દીકરો ય વહાલનો દરિયો જ હોય.
(મયૂરી એ. રાઠોડ, પોરબંદર)

* 'કાગડા બધે કાળા' કહેવાય, તો 'બગલા બધે ધોળા' કેમ કહેવાતું નથી ?
- કાગડામાં પતી જતું હોય તો સારૂં... પછી બગલા સુધી તો ક્યાં એટલું લાંબું ખેંચવું?
(જીજ્ઞાાસા માંકડ, મુંબઇ)

* ટીવી આપણો પીછો ક્યારે છોડશે ?
- આપણો પીછો, ફ્રીજ, હિંચકો, સોફા કે બારીઓ કરતી હોય, એના કરતા ટીવી કરે એ વધુ સારૂં !
(અપર્ણા ભદ્રેશ દેસાઈ, નાલાસોપારા)

* 'આઈપીએલ' હવે પહેલા જેવી રહી નથી... સુઉં કિયો છો ?
-  ટીવીને બદલે ફરી પાછા પહેલાની જેમ વાનખેડે સ્ટેડિયમ જવાનું રાખો ને!
(મધુલતા માંકડ, મુંબઇ)

* આજકાલ સંબંધોમાં આત્મીયતાનું પ્રમાણ કેમ ઘટતું જાય છે ?
- કોક બડી ચોટ ખાધી લાગે છે, મારા શામળીયાએ...!
(દીપક પંડયા, નવસારી)

No comments: