Search This Blog

11/09/2016

ઍનકાઉન્ટર : 11-09-2016

* ગુજરાતીઓ આટલા સ્વાદરસિક કેમ હોય છે ?
- રોજેરોજ તો ઘરનું ના ભાવે ને ! આપણને સ્વાદની 'ઊંચી' સમજ હોય છે.
(કિશોરગીરી ગોસ્વામી, પોરબંદર)

* તમે બીજી વાર લગ્ન કરો ખરા ?
- હમણાં દસ-પંદર વર્ષ જવા દો... પહેલીવાળીને સમજતા હજી ૪૦ વર્ષ જ થયા છે !
(ચતુર ઓતારાડી, અંબારડી-રાજકોટ)

* વિજય માલ્યાને ઊભી પૂંછડીએ ભાગવું પડયું...
- આટલા અબજો રૂપિયા સાથે ભાગવાનું હોય તો આપણે બી તૈયાર છીએ.
(હર્ષદીપ મેહતા, રાજકોટ)

* તમે શુકન-અપશુકનમાં માનો છો ?
- આજે રવિવાર છે... રવિવારે કશું માનવા-બાનવાનું નહિ !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* તમારા મતે છોકરી કેવી હોવી જોઇએ ?
- છોકરી જેવી.
(ભરત ગાંભવા, ચંદીસર-પાલનપુર)

* તમને માઉન્ટ ઍવરેસ્ટ આવવાનું આમંત્રણ આપ્યું હતું... તમે ન આવ્યા, એટલે હું એકલો ગીરનાર ચઢી આવ્યો...!
- માઉન્ટ ઍવરેસ્ટમાં લિફ્ટ મૂકાવો, પછી આવું.
(હર્ષ ઠાકર, જૂનાગઢ)

* આટલા બધા વર્ષ થઇ ગયા, છતાં મને સમજાતું નથી, તમને કેવા સવાલો પૂછવા ?
- થોડા વર્ષો જવા દો... સમજાઇ જશે.
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)

* સવાલ પૂછનાર મહાન કહેવાય કે જવાબ આપનાર...?
- આવા ફાલતુ સવાલ-જવાબ વાંચનારાને વખારમાં નાંખવાના છે ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* મુશ્કેલીના સમયે તમે જ્યોતિષનો આશરો લો છો ?
- મારી પત્ની જ્યોતિષી છે, એટલે હું જ્યોતિષમાં માનતો નથી.
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* તમારા જવાબોમાં કહેવાતી દેશદાઝ ઉભરાતી હોય છે. આજ સુધી દેશ માટે તમે કાંઇ કર્યું છે ?
- જેને દેશદાઝ ઉભરાતી હોય, એ ય તમારા જેવાઓને નડે છે...
(ઋષિકેશ મેહતા, મુંબઇ)

* કોઇ કહે કે, તમે સમજતા જ નથી, તો આપણે શું સમજવું ?
- તમારા વતી હું તો શું સમજી શકું ?
(કમલ ધોળકીયા, સુરેન્દ્રનગર)

* અમિતાભની સફળતાનો યશ જયાને મળે કે રેખાને ?
- તમારો આવો સવાલ વાંચીને લોકો રેખાઓ રાખતા બંધ થઇ જશે... આવું ન કરો!
 (મધુકર માંકડ, જામનગર)

* 'વૅકેશન'નું શુધ્ધ ગુજરાતી કરી આપો ને !
- પહેલા મને 'સુરત'નું શુધ્ધ ઈંગ્લિશ કરી આપો.
(નાઝનીન કૌકાવાલા, સુરત)

* તમને રાજકારણમાં રસ છે ? કઇ પાર્ટીમાં માનો છો ?
- એકે યમાં નહિ... એકે ય પાર્ટી પાસે દેશનું નામ છે ?
(ધવલ સોની, ગોધરા)

* તમે 'ઍનકાઉન્ટર' શબ્દ જ કેમ પસંદ કર્યો ?
- પહેલા તો આ કૉલમનું નામ 'કાઉન્ટર-ઍટેક' રાખવાનું હતું...
(અ. રહેમાન બોગલ, ગોધરા)

* ઐશ્વર્યા રાય બચ્ચન અભિષેકને છુટાછેડા આપીને તમને પ્રપોઝ કરે તો તમે શું કરો ?
- કોઇને માટે આવું અશુભ નહિ વિચારવું જોઇએ.
(ડૉ. કલ્યાણ શેખડા, સુરત)

* 'ઘરના છોકરા ઘંટી ચાટે ને પડોસીને આટો', એટલે શું ?
- પાકિસ્તાન યુધ્ધમાં આપણી સામે સાવ કચડાઇ જાય, તો ય આપણે એને અબજો રૂપિયાનું દાન કરીએ એવા છીએ.
(જયેશ જરીવાલા, સુરત)

* અશોક દવે અને સમ્રાટ અશોક વચ્ચે કોઇ સમાનતા ખરી ?
- હું સમ્રાટનો ય બાપ છું.
(ગીરિશ નારંગ, સુરત)

* પ્રેમ કરવામાં ત્રીજી કોઇ વ્યક્તિની જરૂર હોતી નથી, તો પછી આ 'લવ-ગુરૂ'નું કોઇ કામ ખરૂં ?
- તમારા સ્વાવલંબન માટે માન છે, ગુરૂ !
(હેમલ માંકડ, જામનગર)

* મારે તમારા જેવા લેખક બનવું છે. શું કરવું ?
- કોક સારા લેખકને વાંચો... હું ય મને વાંચીને લેખક નહતો બન્યો !
(મિતેશ રાજગોર, કોઠારા-કચ્છ)

* હિંદુ ધર્મની શક્તિ ક્યાં ખોવાઇ ગઇ છે ?
- એ ય... શાંતિ રાખો. 'હિન્દુ' શબ્દ કોઇ વાંચી જશે તો મોટું પાપ થઇ જશે !
(ભદ્રેશ જેઠવા, સુરત)

* મોરારજી દેસાઇ અને નરેન્દ્ર મોદીમાંથી આપ કોને સફળ વડાપ્રધાન ગણો છો ?
- મારા ગણવા / ન ગણવાથી ફેર પડતો નથી... આખી દુનિયા મોદીને ગણી ચૂકી છે.
(વિમોક્ષ શાહ, અંકલેશ્વર)

* નામ-સરનામું બધું લખવા છતાં મારા સવાલનો જવાબ ન અપાયો. શું વૅઇટિંગ-લિસ્ટ લાંબુ છે ?
- હા.
(રાજેશ ચાવડા, ગાંધીગ્રામ)

* કેજરીવાલ કહે છે, મોદીની એમ.એ.ની ડીગ્રી ખોટી છે...
- હોય તો ય... એનાથી ફેર શું પડયો ?
(કિશન મોદી, મેહસાણા)

* હું મારૂં મગજ રાહુલ ગાંધીને ડૉનેટ કરવા માંગુ છું...
- તમારે તમારી જાતને આટલી ડીગ્રેડ નહિ કરવી જોઇએ !
(ડૉ. વી.પી. કાચા, અમદાવાદ)

* મને એમ થાય છે કે, મારી પાસે ફાઇટર-પ્લેન હોય તો બે-ચાર બોમ્બ પાકિસ્તાન ઉપર ફેંકી આવું...
- એક જ કાફી છે.
(કૃતિ ઠાકર, વડોદરા)

No comments: