Search This Blog

09/09/2016

'કોહિનૂર' ('૬૦)

ફિલ્મ : 'કોહિનૂર' ('૬૦)
નિર્માતા : રીપબ્લિક ફિલ્મ્સ
દિગ્દર્શક : એસ.યૂ. સની
સંગીત : નૌશાદઅલી
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ : ૧૭ રીલ્સ
થીયેટર : નૉવેલ્ટી (અમદાવાદ)
કલાકારો : દિલીપ કુમાર, મીના કુમારી, કુમકુમ, જીવન, એસ. નઝીર, વસી ખાન, લીલા ચીટણીસ, મુકરી, કુમાર, અઝીમ, માસ્ટર નિસાર, ટુનટુન અને રાજન કપૂર.



ગીતો
૧. તન રંગ લો જી આજ મન રંગ લો... લતા-રફી
૨. મધુબન મેં રાધિકા નાચે રે, ગીરધર કી... મુહમ્મદ રફી
૩. જરા મન કી કિવડીયા ખોલ, સૈંયા તોરે... મુહમ્મદ રફી
૪. ઢલ ચૂકી શામે ગમ, મુસ્કુરા લે સનમ... મુહમ્મદ રફી
૫. દો સિતારોં કા ઝમીં પર હૈ મિલન... લતા-રફી
૬. યે ક્યા જીંદગી હૈ, યે કૈસા જહાં હૈ.... લતા મંગેશકર
૭. ચલેંગે તીર જબ દિલ પર, તો પરવાનોં કા... લતા-રફી
૮.જાદુગર કાતિલ, હાજીર હૈ મેરા દિલ.. આશા ભોંસલે
૯.કોઇ પ્યાર કી દેખે જાદુગરી ગુલફામ કો... લતા-રફી

બન્ને, એટલે કે દિલીપ કુમાર અને મીના કુમારી દર વખતે એકના એક રોના-ધોનાવાળી ફિલ્મો કરીને કંટાળ્યા હતા. હકીકતમાં તો એકના એક રોતડ દિલીપ અને રોતડ મીનાને જોઇને ભારતભરના પ્રેક્ષકો કંટાળ્યા હતા. મીના કુમારી ભલે કરૂણામૂર્તિ કહેવાતી હોય પણ વાસ્તવમાં એની કરૂણાને રોકડા રૂપિયા સિવાય કોઇ લેવાદેવા નહોતી-ખાસ કરીને એના પિતા અલી બક્ષને, જે કમાઉ દીકરી માટે આડેધડ ફિલ્મો સાઈન કરતા ગયા. કૉમેડી ફિલ્મો તો એણે ય કરી હતી, જેમાં ખાસ ઉલ્લેખ શમ્મી કપૂર સાથેની 'મૅમ સા'', પણ 'કોહિનૂર' તો અનાયાસ જ એના ખોળામાં આવીને પડી હતી. 'બૈજુ બાવરા'ની દોમદોમ સફળતા પછી મીનાનું માર્કેટ ભારે ઉચકાયું હતું ને એમાં આ હળવી ફિલ્મ 'કોહિનૂર' કરવાની આવી, એટલે બેનને જલસા પડી ગયા.

દિલીપની હાલત વધુ નાજુક થઇ હતી કે એને પોતાને ભય પેસી ગયો કે, હું આમને આમ કરૂણ અભિનયો કરતો રહીશ તો, પર્સનલ લાઇફમાંથી ય મજો ઊડી જશે. એણે તો રીતસર સેકાયટ્રીસ્ટ (માનસ-ચિકિત્સક)ની મદદ લેવી પડી, જેમણે વળી સુંદર સલાહ આપી કે, આ રોના-ધોના છોડીને થોડીઘણી હળવા મિજાજની ફિલ્મો કરો. પરિણામે, એણે આન, ઈન્સાનીયત, આઝાદ અને કોહિનૂર જેવી ફિલ્મો સ્વીકારવા માંડી.

એની પત્ની સાયરા બાનુના કહેવા મુજબ, ''સા'બ અંગત જીવનમાં ય ભારે કૉમેડીના માણસ. તમે એમને (દિલીપ કુમારને) ફિલ્મ 'કારવાં'નો 'પિયા તૂ અબ તો આજા, શોલા સા મન...' બિલકુલ હૅલનના સ્ટૅપ્સ સાથે ડાન્સ કરતા જુઓ તો માની નહિ શકો કે, આ દિલીબ સા'બ છે. ગીતમાં જે રીતે હૅલન પોતાનો એક ખુલ્લો પગ લલચાવીને બહાર કાઢે છે, એમ જ દિલીપ સા'બ કરી બતાવે છે. વિખ્યાત નૃત્યકારો સિતારા દેવી અને ગોપીકૃષ્ણ અમારા ઘેર આવેલા ને સાહેબે ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે'નું સંપૂર્ણ શાસ્ત્રીય નૃત્યગીત ગોપીજીને કરી બતાવ્યું હતું, એમાં ગોળગોળ ઘુમરીઓ લઇને ગોપીકૃષ્ણ વાળના ઝટકા મારે છે, એ પણ સાહેબે કરી બતાવ્યા, ત્યારે ગોપીજીએ કહેવું પડયું હતું કે, સાહેબના નૃત્યમાં ટૅકનિકલી એક પણ ભૂલ નહોતી.' (સાયરા દિલીપ કુમારને ''જાન'' કહીને બોલાવે છે.) એ કહે છે, ''સાહેબને પારસી ગુજરાતી બોલતા સાંભળવા લ્હાવો છે. આપણે પિકનિકમાં બહુ જાણિતી ગૅઇમ 'ડમ શરેડ' (Dumb Charade) રમીએ છીએ, એના તો એ માસ્ટર છે.

ગુજરાતીઓને મૂળ અક્ષરોનો ખ્યાલ નથી, એટલે 'દમશેરા... દમશેરા' બોલે રાખે છે... ઈશ્વર એમનું ભલું કરે !) આ ગૅમમાં બે પાર્ટીઓ પાડી એકવાળો એના સાથીને કાનમાં ગમે તે એક ફિલ્મનું નામ ધીમેથી કહે, એ ફિલ્મનું નામ બોલ્યા વગર કેવળ અભિનય દ્વારા કહી બતાવવાનું. કેટલા શબ્દો અને કેટલા અક્ષરોનું નામ છે, દરેક શબ્દનો અર્થ શું થાય છે, વગેરે. જેમ કે 'દો આંખે બારહ હાથ'નું નામ બોલ્યા વિના અભિનયથી કહેવાનું હોય તો સ્પર્ધક બે આંગળી બતાવીને પોતાની આંખો બતાવે અને પછી બાર હાથ બતાવવા છ વખત બન્ને હાથ બતાવે. સામેવાળા સમજી શકે તો નામ બોલી દેવાનું, નહિ તો 'પાસ' કરી દે !

જૂની હિંદી ફિલ્મો યાદ હશે એમને ખબર હશે કે, તલવારબાજીમાં સાઉથમાંથી આવેલા હીરો રંજનનો સાની કોઇ નહિ. એમ તો પ્રાણનું નામ પણ મોખરામાં આવે, પણ આ ફિલ્મમાં દિલીપ કુમારને તલવારબાજી કરતા જુઓ, ત્યારે ખબર પડે કે, એણે તલવારબાજીની ય કેટલી પરસેવાતોડ તાલીમ લીધી હશે !

આવા બન્ને મલ્ટી ટૅલેન્ટેડ ઍક્ટરોની સાથે ધી ગ્રેટ નૌશાદનું સંગીત શકીલ બદાયૂનીના શબ્દો હોય, એ આખી ફિલ્મ જોવાની તો કેવી લઝ્ઝત પડે ! અને એ ય એમની કરૂણતાઓ જોઇજોઇને ગાભા નીકળી ગયા હોય ત્યારે 'કોહિનૂર' કૉમેડીના જૉનરમાં આવે, એ કેવું ગમે ?

પણ એમ પાછું એવું ય ખુશ થવા જેવું નથી. એ સમયની કૉમેડી ફિલ્મો એટલે જેમાં રોના-ધોના ન આવે, એ વળી કૉમેડી. દાખલો આપું. ફાઇટિંગના દ્રશ્યમાં મીના કુમારી દુશ્મન સૈનિકના લોખંડના ટોપાવાળા માથા ઉપર વાંસડો ફટકારે, એ પેલો ચકરી ખાતો પડે, એ બહુ મોટી કૉમેડી ગણાઇ કહેવાય ! માત્ર આ જ નહિ, એ વખતની બધી ફિલ્મોમાં કૉમેડીની સોચ આનાથી આગળ વધી નહોતી. એટલો તો વિચાર કરો કે, આ કૉમેડી ફિલ્મ લખનાર સાધના-રાજેન્દ્રવાળી ફિલ્મ 'આરઝૂ'વાળા રામાનંદ સાગર હતા. એ પોતે ય હસે, તો ય આપણને હસવું ન આવે !

અને જુઓ. કૉમેડીને નામે કેવી વાર્તા લખાઇ છે !

દેવેન્દ્રપ્રતાપસિંહ (દિલીપ કુમાર) એક રાજ્યનો રાજકુમાર હોવા છતાં એનો પ્રધાનમંત્રી (એસ. નઝીર) દગો કરીને ગાદી પચાવી પાડે છે, પણ મંત્રીની પત્ની (લીલા ચીટણીસ) અને પુત્ર (વસી ખાન) દિલીપને થયેલા અન્યાય સામે લડે છે. એ લોકો લડવાનું શરૂ ય કરે તે પહેલા પેલા મંત્રીને રાજપાટ સોંપીને બીજા રાજ્યમાં જતો રહે છે, જ્યાંની રાજકુમારી મીના કુમારીના પ્રેમમાં પડે છે, પણ ત્યાં એનો પ્રધાનમંત્રી (જીવન) કોઠાકબાડાં કરીને બન્નેને એક થવા દેતો નથી. દિલીપ પકડાય છે, એટલે જીવન એના ખભે લાકડાની મોટી બેડીઓ પહેરાવીને આંખો ફોડાવી નાંખે છે, પણ દિલીપને ચાહતી રાજનર્તકી કુમકુમ આંખો ફોડવાને બદલે જીવનને ઉલ્લુ બનાવે છે. આ બાજુ વસીખાન દિલીપના રાજ્યનું સૈન્ય લઇને જીવન ઉપર હૂમલો કરે છે ને અંતે સૌ સારાવાનાં થાય છે.

દિલીપ કુમારે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, 'કોહિનૂર' કરવાનો મને ખૂબ આનંદ થયો. એક તો એવી જ બીજી કૉમેડી ફિલ્મ 'આઝાદ'માં મીના કુમારી સાથે કામ કરેલું અને અહીં દોસ્તી પાકી થઇ અને બીજું, આ ફિલ્મને કારણે હું સિતાર શીખ્યો.' અલબત્ત દિલીપના કહેવા મુજબ, એ ફક્ત 'મધુબન મેં રાધિકા...' ગીતમાં વગાડવા પૂરતી જ સિતાર શીખ્યો હતો. બાકીના ગીતો ('ઢલ ચૂકી શામે ગમ..') વગેરેમાં સિતાર બીજા ઉસ્તાદ વગાડે છે ને દિલીપ વગાડતો હોય એવા કેવળ હાવભાવ આપે છે.

કુમકુમને ઍઝ યુઝવલ, બધાએ અન્યાય કર્યો છે. એના પ્રદાનની નોંધ ભાગ્યે જ લેવાઇ છે. 'મધુબનમેં રાધિકા'માં દિલીપની સિતાર, નૌશાદનું સંગીત, શકીલના શબ્દો, ઉસ્તાદ નિયાઝખાનસાહેબની તાન (જે ગીતમાં મુકરી ગાય છે), પણ કોઇને કુમકુમના બેનમૂન નૃત્યની વાત કરતા જોયો નથી, 'મધુબન' કરતા ય શાસ્ત્રોક્ત રીતે મૂલવવા જઇએ તો કુમકુમનો 'ઢલ ચૂકી શામે ગમ, મુસ્કરા લે સનમ' નિહાળવા જેવો છે. કુમકુમ હાલમાં જીવિત છે અને એનો દીકરો ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલો છે.

'મુગલ-એ-આઝમ'માં 'અય મુહબ્બત ઝીંદાબાદ' ગાનાર અભિનેતા કુમાર અહીં દિલીપના પિતા બને છે. એક દૃશ્યમાં ટુનટુનની સાથે કૉમેડિયન હારૂન પણ આવે છે, જે મિર્ઝા મુશર્રફની કૉપી લાગે.

'કોહિનૂર'ને 'મુગલ-એ-આઝમ'ની જેમ કૉસ્ચ્યૂમ-ડ્રામા કહેવાય. સીધા શબ્દોમાં પોષાક-ચિત્ર. આવી ઐતિહાસિક ફિલ્મો ખર્ચાળ બહુ હોય છે. વાત રાજારજવાડાંની હોય એટલે સૈનિકો તો ભાડે લાવવાના ! એમના કપડાં, બનાવટી તો બનાવટી પણ ભાલા-તલવારે ય આપવા પડે. સૅટિંગ્સ ભવ્ય અને વિરાટ બનાવવા પડે (જે કામ વી. જાદવરાવે કર્યું છે.) ફરેદૂન ઈરાનીનો કૅમેરો સુંદર અને પ્રમાણભાન રાખીને ફર્યો છે અને ઍડિટિંગ અસરકારક થયું હોવાથી એકે ય દ્રશ્ય કપાયેલું લાગતું નથી.

વાર્તામાં સમજ ન પડેએવી તો આખી ફિલ્મ છે, પણ ઊડીને આંખે વળગે અને છતાં ય ન સમજાય એવી બાબત એ છે કે, દિલીપ કુમાર પોતાના ગદ્દાર વઝીર (એસ. નઝીર)ને રંગે હાથ પકડી લે છે અને એની બેવફાઇની સજા આપી શકાય, એને બદલે વાર્તામાં કોઇ કારણ-બારણ આપ્યા વગર દિલીપ રાજ્ય છોડીને-વઝીરને પાછું બધું સોંપીને જતો કેમ રહે છે, તે આજ સુધી પેલા વઝીરને ય નહિ સમજાયું હોય !

મીનાકુમારી જેને પરણી હતી, તે ફિલ્મ 'પાકીઝા'ના નિર્માતા-દિગ્દર્શક કમાલ અમરોહી બાકાયદા કમાલની ચીજ હતા. ફિલ્મોમાં આવી તેના પ્રારંભિક વર્ષોમાં મીનાનો સિતારો સાતમા નહિ, સત્તરમા આસમાને ચમકતો હતો. કોઇ ઈંગ્લિશ ફિલ્મ મેગેઝિનમાં કમાલનો ફોટો જોતાવ્હેંત મનોમન એના પ્રેમમાં પડી ગઇ. એ વાત જુદી છે કે, કમાલને મીનામાં કોઇ રસ ન હતો- એટલે સુધી કે, 'ઑવર-ઈમ્પ્રેસ' થયેલા 'દાદામોની' અશોકકુમાર કમાલને એમની દેવઆનંદ-મીનાકુમારીવાળી ફિલ્મ 'તમાશા'ના રીલ્સ બતાવવા લઇ ગયા કે, 'જુઓ... સાત સમંદર પાર પણ આવી ખૂબસુરત હીરોઇન નહિ મળે.' કમાલ અમરોહીએ છતાં કોઇ રસ ન બતાવ્યો, પણ મુંબઇના સાયનમાં એ રહેતા, ત્યાં ગાડી પાછી લઇ જતા સેક્રેટરી બાકરને અમસ્તુ કહી રાખ્યું, ''આ છોકરીને ધ્યાનમાં રાખવાની છે.''

એ દરમ્યાન મધુબાલા અને ભૂરી આંખોવાળા કમલ કપૂરને હીરો-હીરોઇન લઇને એક માખનલાલજી કમાલ અમરોહીના દિગ્દર્શનમાં ફિલ્મ 'અનારકલી' બનાવી રહ્યા હતા, પણ ફિલ્મ શરૂ થતા પહેલા જ મધુબાલાએ ના પાડી દીધી, એમાં મીનાનો નંબર તો લાગી ગયો, પણ ફેમિલી સાથે મહાબળેશ્વરથી પાછા ફરતા મીનાની કારને ગંભીર અકસ્માત થયો. નાનીબહેન મધુ (જે મેહમુદને પરણી)ને બાદ કરતા બધા બુરી રીતે ઘાયલ થયા ને પૂનાની સાસુન હોસ્પિટલમાં દાખલ કર્યા.

આ વખતે મીનાની ખબર કાઢવા આવતા કમાલને મીના માટે પ્રેમ થઇ ગયો. મીનાને તો હતો જ. પ્રેમીઓ તરીકે બન્નેએ એકબીજાને અઢળક પ્રેમપત્રો લખ્યા ને સાથે સાથે એકબીજાના લાડના નામો ય રાખ્યા. કમાલ અમરોહીને જીવનભર મીના 'ચંદન'ને નામે બોલાવતી અને ઈવન 'પાકીઝા' વખતે ય કમાલ મીનાને 'મંજુ' કહીને બોલવતા.

કમાલથી કોઇપણ અંજાઇ જાય એવી પર્સનાલિટીવાળો માણસ હતો. ઉર્દૂની અદબ અને તેહઝીબ કોઇને પણ ઢાંકી દેતી. એ સમયના લોકો કહે છે કે, કમાલ સા'બથી વધુ મોંઘા અને સ્ટાયલિશ કપડાં તો દિલીપ કુમારે ય ન પહેરતો. કમાલ સા'બ માની ન શકાય એટલા હૅન્ડસમ અને બુધ્ધિમાન હતા, જે મીનાને આકર્ષવા માટે પર્યાપ્ત હતું.

બસ. મીના-દિલીપ અને લતા-રફીના નૌશાદમઢ્યા ગીતો જોવા આ ફિલ્મ જોઇ શકાય...!

No comments: