Search This Blog

13/11/2016

ઍનકાઉન્ટર : 13-11-2016

* તમને શું લાગે છે, બધા તમને સવાલો કેમ પૂછતા હશે ?
- સૌથી અસરકારક જૂઠ્ઠું હું લખી શકું છું, એવો એમને દ્રઢ વિશ્વાસ !
(રાહુલ યાદવ, રાજુલા)

*
વગર વિચારે કયું કામ કરવું જોઇએ ?
- બોલો... બીજું કામ...?
(પ્રબોધ જાની, વસાઈ-ડાભલા)

* મુંબઇમાં તમારૂં પ્રવચન ક્યારે છે, તે જણાવશો ? મરતા પહેલા તમને સાંભળવાની-જોવાની ઇચ્છા છે.

- એવું હોય તો કાલે જ આવી જઉં.

(પ્રભાગ સોની, મુંબઇ)


* બિનસાંપ્રદાયિકતા એટલે શું ?
- જે હિંદુઓએ પાળવાની હોય છે એ.

(ડો. અમિત વૈદ્ય, ડેમાઇ-બાયડ)


* ફિલ્મ 'નાયક'ના અનિલ કપૂરની જેમ તમને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવાય તો શું કરો ?
- ઉફ્ફ... હવે ગુજરાતમાં માણસ મુખ્યમંત્રી ક્યાં જોવા મળે ? હવે તો પટેલ, બ્રાહ્મણ, જૈન, ઘાંચી, મુસલમાન કે વિચરતી જનજાતિમાંથી મુખ્યમંત્રી બનાવવા પડે.

(જયેશ જરીવાલા, સુરત)


* ભણવાનો મોટો ગેરફાયદો શું છે ?
- ધંધે વળગવું પડે છે.

(મિત ધામેલીયા, સુરત)


* કથાઓ સાંભળાય પછી ય શ્રોતાઓના સ્વભાવ સુધરતા કેમ નથી ?
- સળંગ ચાર કલાક બેસીને નીચે કાંકરા ખૂંચતા હોય, પછી ભલભલાના મોંઢા તરડાઈ જતા હોય છે !
(ભાસ્કરરાય એ. દવે, અમદાવાદ)


* માર્કેટમાં હવે છ-સાત ફ્લૅવરની પાણી-પુરી મળે છે...
- રાહ જુઓ. થોડા વખતમાં પતંજલી પાણીપુરી પણ મળશે.

(મીનલ કક્કડ, કુવાડવા-રાજકોટ)


* હાથીને એક હાથે કેવી રીતે ઉંચકવો ?
- ફોટો પાડીને ફોટો ઉંચકી લો.
(તરૂણ ગઢવી, અમદાવાદ)


* મારી મમ્મી કહે છે, હું બહુ આળસુ છું અને ગર્લફ્રેન્ડ કહે છે, હું સખ્ત મેહનતુ છું. કોનું માનું ?
- ગર્લફ્રેન્ડ તમારી પાસે કયા પ્રકારની 'સખ્ત મહેનત કરાવે છે, તે જોવું પડે !
(સિધ્ધાર્થ કનોજીયા, નિકોલ)


* મોદી સાહેબના ગયા પછી ગુજરાતને કોનું ગ્રહણ લાગ્યું છે ?
- મોદી સાહેબ હજી ગયા નથી...!

(પ્રતાપસિંહ ચાવડા, મહેસાણા)


* શું સાચા અર્થમાં સ્ત્રી સ્વતંત્ર વિચારસરણીવાળી બની શકી છે ?
- આ સવાલ કોઇએ તમને લખાવ્યો ?
(રૂચિ દલાલ, ભરૂચ)


* પોતાની જાનના જોખમે આપણું રક્ષણ કરતા ભારતીય જવાનો ઉપર પણ નેતાઓ છીછરૂં રાજકારણ ખેલી રહ્યા છે...

- એક વિકૃત જોક સાંભળેલી. આતંકવાદીઓએ ભારતની પાર્લામૅન્ટ ઉપર 'નિષ્ફળ' હુમલો કર્યો, એ ખોટું થયેલું !

(જયેશ કબુતરવાલા, સુરત)


* મારા સવાલનો જવાબ ન છપાય ત્યારે તમારૂં ઍનકાઉન્ટર કરવાનું મને મન કેમ થઇ જાય છે...?
- રોજ સવારે વહેલા ઉઠીને છ લોટા પાણી પી જવાનું રાખો. ઠીક થઇ જશે.

(રાધિકા મયૂર ઢોલા, ભાવનગર)


* પ્રભુ સાથે સંપર્ક કરવામાં વચ્ચે કોઈ પૂજારી કે ગુરૂની જરૂર પડે ખરી ?
- પ્રશ્ન પૂછવામાં પ્રભુ તમારૂં ઍડ્રેસ અને મોબાઈલ નંબર ન માંગતા હોય તો કોઈ જરૂર નથી.

(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)


* તમને કેવો સવાલ પૂછીએ તો ગુસ્સો આવે ?
- મહાત્મા ગાંધી અને ભારત દેશ માટે સહેજ પણ આડું બોલાય ત્યારે !

(મયૂરી અર્જુનભાઈ રાઠોડ, પોરબંદર)


* હવે પછીની ચૂંટણીઓમાં તમારે ઊભા રહેવું જોઇએ. સુઉં કિયો છો ?
- હું તો સારો માણસ છું.

(કૃતાર્થ આઈ.વૈષ્ણવ, રાજકોટ)


* ગુજરાતમાં રાજકીય રોટલા શેકાતા બંધ ક્યારે થશે ?
- પ્રજાની દાળ ગળે ત્યારે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)


* સારો ઍક્ટર કોને ગણવો ? ખરાબ કોને ગણવો ?
- એ તો સારા પ્રેક્ષકને ખબર !
(અ.રહેમાન બોગલ, ગોધરા)


* શું ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેવાનો સમય આવી ગયો છે ?
- મને... સાંજે... આઠ પછી... કોઈ... સવાલ ન પૂછવો !... (હેડકી)

(ભરત પટેલ, હિંમતનગર અને વિપુલ સોજીત્રા, અમરેલી)


* ગુજરાતીઓ હોટલમાં વૅઇટરો સાથે હિંદીમાં કેમ વાત કરે છે ?
- વૅઇટરો... ઇંગ્લિશ તો સમજતા હોય ને...?
(મૂકેશ નાયક, એથાણ-નવસારી)


* માણસ નડે એ સમજાય... ગ્રહો નડે એનું શું કરવું ?
- માણસવાળા નડવામાં શું કરવાનું હોય છે, તે પ્લીઝ કહેશો ?
(મધુરી જીમુલીયા, રાજકોટ)


* સાહેબ, તમે સૌથી વધારે કોને નમો છો ?
-ભારતીય તિરંગાને.
(લક્ષ્મણ આહિર, પાટણ)


* ભાભી તમને તમારી ગર્લફ્રેન્ડ સાથે કોઈ હોટલમાંથી પકડી પાડે, તો બહાનું શું કાઢો ?
- એ કોની ભાભી છે, એ જોવું પડે !

(આબિદ ગગન, સુરત)


* બાયપાસ સર્જરી પહેલા અને પછીની આપની વિચારધારામાં કોઈ ફરક પડયો ?
- હવે કોઇને ઉધારે આપેલા પૈસા પહેલા પાછા માંગી લઉં છું !

(પુલિન શાહ, સુરેન્દ્રનગર)

No comments: