Search This Blog

25/11/2016

'જલ બિન મછલી, નૃત્ય બિન બીજલી' (૭૧)

ફિલ્મ   :  'જલ બિન મછલી, નૃત્ય બિન બીજલી' (૭૧)
નિર્માતા-દિગ્દર્શક :   વ્હી. શાંતારામ
સંગીત : લક્ષ્મીકાંત - પ્યારેલાલ
ગીતો  :  મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઇમ   :  ૧૭-રીલ્સ
થીયેટર  :  લાઇટ હાઉસ (અમદાવાદ)
કલાકારો : સંધ્યા, અભિજીત, મીનલ, રવિન્દ્ર, દીના પાઠક, ઇફતેખાર , રાજા પરાંજપે, પ્રવીણકુમાર, બિરબલ. સુશાંત રે અને વત્સલા દેશમુખ.



ગીતો
૧....કજરા લગા કે, બીંદિયા સજા કે, હો આઈ મૈં તો... લતા મંગેશકર
૨....મન કી પ્યાસ મેરે મન સે યે નીકલી, ઐસે તડપું... લતા મંગેશકર
૩.... ઓ મિતવા ઓ મિતવા, યે દુનિયા તો ક્યા હૈ... લતા મંગેશકર
૪....જો મૈં ચલી, ફિર ન મિલુંગી, ખો જાઉંગી મૈં... લતા મંગેશકર
૫....એક તો જવાની કે દિન, હોઓ, ઓક તો જવાની કે... લતા મંગેશકર
૬....બાત હૈ એક બૂંદ સી દિલ કે પ્યાલે મેં, આતે... લતા-મૂકેશ
૭....તારોં મે સજ કે, અપને સૂરજ સે, દેખો ધરતી.. મૂકેશ - સાથી

ફિલ્મ 'જલ બિન બીજલી, નૃત્ય બિન બીજલી'ના અંત ભાગમાં હીરોઈન સંધ્યા કમરમાં છુપી રીવૉલ્વર ભરાવીને લંગડી હોવા છતાં બૈસાખી-એટલે કે લાકડાની ઘોડી સાથે ડાન્સ કરે છે...
ઇશ્વરે ઇચ્છયું હોત ને એ રીવૉલ્વર જો થીયેટરમાં બેસીને એ ફિલ્મ જોતા કોઈ પ્રેક્ષકના હાથમાં આવી ગઈ હોત તો ચોક્કસપણે એણ પોતાના લમણાંમાં ફોડી હોત... આવા ખૌફનાક વિચારો ઉપર ચઢાવી દેતી ફિલ્મ સળંગ ત્રણ કલાક સુધી જોઈ શકવાના ગૂન્હા મુજબ કોઈ પણ પ્રેક્ષક સ્વેચ્છાએ આત્મહત્યા કરત !

બીજા સાફ શબ્દોમાં કહીએ, તો વ્હી. શાંતરામનું છટકી ગયું હતું.. નહિ તો કોઈ પણ છ ગુજરાતી ( એમના કિસ્સામાં મરાઠી) ચોપડી ભણેલો સાક્ષર આવી કન્ડમ ફિલ્મ આખી તો ન જ જુએ ! અમદાવાદમાં એક લેખકે આ ફિલ્મ આખી જોઈ, એના ગુસ્સામાં આ ક્ષણે એ ગુજરાતના મિનિમમ ૭૫ લાખ વાચકોના લમણે રીવૉલ્વર તાકીને આ લેખ લખી રહ્યો છે કે, હું એકલો શું કામ મરૂં ?

સાલ ૧૯૭૧ ની એટલે વ્હી. શાંતારામનું ફિલ્મી ઘડપણ પણ આવી ગયું હશે, નહિ તો આ ફિલ્મ એમણે જે ઉતારી છે. એનાથી ય વધુ હૉપલૅસ ફિલ્મો આ ફિલ્મની આસપાસના વર્ષોમાં ઉતારી હતી. નામ તો બસ કોઈ, બે-ચારના જ યાદ આવ એવા છે. પિંજરા, ચાની , લડકી સહ્યાદ્રી કી અને એવી બીજી બે-ચાર ફિલ્મો બીજી,જે જોયા પછી ભગવદ-ગીતાનું નિયમિત સ્મરણ કરતો પ્રેક્ષક અચાનક પહેલો કે બીજા વિશ્વયુધ્ધની વાતો કરવા માંડે , માથામાં પોપટના પીંછા પહેરીને રસ્તા ઉપર ઊભો રહી જાય કે બોલતી વખતે અચાનક એની જીભ તોતડાવા માંડે.

આવી અસરો વ્હી. શાંતારામની છેલ્લી ફિલ્મો જોઈને થવાની પૂરી સંભાવનાઓ છે.. નહિ તો , એજ વ્હી. શાંતારામ આ કૉલમ લખનાર માટે કાયમી પૂજનીય નામ રહ્યું હતું.. ગીત ગાયા પથ્થરોં ને સુધી ! સેહરા થી બધું બગડવા માડયું, તે પછી લાઇફટાઈમમાં સુધર્યું જ નહિ! શાંતા આપ્ટે-શાહુ મોડકની ફિલ્મ આદમી કે પૃથ્વીરાજ કપૂરની ફિલ્મ દહેજ, ડૉ.કોટનીસ કી અમર કહાની... અને પછી તો કાકા જે ખીલ્યા છે..

દો આંખે બારહ હાથ, સ્ત્રી, નવરંગ, બૂંદ જો બન ગઈ મોતી કે ઝનક ઝનક પાયલ બાજે જેવી ઉત્તમોત્તમ કૃત્તિઓ આપીને ભારતના સર્વોત્તમ સર્જકોમાં વ્હી, અંકિત થઈ ગયા ! હું તો એક સર્જક તરીકે રાજ કપૂર જેટલો જ આદર વ્હી. શાંતારામનો કરૂં છું પણ રાજ કપૂર તો જાવા દિયો... મનમોહન દેસાઈએ પણ પાછલી ઉંમરે આવી થર્ડ-કલાસ ફિલ્મો નહોતી બનાવી, જેવી વ્હી.એ આ જલ બિન મછલી... બનાવી છે.

એક કારણ હોઈ શકે આવા રવાડે ચઢી જવાનું કે ઝનક ઝનક પાયલ બાજે કે નવરંગની માફક વ્હી.માની બેઠા હતા કે, ભારતના પ્રેક્ષકોને હવે કેવળ નૃત્ય-સંગીત આધારિત ફિલ્મો જ ખપે છે. અને સંસારની સર્વશ્રેષ્ઠ ડાન્સર સંધ્યા પોતાના ઘરમાં બેઠી છે, તો શા માટે સંધ્યાનો અને ભારતના પ્રેક્ષકોનો કઢાય એટલો કસ ન કાઢવો ? નૃત્યનિર્દેશક ગોપીકૃષ્ણને બદલે કોઈ પ્રવીણકુમાર નામના નવા ડાન્સ-ડાયરેક્ટરને વ્હી.એ નોકરી આપી દીધી.

એમની તમામ ફિલ્મોનો હીરો તો અમથો ય કોઈને જોવો ય ગમે નહિ એવો જ હોય...આમાં ય એવો જ હતો અભિજીત, જેનું આ ફિલ્મ પહેલા કે પછી કોઈએ કશું નામવામ કાંઈ સાંભળ્યું નહિ અને સાંભળવા જેવું હતું ય નહિ ! એમાં ય, આ ભાઈ પાસે વ્હી. શાંતારામે જે કપડાં પહેરાવ્યા છે, એ જોઈને ભારતભરના દરજીઓ વચ્ચે ઉઘાડેછોગ મારામારીઓ થઈ જાય. પેલો કહે, મેં નથી સિવ્યા.. આ કહે મેં નથી સિવ્યા... ખોટું નામ તો દેવાનું જ નહિ ! એમાં બધા દરજીઓ કાતરે ને કાતરે ફરી વળે. હીરોભાઈ અભિજીતના કપડાંની ડીઝાઈન પણ નમૂનેદાર છે.

લેંઘો, ગંજીફરાક, બાળકનું ઝભલું, સફારી- શૂટ, નવરાત્રીમાં પહેરવાના ચણીયાચોળી તેમ જ સ્કાઉટની ચડ્ડી આ બધાની ડીઝાઈન ભેગી કરીને એક શૂટ બનાવો. એવા છવ્વીસ શૂટો આ અભિજીતને વ્હી. શાંતારામે પહેરાવ્યા છે. હીરોઈન સંધ્યા અને સાઇડ હીરોઈન મીનલને શું શું પહેરાવ્યું છે. એ બાબતે તપાસ કરવા અમારા આસિસ્ટન્ટ પત્રકારોને બ્રાઝિલના જંગલોમાં મોકલવામાં આવ્યા છે !

કાકા કંટાળી તો ગયા જ હશે, કારણકે , ઘણી ચીજો પહેલી વાર કરી જે અગાઉ વિચારી પણ નહોતી. મૂકેશ, મજરૂહ, લક્ષ્મી-પ્યારે કે ઇફેતેખાર વ્હી.ની ફિલ્મોમાં પહેલી વાર આવ્યા. દિગ્દર્શન પોતે હાથમાં રાખ્યું છે.

પણ પહેલીવાર વ્હી. શાંતારામની ફિલ્મમાં બધા ગાંડાઓ ફરતા હોય એવું લાગે. કોણ શું બોલે છે, વાર્તા સાથે એને શું મતલબ આવુ તે હોતું હશે કે દર છ-છ કલાકે હીરોઇન સંધ્યા આપઘાત કરવા કઈ કમાણી ઉપર ઊપડી જાય છે ( ને પાછી ય આવતી રહે છે, બોલો ) છ કલાક સિનેમાના એ પછીના શો ના ય ભેગા ગણી લીધા છે ! સામાન્ય રીતે, મેનકા ગાંધીના આવ્યા પછી ફિલ્મોના ટાઇટલ્સમાં જાહેરાત મૂકવી પડે છે કે, આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન કોઈ પશુ-પક્ષીને ઇજા પહોંચાડવામાં આવી નથી. મેનકાજી મોડા પડયા, કારણકે ફિલ્મના નામ મુજબ, પાણી વગર તરફડતી માછલી બતાવવી તો પડે જ... તો જ નૃત્ય બિન બીજલી બતાવી શકાય. જો કે, સાડા ત્રણ મિનિટનું નૃત્ય પુરૂં થઈ ગયા પછી સંધ્યા તરફડતી પેલી માછલીને પાછી પાણીમાં નાંખી દે છે.

એ માછલી જીવતી રહી ગઇ એટલે એને ય આ ફિલ્મ જોવી પડી હશે !

કંઈ બાકી રહી જતું હતું તે આપણે તો એ જમાનામાં લગભગ નવાસવા આવેલા લક્ષ્મીકાંત-પ્યારેલાલના ચાહકો બની ગયેલા, તો એ લોકોએ પણ ઉતારાય એટલી વેઠો ઉતારી છે. એક માત્ર તારોં મે સજ કે, અપને સૂરજ સે, દેખો ધરતી ચલી મિલને... ગીતમાં મૂકેશ પાસે લાઈફ-ટાઈમનું કામ કઢાવ્યું છે.

એ વાત પાછી જુદી છે કે રેડિયો કરતા ય સીડીમાં અને સીડી કરતાં ય દરેક સ્ટેજ શોમાં ભૂલ્યા વગર ગવાતું આ ગીત તારોં મે સજ કે... ફિલ્મમાં કૅન્ટ પ્યૂરીફાયરની હેમા માલિનીની જા.ખ. જેટલું ય જામતું નથી. આપણા બધાની એ ફરિયાદ કાયમી રહી છે કે, આપણને ગમતા એવા સેંકડો ગીતો છે. જેને ફિલ્મોમાં કેવા લાગતા હશે, તે આપણે જોયા હોતા નથી, ત્યાં સુધી જ સારા લાગે છે. પણ નસીબ આડે પાંદડું હોય ને એ ગીત વીડિયોમાં જોવાઈ જાય તો બધો નશો ઉતરી જાય છે કે, ફિલ્મમાં તો એ ગીત કેવું બેહુદું ઉતાર્યું છે.

બાકી લતા સાથે મૂકેશના યુગલ ગીત બાત હૈ એક બુંદ સી દિલ કે પ્યાલેં મે...' મોઝર-બૅરવાળાએ ડીવીડીમાંથી આદત મુજબ ઊડાડી માર્યું છે પણ એ સિવાયના લતા મંગેશકરના એકે ય ગીતમાં ઠેકાણા ન મળે ! ગીત-સંગીત તો બરોબર, પણ જેને માટે શાંતારામનું મોટું નામ હતું. તો ટૅકિંગ એટલે કે ગીતાનું પિક્ચરાઈઝેશન કેવી રીતે કરવું, એમાં ય કાકાએ દીધે જ રાખી છે.

યસ એક ભારતીય રૅકૉડૅ આ ફિલ્મના મૂકેશના મશહૂર ગીત, 'તારોં મે સજ કે...' થી સ્થપાયો હતો કે, હિંદી ફિલ્મોમા સૌ પ્રથમવાર સ્ટીરિયો-રૅકૉડિંગ આ ગીતથી શરૂ થયું, એટલે કે સાઉન્ડના બે મોટા કાળા ખોખામાંથી અલગ અલગ અવાજ સંભળાય. યાદ હોય તો એ જમાનામાં બપ્પી લાહિરીએ ચોરેલું અને માધુરી દિક્ષિત અને સંજયદત્ત ઉપર ફિલ્માયેલું 'તમ્મા તમ્મા લોગે..' ડિસ્કો ગીતના ડ્રમ્સ આ સ્ટીરિયો-ઇફૅકટ્સમાં સાંભળવા લોકો ખાસ એ કૅસેટ ખરીદતા અને માની નહોતા શકતા કે, ડ્રમ્સ એક બોકસમાંથી અને બાકીનું મ્યુઝિક બીજા બૉકસમાંથી સંભળાય છે. પછી તો પપ્પાના પૈસે નવી કારમાં સ્ટીરિયોના બૉકસ ખરીદતા બેવકૂફ દીકરાઓ શહેરના રાજમાર્ગો પરથી કાર લઈને નીકળતી વખતે પ્રચંડ અને કાન ફાડી નાંખે એવા અવાજે સ્ટીરિયો રૅકૉડિંગવાળું એ ગીત સાંભળતા.

ફિલ્મ મને ન ગમી હોય એનો અર્થ એવો થોડો થાય કે તમને ય નહિ ગમે ? ભોગ તમારા, પણ મારી ફરજ છે કે, જેવી હોય એવી એ ફિલ્મની વાર્તાના અંશો તમને કહી દેવા જોઈએ, જેથી હું એકલો શું કામ ભોગવું ? ફિલ્મોનો હીરો પ્રિન્સ એટલે ક રાજકુમાર છે. ક્યા દેશનો રાજ્યનો કે મ્યુનિસિપાલિટીનો એ ફિલ્મમાં જણાવવામાં આવ્યું નથી. પણ મોટા મહેલમાં એની વિધવા માં અને કોઈ ૩૦-૪૦ ગાયક-સંગીતકાર-નૃત્યકારો સાથે રહેતો હોય છે.

એ અન્ય કોઈ કામધંધો કરતો નથી. સવારે ઉઠે ત્યારનો કી-બૉડ ઉપર રામ જાણે કયું ગીત વગાડવા મંડયો હોય ! એને વચમાં ક્યાંય ડિસ્ટર્બ ન કરાય, પણ કરવા માટે બીજા કોઈ દેશની રાજકુમારી (મીનલ) એના ચમચા સેક્રેટરી (રાજા પરાંજપે) સાથે રીતસરની રહેવા જ આવી જાય છે. એની પહેલા પ્રિન્સ પાસે માન ન માન ,મૈં તેરા મહેમાન ના ધોરણે ડાન્સર સંધ્યા પણ મહેલમાં પરાણે ગોઠવાઈ જાય છે. બન્ને વચ્ચે પ્રેમના ફાગ પણ ખીલવા માંડે છે, એ તો રાજકુમારીથી ક્યાંથી સહન થાય ? એટલે એ સંધ્યાનો ઍકિસડૅન્ટ કરાવીને લંગડી કરી નાખે છે ને તો ય પેલી નાચવાના ધખારા છોડતી નથી. છેવટે કાંખઘોડી તો ઘોડી લઈને એક પગે તો એક પગે નાચવાનું ચાલુ રાખે છે.

ઘણા વાચક ઘણા વખતથી પૂછે રાખે છે કે, આ એડિટર એટલે શું ?

જાણવાની મજા આવે એવું છે. ફિલ્મ બનતી હોય એ ફિલ્મના દિગ્દર્શકનું માનસ-સંતાન હોય છે. શૂટિંગ માટે સ્ટુડિયો, હીરો-હીરોઈનની તારીખો અને અન્ય જરૂરતો કેટલા દિવસ માટે મળે છે. એ જોયા પછી ફિલ્મની પૂરી વાર્તાનું શૂટિંગ, આપણે ફિલ્મમાં જોઈએ છીએ એવું ક્રમબધ્ધ અને સળંગ નથી થતું.

હીરોની બહેન પ્રેગ્નન્ટ પહેલા રીલમાં બની જાય, વિલન એની ઉપર બળાત્કાર આઠમાં રીલમાં કરે અને બન્નેને પરાણે હીરો પરણાવે છેક છેલ્લા રીલમાં ! ટૂંકમાં શૂટિંગમાં વાર્તાનો ક્રમ જળવાતો નથી.

એટલું જ નહિ, કોઈ પણ દ્રશ્યનું શૂટિંગ કરવાનું હોય ત્યારે દિગ્દર્શક સ્ટાર્ટ બોલે એ સાથે પોતાના સ્થાને ઉભેલો કલાકાર ચાલવાનું શરૂ કરીને સંવાદ બોલે, પણ એમાં એ ઊભો હોય ત્યારની અડધી કે આખી સેંકડ શૂટ થઈ ગઈ હોય ! આપણે જોઈ પણ શકીએ કે, એ પહેલા ઊભો હતો અને ચાલવા માંડયો.

અર્થાત, કેમેરા તો એ ઉભો હોય એની ૩-૪ સેંકડ પહેલાનો ફરવા માંડયો હોય, ફિલ્મનો એડિટર ફિલ્મ પૂરી થાય ત્યારે આવા બધા અધકચરા દ્રષ્યો કાતરથી કાપી નાંખે. નિર્માતા તો શૂટ કરેલી બધી ફિલ્મના એલ્યુમિનિયમના પેલા ગોળ ડબ્બાઓ એડિટરના ઘેર મોકલાવી દે. એડિટરે એક એક ડબ્બો ખોલીને એવી અધકચરી ફિલ્મનું એક એક રીલ જોવું પડે.

જોતા જોતા નિશાની કરતા જવાનું કે ૧૪.૩૪ સેંકડથી કાતર મૂકવાની છે, તે ૨૩.૧૬ સેકન્ડ સુધી ! આ પ્રાથમિક કામ પતી જાય પછી વાર્તા પ્રમાણે આઠમું રીલ પહેલા, ત્રીજું રીલ છઠ્ઠું કે તેરમું રીલ ચોથામાં ગોઠવીને ફિલ્મને સિનેમામાં જોવાલાયક સળંગ બનાવવાની ! ઋષિકેશ મુકર્જી ઉત્તમ એડિટર કહેવાતા એટલે આપણે આગળ જોઈ ગયા, એ શર્મીલા-ધર્મેન્દ્રની હોપલેસ ફિલ્મનું એડિંટિંગ પણ ઋષિ દાએ કર્યું હતું. રાજ કપૂર પોતાની ફિલ્મોનું એડિંટિંગ મોટા ભાગે પોતે કરતો. દિગ્દર્સક અને એડિટર વચ્ચે ટયુનિંગ સારૂં હોવું જ જરૂરી છે. નહિ તો ખૌફનાક ઝગડા પણ થતા જોવામાં આવ્યા છે.

દિગ્દર્શક કે હીરોને જે સંવાદ કે દ્રવ્ય ખૂબ ગમ્યા હોય, તે ઉડાડી મારવાનો એડિટરને અધિકાર હોય છે, માટે એડિટર સમજદાર હોવો જરૂરી છે. નવાઈ થોડી નહિ ઘણી લાગે કે, ફિલ્મ નવરંગ માં આશાતાઈ પાસે ખાસ તવાયફી લહેજો કઢાવીને ગવડાવેલું આ દિલ સે દિલ મિલા લે, ઇસ દિલ મેં ઘર બસા લે ઓ રસિયા, મન બસીયા આજા ગલે લગા લે.. ગીત એવું મશહૂર થયેલું કે એ પરદા ઉપર ગાનારી મંજરી (વત્સલા દેશમુખ) વાસ્તવિક જીવનમાં સંધ્યાની સગી બહેન થાય. સંધ્યાનું સાચું નામ વિજ્યા દેશમુખ હતું અને આ વત્સવા વ્હી. શાંતારામની લગભગ ઘણી ફિલ્મોમા દેખાઈ હતી, એ વત્સલાનું નામ અહીં ટાઈટલ્સમાં ચમકે છે પણ પૂરી ફિલ્મમાં એ ક્યાંય દેખાતી નથી. એ કમાલ શાંતારામની છે કે મોઝર બૅરની, તે તો ઇશ્વર જાણે!

No comments: