Search This Blog

04/12/2016

ઍનકાઉન્ટર : 04-12-2016

* રાજકારણીઓ એકવાર જીતી ગયા પછી કદી કેમ દેખાતા નથી ?
હારી ગયેલાઓ ય ક્યાં દેખાય છે ?
(
તુષાર વસાણી, વઢવાણ)

* સફળતા મેળવવા કરતા પચાવવી/ટકાવવી મુશ્કેલ હોય છે...
મળે પછી કહું.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* વરસાદ સારો થાય એ માટે યજ્ઞો કરાય કે વૃક્ષો વવાય ?
યજ્ઞ હિંદુ ફીલસૂફી છે. ભારત દેશમાં હિંદુઓને લગતું કોઈ પણ કાર્ય કરો, તો એમાં ધર્મ વચમાં આવી જાય !
(
નિરાલી એસ. ચૌહાણ, ચોટીલા)

* મારે રાજકારણમાં પડવું છે. ભાજપમાં જોડાઉં કે આપમાં ?
નામ પરથી તો સજ્જન માણસ લાગો છો... રહેવા દો ને આ બધું !
(
ડૉ. મયંક છાયા, અમદાવાદ)

* લાયોનેલ મેસીએ બહુ જલ્દી નિવૃત્તિ લઈ લીધી ન કહેવાય ?
એ શું 'કોંગ્રેસ'નો કાર્યકર હતો ?
(
મિતુલ એસ.ખેની, સુરત)

* આપના લેખો પરથી એવું લાગે છે કે, આપને ફિલ્મી હીરો બનવું હતું ને લેખક બની ગયા... ! સાચું ?
હું બીજાએ લખી આપેલું વાંચી જઉં એવો નથી, માટે હીરો ન બન્યો.
(
અફરોઝબેન મીરાણી, મહુવા)

* મોદી સરકાર એક પણ વચન પાળી શકી નથી, છતાં તમે એની આંધળી ભક્તિ છોડી શક્યા નથી. તમારા જનધન ખાતામાં  ૧૫-લાખ જમા થઈ ગયા લાગે છે...
મેં મોદીને લખેલો ખુલ્લો પત્ર તમે વાંચ્યો નથી... તમે તો મોદી કરતા ય ગયા!
(
કિશોર યાજ્ઞિક, અમદાવાદ)

* મારી છત્રીને વરસાદ સાથે આડવેર કેમ લાગે છે ?
હવે પછી છત્રી હપ્તે-હપ્તે લેજો.
(
પ્રણવ કારીયા, મુંબઈ)

* આજકાલ લોકોમાં 'પોકેમોન ગો' ગેઈમનું ભૂત વળગ્યું છે... તમારે કેમનું છે ?
મને તો એક જ ગેઈમ આવડે છે, 'તીનપત્તી'... ! તમારે કેમનું છે ?
(
મહેન્દ્ર ચુડાસમા, ભાવનગર) અને (ઋષિ વૈષ્ણવ, જામનગર)

* ગુજરાતના સંભવિત મુખ્યમંત્રીની યાદીમાંથી તમારૂં નામ ગાયબ કેમ થઈ ગયું ?
મુખ્યમંત્રી બનવા માટે મારૂં ભારતીય હોવું નહિ, જૈન, પટેલ, દલિત કે મુસલમાન હોવું જરૂરી હતું. બ્રાહ્મણોને પૂછે છે કોણ ?
(
જયેશ અંતાણી, ભાવનગર) અને (જગદિશ પારેખ, નડિયાદ)

* તમે દેશભક્ત હોવા છતાં, રાજકારણમાં કેમ આવતા નથી ?
એટલે જ નથી આવતો !
(
સચિન દેવમુરારી, અમદાવાદ)

* નસીરુદ્દીન શાહે રાજેશ ખન્નાને એક નબળો એક્ટર ગણાવ્યો. તમે કેમ કાંઈ બોલ્યા નહિ?
આ દેશમાં ટીવી કે ન્યુસમાં ચમકવા માટે બીજાનું અપમાન કરતા નિવેદનો આપો, તો જ પબ્લિસિટી મળશે. અલબત્ત, સામે તમે એમ પણ કહી શકો કે, 'હું નસીરૂદ્દીનને એક્ટર જ ગણતો નથી.' તમને ય પબ્લિસિટી મળશે.
(
રસેન્દુ પાઠક, વડોદરા)

* લોકોમાં સેલ્ફી લેવાનો શોખ વધી કેમ ગયો છે ?
-  
હવે બીજા તમારો સેલ્ફી લઈ આપે, એવા મોબાઈલ પણ શોધાવાના છે.
(
હેતુ ટેલર, હિંમતનગર)

* હાલના સમયનો આપનો ગમતો ગાયક અને સંગીતકાર કોણ ?
મારી ને મારી જ તારીફ કરવાની ડૉક્ટરે મને ના પાડી છે.
(
ડૉ. કૌમિલ જોશી, નરોડા)

* સંસારમાં સુખી થવાની કોઈ ચાવી ખરી ?
સંસાર સિવાય બીજે ક્યાં સુખી થવાનું હોય છે, તે જણાવશોજી.
(
અજયસિંહ ગોહિલ, ગઢાલી-ગઢડા)

* ઓલિમ્પિક મહિલા બીચ વોલીબોલ જોતો હતો, એમાં વાઈફ કહે, 'શરમ નથી આવતી ?' શું કરવું ?
પૂછી જુઓ, 'એવી મહિલા ટીમનો કોચ બની જાઉં ?' પછી એમને શરમ આવશે.
(
ઠાકોર બારીઆ, વડોદરા)

* તમારા પત્નીએ પકડેલા પોકેમોનમાં એક પોકેમોન તમે પણ છો... વાત સાચી ?
યસ. એને ગમે ત્યાં હાથ નાંખવાની ટેવ છે.
(
સંજય ભટ્ટ, શેઠવડાલા-જામજોધપુર)

* બાબા (રાહુલબાબા)ના બે ય બગડયા, એવું તમને નથી લાગતું ?
અગાઉ ય કાંઈ સુધરેલું હતું ખરૂં ?
(
મયૂરી નીતિન પંચાલ, અમદાવાદ)

* ફ્રેન્ડ અને ફ્રેન્ડશીપ-ડે વિશે તમારૂં શું માનવું છે ?
જો જો... કોઈ ૬૫-પ્લસવાળી ફ્રેન્ડ મળે એવી હોય તો જોઈ રાખજો.
(
દેવાંગી પી. દેત્રોજા, જામનગર)

* લોકો મહાદેવજીને શ્રાવણ માસમાં જ કેમ યાદ કરતા હશે ?
અન્ય ભગવાનોની સરખામણીમાં મહાદેવજીનો ઠાઠઠઠારો અને વોટબેન્ક બહુ સામાન્ય છે.
(
ધર્મેશ પટેલ, અમદાવાદ)

* પત્નીથી છુટકારો મેળવવા શું કરવું જોઈએ ?
પોતાની પત્નીમાં ધ્યાન કેળવવું જોઈએ.
(
અનિલ પરમાર, બેટાવાડા-ખેડા)

* ફ્રેન્ડ્સ તો મને ખૂબસુરત કહે છે, પણ તમારી લોકપ્રિયતા જોઈને સાચ્ચે જ ઈર્ષા થાય છે!
તમારી ખૂબસુરતીનો તો ક્યારેક સારો અનુવાદ પણ થશે... મારે હવે શું કમાવવાનું?
(
પરીંદા જે. ઠક્કર, મુંબઈ)

* તમે પહેલા કરતા વધુ હેન્ડસમ લાગો છો, એનું કારણ શું રામદેવનું ટોનિક ?
પ્રજા રામદેવનું ટોનિક લેવાનું બંધ કરી દે, એવા સવાલો ન પૂછો.
(
પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* આપણે ક્યા ભગવાનની પૂજા કરવી જોઈએ ? તમે કોની પૂજા કરો છો ?
હું ચુસ્ત શિવભક્ત છું, પણ દેશ ઉપર આતંકના વાદળો છાયા છે, એટલે આવનારા પાંચ વર્ષ સુધી
ભારત માતા સિવાય કોઈની પૂજા કરવાની ન હોય !
(
સંજય કાપડીયા, ગીર સોમનાથ)

* વરસાદ, બોસ અને પત્ની વચ્ચે શું ફરક ?
ત્રણે ય આપણા આંગણામાં પડતા આવે તો સારા લાગે !
(
નાઝનીન કૌકાવાલા, સુરત)

No comments: