Search This Blog

02/12/2016

'મુગલ-એ-આઝમ' ('૬૦)

ફિલ્મ : 'મુગલ-એ-આઝમ' ('૬૦)
નિર્માતા : શાપુરજી પેલોનજી
દિગ્દર્શક : કે.આસિફ
સંગીત : નૌશાદ
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઈમ : ૨૦-રીલ્સ  :  ૧૯૭ મિનિટ્સ
થીયેટર : કૃષ્ણ અને નોવેલ્ટી (અમદાવાદ)
કલાકારો : પૃથ્વીરાજ કપૂર, મધુબાલા, દિલીપ કુમાર, દુર્ગા ખોટે, નિગાર સુલતાના, અજીત, કુમાર, શીલા દલાયા, જ્હૉની વૉકર, જલાલ આગા (બાળ કલાકાર), મુરાદ, ગોપીકૃષ્ણ, જીલ્લોબાઈ, વિજયાલક્ષ્મી, એસ.નઝીર, સુરેન્દ્ર.

ગીતો
૧.    મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...લતા મંગેશકર-કોરસ (રાગ ગારા)
૨.    પ્યાર કિયા તો ડરના ક્યા, જબ પ્યાર...લતા મંગેશકર-કોરસ (રાગ દરબારી/દુર્ગા)
૩.    ખુદા નિગેહબાન હો તુમ્હારા, ધડકતે દિલ કા... લતા મંગેશકર (રાગ યમન)
૪.    અય ઈશ્ક યે સબ દુનિયાવાલે, બેકાર કી બાતેં...લતા મંગેશકર
૫.    મુહબ્બત કી જુઠી કહાની પે રોયે, બડી ચોટ... લતા મંગેશકર  (રાગ દરબારી કાનડો)
૬.    હમેં કાશ તુમસે મુહબ્બત ન હોતી, કહાની... લતા મંગેશકર (રાગ યમન)
૭.    બેકસ પે કરમ કીજીયે સરકાર-એ-મદિના...લતા મંગેશકર (રાગ કેદાર)
૮.    જબ રાત હૈ ઐસી મતવાલી, ફિર સુબહા કા...લતા મંગેશકર  (રાગ જયજયવંતી)
૯.    તેરી મેહફીલ મેં કિસ્મત આઝમાકર હમ...લતા-શમશાદ-કોરસ
૧૦.    ઝીંદાબાદ, અય મુહબ્બત જીંદાબાદ...મુહમ્મદ રફી-કોરસ (રાગ કિરવાણી)
૧૧.    શુભ દિન આયો રાજદુલારા...ઉસ્તાદ બડે ગુલામઅલીખાં (રાગ રાગેણી)
૧૨.    પ્રેમ જોગન બન કે... ઉસ્તાદ બડે ગુલામઅલીખાં (રાગ સોહિણી)

'
મૈં હિન્દોસ્તાન હું. હિમાલીયા મેરી સરહદો કા નિગેહબાન ઔર ગંગા મેરી પવિત્રતા કી સૌગંદ...!'

અહીંથી શરૂ થઇને સાડા ત્રણ કલાકની ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીનો એકએકે સંવાદ અમને કિશોરાવસ્થાના ખાડીયાના છોકરાઓને રીતસર મોંઢે હતો-ઉર્દૂમાં સમજ ન પડે તો પણ ! એ સાહિત્યમાં કેટલી તાકાત હશે કે, સ્કૂલમાં જેમને હિંદી તો જાવા દિયો, ગુજરાતીના ફાંફા હતા, એ ગુજરાતી છોકરાઓ 'મુગલ-એ-આઝમ'ના સંવાદો થોડું ય તોતડાયા વિના અસ્ખલિત બોલતા હતા ! ફિલ્મમાં શાહી બાપ-દીકરા વચ્ચે યુધ્ધભૂમિ પર ખૌફનાક જંગ શરૂ થવાનું એલાન શહેનશાહ અકબર હાથી ઉપર બેઠા બેઠા તલવાર વીંઝીને, 'માનસિંહ, યલગાર હો...' બોલે છે, એની ય અમને ખાડીયાના છોકરાઓને ખબર કે, 'યલગાર હો' એટલે 'હૂમલો શરૂ કરો'. 'યલગાર હો'નો ઉપયોગ અમે હોળીના દિવસે બાજુની જેઠાભાઈની પોળમાં એના છોકરાઓને રંગવા જવાનું હોય ત્યારે ટોળે વળીને અમારામાથી કોક બૂમ પાડતું, 'યલગાર હો...' (એ વાત જુદી છે કે, આવો ફક્ત ઘંટનાદ જ કરવાનો હોય... જાય કોઈ નહિ ! જેઠાભાઈની પોળના છોકરાઓ તો સાલા મારે એવા હતા...!)

અમારા બધા ઉપર સલિમને બદલે અકબરનો પ્રભાવ બહુ હતો. અકબર-ઇફેક્ટ મુજબ, શાહી દરબારમાં જે કોઇ સંદેશો આવે, તે જાતે વાંચી લેવાને બદલે અકબર એમના ઘેરા અવાજમાં હુક્મ આપે, 'બાઆવાઝ-એ-બલંદ' પઢા જાય...'' એટલે કે, મોટેથી વાંચો.

એ વખતે અમારા ખાડીયાની ખત્રી પોળમાં મોટી ઉંમરના બાબુકાકાનો કોઈ પ્રેમ પત્ર અજાણતામાં અમે છોકરાઓના હાથમાં આવી ગયો. ખુશમખુશ થઇને છોકરાઓ એ પત્ર હાથમાં ઊંચો કરીને દોડમદોડી કરતા હોય ને કોકે કીધું, 'ભૂપિનભ'ઈને વંચાવીએ'', ભૂપિનભ'ઇ પણ તાજેતાજી 'મુગલ-એ-આઝમ' જોઈ આવેલા. એમણે હાથ ઊંચો કરીને છોકરાઓને હૂક્મ આપ્યો, 'બાઆવાઝ-એ-બલંદ' પઢા જાય...''

અમે છોકરાઓને બધા સંવાદો કંઠસ્થ થઇ ગયેલા, એમાં અમારી કમાલ કરતા એ સંવાદો લખનારાઓની... ના, એમની પણ નહિ, પૂરા શાહી ઠાઠથી એ સંવાદો. બોલનારા દિલીપકુમારો, પૃથ્વીરાજો કે મધુબાલાઓની...? ઍબ્સોલ્યૂટલી નૉટ...!  હકીકતમાં એ બધી કમાલો આવી ગ્રેટ ફિલ્મને આપણી સમક્ષ મૂકનાર કરીમુદ્દીન આસિફની હતી, જે આઠ ચોપડી ભણેલો હોવા છતાં, અરબી-ફારસી-ઉર્દુનું જ્ઞાન ઘણી બુલંદીઓ પર હતું, નહિ તો જસ્ટ થિન્ક ઑફ ઇટ... ઠેઠ લાહૌરથી ઉર્દુ તેહઝીબ અને ભાષાપ્રેમને વરેલું દિલીપકુમારનું પઠાણ ફૅમિલી, ભીંડીબજારના એક મામૂલી દરજી સાથે એ જ દિલીપકુમારની બહેન પ્રેમમાં પડીને સીધા લગ્ન કરી લે...? આસિફમાં કંઇક તો હશે ને ? એ કંઇક કંઇક નહિ, ઘણું ઊંચું કંઇક હતું અને એ તેહઝીબવાળી ઉર્દૂ જબાન બોલવાની કમાલ ! દિલીપની બહેન અખ્તર બેગમ આ આસિફના પ્રેમમાં ખાસ તો એના ઉર્દૂ પરની શહેનશાહી અદબને કારણે પડી ગઈ, એ તો એ બન્નેના લગ્ન પછી દિલીપને ખ્યાલ આવ્યો ને એમાં ભભૂકેલા ક્રોધ સાથે દિલીપે મુંબઇમાં આ ફિલ્મનો શાનોશૌકતવાળો પ્રીમિયર શોનો બહિષ્કાર કર્યો.

આસિફનો હાથ આ પહેલા લગ્નો ઉપર પરફૅક્ટ બેસી ગયો હતો. વિખ્યાત નૃત્યાંગના સિતારાદેવી મૂળ તો એની સગી મામી થાય (એસ. નઝીર, જે દિલીપ કુમારની તમામ ફિલ્મોમાં જોવા મળે છે, તે નઝીર આસિફનો મામો થતો અને એ મામાની જ મામી... સોરી, એ મામાની જ વાઇફ સિતારાને આસિફ ભગાડીને લઇ ગયો અને નિકાહ કરી લીધા.) એ પછી આ નિગાર સુલતાના આવી અને સમય વેડફવામાં સહેજ પણ નહિ માનતા આસિફે તાબડતોબ ભૂરી આંખોવાળી સૅક્સી હીરોઇન નિગાર સુલતાનાને પડતી મૂકીને આ ફિલ્મના હીરો દિલીપકુમારની સગી બહેન અખ્તર બેગમ સાથે ત્રીજા લગ્ન કરી લીધા. નિગારની દીકરી હિના કૌસરને તમે રાજ ખોસલાની ફિલ્મ 'મૈં તુલસી તેરે આંગન કી'માં તવાયફના કિરદારમાં જોઈ છે, જેની પાછળ ફિલ્મનો સેકન્ડ હીરો દેબુ મુકર્જી પાગલ થયો છે, તે હિના કૌસર દાઉદ ઇબ્રાહિમના જમણા હાથસમા ડ્રગ-માફીયા ઇકબાલ મિર્ચીને પરણીને કાયમ માટે લંડન સૅટલ થઇ હતી. આ ઈકબાલનું થોડા વર્ષો પહેલા લંડનમાં મૃત્યુ થયું હતું.

એ જરૂરી નથી કે, ભારતમાં બનેલી આ સર્વોત્તમ ફિલ્મ ૧૯૬૦-માં આવી ત્યારે તો તમે જન્મ્યા ય નહોતા અથવા જોઈ હોય તો બહુ યાદ પણ નથી. સવાલ તો એ દિવસોમાં જ પૈદા થઇ ગયો હતો કે, આ એક એવી ફિલ્મ છે, જે દર્શકોને ફિલ્મ 'જોતા' શીખવાડે છે.

બીજી બધી ફિલ્મો સિનેમા-હોલમાં જાઓ ને છાનામાના બેઠા બેઠા જોઇ લોને પૂરી થાય એટલે પાછા આવી જાઓ. 'મુગલ-એ-આઝમે' તો તમને એક ફિલ્મ કેવી રીતે જોવાય, એની તમે તમારા ઉપર ગર્વ થાય એવી તંદુરસ્ત સમજણો આપી છે. જેમ કે, તમને ય ખબર છે કે, કોઈ પણ ફિલ્મની વાર્તાનો એક લેખક હોય, બે કે ચાર પટકથા લેખકો હોય અને સંવાદ લેખકો ૨-૪ બીજા હોય ! અહીં પટકથા કે.આસિફે પોતે અમાનની સાથે લખી છે, એ આખી ફિલ્મનું સૌથી મોટું જમાપાસુ, પણ સંવાદો અમાન, વજાહત મીર્ઝા, કમાલ અમરોહી અને એહસાન રીઝવીએ લખ્યા છે, એ પાસું ય નાનકડું નથી. આ ચારે ય ઉર્દુ-અરબી-ફારસી સાહિત્યના ખાં-સાહેબો હતા... (આ અમાન એટલે અમાનુલ્લાહ ખાન. જે ઝીનત અમાનના પિતા હતા. ઝીનતની માતા જર્મન હતી.)

પણ કે.આસિફે એક પણ શબ્દ વાપર્યા વિના લખેલા સંવાદો હિંદુસ્તાનની ફિલ્મી તવારીખનું એક બુલંદ પાનું છે. મૌન પણ ન કહેવાય એને, છતાં આસિફે આ ફિલ્મમાં એવી અનેક જગ્યાઓએ બે પાત્રો વચ્ચે એક પણ શબ્દ બોલાયા વિના માત્ર નજર ફેરવી કે સ્થિર રાખીને અનેક સંવાદોનું કામ લઇ લીધું છે. મૌન પાસેથી કામ લેવાની આવી સિધ્ધિ તો આજની ફિલ્મોમાં ય જવલ્લે જોવા મળે છે. પૃથ્વીરાજ એક શબ્દ ય બોલ્યા વિના કેવળ મૌનથી મધુબાલા સામે આંખો ફેરવીને જુએ, એમાં શબ્દ બોલાતો નથી પણ તમને ખબર પડી જાય કે, 'મધુ મરવાની થઇ છે.'

આમ તો, બે અક્ષરોની વચ્ચેની વાત સમજવી પડે, એવા સુક્ષ્મ સંવાદો પૂરી ફિલ્મમાં છે. ફિલ્મમાં દર્શકોને ઇવન આજ સુધી સૌથી વધુ ગમેલો અને યાદ રહી ગયેલો સંવાદ તો શેહજાદો નુરૂદ્દીન મુહમ્મદ સલિમ કહે છે, 'અનારકલી કૈદ કર લિ ગઇ ઔર મૈં દેખતા રહા...!' જેના જવાબમાં શહેનશાહ મુહમ્મદ જલાલુદ્દીન અકબર કહે છે, '...ઔર તુમ કર ભી ક્યા સકતે થે ?' પણ મારી છાતી ચીરી જનાર એક સંવાદ અનારકલીના મુખે બોલાયો છે, જ્યારે મૃત્યુની આગલી રાત્રે એ શહેનશાહ પાસે એક રાત માટે હિંદુસ્તાનની મલિકા બનવાની ઇચ્છા પ્રગટ કરે છે અને ગરજ ખાતર અકબર-એ-આઝમને એ ઇચ્છા કબુલ કરવી પડે છે, ત્યારે મધુબાલા જ આવા શાહી હાવભાવ સાથે બોલી શકે, એવો સંવાદ છે  :  'શહેનશાહ કી ઇન બેહિસાબ બક્ષિશોં કે બદલે મેં યે કનિઝ જલાલુદ્દીન મુહમ્મદ અકબર કો અપના ખૂન મુઆફ કરતી હૈ...!' જોવાનો ઠસ્સો એ વાતનો છે કે, જેે એ સખ્ત નફરત કરે છે, એ અનારકલી એક બાંદી (દાસી) એટલે કે મહેલની ચોથા વર્ગની કર્મચારી છે, જે પોતાના પુત્ર શેહજાદા સલિમના પ્રેમમાં છે, એ અનારકલીથી સલિમને છોડાવવાની ગરજને પગલે અકબરને પેલીને એક રાત માટે હિંદુસ્તાનની મલિકા બનવાની છુટ છાતી પર પથ્થર અને આંખોમાં લ્હાયલ્હાય શરમથી આપવી પડે છે. પોતાનો પરાજય એક બાંદીના હાથે થાય છે, એ સહન થતું નથી, એ હાવભાવ પૃથ્વીરાજ સિવાય તો ઇ.સ ૧૯૩૧-થી આજે ઇ.સ. ૨૦૧૬ સુધીની આખી ફિલ્મનગરીમાં એકે ય ઍકટર પેદા કરી શકે એમ નથી.

એ સંવાદ બોલાતો નથી, છતાં સિનેમાહોલમાં બેઠા બેઠા તમે એની આંખો વાંચી શકો કે, લજ્જાથી સ્વીકારવી પડતી હાર મૌતથી ય કેવી બદતર છે, એ પૃથ્વીરાજે બતાવ્યું છે. સલિમને ઝેરી ફૂલ સુંઘાડવામાં અનારકલી નિષ્ફળ જાય તો એની શું હાલત થશે, એ પ્રચંડ ગુસ્સા સાથે પૃથ્વીરાજ અનારકલીને બદલે આપણે બી જઇએ એવા અંદાજથી કહે છે, '... ઔર ઐસા ન હુઆ, તો... સલિમ તુઝે મરને નહિ દેગા ઔર હમ અનારકલી... તુઝે જીને નહિ દેંગે...!'

એ વાત તો સ્પષ્ટ છે કે, ફિલ્મ બ્લૅક-ઍન્ડ-વ્હાઇટમાં જ જોવાનો સંતોષ મળે. કલરના લપેડા દેખાઈ આવે છે, જ્યારે કૅમેરામેન આર.ડી.માથુરની શ્વેત-શ્યામ ફોટોગ્રાફી બેશક મનને હરી લે એવી સ્વચ્છ અને અદ્ભુત પણ હતી. પૂરી ફિલ્મમાં માત્ર આ ત્રણ પાત્રોએ જ બેમિસાલ અભિનય આપ્યો છે, એવું નથી. તટસ્થતાથી જુઓ ત્યારે હરખાઈ જવાય છે કે, બહાર (નિગાર સુલતાના), સંતરાશ (કુમાર), મહારાણી જોધા (દુર્ગાબાઈ ખોટે) કે સાવ થોડીવાર માટે આવીને જતી રહેતી અનારકલીની સખી સુરૈયા (શીલા દલાયા) પ્રેક્ષકોને પૂરજોશ વહાલા લાગે છે.

નૌશાદે પોતે કીધા મુજબ, એમની તો અંદાજ, આન, મધર ઇન્ડિયા, ઊડન ખટૌલા કે બૈજુ બાવરા કરતા ય 'મુગલ-એ-આઝમ'નું સંગીત સર્વોત્કૃષ્ટ કક્ષાનું હતું. નૌશાદ શું કામ, આપણે પણ કહેવું પડે કે, બહુ ઓછી ફિલ્મોના પૂરી ગીતો આટલી ઊંચાઈઓ પરથી સંભળાયા છે. આ એક ફિલ્મ માટે નૌશાદે બે-ત્રણ વર્ષ માટે કોઈ નવી ફિલ્મ સ્વીકારી નહોતી. ઉસ્તાદ બડે ગુલામઅલીખાં સા'બને બે ગીતો ગાવા માટે તૈયાર કરવામાં નૌશાદની પ્રતિષ્ઠા અને આવડત કામ કરી ગઈ.

મુહમ્મદ રફી અને લતા મંગેશકરને જ્યારે ફિલ્મનું એક ગીત ગાવાના  ૪૦૦/- કે ૫૦૦/- મળતા હતા, ત્યારે ફિલ્મ સંગીતને પોતાની તૌહિન સમજતા મહાન શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ બડે ગુલામઅલીખાંએ પરાણે જીદ લઇને આવેલા કે.આસિફને પાછા કાઢવાનો ભાવ 'એક ગીતના  ૨૫ હજાર... બોલો છે, મંજૂર ?' કીધા, એમાં તો આસિફે એ જ વખતે બે ગીતના અડધા ઍડવાન્સ પેટે  ૨૫ હજાર તો એ જ વખતે ચૂકવી દીધા. ફિલ્મના ૧૨ ગીતોમાંથી 'પ્યાર કિયા તો ડરના ક્યા...' ગીતમાં ટાઈમ બહુ બગડતો હતો.

નૌશાદે શકીલે લખેલા આ ગીતના બે સૅટ્સ તો રીજૅક્ટ કરી દીધા હતા. છેવટે નૌશાદના બંગલાની અગાસી ઉપર શકીલ-નૌશાદ સાંજના સમયે બેસી ગયા, તે બીજા દિવસે ઉઠયા. નૌશાદે આ ગીત ૧૦૦ વાર રિજેક્ટ કર્યું હતું. દરમ્યાનમાં નૌશાદને ઉત્તર પ્રદેશનું એક લોકગીત, પ્રેમ કિયા કા ચોરી કરી હે ? યાદ આવી ગયું, એના શબ્દોમાં થોડા ફેરફારો કરાવી એને ગઝલ બનાવીને ગીત કમ્પોઝ કર્યું. એ વખતે સાઉન્ડ-સીસ્ટમમાં ઈકો (પડઘો) આવે, એવી સગવડ ન હોવથી નૌશાદે લતા મંગેશકરને આ ગીત સ્ટુડિયોના બાથરૂમમાં ગવડાવી રૅકોર્ડ કરાવ્યું. આ ગીતમાં લતાનો સાથ આપનાર કોરસમાં કહે છે કે, ૧૦૦ ગાયિકાઓ હતી, તો કેટલાકને મતે મુહમ્મદ રફીના 'ઝીંદાબાદ, અય મુહબ્બત ઝીંદાબાદ' ગીતમાં પણ ૧૦૦ પુરૂષ ગાયકો હતા.

ફિલ્મ 'પાકીઝા'ની જેમ 'મુગલ-એ-આઝમ'માં પણ હજી બીજા બારેક ગીતા હતો, પણ ફિલ્મની લંબાઈ વધી જવાને કારણે કાપી નાંખવા પડયા હતા. એફ કૉર્સ, એ ગીતો મારા/તમારા સુધી કદી પહોંચ્યા નથી. ફિલ્મમાં લતા મંગેશકરના ગીત 'પ્યાર કિયા તો ડરના ક્યા..'ના શૂટિંગ પાછળ પૂરા  એક કરોડનો ખર્ચો થયો હતો. એ જમાનામાં કોઈ પણ 'આખી ફિલ્મ' વધુમાં વધુ  ૧૦-લાખમાં બની જતી.

'
મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...' ગીતમાં કોઈ પણ હિંદી ફિલ્મી ગીતમાં સૌ પ્રથમવાર એક સાથે દસ-દસ સિતારો વાગી છે અને બધી અલગ અલગ ઓક્ટૅવમાં ! સૌ સિતારવિદોના માસ્ટર તો 'મધુબન મેં રાધિકા...' વાળા ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાંસાહેબ જ હોય ! ઠૂમરી અંગમાં રચાયેલા આ નૃત્યગીતમાં મનમોહક-તનમોહક બાંસુરી વિશ્વવિખ્યાત પન્નાલાલ ઘોષે વગાડી છે.

નવાઈ લાગવી જોઇએ અને હજી તમે પકડી ય પાડયું નથી કે, આ ગીત 'મોહે પનઘટ પે...'માં એકલી લતા નથી ગાતી... સાથમાં ઉષા અને મીના મંગેશકરના અવાજો પણ છે. એવી જ રીતે મધુબાલા ઉપર થઇ શકાય એટલા પાગલ બનીને પાકિસ્તાનના ભૂતકાળના ભાવિ વડાપ્રધાન ઝૂલ્ફિકારઅલી ભૂટ્ટો ખાસ આ ગીતમાં મધુબાલાને જોવા કલાકો પહેલા સ્ટુડિયોમાં આવીને બેસી જતા... રોજ ! આ ગીતના નૃત્ય-નિર્દેષક લચ્છુ મહારાજ હતા.

ફિલ્મ 'ગીત ગાયા પથ્થરોં ને'ના સંગીતકાર રામલાલ (હીરાપન્ના) એ ફિલ્મ 'નવરંગ'માં 'તૂ છૂપી હૈ કહાં...'ની શેહનાઈ તો વગાડી જ છે, પણ અહીં 'ખુદા નિગેહબાન હો તુમ્હારા...' ગીતમાં મ્યુટ કરવામાં આવેલી શેહનાઈ રામલાલે જ વગાડી છે. રાગ યમનમાં સ્વરાંકન પામેલું આ ગીત ૧૯૬૭માં લતા મંગેશકરે એપ્રિલ-૧૯૬૭માં બહાર પાડેલી પોતાને ગમતા ૧૦ સર્વોત્તમ ગીતોમાં આ 'ખુદા નિગેહબાન'નો સમાવેશ કર્યો હતો. એ જ રીતે, લતાના 'બેક્સ પે કરમ કીજીયે, સરકારે મદિના' ગીતમાં રાગ કેદારમાં આમ જુઓ તો મુહમ્મદ પયગમ્બર સાહેબની નાત જ બનાવવામાં આવી છે. નાત એ ખુદાની બંદગીનો એક પ્રકાર છે. નૌશાદ ધી ગ્રેટ સંગીતકાર નવા નવા પ્રયોગો કરવામાં આદરણીય નામ હતું.

ફિલ્મ 'આન'ના રૅકોર્ડિંગ માટે દિલીપકુમાર અને મેહબૂબ ખાન સાથે લંડન ગયા ત્યાંથી આ ટૅકનિક શીખી લાવ્યા કે, દરેક વાજીંત્રવાદકને અલગ અલગ માઈક્રોફોન મળે, જેથી સાઉન્ડ-ક્વૉલિટી ઉત્તમોત્તમ આવે. નહિ તો અત્યાર સુધી ગાયકો પણ બધા સંગીતકારો સાથે એક જ માઇક વાપરીને રૅકોર્ડિંગ કરાવતા હતા. અહીં જેમ, 'ખુદા નિગેહબાન'માં ઇકો-ઇફૅક્ટ લાવવા જતા મંગેશકરને બાથરૂમમાં ઉભી રાખીને રેકોર્ડિંગ કરાવ્યું હતું, એમ એ જ લતાના 'ઊડન ખટૌલા'ના ગીત, 'મોરે સૈંયાજી ઉતરેંગે પાર'માં નૌશાદે ઇન્ટરલ્યૂડ મ્યુઝિક (સ્થાયી અને પહેલા અંતરા કે બન્ને અંતરાઓ વચ્ચે વાગતું સંગીત)માં કેવળ કોરસ પાસે વાજીંત્રોનું કામ લીધું છે, અર્થાત ત્યાં વાજીંત્રોને બદલે કોરસની છોકરીઓ જ ગાય છે.

આવો પ્રયોગ ઓ પી નૈયર પણ કરી ચૂક્યા છે. 'થોડા સા દિલ લગા કે દેખ...' પછી 'પરરમ્પમપમ્પમ્પા' મુહમ્મદ રફી પાસે સ્વરાંકનના બોલ ગવડાવીને કમાલ કરી હતી. ફિલ્મ હતી 'મુસાફિરખાના', જેમાં પરદા પર જ્હૉની વૉકર અને અભિનેત્રી શમ્મી ગાય છે. 'મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...' ગીત મૂળ તો ગુજરાતના સન્માન્નીય સ્વ. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનું સર્જન હતું અને એના હક્કદાવા માટે તેઓ કોર્ટે ચઢ્યાનું ય સ્મરણ છે. અમદાવાદ આવેલા સંગીતકાર નૌશાદને આ વિવાદનો સવાલ મેં જાહેરમાં પૂછ્યો હતો, ત્યારે એમણે જાણે કશું બન્યું નથી, એવા અંદાજથી, '...નહિ નહિ...વો બાતેં તો પુરાની હો ચુકી !' કહીને ઊડાવી દીધો હતો.

(
બીજો ભાગ આવતા અંકે)

1 comment:

Anonymous said...

Jewel