Search This Blog

01/01/2017

ઍનકાઉન્ટર : 01-01-2017

* રાહુલ બાબાના લગ્ન ક્યારે થશે?
– ભારતીય બંધારણ બાળલગ્નોને મંજૂરી નથી આપતું.
(સલૌની આર. શાહ, રાજકોટ)

* તમને જમવામાં સૌથી ઓછું શું ભાવે?
– ઘરનું બધું જ! ...કારણ કે, ત્યાં ‘જમવામાં’ ધ્યાન રાખવું પડે છે!
(જયેશ અંતાણી, ભાવનગર)

* અમને શ્રી નરેન્દ્ર મોદીની ક્ષમતા ઉપર પૂરો વિશ્વાસ છે. એમની લોકપ્રિયતા વધી છે, ઘટી નથી. સુઉં કિયો છો?
– ‘આપણું તો... કંઇક કહો...!’
(મયૂર એમ. વાળંદ, ભૂજ–કચ્છ)

* જન્માષ્ટમીમાં કેટલા જીત્યા...?
– અમે ભોળુંડાઓ એક રૂપીયે – પોઇન્ટ રમનારા... અમે જુગારીઓને ન પહોંચીએ !
(હર્ષદીપ મેહતા, રાજકોટ)

* ગુજરાતમાં ઉજવાતો ‘ગણેશ મહોત્સવ’ ખરેખર શું દિલથી ઉજવાય છે?
– દરેક તહેવારમાં કેવળ ભક્તિ જોવા જઇએ ને ઉલ્લાસ–મસ્તી ભૂલી જઈએ, તો ઊજવણીનો જુસ્સો નરમાઇ જાય...! ઇશ્વરનું નામ બોલાતું રહે, એ કાફી છે !
(જીત પટેલ, વડોદરા)

* કાશ્મિરની સમસ્યા માટે શું નેહરૂ ખરેખર જવાબદાર છે?
– ખોટેખોટાની જરૂર નથી, બાકી ખરેખર તો નેહરૂ જવાબદાર ખરા ! (એ પોતે જન્મે કાશ્મિરી પંડિત હતા... અને આજે જુઓ, એકે ય કાશ્મિરી પંડિત કાશ્મિરમાં રહી શકે છે ?)
(દેવવ્રત જોશી, વડોદરા)

* ગુજરાતીઓ વિશ્વના ખૂણે ખૂણે વસતા હોવાથી, ગુજરાત હવે એક રાષ્ટ્ર બની જાય તો ?
– મને કોઇ વાંધો નથી.
(રાહુલ કણબી, ભાવનગર)

* અત્યારની લાઇફમાં લવ–મૅરેજમાં સાચો પ્રેમ હોય છે ખરો ?
– ટ્રાય કરવાનો ચાન્સ મળે તો કહું.
(જીગર પી. દોશી, વિરમગામ)

* તમારા લેખોમાં, તમારો તકીયા–કલામ ‘સુઉં કિયો છો? અવશ્ય વપરાય છે. શું આ તમારા મનગમતા શબ્દો છે?
– આમાં ‘હું’ નહિ, ‘તમે’ શું કહો છો, એ સંસ્કાર પર ભાર મૂકવામાં આવ્યો છે... (એ વાત જુદી છે કે, આપણા સહુમાં ‘હું’ શું કહું છું, એ જ મહત્વનું હોય છે... બીજા નહિ !)
(જીજ્ઞાસા માંકડ, મુંબઈ)

* વ્રતો કરવાની ટેવ સ્ત્રીઓને કેમ પડી હોય છે?
– પુરૂષોને ય પડી હોય છે ! ભરયુવાનીમાં મેં એક વ્રત રાખ્યું હતું કે, ‘આજીવન અન્ય કોઇ સ્ત્રી સામે નહિ જોઉં... !’ પણ અઅ લોકો એમ કાંઈ વ્રત પાળવા દે છે ?
(દિલીપ સુથાર, દેવકાપડી – ભાભર)

* તમારા ઘરે તમારા સાસુ કાયમ માટે રહેવા આવી જાય તો?
– ચોક્કસ આવે. આ એમનું ય ઘર છે... હું પછી ગમે ત્યાં મારું ગોતી લઇશ...!
(ચાંદની સરડવા, રવાપર–મોરબી)

* માનવીને મૃત્યુનો ડર શા માટે હોય છે?
– મર્યા પછી કોઇ ઝાડ ઉપર રહેવા જતા રહેવું પડે છે, માટે !
(દીપક પંડ્યા, બિલિમોરા)

* જેઠાલાલ બબિતા અને દયા સિવાય ગોકુલધામની બધી સ્ત્રીઓને ‘ભાભી’ કહીને બોલાવે છે. સુઉં કિયો છો?
– એમાં મારી ‘હા’ સમજવી.
(હેતાશી જે. સુથાર, પાલનપુર)

* હાસ્યલેખકોમાં પુરૂષો બહુમતિમાં કેમ?
– આ ફરિયાદ છે કે જીવ બાળો છો ?
(દિપક આશરા, ગાંધીનગર)

* આપે મોદી સાહેબને ખુલ્લો પત્ર લખ્યા પછી એમણે શું જવાબ આપ્યો ?
– ખાસ કાંઈ નહિ... બે જુદી જુદી સર્જીકલ–સ્ટ્રાઇકો કરી નાંખી.
(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

* યોગથી સર્વ રોગો દૂર થાય છે, એવું કહેતા બાબા રામદેવ દવાઓ કેમ વેચે છે?
– એ એમ પણ કહે છે કે, આ યોગસાધના કરી શકો તો દવાઓ લેવાની જરૂર નહિ પડે !
(આસુતોષ સાંખલા, ડીસા)

* પોતાની પત્ની હોવા છતાં બીજાની પત્ની ઉપર નજર રાખનાર જેઠાજીની સીરિયલ કૉમેડી બની ગઇ. કોઇ સ્ત્રી આવું કરે તો સમાજ એને કોમેડી ગણશે?
– મને તો ‘આવું’ કરનારી કોઇ સ્ત્રી મળી નથી....!
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* તમારા જૂના મિત્રો જેન્તી જોખમ અને પરવીણ ચડ્ડી હવે દેખાતા કેમ નથી ?
– જેન્તી તો હું અમેરિકા હતો ત્યારે જ ગૂજરી ગયો હતો... અને પરવિણ નથી ગૂજર્યો !
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* યુરોપ–અમેરિકાની સરખામણીમાં આપણા દેશનું અનાજનું ઉત્પાદન ઘણા નિમ્નસ્તરનું છે, છતાં ‘મેરે દેશ કી ધરતી, સોના ઊગલે, ઊગલે હીરે–મોતી’ કેમ ?
– ધ્યાનથી સાંભળીને કહો. એ ગીતમાં ક્યાંય ‘કઠોળ ઊગલે’ કે ‘ઘઉં–ચોખા ઊગલે’ લખ્યું છે ?
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* તમારે પણ દરેક કામ ઘરવાળીને પૂછીને કરવું પડે છે?
– એવું કાંઇ નહિ ! કામ એવું હોય તો કામવાળીને ય પૂછી લેવાનું !
(નરેશ વી. પટેલ, વડોદરા)

* રામ અને શ્યામમાં શું તફાવત છે?
– ઐ તો સીતા અને રાધાને પૂછવું પડે... આપણું વચમાં કામ નહિ !
(જસુ આહિર, સુરત)

* મારો ત્રણ વર્ષનો બાબો મને અત્યારથી ખખડાવે છે. તમને શું લાગે છે ?
– લગ્ન થયે ચાર જ વર્ષ થયા... ?
(બ્રિજેશ પારેખ, મુંબઈ)

* અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે મોદીના સંબંધો કેવા રહેશે ?
– એ તો એક વાર દહીનું મેળવણ માંગવા જઈએ, પછી ખબર પડે !
(રાજ દેસાઇ, સુરત)

No comments: