Search This Blog

11/01/2017

ગાડી ધૂએ કોણ...?

અમે લોકો પોતે નિયમિત નહાતા નથી અને ઘરની ગાડી ધોવાની અમારા માથે હોય, એ જરા વધુ પડતું છે. યાદ રહેતું નથી, એમાં ગાડી ઉપર 'લાઇફબૉય' ઘસી નાંખીએ છીએ અને નહાતી વખતે અમારા બદન ઉપર કમ્પાઉન્ડમાં ફૂલ સ્પીડના ફૂવારા મારીએ છીએ. આમને આમ જ અમે લોકો લાઇફોમાં આગળ આવતા નથી. ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં જિલ્લે ઇલાહી શહેનશાહ મુહમ્મદ જલાલુદ્દીન અકબર હાથી ઉપર બેસીને મેદાને-જંગમાં ઉતરે છે અને સલિમ સામે જીતીને આવે છે.

હું મૅકડૉનાલ્ડ્સમાં એક એક બર્ગરની શરત સાથે કહી શકું છું કે, યુદ્ધે જતા પહેલા કે આવ્યા પછી શહેનશાહને રોજ એ હાથીને નવડાવવા બેસવું પડતું હોત તો એ યુધ્ધ હારીને આવત ! હું પણ મારી વાઇફને બોઇંગ-વિમાન ગિફટમાં આપી દઉં એવો પ્રેમાળ હસબન્ડ છું, પણ રોજ પાર્કિંગમાં ઊભું રાખીને એ વિમાનને ધોવાનું કામ આપણું નહિ !

ખૈર, વિમાન-ફિમાન સુધી તો વાત ક્યાં લઇ જવી, અમે તો ઘરની ગાડી રોજ કોણે સાફ કરવી એ મુદ્દે ગૂગલ સુધી પૂછી આવ્યા, પણ ક્યાંય જવાબ સરખો મળતો નથી.
'
અસોક...આ હું આખો 'દિ તમારી ગાડીયું ધોવા નવરી નથ્થી કાંય...! રોજ હલાવવાની તમારે ને સાફ અમારે કરવાની ?''

આ બાજુ અમારા કૂંવર પણ ગાડી ચલાવતા જ શીખ્યા છે.. ધોતા નહિ ! એની વાઇફ કૂંવરને અચ્છી પેઠે ધોઇ નાંખે છે, એટલે ગાડી ધોવાનો ટાઇમ તો એને ય ન હોય ને અમારામાંથી કોઇની એને કહેવાની હિંમતો ય નહિ ! હા.

ઉતાવળમાં હોય એટલે વહુને પોતાની ગાડી ધોવાનો ટાઇમ ન હોય ને આ બાજુ હું વળી નવરો, એટલે વ્યવહારમાં ના ય ન પડાય ! પછી તો બન્ને ગાડીઓ હું જ ધોતો હોવાથી આજુબાજુની સોસાયટીવાળા ય આવતા-જતા જુએ ને ઊભા રહે, '''ઇ... સુઉં લે છે એક ગાડી ધોવાનું ?'' એવી વ્યાપારી પૂછપરછો થતી રહે. હું જરા અકળાઇને કહી દઉં, ''રોજના હજાર રૂપિયા...''

''
ધોવાનો ભાવ બોલ... ધોઇ નાંખવાનો નહિ !'' આવે વખતે મારી વાઇફ મને બચાવવા ચોક્કસ આવે અને પેલાને ખખડાવી નાંખે, ''આ માણસ તમને ગાડી ધોનારો લાગે છે...? જરા પૂછો તો ખરા... સીધા જ હાલ્યા આવો છો ?'' પછી પેલો આઠ-દસ પગલાં આઘો જાય એટલે ઝાંપે બન્ને હાથ ટેકવીને વાઇફ પેલાને બોલાવશે, ''આટલામાં રિયો છો...? ઠીક, તો તમને પાંચસોમાં ધોઇ નાંખશે... આઇ મીન, ધોઇ આપશે.''

''
બેન... અમારે ટ્રાવેલ્સનો ધંધો છે. અમારે આખેઆખી બસ ધોવડાવવાની હોય... પાંચસો તો આખું ગૅરેજ ધોવાના ય કોઇ ના આલે... આ તમારા માણસને પૂછી જુઓ, બસ્સો રૂપિયા લેખે રોજની બાવીસ ગાડીઓ ધોવાની હોય છે... ફાવતું હોય તો કાલે મોકલી દો.''

આમ પાછો, ડાબી બાજુથી મને જુઓ તો હું ગાડી ધોનારા જેવો લાગું ય ખરો. પણ હવે કાંઇ આપણી એવી ઉંમરો હોય ને એવા સ્ટેટસો હોય કે, ગામની ગાડીઓ ધોઇ આપવાના કૉન્ટ્રાક્ટો લઇએ....? રીટાયર થઇ ગયા પછી જે મળે તે મને ત્રણ સલાહો આપતું હોય છે. એક તો, રોજ બે કલાક ચાલવાનું રાખો. બીજું, હવે રંગીન ટી-શર્ટ્સ અને જીન્સો ન પહેરાય અને ત્રીજું, પેટ ઉતારો.

પેટ બાબતે મને બહુ સમજ પડતી નથી કે, એ મને ક્યાંથી પેટ ઉતારવાનું કહે છે. એક જમાનામાં રેલ્વેના ડબ્બામાં અપર-બન્ક પરથી કોકના છોકરાને ઉતારવાનું કામ ગમતું, જો એની મા... આઇ મીન, એની મા બહુ લાગણીશીલ હોય !

બે કલાક ચાલવા અને પેટ ઉતારવા માટે રોજેરોજ ગાડી ધોવાની ઍક્સરસાઇઝ બહુ ફાયદેમંદ, એમ જાણકારો કહે છે... જાણકારો એટલે આરોગ્યના નહિ, ગૅરેજોના ! કહે છે કે, ગાડીને ભીનાં પોતાં મારવા ઉપરાંત પાણીના ફૂવારા મારવાથી શરીરને અનેકગણું કષ્ટ પડે છે. વાંકા ય બહુ વળવું પડતું હોવાથી પેટની ચરબી તો ઘટે જ છે અને ખાસ તો રોજના બસ્સો રૂપિયા બચે છે...!

આટલો લેખ વાંચી લીધા પછી વાચકો મુદ્દો ઉઠાવશે કે, આમ ગાડાં લઇને ફરો છો ને એક નોકર રાખી લેતા ચૂંક આવે છે ? ગાડી આપણે ધોવાની જ શેની હોય...એને માટે બસ્સો-પાંચસોનો નોકર રાખી લેવાનો હોય !
ઓ ભાઈ, આટલી બધી દયા આવે છે તો એક નોકર લાવી આપો ને !

હું પર્સનલી ગાંધીનગર જઇને મિનિસ્ટર પાસે ચિઠ્ઠો લખાવી આવ્યો, જેમાં સદરહૂ નોકર ઉપર મારી ગાડી ધોવાની ભલામણ હતી અને મારૂં કૅરેક્ટર-સર્ટિફિકેટ પણ મિનિસ્ટરે લખી આપ્યું હતું. મારે બે ગૅરન્ટરો લાવી આપવાના હતા, જેથી વચમાં હું ક્યાંક ઢપ થઇ જઉં તો ગાડી ધોનાર નોકરને મારા બાકીના પૈસા પેલા જામિનો ચૂકવી દે.

હારેલો રાજવી જીતેલા રાજાને બધું લખી આપે, અમે મેં સહિ-સિક્કા કરી આપ્યા. એક સવારે હું નીચે પાર્કિંગમાં ગયો તો ત્યાં ગાડી કે નોકર-બેમાંથી એકે ય નહિ. હું ધાર્યા કરતા વધારે ડરી ગયો કે, ગાડી તો બીજી આવશે, પણ નોકર કાઢશું ક્યાંથી ?

વળી કરારપત્રમાં લખ્યા મુજબ, જો મારી ગાડી સાફ કરતા મજકુર નોકરને કોઇ નુકસાન થાય કે અવસાન થાય તો એની સઘળી જવાબદારી મારા શિરે રહેશે, એવું સ્પષ્ટ લખ્યું હતું. (અલબત્ત, ચાલુ કૉન્ટ્રાક્ટ દરમ્યાન હું ઉકલી જઉં, તો નોકરે સામે કાંઈ આપવાનું રહેશે નહિ, એ પહેલી અને મુખ્ય શરત હતી. મેં કાળજીપૂર્વક એ શરત કઢાવી નાંખી હતી કે, જો મને કાંઇ થઇ જાય, તો મારા ગયા પછી મારા કુટુંબની જવાબદારી સદરહૂ નોકરને શિરે રહેશે... એ બિચારો મરી જાય ને ! આ તો એક વાત થાય છે !)

હું ચિંતામાં કમર ઉપર હાથ મૂકીને આવતા-જતા રોડ ઉપર ભયભીત ચહેરે જોવા માંડયો. એ ન આવ્યો. ચિંતા વધી. તો ય એ ન આવ્યો. પછી સાંજ પડી. કન્ફર્મ થયું કે, મારી ગાડી અને નોકર બન્ને ગયા. પોલીસમાં ખબર આપવી કે નહિ, એ ફફડાટ હતો. ગાડી ધોવડાવવા માટે મને નોકર પોસાય છે, એવી બાતમી ઇન્કમટૅક્સને મળી જાય પછી એ લોકો મને કાંઇ છોડે ? બહુ કમાયો લાગે છે... (હું... મારો નોકર નહિ!)

વાઈફને સલાહો આપવી બહુ ગમે-જો એ મને આપવાની હોય તો ! આપી કે, આવેલું સંકટ ગળી જવું. 'એક નોકર સાચવી શકતા નથી ને મોટા ગાડા લઇને ફરે છે,' એવી બદનામીનો અમને સહુને ડર હતો.
મૂંગા મર્યા પછી ય, છેક ત્રીજે દિવસે એ આવ્યો, મારી ગાડી સહિસલામત લઇને !
''
જોરૂ અને બચ્ચાઓને લઇને રાજસ્થાન ગયો'તો, સા'બ...! આપ કો મોબાઇલ પે બો'ત મૅસેજ દિયે. .ઉઠાતે હી નહિ....!''

આ ઘટના પછી ખબર પડી કે, એ મારે ત્યાં ડ્રાયવર તરીકે રહ્યો એ પછી એના યારદોસ્તોને લઇને રોજ સવારે રિવરફ્રન્ટ પર લટાર મારવા જતો. એને ખુલ્લી હવા અને નદીનું પાણી બહુ ગમે. સવારે છ થી આઠના એણે કલાસીસ પણ શરૂ કર્યા હતા, ડ્રાઇવિંગ શીખવવાના ! એ પૂરતું એ પેટ્રોલ પણ ભરાવી લેતો. હું દસ વાગે ગાડી લઇ જઉં, ત્યારે ગાડી અપ-ટુ-ડેટ મળે !

એને સાલાને કાઢી મૂકવો એક જ કારણે પડયો કે, રોજ મને કોક ને કોક વૉટ્સઍપ મળે, ''બોલો આજે તમે ગાડીમાં ભાભીને લઇને ગાંધીનગર નીકળ્યા'તા ને ?''
એમાં દરેક વૉટ્સઍપૅ ફક્ત ગાંધીનગર બદલાય અને ભાભી બદલાય !

સિક્સર
રાજકોટના તદ્દન નવાનક્કોર કવિ પારસ એસ.હેમાણીએ કોઇ ઉશ્કેરાટમાં અદ્ભુત શબ્દો લખી નાંખ્યા,
''
રૂખામાં હીંચકે ઝૂલતી નિવૃત્તિ.''

No comments: