Search This Blog

19/11/2017

ઍનકાઉન્ટર : 19-11-2017

* રાહુલ ગાંધીના એકના એક ભાષણો અંગે શું માનો છો ? એમની પાસે ભાજપ કે મોદી સિવાય બીજો કોઇ સબ્જૅક્ટ જ નથી ?
- કેટલાકને તો ૬૦ પછી બુદ્ધિ જાય છે...
(
વિશ્વા પુરંજય જહા, મુંબઇ)

* તમને બહુ મોટો અફસોસ થયો હોય, એવી કોઈ ક્ષણ આવી છે ખરી ?
- હા. મારે લીધે ઘણાને આવી છે.
(
મીતા એમ. વસ્તાણી, રાજકોટ)

* હમણાં હમણાં કેજરીવાલ ટીવી પર દેખાતા કેમ નથી ?
- શું જોયા વિનાના રહી ગયા છો તે ...!
(
રણછોડભાઈ પોદીયા, મજેવડી)

* કોંગ્રેસ આવશે ખરી ?
- કોઇ કબ્રસ્તાનના ઝાંપે ય એ લોકો આવું પાટીયું મારી બેઠા હતા, 'કોંગ્રેસ આવે છે...!'
(
જયદીપ સુરેખા શાહ, સુરત)

* પાકિસ્તાનની જેમ ચીનને ય ઠમઠોરવાની જરૂર લાગતી નથી ?
- પાકિસ્તાનને ય ક્યાં ઠમઠોર્યું છે ?
(
બાબુભાઈ કે. દવે, અમદાવાદ)

* સુંદર સ્ત્રી કોને કહેવાય ?
- જે આપણને લાગતી હોય એ.
(
પરેશ સી. મોદી, વડોદરા)

* અડવાણીજી હજી 'વૅઇટિંગમાં' જ ....?
-  હા...એવી ઉંમર તો થઇ કહેવાય ! પ્રભુ એમને દીર્ઘાયુ બખ્શે.
(
સલમાબાનુ મણિયાર, વિરમગામ)

* રાધે મા વિશે શું માનો છો ?
-  બીજા એમને તેડે...ને આપણે જોયે રાખવાનું.
(
ગૌતમ આર. પારેખ, સુરત)

* સ્ત્રી રિસાય, તેને મનાવવાનો આનંદ અનોખો હોય છે. શું માનો છો ?
- એવા કામ હજી સુધી કોઇ મને સોંપતું નથી. સોંપે પછી કાંઇ માનું.
(
ભરત ડી.સાંખલા, ડિસા)

* ...?
-  તમે માત્ર એક સવાલ પૂછો. આખું પોસ્ટકાર્ડ ભરીને નિબંધો કે તમારી જીવનયાત્રા ન લખો. પોસ્ટકાર્ડ ફરી શરૂ કરવાનો આ જ એક ખૌફ હતો અને હજી છે કે...વાચકોને ઉગ્રપણે સમજાવવા છતાં લાંબા લાંબા પોસ્ટકાર્ડ ભરી દે છે. હવે, આ પોસ્ટકાર્ડ પ્રથા ફરી બંધ કરવી કે કેમ, તે અમે વિચારીએ છીએ.
(
કૃષ્ણકાંત રાવલ, જામનગર)

* પ્રજાને નેતાઓ, સાધુબાવાઓ કે ફિલ્મોવાળા ક્યાં સુધી ઉલ્લુ બનાવતા રહેશે ?
-  તમે ટીવી ન્યુસવાળાઓનું નામ લખવાનું ભૂલી ગયા...
(
જ્યોત્સના પ્રજાપતિ, વાંકાનેર)

* રસ્તા ઉપર રખડતી ગાયો જોવા મળે છે..ભેંસો કેમ નહિ ?
- મા..ય ગૉડ ! તે તમે ખાસ ભેંસો જોવા લીમડીથી દાહોદના પ્રવાસો કરો છો ?
(
સૈફી લીમડીવાલા, દાહોદ)

* પત્નીઓ પતિને બદલે પર્સને હાથમાં કેમ રાખતી હશે ?
-  તો પછી પગમાં શું રાખવું ?
(
દિનેશ આર. જોશી, દહીંસર)

* સરેરાશ આતંકવાદીઓ કરતા આપણા સૈનિકો મોટી સંખ્યામાં શહીદ થાય છે..છતાં આપણે ચૂપ ?
-  આપણે નહિ...સરકાર !
(
સરવરખાન ફિરંગી, સુરત)

* યુગો બદલાઇ જવા છતાં માણસોની દાનત કેમ નથી બદલાતી ?
-  આપણે ત્યાં વેચેલો માલ પાછો લેવામાં આવતો નથી.
(
સંધ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

* 'ઍનકાઉન્ટર'માં સવાલ પૂછવા હું ૫૦- પોસ્ટકાર્ડ્સ લઈ આવ્યો...
-  બસ. મહિને એક પોસ્ટકાર્ડ વાપરજો.
(
ધીમંતભાઈ નાયક, બારડોલી)

* જાહેર ફંકશનોમાં તમારી સાથે યુવતીઓ કરતા સ્ત્રીઓ વધારે ફોટા પડાવે છે, એવું કેમ ?
-  તમે સ્ત્રી છો કે યુવતી...ખબર કેવી રીતે પડે ?
(
વૃંદા સૌરભ કપાસી, અમદાવાદ)

* ઈસ્લામ ધર્મના ધાર્મિક નેતાઓ હિંદુઓથી દૂર શું કામ રહે છે ? શું આપણે બધા એક જ પરમેશ્વરના સંતાનો નથી ?
- ભારતમાં હિંદુ કે મુસલમાન જુદા શબ્દો નથી. બન્નેનો ભેગો મળીને 'હિંદુસ્તાન' શબ્દ બન્યો છે.
(
દિવાન ઈબ્રાહિમશા ઉસ્માનશા, કરજણ)

* ધાર્મિક બાબાઓથી દેશની જૅલો ભરચક થઇ રહી છે. તેમના ત્યાં જવાથી ગૂન્હેગારો સુધરી જશે ?
-  નહિ સુધરતા હોય...પણ ત્યાં સુધી દેશમાં કેટલી શાંતિ રહે છે, એ નહિ જોવાનું ?
(
મીના નાણાવટી, રાજકોટ)

* મોબાઇલ ન હોય તો શું થાય આ દેશનું ?
-  પર્સમાં મોબાઇલને બદલે સાબુનો લાટો રાખવો..કામ તો સામેવાળાને ધોઇ જ નાંખવાનું છે ને ?
(
આમિના, મારીયા, અમદાવાદ)

* ટીવી- પરના 'રસોઈ શો'માં બહેનો શાકભાજી- મસાલાના ઇંગ્લિશ નામો બોલે છે..એમને ગુજરાતી નહિ ફાવતું હોય ?
-  એ બહેનો ય શીખ્યા હોય અંગ્રેજી પુસ્તકોમાંથી ને ઘરમાં ગોરધન ગુજરાતી કરી આલે નહિ...
(
રમેશ બલસારા, વડોદરા)

* અકસ્માત સર્જીને સર્જનહાર ભાગી કેમ જાય છે ?

-  એ તમે જેને ભાગતો જુઓ છો, એ કાળુસિંઘ નથ્થુસિંઘ ડ્રાઇવર હોય છે...તમારો સર્જનહાર નહિ !
(
નૈષધ દેરાશ્રી, જામનગર)

No comments: