Search This Blog

30/10/2011

ઍનકાઉન્ટર : 30-10-2011

* લગ્નને પ્રભુતામાં પગલાં પાડ્યા કહેવાય,તો છુટાછેડાને ?
- ઊલટા પગલાં.
(એ. પી. પંચાસરા, રાજકોટ)

* પ્રેમી અને પાગલ વચ્ચે કોઈ તફાવત ?
- એ તફાવત પ્રેમી શોધી શકે... પાગલને નહિ ખબર પડે ! 
(‘રાજ’ રોહિત, લાંભવેલ) 

* અશોક દવે અને બિરબલ વચ્ચે કેટલો ફેર ?
- બિરબલને ફક્ત બાદશાહને ખુશ કરવાના હતા... મારે પ્રજાને ! 
(મંજુલા પરમાર, ગાંધીનગર) 

* રોજ ચા પીધા પછી તમે શર્ટ બગાડો છો, તો બા ખીજાતા નથી ?
- હવે તો સુધર્યો છું. પહેલાં તો ચા હું પીતો ને શર્ટ બીજાનું બગાડતો ! 
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ) 

* ત્રણ ગુજરાતી બિગ શોટ્‌સ, મયૂર માધવાણીને મુમતાઝ, અનિલ અંબાણીને ટીના મુનિમ અને જય મેહતાને જુહી ચાવલા મળી, તો તમને ડિમ્પલ કેમ ના મળી ?
- આવું સમાજ ડિમ્પલને સંભળાવે છે... ખન્નો ગબડ્યો... સની દેવલો ય વાવટા ફરકાવી ન શક્યો... અને હવે અશોકજી પણ...??? 
(પી. આર. નાણાવટી, જામનગર) 

* શું રૂપાળી છોકરી સાથે સગાઈ કરવામાં જોખમ કહેવાય ?
- એને મારે કહેવાય. 
(દીપ પરીખ, રાજકોટ) 

* ડૉકટર, વકીલ કે પોલીસ એમના યુનિફોર્મથી ઓળખાય, પણ લેખકને કેવી રીતે ઓળખવા ?
- એમના જેવી જ કૉલમ લખતા બીજા લેખકના વખાણ કરી જોવા... લેખક તો નહિ ઓળખાય, પણ એમાંનો ‘માણસ’ ઓળખાઈ જશે ! 
(મઘુકર પી. માંકડ, જામનગર) 

* હિસ્સારની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસની બેરહેમીથી આવી ધોલાઈ...?
- કૉંગ્રેસે જે ઈજ્જત ભેગી કરી છે,એ પછી પોળ કે સોસાયટીની ચૂંટણીમાં એના આ જ હાલહવાલ થાય ! 
(પ્રશાંત મેહતા, સુરત) 

* રસ્તાઓ ઉપર ઢોરોનું સામ્રાજ્ય છે. શું કરવું જોઈએ ?
- ઢોરોએ બસ.. વિવેક રાખવો જોઈએ. 
(દેવેન્દ્ર એસ. શાહ, વડોદરા) 

* ઘરવાલી અને બાહરવાલી વચ્ચે શું ફેર ?
- ઘરવાળીમાં છોકરાનું નામ આપણે પાડવાનું હોય છે. 
(ચતુરભાઈ પોસ્ટમૅન, અંકલેશ્વર) 

* દિલની લાગણીઓ વેરાન થઈ ગઈ છે. ફરીથી વસંત મહેકાવવા શું કરવું ?
- રોજ છાતી ઉપર યુરીયાનું ખાતર નાંખીને સુઈ જાઓ. 
(સુમન વડુકુળ, રાજકોટ) 

* ઐશ્વર્યા રાય મમ્મી બને, ત્યારે હું કાંઈ મદદ કરી શકું, તેવી ઈચ્છા છે.
- એના ડૉકટરનું બિલ તમે ભરી દેજો. 
(શ્રીમતી ભારતી મહેશ, નડિયાદ) 

* ગોરધન શ્યામળો લાગતો હતો, પણ લગ્નના આટલા વર્ષો પછી શું ફરક પડે ?
- ‘શ્યામ રંગ સમીપે ન જાઉં...’ એ અમલ આટલા વર્ષો પછી શરૂ થાય તો ફરક પડે ! 
(ડો. પ્રવિણગિરી ગોસ્વામી, પોરબંદર) 

* ‘પતિ’ અને ‘પરમેશ્વર’ વચ્ચે શું તફાવત ?
- પરમેશ્વરને આખું ગામ અન્નકૂટ ધરાવે...! 
(શ્રીમતી જાગૃતિ ગોસ્વામી, પોરબંદર) 

* કોંગ્રેસને હવે આરામની જરૂર છે, એવું નથી લાગતું ?
- મુડદે કી જાન ખતરે મેં હૈ...! 
(મહેશ એસ. ચૌહાણ, કઠલાલ) 

* હવે લાલકૃષ્ણ અડવાણી ય પોતાને વડાપ્રધાનપદના ઉમેદવાર માને છે...!
- ઘો મરવાની થાય ત્યારે... 
(પન્ના વૈ. શાહ, અમદાવાદ) 

* ‘ફૂલડાં ડૂબી જાય છે ને પથરાં તરી જાય છે... એવું શીદ ને થાય છે ?’
- કવિતામાં એવું થાય, વિજ્ઞાનમાં ના થાય. 
(ગોધરા સબ જેલના કૈદીભાઈઓ, ગોધરા) 

* જ્યારથી ઍનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટો જેલમાં બંધ છે, ત્યારથી ગુજરાતમાં આતંકવાદીઓ આવતા બંધ થઈ ગયા છે... શું કારણ ?
- નેટવર્ક પકડાતું નથી ! 
(નાઝનીન એ. સૈયદ, વડોદરા) 

* તમે નસીબમાં માનો છો ?
- ‘ઍનકાઉન્ટર’ જેવી કૉલમ પણ ચાલી... એટલે માનવા માંડ્યો છું. 
(હાર્દિક યતીશભાઈ પરીખ, સુરેન્દ્રનગર) 

* માણસ મૃત્યુ પામ્યો ક્યારે કહેવાય ?
- એને સ્મશાનમાં બાળી આવે ત્યારે. 
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ) 

* ગયા શ્રાવણ માસમાં ૧૬- પોલીસકર્મીઓને જીલ્લા પોલીસવડાએ બાલદાઢી વધારવાની છૂટ આપી હતી... નેતાઓ માટે આવી કોઈ મંજૂરી જરૂરી નહિ ?
- એ લોકો મંજૂરી માંગે તો, પેલા ૧૬-જણાઓ માથે તોલું કરાવવાની નવી મંજૂરી માંગશે ! 
(જયશ્રી વી. દવે, ગાંધીધામ- કચ્છ) 

* આપ જામનગરને ખૂબ ચાહો છો.. કોઈ કારણ ?
- ત્યાંની સ્ત્રીઓને મારૂં લોહી બહું ભાવે છે...! 
(બાલુભાઈ જે. સંપટ, મુંબઈ) 

* ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર ગણી લેવાય તો ?
- હઓ.. મને વાંધો નથી. 
(સલમા મણીયાર, વીરમગામ) 

* આપની સાથે બદતમીઝીથી પેશ આવનાર સાથે આપ કેવો વ્યવહાર કરો છો ?
- પોરસ રાજાએ સિકંદર સાથે કર્યો હતો એવો ! 
(શ્રીમતી કરૂણા પટેલ, વડોદરા) 

* માના પગ નીચે જન્નત છે, તો બાપના પગ નીચે ?
- જન્નતની રખેવાળી. 
(ઝહેરા મુનિમ, નાસિક- મહારાષ્ટ્ર) 

* કવિ અખાએ લખ્યું હતું, ‘અમારા તો આટલા અંધારે ગયા, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા ?’ આ તમારા સંદર્ભે લખાયું હોય, એવું નથી લાગતું ?
- સ્વ. ડાહ્યાલાલ દવે એમની દીકરી મારી સાથે પરણાવ્યા પછી સ્વયં અંધાર ગયા હતા, એટલી ખબર છે. 
(રણધીર દેસાઈ, સુરત) 

* તમને ક્યો પ્રશ્ન પૂછવો, તે વિચારતા ય સમય લાગે છે, તો જવાબ આપતા તમારી સ્થિતિ કેવી હોય છે ?
- જવાબો આપતી વખતે પૂછપરછની બારીએ બેઠો હોઉં, એવું લાગે છે ! 
(દેવાંગ વિભાકર, રાજકોટ)

26/10/2011

ફોટો પડાવતી વખતે તમે કેવું મોઢું રાખો છો ?

થોડા દિવસો પહેલા, એક છાપામાં નવરંગપુરાની ત્રણ સુશિક્ષિત મહિલાઓના હાથમાં બોટલો સાથે ફોટો છપાયો. ચોંકી જવાનું પૂરું થયું, પછી આઘાત શરૂ થયો, ‘માય ગૉડ... મારા દેશની આ હાલત...? અગાઉ મેં છાપાઓમાં હાથમાં શીલ્ડ પકડીને ઊભેલી સ્ત્રીઓના ફોટા જોયા હતા, પણ બોટલો સાથે ફોટો જોવાનો મારો પણ આ પ્રથમ અનુભવ હતો. મહિલાઓના હાથમાં બૉટલો... અને એ ય પાછી ‘દેસી’... ??? એ લોકોની બાઓ ય નહિ ખીજાતી હોય ? 

એ તો પછી સમાચારની હેડલાઈન્સ પર નજર પડી ત્યારે ખ્યાલ આવ્યો કે, આ એ બોટલો નહોતી. આ મહિલાઓના મકાનોમાં મ્યુનિ.વાળાઓ ગંદુ અને બૂ મારતું પાણી મોકલે છે, એના વિરોધમાં એ લોકોએ એવી બોટલો બતાવીને ફોટા પડાવ્યા હતા. છેલ્લા કેટલાય વખતથી મ્યુનિ.ને ફરિયાદ કરવા છતાં, કોઈ પગલાં ન લેવાતાં, એમને ક્રોધમાં આવીને આવા ફોટા પડાવવા પડ્યા હતા.... 

... પણ તો પછી સવાલ એ ઊભો થયો કે, આવા ક્રોધ કે ફરિયાદના ફોટા ગૌરવપૂર્વકના સ્માઈલો સાથે કોઈ શું કામ પડાવે ? એ લોકોએ સ્માઈલો સાથે ફોટો પડાવ્યો હતો. ફોટો જોઈને તો કોઈને પણ એમ લાગે કે, આ મહિલાઓ સોસાયટીના વાર્ષિકોત્સવમાં ૧૦૦ મી. દોડ અને લિંબુ ચમચામાં પહેલી, બીજી અને ત્રીજી આવી હશે ને ગૌરવપૂર્વક પોતાના ઈનામો દર્શાવી રહી છે. 

ઇન ફેક્ટ, હજી આપણા દેશમાં ફોટો પડાવતી વખતે કેવું મોઢું રાખવું, તેની હરએકને કાંઈ જાણકારી હોતી નથી. હમણાં એક સ્મશાનયાત્રાનો ફોટો જોયો, એમાં આગળવાળો ડાધુ મુક્ત સ્માઈલો સાથે કેમેરા સામે હાથ હલાવતો દેખાયો છે. પેલી બાજુથી નનામી ઝાલનારો રહી ન જાય, એ માટે એણે ચાલુ સ્મશાનયાત્રાએ ઊંચો થઈને ડોકું કાઢ્‌યું હતું, જેથી ફોટો સારો આવે. તમામ ડાધુઓની નજર કેમેરા સામે હતી. ઉપર સૂતેલાએ આ ફોટો જોયો હોત, તો દોરડા-બોરડા જાતે છોડીને ઠાઠડી ઉપરથી ઠેકડો મારીને હેઠે ખાબક્યો હોત...! 

ખોટું શું કામ બોલું ? ફોટા પડાવતી વખતે ચહેરા પર પ્રસંગોચીત કેવા હાવભાવ આપવા જોઈએ, એની મને ય બહુ સમજ પડતી નથી. મારા ‘વરદ હસ્તે’ સ્ટેજ પર વિજેતાને શીલ્ડ આપવાનું હતું, એમાં શિલ્ડ અને હું જ દેખાતા હતા. જેને મળ્યું, એણે શીલ્ડની પાછળથી ડોકું બહાર કાઢ્‌યું હતું. સારો ફોટોગ્રાફર હોત તો (ફોટામાં) શીલ્ડને બાજુમાં ખસેડીને પેલાનું મોઢું બતાવી શક્યો હોત... પણ ક્યાં હવે પહેલા જેવા ફોટોગ્રાફરો થાય છે..? એ જમાના તો ગયા ...!

ફોટો પડાવતી વખતે મને મારી ખામીની ખબર છે. એક તો ઇશ્વરે ચહેરો સારો આપ્યો નથી ને એમાં ય, ફોટો પડાવતી વખતે હું હસવા માંડું છું. મને કોક કહેતું હતું કે, હસતા ફોટા સારા આવે. મને તો એટલી ખબર છે કે, ફોટો હું પડાવતો હોઉં, ત્યારે હસતા બીજા હોય છે. પેલો ચેતવણી પણ આપે કે, હજી હસવાની વાર છે.. હું ‘રેડી... વન-ટુ-થ્રી...’ કહું પછી તમારે હસવાનું શરૂ કરવાનું... અત્યારથી નહિ. હું પાછો એમ સ્માર્ટ ખરો કે, ફોટો પડી જાય એ જ સેકન્ડે સ્માઈલ બંધ કરી દેવાનું. વગર ફોટે હસીએ તો લોકો ગાન્ડા ગણે. એટલે ચહેરો કડક કરી નાંખું... સાલો બદમાશ ફોટોગ્રાફર મારા તમામ ફોટા એ કડક ચહેરાવાળા જ પાડે...! મને તો પડાવેલા ફોટા જોવાના ય ધખારા ઘણા, પણ જોયા પછી હું ફોટોગ્રાફરને પૂછું કે, ‘આમાં તો મારો એકેય ફોટો સારો આવ્યો નથી...’ તો મને કહે, ‘સરજી... આમાં તો જેવો ચહેરો હોય એવા ફોટા આવે !’

એવું નથી કે, પેલી ત્રણ બહેનોએ પડાવ્યો, એવો ફોટો મેં નહિ પડાવ્યો હોય ! નાનપણમાં ફિલ્મ ‘હમદોનોં’માં મારા ફેવરિટ દેવ આનંદને દારૂ પીતો જોઈને, નશીલી આંખો અને હાથમાં ગ્લાસ પકડેલો એક રૂપિયામાં ત્રણ કોપીવાળો ફોટો મેં પડાવ્યો હતો. બ્લેક-એન્ડ-વ્હાઈટ ફોટાઓનો મેઈન પ્રોબ્લેમ શું હોય છે કે, ગ્લાસમાં રહેલા દ્રાવણનો એ લોકો કલર પકડી શકતા નથી, એટલે ફોટો જોયા પછી ઘણા મિત્રો ચોંકી ગયા હતા કે, ‘અશોક શિવામ્બૂ પર ચઢી ગયો...?’ 

એક-બે મિત્રોએ ઘ્યાન પણ દોર્યું કે, શરાબીનો ફોટો પડાવવા માટે તમારે આંખો નશીલી કરવાની કે હાથમાં ગ્લાસ પકડવાની જરૂર નથી... અને, શરાબી લાગવા માટે આ શું કપાળ ઉપર લટો ખેંચીને લબડાવી છે...! તમે પાસપોર્ટ-ફોટો પડાવ્યો છે, એ બતાવી દો તો ય આનાથી વઘુ રીયલ શરાબી લાગે...! 

તો ય, ’૭૬-ની સાલમાં મારા લગ્નના કુલ ૩૨૮-ફોટામાંથી ત્રણમાં તો હું વરરાજા જેવો લાગું બી છું. ઘેર આવેલા મહેમાનોને હસાવવા માટે હકી આ આલ્બમ ચાઇ - જોઇને બતાવે છે, પણ દરેક મહેમાનનો એક સવાલ તો કોમન હોય જ, ‘‘હકીબેન... આ તમારા બીજા લગ્નનું આલ્બમ છે...?? આ અશોક દવે નથી... તમારી સાથે હસ્તમેળાપ કરતો આ પાણી-પુરીવાળો ભૈયો કોણ છે ?... (કોઈ જરા પંખો ચાલુ કરો !) મને જ નહિ, આપણામાંથી ઘણાને ફોટા પડાવતા આવડતા નથી. આમ તો એમાં આવડવાનું શું હોય, પણ કયા પ્રસંગે કેવા હાવભાવ રાખવા, એની પદ્ધતિસરની તાલીમ શાળાકીય સ્તરે જ આપવામાં આવતી ન હોવાથી, લગ્નના રીસેપ્શનોમાં સ્ટેજ પર ઊભા રહી જતા મહેમાનો જોવા જેવા હોય છે. એવા ટટ્ટાર થઈને ઊભા હોય ને સામે વિડીયોવાળો ઊભો હોય, છતાં આ લોકો હાલે-ચાલે નહિ. હલીએ તો ફોટો ય હલેલો આવે ! રીસેપ્શનના સ્ટેજ ઉપર કોમેડીના એવા તે કેવા બનાવો બન્યા છે કે, આ લોકો એકબાજુથી ચઢે ને બીજી બાજુથી ઉતરે, ત્યાં સુધી હસહસ જ કરે રાખે ? પેલા બન્ને હાડા-તઈણ કલાકથી ઊભા ઊભા તરડાઈ ગયા હોય ને એમનો તો અત્યારે હસ્યા વિના છૂટકો ન હોય, પણ ટીમ-અન્ના જેવા આ લોકો કઈ કમાણી ઉપર હસે રાખે છે ? ગોદ-ભરાઈ (ખોળો ભરવા)નો આ ભેગાભેગો પ્રસંગ રાખ્યો હોય તો ઠીક છે કે, ફરી પાછું હસતું આવવું ન પડે ને અત્યારે ભેગાભેગું પતી જાય !

કોઈ હોલ કે ફંકશનોમાં વિડીયોવાળા જોવા જેવા હોય છે. ખેતરમાં જંતુનાશક દવા છાંટવાવાળા ફરી વળ્યા હોય, એમ આ લોકો ખભે કેમેરા ભરાઈને છંટકાવ શરૂ કરે, એ વખતે નજર બધાની ખબરદાર હોય છે કે, હવે ફરતો-ફરતો કેમેરા એમની ઉપર આવશે. એ આવતા પહેલા આ લોકો મોઢાના હાવભાવ બદલવા માંડે છે. સાડીનો છેડો સરખો કરે. જો આંગળીવાળો ફોટો સારો આવતો હોય તો, અગાઉથી આંગળી દાઢીને અડાડેલી રાખે. તારી ભલી થાય ચમના... નાનપણના તારા તમામ ફોટા મોઢામાં અંગૂઠો ચૂસતા આવ્યા છે... અત્યારે તને મોઢું જડતું નથી, એટલે દાઢી પર આંગળી અડાડશ...? 

આપણા જમાનામાં તો એક ફોટો પડાવતા પહેલા કેટલા પાપડ પેલવા પડતા, યાદ છે ને ? કબૂલ કરું છું કે, લગ્ન કર્યા ત્યારે હકીની સાથે હું શોભતો નહોતો (ઘણા આજે પણ એ જ મત ધરાવે છે !) સમ્રાટ પેટમાં હતો, ત્યારે ગાંધી રોડના સ્ટુડિયોમાં અમે બન્ને ફોટા પડાવવા ગયા, ત્યારે ફોટોગ્રાફરને મારામાં કાંઈ કમાવવા જેવું ન લાગ્યું. એને ફોટો સારો આવવા માટે હકી ઉપર જ શ્રદ્ધા હતી, એટલે ડોકું નવું નાંખવાનું હોય, એમ દર ત્રીજી સેકન્ડે એનું માથું પકડીને અડધો-અડધો ઇંચ ખસેડીને પાછું ત્યાં જ મૂકી દે. દાઢી પર આંગળી ઊંચી કરીને હકીને ઊચું જોવાનું કહે, પોતાનો પંજો બતાવીને આંખો એ પંજા સામે સ્થિર રાખવાનું કહે. મને તો એ ગણતો જ નહોતો. મારે સામેથી પૂછવું પડ્યું, ‘હું ડોકું કઈ તરફ રાખું ?’ એના જવાબમાં તો એણે સામો સવાલ પૂછ્‌યો, ‘ફોટો કયા પ્રસંગનો પડાવવાનો છે ?’ 

‘રક્ષાબંધનનો...’ ગાળને બદલે હું આવું બોલ્યો. 

રાજકીય ઘટનાઓના ફોટા વઘુ કોમિક હોય છે. બહુ વર્ષો પહેલા મારી એક ‘સિક્સર’ હતી કે, આશ્રમ રોડ પર ‘હમારી માંગે પૂરી કરો’ છાપની લાંબી રેલી નીકળતી હતી... પ્રેસ-ફોટોગ્રાફરો આવ્યા, એ સાથે જ લાંબી રેલી પહોળી થઈ ગઈ ! 

સિક્સર 
- ઓહ નો... ! શું બાબામાં કોઈ ખોડ છે... ! આમ વાંકી ડોકી સાથે કેમ જન્મ્યો છે ?
- ઓહ યસ... હવેના મોબાઈલ યુગમાં બધા બાળકોનો માલ આવો જ ઉતરવાનો ! 

23/10/2011

ઍનકાઉન્ટર : 23-10-2011

* આખો દિવસ પરિશ્રમ કરતી કીડીઓને રોમાન્સનો ટાઈમ ક્યારે મળતો હશે ?
- વ્યવસાયી બહેનો અને માતાઓ રીસેસનો હંમેશા સદુપયોગ કરી જ લેતી હોય છે.
(મૌલિક જોશી, અમદાવાદ) 

* અમે જામનગરથી તમને ગાંઠીયાનું પડીકું મોકલીએ છીએ, જે રસ્તામાં જ ખવાઈ જતું લાગે છે.. શું કરવું ?
- રોકડા મોકલાવી દો. 
(જાહન્વી ૠષિકેશ હિંડોચા, જામનગર) 

* સ્વ. શમ્મી કપૂર સાહેબ માટે એક જ વાક્યમાં કાંઈ કહેવું હોય તો શું કહેશો ?
- મારી આત્મકથા કરતા વઘુ લાંબુ પુસ્તક હું શમ્મી કપૂર માટે લખી શકું. 
(હરેન્દ્ર પુરોહિત, વડોદરા) 

* તમે અણીશુદ્ધ ગુજરાતી હોવા છતાં આ કૉલમનું નામ ઈંગ્લિશ (ઍનકાઉન્ટર) કેમ રાખ્યું છે ?
- પહેલા ગુજરાતીમાં ‘ઢાળી દીધો’ રાખવાનું હતું.. પણ વાચકોમાં ગેરસમજ થાય કે, મારી વાત થતી લાગે છે. 
(સંજય એચ. જોશી, વડોદરા) 

* ગુજરાતના આજ સુધીના સર્વોત્તમ હાસ્યલેખક કોણ ?... તમે ?
- સવાલ જ પેદા થતો નથી... એક માત્ર સ્વ. બકુલ ત્રિપાઠીની આજુબાજુ ય કોઈ ઊભું રહી ન શકે. 
(વિજયાલક્ષ્મી સુ. મેહતા, અમદાવાદ) 

* તમે ખાડીયાની ખત્રી પોળમાં રહેતા ત્યારે ‘અશોક દવે’ હતા.. આજે યંત્ર માનવ લાગો છો.
- બન્ને અવસ્થામાં કામ કરી ગયો મારા પેટનો ખાડો. 
(પ્રશાંત જે. દવે, જામનગર) 

* તમને આ દેશનો કયો પ્રધાન ગમે છે ?
- ગમવા-ફમવાની વાત છોડો... મને ઈર્ષા તિહાર જેલમાં બેઠેલા મંત્રીઓ પૂરતી જ થાય છે..! 
(અસગરઅલી નોમાનઅલી, દેવગઢ બારીયા) 

* ‘જીસે તુ કુબુલ કર લે, વો સવાલ કહાં સે લાઉં...?’
- મગજ સે...! 
(નટુભાઈ ગાંધી, વડોદરા) 

* ‘ઍનકાઉન્ટર’ ન આવે, ત્યારે શું કરવાનું ?
- ..તો પછી કંઈક સારૂં વાંચવાનું ! 
(નિખિલ જનસુખરાય વસાવડા, મુંબઈ) 

* ‘પતિ થયા એટલે પતી ગયા’, એ વાતમાં તથ્ય કેટલું ?
- એ તો જે પતી ગયું હોય એને ખબર...! 
(ડૉ. અશ્વિન કાકડીયા/ડૉ. મનોજ વઘાસીયા, સુરત) 

* ‘ઍનકાઉન્ટર’ની સફળતાનું રહસ્ય શું ?
- ચ્યવનપ્રાશ. 
(ડૉ. જ્યોતિ કલ્પેશ હાથી, રાજકોટ) 

* પોતે લગ્ન કરવામાં ઘણી બાંધછોડ કરી છે, એવું દરેક વ્યક્તિ કેમ માનતી હશે ?
- આ લગ્ન પહેલા કંઈ કેટલાયને ડૂબાડ્યા હોય, એ યાદ તો આવે ને ? 
(હિમાંક નાણાવટી, રાજકોટ) 

* ફક્ત પોતાના વિશે જ વિચારનારા દેશને શું કામમાં આવશે ?
- તમે ધાર્મિક લોકો ઉપર આક્ષેપ કરી રહ્યા છો...! સાચો...!! 
(જયેશ મોદી, જામખંભાળીયા) 

* અન્ના હજારે બાબા રામદેવને સાથે કેમ રાખતા નથી ?
- અન્ના તો હજારોમાં એક છે, જ્યારે બાબા લાખોમાં એક છે.. લાખો ઈડિયટોમાં ! 
(મહાદેવ ભટ્ટ, રાજકોટ) 

* ‘કોઈ પંખો ચાલુ કરો’, એવું તમે વારંવાર કહો છો.. ઘરમાં એ.સી. નથી ?
- આજ સુધી કોઈને મેં ‘‘મારા’’ ઘરનો પંખો ચાલુ કરવાનું કીઘું નથી...! 
(મણીબેન પટેલ, ઊંટડી- વલસાડ) 

* તમારી પાસેથી ફાટેલી રૂ. ૧૦૦/-ની નોટ બીજે કેવી રીતે પધરાવો છો ?
- એટલા કમાઉં પછી ખબર પડે ! 
(યોગેશ કૃ. દલાલ, સુરત) 

* સત્ય અને ભ્રમ વચ્ચે ભેદ કેટલો ?
- કસાબ સત્ય છે... એને ફાંસી અપાશે એ ભ્રમ છે. 
(ચિરાગ કે. પંચાલ, મધવાસ-લુણાવાડા) 

* ‘ઍનકાઉન્ટર’નું બીજું નામ રાખવું હોય તો ક્યું રાખો ?
- ‘કાઉન્ટર ઍટેક’. 
(બદ્રિક/સૌરભ રાવલ, અમદાવાદ) 

* શાંતિના દૂત તરીકે કબુતર જ કેમ ?
- એવું નથી. કબુતરીને પણ ઈકવલ ચાન્સ મળ્યો છે. 
(સલમા મણિયાર, વીરમગામ) 

* શ્રી હનુમાન ચાલીસામાં લખ્યું છે, ‘રામદુલારે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિન પૈસા રે’... અર્થ સમજાવશો ?
- ‘રામ’ને બદલે ‘મનમોહન’ સુધારી દો... અર્થ આપોઆપ સમજાઈ જશે. 
(અવિનાશ રા. ભાવે, વડોદરા) 

* ઊભું ‘ઍનકાઉન્ટર’ આડું કેમ થઈ ગયું ?
- એ લેખકની અવસ્થા દર્શાવે છે. 
(મંજુલા સદાભાઈ પરમાર, ગાંધીનગર) 

* જો તમારા લગ્ન જુડવા બહેનો પૈકી એક સાથે થાય, તો બન્નેમાંથી તમારી વાઈફને ઓળખી કેવી રીતે શકો ?
- શું કામ મને રોવડાવવા માંગો છો ? ભાઈ, કોઈને આવા મીઠા સપનાં ન બતાવીએ... બા ખીજાય ! 
(અજય વ્યાસ, બિલખા) 

* ગાંધી, નેહરૂ કે સરદાર પટેલના ફોટા લોકો ઘરમાં રાખતા... આજના કોઈ નેતાના ફોટા કેમ કોઈ રાખતું નથી ?
- કહે છે કે, ભીંતે ચીંતરેલો તો સાપે ય સારો નહિ ! 
(અંકિત જી. ત્રિવેદી, મોડાસા) 

* રાખી સાવંતે બાબા રામદેવ સાથે લગ્ન કરવાની ઑફર કરી હતી, તેનું શું થયું ?
- એનું બહુ ખરાબ થયું... બાબા આગળ જ ન વઘ્યા ! 
(બી. સી. ભગવતી, સુરત) 

* હું મારી પત્નીને નોકરી પછી કેટલા કલાક મદદ કરૂં, તો સાસરીયા ખુશ થાય ?
- જોઈ જુઓ... સાસરાના ઘરના કામો પતાવ્યા પછી ટાઈમ બચતો હોય તો ઘર પતાવીને પડોસણોને ય પૂછી જોવું... 
(સુબોધ નાણાવટી, રાજકોટ) 

* ઘૂમ-૨, ઘૂમ-૩... દબંગ-૨, દબંગ-૩... ફિલ્મોવાળા પાસે નવા ટાઈટલ્સ જ નથી ?
- આનો જવાબ તમને ‘ઍનકાઉન્ટર-૨’માં મળશે. 
(શ્રીમતી મીના નાણાવટી, રાજકોટ) 

* બેસણાં-ઉઠમણાનો હેતુ શું હોય છે ?
- કન્ફર્મ કરાવવા કે હવે ડોહો પાછો આવવાનો નથી... ડૉન્ટ વરી ! 
(નિમિષ મેહતા, જૂનાગઢ) 

* ‘પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ’... તમે શું કહો છો ?
- તમારી કબુલાત સામે હું તો શું બોલી શકું, ભાઈ ? 
(શેહજાદ એસ. શિકારી, ઈખર-ભરૂચ)

21/10/2011

રાજેશ ખન્નાની પહેલી (!) ફિલ્મ ‘રાઝ’


ગીતો
૧. ચલે આઓ, અકેલે હૈં ચલે આઓ, જહાં હો...લતા...શમીમ જયપુરી
૨. એ જી, જરા સુનના....લતા....કમર જલાલાબાદી
૩. દિલ સંભાલે સંભલતા નહિ આજ તો.... લતા-મૂકેશ...ગુલશન બાવરા
૪. ચલે આઓ, અકેલે હૈં ચલે આઓ, જહાં હો....રફી....શમીમ જયપુરી
૫. પ્યારને દિ સદા, તુમકો આના પડા...ક્રિષ્ણા કલ્લે...રાજા મેંહદી અલીખાન
૬.... પ્યાર કિયા તો મરના ક્યા, જબ પ્યાર કિયા...મન્ના ડે...કમર જલાલાબાદી
૭....ક્યા સોચ રહે હો તુમ, સોચતા હૂં મૈં....ક્રિષ્ણા કલ્લે-રફી...અખ્તર રોમાની
૮... પોપટ હૂં મૈં પ્યાર કા....મન્ના ડે...નૂર દેવાસી

ફિલ્મ : રાઝ
નિર્માતા : જી.પી. સિપ્પી
દિગ્દર્શક : રવિન્દ્ર દવે
સંગીત : કલ્યાણજી-આણંદજી
રનિંગ ટાઇમ : ૧૪-રીલ્સ.
થીયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો : રાજેશ ખન્ના, બબિતા, આઇ.એસ. જોહર, ડી.કે. સપ્રુ, હરીન્દ્રનાથ ચટ્‌ટોપાઘ્યાય, લક્ષ્મી છાયા, મીના ટી, રાહુલ, નર્મદા શંકર, અસિત સેન, રત્નમાલા અને કમલ કપૂર. 

હિંદી ફિલ્મોમાં રાજેશ ખન્નાએ બાકાયદા પોતાના નામનો એક યુગ શરૂ કર્યો હતો. બચ્ચન બાબુ થોડા પછી આવ્યા, પણ ખન્નાએ હિંદી ફિલ્મોમાં પહેલી વાર સુપર સ્ટારટાઇટલની શરૂઆત પોતાનાથી કરાવી. એનું નસીબ પાછું એના નજીકના સગામાં થતું હોવું જોઇએ કારણ કે, ’૬૭ની સાલમાં એ આવ્યો ત્યારે, આપણા ઑલમોસ્ટ બધા જૂના હીરાઓ ખખડધજ થઇ ચૂક્યા હતા... માંડ ચાલે એવા હતા. એકે ય માં ઠેકાણાં રહ્યા નહોતા. ખન્નાની સાથે સાથે ચાલે એવો નવો લૉટ હતો, તે ધર્મેન્દ્ર, શશી કપૂર કે જીતેન્દ્ર પૈકી દોમદોમ સફળતા એકલા જીતુને મળી હતી, પણ એટલી નહિ કે, લોકો પાગલ બનીને એની ફિલ્મો એના નામ પર જોવા જાય. એ ટ્રેન્ડ રાજેશ ખન્નાથી શરૂ થયો. રાજકુમાર જાનીનું જોઇ જોઇને સફેદ પૅન્ટ નીચે સફેદ શૂઝની નકલ તો જીતુની જેમ વિશ્વજીતે ય કરી હતી, પણ એ બધા હાંસિપાત્ર બન્યા. ચાલ્યો એકલો ખન્નો, જેણે ફિલ્મ સફરથી ગુરૂ-શર્ટની શરૂઆત કરી...મતલબ, ઝભ્ભા જેવું શર્ટ અને નીચે પૅન્ટ. (અમદાવાદમાં તો આજે ય પાલડીવાળી એન.આઇ.ડી. વાળા જે કાંઇ પહેરીને નીકળે, એની પહેલી નકલ સીધી સૅપ્ટમાં આવે, પછી ગૂફામાં જાય ને છેવટે અમારા કવિઓ તો રાહ જોઇને બેઠા હોય કે, નવું શું આવે છે પહેરી જ લો !)

રાજેખ ખન્ના જે કરતો તેની નકલો સાવ ફ્રીમાં પડતી. ઇન્ડિયામાં પુરૂષો વચ્ચે પાંથી પાડે, તો નામર્દાઇ ગણાતી, પણ ખન્નાએ એનો જ ક્રેઝ ભારતભરમાં ફેલાવ્યો. એ તો એના ગયા પછી અમિતાભ બચ્ચને કાન પર વાળ ઢાંકવાની શરૂઆત કરી, એટલે એ ય ચાલ્યું. ખન્નો માર ખાઇ ગયો, પોતાના ચમચાઓને લીધે, પોતાના થર્ડ-ક્લાસ સ્વભાવને લીધે, પોતાની તદ્દન રદ્દી થઇ ચૂકેલી અદાઓ (મૅનરિઝમ્સ)ને લીધે અને ખાસ તો, ઍક્શન-ફિલ્મોમાં એ જૈન-ભજનિક જેવો અહિંસક લાગે માટે ન ચાલ્યો. ૠષિકેશ મુકર્જીની સળંગ બે ફિલ્મો આનંદઅને નમક હરામમાં આજકાલનો આવેલો અમિતાભ બચ્ચન સુપરસ્ટાર રાજેશ ખન્નાને ઍક્ટિંગ અને પ્રેક્ષકોના પ્રેમના મામલે આઉટરાઇટ મારી ગયો હતો, એ વાસ્તવિક્તા ખન્નો સ્વીકારી જ ન શક્યો ને કારણ વગરનો બચ્ચનને કાયમી દુશ્મન બનાવી દીધો. મિથ્યાભિમાન એ કક્ષાનું કે, ઇવન તમે ય નહિ માનો, પણ ખન્નો આજની તારીખમાં ય પોતાને બચ્ચન કરતા ઊંચો સુપરસ્ટાર માને છે. એનું પતન લાઝમી હતું. નહિ તો મેં કીઘું તેમ ૬૭-ની સાલમાં એ આવ્યો, ત્યારે હિંદી ફિલ્મોનો તખ્તો પરફૅક્ટ ગોઠવાયેલો હતો. જગ્યા ખાલી હતી અને નવાની લોકો રાહ જોતા હતા. લોચો એ વાતનો આજે ય ચાલ્યો આવે છે કે, ટૅકનિકલી રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ રાઝગણાય, કારણ કે રીલિઝ પહેલી એ થઇ હતી, પણ એણે સાઇન તો કરી હતી મદ્રાસની ફિલ્મ ‘‘ઔરત,’’ જેમાં ફિરોઝ ખાન, પદ્મિની અને પ્રાણ હતા. પણ ખન્નો પોતે પોતાની પહેલી ફિલ્મ ચેતન આનંદની આખરી ખત’ (‘બહારોં મેરા જીવન ભી સમ્હાલો, કોઇ આયે કહીં સે...લતા) ગણાવે તો છે, પણ સ્પષ્ટતા કરે છે કે, હીરો તરીકે તો દવે સાહેબની (રવિન્દ્ર દવે) રાઝજ.

બબિતા સાધનાની ફર્સ્ટ કઝિન. બન્નેના દેખાવમાં ક્યાંક ક્યાંક તો ઘણું સામ્ય નીકળી આવે. એ વાત જુદી છે કે, એ બન્નેને એક સાથે આજ સુધી કોઇ પાર્ટી-બાર્ટી કે પ્રસંગમાં સાથે જોયા નથી. સાંભળ્યું છે, બન્નેને આખી જીંદગીમાં ક્યારેય બન્યું નથી. એક જમાનાની આવી બેહતરીન બ્યુટી સાધના આંખોના કૅન્સર પછી સાચા અર્થમાં કોઇને મોંઢું બતાવી શકે, એવા દેખાવની રહી નથી. ઉંમર ઉપરાંત એ જે મકાનમાં રહે છે, તેના બિલ્ડરે એને હેરાન પરેશાન કરી નાંખી. સાધના કૉર્ટે ચઢી છે.

ફિલ્મ રાઝમાં બબિતાનું ડૅબ્યૂ (શરૂઆત) બેશક થયું, પણ ઍક્ટ્રેસ તરીકે આખી જીંદગીમાં ક્યાંય અભિમાન લઇ શકે કે, પોતાની દીકરીઓ કરિશ્મા કે કરીનાને ગૌરવપૂર્વક વાતો કરી શકે, એટલી સમર્થ અભિનેત્રી નહોતી. ફિલ્મ રાઝમાં એ રાજેશ ખન્નાને તો ગમી ગઈ હતી, એટલે આના પછી કોઇ ૩-૪ ફિલ્મોમાં ખન્નાએ બબિતાને પોતાની સાથે લેવડાવી હતી. પણ સારી વાર્તાઓને અભાવે કોઈ ફિલ્મ ચાલી નહોતી.

વાર્તા તો ફિલ્મ રાઝની પણ મગજમાં મગજને બહુ સમજાવીએ તો ય ઉતરે એવી નથી. ઇસ્ટ આફ્રિકામાં રહેતા રાજેશ ખન્નાને સપનામાં ઇન્ડિયાનું કોઇ નાનકડું રેલ્વે સ્ટેશન વિરાન નગર દેખાય રાખે છે. એકલું સ્ટેશન શું કામનું ? એટલે ઍઝ યુઝવલ...સફેદ કપડાં ને છુટ્‌ટા વાળ રાખીને હીરોઇનો ગાતી હોય એવું હૉરર નહિ પણ હૉરિબલ ગીત ગાયે રાખે છે. એક મહલ પણ દેખાય છે. આ બઘું એના દોસ્ત આઇ.એસ. જોહરને સપનામાં કે સપનાની બહાર નથી દેખાતું. બન્ને દોસ્તો ઇન્ડિયા આ વિરાનનગરની તપાસાર્થે આવે છે, જ્યાં એને ખબર પડે છે કે, એનું તો એક વખત ખૂન થઇ ગયું હોવાથી પ્રજા એને ભૂત સમજી બેસે છે. રાજા સાહેબ સપ્રૂએ એક જમાનામાં ઉઠાવેલી દીકરી બબિતા મૂળ તો એની પ્રેમિકા રત્નમાલાની દીકરી હોવાથી માંને કાયમી કૈદ અને દીકરીને હેરાન કરતા રહેવાનો બદલો લેવા દીકરીના પ્રેમી રાજેશ ખન્ના ભાગ-પહેલાંનું એ ખૂન કરાવી નાંખે છે. આ બન્ને પાછા જાસૂસોના દીકરા હોય એમ મર્ડર-મિસ્ટ્રી સૉલ્વ કરવા મેદાને પડે છે ને દિગ્દર્શકની મદદથી ખૂનનો ભેદ ઉકેલી પણ નાંખે છે.

આ ફિલ્મના ફાઇટ દ્રષ્યોનું શૂટિંગ ગોવાની કોડલીની ખાણમાં બાહોશ કૅમેરામેન કે.વૈકૂંઠે કર્યું હતું. કે.વૅકૂંઠનો સુપુત્ર અમદાવાદની બૅન્ક ઑફ ઇન્ડિયાના સ્વ. જ્યેન્દ્ર બી.દવેની પુત્રી કિશોરી દવે સાથે પરણ્યો છે.

અફ કૉર્સ, આખી ફિલ્મનું સર્વોત્તમ પાસું કલ્યાણજી-આણંદજીએ બનાવેલા આઠમાંથી ત્રણ સુપરહિટ ગીતો છે. બબિતા શિવદાસાણીની આ પહેલી ફિલ્મ. યોગાનુયોગ એને સૌથી પહેલું પ્લૅ-બૅક મળ્યું, સુમઘુર છતાં ફિલ્મનગરીના રાજકારણને કારણે ફેંકાઇ ગયેલી ગાયિકા ક્રિષ્ણા કલ્લેનું, ‘‘પ્યારને દિ સદા, તુમકો આના પડા, સૌ જનમ કા યે નાતા નિભાના પડા.’’ અને આપણા રફી સાહેબ સાથેનું બીજું ગીત તો સાલું હજી માનવામાં આવતું નથી કે, કલ્યાણજી-આણંદજીએ બનાવ્યું છે ! પેલા હીર-રાંઝાના મેરી દુનિયા મેં તુમ આઇ, ક્યા ક્યા અપને સાથે લિયેની જેમ અહીં પણ રફી સાહેબે છાનોછપનો કાનમાં કહેતો અવાજ કાઢ્‌યો છે, એમાં ક્રિષ્ણા કલ્લે સાથે છે. મારે રૂબરૂ તો નહિ, પણ ફોન પર ક્રિષ્ણા કલ્લે સાથે ઘણી લાંબી વાતો થઇ છે, ત્યારે ખબર પડી કે આ બહેન અત્યંત નમ્ર અને ખૂબ ભલા છે. ગાયિકા તરીકે બાકાયદા ગ્રૅટ કહી શકાય એવા મઘુરા હતા, પણ વ્યક્તિ તરીકે તો મુંબઇ જઇને ચરણસ્પર્ષ કરી આવવા પડે, એવા સાલસ સ્વભાવના છે.

ભાવનગરમાં છેલ્લા ૧૨-વર્ષોથી એક નવતર પ્રયોગ થાય છે, એ મેં ફિલ્મ રાઝનું એક ગીત ત્યાં સાંભળ્યું ત્યારે ખબર પડી. શ્રી રાજેશ વૈષ્ણવ નામના ગાયક-સંગીતકાર તદ્દન વિના મૂલ્યે દર મહિનાના છેલ્લા રવિવારે જૂનાં હિંદી ફિલ્મી ગીતોના કાર્યક્રમો ઉચ્ચ કક્ષાના ગાયક કલાકારો અને ઓરકેસ્ટ્રા સાથે કરે છે. રફી સાહેબના અવાજમાં દેવાંગ દવે આવતી કાલની મોટી આશા બને એમ છે. દર કાર્યક્રમમાં ભાવનગરના જૂનાં ગીતોના શોખિનો હજારથી વઘુની સંખ્યામાં ઉમટે છે. કાર્યક્રમના કાયમી હ્યૂમરસ સંચાલિકા શ્રીમતી ખ્યાતિ મહેતાના જણાવ્યા અનુસાર, આટલા વર્ષોથી સૂરિલી સાંજના આ પ્રોગ્રામોમાં એકપણ કલાકાર કોઇ પૈસો લેતો નથી કે કોઇ સ્પૉન્સર દ્વારા પણ સહાય મેળવાતી નથી. કોઇ પ્રોગ્રામ વિના મૂલ્યે આટલા વર્ષોથી ચાલે, એ પણ એક રાઝ છે, પણ આપણી ફિલ્મ રાઝના ઘણા રાઝ પ્રેક્ષકોના વગર પ્રયત્નોએ ખુલી જાય છે, જેમ કે જૂની તમામ હિંદી ફિલ્મોમાં કપડાંની બૅગ જ્યાં જ્યાં ઉપાડવાની આવે, એ બધી ખાલી જ હોય. બહારથી ય તમને ખબર પડે કે ડાયરેક્ટરે મહીં કપડાં ભરવાની તસ્દી ય લીધી નથી. એક શૉટમાં વાળ વિખરાયેલાં હોય તો બીજામાં શૅમ્પૂ કર્યા હોય ને બાર્બર સૅટ કરી આપ્યા હોય, એવા ગોઠવાઇ જાય.

એકંદરે, ન જોઇએ તો બા ય ના ખીજાય એ બ્રાન્ડની આ ફિલ્મ છે.

19/10/2011

મિ. બચ્ચન

આપણા મહાન ભારત દેશમાં ભગવાન શ્રીકૃષ્ણ અને મહાત્મા ગાંધી પછી ત્રીજો કોઈ એવો મહામાનવ તમે જોયો, જેને આખો દેશ બસ...પ્રેમ જ પ્રેમ કરતો હોય ? ત્રણેની સરખામણી નથી કરવાની, પણ તો પછી તમારી સમજ મુજબના કોઇ એવી ત્રીજાનું નામ આપો, જે કૃષ્ણ અને ગાંધીની બરોબરીમાં ઊભો રહી શકે. 

હું મિસ્ટર અમિતાભ બચ્ચનનું નામ આપવાનો છું અને કોઇ જરૂરત નથી તમારે સહમત થવાની.... જો તમારી પાસે એવું બીજું કોઇ તંદુરસ્ત નામ પડ્યું હોય તો ! શ્રીકૃષ્ણ અને મહાત્મા ગાંધી સિવાય કોઇ ત્રીજી હસ્તિ છે, જેની સામે તમે સર ઝૂકાવો છો ? 

આ લેખમાં હું કોઇ મજાક-મસ્તી કરવા માંગતો નથી, એટલે સર ઝુકાવીને બેસવાના મુદ્દે હું હૅરકટિંગ સલૂનના કલાકારનો રૅફરન્સ આપવા નથી માંગતો. તમે કોઇ એવું નામ બોલો, જેને માટે અંગત રીતે તમને આદર હોય, તમે અંજાયા હો, ક્યાંક તમે એની પાસે વામણાં લાગતા હો... એવું કોઇ નામ બોલો તો ! 

સચિન તેન્ડુલકરનું નામ તમને યાદ આવતું હોય કારણ કે, વિશ્વભરમાં એણે ભારતનું નામ રોશન કર્યું છે, પણ ક્રિકેટ સિવાયની દુનિયાનું શું ? તમે તો એમની સામે સર ઝૂકાવવાના છો, જેમનો સીધો પ્રભાવ તમારી રોજબરોજની જીંદગી પર હોય અને એમાં એકમાત્ર મહામાનવ અમિતાભ બચ્ચન જ આવે. મહામાનવનું ઇંગ્લિશ આપણે ‘સુપરમૅન’ નથી કરતા, કારણ કે આજકાલ સુપરમૅનનો એક જ અર્થ નીકળે છે... મારફાડ કરીને જગતને બચાવનારો. 

બચ્ચનબાબુ જગતને બચાવવા નથી નીકળ્યા, પણ પર્સનલી એવી જીંદગી જીવી રહ્યા છીએ કે, આપણને એમનામાંથી ઘણું શીખવા મળે...એમની અનેક ક્વૉલિટીઓ પાસે આપણે સાચ્ચે જ વામણા સાબિત થઇએ. 

તો હવે હું જે કહું છું, એને ચર્ચામાં લઇ જુઓ કે કેમ અમિતાભ બચ્ચન ભારત દેશનો આજ સુધીનો ત્રીજા નંબરનો સૌથી વઘુ આદરપાત્ર મહામાનવ છે. આ રહ્યા કારણો... 

(૧) કોઇ તમારા વખાણ કરે, એ તમે ય સમજો છો કે ભાગ્યે જ બનતી ઘટના છે, જેને પરિણામે આ કામ તમારે એકલે હાથે ઉપાડી લેવું પડે છે. તમે ય કબુલ કરશો કે, તમને જ ઓળખતા યારદોસ્તો કે સગાસંબંધીઓ તમારા વખાણ ઓછા ને પીઠ પાછળ ટીકાઓ વધારે કરે છે અને તેમ છતાં ય કોઈ રડ્યોખડ્યો વખાણ કરવા આવી ચઢ્‌યો, તો તમે સહન કરી શકતા નથી. ‘‘વાહ.... તમારૂં શર્ટ ખૂબ સરસ છે ?’’ અહીં ખુશ થવાને બદલે તમારે ડઘાઈ જવાનું વધારે હોય છે, એટલે કાંઇ ન સૂઝે એટલે એનો એ જ દકિયાનૂસી જવાબ બોલી નાંખો છો, ‘‘જાઓ ને જાઓ ને...આજે સવારથી કોઇ બીજું મળ્યું નથી લાગતું....!’’ 

અથવા તો ઘણો મૅગ્નિફાઇડ જવાબ આપીને, ‘‘ઓહ.... આ તો ફક્ત ૪-હજારનું જ છે... ઘરમાં આવા બીજાં પચ્ચા પડ્યા છે, પણ આપણને એમ કે કોણ કાઢે ?’’ લોકો પોતાનો સો-કૉલ્ડ વૈભવ બતાવવાની કોઇ તક ચૂકતા નથી. વસ્તુ ગમે તે પહેરી-ઓઢી હોય, એની કિંમત ના હોય, ત્યાં સુધી પોતાના તો ઠીક, બીજાના ઘરમાં ય ઊંઘો ન આવે ! 

ઇન ફૅક્ટ, આપણને રીઍક્ટ કરતા નથી આવડતું. 

એની સામે મિસ્ટર બચ્ચનને જોઇ જુઓ. ‘‘કૌન બનેગા કરોડપતિ’’માં એમની પાછળ લોકો કેવા અભિભૂત છે કે, હાથમાં આવેલ રૂા. એક કરોડ ગૂમાવ્યા પછી ય એ કહી શકે છે કે, ‘રૂપિયા ગયા એનો કોઇ અફસોસ નથી... આપની સાથે બેસવા મળ્યું, આપને જોવા મળ્યા, એ અમારા માટે કરોડ કરતાં ય વધારે છે.’ 

આખો દેશ જે દ્રષ્યો જોઇ રહ્યો હોય (ને ખાસ કરીને તો પોતાની જ ફિલ્મનગરીના અનેક હરિફો, દોસ્તો, ચાહકો...) ત્યારે બચ્ચન સાહેબ કેવા અપ્રતિમ ભાવોથી રીઍક્ટ કરે છે જેમાં આપણી જેમ, ‘‘અરે...હું તો બહુ સામાન્ય માણસ છું...’’ એવા ખોટા નખરાં ય નહિ. એ પોતે જાણે છે કે, એ સામાન્ય માણસ નથી, છતાં એનો પ્રભાવ છાંટવાનો તો દૂર રહ્યો.... જે વિનય-વિવેકથી એ સ્માઈલ સાથે આખી વાત આગળ જવા દે છે, તે હું નથી માનતો કે, આટલા ઊંચા સ્થાને પહોંચ્યા પછી પચાવવું સહેલું છે ! 

(૨) પોતે અમિતાભ બચ્ચન છે, પણ સામેની વ્યક્તિ એના ફીલ્ડની એવી જ મોટી હસ્તિ છે, એ વાત બચ્ચન ભૂલતા નથી. તમે જુઓ, આ માણસ બીજાઓને કેટલું ગરિમાપૂર્વકનું માન આપે છે ! એની સામે કોઈ ટાટા-બિરલા બેઠા હોતા નથી, સાવ ઝોંપડપટ્‌ટીમાંથી આવેલી કોક વિધવા કે સાયકલ-પંક્ચર બનાવનારો ગરીબ બેઠો હોય, એને માન તો સામે મૂકેશ અંબાણી કે રતન તાતા બેઠા હોય, એટલું જ મળે. 

આ મુદ્દો મેં બચ્ચન સાહેબના મુગુટના પીંછા તરીકે એટલા માટે લીધો છે કે, આપણે ત્યાં અબજોપતિ ગુજરાતીઓમાંથી મોટાભાગના (કમસે-કમ હું જેમના પરીચયમાં આવ્યો છું) આવા જ વિવેકી અને બીજાઓને માન આપનારા હોય છે. 

પ્રોબ્લેમ, મહિને પચ્ચી-પચ્ચા હજાર કમાનાર આપણા મિડલ-કલાસના નોકરિયાતોનો હોય છે કે, કોઇ મ્યુનિ. કે સરકારી કચેરીમાં, બીજાને ધક્કા ખવડાવી શકે, એવો હોદ્દો શું મળી ગયો કે, ચાર વ્હેંત ઊંચા ચાલવા માંડે. ગઇ કાલ સુધી ભિખારીની જેમ ફરતા ને આજે જેમના હાથમાં પૈસો આવી ગયો છે, એ ‘નિઓ-રિચ’ લોકો ય પૈસો પચાવી શકતા નથી. અન્ય પણ માનના એટલા જ હક્કદાર છે, એવું આ બધા શીખી શકતા નથી, ત્યારે સલાહ અપાઇ જાય કે, અમિતાભ પાસેથી કંઈક શીખો, ગુરૂદેવો....! 

(૩) એક હાસ્યલેખક તરીકે નિરીક્ષણ કરી લેવાય છે કે, કે.બી.સી.ની હૉટસીટ પર બેઠેલા સાથે વાતચીતમાં હાસ્ય ઉપજાવવાના સેંકડો મોકા ઊભા થાય છે. શક્ય છે, ક્યાંક અજાણતામાં પેલાની ફિલમે ઉતરે. હજી સુધી તો એકે ય વાર બન્યું નથી કે, અમિતાભ બચ્ચને થોડી છુટ લઈને પેલાને વેતરી નાંખ્યો હોય કે, જસ્ટ... હાસ્ય ઊભું કરવા પેલાને ભોગે કોઇ મજાક કરી હોય. ગળે આવેલી મજાક ગળી જવી, કોઇ નાની વાત નથી. 

(૪) એક તો હજી આ ઉંમરે ય (૭૦-થવા આવ્યા ને?) એ કેટલો હૅન્ડસમ અને સૌજન્યપૂર્ણ લાગી શકે છે ! કપડાં કેવા અદ્‌ભુત સ્યૂટ થાય છે ! ‘વિજય દીનાનાથ ચૌહાણ’વાળો ઍન્ગ્રી ઑલ્ડમૅન બચ્ચન અને કેબીસીની સીટ પર બેઠેલ સન્માન્નીય શ્રી અમિતાભ બચ્ચન સાહેબ વચ્ચે ઍક્ટિંગ અને વાસ્તવિકતાનો તફાવત આ માણસ કેટલી સાહજીકતાથી પેશ કરી શકે છે....! પાકિસ્તાનને ઇશારે, ભારત દેશની યુવાપેઢીને ગંદકી તરફ લઇ જવા આમાદા બનેલા હિંદી ફિલ્મોના સૅન્સર-બૉર્ડે કલ્પી પણ ન શકાય, એવી નઠારી ગાળો અને બિભત્સ જ નહિ, વિકૃત દ્રષ્યો બતાવવાની છુટ આપી દીધા પછી, નિર્માતાઓએ બચ્ચન પાસે પણ ગાળો બોલાવવાનો કારસો રચી નાંખ્યો. એક એ શરૂ કરે, પછી તો તમામ હીરોલોગ કે હીરોઇનો માટે છુટ થઇ જાય, પણ પ્રણામ આ મહામાનવને કે, પોતાની કોઇ ફિલ્મમાં ગાળ નહિ બોલવાની કે સુરૂચિ નહિ છોડવાની એમની હઠ એમના પરિવારની પણ ગરિમા બતાવે છે. બચ્ચનની એ લોકપ્રિયતા છે કે, એમના એક વાક્ય ઉપર ચૂંટણીઓમાં કોંગ્રેસ ભિખારી થઇ જાય, છતાં જ્યારે સોનિયા ગાંધીની છાવણી તરફથી બચ્ચન માટે અનાફશનાફ બોલવા માંડ્યું, તે પછી પત્રકારોએ અમિતાભને પ્રતિભાવ આપવાનું કહ્યું, તો ૨૭-જન્મો સુધી ગાંધી-ફૅમિલીને યાદ રહી જાય એવો સૌજન્યશીલ જવાબ બચ્ચને આપ્યો કે, ‘‘વો તો રાજા હૈ... હમ પ્રજા... હમ તો ઉનકે સામને કુછ ભી નહિ હૈ’’ ...માય ગૉડ... કોઇ હવે પંખો ચાલુ કરો... કેટલી નમ્રતા અને વેરભાવ વગરનો પ્રતિભાવ ? સહેજ વિચારી જુઓ કે, આ માણસ એક જ શબ્દમાં કોંગ્રેસને સીધી કરી શક્યો હોત કે નહિ ? 

(૫) હિંદી ફિલ્મોની શરૂઆત ઇ.સ. ૧૯૩૧-માં ગણીએ ત્યાંથી આજદિન સુધી એકપણ ઍક્ટર અભિનયમાં પણ અમિતાભ બચ્ચનની બરોબરીએ આવે, એવું તમે માનતા હો તો તમારે તમારી પોતાની સાથે જ ઝગડવાનું આવશે. કોઈ દિલીપકુમાર, અશોક કુમાર, સંજીવ કુમાર, નસીરૂદ્દીન શાહ કે શાહરૂખખાનો બચ્ચનબાબુની નજીકે ય ઊભા રહી શકે એમ નથી. એમાં એમનો વાંક કદાચ નહિ હોય કારણ કે, એમાંના એકે ય હીરોને બચ્ચન જેટલી વૅરાયટીના રોલ કરવા મળ્યા નથી. ‘શોલે’, ‘બ્લૅક’, ‘ચીની-કમ’, ‘અમર-અકબર-ઍન્થની’, ‘બેમિસાલ’, ‘આલાપ’, ‘જંઝીર’... ઉફ... લિસ્ટ તો પૂરૂં જ નહિ થાય, પણ આ બધી ફિલ્મોમાં જેટલી વૅરાયટી બચ્ચનને કરવા મળી છે, એટલી આમાંના કોઇને નથી મળી અને મળી હોય તો ક્યાં કોઇને એમની કોઇ ફિલ્મ યાદ રહી છે ? 

(૬) ટીકા કરવા ખાતર, પરિણિત હોવા છતાં અમિતાભના રેખા સાથેના સંબંધોનો મુદ્દો વચમાં લાવી શકાય, પણ આ માણસની ગરિમા ફરીથી જુઓ. ‘સિલસિલા’ દ્વારા એણે એ પણ સાબિત કરી આપ્યું કે, અન્ય સ્ત્રી સાથેના સંબંધો પણ ગરિમાપૂર્ણ હોઇ શકે છે... આવો દરેક સંબંધ લફરૂં નથી હોતો ! જરૂરી નથી કે, આવો લગ્નેતર સંબંધ ફક્ત ‘પ્લૅટોનિક’ જ હોય.. કમ-સે-કમ, રેખા-અમિતાભે આ સંબંધને બજારૂ નથી બનવા દીધો. અન્ય ફિલ્મસ્ટારોમાં આવો એક સંબંધ પૂરો થયા પછી અઠવાડીયામાં બીજો શરૂ થઇ ગયો હોય, Justice delayed is justice denied....! પણ અમિતાભ બચ્ચને રેખા સિવાય અન્ય કોઈ સાથે પોતાનું નામ જોડાવા દીઘું નથી. બ્રિટનની પાર્લામૅન્ટ ધ્રૂજાવનાર ભારતની સૅક્સી ફોટોગ્રાફર-કમ-મોડેલ ‘પામેલા બૉર્ડીસ’ (‘બૉર્ડીસ’નો મારો ઉચ્ચાર ખોટો હોઈ શકે છે!) ઈન્ડિયા કેટલાક ફિલ્મ હીરોના ઇન્ટરવ્યૂઝ-કમ-ફોટોગ્રાફ્‌સ લેવા આવી, ત્યારે એકે ય અપવાદને બાદ કરતા મોટા ભાગના હીરો એને મળવા પાગલ (... ‘ચીપ’!) થઇ ગયા હતા. શોભા ડે સાથેના ઇન્ટરવ્યૂમાં પામેલાએ ગૌરવપૂર્વક એક વાત કરી હતી કે, ‘એકમાત્ર અમિતાભ બચ્ચન અત્યંત નૉર્મલ વર્ત્યા હતા... મને મળવા કોઇ બેતાબી બતાવી નહોતી.... મળ્યા પછી ક્યાંય સ્માર્ટ બનવાની વાત તો દૂર રહી, પણ ફોટો-સૅશન પછી ય (જે બીજા હીરોએ ઉઘાડેછોડ કરી હતી, તેવી કોઇ) ઑફરે ય નહોતી કરી. મને ભારતમાં કોઇ એક વ્યક્તિના ચરણસ્પર્ષ કરવાનું મન થયું હોય તો એકમાત્ર અમિતાભ બચ્ચન સાહેબના.’
‘ગો ઇસ્ટ ઓર વેસ્ટ, બચ્ચન ઇઝ ધ બેસ્ટ.’ 

સિક્સર 
- ‘‘મોરના ઇંડા ચીતરવા ન પડે’’ એવી પ્રશંસા મારા પુત્રની સાંભળીને એક જગ્યાએ મારાથી બોલાઇ જવાયું.... ‘‘આખરે સિંહનો બેટો છે...!’’
- ‘‘ઓહ....અમે તો એને તમારો સમજતા’તા !’’ 

16/10/2011

ઍનકાઉન્ટર : 16-10-2011

* સાસુ-સસરાની સેવા કરવાનું સુખ કેવી સ્ત્રીને પ્રાપ્ત થાય ?
- પરણેલી સ્ત્રીને.
(શ્રીમતી મીના નાણાવટી, રાજકોટ)

* પતિ-પત્ની બન્ને બેવકુફ હોય તો ઘરનો નિર્ણય કોણે લેવો જોઈએ ?
- હજી સુધી સમગ્ર બ્રહ્માંડમાં મેં તો કોઈ બેવકુફ પત્ની જોઈ નથી.
(રવીન્દ્ર નાણાવટી, જામનગર)

* અન્ના હઝારેના ઉપવાસ પરથી આપણને શું શીખવા મળે ?
- રોજ ઘરનું જમીએ તો બહાર ઉપવાસ પર બેસવાના દહાડા આવે !
(યોગેશચંદ્ર ક. દલાલ, સુરત)

* આજના શિક્ષકોને આપનો કોઈ સંદેશ ?
- શિક્ષક આજના હોય કે હજાર વર્ષ પહેલાના, મારા માટે તેઓ હંમેશા પૂજનીય જ છે. એ લોકોને કોઈ સંદેશો આપવા જેટલો હું સમર્થ નથી. હું ગુજરાતભરના શિક્ષકોને મારા ફકત પ્રણામ મોકલી શકું.
(અજયસિંહ ચંપાવત, હિંમતનગર)

* હૅલમેટ વગર વાહન-ચાલકને દંડ અને ભ્રષ્ટ નેતાઓને કોઈ સજા કેમ નહિ?
- દિલ્હીમાં બેઠેલા બા ખીજાય...!
(કિરણ જી. વાઘેલા, અમદાવાદ)

* પરિણિત સ્ત્રી માટે સારા અને કુંવારી માટે ખરાબ સમાચાર કયા કહેવાય ?
- બન્ને માટે એક જ... ડોક્ટર ‘કોંગ્રેચ્યુલેશન્સ’ આપે ત્યારે !!!
(હાર્દિક જનક રાવલ, રાંધેજા)

* પરીક્ષામાં માર્કસ ઓછા આવવાથી હું નિરાશ થયો છું. કોઈ પ્રેરણા આપશો?
- સૉરી. આપેલી ચીજો પાછી આપવાની લોકો ભૂલી જાય છે.
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)

* આપણા દેશની આવી ખરાબ પરિસ્થિતિ માટે પંડિત જવાહરલાલ નહેરૂને જવાબદાર ગણાય કે કેમ ?
- તેઓ ગંગોત્રી હતા.
(ચંદ્રિકા અમીન, અમદાવાદ)

* અમેરિકામાં વસતા ભારતીયો પત્રમાં ‘જયભારત’ લખતા હશે કે ‘જય અમેરિકા’ ?
- મને જેટલા અમેરિકન કે ઇંગ્લિશ ગુજરાતીઓનો પરિચય છે એ બધા પ્રમાણમાં આપણાથી પણ વઘુ શુદ્ધ ભારતીયો છે !
(મઘુકર માંકડ, જામનગર)

* મારે તમારા ખાડીયા ઉપર પી.એચ.ડી. કરવું છે, તો સહયોગ આપશો ?
- મારું એસ.એસ.સી. પાસ (૫૨-ટકા)નું સર્ટિફિકેટ તમને બતાવી દઈશ.
(ચંદ્રકાંત જાની, જામનગર)

* ઉપવાસ જેવા શસ્ત્રથી ભ્રષ્ટાચાર નાબુદ થઈ શકે ખરો ?
- ત્યારે શું ? જુઓને... લોકો હાલી નીકળ્યા છે તે...!!
(ભાવેશ માધાણી, રાજકોટ)

* આપણી સરકાર કસાબ જેવા દુશ્મન પાછળ કેટલો ખર્ચો કરે છે ?
- મીંડા ગણવા માંડો. રૂા. ૫,૬૭,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦. આ આંકડા ‘ભેટવર્ક’માં આવી ગયા છે.
(નુપુર માંગુકિયા, વડોદરા)

* કુંવારા અને વાંઢામાં શું ફરક ?
- અટલજી અને રાહુલજી જેટલો.
(રમેશ આર. સુતરીયા, મુંબઈ)

* લગ્ન વખતે કન્યાના ચપ્પલ કેમ સંતાડાતા નથી ?
- લગ્નના બે-ત્રણ સપ્તાહ પછી એ જ ચપ્પલ ખાવાના કામમાં લેવા પડતા હોય છે.
(જી.એચ.પટેલ, અંકલેશ્વર)

* દેશમાંથી ભ્રષ્ટાચાર સાવ ખતમ થઈ જાય તો ભ્રષ્ટ લોકો પોતાના સંતાનોને ભણાવશે કઈ કમાણી ઉપર ?
- આ તો હાળું મેં વિચાર્યું જ નહોતું...!
(મૈત્રી હેમાંગ માંકડ, જામનગર)

* દરેક ભગવાન પાસે પોતાનું વાહન છે, પણ હનુમાનજી પાસે કેમ નહિ ?
- એ ચાલવા કરતા ઊડવામાં વઘુ માને છે અને વિમાનો ઊડે એના કરતા ખાબકે છે વધારે. એમ કંઈ હનુમાનજીને મુશ્કેલીમાં મૂકી દેવાય ?
(દિયા ડી. જોબનપુત્રા, ભુજ-કચ્છ)

* હવે જેલમાં કવિ સંમેલનો થાય છે. શું જે સજા ન્યાયાધિશોએ કેદીઓને ન આપી હોય, તે સજા આ રીતે ફટકારી શકાય ખરી ?
- વાંધો નહિ... એમાં કવિ કોણ ને કેદી કોણ, એની ક્યાં ખબર પડે છે ?
(સાધના પી. નાણાવટી, જામનગર)

* ઘરનાં નળીયાં તોડી નાંખે એવા નસકોરાં બોલાવતા લોકોથી બચવા કોઈ ઉપાય ખરો ?
- અહીંયા મકાનો પડી ગયા છે, તો ય અમે તો કાંઈ બોલતા નથી...!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* એક સપ્તાહ માટે ‘એન્કાઉન્ટર’ના જવાબો આપવાના રાઈટ્‌સ શું મને આપી શકો ? ખાત્રી આપું છું કે, તમારા રાઈટ્‌સનો કોઈ મિસયૂઝ નહિ થાય..!
- અરે ભ’ઈ, જવાબોના મીસયૂઝને કારણે તો આ કોલમ હજી સુધી ટકી ગઈ છે !
(શીતલ મિસ્ત્રી, ભરૂચ)

* બિલ ગેટ્‌સ કે વોરન બૂફે જેવા ધનાઢ્‌યો પોતાની ઘણી સંપત્તિ ગરીબ દેશોમાં દાન કરે છે... આપણા ઉદ્યોગપતિઓનું શું ?
- સ્વામીજી, દાન ઉપર ક્યાં સુધી દેશ ચલાવવો છે ?
(સ્વામી આનંદ સહજ, રાજકોટ)

* અમ્યુકો દ્વારા કૂતરાંની વસ્તીગણતરીનો પ્રારંભ થયો છે. આપનું કોઈ સૂચન?
- કૂતરાંઓને હું ડાયરેક્ટ કોઈ સૂચન કરી શકું, એટલા ઉજળા સંબંધો મારે એમની સાથે નથી.
(કીર્તિ બાંકોલા, થરા-બનાસકાંઠા)

* નારી અને સન્નારી વચ્ચે શું સામ્ય ?
- બન્ને નરની પેદાશ છે.
(સલમા મણીયાર, વીરમગામ)

* લગ્નના પ્રમાણપત્રમાં ‘ઍક્સપાયરી ડૅટ’ કેમ છપાતી નથી ?
- મરેલાને શું મારવો ...!
(જયેશ અંતાણી, ભાવનગર)

* ‘ધર્મ’ શબ્દનો અર્થ શું થાય ?
- પોતાનો ગધેડો આખા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે, એવો પ્રચાર કરવાની છૂટ આપે તે.
(કાનજી એસ. ભદરૂ, ગોલગામ-બનાસકાંઠા)