Search This Blog

25/02/2015

દુષ્યંત- શકુંતલા ૨૦૧૫

મહા ગુસ્સાવાળા મહર્ષિ વિશ્વામિત્ર અને સ્વર્ગની અપ્સરા મેનકા વચ્ચેનું લફરૂં ગેરકાયદે સંતાન સુધી પહોંચી ગયું, એટલે ગભરાયેલા વિશ્વામિત્રએ મેનકાને મોંઢા ઉપર જ કહી દીધું, 'યે બચ્ચા મેરા નહિ હૈ... ગૅટ લોસ્ટ !' એમ કહીને મેનકા અને એની બાળકીને ત્યજી દીધી. મેનકી એકલી તો શું કરવાની હતી ? એટલે જંગલમાં કોક વૃક્ષ નીચે એણે બાળકીને ત્યજી દીધી. એ બાળકી એટલે આપણી સ્ટોરીની લીડ હીરોઇન શકુંતલા. એ તો એમ કહો ને કે, મહર્ષિ કણ્વ ઋષિ વળી મોર્નિંગ વૉકમાં નીકળ્યા હતા ને એમની નજર આ બાળકી ઉપર પડીને ઉઠાવી લીધી. નોર્મલી, આજકાલ તો રોડ ઉપર પડેલી દસની નોટે ય કોઈ ઉઠાવતું નથી, પણ આશ્રમમાં પડી હશે તો કોક 'દિ કામમાં આવશે, એમ માનીને કણ્વ બાળકીને આશ્રમમાં લઈ આવે છે ને ઉછેરીને મોટી કરી રૂપમોહિની અને સર્વાંગ સુંદર શકુંતલા બનાવે છે.

સમય જતા બે પૈસા કમાવવા કણ્વ ઋષિએ પોતાનો આશ્રમ કાફેટેરિયામાં ફેરવી નાંખ્યો હતો, જેનું સંચાલન શકુંતલા અને તેની બે પ્રિય સખીઓ અનસૂયા અને પ્રિયંવદા કરતી હતી. આશ્રમની પાછળના ભાગમાં એ લોકોએ નાનકડાં ગેરકાયદે જંગલ જેવું બનાવ્યું હતું. ત્રણે સખીઓ આ જ જંગલમાં પોતપોતાના ભાગે આવેલા બોયફ્રેન્ડ્ઝ સાથે 'વોટ્સ એપ' કરવા અહીં આવતી.

અચાનક એક ભમરો 'ગૂનગૂનગૂનગૂન' કરતો શકુંતલાના માથે મંડરાવવા લાગ્યો. રસ્તા ઉપર કોઈએ નાખેલી સળગતી બીડી ઉપર પગ ચંપાઈ ગયો હોય એવી શકુ ઉછળી, 'ઓ મ્મી ગૉડ... ઓ મ્મી ગૉડ... અન્નુ... વંદા.. હેલ્પ મી... બચાવો.' ભમરાથી ગભરાઈ ગયેલી શકુએ ચીસાચીસ કરી મૂકી. અનસૂયાને શકુ હંમેશા 'અન્નુ' કહીને બોલાવતી, પણ શકુ જીભની થોડી તોતડી હોવાથી 'પ્રિયમ-વદા'ને બદલે 'પ્રિય-વંદા' જ બોલી શકતી, જે પિયુડીને ગમતું નહિ, એટલે એને ફક્ત 'વંદા' કહીને શકુ બોલાવતી. ભમરો પેલી બન્નેને પડતી મૂકી કેવળ શકુ ઉપર મંડરાતો હતો, એ બાબતે આશ્રમના વર્તુળમાં ગહેરી ચર્ચા પકડાઈ હતી કે શકુ આમ તો રોજ નહાય-ધૂએ છે, સ્માઇલો સાથે બોડી-સ્પ્રેઓ પણ છાંટતી હોય છે, છતાં ભમરો એની પાસે જ કેમ જાય ? અન્નુ અને પિયુ પણ જેલસ. આની ઉપર તો કેવા કેવા હેન્ડસમ ભમરાઓ મંડરાયે રાખે અને એ બન્ને ઉપર તો રાત્રે ઝીણી મસીઓ પણ કઇડવા આવતી નથી. આખરે સ્ત્રી સ્વભાવ તો ક્યાં જવાનો, યારો ? પણ શકુંતલી સાચ્ચે જ ગભરાયેલી હતી. ગુજરાત યુનિવર્સિટી પાસે ચાની કીટલીના મૂડા ઉપર બેસીને આવતી- જતીઓ સાથે ચક્ષુ વિવાહો કરતા છોકરાઓના ત્રાસથી પડાયેલી આ બૂમો નહોતી. જો કે, એમાં તો શકુ બૂમો પાડે ય શેની ? ('ચક્ષુ વિવાહ' એટલે 'ગાંધર્વ વિવાહ'થી ઉલટી ગંગા : સમજણ પૂરી) બન્ને સખીઓ ગભરાઈને શકુ પાસે દોડતી આવી, 'ઓહ ન્નો... શકુ ,વોટ હેપન્ડ... ? ક્યા હુઆ ?.. આર યુ ઓ.કે. ?'

બન્ને ડોબીઓ હતી. ગરમ લ્હાય જેવી તાવડી ઉપર ઘી તડતડ થતું હોય, એવા ઉછાળા શકુ મારતી હતી, એ નજર સામે જોવા છતાં સ્ટુપિડો પૂછે છે, 'આર યુ ઓકે ?' શકુ અહીં કાંઈ જ્ઞાાતિ રમતોત્સવમાં દોરડાં કૂદવા નહોતી આવી. આમે ય, એ બન્નેઓ મ્યુનિ.ના જંતુનાશક વિભાગમાં પાર્ટ-ટાઇમ જોબો કરતી નહોતી તે ભમરો ભગાડી શકે. એ વાત જુદી છે કે, બન્નેના પરફ્યૂમોમાં ડી.ડી.ટી.ની ફ્લેવર મળી આવતી, એમાં તો માંડમાંડ નજીક આવતા સ્થાનિક ભમરાઓ ય દૂર જતા રહેતા.

...ને ત્યાં જ, ઉગમણી દિશામાંથી ઘનઘોર ઝાડીઓની વચ્ચેથી પોતાની મોટરબાઇક કૂદાવીને રાજા દુષ્યંત હાજર થઈ જાય છે. રાજાઓ નોર્મલી, માથે સોનાનો મુગટ પહેરતા હોય, એને બદલે દુષીયો પતરાંની હેલ્મેટ પહેરીને આવ્યો હતો, એ જોઈને આ ત્રણે એટલું જ સમજી કે, આ છે કોઈ મીઠાખળીના મોટર ગેરેજવાળો. ત્રણે જણીઓએ કોઈ ધ્યાન ન આપ્યું. દુષ્યંત સાઇડમાં બાઇક પાર્ક કરીને બગલ વચ્ચે હેલ્મેટ દબાવી 'હાય' કરવા આવ્યો, ''એની પ્રૉબ્લેમ... ? મે આઇ હેલ્પ યુ'' પેલીઓ હજી તો ''છુટ્ટા નથી... આગળ જાઓ, બાબા'' કહી દે, એ પહેલાં ભમરો શકુના નાક પાસે આવી ગયો. દુષી પળભરનો વિલંબ કર્યા વિના પોતાની બાઇક તરફ દોડયો અને મહીંથી ફ્લિટનો પમ્પ લઈ આવ્યો. નોર્મલી, રાજા- મહારાજાઓ શિકાર ભાલા- તલવારોથી કરતા હોય, પણ ભમરો મારવા માટે તોપ અને એ.કે. ૪૭ જેવા શસ્ત્રો ન જોઈએ... આમાં તો ફ્લિટનો પમ્પ જ ચાલે, એવી સા.બુ. દુષીમાં હતી, એ જોઈને શકુ મલકાઈ, 'લડકે મેં કુછ દમ તો હૈ !' (સા.બુ. એટલે સામાન્ય બુદ્ધિ) એણે બીજીવારનું સ્માઇલ પણ આ જ ગ્રાઉન્ડ ઉપર આપ્યું કે, ભમરાને મારતા પહેલા દુષિ, ''કુત્તેએએએએ... મેં તેરા ખૂન પી જાઉંગા....'' નહોતો બોલ્યો, અર્થાત્, આ માણસ નોન-વૅજ નથી ખાતો અને ભમરા અને કૂતરા વચ્ચેના તફાવતની એને ખબર છે.

ભમરો ભાગી જવા છતાં અન્નુ-પિયુ હજી નહોતા ભાગ્યા. એ બન્નેને પણ દૂષિ ગમી ગયો હતો કારણ કે દુષ્યંત હંમેશા મુલાયમ પીંછા જેવી ભારત બ્લેડથી રોજ ક્લિનશેવ કરતો હતો...સ્મૂધ શૅવ, યુ નો !

આવાઓના ગાલ ઉપર હથેળી ફેરવીને મોડેલિંગ સારું થાય, એની એ બન્નેને ખબર, પણ શકુએ એ બન્નેને ભગાડી દીધા, 'જાઓ... મેહમાન માટે શહેનશાહ ગરમ મસાલા લઈ આવો.'

દુષ્યંત- શકુંતલાએ વધુ સમય બગાડવાને બદલે ત્યાં જ પ્રેમમાં પડી લીધું અને એ બન્ને વડે ગંધર્વ વિવાહના માધ્યમથી જ પરણી જવાયું.

આખરે તો દુષ્યંત રાજા હતો, એને ય બીજા કામધંધા તો હોય કે નહિ, એટલે ભવિષ્યમાં તું મારા ઘરે પાછી આવે અને હું તને ભૂલી જઉં, તો આપણા લગ્નની બત્તોર નિશાની લે... આ મારું કાર્ડ પકડ ! એ બતાવતા જ મારી યાદદાસ્ત વાપસ આવશે.''

''જાનુ, આ તારું વિઝિટિંગ-કાર્ડ છે ?''

''પગલી, આ તો અમારા કુટુંબનું ' આધાર-કાર્ડ ' છે. એ તું જાળવી રાખજે... બાય !''
* * *
''એક્યૂજ મી... ઊંઝા જતી ૧૦.૩૦ની બસ કેટલા વાગે ઉપડે છે ?''

મહર્ષિ કણ્વ ઋષિના આશ્રમ- કમ- કાફેટેરીયાની બહાર ટ્રાફિક જામને કારણે અટકી ગયેલી બી.આર.ટી.એસ.ની બસની બારીમાંથી ડોકિયું બહાર કાઢીને, પોતાના ગુસ્સા માટે ઠેર ઠેર બદનામ થયેલા ઊગ્ર ઋષિ દુર્વાસા મુનિએ રાજા દુષ્યંતની યાદોમાં ખોવાઈને બન્ને ઢીચણો ઉપર દાઢી અડાડી સુનમુન બેઠેલી આશ્રમ- ગર્લ શકુંતલાને 'વોટ્સએપ'માં મેસેજ પણ મૂક્યો... શકુએ મોબાઇલ પણ ન ખોલ્યો, એમાં કાકા બગડયા, ''યુ સ્ટુપ્પિડ ગર્લ... એક મહાન ઋષિ તારે આંગણે આવ્યા છે... એમનું સ્વાગત કરવાને બદલે નીગ્લેક્ટ કરે છે... ? જા, હું તને શ્રાપ આપું છું કે તું જેની યાદમાં ખોવાયેલી છે, એ તને ખરે વખતે ભૂલી જશે !''

શકુનું તો આવું કોઈ ધ્યાન પડયું નહિ, પણ સખીઓ સાંભળી ગઈ. એ બન્ને ભયભીત થઈ ગઈ. ક્રોધિત ઋષિની પાછળ છકડો પકડીને અડધે રસ્તે એ બન્ને ઋષિ-મુનિને એમના શ્રાપમાં ડિસ્કાઉન્ટ આપવા રીક્વેસ્ટો કરી. અન્નુ-પિયુ બન્નેના ફાધરો રખડતા કૂતરા પકડાની વેન ચલાતા હતા, એટલે આવાઓની સાથે બહુ બગાડાય નહિ, એમ માનીને દુર્વાસા ઋષિએ એમના શ્રાપમાં સારું એવું ડિસ્કાઉન્ટ આપ્યું, ''આમ તો અમારા શ્રાપો મિથ્યા જાય નહિ, એટલે દુષ્યંત શકુંતલાને ભૂલી તો જશે જ, પણ સ્પેશિયલ કેસ તરીકે ડિસ્કાઉન્ટ આપું છું કે, એના પ્રેમીએ આપેલી કોઈ નિશાની બતાવશે તો પેલાની યાદદાસ્ત પાછી આવી જશે.. જય અંબે.''
* * *
દુષ્યંત તરફથી તો પછી કોઈ ખબર- બબર આવ્યા નહિ, એટલે મહર્ષિ કણ્વ ઋષિએ શકુને વિદાય આપવાનું નક્કી કર્યું કારણ કે, હવે શકુને મહિનાઓ જતા હતા. ઋષિનો શ્રાપ સાચો પડયો હતો, દુષ્યંત એની વહાલસોયી શકુંતલાને ભૂલી ગયો હતો. આ નામની સગપણમાં એને કોઈ બહેન થતી હતી કે કેમ, એ પણ એને યાદ રહ્યું નહોતું, આ બાજુ કુકરવાડાથી હસ્તિનાપુરની ડાયરેક્ટ બસમાં બેઠેલી શકુંતલાનું કોઈ પર્સ મારી ગયું, એમાં દુષ્યંતની એ નિશાની પણ જતી રહી.

''માતા... તારે કોનું કામ છે ?''

''માતા હશે તારી માં... હાળા ધોબી, હું તારી માતા ફાતા નહિ, વાઇફ છું વાઇફ....!'' એવા ગુસ્સાભર્યા આલમમાં બગડેલી શકુંતલા ગિન્નાઈ જાય છે. રાજા દુષ્યંત તો માની જ શકતો નથી કે, એને કોઈ વાઇફ કે વાઇફોઝ હોય ! છતાં ય માણસ સંસ્કારી, એટલે શકુને 'બેનિફિટ ઑફ ડાઉટ' આપવા પૂછી જુએ છે કે, સદરહુ મહિલા પાસે કોઈ સાબિતી છે ? શકુ ચમકી. એને તરત યાદ આવ્યું કે, એના પર્સમાં જ આ લોકોનું 'આધાર કાર્ડ' હતું... ઓ મ્મી ગૉડ... આઇ લોસ્ટ ઇટ... એ તો ખોવાઈ ગયું...! હવે ?
નવું આધાર-કાર્ડ કઢાવવા શકુંતલા છેલ્લા ચાર વર્ષથી કોર્પોરેશનની જુદી જુદી કચેરીઓના ધક્કા ખાધે રાખે છે. જવાબ મળે છ 'બેન, અમને જ ખબર નથી કે આધાર કાર્ડ' ક્યાંથી કઢાવવાનું છે...!''

બસ. ઇ.સ. ૨૦૧૫ના આ 'અભિજ્ઞાન શાકુંતલમ'ના એન્ડમાં ભરત બુઢ્ઢો થઈ જાય છે, પણ દુષ્યંત- શકુંતલા હજી ભેગા થયા નથી.

સિક્સર

ફરીથી એક વાર ભારત પાકિસ્તાન સામે જીતી ગયું....
બસ. આપણો વર્લ્ડ-કપ જીતાઈ ગયો !

22/02/2015

ઍનકાઉન્ટર : 22-02-2015

* ભારતે પહેલી જ મૅચમાં પાકિસ્તાનના ગાભા કાઢી નાંખ્યા.. સુઉં કિયો છો ?
- એકલા ગાભા જ નહિ... ડૂચાં ય કાઢી નાંખ્યા કહેવાય !
(કવિતા એમ. શાહ, અમદાવાદ)

* આપની દ્રષ્ટિએ ભારતે પાકિસ્તાનને હરાવ્યું, એનું મુખ્ય કારણ કયું ?
- ભારતને આવી આદત કારગિલથી પડી ગઇ છે.
(દિવ્યા કાકુભાઇ દેસાઇ, સુરત)

* પાકિસ્તાન હજી સુધી વર્લ્ડ કપમાં ભારતને એકે ય વાર હરાવી શકયું નથી, એનું કારણ તમને શું લાગે છે ?
- એનો સુંદર જવાબ ઈન્ઝમામ-ઊલ-હક્કે ભારતની જ કોઈ ટીવી-ચૅનલ ઉપર સરસ આપ્યો હતો કે, 'ઈન્ડિયા કે સામને હારતે હૈં તો બીવી ભી દરવાઝા નહિ ખોલતી !'
(પરિમલ સી. દવે, અમદાવાદ)

* 'વર્લ્ડ-કપ જીતો કે ન જીતો, પણ પહેલી મેચમાં પાકિસ્તાનને જરૂર હરાવો.' આવી ભાવના સારી કહેવાય ?
- આપણી ખિલાફ આવી ભાવના પાકિસ્તાનના ય ઘરઘરમાં સદીઓથી ચાલી આવે છે.
(કમલ જે. પટેલ, સુરત)

* આ કેજરીવાલનો વિજય કહેવાય કે મોદીનો પરાજય ?
- એ જે કહેવાતું હોય એ.... પણ મોદીને સમજવાનો સમય આવી ગયો છે કે, કામ નહિ બતાવીએ તો હાલ બુરા થશે.
(વિદિશા રામજીભાઈ શાહ, અમદાવાદ)

* કરણ જોહરની અત્યંત બિભત્સ જૉક્સવાળી 'AIB નૉક આઉટ' અંગે તમારો શું પ્રતિભાવ છે ?
- આમાં પ્રતિભાવ શેનો...? સામે આવે તો આવા નાલાયકોને ચાર થપ્પડ જડી દેવી જોઈએ.
(પ્રકાશ વાય. ચીનીવાલા, સુરત)

* મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન કદી હસતા કેમ નથી ?
- હસતા ચેહરાને કામ સાથે શી નિસ્બત ? હું હાસ્યલેખક છું પણ ભાગ્યે જ હસતો હોઉં છું.
(ચિરાગ પટેલ, નડિયાદ)

* તમારે ચશ્મા છે ?
- ના. આંખો છે.
(વિભાકર જવલંતરાય મહેતા, મુંબઈ)

* આ અમદાવાદમાં છાશવારે મૅરેથોન-દોડ યોજાય છે, એમાં સામાન્ય પ્રજા અને ટ્રાફિકના ત્રાસ વિશે કેમ કોઇ વિચારતું નથી ?
- જેમને એ બધું વિચારવાનું હોય છે, એ બધાને ટ્રાફિકનો ત્રાસ વેઠવો પડતો નથી.
(પૂર્ણા જે. પટેલ, અમદાવાદ)

* મારા પતિ, હું સાથે હોઉં છતાં અન્ય સ્ત્રીઓને ખૂબ જોયે રાખે છે.... મને આમાં મારૂં અપમાન લાગે છે... મારે શું કરવું ?
- આવું અપમાન એમને લાગે, એવું શરૂ કરી દો.
(નિકિતા પી. છાયા, વડોદરા)

* નવીનક્કોર ગાડીને ટક્કરવાળો તમારો લેખ વાંચીને રાજી થઇ ને એ જ દિવસે અમારી નવી ગાડીને કોઇએ ટક્કર મારી... મારે રાજી થવું કે રોવું ?
- અમદાવાદમાં તો લોકો સાયકલને ય ગાડી કહે છે... તમારે કઇ હતી ?
(જગત સી. પીઠાવાલા, સુરત)

* અમેરિકામાં હોમોસૅકસ્યૂલ્સનો પ્રભાવ વિરાટ છે. તમારૂં કોઇ નિરીક્ષણ ?
- હું એ નિરીક્ષણો કરવા તો નહોતો ગયો, પણ એક બુઢ્ઢાએ અણછાજતી માંગણી કરી હતી ને મારે કહેવું પડયું હતું, 'હું તમારા પુત્ર જેવો છું. હવેથી આવું ન કરશો.'
(કૃણાલ સોની, અમદાવાદ)

* ગયા 'વૅલેન્ટાઇન-ડે' એ તમને કોઇએ વિશ કર્યું હતું ?
- મને તો કોઇએ નહોતું કર્યું પણ મંદિરમાંથી બહાર નીકળતી એક ખૂબસુરત પરિચિત મહિલાને મેં 'હૅપી વૅલેન્ટાઇન-ડે' કીધું, તો મને સામું, 'જે શી ક્રસ્ણ, કાકા' કહ્યું.
(કિશોરી અમોલ ત્રિવેદી, અમદાવાદ)

* તમે માનો છો, યુવરાજસિંઘને આ વર્લ્ડ-કપમાં લીધો હોત તો ઘણો મોટો ફેર પડી જાત ?
- એમ તો, મને ય લીધો હોત તો ય ઘણો ફેર પડી જાત !
(ડૉ. અશ્વિન હી. પટેલ, કૅટ્સકીલ-ન્યુયૉર્ક)

* શું 'વૅલૅન્ટાઇન-ડે' સહુને ફળે છે?
- કેટલાકને મોંઢે 'ટર્પેન્ટાઇન' લગાવવું પડે છે.. ને તોય નથી ફળતું.
(પ્રશાંત જગજીવન રાવલ, અમદાવાદ)

* તમે 'સૅલ્ફી' ફોટા પાડો છો ખરા?
- કોઇ પાડી આપે તો પડાઇએ...!
(નૈસર્ગી પરેશ પટેલ, વલસાડ)

* મારે કવિ બનવું છે.. શું કરવું ?
- વાહ... રદીફ ને કાફીયા બંને અદ્ભુત અને નવા છે...ઈર્શાદ.. આગે બોલો !
(શૈલેષ જી. પરીખ, અમદાવાદ)

* મારી સાથે લગ્ન કરવા માંગતો યુવાન આમ તો મને ગમે છે, પણ બહુ ઠીંગણો છે. શું કરવું ?
- એની સાથે હસ્તમેળાપ, સાત ફેરા, કન્યા વિદાય... બધું બબ્બે વખત કરો... માપમાં આવી જશે.
(પ્રિયંકા એમ. ચોકાવાલા, સુરત)

* શું તમે કૉંગ્રેસને સખ્ત નફરત કરો છો ?
- સહેજ પણ નહિ... બાય ધ વે... આ કૉંગ્રેસ કોઇ વૃધ્ધાનું નામ છે ?
(મહેશ જે. શાહ, અમદાવાદ)

* તમે લખ્યા મુજબ, પર્વતની ધાર પર લટકતી સ્ત્રીને બચાવવા જેટલું જોખમ ઉઠાવવું જોઇએ ખરૂં ?
- એ લટકતી સ્ત્રીનો પૂરો બાયો-ડૅટા મોકલો, પછી કહું.
(કંદર્પ પ્રમોદ શાહ, વડોદરા)

* દિલ્હીની ચૂંટણીમાં કિરણ બેદીને ભાજપ કેમ બચાવી શક્યું નહિ ?
- ભાજપ ઊલટું સમજ્યું હતું.... 'બેદી બચાવો' ને બદલે એ લોકો 'બેટી બચાવો' સમજ્યા હતા.
(તેજસ મુ. શાહ, જામનગર)

* સાંભળ્યું છે, તમે રોજ આખી રાત જાગીને સવારે સુવા જાઓ છો... તો જાગો ક્યારે ?
- બસ... બપોરે બે-ત્રણ વાગે સૂરજના પહેલા કિરણો નીકળે ત્યારે !
(મનોજ ગી. ઠાકર, ગાંધીનગર)

* મારી પત્ની મને તો ખૂબ ગમે છે, પણ હું એને ખૂબ ગમતો નથી. આમાં શું સમજવું ?
- તમારા બંનેમાંથી એકનો ટેસ્ટ ખૂબ સારો કહેવાય !
(પ્રદીપ ટી. ઝવેરી, મુંબઇ)

* કહે છે કે, મોબાઇલ અને પ્રેમિકા.... છ-છ મહિને બદલી નાંખવા જોઇએ... સુઉં કિયો છો ?
- કંઇક ઓછું કરી આલો ને...!

* તમે સૌગંદમાં માનો છો ?
- સૌગંદ સાચા ખવાતા હોત તો ઈશ્વરનું અસ્તિત્વ જ ન હોત.
(પન્ના રાયચંદ, મુંબઇ)

18/02/2015

પગ ભાંગે છે ત્યારે...

સ્કૂલમાં હતો ત્યારથી મને ઘોડે ચઢીને યુધ્ધભૂમિમાં ભાલા અને તલવારો લઇને દુશ્મનોને લોહીલુહાણ કરી આવવાની તમન્નાઓ બહુ થતી. આ આપણી એક હૉબી! (આ વિધાનથી એવું ન સમજવું કે, હું ઍટ લીસ્ટ... સ્કૂલ સુધી તો ભણેલો છું, એની આ જાહેરાત છે...! આપણી પાસે 'સ્કૂલ લીવિંગ સર્ટીફિકેટ'ની ફોટો-કૉપી છે... ફાધરને ઝૅરોક્સનો બિઝનૅસ હતો!)

બીજાઓને યુધ્ધો જોવા ગમે, મને કરવા ગમે! આમાં તો કેવું છે કે, શીખ્યા હોય તો કોક 'દિ પડોસી સામે ભાલો લઇને ટટ્ટાર ઊભા રહેવાના કામમાં આવે. મેં તો સૅલ્ફીમાં હાથમાં તલવાર સાથેના ત્રણ ફોટા પાડયા છે... (એક સારો આવ્યો છે.) હું સાક્ષાત રાણા પ્રતાપ બનીને અકબર-એ-આઝમ સામે ઘોડા ઉપર બેસીને યુધ્ધ કરતો હોઉં, એવા વિચારો મને રાત્રે સૂતી વખતે આવે. (એ વખતે, વાઇફ વાઇફ નહિ, પણ રાણી લક્ષ્મીબાઇ સુતી હોય એવું લાગે... એ વાત જુદી છે કે, સવારે ઊઠીને એને જોઇએ, એટલે બધ્ધા પૈસા પડી જાય....કે, 'આની સામે ય મારૂં કાંઇ ઉપજતુ નથી, ત્યાં શહેનશાહ અકબરને તો કે 'દિ પહોંચી વળાશે?'.... આ તો એક વાત થાય છે! આ તો ભ'ઇ, બધી વીરતાની વાતો છે. કાચાપોચાનું કામ નહિ!) બસ, એક વાતે પગ પાછા પડી જતા હતા કે, યુધ્ધોમાં સાલા હાથ-પગ બી ભાંગે, મારી નાનપણથી એક માન્યતા રહી છે કે, યુધ્ધો ભલે કરો, પણ હાડકાં ભાંગવા ના જોઇએ. એમ પાછો હું ફોસી બહુ. બીજા કોઇના પગમાં પ્લાસ્ટર જોઉં, તો ય મને સણકા ઉપડે છે.

કહે છે કે, હાથ-પગ શૂરવીરોના ભાંગતા હોય છે. યુધ્ધના મેદાનમાં હાથ-પગ ભંગાવીને આવેલો સેનાપતિ વીરયોધ્ધો કહેવાય છે. ઘરે આવતા પહેલા એ હાડવૈદ્યને ત્યાં પાટાપિંડી કરાવીને આવતો નથી- સીધો ઘેર આવે છે, જ્યાં રાજપુતાણી કંકુ-ચોખાવાળી થાળી લઇને એનું સ્વાગત કરવા ઊભી હોય છે.
મારો પગ ભાંગ્યો, ત્યારે આમાંનું કશું ન મળે. જગતભરની તમામ વાઇફોઝની જેમ મને ય ખખડાવી નાંખવામાં આવ્યો, ''જરા જોઇને હાલતા હો તો...! જીયાં ને તીયાં ડાફરીયાં મારવાનું હવે તો બંધ કરો!''
એવું કાંઇ નહોતું. રોડ ઉપર છાપાંના કાગળનો ટુકડો પડયો હતો, તે આપણને એમ કે, ''લાય.... એકાદ લાત મારીએ...'' આપણને શી ખબર કે, એ કાગળ નીચે જમીનમાં ગડેલો સૉલ્લિડ પથ્થર હશે! આપણે નથી ઘણી વાર લેવા-દેવા વગરનું કોકા-કોલાનું ડબલું પડયું હોય તો એમ થાય કે, ''ચલો એક લાત મારીએ...'' આપણા અનેક કાર્યોને કારણ સાથે સંબંધ નથી હોતો. આમાં શક્તિ-પ્રદર્શન નથી હોતું... બે ઘડી મસ્તી હોય, મારા ભ'ઈ!

સમ્રાટ અશોક કહેતો કે, યુધ્ધ કરતા યુધ્ધ પછીના દ્રશ્યો બહુ દુઃખદાયક હોય છે. આવું મેં કીધું હોય તો ય મને ખબર નથી... ક્યાંક હું આવું બોલ્યો ય હોઉં...! મારે પણ અશોક જેવું જ થયું. મારા માટે તો લાત મારવાની એ ક્ષણ જ ઘણી ખૌફનાક હતી. વાઇફે તો ટોણો ય માર્યો કે, ''મારી મમ્મીનો બરડો ધારીને પથ્થર ઉપર લાતું માયરી'તી?'' અમદાવાદના સીજી રોડ પર મારૂં નીકળવું ને સામેથી શહેરની નહિ, પણ આખા અમદાવાદ જીલ્લાની શ્રેષ્ઠ કહી શકાય, એવી બે સુંદર સ્ત્રીઓ આવતી હતી.

આ બાજુ, મારી ઉંમર હવે દેખાવા માંડી છે. રહી રહીને મારા માથાના વાળે કોયલ-સ્વરૂપ ધારણ કર્યું છે. કોયલ પોતે માળો બનાવતી નથી ને પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી આવે છે... લુચ્ચી...! એમ મારા માથાના વાળે માથું છોડીને કાન, નાક અને આંખની ભ્રમરો ઉપર વસવાટ કર્યો છે. મારાથી મોટી ઉંમરની મહિલાઓ પણ મને 'કાકા' કહેવા માંડી છે. તે આપણને એમ કે, કશોક કરતબ બતાવીએ તો છાપ સુધરે ને એ બન્નેને એમ લાગે કે, ''...છે કોઇ યુવાન...! નૉર્મલી, યુવાનો આમ રસ્તે પડેલા ડબલાંને લાતો મારતા હોય છે.'' હું તો જાણે કાંઇ જાણતો જ નથી, એમ એ બન્નેઓ કોઇ વીસેક ફૂટ દૂર હતી, ત્યારે ઊંચે જોઇને સિસ્સોટી વગાડતા વગાડતા નીચે પડેલા છાપાના કાગળ અને મારા પગ વચ્ચેનું અંદાજીત માપ કાઢીને પૂરજોશથી લાત મારી...!

ધૅટ્સ ઑલ...! આખો સીજી રોડ થીજી જાય, એવડી મોટી ચીસ પડાઇ. સદરહૂ ચીસો યથાવત રાખીને, બન્ને હાથે ઢીંચણ ઊંચો કરી એક પગે કૂદ્યો છું, ધરખમ કૂદ્યો છું, હદ બહારનો કૂદ્યો છું. સાહિત્યકારો ય સહમત થશે કે, ચીસોની કોઇ ભાષા નથી હોતી, ''ઓય વોય..'' ને ''મરી ગયો રે'' જેવી બૂમો જ હોય છે. 'ઓય વૉય'નું ઈંગ્લિશ મને આવડતુ નથી ને 'મરી ગયો રે'નું કરવા જેવું નથી. એક પગે કૂદકા મારતા હવે આ ઉંમરે ન ફાવે, એમાં આખેઆખો પડયો ને આ વખતે બન્ને ઢગરાઓ પછડાયા.

ઘેર પગે પ્લાસ્ટર બાંધીને સૂતા હો, ત્યારે ચિત્તોડના મહારાજા જરી આડા પડયા હોય એવો પ્રભાવ પડે, પણ પાછળ ઢગરાઓ ઉપર પ્લાસ્ટર બાંધીને સુઓ, તો રણછોડરાયજી મંદિરનો પૂજારી આડો પડયો હોય એવું લાગે.

ઘેર ખબર કાઢવા આવનારાઓને મને જોઇને મજા પડતી હતી. મારા જામનગરના વડિલને દાંત આવવા મંડયા. (કાઠીયાવાડમાં 'દાંત આવવા' એટલે હસી પડવું.) ''...તે આમ સુઉં લતું મારવા નીકર્યા'તા...? ભલા માણહ... પથ્થરૂં, પાણાંઓ કે ઠીકરાંવને લતું મરાતી હઇશે? ઘડીક થોભીને વિચાર તો કરવો'તો કે આમ પાણાને લાતું નો મરાય!'' એમના પત્ની મારો પાટો પંપાળીને કહે, ''દવે ભાઆ...ય, આ તમારા ભા'યને ય કાંય કે'વા જેવું નથ્થી...! તે વળી એક 'દિ ધાગધાગા થઇ ગીયા, એમાં ભેંસને તમાચો ચોડી દીધો... એમાં હાથ તઇણ ઈંચ ખભામાં ગરી ગીયો... ભેંશ તો દાંત કાઢતી વઇ ગઇ, પણ તમારા ભાઆ'ય ટુંકા થઇ ગયા... જોઇ જોવ.... એક હાથ કરતા બીજો ટુંકો છે.'' પણ એ બન્ને ગયા. એમાં એમના વાઇફના સાડલાનો છેડો મારા પગના પ્લાસ્ટરમાં ભરાયો. હબડક દઇને ઊભા થઇને એ ચાલ્યા, એમાં રિસાયેલા છોકરાંને માં પરાણે ખેંચીને ઢસડતી હોય, એમ મારો પગ પૂરજોશ ખેંચાયો. મૂળ ઘટના સરીખી બીજી ચીસ પડાઇ ગઇ.

ઑફિસનો સ્ટાફ ખબર કાઢવા આવ્યો. એ લોકોને મારા પગ કરતા ઢગરા ભાંગ્યા, એમાં વધુ રસ હતો. ''આમ સીધું તો સુવાતું નહિ હોય ને?... ઊંધા જ સુવું પડે, કેમ?.... અરે બૉસ... આમ પથ્થરને લાત મારતા વિચાર તો કરવો'તો!''

''સાહેબ, મોદી સાહેબના 'સ્વચ્છતા અભિયાન'ને તમે ટેકો આપ્યો હોત તો રસ્તા ઉપરના કાગળને કિક મારવાને બદલે ઉપાડીને કચરાપેટીમાં નાંખી દીધો હોત!'' કોક હસ્યું, એમાં આણે સીધો ચાનો ફૂવારો મારા મોંઢા પર આવવા દીધો. ખ્યાલ મને ય ન રહ્યો, એમાં આંચકા સાથે અચાનક ઊભા થઇ જવાનું મને ભારે પડયું. ગુજરાતીમાં એને કમરનો સણકો કહે છે.

ડ્રૅસિંગ માટે ઑર્થોપૅડિક ડોકટરને ત્યાં જવા માટે ૩-૪ દોસ્તોને બોલાવવા પડયા, પણ એમાંના ત્રણને વધારે અનુભવ-દર્દીને ખસેડવાનો નહિ, ઠાઠડી ઉપાડવાનો હતો. ''ક્યાંથી બાંધવાના છે?'' એવું કોક બોલ્યું એમાં મને છ હેડકી આવી ગઇ. બીજાએ વળી નહોતું કરવા જેવું, એવું સૂચન કર્યું, ''તમારી ન્યાતમાં છાતી કૂટનારી બાઇઓ મળી રહે કે ના મળે?'' અમારા ચોથે માળેથી લિફ્ટમાં ખસેડવા માટે મને ઊંધો સુવડાવીને લઇ જવાનો હતો, ત્યાં બીજો બોલ્યો, ''અત્યારે જ કાઢી જવાના છે?'' મનમાં ગમે તે હોય, પણ આ વખતે વાઇફ પણ ખિજાણી, ''ભાઆ'ય... આવું નો બોલાય...! આવું બોલાવાથી એમના આત્માને શાંતિ નો મળે, હઇમજ્યા?''
લિફ્ટમાં મને લાંબો સુવડાવવાની ઉતાવળમાં મારૂં માથું હજી બહાર હતું ને પેલાઓએ લિફ્ટનો દરવાજો બંધ કર્યો. આપણી લિફ્ટોનું એટલું વાળી સારૂં છે કે, આવું કાંઇ થાય તો ઑટોમૅટિક દરવાજો પાછો ખૂલી જાય, એટલે મને ત્યાં જઇને માથામાં ફક્ત બે જ ટાંકા લેવા પડયા.

જે મળે છે, એ એ જ પૂછે છે, ''રોડ પર આવી લાત મારતા પહેલા વિચાર તો કરવો'તો...!'' ને હું કહું છું, ''સદીઓ પહેલા હું રાણો પ્રતાપ હતો, ત્યારનો વિચાર કરતો હતો કે, આમ લાત-બાત મરાય કે નહિ...? આજે વળી અમલ કર્યો. ઑર્થો-ક્લિનિકની બહાર નીકળતા સ્ટ્રેચરમાં ઊંધા સુતા પછી મારી નજર રસ્તા ઉપર પડેલા છાપાંના એક કાગળ ઉપર પડી....!''

સિક્સર

- દિલ્હીમાં કેજરીવાલનો જયજયકાર થઇ ગયો...!
- કાંઇ ખોટું નથી થયું.... આવી એક લપડાક પડવા જેવી હતી!

16/02/2015

'ઍનકાઉન્ટર' : 15-02-2015

* તમારા મતે, પરણવા માટે છોકરી કેવી પસંદ કરવી જોઇએ ?
- તમારૂં સર્કલ વધારી ન દે, એવી.
(ભરત ગાંભવા, ચાંદીસર- પાલનપુર)

* આપનું નામ જેના ઉપરથી પડયું છે, તે જામનગરનુ 'અશોક સદન' હવે જર્જરિત હાલતમાં આવી ગયું છે. કોઈ ઉપાય ?
- મારે તો હજી વાર છે.
(ભોલાનાથ રિંડાણી, જામનગર)

* કહેવત છે કે, 'સાઠે બુધ્ધિ નાઠે.' તમારૂં શું માનવું છે ?
- ચારેક વર્ષથી મને ય ડાઉટ તો હતો જ...
(કાંતિલાલ વી. ખંડોર, મુંબઇ)

* આજકાલ માનવતા ઓછી થવાનું કારણ શું ?
- બોલો...તો ય હું તમને જવાબ આપું છું ને ?
(અનંત ત્રિવેદી, ગોરડકા-બોટાદ)

* કોઇ કહે, 'અમારા ગામમાં જોવા જેવું કાંઇ નથી,' તો શું સમજવું ?
- એમાં તમારે ક્યાં કાંઇ સમજવાનું છે...જે છે, એ બધું એણે સમજવાનું છે.
(મધુકર માંકડ, જામનગર)

* ભારતના 'સ્વચ્છતા અભિયાન' વિશે શું માનો છો ?
- કોઇ ટીવી-ન્યૂસ ચૅનલવાળો ઓળખિતો હોય તો કહેવડાવજો...જે મનાવવું હોય, એ માની જઇશ.
(હાર્દિક રાજા, ગોંડલ)

* લ્યો ત્યારે....ઊંટ પર બેસવાના ધખારા ન રાખતા હો તો...?
- ઊંટ માટે આવો કોઇ મૅસેજ છે...?
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

* ઊંટ વિશેના તમારા લેખ પછી કચ્છના ઊંટોની લાગણી દુભાઈ છે....તમને ઊંટ પર બેસતા ન આવડયું, એમાં ઊંટ શું કરે ?
- સદરહુ ઊંટે કોઇ સારા વૈદ્યને બતાવવું જોઇએ.
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

* આપણે જેને પ્રેમ કરતાં હોઇએ, એના માનપાન આટલા બધા કેમ વધી જાય ?
- આપણે...? મને આમાંથી રદબાતલ ગણવો.
(રામ ઓડેદરા, પોરબંદર)

* સલમાન ખાનની બહેનના લગ્નમાં તમને આમંત્રણ કેમ નહિ ?
- એ લોકોને ય એમ તો થાય ને, કે આટલો મોટો માણસ લગ્નમાં આવશે કે નહિ ? મારા લગ્ન વખતે ય મને આવો ધારી લેવામાં આવ્યો હતો.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* કાળા નાણામાં તમારૂં નામ મૂકાય તો કેવું ફીલ કરો ?
- તો પહેલી વાર સમાજમાં મારી આર્થિક આબરૂ વધી જાય.
(ધીમંત ભાવસાર, બડોલી)

* આપના મતે ચૂંટણીમાં ઊભા રહેવા કઇ લાયકાત જરૂરી ગણાય ?
- બસ...એક મફલર લઇ આવો.
(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

* દુઃખદ પ્રસંગોએ મૌન માત્ર બે મિનીટ્સનું જ કેમ રાખવામાં આવે છે ?
- સ્ટેજ પર બેઠેલાઓ બે મિનીટ માટે તો હખણા રહે....!
(વસંત ગઢીયા, રાજકોટ)

* દરેક સપ્તાહે શ્રેષ્ઠ સવાલ પૂછનારને પ્રથમ નંબર અપાય તો ?
- સવાલ છપાય છે, એ જ પૂછનારને ઇનામ છે.
(દિશા ગઢીયા, રાજકોટ)

* તમારી દિનચર્યા શું હોય છે ?
- બતાવવા જેવી નથી....ઘરમાં રોજ ઝગડા થાય.
(જય પટેલ, અમદાવાદ)

* સુહાગરાતને બીજે દિવસે છેતરાઇ ગયાની શંકા જાય તો ?
- બસ....પછી તો માં અંબે માં બચાવે.
(ધર્મેશ પરમાર, સુરેન્દ્રનગર)

* શ્રી નરેન્દ્ર મોદીને સવાલ પૂછવાનો થાય તો તમે શું પૂછો ?
- 'ફરિશ્તે ખુશિયોં કે આયે થે બાંટને ખુશીયાં,
વો સબકે ઘર ગયે, મેરા મકાન ભૂલ ગયે.'
(વૈશાલી ઘાઘડા, રાજકોટ)

* માણસ મહાન ક્યારે બને ?
- બસ. મારી આત્મકથા વાંચી લો.
(રોહિત ડોબરીયા, મંદોરાણા ગીર-તલાલા)

* હનીમૂનનું બીજું કોઇ નામ આપવું હોય તો શું આપું ?
- આવી માથાકૂટમાં પડવાને બદલે સીધે સીધું હનીમૂન પતાવે, ભઇ !
(અશોક પટેલ, ચલાલા-માણસા)

* તમારા ઘરે 'ઍલિયન' આવે તો ?
- તો ઘરવાળા ગોટે ચઢી જાય કે, આમાં બહારથી આવ્યો એ કયો ?
(વિકાસ સોની, વાંઢીયા-ભચાઉ)

* ધીરજના ફળ મીઠાં હોય, તો ખાટાં શેના હોય ?
- એની તમને ખબર ના પડે....તમારા વાઈફને પડે !

* આ દુનિયા આટલી સૅલ્ફિશ કેમ છે ?
- એ તો તમે ચંદ્ર કે મંગળ ઉપર જઇ આવો, પછી સરખી ખબર પડે.
(ડૉ. વ્યોમિકા દેવધરા, વાપી)

* તમે કૉંગ્રેસ તરફી કે ભાજપ તરફી ?
- ભાજપ કે કોઇ તરફી તો નહિ....પણ કોંગ્રેસ તરફી...??? બાપુ....ભાવનગરનું છોકરૂં ય તમારી મશ્કરી કરે, એવા કૉમિક સવાલો ન પૂછો. કહે છે કે, હવે તો સોનિયાબેન પણ 'આપ'માં જોડાઇ જશે !
(મહેન્દ્રસિંહ ગોહિલ, ભાવનગર)

* શિયાળામાં વહેલું ઉઠવું ગમતું નથી....કોઇ ઉપાય ?
- એકાદી વાઇફ વસાવી લો. ભર ઊંઘમાંથી ય ઝબકીને જાગી જશો !
(શૈલેષ પટેલ, મામસા)

* 'બુધવારની બપોરે', 'ફિલ્મ ઇન્ડિયા' અને 'ઍનકાઉન્ટર...' તમારી ત્રણ કૉલમો માટે અમારે આખા મહિનાનું છાપું બંધાવવું પડે છે...કરકસરનો કોઇ ઉપાય ?
- એક બાયનોક્યૂલર વસાવી લો....પડોસીના ઘરમાં સીધું ફોકસ કરો....એ લોકો વાંચતા હોય ત્યારે !
(ચિરાગ વાટલીયા, બાકરોલ- આણંદ)

* ફિલ્મ 'પીકે' માટે હિંદુ સંતોના વિરોધ અંગે તમે શું માનો છો ?
- મેં તો ફિલ્મ જોઇ નથી, પણ હિંદુ ભગવાનોનો આવો ઉપયોગ થાય, કોઇ હિંદુ ક્યારેય વિરોધ કરે છે ? અન્ય કોઇ પણ ધર્મના ભગવાન માટે જરાક અમથું તો કાંઇ બોલી જુઓ. આપણે 'આપણે શું ?-પધ્ધતિ' અપનાવીએ, તો પછી દેશને ઈશ્વર બચાવે.
(નીરવ ધનેશા, આઇઓવા સિટી-અમેરિકા) 

13/02/2015

'કલ, આજ ઔર કલ' ('૭૧)

ફિલ્મ : 'કલ, આજ ઔર કલ' ('૭૧)
નિર્માતા : રાજ કપૂર (આર.કે.ફિલ્મ્સ)
દિગ્દર્શક : રણધીર કપૂર
સંગીતકાર : શંકર-જયકિશન
ગીતકારો : લિસ્ટ મુજબ
રનિંગ ટાઇમ : ૧૮-રીલ્સ ૧૫૬ મિનિટ્સ
થીયેટર : રીલિફ (અમદાવાદ)

કલાકારો : પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, રણધીર કપૂર, બબિતા, ઇફ્તેખાર, વિશ્વા મેહરા (મામાજી), નરેન્દ્ર નાથ, રૂપેશ કુમાર, અચલા સચદેવ, ડૅવિડ, તિવારી, અભિ ભટ્ટાચાર્ય, સરિતા, આરતી, આશા ચંદ્રા, પરદેસી, ઉમા દત્ત, રાશિદ ખાન, રણવીર રાજ.



ગીતો
૧. હૅલ્લો...આપ યહાં આયે કિસ લિયે, આપને.... - આશા-કિશોર
૨. કિસી કે દિલ કો સનક લે કે યૂં નહિ જાતે.... - શારદા
૩. જબ હમ હોંગે સાઠ સાલ કે, ઔર તુમ હોંગી.... - આશા-કિશોર
૪. દેખીયે તો ક્યાં અજીબ હાલ હૈ, સોચિયે તો ક્યા.... - મન્ના ડે
૫. ભંવરે કી ગુંજન હૈ મેરા દિલ, કબ સે સમ્હાલે.... - કિશોર કુમાર
૬. ટીકટીક...ચલતી જાયે ઘડી, કલ આજ.... - મુકેશ-આશા-કિશોર
(ગીત નં.૧-૪ નીરજ, ૨-૫ હસરત, ૩ શૈલી શૈલેન્દ્ર.)

કપૂર ખાનદાન'ને ફિલ્મનગરીનો સૌ પ્રથમ પરિવાર કહેવાય છે. એના મૂળીયાથી માંડીને ડાળીઓ-પાંખડાઓનો વિસ્તાર અનેક ફિલ્મી હસ્તિઓને અડે છે. પૃથ્વીરાજ કપૂર (પાપાજી)ના પિતા દીવાન બશેશરનાથ, જે આર.કે.ની ફિલ્મ 'આવારા'માં ન્યાયાધીશના દ્રષ્યમાં પેશ થયા હતા, તે પછી અમિતાભ બચ્ચન કે શર્મિલા ટાગોરના પરિવારો સુધી કપૂર-ખાનદાન પહોંચ્યું છે. એમાં ય, રાજના બન્ને ભાઇઓ શમ્મી અને શશીનો કુટુંબ-વિસ્તાર ગણત્રીમાં લેવા જોઇએ, તો ગણત્રીમાં ઘણું બધું ચૂકી જવાય.

આપણે બધાએ સ્વીકારવા અને ઘરમાં ઉતારવા જેવું નિરીક્ષણ એ છે કે, આટલા બહોળા પટ ઉપર ફેલાયેલા કપૂર- ખાનદાને એના તમામ સભ્યો સાથે તાલમેલથી રહીને ઉમદા દ્રષ્ટાંત પૂરૂં પાડયું છે. પાપાજીના ગયા પછી વડિલ તરીકે રાજ કપૂરને પૂરા ખાનદાનમાં 'રાજ સા'બ' કહીને જ બોલાવાતા, શમ્મી કપૂર કે શશી કપૂર પણ 'રાજ-જી' કહેતા. એ પોતે બન્ને ગ્રેટ એક્ટરો હોવા છતાં 'રાજ સા'બ'શું ચીજ હતા, એ જાણતા હતા. પૂરા પરિવારમાં ફિલ્મી માહૌલ હોવા છતાં મર્યાદા અને રસ્મો-રિવાજ કપૂર-ખાનદાનની મિસાલ મનાઇ છે. અહી પરણીને આવેલી સ્ત્રી 'ઘરની વહુ' છે, દીકરી નહિ.... ભલે પછી એને ઠાઠમાઠને સત્તાના હક્કો દીકરી જેવા જ મળે, પણ જ્યાં પરંપરા અને મર્યાદાઓનો સવાલ છે, ત્યાં 'વહુ' એ પોતાનો દરજ્જો જાળવવો પડે.

બસ. આ જ પરંપરા ઉપર ફિલ્મ 'કલ, આજ ઔર કલ'ની વાર્તા લખાઇ છે અને સચોટ ભજવાઇ છે. વાર્તા ત્રણ પેઢીની છે, એટલે હિસાબ સાફ જાહિર હૈ... કે, સંસ્કૃતિના બદલાવ અને પરિણામે ત્રણે પેઢીઓ વચ્ચે તનાવ, ઝગડા અને દુઃખ... પણ ત્રણેમાં પિસાય વચ્ચેની પેઢી, એટલે કે આજની જનરેશવાળો પિતા. ઘરમાં ટૅન્શન વખતે જો પુત્રનો પક્ષ લે, તો પિતાને દુઃખ ને પિતાનો પક્ષ લે તો દીકરો કહેશે, ''તમે ય આખરે પુરાણી પેઢીના જ નીકળ્યા ને ? નવો જમાનો પચાવી શકતા નથી !'' ધનવાન પણ મૂળ ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિના પિતા રાજ કપૂર પુત્ર રણધીર કપૂરને પરદેશ ભણવા મોકલે છે. ઘરમાં હજી જૂની પેઢીની પરંપરાઓ જળવાઇ રહી છે, પણ દેશમાં પાછો આવેલો પુત્ર આધુનિક વિચારોવાળો- છતાં પરિવારની માનમર્યાદા જાળવનારો છે, તો પણ એને પરંપરાઓ સ્વીકાર્ય નથી. એના જેવી જ શિક્ષિત પ્રેમિકા બબિતા સાથે પરણવા માટે દાદાજી-પૃથ્વીરાજ કપૂર સામે બગાવત કરે છે, જેમણે પિતા રામાયણ તિવારીની આર્યસંસ્કૃતિ મુજબની શુધ્ધ ગ્રામ્ય દીકરી રણધીર કપૂર માટે પસંદ જ કરી રાખી નથી, કૉલ પણ આપી દીધો છે... એમના સમયના રસ્મો-રિવાજ મુજબ, કન્યા શોધવામાં વળી પુત્રને પૂછવાની ક્યાં જરૂર છે ? ''અમારા પિતાએ અમને લોકોને પૂછ્યું હતું ?'' દાદાજી દીકરાને કેવળ સમજાવે જ નહિ, ધમકાવે પણ ખરા કે, તું મારા પોતા (ગ્રાન્ડ સન)ને સમજાવ ને આ બાજુ દીકરો ય એવી હઠે ચઢ્યો છે. વાત જીદ ઉપર ઉતરી આવે છે. દાદા- પોતા વચ્ચેના મહાકાય ઘર્ષણમાં પિતા રાજ કપૂર ઘર છોડીને હોટલમાં રહેવા જતા રહે છે. ઘણી બધી જદ્દો-જહેદ પછી દાદા સહમત થાય છે ને હીરો-હીરોઇન પરણી શકે છે.

ઍક્ટર તરીકે દેવ આનંદ, દિલીપ કુમાર અને રાજ કપૂરમાં તમને કોણ વિશેષ ગમે છે, એ તમારો વિષય છે, પણ ફિલ્મસર્જક તરીકે આ બન્ને તો ઠીક, અન્ય કોઇ પણ સર્જક કરતા રાજ કપૂરને શ્રેષ્ઠ કહેવો જ પડે. ગુરૂ દત્ત, મેહબૂબ ખાન, કે.આસીફ કે અન્ય કોઇ સત્વશીલ સર્જકની સરખામણીમાં રાજ કપૂરે સંખ્યા અને ગુણવત્તામાં સર્વોત્તમ કામ કર્યું છે. દરેક ફિલ્મમાં સમાજને ઉપયોગી થાય એવો સંદેશ ઇનવૅરીઍબ્લી આપ્યો છે... અને તે પણ ઉપદેશના ભાર વગર ! સત્યજીત રે (અને એ લૅવલના સર્જકો) જેવી ફિલ્મો બનાવવી સહેલી છે, જેમાં ભારત સરકારને જ સમજ પડે, (અથવા, પઇની ય સમજ ના પડે !) એટલે ભયો ભયો... વિદેશોમાંથી ય બે-ચાર ઍવૉર્ડ્સ જીતી લાવે, પણ આપણે ત્યાં સિનેમા હૉલમાં થીયેટરનો સ્ટાફે ય ગણીએ તો બધું મળીને ૧૩- પ્રેક્ષકો બેઠા હોય. તો આ બાજુ, મનમોહન દેસાઇ-છાપની ફિલ્મો બનાવવી ય સહેલી છે, જે ફાલતુ ટેસ્ટવાળા પ્રેક્ષકોને કમ-સે-કમ મનોરંજન આપે... ફિલ્મમાંથી કોઇ મૅસેજ-બૅસેજની આશા નહિ રાખવાની. યસ. કમાણી અને સિનેમા હૉલ ખચાખચ હોય, પણ એવી ફિલ્મો જોઇને ભૂલી જવાની.

પણ રાજ કપૂર જેવી ફિલ્મ બનાવવી બેશક કઠિન છે, જે કડક વિવેચકોને ય ગમે અને ખચાખચ પ્રેક્ષકોને ય એટલી જ ગમે... ને એમાં ય વધારાનું પીંછુ રાજ કપૂરની ફિલ્મોનું સંગીત. સરખામણીનો તો સવાલ નથી, છતાં સત્યજીત રે કે મનમોહન દેસાઇઓની ફિલ્મોમાંથી આજે કેટલા ગીતો હયાત છે ને આ બાજુ રાજની ફિલ્મોના ગીતો જોઇ લો.

અલબત્ત, રહી રહીને રાજ કપૂરે પોતાની ફિલ્મોના સંગીતમાં આ ફિલ્મથી માર ખાધો... શરૂઆતથી જ સાથી રહેલા શંકર-જયકિશનના વળતા પાણી શરૂ થઇ જવાને કારણે આ જ ફિલ્મથી લતા મંગેશકર અને મુહમ્મદ રફીની બાદબાકીઓ શરૂ થઇ તે 'મેરા નામ જોકર' સુધી ચાલુ રહી... 'જોકર'માં તો રફીની એક કર્ણપ્રિય અને ગાવામાં જ નહિ, સાંભળવામાં ય કઠિન પડે એવી હીર, 'સદકે હીર તુઝ પે હમ ફકીર સદકે...' ગીત હતું, તે ય ફિલ્મમાંથી કાઢી નાંખવામાં આવ્યું. શંકર-જયકિશને ય રાજ સા'બથી તંગ આવી ચૂક્યા હતા, એમાં 'જોકર'ના રીહર્સલ્સ કે રૅકૉર્ડિંગમાં શંકરની વારંવાર ગૈરહાજરીથી રાજનો પિત્તો ગયો અને ફિલ્મ 'બૉબી'થી લક્ષ્મીકાંત-પ્યારેલાલની આર.કે. છાવણીમાં ઍન્ટ્રી થઇ અને ધમાકેદાર થઇ. એ વાતે ય એટલી સાચી કે, શંકર-જયકિશનની વિદાય પછી રાજની કોઇ ફિલ્મમાં એ સંગીત સાંભળવા ન મળ્યું, જે 'રાજ- બ્રાન્ડ'નું કહેવાતું.

'રાજ- બ્રાન્ડ'નું દિગ્દર્શન પણ એની તમામ ફિલ્મો રસપૂર્વક જોનારને ખબર પડે ખરી. નાનો દાખલો આપવો હોય તો, ફિલ્મમાં કોઇ અસરકાર સંવાદ બોલાવાનો હોય ત્યારે ચેહરાને દૂરથી બતાવીને કૅમેરા ઝૂમ-ઇન થાય ને ક્લૉઝ-અપ સુધી અટકે, ત્યારે સંવાદ બોલાય... અર્થાત, સંભવિત બેધ્યાન પ્રેક્ષકોને ખબર પડે કે, અહી. કોઇ મહત્વનું દ્રષ્ય અને સંવાદ ઊભા થઇ રહ્યા છે.

કપૂર- ડાયનૅસ્ટીને આગળ વધારવા રાજ કપૂરે પોતાના મોટા પુત્ર રણધીર (ડબ્બુ)ને હીરો ઉપરાંત દિગ્દર્શક તરીકે આ ફિલ્મમાં પહેલી વાર રજૂ કર્યો ને ડબ્બુએ બતાવી પણ દીધું કે, 'એ ડબ્બુ નથી.' અફ કૉર્સ, દિગ્દર્શન ભલે એનું હોય, પણ રાજને દિગ્દર્શિત કરનારાઓ તો '૫૦ના દાયકામાં ય નહોતા, ત્યાં દીકરો હોય તેથી શું થઇ ગયું ? (અસલી દિગ્દર્શન તો રાજ કપૂરનું જ હતું !)

ફિલ્મ શરૂ થતા પહેલા જ રાજ-ખાનદાનની 'બહુ' તરીકે પક્કી થઇ ચૂકેલી બબિતાને પણ પહેલી વાર ફિલ્મમાં રજૂ કરવામાં આવી. એ સાધનાની પિતરાઇ થતી હતી, પણ ક્યાં સાધના ને ક્યાં આ બહેન ? આને અભિનય સાથે એકે ય ફિલ્મમાં કોઇ લેવા-દેવા જ ન મળે. બસ, ફિલ્મમાં હસે રાખવાનું, ગીતો ગાવાના અને સુંદર દેખાવાનું. એની બન્ને દીકરીઓ કરિશ્મા અને કરિના કપૂર બાકાયદા સારી અભિનેત્રીઓ પૂરવાર થઇ. નરેન્દ્રનાથને પણ પ્રેમનાથના ભાઇ હોવાનો ફાયદો થયો ને આ ફિલ્મમાં પ્રવેશ મળ્યો રૂપેશ કુમાર મુમતાજનો પિતરાઇ થાય, પણ રાજેશ ખન્નાની ચમચાગીરી, સ્ત્રીઓની પાછળનું પાગલપન અને શરાબની હલકટ માત્રાઓને કારણે આટલો હૅન્ડસમ હોવા છતાં રૂપેશ કુમાર જુવાનીમાં હોલવાઇ ગયો. રામાયણ તિવારી રાજનો જૂનો દોસ્ત અને રાજ કપૂરના વાસ્તવિક મામા થતા 'મામાજી' (વિશ્વા મેહરા) પણ રાજની તમામ ફિલ્મોમાં હોય.

રાજના ત્રણે ય દીકરાઓમાંથી ચાલ્યો એકલો ચિન્ટુ એટલે કે, ઋષિ કપૂર, એનો મતલબ એ ય નહિ કે રણધીર કે ચિમ્પુ (રાજીવ કપૂર) સારા ઍક્ટરો નહોતા. રણધીરની નિષ્ફળતાનું કારણ એણે કૉમેડીને વધુ પડતું મહત્વ આપી દીધું, નહિ તો બચ્ચન સાથેની ફિલ્મ 'કસમે વાદેં'માં એનો અભિનય કાફી હદ સુધી સારો હતો. ચિમ્પુને જે કાંઇ ચાન્સ મળ્યો, તે આખેઆખો એના વહાલા કાકા શમ્મી કપૂરની બેઠી નકલો કરવામાં કાઢી નાંખ્યો. જો કે, રાજ કરતા એ શમ્મી જેવો વધુ દેખાતો હતો.

ફિલ્મ 'કલ, આજ ઔર કલ'ના સંગીતથી ઘણા સમીકરણો બદલાયા. રાજ માટે તો આ બન્ને સંગીતકારોની છેલ્લી જ ફિલ્મ હતી, પણ '૬૯-માં 'આરાધના' પછી કિશોર કુમાર આખી ફિલ્મનગરી ઉપર ફરી વળ્યો, એમાં સૌથી મોટો માર મુહમ્મદ રફીની ડીમાન્ડને પડયો. આમ જોવા જઇએ તો જે સંગીતકારો કે હીરોલોગ રફી સાહેબના ઉપકારોના ટુકડાઓ ઉપર પલતા હતા, એ બધાએ જાણે રફીનું નામ પણ ન સાંભળ્યું હોય, એ હદે નીગ્લૅક્ટ કરવા માંડયા. રાજ કપૂરને લતા મંગેશકર સાથે હજી સમાધાન થયું નહોતું. પોતાના ગીતોને ફિલ્મના નિર્માતાએ રૉયલ્ટી આપવી જોઇએ. એ મુદ્દે રાજ કપૂરે ચોખ્ખી ના પાડી, એની બહુ મોટી કિંમત ચૂકવવી પડી. લતાને ફરી રાજ-છાવણીમાં પાછા લાવતા લક્ષ્મી-પ્યારેનો ય દમ નીકળી ગયો હતો. હીરોઇન હોય, ગાયક, સંગીતકાર કે નિર્માતા... લતા મંગેશકરને બધા વગર ચાલ્યું છે, પણ લતા વગર કોઇને ચાલ્યું નથી, એ હકીકત સ્વીકારવી પડે એમ છે. નામ કોઇ પણ સંગીતકારનું લો અને એમાંથી લતાના ગીતો બાદ કરી જુઓ.... શેષમાં સરેરાશ ૨૦-૨૫ સારા ગીતો તો મોડ નીકળે ! એનાથી ઊલટું, લતાના મસ્તમનોહર હજારો ગીતોમાંથી ઇચ્છો એ સંગીતકારની બાદબાકી કરી નાંખો... કોઇ એક સંગીતકારને કારણે એની તાજપોશી નથી થઇ. લતા તો આજે છે, ત્યાં જ અડીખમ રહે છે. ....અને કેટલું સારૂં થયું, રાજ-કૅમ્પમાં લતા પાછી આવી, નહિ તો 'સુન સાયબા સુન, પ્યાર કી ધૂન...'કે 'સુની જો ઉનકે આને કી આહટ, ગરીબખાના સજાયા હમને...' ના જ સાંભળવા મળત ને ?

યસ.... એ વાત જૂદી છે કે, પોતાની ફિલ્મોના સંગીતકાર કોઇપણ હોય, દરેક ગીતની ધૂન કેવળ રાજ કપૂર બનાવતા..... 'રાજ સા'બ.'

11/02/2015

પ્રેમ પૂરો થઈ ગયા પછી શું કરવું ?

સન્ટુ સગપણમાં રામ જાણે... એના કોઈ વાંક વગર મારો કોઈ દૂરનો ભાણો થતો હતો, પણ એની મોટી હૉબી મન ફાવે ત્યારે ટેન્શનમાં આવવાની. ટેન્શનમાં આવ્યા પછી જ એની લોહીની ધમનીઓ ફાસ્ટ ફરવા માંડતી. ટેન્શનમાં આવવું એના માટે સર્કસના તંબુમાં આવવા જેટલું ઇઝી હતું, નસીબદાર ખરો કે, એના હન્ડ્રેડ પર સેન્ટ ટેન્શનો ફક્ત સ્ત્રીઓએ આપ્યા હોય. દુનિયાભરની સ્ત્રીઓ એક બાબતે પરફેક્ટ પ્રામાણિક હોય છે... ગિફ્ટો લેવાની ને ટેન્શનો આપવાની બાબતે ! ના- ના કરતી મોંઘી તો ઠીક ફાલતુ ગિફ્ટો ય ઓહીયાં કરી જાય ને બદલામાં જીવનભર પેલો હેડકીઓ ખાતો રહે, એવા ટેન્શનો આપતી રહે... મફતમાં કાંઈ ન લે... 'એક હાથ લે, દૂજે હાથ દે'. પ્રેમમાં પડેલી ૯૮ સ્ત્રીઓ નાલાયક હોય છે, તકવાદી હોય છે ને બીજો કોઈ સારો જોયો એટલે પહેલાને ઉડાડી મારે, એવી નફ્ફટ પણ હોય છે, એવું સન્ટુના મનમાં ફિક્સ તો થઈ ગયું હતું, પણ ગળે ઉતરતું નહોતું. ગાલ ઉપર ગુંદર લગાડીને ચાની કાળી ભૂકી ચોંટાડી દીધી હોય, એવી હવે તો દાઢીઓ રાખવા માંડયો હતો. નોર્મલી, પ્રેમની નિષ્ફળતાઓનો સીધો સંબંધ હેર-કટિંગ સલૂનો સાથે હોય છે. જેટલો લૉસ નિષ્ફળ પ્રેમીઓને જાય છે, એટલો જ સલૂનવાળાઓને થાય છે... આનો જ્યાં સુધી મેળ નહિ પડે ત્યાં સુધી આ લોકો દાઢીઓ વધારતા જાય, એમાં ઘરાકી તો વાળંદોની તૂટે ને ? ક્યારેય નહિ ને, હવે સન્ટુ ભિખારીઓને ભીખ પણ આપવા માંડયો હતો. મનમાં દુઃખ અને કટાક્ષભર્યા સ્માઇલ સાથે કે, 'મારા કરતા તો તમે વધુ નસીબદારો છો... માંગ્યા પછી કંઈક તો મળે છે...! મેં તો ચક્ષુ પાસે ભીખમાં ફક્ત પ્રેમ માંગ્યો હતો ઔર મુઝે ક્યા મિલા...? ભીખમાં મને ચક્ષુ તો ઠીક, વાંચવાના ચશ્મા ય ન મળ્યા !'

સન્ટુ ચોક્કસપણે માનતો કે, જુઠ્ઠુ બોલવામાં સ્ત્રીઓને તો કોર્ટના ભાડૂતી જામીનો ય ના પહોંચે! પૈસા આપો તો અદાલતોમાં ભાડુતી ચશ્મદીદ ગવાહો મળી રહે... ભલે ને ગુનાહના સ્થળે એ લોકો હોય પણ નહિ. પુરૂષ જગતની એટલી રાહત કે, સ્ત્રીની દુશ્મન સ્ત્રી જ હોય, પણ પુરૂષના દુશ્મન તો બાકાયદા સ્ત્રી હોય જ... જો પ્રેમિકા હોય તો !

હિંદી ફિલ્મોના ગીતોએ ભારતભરના પુરુષોને નમાલા બનાવી દીધા છે. મોટા ભાગના ગીતોમાં પેલીએ આને તરછોડી દીધો હોય, એમાં તો આ દાઢીઓ વધારીને બાકીની ફિલ્મ પૂરી કરે, વચમાં એકાદ- બે કરૂણ ગીતો ગાય ને ગ્રાઇપ-વોટરોની માફક દારૂઓ પીવા માંડે...

તારી ભલી થાય ચમના... જગતમાં તને પરણી શકે, એવી બીજી એકે ય સ્ત્રી રહી જ નથી ? તારામાં કોઈ પ્રોબ્લેમ હોય તો અત્યારે બોલી નાંખ ને એવું કાંઈ ન હોય તો પ્રેમિકાઓ તો રીક્ષા જેવી છે... એક જાય ને પાછળ બીજી આવતી જ હોય છે. (આપણા જેવાના કેસોમાં તો રીક્ષા નહિ, ભરી ભરી બસો આવતી હોય... સુઉં કિયો છો ?)

સન્ટુ મારી પાસે આવ્યો. આમ તો હેન્ડસમ હતો, પણ રાત્રે સૂઈ ગયા પછી આખી રાત એના મોંઢાથી શરુ કરીને ભીંત સુધી કરોળિયાએ જાળા બાંધ્યા હોય, એવા એના ફેસ ઉપર જાળા લટકતા દેખાતા હતા. 'બહુ તૂટી ગયો છું, કાકા બહુ તૂટી ગયો છું..!' આટલું બોલીને સોફા ઉપર એ બેસી ગયો. એની માફક એના સ્પોર્ટ્સ-શૂઝ પણ કોઈ લેડીઝ- ચપ્પલ સાથેના પ્રેમમાં નિષ્ફળ ગયા હોય, એમ એ પણ એની જેમ જ તૂટી ગયેલા હતા. શર્ટના ખિસ્સામાં કાણું હોય ને મહીં હાથ નાખો તો આંગળીનું ટેરવું હલતું દેખાય, એમ સન્ટુના ફાટેલા સ્પોર્ટસ-શૂઝમાંથી એનો અંગૂઠો બહાર આવું આવું કરતો હતો. એ એકલો જ બહાર આવ્યો હતો, એનો મતલબ એ થયો કે એના અંગૂઠાને પણ બાજુની લાબી આંગળીએ પ્રેમમાં દગો દીધો હશે... અર્થાત્, સન્ટુડાનું બધું જ બેવફા નિવડયું હતું.

''કાકા... કાકા... હવે હું જીવવા નથી માંગતો...'' સન્ટુએ મારી સામે જોયા વિના આવું કંઈક કહ્યું.

''ધેટ્સ ફાઇન... પણ મર્યા પછી તું શું કરવા માંગે છે... ? આઇ મીન, કાંઈ વિચારી-બિચારી રાખ્યું છે ?'' આવા બુદ્ધિ વગરના જવાબો આપવાની મને ય પહેલેથી હેબિટ અને હૉબી.

''કાકા... ચક્ષુએ મને દગો દીધો...ફોન જ ઉપાડતી નથી... આઇ થિન્ક, એ કોઈ બીજાના પ્રેમમાં છે... મારાથી સહન નથી થતું, કાકા... સહન નથી થતું ! બસ, હવે મને પંખે લટકવાના વિચારો આવે છે.''

''આઇ નો... આઇ નો... પણ તારી કારમાં પંખો તો છે નહિ... એ.સી. છે... તું લટકીશ કેવી રીતે ?'' આવી મઝાક સૂઝી પણ મેં કરી નહિ. મારી પાસે એમ તો તાબડતોબ મરવાના ચાળીસેક નુસખા પડયા હતા, પણ એકે ય વાપરી જોયો ન હોવાથી ખાત્રીબદ્ધ માલ હું સન્ટુને આપી શકું એમ નહતો. ઘરખમ નિષ્ફળતાઓમાં છોકરાઓ આવું બોલે તો ખરા, પણ આપણે એમને સીરિયસલી નહિ લેવાના અને બીજું, આવાઓ પાસે આપણે પંખો પણ ચાલુ નહિ કરાવવાનો.

''ઓ. કે. ચલ... આપણે ક્લબમાં જઈએ. ત્યાં સ્વિમિંગ પુલ પાસે બેસીને શાંતિથી વાત કરીશું...'' મેં સજેશન કર્યું. ક્લબની લોનમાં અમે બન્ને ખુરશીઓ નાખીને બેઠા.

''સન્ટુ, તારો મરવાનો વિચાર પાકો છે ને ?... આઇ મીન, તું ફરી તો નહિ જાય ને ?'' મેં પૂછ્યું.

''કેમ કાકા આવું પૂછો છો ?''

''એ જાણીને તારે શું કામ છે ? તું તો મરી જવાનો છે...!''

મારો જવાબ સાંભળીને એ સાચ્ચું રડયો, ''કાકા... યુ ટુઉઉઉ... ?'' મને તો એમ કે, જગતમાં મારા જવાથી જો કોઈ એક વ્યક્તિને દુઃખ થશે તો એ ફક્ત તમને ! બીજા બધા તો સાલા નાલાયકો છે... રાહ જોઈને બેઠા છે કે ક્યારે હું મરૂં...!''

''એ ભૂલે છે, ભાઈ... હું રાજી ભલે ન થાઉં, પણ તારા મર્યા પછી મને નામનું ય કોઈ દુઃખ થશે.. એવા ભ્રમમાં રહેતો નહિ...મારા હસવાની જેમ મારું રડવાનું ય નિહાયત કિંમતી અને 'રેર' હોય છે... મારે બીજા કોઈ કામધંધા હોય કે નહિ ?''

''કાકા, આવું બોલવાનું ?''

''કોઈ સ્ત્રી પાછળ એક સ્માર્ટ છોકરો મરવા સુધીની તૈયારી કરતો હોય, એવા બાયલાઓ મારી નજરમાં પહેલેથી મરી ચૂક્યા હોય છે. મરવાની તૈયારી તો બહુ દૂરની વાત છે... એ તારી માફક દુઃખી થઈને ફરતો હોય તો ય મારી નજરમાંથી ઉતરી જાય.''

''તો... તો... મારે કરવું શું ?''

''દાઢીઓ નહિ વધારવાની... તને દગો કરનારી દાઢીઓ વધારે છે, તે તારે વધારવી પડે ?''

''કાકા, કાંઈક સમજાય એવું બોલો ને !''

''સિમ્પલ... ! તું તારું મહત્ત્વ નહિ સમજે તો પેલી શું કામ સમજવાની છે ? છોકરી પાછળ બહુ લટુડાપટુડા થાઓ, એના કરતા પહેલેથી એનામાં ભય પેદા કરી રાખો ક, 'હું દોઢ ડાહી થઈશ તો આની પાસે બીજી દસ તૈયાર છે... (અને એમાંથી આઠ તૈયાર રાખવાની પણ ખરી....! આ તો એક વાત થાય છે !)'' હું સન્ટીયાને દગો કરીશ તો બીજે જ દિવસે સીસીડીમાં કોઈ બીજીને લઈને બેઠો હશે.તમે તો સાલાઓ, 'ચક્ષુ ડાર્લિંગ... તારા સિવાય મારું કોઈ નથી...તું ના પાડીશ તો હું આ ફૂટપાથ પાછળની ભીંત સાથે ય લગન નહી કરું.' એવા ફડાકા મારીને પાળી યે બતાવો છો.''

''એ તો ના જ કરાય ને ? એની ઉપર તો ચોખ્ખું લખ્યું હોય છે કે, ''અહીં ગંદકી કરવી નહીં.''

''હવે સમજ્યો. આવી ભીંત પાસે આપણે ઉભા ય ન રહીએ, ત્યાં -- બસ, જે દિવસે એ જતી રહે, એ દિવસથી એને આવી ભીંત ગણી લેવાની... વાર્તા પૂરી.''

''હવે પરફેક્ટ સમજ્યો કાકા... પણ પ્રેમ તૂટી ગયા પછી ક્યારેક એ રસ્તામાં મળી જાય તો... ?''

''તો એના અસ્તિત્વનો જ સ્વીકાર થવો ન જોઈએ... તમે તાજમહેલના માણસ છો... ફૂટપાથ પાછળની ભીંતના નહીં...!''

સિક્સર

અજીતસિંહ પાસે એક શિક્ષિત મહિલાએ વાંચવાના ચશ્મા માગ્યા. 'બાપૂ' કહે, 'બેન... મારે ય તમારા જેવું જ છે... મને ય ઇંગ્લિશ વાંચતા નથી આવડતું...!'

પેલી હાથમાં લીધેલા ચશ્મા પછાડીને જતી રહી...!

08/02/2015

'એનકાઉન્ટર' : 08-02-2015

* નાગરો વિશે તમારૂં શું માનવું છે ?
- મારૂં બધું માનવાનું ફક્ત ભારતીયો સુધી જ પહોંચે છે.
(ઉર્વી ભટ્ટ, અમદાવાદ)

* મારે લગ્ન પછી એક બાબો છે, પણ ભણવાનું ચાલુ હોવાથી વાંચવામાં ધ્યાન રહેતું નથી, તો શું કરવું ?
- મતલબ....વાઇફનું ધ્યાન રાખવાનો તો તમને વિચારે ય નથી આવતો, એમ...?
(રજનીકાંત ગજ્જર, અમદાવાદ)

* નેતાઓ ચૂંટણી પછી કેમ દેખાતા નથી ?
- આખા માણાવદરમાં એકે ય ચેહરો સારો નથી ? નેતાઓને દેખીને ક્યા વાવટા ફરકાવવા છે ?
(પ્રતિક શોભાષણા, માણાવદર)

* કહે છે કે, જ્યારે તમે હસો છો ત્યારે એ ઇશ્વરની પ્રાર્થના બની જાય છે, પણ કોઇને હસાવો છો, ત્યારે સ્વયં ઇશ્વર તમારા માટે પ્રાર્થના કરે છે... સાચી વાત ?
- બિલકુલ સાચી વાત... અમારા જેવાઓથી વાચકોને બચાવવા ઇશ્વર રોજ પ્રાર્થના કરતો હશે.
(વર્ષા જે. સુથાર, ભુજ- કચ્છ)

* જમવા કરતા ફાસ્ટફુડનું પ્રમાણ કેમ વધી ગયું છે ?
- ચૂડામાં ફાસ્ટફૂડનું કોઇકે શરૂ કર્યું... ગ્રાહકો પિત્ઝા સાથે ચમચી માંગવા મંડયા. બીજે બધે તો હવે ખીચડી ખાવા ય લોકો સ્ટ્રો માંગે છે...
(દિવ્યેશ પટેલ, ઓઢવપુરા- દેત્રોજ)

* ૧૪ વર્ષની ઉંમરના ચીનાએ ૧૪ વખતના ચેમ્પિયન પંકજ અડવાણીને હરાવ્યો... આને શું કહેવાય ?
- પરાજય.
(અમિતગીરી ગોસ્વામી, જામનગર)

* યુવાની સજા છે કે મજા ?
- એમ કહો ને...હજી બેમાંથી એકે ય શરૂ થઇ નથી...!
(ભાવિક મકવાણા, પાદરા- વડોદરા)

* 'એનકાઉન્ટર'માં સવાલ પૂછવાની લાયકાત જણાવશો.
- એક જ. ભારતમાતા માટે પ્રેમ.
(હર્ષદીપસિંહ ઝાલા, વડોદરા)

* એકલી સ્ત્રી ભયમુક્ત થઇને ઘરની બહાર નીકળી શકે, એવું રામરાજ્ય ફરી આવશે ખરૂં ?
- એવું રામરાજ્ય કેવળ ગલ્ફ દેશોમાં છે...પણ એને 'રામરાજ્ય'ના કહેવાય !
(ડૉ.પ્રીતિ સોનૈયા, ખંભાળીયા)

* ઘરના વાવાઝોડાને મનાવવા શું કરવું ?
- વાઇફે મનાવવો પડે, એવો ગોરધન તો આખા ય દેશનો એક માત્ર 'મર્દ' માણસ કહેવાય... બાકીના બધાઓ પોતપોતાને ભાગે આવેલી ત્સુનામીઓને મનાવવામાં પતી જાય છે.

* એક રૂપિયા બરોબર એક ડોલર ક્યારે થશે ?
- બસ.... એક પાઉન્ડ બરોબર એક રૂપિયો થઇ ગયા પછી તરત જ...!
(તેજસ કાચા, ધોરાજી)

* સાહિત્ય અકાદમી હાસ્ય સાહિત્યનો પુરસ્કાર કેમ આપતી નથી ?
- બસ... છેલ્લે મારા પુસ્તકને આપી દીધા પછી એ લોકોને પોતાની ભૂલ સમજાઇ.

* આપણે ભારતના અનેક શહેરોમાં નામો બદલી શક્યા, તો 'ઇન્ડિયા'નું 'ભારત' ક્યારે થશે ?
- 'ઇન્ડિયા' પણ હિન્દુસ્તાનનું જ અંગ્રેજોએ અપભ્રંશ (Distort) કરેલું નામ છે... હિંદી ઉપરથી ધીમે ધીમે 'હિન્ડીયા' ને છેવટે 'ઇન્ડિયા' થઇ ગયું. 'ઇન્ડિયા' સરસ લાગે છે... બદલાવવાની જરૂર નથી.
(જુઝર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* હાસ્યલેખિકા બનવા માટે તમારા પાસેથી ટ્રેનિંગ લેવી છે... શું કરવું ?
- ઓહ... હજી હું એટલો મોટો હાસ્યલેખક નથી થયો.
(આયેશા રાણાવાડીયા, હિંમતનગર)

* જે લોકો ડ્રીન્ક્સ નથી લેતા કે તીનપત્તી નથી રમતા, એ પોતાને જરા ઊંચા કેમ સમજે છે ? કે એવા વહેમમાં હોય છે ?
- 'પરમિટ લઇને કે લીધા વગર...ક્યાં ચાલે છે કોઇને પીધા વગર ?'
(નૈમિષ સિધ્ધપુરા, મૅલબોર્ન-ઓસ્ટ્રેલિયા)

* 'એનકાઉન્ટર'માં બુધવારની બપોરની જેમ 'સિક્સર' કેમ નથી આપતા ?
- આપણી ત્રણે ય કોલમોમાં મને સૌથી અઘરી સિક્સર લખવી પડે છે... માટે !
(મેઘાવી હેમંત મેહતા, સુરત)

* 'ઍનકાઉન્ટર' નામ બદલવા જેવું નથી લાગતું ? ક્યાંક સોનિયાજી તમને 'મૌત કા સૌદાગર' કહી દેશે...
- યૂ મીન... સોનિયાજી હવે પછી મને પ્રાઇમ મિનિસ્ટર બનાવશે...? આવા બફાટો કરીને ???
(જયદેવસિંહ ઠાકોર, વ્યાસડા- કલોલ)

* હાસ્યની દુનિયામાં જ્યોતિન્દ્ર દવે અને પછી અશોક દવે... પણ પછી કોણ ?
- એ જ દુઃખની વાત છે કે નવા કોઇ આવતા નથી ને હાલમાં જે સરસ લખે છે, એમને યોગ્ય માધ્યમ મળતું નથી.
(મૂકેશ એમ.પંડયા, વડોદરા)

* સાંભળ્યું છે કે, તમે હવે રાજકોટમાં સેટલ થવાના છો ?
- અમદાવાદ માટે ઘણા ઉત્સાહજનક સમાચાર કહેવાશે ને...?
(રવિ કવા મહેશભાઇ, રાજકોટ)

* ભારત મહાસત્તા ક્યારે બનશે ?
- ક્યારેય નહિ. જે દેશમાં દેશ સૌથી છેલ્લો આવતો હોય ને પહેલા પોતાનો ધર્મ આવતો હોય એવા હજારો ધર્મો પાળનારાઓને દેશની શું પડી હોય ?
(મિતેશ આર.શ્રીમાળી, વડોદરા)

* મારે શ્રી નરેન્દ્ર મોદીને મળવું હોય તો શું કરવું ?
- 'હ' ઊડાડીને તમારું નામ અને અટક ભેગા કરી નાંખો.
(પ્રતિક શાહ, જોરાવનગર)

* હું એક શિક્ષક છું. શિક્ષકો પ્રત્યે તમારા વિચારો જણાવશો ?
- મારું એક વાક્ય તો ચાણક્યે ઉઠાવીને પોતાના નામે ચઢાવી દીધું હતું કે, 'શિક્ષક કભી સાધારણ નહિ હોતા...' બસ... આ જે મેં કર્યું, એવું શિક્ષકોએ નહિ કરવાનું.
(સંજય ડી. ભોગાયતા, જામ ખંભાળીયા)

* લોકો તડકા વગેરે ય ગોગલ્સ કેમ પહેરી રાખે છે ?
- બહેરાઓને કાનનું મશિન ભરાવી રાખવું પડે છે... એવી કોઇ તો મજબૂરી હશે ને ?
(હિતેશ આહિર, મુંબઇ)

* વચ્ચે એક રવિવારે 'એનકાઉન્ટર' ઉભું આવ્યું હતું... કારણ ?
- હું જરા આડો પડયો'તો...!
(ખુશ્બુ જોશી ઠાકોર, વડોદરા)

* શિયાળામાં ગરમ પાણીથી નહવાય કે ઠંડા પાણીએ ?
- આવી ખબર ન પડતી હોય ત્યારે અમે લોકો તો નહાવાનું માંડી વાળીએ છીએ.
(રાજેશ તવેથીયા, સુરત)

06/02/2015

'વલ્લાહ ક્યા બાત હૈ ?' ('૬૨)

ફિલ્મ : 'વલ્લાહ ક્યા બાત હૈ ?' ('૬૨)
નિર્માતા : દિગ્દર્શક : હરિ વાલીયા
સંગીત : રોશન
ગીતકાર : આનંદ બક્ષી- પ્રેમ ધવન
રનિંગ ટાઇમ : ૧૪- રીલ્સ
થીયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો : શમ્મી કપૂર, બીના રૉય, નિશી, મુમતાઝ, અભિ ભટ્ટાચાર્ય, કે.એન.સિંઘ, મોહન ચોટી, ડૅઇઝી ઇરાની, બજર બટ્ટુ, રાજા, નૂર દેવાસી, એસ.મોહિન્દર, રાજન કપૂર, મૂલચંદ, જાનકી દાસ, મૂન્શી મનક્કા, નાગપાલ, અનંત આપ્ટે.



ગીતો
૧. ખનકે તો ખનકે ક્યું ખનકે જબ રાત કો ચમકે તારે.... - આશા- રફી
૨. ગમ-એ-હસ્તિ સે બસ બેગાના હોતા, ખુદાયા કાશ મૈં.... - મુહમ્મદ-રફી
૩. એક તો સૂરત પ્યારી ઔર ઉપર સે યે નાઝ.... - આશા-રફી
૪. મેહફીલ મેં જો આયે તુમ જાદુ સા છા ગયા.... - આશા ભોંસલે
૫. ઓહો યારો હુસ્ન કી યે ઇશ્ક સે પહેલી મુલાકાત હૈ.... - મુહમ્મદ રફી
૬. તેરી મેરી એક ઝીંદગી, આ કે મિલ જા રે મિતવા.... - આશા ભોંસલે
૭. હમસે ભી તો તનિક સરકાર બાતાં કર લો જી.... - મુહમ્મદ રફી
૮. કાંટો કે સાયે મેં ફૂલો કા ઘર હૈ, ફૂલો કે ઘર પે જો.... - મન્ના ડે

'વલ્લાહ ક્યા બાત હૈ ?' નામની ફિલ્મ આ દુનિયામાં આવી હતી કે નહિ, એ સવાલે ઊભો કરવા જેવો નથી, પણ સંગીતકાર રોશનલાલ નાગરથે આ ફિલ્મના સંગીતમાં ખાસ તો રફી સાહેબ પાસે એક ગીત ગવડાવીને બહુ મોટા મિર માર્યા હતા, 'ગમ-એ-હસ્તિ સે બેગાના હોતા, ખુદાયા કાશ મૈં...' એની વાત કરવા જેવી છે. (મોટા ભાગના આજ સુધી એવું જ સમજતા રહ્યાં કે, ''ખુદા આકાશ મેં, દીવાના હોતા...'' અરે જીયો મેરે લાલ... ઠેઠ ઉપર આકાશમાં દીવાના થવા માટે કોરા કાગળ ઉપર કોઇ અરજી શું કામ કરે? ગાંડાથવા માટે અહી પુષ્કળ જગ્યા છે. ગીતકારો બે છે, પણ બાકીના તમામ ગીતો પ્રેમ ધવને લખ્યા હતા... ફક્ત એકલું આ જ આનંદ બક્ષીએ લખ્યું હતું, જેનો કહેવાનો મતલબ એ થતો હતો કે, ''હે ભગવાન, જો હું પાગલ હોત તો, આ જીવનના ગમોથી બેખબર તો હોત !''

આપણે સ્કૂલમાં હતા, ત્યારથી રફી સાહેબના આ ગીતમાં ના પાડવા છતાં આપણે પાગલ થઇ જતા હતા, એક તો ગીતની મધુરતાથી અને બીજું... કાચી ગોટલી જેવી ફુટફુટ થતી જુવાનીના પ્રારંભમાં પ્રેમમાં નિઃષ્ફળતા- બિશ્ફળતા તો હોય જ ને ? એટલે ગીત જાણે આપણા માટે જ ગવાયું હોય, એવું લાગે. રોશન હંમેશા અંડરરૅટેડ સંગીતકાર રહ્યા. રાગ યમનના આ બાદશાહ મૌસીકારે ભલે સાતત્ય (Continuity) વગર, ફિલ્મોમાં સંગીત આપ્યું, પણ જે સારૂં વધ્યું, એ સઘળું એ જમાનાના સારા સંગીતકારોની બરોબરીનું... ને ક્યારેક તો એમનાથી ય ઉપરવાળું હતું.

સંગીતનો અસલી જમાનો તો આપણે લોકો જ જીવી ગયા છીએ. આજના સંગીતનો કોઇ ઉલ્લેખ પણ નથી કરવો, પણ '૪૬-થી '૬૬ સુધીના બે દશકમાં મિનિમમ ૧૨ સંગીતકારો એવા આવ્યા. જેમણે અદ્ભૂત મેલડીસભર ગીતો બનાવીને યા તો આ બન્ને દાયકાઓનું સર્જન કર્યું, યા તો આ બે દાયકાઓ એવા મધુરા હતા, જેમાં એ લોકોએ કામ કર્યું. એમાં શંકર-જયકિશન, સી.રામચંદ્ર, નૌશાદ, સચિનદેવ બર્મન, મદન મોહન, ઓપી નૈયર, સલિલ ચૌધરી, રોશન, હેમંત કુમાર, રવિ, જયદેવ અને વસંત દેસાઇ. આ લોકોએ '૪૬ થી '૬૬ના દાયકાઓને સંગીતની એ ઊંચાઇઓ ઉપર લઇ ગયા. જેની ટોચ આજે ૫૦ વર્ષ પછી પણ આપણા ઘરની બાલ્કનીમાંથી મસ્તમધુરી દેખાય છે. રોશન પણ આમ જોવા જઇએ તો મદન મોહનની માફક થોડો અભાગીયો... સંગીત સુંદર પણ ફિલ્મ ચાલે નહિ, એટલે આ બન્નેને કોઇ ક્રેડિટ જ ન મળે, ના કોઇ મોટા હીરો કે મોટા નિર્માતાની ફિલ્મો.

યોગાનુયોગ, આ જ ફિલ્મના નિર્માતા- દિગ્દર્શક હરિ વાલીયાને ઘેર જ અચાનક રોશનનું પ્રાણપંખેરૂં ઊડી ગયું. (હરિએ શમ્મી કપૂરને લઇને ફિલ્મ 'લાટ સાહેબ' પણ બનાવી હતી. એની બસ, આ બે જ ફિલ્મો) રોશન અત્યંત ભોળો માણસ, તે એટલે સુધી કે પોતાના ઉપરે ય ખુશ થઇ જાય. ભગવાને એમને ત્રણ હાથ આપ્યા હતા. બે હાર્મોનિયમની પેટી ઉપર મૂકવા માટે અને ત્રીજો વ્હિસ્કીનો ગ્લાસ પકડવા માટે. આ ત્રણ યારદોસ્તો વગર કોઇએ રોશનને જોયો નથી. પેટી વગાડતા વગાડતા જો કોઇ બેનમૂન ધૂન હાથે... આઇ મીન, ગળે લાગી ગઇ, તો ચઢેલા નશે ઉપર જોઇને યારદોસ્તોને ખડખડાટ હસતા હસતા કહે, ''દેખો, ઉપરવાલે કો ભી આદતેં અપને જૈસી હી હૈ...'' એમાં ખૂબ હસવે ચઢ્યા પછી હરિ વાલીયાના ઘેર જ ઍટેક આવ્યો અને રોશનલાલ નાગરથ ગૂજરી ગયા.

મદન મોહનને ગઝલના બાદશાહ કહેવાય છે, પણ એ તો જેણે રોશનની ગઝલો યાદ ન આવતી હોય એ બધા હા-એ-હા- કરે. મદન મોહન બાદશાહ અફ કોર્સ, પણ ગઝલો માટે રોશનને પણ શહેનશાહ કહેવા પડે. કવ્વાલીમાં તો એનાથી ઉપર ઇકબાલ કુરેશી પણ નહિ. રહસ્ય એક જ સમજાણું નથી કે, આ ફિલ્મ 'વલ્લાહ ક્યા બાત હૈ'ના આશા-રફીનું યુગલ ગીત, 'ખનકે તો ખનકે યૂં ખનકે જબ રાત કો ચમકે તારે, તેરા કંગના...' રોશને ઓપી નૈયરની એટલે હદ સુધી બેઠી નકલ કરી છે કે, ઓપીના ખાસ માનિતા પાવા પણ ઓપી-સ્ટાઇલથી જ વગાડયા છે. ઓપીના ગીતો એના ઝટકા માટે જાણિતા હતા, એવા ઝટકાય (...તે...રા...કંગના, હોય) રોશનલાલે આશા-રફી પાસે ગવડાવ્યા છે.

ફિલ્મનો હીરો ડૅશિંગ હૅન્ડસમ શમ્મી કપૂર હતો. હવે આ કૉલમને કારણે આટલી બધી ફિલ્મો રીપિટમાં જોયા પછી, એક વાત કૉમન નજરે ચઢે છે કે, હીરો કોઇ બી હો, ફિલ્મમાં ગીત ગાતી વખતે એની તમામ ફિલ્મોના તમામ ગીતોમાં હાવભાવ, અદાઓ, હલનચલન...એકના એક જ ! દાખલા તરીકે રાજેન્દ્ર કુમાર કે દિલીપ કુમારના કરૂણ ગીતો યાદ કરો, દેવ આનંદ કે રાજ કપૂરના રૉમેન્ટિક ગીતો યાદ કરો... એક પણ અપવાદ વિના તમામે તમામ હીરાઓના હાવભાવ જે પહેલા ગીતમાં જોવા મળે, એ અઠયાવીસમાં ગીતમાં કે બસ્સો ત્રેંતાળીસમાં ગીતમાં... કોઇ ફરક નહિ.

ત્રણે કપૂરો માટે એ કબુલવું પડશે કે, ત્રણેએ કહી એકબીજાની નકલ કરી નથી. યસ. આજના હીરોલોગ માટે કહેવું પડે કે, લગભગ બધા એકની એક ટ્રેડિશનમાંથી બહાર આવ્યા છે. કંઇક નવું અથવા નૅચરલ એ લોકો લાવી શક્યા છે.

ફિલ્મની હીરોઇન બીના રોય 'મિન્શીપાલટી' પ્રેમનાથની પત્ની હતી. બહુ રિબાઇ બિચારી. માનવું અઘરૂં પડે પણ પ્રેમનાથના ત્રાસથી આ ભલી સ્ત્રી સાચા અર્થમાં પાગલ થઇને મરી. પેલો ઘરમાં પૂરા કપડાં કાઢીને ઢીંચ ઢીંચ કરીને જૂની પ્રેમિકાઓ કામિની કૌશલ અને મધુબાલાને માં-બહેનની ગંદી ગાળો બોલીને દિવસ પસાર કરે. પત્ની બીનાને તો એ ગણકારતો ય નહિ. વૅસ્ટર્ન રેલ્વેના સ્ટોર-કન્ટ્રોલરના અત્યંત સંસ્કારી અને શિક્ષિત પરિવારની આ છોકરી લખનૌની ઇસાબેલા કૉલેજમાં (ઇન્ટરમીડિયેટમાં) ભણતી, ત્યારે ફિલ્મ 'ગાઇડ'માં વહિદાના પતિ બનતા કિશોર સાહુએ અખબારોમાં આપેલી જાહેરખબર મુજબ, એમની આગામી ફિલ્મ 'કાલી ઘટા' માટે હીરોઇન જોઇતી હતી. બીનાએ અરજી કરી અને તરત પાસ થઇ ગઇ. નસીબ કેવું કે, એ પછી તરત જ દેશભરમાં ધૂમ મચાવનારી ફિલ્મ 'અનારકલી'ની એ હીરોઇન બની. વચમાં સાંઢ જેવો પતિ પ્રેમનાથ મળ્યો, છતાં બીના રોયને નામે ઘણી જાણિતી ફિલ્મો છે : શોલે, ગૌહર, ઔરત,સંગમ (ઓ... કાલી ઘટા ઘિર આઇ રે...), મરિન ડ્રાઇવ (અબ વો કરમ કરે કે સિતમ, મૈં નશે મેં હૂં- રફી) કાલી ઘટા (ઇલ્લે બેલી, લાઇલ્લા ઇલ્લે બેલી), દુર્ગેશ નંદિની (કહાં લે ચલે હો, બતા દો મુસાફિર) ચંદ્રકાંતા (મૈને ચાંદ ઔર સિતારો કી તમન્ના કિ થી), તલાશ, ગોલકોન્ડા કા કૈદી, ચંગેઝ ખાં (મુહબ્બત ઝીંદા રહેતી હૈ, મુહબ્બત મર નહિ સકતી), ઇન્સાનીયત, સરદાર (સ્વ. ગાયક જગમોહન 'સુરસાગર'ના સંગીતની ફિલ્મ) 'ઘૂંઘટ (લાગે ના મોરા જીયા, સજના નહિ આયે) અને ક્યાંથી ભૂલાય ફિલ્મ 'તાજમહલ'?

ફિલ્મ 'વલ્લાહ ક્યા બાત હૈ'માં બહુ પડવા જેવું એટલા માટે નથી કે, એક તો એ જમાનાની બ્લૅક-ઍન્ડ- વ્હાઇટ ફિલ્મ ને એમાં ય પોણી ફિલ્મ રાત્રીના અંધકારમાં ઉતારી છે. વાર્તામાં ય કોઇ ભલીવાર નહિ. શમ્મી કપૂર હંમેશની મુજબ ગરીબોનો બેલી (ક્યો હીરો નથી હોતો...?) એણે સાડા ત્રણ કલાક સુધી દેશના સૌથી મોટા ગુંડા કે.એન.સિંઘ સાથે લડતા રહેવાનું એના કોઇ વાંકગૂનાહ વગર મને જરા ય નહતો ગમતો એ અભિ ભટ્ટાચાર્ય પાછો આ ફિલ્મમાં 'અશોક' નામ રાખીને આવે છે. (તારી ભલી થાય ચમના... એટલે કે હરિયા... આને માટે તને 'અશોક' સિવાય બીજું કોઇ નામ મળતું નહોતું ?) આમ તો એ ય, મનમોહનકૃષ્ણની ઝેરોક્સ જેવો હતો... ( એક આડવાત : 'ઝેરોક્સ' નામનો કોઇ શબ્દ જ નથી. એ તો કંપનીનું નામ છે. આપણે કોઇ કાગળની ઝૅરોક્સ કઢાવીએ, એ અજ્ઞાન છે... 'ફોટો-કૉપી' કઢાવી, એમ કહેવાય. ચલો, મેં લખેલું સુધારી લો !) કારણ કે, આ ય મનમોહનની જેમ એક સેકન્ડમાં ચેહરા ઉપર ૨૮- લાખ હાવભાવો લાવી શકતો... પેલાના ૨૮-લાખ બીજા !

મુમતાઝ હજી નવી નવી આવી હોવાથી આ ફિલ્મમાં માલા કેળાવાળીના ફાલતુ રોલમાં છે. મોહન ચોટી કદી ય લીડ-કોમેડિયન બની ન શક્યો. સિપ્પીનું 'શોલે' આવ્યું ન હોત, તો જગદીપની ય નોંધ લેવાઇ ન હોત, કરૂણતા એ છે કે, હાસ્યની સિચ્યૂએશન કે સંવાદો લખનારા સાચ્ચે જ કોઇ લેખકો ફિલ્મોમાં નહોતા, એટલે એ જમાના કે આ જમાનાના સારા સારા કૉમેડીયનો પાસે ફિલ્મોવાળા બેવકૂફીઓ અને ઢંગધડા વગરની કૉમેડી કરાવતા.

યસ. કેટલાક લેખોમાં હું ચાલુ ફિલ્મ વખતે અમદાવાદ શહેરના અન્ય થીયેટરોમાં કઇ કઇ ફિલ્મો ચાલતી હતી, એ લખું એ વાચકોને ઘણું ગમે છે, એનું કારણ એ છે કે, આપણા એ જમાનામાં આખા શહેરમાં જ જે ૧૫- ૧૭ થીયેટરો હતા, એમાં થતું એવું કે, આમાં ટિકીટ ન મળે, તો બાજુના થીયેટરમાં બેસી જતા. દરમ્યાનમાં ઑલમોસ્ટ બધા થીયેટરો પાસેથી પસાર થવાનું થાય, એટલે આજે ય સહુને એ તો યાદ છે જ કે, '૬૨ની સાલમાં 'વલ્લાહ ક્યા બાત હૈ' રીગલમાં આવ્યું, (એની પહેલા દારાસિંઘની સૌથી પહેલી ફિલ્મ 'કિંગકોંગ' રીગલમાં આવ્યું હતું.) ત્યારે રીલીફમાં અશોક કુમાર- મીના કુમારી- પ્રદીપ કુમારવાળું 'આરતી' ચાલતું હતું. કૃષ્ણમાં 'અનપઢ', લાઇટ હાઉસમાં દેવ આનંદ-સાધનાનું 'અસલી-નકલી', બનતા સુધી મોડેલમાં દેવ આનંદનું જ 'બાત એક રાત કી' નોવેલ્ટીમાં મીનાકુમારી- સુનિલ દત્તનું 'મૈં ચૂપ રહુંગી', એલ.એન.માં આઇ.એસ. જોહરનું 'મેં શાદી કરને ચલા', પ્રકાશમાં શશી કપૂર-નંદાનું 'મેંહદી લગી મેરે હાથ' અને રૂપમમાં અશોક કુમાર- વહિદા રહેમાન- પ્રદીપ કુમારનું 'રાખી' આવ્યું હતું.

આ ફિલ્મના ટાઇટલ્સમાં એક જમાનાના ફાલતું ગીતકાર નૂર દેવાસી અને ૮-૧૦ ફિલ્મોમાં ઝગારો મારી ગયેલા સંગીતકાર એસ.મોહિન્દરના નામો આ ફિલ્મના કલાકારો તરીકે છે, એ હું ઓળખી શક્યો નથી. પણ મૂળ નામ મોહિન્દરસિંઘ સરનાએ ૧૯૫૦-માં પોતાની પહેલી ફિલ્મ 'નીલી' (દેવ આનંદ-સૂરૈયા) નું એકે ય ગીત હિટ કરાવી ન શકનાર આ સરદારજીએ ત્રણ વર્ષ પછી રાજ કપૂરને મુહમ્મદ રફીનું પ્લેબેક અપાવી, 'તેરા કામ હૈ જલના પરવાને, ચાહે શમ્મા જલે યા ના જલે'થી પોતાના નામની જાહેરાત કરી દીધી. નવાઇની વાત એ હતી કે, આટઆટલા મશહૂર સંગીતકારો બજારમાં હોવા છતાં, મધુબાલાએ પોતે પ્રોડયુસ કરેલી ફિલ્મ 'નાતા'નું સંગીત એસ.મોહિન્દરને આપ્યું અને એમાં લતા મંગેશકરના ૯માંથી ત્રણેક ગીતો આહલાદક બનાવ્યા, 'ઇસ બેવફા જહાં કા દસ્તુર હૈ પુરાના', 'દેખતે દેખતે જલ ગયા આશિયાના' અને 'લગન લગી હૈ સજન મિલન કી' (આવા અર્થસભર શબ્દો પંડિત દીનાનાથ મધોકે લખ્યા હતા.) 'શીરી- ફરહાદ'નું લતાનું ગીત તો બધાને ખબર છે, 'ગૂઝરા હુઆ જમાના, આતા નહિ દૂબારા, હાફીઝ ખુદા તુમ્હારા' અને શકીલાવાળી ફિલ્મ 'ખૂસસૂરત ધોખા'માં મૂકેશના બે ગીતો જામ્યા હતા, 'કિસી કા દિલ ચૂરા લેના, બડી પ્યારી શરારત હૈ' અને 'યે જવાની યે હંસિ રાત ખુદા ખૈર કરે...' અને અફ કોર્સ, લતા મંગેશકરના ડાયહાર્ડ ફૅન હો તો જ સાંભળ્યું હોય, એવું ફિલ્મ 'પિકનિક'નું ગીત, 'બાલમવા, બોલો ના બોલોના બોલો ના, મૈં તો દૂર ખડી...' ઝમીં કે તારેમાં મુહમ્મદ રફી- કોરસનું એક ગીત હજી યાદ છે, જે અનવર જુસેન અને ડૅઝી- હની ઇરાની ઉપર ફિલ્માયું હતું, ''ઓ મેરે પ્યારોં ઝમીન કે તારો જાના તુમ્હે હૈ કહા'', પણ મારી પસંદના મૂકેશના ટૉપ-૨૫ ગીતોમાંથી બે તો આ સરદારજીની ફિલ્મ 'જય ભવાની'ના છે. (હિરો ગુજરાતી મનહર દેસાઇ), 'યહાં રાત કિસી કી રોતે કટે, યા ચૈન સે સોતે સોતે કટે' અને લતા સાથેનું 'શમ્મા સે કોઇ કહે દે, કે તેરે રહેતે રહેતે, અંધેરા હો રહા...'

હરીફરીને 'વલ્લાહ ક્યા બાત હૈ' પર આવવું જ હોય, તો શમ્મી કપૂરના ચાહકો ય નિરાશ થાય એવી ફાલતું ફિલ્મ હતી આ.

(સી.ડી. સૌજન્ય : ભરત દવે- સુરત)

05/02/2015

નવી ગાડી પર લિસોટો

એણે મનોમન કબૂલ કર્યું કે, આટલો આનંદ ઘરમાં પહેલી વાર એની પત્ની પરણીને આવી, ત્યારે ય નહોતો થયો, જેટલો આજે નવી ગાડી આવી, એનો થાય છે. એ એટલો બધો ખુશ હતો કે, ગાડી પરથી નજર અને ચહેરા પરથી મુસ્કાન હટતી નહોતી. લાઈફમાં પહેલી વાર ઘરમાં ગાડી આવી હતી. આખો પરિવાર નવી ગાડી જોવા ઘરની બહાર આવી ગયો હતો. શિલ્પી-એની પત્ની હસતા મોંઢે માથું ઓઢીને હાથમાં કંકુ-ચોખાનો થાળ લઇને આવી હતી. બ્રાન્ડ-ન્યુ કાર ઉપર કંકુના લાલ લાલ ડાઘા પડશે, એ વિચારવું રાજુને ગમ્યું નહિ. પણ હિંદુઓમાં રિવાજ છે કે, ઘરમાં જે કાંઇ નવું આવે (ભલે પછી એ નવો ધૂળજી હોય) તો પહેલા એની પૂજા કરવી, એટલે કાંઇ બોલાયું નહિ.

પૂજા-બૂજા પતી ગઇ. રાજુએ ધોધમાર હિલોળા સાથે ભરાય એટલા ફૅમિલી-મૅમ્બર્સને ગાડીમાં ખોસી દીધા, 'ચાલો....નવી ગાડીમાં પહેલો આંટો મારી આવીએ...જલ્દી કરો, 'સમર્થેશ્વર મહાદેવના દર્શન કરી ઘેર પાછા આવવાનો રૂટ ગોખી નાંખ્યો, જેથી નવી ગાડીમાં ખોટું પેટ્રોલ ન બળે. (ઈન્ડિયામાં root એટલે કે 'રૂટ' બોલાય છે, અમેરિકામાં 'રાઉટ' (route) ઉચ્ચાર થાય છે.) ગાડીમાં બેઠા પછી ય રાજુ ગાડીની અંદરના એકેએક અવયવને મુગ્ધતાથી જોતો હતો, 'માય ગૉડ...કેવી કેવી ટૅકનોલૉજી આઇ ગઇ છે...આ લોકો સ્ટીયરિંગ પણ કેવા પરફૅક્ટ ગોળ બનાવે છે...આહ...ક્યા બાત હૈ ?'

...પણ ગુજરાતીઓ નવી ગાડી લે, એટલે પહેલો વિચાર 'ગાડીને કોઇ લિસોટો તો નહિ પડે ને ?' એનો આવે. રાજુને ચીઢ એ વાતની જ હતી કે, અમદાવાદના લોકોમાં ટ્રાફિક-સૅન્સ જેવું કાંઇ છે જ નહિ... સાલા નવી ગાડીને ય અડાડી દે...! ગાડી સ્ટાર્ટ કરી, ત્યાં એને એના સ્કૂટરના દિવસો યાદ આવ્યા. પહેલી કિકે સ્ટાર્ડ થાય એવા સ્કૂટરો એ જમાનામાં ય 'બહોત ખૂબ' કહેવાતા, જ્યારે ગાડીઓમાં તો, 'આ ચાવી મારી...ને આ સ્ટાર્ટ !'

'બા...પ્લીઝ તમે છીંકણી સુંઘીને હાથ ગાડીની સીટ પર નહિ લૂછતા...ચીકુ..છીંક ખાતી વખતે હાથ મ્હોં પાસે રાખવાના... ગાડીમાં છીંકના ડાઘા ન પડે.. શિલ્પી, તને ના પાડી'તી કે, માથામાં તેલ ન નાંખતી...પાછળ સીટ ઉપર ધાબું---તું ઓઢીને બેસ, બાપલા....ઓઢીને બેસ...!' પ્રામાણિક રાજુની પોતાના શૂઝ ઉપરે ય નજર પડી. થોડી ધૂળ તો હતી... દરવાજો ખોલીને બંને પગ ખંખેરી નાંખ્યા ને પાછા અંદર લઇ લીધા. ગાડી હજી કમ્પાઉન્ડમાં હતી, ત્યાં ઉપરથી કોક કબુતરૂં સીધું ગાડીના કાચ ઉપર ચરક્યું.... 'તારી માનું....હાળું કબુતરૂં...!' એનો જીવ કપાઇ ગયો. એ તરત ગાડીમાંથી બહાર નીકળ્યો, 'ગાભો ક્યાં છે...?' એ ઑલમોસ્ટ ચીલ્લાયો જ, 'ગાભો ક્યાં છે ?'

એ તો શિલ્પીએ ના પાડી કે, કબુતરાની ચરકને ગાભાથી સાફ કરવા જઇએ તો આઆઆઆ.... મોટો લિસોટો પડે....કાં તો એને સુકાઇ જવા દેવો જોઈએ ને કાં તો પાણીનો સ્પ્રે મારીને સાફ કરવો જોઈએ.'

રાજુનો જીવ કપાઇ ગયો. હાળા કબુતરાં...એ ન જુએ કે આપણે નવી ગાડી લઇને નીકળ્યા છીએ. પાર્કિંગમાંથી પાણીનું ડબલું ભરી લાવીને એણે ડાઘો સાફ તો કર્યો, પણ મહીં બેઠેલા બધા આંખ મારી મારીને હસતા હતા...પાછળના કાચ ઉપર બીજું કબુતરૂં ચરક્યું હતું.

ગાડી મેઇન રોડને જોડાઇ અને રાજુ નર્વસ થઇ ગયો. ટ્રાફિક જામમાં એની ચારેબાજુ ગાડીઓ જ ગાડીઓ...વચ્ચે જગ્યા વધતી હોય, ત્યાં બાઇકોવાળા ઘુસ્યા. હજી તો નવી ગાડી ફેરવવાનો જોસ્સો ય બહાર નીકળ્યો નહોતો ને ગાડી ટ્રાફિકમાં એણે ઘણી કાબેલિયતથી આજુબાજુના વાહનોથી પોતાની ગાડી સલામત રાખી. દશે દિશાઓમાં પોતાની ગાડીથી અન્ય વાહનોનું ૩-૪ ફૂટ અંતર રહે, જેથી કોઇ ઘસી ન જાય. ત્યાં તો, આવનારી ચોથી મિનિટે જ પ્રાણત્યાગ કરવાની હોય, એવા ગરીબડા મોંઢે એક ભિખારણે કાચ બહારથી 'કંઇ આલો ને, સેંઠ... તમારા બાલબચ્ચા સુખી રહે.'

આવા ગરમ લ્હાય જેવા તબક્કામાં રાજુ પાસે કાંઇ મંગાય ? આપણે બહાર ઊભા હોઇએ તો આપણે ય પાઇ-પૈસો ન માંગીએ, ત્યાં આ તો ભિખારણ... અકળાયેલા રાજુને બંધ કાચમાંથી પડાય એટલો મોટો ઘાંટો પાડીને ભિખારણને તતડાઇ નાંખી. પેલી તો રાજીયાની ય માં થાય એવી હતી. ભીખને બદલે હળહળતું અપમાન જોઇને એ કાચ ઉપર રીતસરની થૂંકી, '...નખ્ખોદ જાય તારૂં ને તારી ગાડીનું મૂવા...' નામના શ્રાપ સાથે. લંકા બાળતા હનુમાનજીને જોઇને રાવણ જેવો ભડક્યો હતો, એવો અહીં રાજીયો ભડક્યો, 'તારી તો...' એમ બોલીને કારનો દરવાજો ખોલવા ગયો, તો ચારે બાજુથી એકે ય દરવાજો ખોલાય એટલી જગ્યા નહોતી. આજુબાજુ બધે ચક્કાજામ. ગુજરાતીઓ અકળાય ત્યારે માં-બેનની ગાળ બહુ બોલે, પણ અહીં તો ગાડીમાં માં મોજુદ હતી, એટલે રાજીયો ગાળ ગળી ગયો. મનુષ્ય-જીવનમાં ધુંઆફૂઆવાળા આલમમાં જ્યારે બહાર નીકળું-નીકળું કરતી ગાળ સંજોગો જોઇને ગળી જવી પડતી હોય, ત્યારે બેચેની બહુ લાગે, પોતાની લાચારી ઉપર ગુસ્સો બહુ આવે, જાત પર નફરતો બહુ થાય... ને મરાય નહિ એવા આપઘાતના વિચારો ત્યાં ને ત્યાં આવવા માંડે. સુઉ કિયો છો ?

ને અચાનક ટ્રાફિક ખસ્યો. તમને બધાને ખબર હશે કે, જામ થયેલો ટ્રાફિક અચાનક ખસે, એટલે બધા બાઘા બનીને હુડુડુડુ ગાડી ચલાવવા માંડે છે. એમાં જરૂરી નથી કે બધાને માપસર આવડે. રાજુની પાછળની ગાડીવાળી કોઇ સુંદર સ્ત્રીનો પોતાની ગાડી ઉપર કાબુ ન રહ્યો ને, 'ધડ્ડીઇઇ...મ.' નામના ખૌફનાક અવાજો સાથે રાજુની ગાડી પાછળ ઠોકી દીધી. આમ રાજુ દુનિયાભરની સુંદર સ્ત્રીઓના તમામ ગૂનાહો માફ કરવા બેતાબ હોય, પણ આજે સીન નોખો હતો. કોક ગોદો વાગી જવાથી નર્સનું ઈન્જેકશન દર્દીના બાંવડાને બદલે ગાલમાં ઘુસી ગયું હોય ને દર્દી કેવી, 'વોય માડી રે... 'નામની કાતિલ ચીસ પાડી ઉઠે, એમ રાજીયાએ સુપર-ચીસ પાડી, 'સાલી જોતી નથી.... તારી---'

પાછળનું દ્રષ્ય ધાર્યા કરતા ઊલટું નીકળ્યું. ગાડીવાળી મહીં બેઠી બેઠી પસ્તાવાથી રાજુની સામે હાથ જોડતી માફી માંગી રહી હતી. ખલાસ...એક તો સ્ત્રી સુંદર...અને ઉપરથી માફી માંગે....બહોત નાઈન્સાફી હોગી...! દૂધનો ઊભરો શાંત પડે એમ રાજીયાનો ગુસ્સો શાંત પડી ગયો. ચેહરા ઉપર પેલું પરાણે આવતું સ્માઇલે ય આવી ગયું. ટ્રાફિકનો પ્રવાહ ચાલુ થઇ ચૂક્યો હતો એટલે નીચે ઉતરીને જોવાય એમ નહોતું કે ગાડી કેટલી ઠોકાઇ છે ! પણ ગાડીવાળી મનમાં વસી ગઇ હતી. રાજુને એનું અદ્ભુત-અદ્ભુત સ્માઇલ યાદ રહી ગયું. '....હાય રામ... બીજી વાર ક્યારે ગાડી ઠોકવા આવશે ?' ગાડી પાછળથી ઠોકાઇ હતી, પણ દર્દ દિલમાં ઉપડયું હતું. એમ પાછું અમદાવાદ નાનું છે...છોટી સી યે દુનિયા, પહેચાને રાસ્તે હૈં, તુમ કભી તો મિલોગે, કહીં તો મિલોગે... તો પૂછેંગે હાલ, હોઓઓઓ...'

પછી તો ઘેર આવતા સુધી ખાસ કોઇ મોટી ઘટના નોંધાઇ નહિ. બસ, સોસાયટીમાં પાછા વળતી વખતે સોસાયટીનો જ એક છોકરો આવીને બાઇક સાથે સીધો રાજુની કારને ટકરાયો... જય અંબે જય અંબે...!

ગાડી તો બધું રીપેર-ફીપૅર થઇને અઠવાડીયા પછી આવી ગઇ, પણ રાજુએ સોસાયટીના વૉચમેનની જેમ કમ્પાઉન્ડમાં સુવાનું નક્કી કરવું પડે એમ હતું. રાતભર કૂતરાઓ ગાડીના છાપરે સુઇ જવા ટેવાયેલા હોય છે ને આ મોટો ગોબો પાડી દે છે, પથ્થર મારીને કે હઇડ-હઇડ કરીને સુતેલાં કૂતરાંને ભગાડો, તો એટલામાં ક્યાંક આંટો મારીને પાછા ગાડી ઉપર સુઇ જાય..જગતની તો ખબર નથી, પણ ભારતભરમાં ગાડી ઉપરથી કૂતરાં હટાવવાનો કોઇ હલ નથી.

દુનિયાભરની સ્ત્રીઓનું કાર-ડ્રાઇવિંગ કેટલું બેવકૂફીભર્યું હોય છે, એના સેંકડો રમુજી કિસ્સા 'યૂ-ટયૂબ' પર જોતો હોવા છતાં રાજુએ શિલ્પીને પણ આ નવીનક્કોર ગાડી ચાલવવા આપી. ધોધમાર હસવું હોય તો 'યૂ-ટયૂબ'માં women drivers જોવા માંડો ! સમજ એ વાતની પડતી નથી કે, હજારમાંથી આઠસો ગાડીઓ સ્ત્રીઓ જ ઠોકતી હોવા છતાં કયાંય કોઈ સ્ત્રી-ડ્રાયવરને વાગ્યું હોય એવું સાંભળ્યું છે ? છાપાંના છેલ્લા પાને આવતા બેસણાંની જાહેર ખબરોમાં મરવાનું કારણ લખવામાં આવે તો દેશના ૯૮-ટકા ગોરધનો મલકાતાં મોંઢે આરામથી ઘેર બેઠા હોત ને રોજ જેલમાં મોકલવા માટેનું ઘર કા ખાનાવાળું ટીફિન બંધાવી લીધું હોત !

આપણા શહેરમાં તમે 'ફેરારી' લાવો કે 'લૅમ્બર્ગિની', સાંજ સુધીમાં એની ઉપર એક લિસોટો ન પડે, તો મારી ગાડીમાં દસ લિટર પેટ્રોલ ભરાવી આપવાની તમને છુટ. બેશુમાર વધતો જતો ટ્રાફિક, પપ્પાના પૈસે ધૂમધામ બાઇક ચલાવતા નબીરાઓ, અવસર મળે તો આપણી ગાડીની નીચેથી ય રીક્ષા કાઢી લે, એવી રાક્ષાવાળાઓ, નવીનક્કોર ગાડી જોઇને એના કાચ ઉપર પાનની પિચકારી મારી દેનાર વિકૃતો, એક વાર નવી ગાડી વાઇફને ચલાવવા આપવાની બેવકૂફીઓ તેમ જ, ફાધરનું કિંગડમ હોય એમ ગાડીના છાપરા ઉપર આરામથી ઊંઘ ખેંચી કાઢતા કૂતરાઓ... લિસોટા વગરની ગાડી પૉસિબલ નથી.

સિક્સર
 
બહુ વખત પછી જોયેલી માસ્ટર પીસ ફિલ્મ 'બેબી'માં અક્ષય કુમાર રીમાન્ડ પર લીધેલા સુશાંતસિંઘને બધી પૂછપરછ પતી ગયા પછી પણ છેલ્લે છેલ્લે થપ્પડ મારે છે. ચોંકેલો સુશાંત પૂછે છે, 'યે ક્યું મારા...?'
 
જવાબમાં અક્ષય કહે છે, 'આદત હૈ...'.