Search This Blog

29/06/2016

દમણ ભ્રમણ

અમારા ચારેયની ઉંમર ચાર ધામ યાત્રા કરી આવવાની થઈ ગઈ હતી, પણ એ ચારેમાંના એકે ય ધામમાં 'છાંટો-પાણી' કરવાની છૂટ નથી, પછી એટલે દૂર કોણ પેટ્રોલ બાળે ? અને ગુજરાતમાં જ કહેવાય, એવા કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territories) દમણાં સરકાર કે વાઇફના ડર વગર 'પી' શકાય !

આવે સ્થળે દૂર... જ્યાં શું કરીએ છીએ, એની કોઈને ખબર પડે એમ ન હોય ત્યારે સ્ત્રીઓ સાથે આંખમટક્કા કરી શકાય, એવી અમારી દાનત કે જરૂરતે ય નહોતી. સમજો ને, ઑલમોસ્ટ બુઢ્ઢા થઈ ગયા હોવા છતાં એમ પાછા મિસરની મહારાણી ક્લિઓપેટ્રાના ય ૮- ૧૦ બાળકો અમને પપ્પા કહે, એવા તંદુરસ્ત હજી ખરા. (ચારે ચાર ભેગા નહિ... ચાર ભાગ પાડીને વન-બાય-વન પપ્પા બનવાની વાત ચાલે છે !) બંદૂકમાં પોટાશ ભરચક ભરેલો હોય, પણહવે કોઈ ફોડવા ય ન દે ને ? કોક સામે જોયે રાખતી હોય અને એ ય અમને જોવી ગમે એવી હોય, તો પાછા અમારા હૃદયો વિશાળ. અમે એકબીજાને પૂછીએ પણ નહીં કે, 'તારી સામે જોતી'તી કે મારી સામે... ?' પણ એનાથી આગળ ઇવન પેલી ય વધે, તો અમારે 'જે સી ક્રસ્ણ, બેન' કહીને બાજી ફિટાઉન્સ કરી નાખવી પડે. ૬૦-ની ઉંમર વટાવ્યા પછી કેટલી ઇશ્કે-મિજાજી કરી શકાય ! આ ઉંમરે અમને 'જોવી' ગમે અને એ 'જોતી' હોય એટલું જ ગમે.... એથી આગળ તો અમારામાંથી ઉંમરમાં મોટી હોય તો ય, 'ઘરે જાઓ બેટા... મમ્મા રાહ જોતી હશે.' કહીને બાપ દીકરીને વળાવે એમ ભરચક આંખે વિદાય આપીએ. હાથમાં આવેલો આવો કોહિનૂર આમ જ... બસ, જવા દેવાનો હોય તો મનમાં ઢીલા થઈ જઈએ કે, 'માજી, પચ્ચી વરસ પહેલાં ક્યાં હતા ? લેવા- દેવા વિનાના અહીં દમણ સુધી લાંબા તો ન થાત !'' (સુઉં કિયો છો ? હું બરોબર જઈ રહ્યો છું ને ? હું આવો તાનમાં આવી ગયો હોઉં, ત્યારે મને રોકવો નહિ !)

પણ ૬૦- પછી સંસારના આ બધા મૂળભૂત રસો ટકાવી રાખવા નિહાયત જરૂરી છે, ભલે વાપરીએ નહિ ! 'ભાંગ્યુ ભાંગ્યું તો ય ભરૂચ', એમ ઘટમાં ઘોડા હણહણે ખરા, પણ મહાલક્ષ્મીના રૅસકોર્સ પર એમને દોડાવાય નહિ ! આ તો એક વાત થાય છે.

સાથે સાથે ઢળતી ઉંમરે વિચાર તો એ ય કરવો પડે કે, 'જીંદગીના રસને પીવામાં જલ્દી કરો 'મરીઝ', એક તો ઓછી મદિરા ને ગળતું જામ છે...'

દમણ જઈને પીવામાં એક મોટો ફાયદો છે. કોઈનાથી ફફડવાનું તો નહિ ! હજી આજે ય ગુજરાત વાંઝીયું રાજ્ય રહી ગયું હોવાને કારણે પીવાના શોખિનોની હાલત આપણાથી તો જોઈ પણ ન શકાય એવી દયામણી હોય છે. ફફડાટ એટલી હદનો હોય કે, ખિસ્સામાં રૂમાલ જેટલી જગ્યા રોકીને વરીયાળી ભરી હોય, જેથી પીધા પછી ફાકડા ઉપર ફાકડા મારી જવાય ને ઘેર વાઇફને અને રસ્તામાં પોલીસને ખબર ન પડે. જેને ઘેર પીવા જવાનું હોય, ત્યાં પોલીસ તો ગોઠવાઈ નથી ને, એવા ફફડાટમાં ખાદીના કપડાં પહેરીને પીવા ગયા હોઈએ. પરમિટ તો હોય નહિ, એટલે બીક લાગે તો, કેમ જાણે જન્મ્યો ત્યારથી પી- પી કરવાનો બહોળો અનુભવ હોય એમ બીજો પાછો શાયરીમાં વાત કરવા માંડશે, 'પરમિટ લઈને કે લીધા વગર, ક્યાં ચાલે છે કોઈને પીધા વગર !'

આ પીવામાં કે અન્ય એવા કોઈ પણ નાનાનાના ગુન્હાઓ ચોરીછૂપીથી કરવામાં જે લઝ્ઝત મળે છે, એ ખુલ્લેઆમ કરવામાં નથી મળતી. યાદ કરો, પહેલીવાર સિગારેટ પીધી હતી, ત્યારે આજુબાજુ તો ઠીક ઉપર આકાશના ચંદ્ર-તારા અને નીચે આપણો ધૂળજી ય જોઈ ન જાય, એનો ફડકો રાખવો પડતો. ટ્રાફિક સિગ્નલ પર હજી પીળી લાઇટ હોય ને પોલીસ ઊભો હોય છતાં ધમધમ ગાડી ભગાવવાનો જે ટેસડો પડે છે, એ સડસડાટ નીકળી જવામાં ક્યાં પડે છે ? વાઇફને ઉલ્લુ બનાવી અન્યત્ર મૂડીરોકાણ કરનારા વીરપુરુષોને ત્યાં સુધી જ જલસા પડે છે, જ્યાં સુધી વાઇફથી સાચવવાનું હોય છે. એકવાર એને ખબર પડી ગઈ તો બે દહાડા ધૂમધામ અને ધડાકા.. પછી 'હૂ કૅર્સ ?' પછી આ સેકન્ડ-હેન્ડ પ્રેમીઓને અંધારાનો આનંદ ન આવે ! નાના ગુન્હાઓની અસલી લઝ્ઝત છાનીમાની જ આવે ! સુઉં કિયો છો ? (એવી લઝ્ઝતો લેનારાઓને જ આ પૂછ્યું છે... બાકીનાઓએ આ પ્રશ્ન ઑપ્શનમાં કાઢવાનો છે.)

એ રીતે દમણ પવિત્ર ભૂમિ છે. અહીં ભક્તોના માન-સન્માન જળવાય છે. પીવામાં પોલીસ જોઈ જાય તો ય કોઈ ખૌફ નહિ... થોડું વધ્યું હોય, તો એમને ય આપણી સાથે જોડાવા બોલાવી શકાય. એ વાત જુદી છે કે, પોલીસો ડયુટી ઉપર 'પીતા' (કે 'ખાતા') નથી.

યસ. મને ય ડ્રિન્ક્સ બેશક ગમે, પણ પીતા આવડતું નથી એટલી ચોક્કસ ખબર કે, વ્હિસ્કી રકાબીમાં કાઢીને કે લસ્સીની માફક ગ્લાસમાં સ્ટ્રો નાંખીને ચૂસી ચૂસીને ન પીવાય. પણ ગ્લાસમાં કેટલી ભરવાની હોય, એની પહેલા ખબર નહોતી પડતી... હવે પડે છે કે, જાલીમ જમાનાને ખબર પડવા ન દેવી હોય તો પિત્તળના લોટામાં પીવી. વટેમાર્ગુઓને લાગવું જોઈએ કે, 'ડોહા છાશ-બાશ પીતા લાગે છે.' વર્ષમાં બસ કોઈ ૩- ૪ વાર યારદોસ્તોની સાથે આવા સેશનો થઈ જાય એ તો !

દમણનો દેવકા બીચ શનિ- રવિમાં કુંભમેળાનું સ્વરૂપ ધારણ કરે છે. સુરત- નવસારીના પદયાત્રીઓ આ વૈકુંઠધામમાં ગાડીઓ લઈને એટલી મોટી સંખ્યામાં આવે છે કે, હોટલોમાં જગ્યા ન મળે. મળે એનો ભાવ ટીંચર જેવા હોય (અલબત્ત, મેં ટીંચર ચાખ્યું નથી, એટલે માત્ર ભાવની ખબર છે !) યુનિયન ટૅરીટરી હોવાથી અહીં સૅલ્સ-ટૅક્સ લાગે નહિ, એટલે છાશના ભાવમાં મઠો મળે, એવી જાહોજલાલી થઈ. કહેવાય બીચ, પણ દરિયો પગમાં ઘુંચી જાય એવા કાંકરાવાળો. નહાવાની વાત તો દૂરની છે... મહી પડતું મૂકવા ય જવાય નહિ.

અમે ચારે ય દોસ્તો ખૂબ ભટક્યા, પણ ક્યાંય હોટલ મળે નહિ. ચાર- પાંચ કલાકના દમણ-ભ્રમણ પછી પાછા વળ્યા. પીવાનું તો ઘેર ગયું. ભૂખ્યા પેટે અમે દરદર ભટકતા હતા. હાઇ-વે પરની એક હૉટલમાં કૂપન લઈને ફાફડા- સમોસા ખાવાના હતા. હવે પીવાની નહિ, ખાવાની એટલી ભૂખો લાગી હતી કે, આપેલો ઓર્ડર સર્વ ન થાય ત્યાં સુધી ભૂખના માર્યા અમારા પોતાના શર્ટની બાંય ચાવતા હતા... થૅન્ક ગોડ, એને માટે કૂપન લેવાની નહોતી, પણ ડરી એવા ગયા હતા કે સેલ્ફ સર્વિસ હોવા છતાં ય ટેબલ પર બેઠા બેઠા તબલાં- ઢોલકની થાપ આપીએ પણ ઊભું થઈને કોઈ લેવા જાય નહિ, એટલે તૂટી ગયા હતા. છેવટે પેટ ભરીને નાસ્તા કર્યા, એમાં એક જણ વૉશરૂમ જતો હતો તો બીજાએ પૂછ્યું, 'કૂપન લીધી છે... ?' લઈને જજે અને જરા સંભાળજે... ત્યાં ય સેલ્ફ સર્વિસ છે...!

ઉફ્ફ.. એક ટીપું ય પીવા મળ્યું નહોતું, છતાં ઘેર આવીને છાપ એવી પડી કે, આ લોકો દમણમાં ડ્રિન્ક્સ લેવા ગયા હતા.

આ મામલે, હજી બસ્સો વર્ષ જમાવટ કરે જાય, એવા યુવા કવિ ભાવિન ગોપાણીનો શે'ર...
'એક ખાલી જામના તળિયેથી મળતી હોય છે,
લાગણીઓ ક્યાં ક્યાં રખડતી હોય છે !'

સિક્સર
બાયપાસ પછી મેં સિગારેટ છોડી દીધી, એનાથી ખુશ થઈને એક દોસ્ત ગિફ્ટમાં મને બિયરની બોટલ આપી ગયો.

1 comment:

Dhaval Bhatti said...

લે તમેય ભાયરે કરી વો....