Search This Blog

30/11/2016

બેસણાંમાં પિત્ઝા ખવાય ?

અમેરિકાના ન્યુયૉર્કની બાજુમાં કનેક્ટીક્ટ સ્ટેટ આવેલું છે. ત્યાંના બેથાની શહેરમાં મારા દોસ્ત ડૉ. અશ્વિન હી. પટેલની ભાણીનું બેસણું હતું. પટેલ અને એમાં ય અમેરિકાના, એટલે ૫૦૦/- કે ૧૦૦૦/-ની બનાવટી નોટોને બદલે અબજો રૂપિયાની સાચી નોટો ખિસ્સામાંથી ઢોળાતી હોય તો ઉપાડે ય નહિ. એક માન્યતા ખરી કે, મર્સીડીઝ તો ભિખારીઓ ફેરવે.

આ લોકોની એકએક કાર લૅમ્બર્ગિની કે ફેરારીથી ઉતરતી ન હોય ! એ બેસણાંમાં ફરજીયાત-મરજીયાત જેવું કશું નહિ, પણ સફેદ કપડાં પહેરીને નહિ આવવાનું... એટલું જ નહિ, બધાઓ ભારે સાડીઓ (સ્ત્રીઓની વાત થાય છે !) અને મોંઘાદાટ બ્લૅક શૂટ પહેરીને આવવાનું (આમાં એકલા પુરૂષોની વાત નથી થતી !) કંઇક પહેરવાનું ખરૂં. આપણો વડોદરાનો ભૂતપૂર્વ ટેસ્ટ વિકેટકીપર કિરણ મોરે પણ અમારી સાથે એ બેસણાંમાં હતો. એ મારૂં પોતાનું બેસણું ન હોવાથી, આ બધામાં હું એકલો જુદો પડતો હતો. મેં શૂટ નહોતો પહેર્યો.

પણ અજીબોગરીબ વાત એ હતી કે, આ સ્વર્ગસ્થ પાયલટ ભાણીની અંતિમ ઇચ્છા મુજબ, બેસણાંમાં સહુએ ધૂમધામ મસ્તી કરતા આવવાનું. ચાલુ બેસણે ફિલ્મના ગીતો વાગતા હોય અને એ ગીતો ય 'ગોવિંદ બોલે હરિ ગોપાલ બોલો' કે 'અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ...' જેવા ભજનો નહિ, બલ્કે 'નૈન લડ જઈ હૈ તો મનવામાં કસક હોઈ બેકરી' કે 'કરવટેં બદલતે રહેં સારી રાત હમ, આપકી કસમ' જેવા રોમેન્ટિક અને તોફાની ગીતો !

આ હું સમજ્યાસાણ્યા વગર બોલી તો ગયો કે એ મારૂં પોતાનું બેસણું નહોતું, પણ એવું ન બોલાય...! ત્યાં મરવાનું જીવવા કરતા ય મોંઘું પડે એવું હોય છે. અમેરિકામાં તો મરવા કરતા જીવી જવું સારૂં. આપણી ભાષામાં ઉત્તરક્રિયા કે સ્મશાન-બશાનવિધિનો ખર્ચો, આપણે ચિતાના ઉપર સુતા હોઈએ ત્યાંથી ડઘાઈ જઈને ઊભા કરી નાંખે એવો મોંઘાદાટ હોય છે.

કાં તો મરવાનું કાયમ માટે માંડી વાળવું પડે ને કાં તો મરવા માટે સ્પેશિયલી ઇન્ડિયા આવીને બેસણાં ત્યાં રાખવાના હોય છે. એ વાજબી ભાવે પતી જાય. બાકી અમેરિકામાં મરવાનું બહુ મોંઘું પડે ! ઘણા તો આજે ય ત્યાં એટલા બધા ડઘાઈ ગયા છે કે, વર્ષો થઇ ગયા એમણે મરવાનું માંડી વાળ્યું છે. અહીં વાળા રાહો જોઇને બેઠા છે કે ડોહા કાંઈ પતાવે તો આપણે અહીંનુ પતાવીએ !

પણ સ્વર્ગસ્થ ભાણીએ દેહ છોડતા પહેલા મસ્તીપૂર્વક ઘણી ગોઠવણો કરી હતી કે, સ્મશાનેથી આવ્યા પછી બંગલામાં આલીશાન પાર્ટી હોવી જોઇએ, જેમાં ઇવન અમેરિકનોને ય મોંઘો લાગે, એવો કિંમતી શરાબ પિરસાયો. મન્ચિંગ અને જમવાનું તો 'ફાઈવ' નહિ પણ 'ફિફ્ટી-સ્ટાર' હોટેલમાં પિરસાય એવા મૅનુવાળું ! ભગવાને પૈસો પટેલો અને જૈનોને ફક્ત ભારતમાં જ નથી આપ્યો, જ્યાં ને ત્યાં આપ્યો છે. (એ વાત જુદી છે કે, અમેરિકાના જૈનો અને પટેલોએ ઓબામાની સરકાર પાસે અનામત નથી માંગી !... ડૉનાલ્ડ ટ્રમ્પ મરવાનો થયો છે !)

પણ અહીં ઇન્ડિયામાં જે લોકો ઑલરેડી મરવાના થયા છે, એ બધાએ હવે મરવાનું સાયન્સ આગળ વધાર્યું છે, ડૅવલપ કર્યું છે. આપણે ભલે ચાલુ બેસણે 'હો, મુઝે હિચકી જો આઈ તો... હંગામાં હો ગયા... હાય હાય હાય !'ના ડીજે સાથે શોકાકૂલ ડાઘુઓ ઊભા થઇને કમરો લચકાવીને ડાન્સો કરવા ન મંડી પડે, પણ હવે એકની એક જૂની ઘરેડ બદલવી તો પડશે ને ? ક્યાં સુધી સ્વર્ગસ્થ ડોહાના સ્માઇલ આપતા ફોટાની બાજુમાં પલાંઠીવાળીને બેઠેલો એનો દીકરો આવનારા ડાઘુએ-ડાઘુએ 'જે શી ક્રસ્ણ' કરીને મોંઢું વીલું રાખીને બેસી રહેશે ? ક્યાં સુધી આપણે પણ મહીં પહોંચતા સાથે જ મોઢું ઢીલું કરીને રાહુલજી જેવા હાથ જોડતા જઇને સફેદ ગાદી પર બેસી જઈશું ને ૪૦-૫૦ સેકન્ડમાં ઊભા થઇ જઇને બેસણાંની બહાર ઊભેલા દોસ્તો સાથે મોદીની નોટોની મેથીઓ મારીશું ? મિત્રો, એટલું યાદ રાખો કે, તમે મોંઢા ગમે તેટલા ઢીલાં રાખશો, ફોટામાં સ્માઇલો આપતો એ ડોહો કદી તમારા બેસણાંમાં આવવાનો નથી. દુનિયામાં હવે વ્યવહાર-બેહવાર જેવું કાંઈ રહ્યું જ નથી, ભાઈ ! ઘણા તો બેસણાંમાં કન્ફર્મ કરવા આવતા હોય છે કે, કાકો ખરેખરો ગયો તો છે ને ? પહેલા ય જઉ-જઉ કરતો બનાવી ગયો'તો... ને એકવાર તો આપણે આરવાળા કડક સફેદ લેંઘા-ઝભ્ભા પહેરીને ગયા'તા, તો ય કાકો ગયો નહતો ! આજકાલ કોઇના ઉપર વિશ્વાસ જ મુકાય એવું રહ્યું નથી. કોઈ પંખો ચાલુ કરો... સૉરી, શિયાળો શરૂ થઇ ગયો છે. હમણાં દસ-બાર બેસણાં સુધી પંખા રહેવા દો !

થૅન્ક ગોડ, હવે બેસણાં સુધરવા માંડયા છે. એમાં ય હવે નોવેલ્ટીઓ આવવા માંડી છે. છાપાના છેલ્લા પાને બેસણાંની જાહેર ખબરોમાં લખાવા માંડયું છે કે, 'કોઇએ સફેદ કપડાં પહેરીને આવવું નહિ.' અર્થાત્ તમે રોજીંદા જે પહેરતા હો, એ જ કપડે આવવાનું.

મને પર્સનલી આ ફેરફાર ગમ્યો છે. હજી નવા ફેરફારો આવકાર્ય છે. એક તો દુનિયાભરના બેસણાં સવારે ૮ થી ૧૦ અથવા સાંજે ૪ થી ૬ના હોય, એટલે આપણે કોઈ મેળના ન રહીએ. ઓફિસનો બોસ ભલે ગમે તેવો માંદો રહેતો હોય, પણ ઍડવાન્સ અપેક્ષામાં રોજ ઓફિસે એને માટે સફેદ કપડાં પહેરીને તો ન જવાય ને ? એક તો હવેના બેસણાં ૧૦-૧૫ કી.મી. દૂર સિવાય હોતા નથી ને એમાં ય સવારનો ટ્રાફિક. બેસણેથી બારોબાર ઓફિસ જવાનું હોય, એટલે ઘેર કપડાં બદલવા જવાનો ટાઈમ ન મળે.

અને આપણે તો પર્સનલી બેસણાં ઉપર એવો હાથ બેસી ગયો હોય કે, અઠવાડીયામાં મિનિમમ બબ્બે-તત્તણ બેસણાં પતાવવાના હોય ! ઘણીવાર તો જઇ આવ્યા પછી યાદ આવે છે કે, ભૂલમાં ખોટે બેસણે જઇ આવ્યા... આપણાવાળું તો બાજુની સોસાયટીમાં હતું ! મારે તો એકના એક સ્વર્ગસ્થ માટે બબ્બેવાર બેસણે જઇ આવવાનું ય બન્યું છે. છાપાની જા.ખ.માં ચોખ્ખું લખ્યું હોય કે, 'પિયરપક્ષનું બેસણું ઉપરના સ્થળે અને સમયે રાખ્યું છે', એમાં આપણે તો બન્ને સાચવવાના હોય ! આવું પિયરપક્ષનું ઍકસ્ટ્રા-બેસણું ય રાખ્યું હોય તો બે વખત જવાનું હોય છે.

પહેલામાં પાંચેક મિનિટ બેસીને, બહાર નીકળીને ફરીથી ઍન્ટ્રી લેવાની. આપણે સંબંધ બેમાંથી એકે ય પાર્ટી સાથે નહિ બગાડવાના ! ઘણાને તો ખોટાં બહુ લાગી જાય અને મોંઢા ચઢી જાય કે, 'અમારે ત્યાં ન આવ્યા પણ પિયરપક્ષના બેસણે જઇ આવ્યા !' હું વ્યવહાર ન ચૂકું. હું એકમાં જ જઉં તો મારા કૅસમાં ય પિયરપક્ષવાળા બેસણે મારાવાળા જ ન આવે !

યસ. આ નવા ક્રાંતિકારી ફેરફાર મુજબ, બેસણાંમાં તમારે રૅગ્યૂલર કપડે જ જવાનું છે, એવી સૂચના આપવામાં દંભ અને બનાવટની જરૂર પડતી નથી. સ્વાભાવિક છે કે, સ્વર્ગસ્થના પરિવારજનો જેટલો શોક આપણને બધાને લાગ્યો ન હોય પણ બધાએ જવું તો પડે અને બધાએ મોંઢાય એકસરખા શોકગ્રસ્ત રાખવા પડે... ભલે પછી અંદર આંટો મારી આવીને બહાર ચાની લારી ઉપર આઠ અડધીના ઑર્ડરો અપાય ! આવા દંભની શી જરૂર છે ?

પરાણે શોકવાળા મોંઢા રાખવા પડે એના બદલે બેસણાંના આયોજકો પહેલેથી જ કહી દે કે, 'તમે ત્યારે તમારા રૅગ્યૂલર મૂડ અને કપડામાં જ આવજો. લેવાદેવા વગરના, 'શું... ફાધર ખરેખર ગયા...?'' એવું નાટક કરવાની શી જરૂર ? કેમ જાણે, ફાધર તો અંદર હિંચકે બેઠા હોય ને પેલો રીહર્સલ કરવા ફોટાની નીચે હાથ જોડીને બેઠો હોય ! યાદ રાખો, મિત્રો. કોઇના બી ફાધર બબ્બે વાર જતા નથી... એક ખરેખર અને બીજીવાર ગામની મશ્કરીઓ કરવા માટે !

યસ. કાચી ઉંમરે મૃત્યુ પામનારનું બેસણું હોય તો કુટુંબીજનોને સાંત્વન આપવા કેવળ બેસણાં જ મોટું કામ કરી જાય છે. એ શોક સાંત્વનાથી જ મટે એવો ક્રૂર હોય છે. સ્વર્ગસ્થની ઉંમર કાચી હોય કે ૯૫-ની, કેટલાક અવસાનો-આપણે લેવાદેવા ન હોવા છતાં આપણાથી ય સહન થાય એવા હોતા નથી, ત્યારે એમના ખભે તમે મૂકેલો હાથ પણ લાખો આશ્વાસનો કરતા વિશેષ હોય છે. બોલતા આવડે તો તમારા બે શબ્દો ભગવત-ગીતાની બરોબરીના બની જાય છે.

ક્યારેક સમય સાચવી લેવો પડે છે, નહિ તો આઘાતમાં ઘરનું બીજું ય કોઈ જતું રહે. મારી સમજ મુજબ, આવા અસહ્ય શોકના મૃત્યુપ્રસંગે, વાતાવરણ વધુ કરૂણ બનાવવાને બદલે નોર્મલ બનાવવું જોઇએ, જેથી ઘરનાઓને આઘાતની કળ વળે ! અફ કોર્સ, આવી કળો વાળવા બેસણાંમાં બેઠા બેઠા મિમિક્રી કરવાની કે 'જોક્સો' સંભળાવવાની જરૂર નથી, પણ સ્વર્ગસ્થ વિશેની નોર્મલ વાતો કરવાથી, 'શું ફાધર ખરેખર ગયા...?

અમને કહેવડાવ્યું ય નહિ ?' વાળી ગાળાગાળીથી એમના પરિવારજનો બચી જાય છે. એમને તમારી ભાષામાં સમજાવવું જોઇએ કે, 'પપ્પા તમને કેટલું બધું ચાહતા હતા ! એ તમને છોડીને જાય તો ક્યાં જાય, બેન ? ઉપર કોઈ સ્વર્ગ-બર્ગ જેવું છે નહિ કે, પૃથ્વી પરથી આવેલા મૃતાત્માઓને રહેવા માટે ત્યાં કોઈ કોલોની, એપાર્ટમેન્ટસ, રો-હાઉસીસ કે સોસાયટીઓ નથી. અહીં ધરતી પર તો સ્વર્ગસ્થોની કોઈ કોલોની નથી, નહિ તો મરનારા 'પૃથ્વીસ્થ' કહેવાત ને ? નીચે પાતાળમાં આપણા હિંદુઓ તો મર્યા પછી ય જતા નથી. ડૂબી જવાની બીક લાગે ! તો મતલબ ચોખ્ખો થયો કે, અવસાન પછી પપ્પા બીજે ક્યાંય ગયા જ નથી. અહીં જ-આપણા ઘરમાં જ છે, આ રૂમમાં જ બેઠા છે, ભલે દેખાતા ન હોય કારણ કે, હવે એ સ્વર્ગસ્થ છે.' આવે વખતે એમની રડતી દીકરીને જ પૂછી શકાય કે, 'પપ્પા તને જોતા હશે.

એ અહીં જ આ રૂમમાં બેઠા છે. એ તને રડતી જોઇને ખુશ થશે ખરા ? તું હસતી રહે, એ જ એમને  તો ગમે ને ? તારે એમને ઉપર બેઠા બેઠા ય રોવડાવવા હોય તો હજી રડ...!' (એ ય જાણતી હોય કે, જીવતા ડોહાને આવી આ રોજ રડાવતી હતી... આના મનમાં થોડો ડર નાંખો કે, બહુ રડીશ તો ઉપર બેઠા બેઠા પપ્પા એવું સમજશે કે, તને એમની બહુ જરૂર છે, તો તને એમની પાસે બોલાવી લેશે... એના કરતા છાની મર...!' આ તો એક વાત થાય છે !)

સિક્સર
-
હવે રોજ એકની એક ૫૦૦/-ની નોટોની વાત કરવાનો સખત કંટાળો આવે છે ને...? તો પછી મૂકોને માથાકૂટ...!

27/11/2016

ઍનકાઉન્ટર : 27-11-2016

* પચવામાં સૌથી ભારે ખોરાક કયો ?
-
શું કામ પણ પત્નીને જાહેરમાં આમ વખોડો છો ?
(
ધવલ રૂપાપરા, નાના વડાળા-જામનગર) 

* તમને જવાબ ક્ષણમાં સુઝે કે વિચારવું પડે
- મૈં પલ દો પલ કા લેખક હૂં !
(ગીરિશ શર્મા, નવસારી)

* મંદિરમાં આવો ભેદભાવ કેમ
? પુરૂષ પહેરેલી ટોપી ઉતારીને દર્શન કરે અને સ્ત્રી માથે ઓઢીને ?
-
સ્ત્રીઓ તો ફક્ત પોતાના માથે ઓઢે છે... બીજાની ટોપી ઉતારતી નથી !
(પ્રબોધ જાની, વસાઇ-ડાભલા)

* પાકિસ્તાન આતંકવાદી દેશ છે, એ હવે કોને કોને સમજાવવાના ?
- પહેલા પાકિસ્તાન આતંકવાદી દેશ છે, એનું પ્રૂફ રાહુલબાબાને આપો !
(મધુકર એન. મેહતા
, વિસનગર)

* રાવણ સાથે તમારે એવા કેવા સંબંધ હતા કે, એના બગીચાનું નામ 'અશોક વાટીકા' રાખ્યું ?
- આવા સંબંધો શોધવા ન જશો. એકલા ગુજરાતમાં જ બસ્સો 'અશોક હૅરકટિંગ સલૂનો' છે !
(ભદ્રેશ કે. પુરોહિત
, કરમસદ)

* નિવૃત્તિ પછી કઇ પ્રવૃત્તિ કરવી જોઇએ ?
- નોકરી સરકારી કરી હોય તો આવો સવાલ ચોક્કસ ઊભો થશે... કે, 'હવે તો કંઇક કામ કરીએ !'
(સુરેશ દરજી, આણંદ)

* નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રેસિડૅન્ટની ચૂંટણી લડે તો ય જીતી જાય કે નહિ ?
- બધે કોંગ્રેસ જેવો નબળો પક્ષ ના મળે !
(કિશન પટેલ
, નિકોલ)

* મુંબઈના વાચકો તમને વધુ ચાહે છે, છતાં એમના સવાલો કેમ જવલ્લે જ લેવાય છે ?
- હવે... મને લાગે છે, આવતા પાંચ-છ મહિના સુધી તમે મને નહિ ચાહવાના !
(ભગવાનદાસ મકવાણા
, મુંબઈ)

* અશોકભાઈ, તમારી સાથે એક મુલાકાત થાય કે નહિ ?
- વાઉ..તમારો ટેસ્ટ ઊંચો છે..!
(રાજેશ શેલત
, વડોદરા)

* સ્ત્રીઓને માથે ટાલ કેમ નથી પડતી ?
- એ લોકો બહુ ઊંચુ વિચારે છે.
(જયેશ અંતાણી
, ભાવનગર)

* વૅટરીનરી ડૉકટરો બધા બિમાર પશુઓનો ઈલાજ કરતા હોવા છતાં, એમને 'ઘોડા દાક્તર' કેમ કહેવાય છે ?
- નથી ખબર ! મારે પર્સનલી એ લોકોનું કામ જ પડયું નથી.
(મધુકર માંકડ
, જામનગર)

* વધુ મહત્વનું શું છે ? પૈસા કે સંબંધ ?
- મને હતું જ કે, પૈસા ખાતર તમે મારી સાથે સંબંધ બગાડવાના જ !
(ધવલ જે. સોની
, ગોધરા)

* વિજય માલ્યા ધંધો કરતો નથી, છતાં બધાને ધંધે વળગાડી દીધા છે...!
- કેટલા બાકી નીકળે છે
?
(બાબુ પટેલ, અમદાવાદ)

* શું નરેન્દ્ર મોદી ઇ.સ. ૨૦૧૭માં પ્રાઇમ મિનિસ્ટર બનશે ?
- તમને હું ક્યાંય દેખાતો જ નથી ?
(નમિક પ્રજાપતિ, અડાલજ)

* ગૌરીવ્રત જેવું વ્રત છોકરાઓ કેમ રાખી ન શકે ?
- હું ય એ જ કહું છું કોઇ ગૌરી રાખવા કરતા એનું વ્રત સસ્તું પડે !
(મેહૂલ વાઘેલા
, વડોદરા)

* સાચી લાગણી જાણવાનું કોઇ મશીન મળે ખરૂં ?
- કોઇ સહૃદયી પાસેથી ૨૦-૨૫ લાખ લઇ આવો... એને સાચી લાગણી હશે તો માંગવા નહિ આવે !
(પુલિન સી. શાહ
, સુરેન્દ્રનગર)

* તમે ભારત ભૂષણને 'ભા.ભૂ.' કહીને બોલાવો છો, એમાં ઉપર બેઠા એમના બા ખીજાતા નહિ હોય ?
- એમના વાઇફને હું 'ભાભી' કહેતો હતો.
(ભરત સતાવત
, ભિવંડી-મહારાષ્ટ્ર)

* પાવર હાઉસ ઉપર લાલ લાઇટ થાય છે, પણ વિમાનના પાયલટે લાઇટ લીલી થવાની રાહ ક્યાં સુધી જોવાની ?
- એ તો વિમાનને રીવર્સમાં લઇ લેવાનું હોય !
(પકેશ સાયમન ઠાકોર
, ગાંધીનગર)

* 'ફિલ્મ ઈન્ડિયા' વિશે તમારૂં પુસ્તક વાંચીને અભિપ્રાયો કેવા આવે છે ?
- જેને ગિફટમાં આપ્યું છે, એમાંથી કોઇએ હજી ખોલીને જોયું પણ નથી કે, આ કોઇ પુસ્તક છે કે, સ્કૂટરની પાછલી સીટ ! દરેક લેખક પોતાનું પુસ્તક દોસ્તોને ગિફ્ટ આપવાની મોટી ભૂલ કરતો હોય છે!
(કૌશલ્યા જ. પરીખ
, વડોદરા)

* હાથીની કિડની અને કીડીની કિડનીની સાઇઝ વચ્ચે બહુ તફાવત હશે ?
- જરૂર પડે, બેમાંથી એકને તમે કિડની-દાન કરવાના હો તો હું આગળ વધુ ?
(સ્મિત આચાર્ય, અમદાવાદ)

* તમે ગુરૂ કોને માનો છો ?
- મારા સ્વ. પિતાજીને.
(ઉપેન્દ્ર વાઘેલા
, રાજકોટ)

* આ 'એનકાઉન્ટર' રવિવારે જ કેમ રાખ્યું છે ?
- આડે દિવસે તો બીજા કામધંધા હોય કે નહિ !
(મુસ્તુફા કુત્બુદ્દીન દાહોદવાલા
, અમદાવાદ)

* સવાલ ઍટૅચમૅન્ટમાં કેમ ના પૂછાય ?
- બા ખીજાય.
(દીપક એસ. માછી
, વડોદરા)

* ગુજરાતમાં પ્રવર્તતી ફિક્સ-પગારની પ્રથા હાસ્યાસ્પદ અને અમાનવીય નથી લાગતી ?
- ટૅબલ નીચેથી 'પગાર' લેતા શીખો... જરાય હાસ્યાસ્પદ નહિ લાગે !
(સોનું શર્મા
, રાજકોટ)


* મારે પાયલટ બનવું છે. શું કરૂં ?
- છુટ્ટા હાથે સાયકલ ચલાવતા શીખી જાઓ. વિમાન એમ જ ચલાવવાનું હોય છે.
(વીર કૌશિક રબારી
, ત્રાજ-ખેડા)