Search This Blog

28/12/2016

નવી ગાડી લઇએ ત્યારે.....

હિંદુ રિવાજ મુજબ, નવું વાહન આવે એટલે ગૃહલક્ષ્મી કંકુ-ચોખાની થાળી લઇ પૂજા કરે, જેથી ઇશ્વરની કૃપા હંમેશા રહે અને આનાથી ય વધુ મોટી અને મોંઘી ગાડીઓ આવતી રહે.... ભલે છેક બસ સુધીની ગાડીની જરૂરત નહિ....! આગલા દિવસથી જ ઘરમાં ઉત્સાહ મ્હાતો નહતો કે, નવી ગાડી... અને એ ય પહેલી ગાડી આવી રહી છે. સીમુના પપ્પા સ્કૂટર અથડાવીને... આઇ મીન, ચલાવી ચલાવીને થાકી ગયા, વૃધ્ધ થઇ ગયા. હવે ફેમિલી સાથે ગાડી લઇને જ્યાં જવું હોય ત્યાં જવાશે.

આમ તો ઇચ્છા બાના ઘરે જવાની જ થાય અને સોસાયટીને નાકે જ બાનું ઘર છે....અને ગાડી લઇને બાને ઘેર જઇએ તો બિચારી આ ઉંમરે રાજી થાય કે, મીનુને ત્યાં મોટી ઉંમરે પારણું બંધાયું... આઇ મીન, એવા બે-ત્રણ પારણાં તો તમારાં ભ'ઇએ બાંધી આલ્યા, પણ આ ઉંમરે હવે આ બિચારીને પારણાં કરતા ગાડી જોવી વધારે ગમે કે, 'આપણી મીનુ ગાડી લઇને આઇ છે !'

જો કે, હું તો પાછલી સીટમાં ડ્રાઇવરની ઑપોઝીટ દિશામાં જ બેસવાની ! મોટા ઘરની વહુઓ કાંઇ જાતે ગાડાં ન ચલાવે... ઘર નથી ચલાવી શકતી ત્યાં ગાડીની ક્યાં માંડો છો ? અત્યાર સુધી તો એમના ઍક્ટિવા પર બેસીને બાના ઘેર જતા મને મૂઇને એવી તો શરમ આવે કે,

આના કરતા તો બાના ઘેર ચાલીને જવું સારૂં. વળી સ્કૂટર-ફૂટર ઉપર આપણું બૉડી હોય એના કરતા જરી વધુ દેખાય... તમારા ભ'ઇનું ના દેખાય... આપણા લીધે બિચારા ઢંકાઇ જાય ! માટે જ આલી ફેરા નક્કી કર્યું છે કે, નવી ગાડી આવશે તો હું તો પાછલી સીટ પર જ બેસીશ ને ગાડી એ ચલાવે. વ્યવહારમાં જે થતું હોય એ થાય ! પાછલી સીટમાં આપણું હૅવી  બૉડી તો ના દેખાય !

હા જી નવું નવું છે, એટલે એમને-આઇ મીન, ગોટી (ગૌતમ)ને તો ડ્રાયવિંગ આવડે નહિ એટલે મેં 'કુ....કંપનીનો માણસ જ ગાડી ઘેર મૂકી જાય. પછી પૂજા-બૂજા કરીને, નજર-બજર ઉતારીને ગોટીને ડ્રાયવિંગ શીખવાડીશું... આઇ મીન, શીખવાનું કહીશું.

પ્રોબ્લેમ એ ખરો કે, સોસાયટીમાં કાંઇ બધા રાજી ન થાય ગાડી આપણે ત્યાં આવવાની હોય એટલે ! ઘણીઓની આંખો ફાટી ગઇ હોય. એ બધીઓ તો જલી મરે, એટલે જ ગાડી આવે ત્યારે પૂજા કરાવવા મહારાજ આવે, એ વખતે પૂજા લાઉડ-સ્પીકરમાં કરાવવાનું ગોટીને કહી રાખ્યું હતું. એને આવું બધું ન ગમે, પણ મારે ય સોસાયટીના વ્યવહારોમાં ધ્યાન તો રાખવું પડે ને ?

ભારતભરમાં ગાડી બનાવનારી કંપનીઓ કહો ન કહો, પણ ગમ્મે તેમ કરીને ગ્રાહકને બઝાડે તો છે વ્હાઇટ કલરની ગાડીઓ જ ! વ્હાઇટમાં રાત્રે એક્સિડેન્ટ ઓછા થાય, સામેવાળાને કાળી કરતા આપણી સફેદ ગાડી પહેલી દેખાય, ને એવા બીજા આઠ-દસ બહાના બતાવીને આપણને વેચે તો વ્હાઇટ ગાડી જ !  રોડ ઉપર ૯૮ ટકા  સફેદ ગાડીઓ જોવા મળે છે ને!

અને કારણ સહેજે ખબર નથી પણ ભારતભરમાં હજી 'કાર' શબ્દ જ આવ્યો નથી, 'ગાડી' જ બોલવાનું ! મર્સીડીઝ લઇને આવ્યા હોઇએ કે સાયકલવાળો ચાની લારીએ સાયકલને સ્ટેન્ડ ઉપર ચઢાવીને અડધી પીવા ઊભો હોય તો ય ચાવાળાને, 'આપણી ગાડીનું ધ્યાન રાખજે, 'ઇ !' કહે.

બરોબર સાડા બાર ને પાંચે ગાડી લઇને પેલો આવ્યો. શું કરવાની આ ટાઇમે ગાડી લઇને આવે તો ? આખી સોસાયટીમાં કોઇ જોનારૂં ય ન હોય ! પેલાને પાછો ય ન મોકલાય. એમાં મહારાજ તો ટાઇમસર આવી ગયા હતા, પણ લાઉડ-સ્પીકર ચાલુ જ થતું નહોતું. કહે છે, કોઇક વાયર-બાયર ચોંટતો નહતો. આમતો મેં ગોટીને કીધું ય ખરૂં કે, 'વખત છે ને, માઇક ચાલુ ન થાય તો ગોરમહારાજને કહી રાખો કે, મોટા ઘાંટા પાડીને શ્લોકો બોલે... આખી સોસાયટીમાં સંભળાવવા  જોઇએ. આપણે પૈસા પૂરા આપ્યા છે.'

બાપુજીને કીધું નહોતું, એનો મતલબ એ તો નહિ કે, એમને એટલી ય ખબર ન પડે કે, નવી ગાડીનું શુભ-મુહુર્ત ગાડીના બૉનેટ ઉપર ધમ્મ કરતું નારીયેળ પછાડીને ન કરાય. નારીયેળ જમીન ઉપર ફોડવાનું હોય ! સફેદ બૉનેટ ઉપર આ મોટ્ટો ગોબો પાડી દીધો.

હું તો આ નાનકડું એક્ટિવું આયેલું, ત્યારે ય પ્રાર્થના કરતી હતી કે, ઘરમાં ગોબો કે લિસોટા પાડજો પ્રભુ... અરે, જરૂર પડે તો બા-બાપુજી ઉપર લિસોટા પાડજો... હું બહુ મોટા મનની છું, પણ ગાડી ઉપર એકે ય ડાઘો ના પાડતા માતાજી  !  છાતી ચીરાઇ જાય છે.

સીમુને ડ્રાયવિંગ-લાયસન્સ તો મળી ગયું હતું, એટલે પૂજા કરીને નવી ગાડીમાં શ્રી સમર્થેશ્વર મહાદેવના મંદિરે આંટો મારવા જઇ આવીએ, એવું નક્કી તો થયું અને બાપુજી ઊભા ઊભા કંટાળ્યા હતા, એટલે એ ઉપર જતા રહે (એટલે કે ઘરમાં ઉપર જતા રહે) એના  કરતા સીમુને કીધું, 'બટા, જલ્દી ગાડી લઇ લો ને ચલો સમર્થેશ્વર...!' પણ આટલું સાંભળીને બટો જરા વધારે પડતા ઉત્સાહમાં આવી ગયો અને ગાડી સ્ટાર્ટ કરીને પાર્કિંગના થાંભલાને ઘસાઇને આ મોટો લિસોટો પાડયો.

સાલું, ઈન્ડિયામાં લોકુંને ગાડીયું વાપરતા જ નો આવડે !... ફ્લેટના પાર્કિંગમાં આટલા બધા થાંભલા નંખાતા હશે ? સીમુને ગાડી બહાર કાઢતા બે-ચાર વખત રીવર્સમાં લેવી પડી, એમાં ઉપરના ત્રીજા માળેથી કોકે વળી દાળ-શાકનો એંઠવાડ સીધો ગાડી ઉપર નાંખ્યો. રામ જાણે કયા શુકનમાં ગાઈડ આઇ'તી...! એ...હા... આજે જ ગોટીનો હેપી-બર્થ ડે છે... સાલા, હેપી-બર્થ-ડેઓ આવા હોય ?

અમે સરસ રીતે ગાડીમાં ગોઠવાઇ ગયા. બાને હજી નવું-નવું અને બિચારાએ ગાડી-બાડી ક્યાંથી જોઇ હોય, એટલે બારીની બહાર બહુ જોયે રાખે. આવું ના કરાય. બાપુજીની કન્ટિન્યુઅસ ઉધરસોએ આખો મૂડ મારી નાંખ્યો... ગાડીના ભંગારનો અવાજ આવે છે કે, એમના ખોંખારાઓ ગર્જે છે, એની તો વટેમાર્ગુઓને ય ખબર નહોતી પડતી, પણ એવા ખોંખારા બંધ કરાવવા એમ કાંઇ કોઇના  ગળાં થોડા દબાવી નંખાય છે ? આ તો એક વાત થાય છે !!

સોસાયટીમાંથી બહાર નીકળ્યા પછી યાદ આવ્યુંકે, ગાડી કેટલાની આઇ, એ તો સોસાયટીમાં હજી કોઇને કીધું જ નથી ! આમ તો, સાડા પાંચની આઇ અને બધું મળીને છમાં પડી, પણ મેં ગોટીને કહી રાખ્યું'તું કે, ગામમાં તો સાડા તેર લાખની જ કહેવાની ! ગોટી મને ડાયરેક્ટ તો કહી ન શક્યો પણ ડોહાને આંખ મારીને એણે કાનમાં કીધું હતું કે, 'સાડા તેર લાખ તો લોકો ફેમિલી  સાથેની કિંમત સમજશે...!'

અમદાવાદમાં સૌથી મોટો ત્રાસ હોય તો રીક્ષાવાળાઓનો... એટલી ય અક્કલ ન મળે કે, કોક નવી ગાડી લઇને નીકળ્યું હોય તો,રજા રાખીને બે દહાડા ઘરમાં રહીએ ! આ તો સીધા ઉપર પડતા જ આવે. આ મોટો ઘસરકો પાડી દીધો... સીમુએ પેલાની રીક્ષા ઉપર ! મારે એને સમજાવવો પડયો કે, દિ' જોઇને ઘરની બહાર નીકળતો હો તો...?'એમ તો આપણી ગાડીને ય લિસોટો પડયો, પણ ગાડી છે તો લિસોટા તો પડે ! આજે ૮૫ની થઇ પણ મારી સાસુ હજી એકે ય લિસોટા વગરની  કોરીધાકોડ છે... જૂનું મૉડેલ છે...!

બરોબર ચાર રસ્તે પોલીસવાળાએ ઊભા રાખ્યા, ''બૅલ્ટ કેમ નથી બાંધ્યો ?'' તારી ભલી થાય ચમના, ઝભ્ભા-લેંઘા ઉપર કોઇ બૅલ્ટો બાંધતું હશે ? બાપુજી ય ખીજાઇ ગયા કે, અમે લોકો કોઇના રીસેપ્શનમાં થોડા જઇએ છીએ તે બૅલ્ટ-ફૅલ્ટ પહેરીને જઇએ ? ઠીક, એ તો પછી ખુલાસો થયો કે, બૅલ્ટ એટલે એ સીટ-બૅલ્ટની વાત કરતો હતો. હંહ... અમારો ગોટી તો આટલા વર્ષોથી ઍક્ટિવા ચલાવે છે... કોઇ 'દિ એણે સીટ-બૅલ્ટ બાંધ્યો નથી ! ગાડીમાં બેઠા એટલે પટ્ટા બાંધવાના...? નવરાઓ નવા નવા ફિતુરો કાઢે છે...!

એ તો ભલું થજો ભોળા મહાદેવજીનું કે, સમર્થેશ્વરમાં જ આપણા બે-ચાર ઓળખીતા મળી ગયા ને અમને ગાડીમાંથી ઉતરતા ય જોયા, એમાં અડધા પૈસા તો વસૂલ્લ...? એક જણ તો દોઢ ડાહીનો નીકળ્યો ને પૂછ્યું, ''વાહ... નવી ગાડી છે...? કોની છે ?'' ગોટીએ એને માહિતી પૂરી આપી કે, ''આજે જ નવી છોડાઇ છે... સાડા તેર લાખમાં પડી !'' તો ય વળી પૂછે, ''હપ્તેથી લીધી...?''

એમ તો એક-બે જણાએ સાચા વખાણ કર્યા કે, ગૌતમભાઇ (એટલે કે, ગોટી)એ આખી જીંદગી મેહનત બહુ કરી છે, એનું આ ફળ છે, પણ જતા જતા એકબીજાના કાનમાં બોલ્યા કે, ''...નક્કી કોઇ મોટાનું કરી નાંખ્યું લાગે છે... ગોટિયો ગાંધીનગરમાં જ પડયો પાથર્યો રહે છે... નહિ તો, આવાના નસીબમાં આવી ૧૩-૧૪ લાખની ગાડી ક્યાંથી હોય ?''

બધાનો મૂડ ઉતરી ગયો. ઘેર પાછા આવીને ગાડી જેમતેમ પાર્ક કરીને મૂકી દીધી ને સવારે જોયુંતો આખી રાત એના ઉપર કૂતરાં બેઠા રહ્યા હતા... અને હવે સોસાયટીમાં પાર્ક કરેલી કોઇ પણ ગાડી ઉપર લોકોએ દાનપૂણ્યમાં નાંખેલી વાસી રોટલીના ટુકડાં પડયા રહે... ઠેકતી વખતે કાચ ઉપર કૂતરાંના પંજાના કાપાં પડી જાય, ગાડીના માથે ગોબાં પડી જાય, મારીને કાઢી મૂકો તો પાછા તરત બેસી જાય.... કહે છે કે, ચોખ્ખાઇ એમને ય ગમે છે. જમીન પર ગમે ત્યાં બેસી જવું એના કરતા સાડા તેર લાખની પથારીમાં તો આપણે ય નથી સૂતાં.... સુંઉ કિયો છો ?

મોદી સાહેબના 'ઘર ઘર શૌચાલય'ના પ્રોગ્રામને બસ... કૂતરાં નથી માનતા !

સિક્સર
-
મે નૉટબંધી માટે કેમ કાંઇ ન લખ્યું ?
-
નૉટબંધીએ ઘેરઘેર 'બુધવારની બપોરે'ને ય પાછળ મૂકી દે, એવા લાખો હાસ્યલેખકો આપી દીધા છે.

23/12/2016

'મેરે હમદમ, મેરે દોસ્ત' ('૬૮)

ફિલ્મ : 'મેરે હમદમમેરે દોસ્ત' ('૬૮)
નિર્માતા : કેવલજીત
દિગ્દર્શક : અમર કુમાર
સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતકાર : મજરૂહ
રનિંગ ટાઈમ : ૧૭-રીલ્સ
થીયેટર : એલ.એન. (અમદાવાદ)
કલાકારો : ધર્મેન્દ્રશર્મીલા ટાગોરમુમતાઝઓમપ્રકાશરહેમાનસ્નેહલતાસુલોચના (રૂબી મેયર્સ)નિગાર સુલતાનાઅચલા સચદેવખેરાતીબલદેવ મેહતાબ્રહ્મ ભારદ્વાજકેસી સોપારીવાલા.

ગીતો
૧. ના જા, કહીં અબ ન જા, દિલ કે સિવા...     મુહમ્મદ રફી
૨. છલકાયે જામ, આઈયે, આપકી આંખોં કે...     મુહમ્મદ રફી
૩. હુઈ શામ ઉનકા ખયાલ આ ગયા, વો હી...     મહુમ્મદ રફી
૪. ચલો સજના, જહાં તક ઘટા ચલે, લગાકર...     લતા મંગેશકર
૫. અલ્લાહ, યે અદા, કૈસી હૈ, ઈન હસિનોંમેં...     લતા-કોરસ
૬. તુમ જાઓ કહીં તુમકો ઈખ્તિયાર...     લતા મંગેશકર
૭. હમેં તો હો ગયા હૈ પ્યાર તુમ્હેં હો ન હો...     લતા મંગેશકર

એક ઈનામી સ્પર્ધા ગોઠવાય એવું છે કે, જે કોઈ વિદ્વાન શર્મીલા-ધર્મેન્દ્ર-મુમતાઝની આ ફિલ્મ 'મેરે હમદમ, મેરે દોસ્ત'ની વાર્તા, અથવા એનો ટુંકસાર, અથવા એની આછી ઝલક, અથવા આખી ફિલ્મ જોયા પછી એ કાંઈ પણ બોલી શકે, તો તમારા તરફથી એને ઈનામમાં સોનાચાંદી અને રત્નોજડિત રાજમુગુટ પહેરાવવો.

અલબત્ત, આટલા ફાલતુ ઈનામો મેળવવા તો અશોક દવે તમારા ગામ સુધી લાંબા ય ન થાય... આઇ મીન, છોકરું રાજી થાય એવું કંઈક રાખો-જેમ કે, આ ફિલ્મની વાર્તા નહિ તો એનો નાનકડો સાર કહી આપે એના નામે અમદાવાદ જીલ્લાના ૪૦-૫૦ ગામો લખી આપવાના (બધા ગામોમાં સવાર-સાંજ બે ટાઈમ પાણી રેગ્યુલર આવતું હોવું જોઈએ..!) અને આટલા મોંઘા પુરસ્કારો ન પોસાતા હોય તો આ ''આખી'' ફિલ્મ જોઈ શકે એવો મર્દ માણસ અડધી ફિલ્મે ઢફ્ફ થઈ ન જાય, એ માટે મહામૃત્યુંજયના જાપ કરાવવાની હિંમત વાંચનારે રાખવી જોઈશે.

ફિલ્મ શરૂ થઈ, ત્યારથી પતી ત્યાં સુધી મેં અઢળક સંયમ રાખ્યો કે, (૧) હું ગાળો ન બોલવા માંડુ (૨) ઘર છોડીને ભાગી ન જઉં (૩) મારી પત્ની મને છુટાછેડા આપી ન દે (૪) હું કોઈ હીરોઈનના લફરાંમાં ભરાઈ ન જાઉં (૫) સ્વર્ગસ્થ અશોક દવેની યાદમાં, એ જ્યાં રહે છે તે નારણપુરા ચાર રસ્તાને 'અશોક દવે ચૉક' નામ આપી ન દેવાય...

પણ દરેક દુઃખની જેમ આ દુઃખનો ય એક અંત હતો અને ફિલ્મ પૂરી થઈ. ફિલ્મો તો એ અથવા આજના જમાનામાં ય ફાલતુ તો બહુ આવે, પણ આ ફિલ્મ જોતી વખતે તમને લશ્કરમાં જોડાઈ જવાથી માંડીને વગર ચપ્પલે ઘર છોડીને ભાગી જવાના વિચારો આવે કે એના નિર્માતાઓએ આવી ફિલ્મ બનાવી કેમ હશે? ધર્મેન્દ્ર કે શર્મીલાએ આવી થર્ડ-રેટ ફિલ્મમાં કેમ કર્યું હશે? મુમતાઝ, ઓમપ્રકાશ કે રહેમાનમાં ય બુધ્ધિ નહિ હોય, આવી ફિલ્મ સાઈન કરતા પહેલા એક વખત એની વાર્તા સાંભળી લેવી!

૧૭-રીલ્સની ફિલ્મમાં સિનેમા હોત તો એકી કરવાના બહાને બહાર ગયા એ ગયા... પછી તો પાછું કોણ આવે છે? પણ સિનેમા-થીયેટરોના એ જમાના હવે ગયા. હવે તો ડીવીડી-પર ઘરના જ હોમ-થીયેટરમાં ફિલ્મો જોવી પડે, એટલે આવું છું કહીને ય નીકળી ન જવાય...! પોપ-કોર્ને ય ઘેર બનાવેલા ખાવા પડે!

પણ, જેને રામ પણ ન રાખે, એને લક્ષ્મીકાંત-પ્યારેલાલ રાખે, એવું આ ફિલ્મના એમના ગીતો સાંભળીને ટાઢક વળી. મુહમ્મદ રફી અને લતા મંગેશકર માટે તો નવું કાંઈ નહોતું કે જેમ બધી ફિલ્મોમાં ઉત્તમ ગાયું છે, એવું આમાં ય ગાવાનું હતું, પણ લક્ષ્મી-પ્યારે માટે તો ફિલ્મે-ફિલ્મે ચેલેન્જ હતી. રફી-લતાએ એમની કારકિર્દીનું જે કોઈ પહેલું ગીત ગાયું હતું, એ પછી એમને નવું કાંઈ કરી બતાવવાનું નહોતું. સંગીત-નિર્દેષક જેમ કહે, એમ અક્ષરસઃ ગાઈ લેવાનું... ગીત સફળ થાય તો માર્કસ આ બન્નેને મળે.

અને તેમ છતાં, કેમ લતારફી જ હિંદી ફિલ્મોના સર્વોત્તમ ગાયકો છે, એ સાબિત કરવા એ બન્નેએ આ ફિલ્મમાં મનલુભાવન ગીતો ગાયા છે. હું એક એક લાઈન રીપિટ કરૂ, એના કરતા છાપું સહેજે ઊંચું કરીને ગીતોવાળું કોષ્ટક જોઈ લો! કમ-સ-કમ, હું તો છુટું!

પણ સંગીતકારોથી એટલા આસાનીથી છૂટી જવાતું નથી નૈશાદે 'બૈજુ બાવરા'માં જે સંગીત આપ્યું હતું, તેના ૧૦-૧૫ વર્ષો પછી 'મેરે મેહબૂબ'માં એનું એ નહિ, પણ તદ્દન નવી જ બ્રાન્ડનું સંગીત આપવું પડે. લતા-રફી એમના રેગ્યુલર અવાજથી ચાર સેન્ટીમીટરે ય જુદો અવાજ કાઢી શકે? નો વે...!

અને એમાં ય, આ તો '૬૮-ની સાલ હતી. લક્ષ્મી-પ્યારે હજી તો ફિલ્મોમાં આવ્યા જ હતા કોઈ ૪-૫ વર્ષો પહેલા અને એમાં ય જે ફિલ્મો મળી એ બધી ધાર્મિક કે દારાસિંઘ જેવાઓની મારફાડવાળી! નિર્માતાનું કોઈ મોટું બેનર કે નંબર-વન હીરો-બીરો કુચ્છ નહિ... અને છતાં ય, યાદ કરો એમની એવી ફાલતુ ફિલ્મો, જેમાં સંગીતની કક્ષા ફિલ્મ 'સરગમ' કે 'સત્યમ શિમ સુંદરમ' જેવી! હવે એક નજર નાખો, એમની શરૂઆતની ફિલ્મો ઉપર અને વિચારો કેવું ઊંચા ગજાનું સંગીત એકોએક ફિલ્મમાં આપ્યું છે, હીરો કે ફિલ્મ નિર્માતા ગમે તે હોય કે ફિલ્મ મારફાડની હોય, જાદુટોનાની કે તદ્દન અર્થ વગરની.

છૈલા બાબુ, પારસમણી (એ બન્નેએ પહેલી ફિલ્મ તો 'છૈલા બાબુ' (રાજેશ ખન્નાવાળી નહિ... સુબિરાજવાળી) સાઈન કરી હતી, પણ પહેલી રજુ થઈ 'પારસમણી'.)હરિશ્ચંદ્ર તારામતી, સતિ સાવિત્રી, સંત જ્ઞાનેશ્વર, મિસ્ટર એક્સ ઈન બોમ્બે, આયા તુફાન, દોસ્તી, શ્રીમાન ફન્ટુશ, લૂટેરા, હમ સબ ઉસ્તાદ હૈ, બૉક્સર, સૌ સાલ બાદ, ભાગ્ય, પ્યાર કિયે જા, નાગમંદિર, મેરે લાલ, લાડલા, દિલ્લગી, ડાકુ મંગલસિંહ, છોટા ભાઈ, આસરા અને તકદીર...!

બસ. આ તમામ કચરાપટ્ટી ફિલ્મોના ગીતો ઘેરબેઠા યાદ કરી લો. એમાંની એકેય ફિલ્મનું એકેય ગીત એવું છે, જે તમે સાંભળ્યું ન હોય? બસ, તપશ્ચર્યા પૂરી થઈ આશા પારેખ-ધર્મેન્દ્રની ફિલ્મ 'આયે દિન બહાર કે'થી અને તરત સાયરા બાનુ જૉય મુકર્જીનું 'શાગીર્દ' આવ્યું. બસ, પછી આ બન્ને દોસ્તોએ કેવી ધમાલ મચાવી દીધી છે! સરખામણી ભલે ન કરીએ, પણ લક્ષ્મી-પ્યારેના ગીતોની કમર્શિયલ સફળતા નૌશાદ કે શંકર-જયકિશનથી એક દોરો ય કમ નહોતી.

બસ, એ બન્ને પણ ફિલ્મી આત્મહત્યા કરવા શંકર-જયકિશન, નૌશાદ, મદન મોહન કે રાહુલદેવ બર્મનના રસ્તે જ ગયા... સવારના પહોરમાં કચરો કાઢવા નહિ, પણ રોડ પર પડેલા ડૂચા કે કાગળીયા વીણવા ટોપલાવાળી આવે અને જેટલું ફેણાય એટલું ફેણી લે, એવું આ બન્નેએ કર્યું. પહોંચી ન શકાય તો ય હાથમાં આવે એ બધી ફિલ્મો સ્વીકારવા માંડી. કોઈ માની શકશે, ૩૫-વર્ષની કારકિર્દીમાં આ બન્ને ભાઈઓએ ૬૩૫-ફિલ્મોમાં સંગીત આપ્યું... (મોટા ભાગના સંગીતકારોના તો ટોટલ ૬૩૫-ગીતો નથી થતા!) પછી કેટલે પહોંચી વળે? '૭૨ સુધી એમનો જમાનો ધૂંઆધાર ચાલતો હતો, એ પછી વચ્ચે વચ્ચે એકાદ-બે ફિલ્મો હિટ જાય, એ સિવાય દર વર્ષની સેરેરાશ ૨૦-ફિલ્મો લક્ષ્મી-પ્યારે હાથ પર લેતા, એક ફિલ્મમાં સરેરાશ ૬ ગીત ગણીએ તો ૧૯૯૯-સુધી દર વર્ષે ૨૦-ફિલ્મોના ૬-ગીતો લેખે ઓલમોસ્ટ ૧૫૦-ગીતો એક વર્ષમાં બનાવવા પડયા, મતલબ, દર બીજે દિવસે એક નવા ગીતની ધૂન બનાવવાની, એના રીહર્સલો-રેકોર્ડિંગ અને મુંબઇના ટ્રાફિકમાં રોજ ગાડી લઈને ટ્રાફિક-જામમાં ભરાવાનું! એ પછી કેવો ઉતાર નીકળે? આ બન્ને પણ આર.ડી. બર્મન કે શંકર-જયકિશનની જેમ બહુ ખરાબ રીતે ફેંકાઈ ગયા.

ફિલ્મ 'દસ્તક' જેવી ક્લાસિક ફિલ્મની વાર્તા લખનાર પંજાબી લેખક રાજિન્દરસિંઘ બેદી કેવી ઘટીયા વાર્તાઓના સંવાદો લખવા ઉપર ચઢી ગયા હતા, એનો આ ફિલ્મ મોટો દાખલો છે. એમના શરાબી પુત્ર નરેન્દ્ર બેદીએ શરાબમાં ઝીંદગી ડુબાડી દીધા પહેલા લોકોને ગમે એવી સુંદર ફિલ્મ 'ખોટે સિક્કે' બનાવી હતી. જે જાપાનના દિગ્દર્શક અકીરા કુરોસાવા નિર્મિત 'ધી સેવન સમુરાઈ' પરથી બનેલી હિંદી ફિલ્મ 'શોલે' કરતા પહેલા થયેલી નકલ હતી.

મુમતાઝની તો હજી આ શરૂઆત હતી અને કેવી બુધ્ધિ, અદ્ભુત એક્ટિંગ અને સેક્સી દેખાવને કારણે એ દારા સિંઘની હીરોઈનમાંથી સીધી રાજેશ ખન્નાની હીરોઈન બની ગઈ! આ ફિલ્મમાં તો એનો રોલ એક એકસ્ટ્રાથી વિશેષ નથી. પણ લતાએ પોતાની કરિયરમાં ભાગ્યે જ કવ્વાલીઓ ગાઈ છે, તે પૈકીની એક 'અલ્લાહ, યે અદા, કૈસી હૈ ઈન હસિનોં મેં, રૂઠે પલ મેં ન માને, મહિનોં મેં...' (છી... કેવા છીછરા શબ્દો!) કવ્વાલીમાં મુમતાઝે આટલી ઝડપી લયમાં કરેલો ડાન્સ મનલુભાવન છે! ઓમપ્રકાશ કદી એકની એક ઘરેડમાંથી બહાર જ ન આવ્યો-સિવાય કે ઋષિકેશ મુકર્જીની ફિલ્મો અને બહુ બૉર કરતો હતો! રહેમાન મારો તો ખૂબ મનગમતો.

એ કન્વેન્શનલી દેખાવડો નહતો, પણ એની પર્સનાલિટી જોવી ગમે. એનો અવાજ અને ખાસ તો રાજ કપૂરની 'ફિર સુબહ હોગી'ને બાદ કરતા ભાગ્યે જ કોઈ ફિલ્મમાં એણે ગરીબ કે મુફલીસનો રોલ કર્યો હશે. પ્રદીપ કુમારની જેમ રહેમાને પણ કરોડપતિઓના જ કિરદારો કર્યા છે. એક વાતની તો આજે ય ખબર પડતી નથી કે, અમદાવાદના દરિયાપુરના આ સ્વર્ગસ્થ જમાઈએ મરવા પડયા પછી દવાની પાઈ-પાઈ માટે એની ભલી પત્નીને મોહતાજી સહન કરવી પડી હતી, એ રહેમાન મોટા ભાગની ફિલ્મોમાં કાળો શૂટ જ કેમ પહેરતો હતો!

એ તો ગમે તે પહેરે-ભલે ને ચડ્ડી-બનિયન પહેરીને આવે, પણ દર વખતે એકનો એક શૂટ જોવો તો આપણે પડે રાખે ને? ગુજરાતી ફિલ્મોની, ઉપેન્દ્ર ત્રિવેદી હતા ત્યાં સુધીની સુપરસ્ટાર સ્નેહલતા મૂળ તો હિંદી ફિલ્મોમાંથી કઢંગી રીતે ફેંકી દેવાયેલી તિજોરી હતી, પણ રાજેશ ખન્નાની 'ખામોશી'માં લતાનું 'હમને દેખી હૈ ઉન આંખોં કી મહેંકતી ખુશ્બો...' એને ફિલ્મમાં ગાવા મળ્યું હતું, એનું હિંદી ફિલ્મોમાં સ્થાન કદી પણ એક ગ્લોરિયસ-એક્સ્ટ્રાથી વધારે કાંઈ નહોતું ને બેન, અહીં ગુજરાતી ફિલ્મોમાં મહારાણી બની ગયા!

પણ વાચકોને રસ પડે એવી શખ્સીયત તો હતી નિગાર સુલતાના! દાઉદ ઈબ્રાહિમના જમણા હાથસમા કાયમ લંડનમાં સેટ થઈને ત્યાં જ ગુજરી ગયેલા ડ્રગ માફીયા મરહૂમ ઈકબાલ મિર્ચીને પરણનાર હિંદી એક્ટ્રેસ હિના કૌસર (વિજય આનંદની ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં મધુબાલા સાથે 'તેરી મહેફીલ મેં કિસ્મત આજમાકર હમ ભી દેખેંગે' ગાનાર નિગાર સુલતાના આ ફિલ્મમાં મહત્વનો રોલ કરે છે. જવાની થોડી પાછળ મૂકી આવી હતી, પણ રૂપ હજી મારકણું રહી ગયું હતું, એ નિગાર સુલતાના અહીં શર્મીલા ટાગોરના વેશ્યા માંનો કિરદાર કરે છે.

આ બધી શર્મીલા ટાગોરો કે મુમતાઝો કરતા નિગાર સુલતાના વિશે વાંચવું વધારે ગમે એવું છે.

માલા સિન્હા-વિશ્વજીતની ફિલ્મ 'દો કલીયાં'માં માલાની મમ્મીનો રોલ કરનારી નિગાર મૂળ તો કે.આસીફની થોડી પૈકીની એકાદી ઑફિશીયલ વાઈફ હતી.

પણ બેને મનુષ્ય જન્મમાં મળતા જેટલા જલસા ભોગવાય એટલા ભોગવી લીધા છે. મૂળ તો હૈદ્રાબાદના એક શરાબી ટેક્સી ડ્રાયવરની તરછોડેલી પત્ની તરીકે મુંબઈ આવેલી નિગાર સુલતાનાને ફિલ્મ 'રંગભૂમિ'માં પહેલો ચાન્સ આપ્યો-જો તમે જૂની ફિલ્મોના રસિયા હશો તો જ ઓળખી શકશો, જગદિશ સેઠી નામના ચરીત્ર અભિનેતા અને નિર્માતા-દિગ્દર્શકે, પણ નિગારને ફિલ્મોથી વધુ રસ પુરૂષોમાં પડયો હતો. સ્ટુડિયોમાં જે કોઈ સોહામણા પુરૂષની ઓળખાણ થાય ત્યારે શેક-હેન્ડ કરતી વખતે પુરૂષ 'ઊંચો' થઈ ન જાય ત્યાં સુધી એનો હાથ છોડવાનો નહિ.

ફિર ક્યા..? અડધો કલાકમાં તો બન્નેએ નક્કી કરી લીધું હોય કે સાથે સુવાય એવું ક્યાં મળાય એવું છે? મુંબઈથી બેન પૂના શાહિદ લતિફની ફિલ્મ 'શિકાયત' કરવા ગયા તો શાહિદ લપેટાઈ ગયો, પણ શાહિદની લેખિકા પત્ની ઈસ્મત ચુગતાઈ વધુ પડતી સ્માર્ટ પત્ની હતી, ગોરધન ઉપર કન્ટ્રોલ પણ સખ્ત. એટલે શાહિદને નિગાર હલાવી નાંખે એટલી હદે ગમતી હોવા છતાં બે-ત્રણ કરસતોથી વધુ આગળ વધાયું નહિ! એમાં ય ભ'ઈનું નસીબ કાણું હશે કે, પોતાની જ ફિલ્મ 'શિકાયત'ના હીરો શ્યામ સાથે નિગારની ઓળખાણ થઈ, એમાં તો શાહિદ ક્યાંનો ક્યાં ખોવાઈ ગયો, એની એને પોતાને ય ખબર ન પડી. શ્યામને જીવનમાં મુખ્ય નહિ, માત્ર બે જ શોખ હતા, શરાબ અને સુંદરી અને એ વાત એ ઉઘાડેછોગ કહેતો ફરતો. એ સ્પષ્ટ કહેતો, 'પ્રેમનો મતલબ પથારી!'

સઆદત હસન મન્ટો જેવો વિવાદાસ્પદ પાકિસ્તાની લેખક અને શ્યામનો ખાસ દોસ્ત પોતે લખે છે, ''મુંબઈની પરાંની ટ્રેનમાં કુલદીપ કૌર અને શ્યામે એની (મન્ટોની) હાજરીમાં ચાલુ ટ્રેને સંભોગ કર્યો હતો. હું હાજર હતો, એની એ બન્નેને કોઈ પરવાહ નહોતી.'' (આ કુલદીપ કૌર એટલે ખલનાયક પ્રાણની લાઇફની એક માત્ર પ્રેમિકા અને એક્ટ્રેસ) શ્યામે કુલદીપને એ ટ્રેનમાં જ કહી દીધુ હતું, ''તું તારા પ્રેમી પ્રાણની ચિંતા ન કરતી... એને તો હું પલભરમાં સીધો કરી નાંખુ એમ છું.''

કુલદીપ અને શ્યામ વચ્ચે મુંબઈની સી-ગ્રીન હોટેલમાં બહુ મોટો ઝઘડો થયો. એમાં શ્યામે કુલને પૂરી તાકાતથી મુક્કો માર્યો. કુલદીપ પણ સીખ્ખ હતી. ખસી ગઈ ને શ્યામનો મુક્કો સીમેન્ટની દિવારમાં બહુ બુરી રીતે અઠડાયો... ખાટલો છ મહિનાનો!

નિગાર સુલતાના સાથે શ્યામે મન ફાવે એટલી વાર શરીરસંબંધો બાંધ્યા, (એ વખતે તો નિગાર દિગ્દર્શક એસ.એમ., યુસુફને પરણ ચૂકી હતી) પણ નાલાયક શ્યામે પાકિસ્તાન જઈને નિગારે લખેલા ઉઘાડેછોગ સેક્સના પત્રો દારૂની મેહફિલમાં વાંચી સંભળાવ્યા અને ખૂબ હસાહસી કરી.

આ પછી સાયગલના જમાનાના ગીતકાર પંડિત દીનાનાથ મધોક સાથે નિગાર સુલતાનાના લફરાં શરૂ થયા. મધોકે તો નિગાર માટે પાકિસ્તાન તરફ આવેલી રાવિ નદીના કિનારા ઉપર એક અદ્ભુત બંગલો બાંધીને ભેટ આપી દીધો, જેમાં એ બન્ને બેઠા હતા ત્યાં નિગારની ફર્માઈશ ઉપર મધોકે ખિસ્સામાંથી હજાર-હજારની નોટોનો ફ્લોર ઉપર વરસાદ વરસાવ્યો, જેને વીણી લેવામાં નિગારને કોઈ શરમ ન લાગી.

તમને બહુ નહિ, પણ થોડું હસવું આવી શકે એમ છે કે, એક્ટર-દિગ્દર્શક એસ.એમ. નઝીર સાથેના પ્રેમસંબંધમાં નઝીરનો સગો ભત્રીજો નડી ગયો, એ બન્નેને છુટા પાડીને સગી કાકી સાથે ભાગી જવામાં! એ ભત્રીજાનું નામ હતું, કે.આસિફ. આસિફ સાથેનું સેટિંગ પુરું થાય એ પહેલા તો પાકિસ્તાનથી આવેલા ફિલ્મ હીરો ઇશરતમાં નિગારનું મને ફેવીકોલની માફક ચોંટી ગયું... સૉરી, માત્ર મન નહિ... તન પણ! મુંબઇના જુહુ પરની હોટેલ ઍસ્ટોરિયામાં ઈશરત ઉતરતો અને ત્યાં જ બન્ને વચ્ચે ભૂલમાં ય છુટા પડી ન જવાય, એની કસરતો થતી.

પણ માર્કેટ આપણા ગરમ-ધરમનું કેવું તગડું હતું કે, એ જમાનામાં-એટલે કે, '૬૦-ના દાયકામાં આ ફિલ્મે રૂ. દોઢ કરોડનો ધંધો કર્યો હતો. આ એ દાયકો હતો, જેમાં નિર્માતાઓને દારા સિંઘ પોસાતો નહતો, એ ધર્મેન્દ્રને લેતા હતા, એવી ફાલતુ જોક કરનારાઓને ખબર હશે કે, આ જ દશકમાં ધરમો એ જમાનાની તમામ શ્રેષ્ઠ હીરોઈનો સાથે આવ્યો હતો... જુઓ, નીચેની યાદીમાં એક આ '૬૮-ની જ સાલમાં ધરમની કેટલી અને કેવી ફિલ્મો ચાલતી હતી!

નૉવેલ્ટીમાં માલા સિન્હા-ધર્મેન્દ્રનું 'આંખે', લક્ષ્મીમાં નંદા-મીના કુમારી-સંજયનું 'અભિલાષા' અને એ ઉતરી ગયા પછી બબિતા-જીતેન્દ્રનું 'ઔલાદ', પ્રકાશમાં અશોક કુમારનું 'આશીર્વાદ', એલ.એન.માં ધર્મેન્દ્ર-વહિદાનું 'બાઝી' અને પછી તરત જ ધર્મેન્દ્રનું 'મેરે હમદમ, મેરે દોસ્ત', અલંકારમાં ધર્મેન્દ્ર-મીના કુમારીનું 'બહારોં કી મંઝિલ', રીગલમાં શમ્મી કપૂર-રાજશ્રીનું 'બ્રહ્મચારી', લાઇટ હાઉસમાં જૉય મુકર્જીનું 'એક કલી મુસ્કાઈ', રૂપમમાં તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતા અને તનૂજા સાથે ધર્મેન્દ્રનું 'ઈઝ્ઝત', રૂપાલીમાં સાયરા બાનુ-રાજેન્દ્ર કુમારનું 'ઝૂક ગયા આસમાન', રૂપમમાં રાજકુમાર-વહિદાનું 'નીલકમલ', રૂપાલીમાં કિશોર કુમાર-મેહમદનું 'પડોસન' અને એના પછી 'સરસ્વતીચંદ્ર', રીલિફમાં વૈજુ-રાજેન્દ્રનું 'સાથી', અલંકારમાં દિલીપ-વૈજ્યંતિનું 'સંઘર્ષ', કૃષ્ણમાં 'તીન બહુરાનીયાં'...!