દેવ આનંદ જેની નકલ
કરતો હતો તે હોલિવૂડનો ગ્રેગરી પેક અને સાધના જેની હેર સ્ટાઇલની સુંદર કોપી કરતી
હતી (‘સાધના કટ’) તે ઓડ્રી હેપબર્નવાળી 1953માં આવેલી
વર્લ્ડ ક્લાસ ફિલ્મ ‘રોમન હોલીડે’માં જગતનું સૌથી પહેલું ‘વેસ્પા’ સ્કૂટર વપરાયું
છે. એક પ્રેસ રિપોર્ટર ગ્રેગરી પેક રોમ જોવા નીકળેલી પ્રિન્સેસ ઓડ્રીને પોતાના
સ્કૂટર પાછળ બેસાડીન્ રોમ બતાવે છે, એની કોમિક ફિલ્મ હતી. આપણા માટે ‘રોમન હોલીડે’
ન હોય, ‘કોમન હોલીડે’ હોય. પાછળ ઓડ્રી હેપબર્ન કે સાધના–ફાધના ન હોય, મોટે ભાગે તો પાછળ આપણાં બચીફોઇને બેસાડ્યાં
હોય. શ્રીનાથજીનાં દર્શને લઈ જવાના હોય.
કમનસીબે જેને બતાવવા
સ્કૂટર લીધું હોય, એને પાછળ બેસાડી હોય ત્યારે સફરજન ઉપર ઇયળ ચોંટી હોય એવું લાગે.
વાઇફ તો બહુ પછી આવી, પણ થેન્ક ગોડ, એને કારણે સ્કૂટરનું આગળ–પાછળનું બેલેન્સ
જળવાતું. પતંગ એક બાજુ નમતો હોય તો એની કન્યા શૂન–શૂન કરવા કમાનની એક બાજુ
લચ્છાનું નમન બાંધવામાં આવે છે, એમ સ્કૂટરમાં પાછળ વાઇફને બેસાડવાની હોય છે, જેથી આગળ–પાછળનું
બેલેન્સ જળવાઇ રહે. સ્કૂટર ઉપર વાઇફને ‘બેસાડી છે’ એમ ન કહેવાય. ‘નમન બાંધ્યું છે’
એમ કહેવાય.
સાઇકલને બાદ કરતાં
સ્કૂટર આપણું પહેલું વાહન હતું. ’70ની
આસપાસના વર્ષો હશે. એ જમાનામાં ‘વેસ્પા’ અને ‘લેમ્બ્રેટા’ બે જ સ્કૂટરો આવતાં.
થોડાં સમય પછી અને થોડા સમય માટે ‘ફેન્ટાબ્યુલસ’ નામનુંય સ્કૂટર નીકળ્યું હતું,
(ને ઘણાં બધાં ‘ભરાઇ’ ગયા હતાં.) જેમ ગાડીઓમાં ફિયાટ ને એમ્બેસેડરને બાદ કરતાં
નાનકડી સ્ટાન્ડર્ડ–હેરલ્ડ નીકળી હતી. નાનું છોકરું બાબાગાડી લઇને નીકળ્યું હોય,
એવી નાનકડી–બબૂકડી એ કાર હતી. લેમ્બ્રેટા જોઈએ એટલા મળતાં હતા, પણ કોઈ લેતું
નહોતું. વેસ્પા ‘સ્ટેટસ સિમ્બોલ’ ગણાતું. એ નોંધાવ્યા પછી છ વર્ષે નંબર લાગતો.
નવું પેટીપેક વેસ્પા રૂ. 2500માં મળે, પણ ઓનમાં લો તો રૂ. 5,000 આપવા પડે. અમદાવાદીઓ દર મહિને એક વેસ્પા
નોંધાવતા જાય અને ‘છૂટે’ ત્યારે રૂ. 7,000માં
વેચી દે. દર મહિને એમનું એક એક વેસ્પા છૂટતું જાય ને બે–ત્રણ હજાર કમાઈ લેવાતા. એ
વાત જુદી છે, વેસ્પા અઢી હજારમાંય પોસાતું નહોતું. પેટ્રોલ મને યાદ છે ત્યાં સુધી
સાત–આઠ રૂપિયે લિટર મળતું.
એ જમાનાની વાઇફો સ્કૂટર
પર એના ગોરધનના ‘જમણા’ ખભે હાથ મૂકીને બેસતી. એ હાથ પેલાને ઝાલી રાખવા મૂક્યો છે
કે ખભે લટકી છે, એ ઝટ પકડાતું નહીં. આમાં વરજીનો ડાબો ખભો વધારે વહાલો હોય તોય એની
ઉપર હાથ મૂકીને બેસી શકાતું નહોતું. આજે ય એ પદ્ધતિથી વાઇફો બેસી શકતી નથી. સ્કૂટર
ઉપર ખભો તો જમણો જ પકડવો પડે, ડાબો નહીં. નવું નવું કામકાજ શરૂ થયું હોય તો,
પેલાના પાપી નહીં પણ પુણ્યશાળી પેટ ઉપર બંને હાથની આંટી મારીને બેસી શકાતું. ગોરધન
સીધો ચાલે એ માટે વાઇફો જમણો ખભો સાચવી લેતી. વાઇફોની એ આદત ગાડીમાં છૂટી ગઇ. ગાડી
ચલાવતા ગોરધનનો એકે ય ખભો પકડી શકાતો નથી. બધું સંચાલન હવે જીભ વડે થાય છે. જોકે,
ગાડીની બ્રેક ગોરધનના ખભામાં હોતી નથી. વાઇફશ્રીની જીભમાં હોય છે.
એ જમાનામાં સ્કૂટરોમાં
કોમન પ્રોબ્લેમ કિક મારવાનો હતો. તૂટી જવાય એટલી કિકો માર્યા પછી સ્કૂટર ચાલુ ન
થાય, એટલે નાનકડા ટિન્કુને સૂ–સૂ કરાવવાનું હોય, એમ ને આડું નમાવવું પડતું. એ
દ્રષ્ટિએ સ્કૂટરો આપણા ઋષિમુનો જેવાં હતાં. નમે પણ ઝૂકે નહીં. નમેલું ઉઠાવી લીધા
પછીય સેંકડો કિકો મારવી પડે. સ્કૂટરોની એ વાયડાઇ હતી કે, ફક્ત ડાબા પગે જ કિકો
મારી શકાતી. આ એક જ વાહન એવું હતું, જેમાં જમણા પગથી કિક મારી શકાતી નહીં. તૂટી
ગયા પછીય ચાલુ ન થાય એટલે પસીને રેબઝેબ થતો, હાંફતો ગોરધન સ્કૂટરને ખેંચતો ખેંચતો
લઇ જાય. ચોળાફળીના પડીકાનું ફેંકી દીધેલું કાગળિયું રોડ ઉપર ઢસડાતું જતું હોય, એવા
લબૂક અને ક્રોધિત મોઢે વાઇફ પાછળ પાછળ આવતી જાય. ખભે હાથ મૂકવાની જરૂરત આ વખતે
હોવા છતાં, મરેલા ઢોરને ઘસડીને લઈ જતો હોય એમ સ્કૂટર ખેંચતા ગોરધનના એકેય ખભા ઉપર
હાથ કે માથું મૂકીને ચાલતી નહોતી. પતિના હરએક દુ:ખમાં સાથ આપવો જોઇએ, એ બધી વાત
સાચી, પણ આવા તબક્કે નહીં !
એટલો ફર્ક ક્યારેક
ચોક્કસ પડી જતો કે, વાઇફ સાથે હોય તો મદદ કરવા અનેક હમદર્દીઓ ઓફર મૂકતા, ‘મે આઇ
હેલ્પ યૂ સાહેબ ? સ્કૂટર બગડ્યું છે ?’ કેમ જાણે લગ્ન વખતના સાતમાંથી બે–ત્રણ ફેરા
બાકી રહી ગયા હશે એટલે આ બંને સ્કૂટર ઉપર ફેરા પૂરા કરવા બહાર નીકળ્યાં હશે. ગોરધન
એકલો હોય ને બંધ પડેલાં સ્કૂટરને ખેંચતાં ખેંચતાં હાંફી ગયો હોય તો કોઈ વટેમાર્ગુ
મદદે આવતો નહીં. પરસેવે રેબઝેબ થતો હાંફી ગયેલો ગોરધન થાક ખાવા જરીક ઊભો રહે, તો
એટલો વિવેક–વિનય પણ નહીં કે, ‘નાથ, મારા સ્વામી, તમે રહેવા દો, હું ખેંચી લઉં છું.’
પેલો નસીબનો ધનવાન કે, સ્કૂટર ખેંચીને લઇ જતી વખતે એની વાઇફ બેઠેલી હોતી નથી. એ
જમાનામાં સ્કૂટરની જન્મકુંડળી એની ‘એવરેજ’ ઉપરથી નક્કી થતી. ‘બીજું બધું તો
હમજ્યાં, પણ એવરેજ કેટલી આલે છે ?’ એ સવાલ રેલવેનું એન્જિન ખરીદતી વખતે પુછાતો. એક
લિટર પેટ્રોલમાં 25–26 કિમીની
એવરેજ બહુ સારી કહેવાતી. બધાં વાહનોમાં ‘એવરેજ’ની ચિંતા કરનારાઓને રસ્તા પર ડામર
પાથરવાનું રોડ રોલર ખરીદવા ન મોકલાય. જેને માઇલેજ
જ જોવાના હોય, એ લોકો ‘લૂના’ ખરીદતા, જે 30–35ની એવરેજ આપતું. આજે પણ ‘બુગાટી’ કે ‘ફેરારી’
ખરીદનારા એની એવરેજ (માઇલેજ) પૂછતા નથી.
લગ્નનાં 12–15 વર્ષ
પછી બાળક અવતર્યું હોય એમ સામાન્ય માણસ ‘લૂના’ લઇ આવતો. આ એક જબરું ટમટમિયું હતું.
સાઇકલનું એન્જિન સ્વરૂપ. ફોલેલી તુવેરોના ઢગલા વચ્ચેથી કાનખજૂરો નીકળે, એમ ભરચક
ટ્રાફિક વચ્ચેથી ‘લૂના’ નીકળી જતું. અલબત્ત, એનો સવાર યુદ્ધમાં શહેનશાહ હાથીની
અંબાડી ઉપર તલવારના ઝટકા મારતો નીકળે, એવો શાહી કદી ન લાગતો. થાળી પછડાય અને એક
વટાણો રગડતો રગડતો કિચનમાંથી સ્ટોરરૂમ તરફ જતો હોય એવો લૂના ચલાવનારો ટ્રાફિક
વચ્ચેથી નીકળતો દેખાય.
પણ કોલેજમાં રોલા
પાડવા માટે લૂના ન ચાલે. એમાં તો એ વખતની ‘જાવા’ કે ‘બુલેટ’ જેવી મોટરસાઇકલો જોઇએ.
હાથ પહોળા અને માથું ઊંચું રાખીને બુલેટ ચલાવનારો ‘ઝુઉઉઉઉ...મ્મ’ કરતો કોલેજના ગેટ
પાસેથી નીકળી જાય. છોકરીઓ એને એક વાર બસ જોઇ લે એટલો જ એનો સંતોષ. આપણે હોઈએ તો
સાવ ધીમે ચલાવીએ, જેથી પેલીઓને એટલી તો ખબર પડે કે, ગેરેજનો કોઇ મિકેનિક ટ્રાયલ
લેવા નથી નીકળ્યો.
આજની જેમ એ જમાનાની
મોટરબાઈકો રૂ. 8–10 લાખની નહોતી
આવતી. 40–45
હજારમાં તો પેટીપેક મળે. એ વાત જુદી છે કે, લગ્નના બજારમાં બાઇકવાળા કરતાં
સ્કૂટરવાળા ડ્રાઇવરોનું માર્કેટ મોટું હતું. સ્કૂટર હોય તો પાછલી સીટ પર ખભો
પકડીને બેસાય. બાઇકમાં તો ભમ્મ થઇ જવાય !
મને નવાઇઓ લાગે ખરી
કે, અસલના જમાનામાં રાજા–મહારાજાઓ રાણીઓને સેર કરાવવા ઘોડા પાછળ બેસાડીને કેમ
નહોતા લઈ જતા ! કદાચ આવી રાણી જોઈને ઘોડો ભડકે કે પાછળ કૂતરાં દોડે એવો ભય હશે.
આજે સ્કૂટર ઉપર જતાં અનેક કપલ્સની પાછળ આ જ કારણે કૂતરાં નથી દોડતાં. કૂતરાંઓનેય
ખબર હોય કે, કોની પાછળ દોડાય ને કોને જવા દેવાના હોય. આવા જ કોઇ કારણે સ્કૂટર
ચલાવતી છોકરીઓ મોઢે બુકાની બાંધે છે. કોઈ પાછળ તો ન પડે. પેલો પોતાના સ્કૂટર ઉપર આઠ–દસ
કિમી લાંબો થયો હોય ને છેલ્લે જ્યારે પેલીની સોસાયટી આવે અને ‘પરદા હટે’ ત્યારે
એના ઘરમાં રિવોલ્વર પડી હોય તો એના ફાધરના લમણે ઠોકી દેવાના ઝનૂનો અને પસ્તાવા
ઊપડે. સાલી ફેક્ટરી આલિશાન ને મહીંથી પાનસોપારીનો ભૂકો નીકળે ? આવીઓનાં તો બાઓય ન
ખિજાય ! સુઉં કિયો છો ? આજે મોસમ બદલાઈ છે. હવે મોજશોખ ખાતર નહીં, ટ્રાફિકથી બચવા
નાનકડા ટુ વ્હિલર્સ લેવાં પડે છે. પ્રદૂષણની ઝુંબેશ તો સમજ્યા કે, ચૂંટણીના
મુદ્દાથી વિશેષ કાંઈ નથી. પ્રચાર તો એવોય થશે કે, પ્રદૂષણથી બચવા સ્કૂટર–ગાડીઓ
નહીં, ઊંટ–ઘોડા વાપરો. પેટ્રોલના ભાવ બસ્સો રૂપિયે લિટરના થાય તો ઊંટ–ઘોડા તો ઠીક,
હાથી ઉપર નીકળવાનું ય સસ્તું પડે. આજ સુધી ટુ વ્હિલર્સ અને લક્ઝુરિયસ કારની
છાપાંઓમાં તોતિંગ જાહેરખબરો આવે છે, પણ એ દિવસો દૂર નથી કે, ઊંટ–ઘોડાઓના મોડેલિંગ
કરતાં ફોટા જાહેરખબરોમાં છપાય.
સિક્સર
આ તે સાલી કાંઈ
જિંદગી છે ? ચિતા પરથી ઠેકડો મારીને પાછા આવેલા 96 વર્ષના
સ્વ. મનુભાઇએ ડઘાયેલા ડાઘુના ખભે ગુસ્સાથી હાથ મૂકીને કહ્યું, ‘હમણાં મારે મરવું
નથીત્ર હજી બે–તઇણ વર્ષ રોકાઇ જઉં છું. કોક તો નીકળી આવશે ! ‘મી ટૂ’ના એક પણ
આક્ષેપ વગર મરવામાં બદનામી કેટલી?’