Search This Blog

18/04/2001

આઇસીસીયુમાં જતી વખતે ઘ્યાનમાં રાખવાની બબાલો

તમે ટેન્શનમાં હો ને જરા ફ્રેશ થવું હોય - થોડાં હસી પડવું હોય તો કોઈપણ હૉસ્પિટલના આઇસીસીયુ એટલે કે ‘ઇન્ટેન્સિવ કાર્ડિયાક કૅર યુનિટ’માં એક આંટો મારી આવો. આઇસીયુ એટલે કે, ઇન્ટેન્સિવ કૅર યુનિટ પણ ચાલે. અંદર જવાની ય જરૂર નથી બહાર ઊભેલાના મોઢા જોઈ લો. જે પૉઝમાં એ લોકો ઊભા હોય એ જોઈને હસવું આવી જાય. બહાર ચાંપલાશથી ફરતા હોય પણ દર્દીની ખબર કાઢવા આવ્યા હોય એ બતાવવા ડાહ્યા-ડમરાં થઈ અદબ વાળીને ગંભીર મોંઢે ઊભા હોય.

હૉસ્પિટલની લૉબીમાં આમ અદબ વાળીને ઊભેલા રહેવાનું કારણ શું, એ મને ક્યારેય સમજાયું નથી. હું ય જાણું છું કે આઇસીયુ-ની બહાર બે હાથની અદબ વાળીને ઊભા ન રહો તો ઔર તુમ કર ભી ક્યા સકતે હો ? આ વખતે, મંગળાની આરતી ગવાતી હોય એમ કોઈ હળવે ઝાટકે તાળીઓ પાડીને લાઈનમાં ન ઊભું રહે. હું ય સમજું છું ખબર કાઢવા આવનારાઓ વધીગયા તો સામસામા ‘અ’ અને ‘બ’ વિભાગ પાડીને અંતાક્ષરી પણ રમવાની ન હોય. વળી, આમાં મોઢું ગંભીર રાખો તો કાંઈ ખોટું ય નથી કારણ કે, ‘દે તાલ્લી’ કહીને વાતો કરવાની આ જગ્યા નથી.

પણ મને સમજાતી નથી એક વાત કે, અહીં આવીનેજ લોકો શેનાં દિલીપકુમાર બની જાય છે ? મોઢું એવું ઢીલું રાખશે કે, અંદર હૂવડાવેલો ઉપર જતો રહે ને બહાર ઊભેલા એના કુટુંબીજનોને અંદર હૂવડાવવા પડે ! બબ્બે મિનિટે દર્દીની અને એનાં કુટુંબીજનોની દયા ખાવા માંડે, ‘હા, ભ’ઈ... આ દાખલ કર્યા એટલે તમારે તો લેવા-દેવા વગરની ૪૦-૫૦ હજારની ચોંટી ને?... અરે આટલા ખર્ચ્યા પછી ય એ બચે તો બરોબર છે... બાકી તો પૈસા પડી જાય છે.’

હાળા વાંદરા, તું દર્દીની ખબર કાઢવા આવ્યો છું કે એના કુટુંબનું ટેન્શન વધારવા ? પ્રશ્નો ય એવા પૂછે કે, સાંભળ્યા પછી અંદર હૂવડાવેલો તો ઠીક, બહારવાળાં ય છેલ્લાં ડચકાં ખાય !

ડૉક્ટરે કેટલાં કલાક કીધાં છે ?’

આવું પૂછવા માટે ઘેરથી જ ઘડિયાળ લેતો આવ્યો હોય ને આ સવાલ ઘડિયાળમાં જોઈને પૂછે. જવાબમાં ઘરવાળું કોઈ કહે કે, ‘‘આમ તો ડૉક્ટરે ૨૪ કલાક કીધાં છે... ૩૬ કલાક તો થઈ ગયા !’’ આ જવાબ ઘરવાળાએ નિરાશ થઈને આપ્યો છે કે રાજી થઈને, એનો આધાર અંદર કોને હૂવડાવ્યો છે - એની ઉપર છે.

કંઈ બાકી રહી જતું હોય એમ, એની સાથે આવેલું તદ્દન નવી માહિતી આપવાનો હોય એમ કહેશે,

આમાં તો એવું છે કે, બચી જાય તો બચી ય જાય... અને ઘણીવાર ના ય બચે ! પણ ૨૪ કલાક થઈ ગયા એટલે ચિંતા નહિં... પણ, ઍક્ચ્યૂઅલી... એમને થયુ’ તું શું ?’

ખરેખર તો આવો ઇડિયટ જેવો સવાલ પૂછવા માટે એક થપ્પડ ઝીંકી દેવી જોઈએ, પણ ન ઝીંકાય કારણ કે, ‘શાંતિ રાખો’નું બોર્ડ લટકતું હોય ! કંઈક થયું હોય તો જ દાખલ કર્યા હોય ને ? આમાં કાંઈ એવું ન હોય કે, બાબાનું નક્કી કરવાનું હતું ને કોઈ સારું ઠેકાણું મળતું ન હતું, તે મેં કીઘું હેંડો કોઈ હૉસ્પિટલમાં દાખલ થતાં આવીએ.. ભ’ઈ બાબાનું નસીબ જોર કરતું હોય ને ન્યાતની કોક છોકરીને દાખલ કરી હોય તો જન્માક્ષર મેળવતાં અવાય ! આ તો જરા આ બાજુ નીકળ્યા હતા તે લશ્કરમાં નામ નોંધાવતા આવીએ, એટલું ઇઝીલી આઇસીસીયુ-માં દાખલ થવા કોઈ ન આવ્યું હોય!

ઇન ફૅક્ટ, આજકાલ તો આઇસીયુ કે આઇસીસીયુમાં દાખલ થઈ બતાડવું એ પણ સ્ટૅટસ કહેવાય છે. કોઈ સામાન્ય ખાટલે દાખલ થઈ જુઓ. કોઈ નવરૂં નથી ખબર કાઢવા આવવા માટે ! આઇસીસીયુ બોલતાં જ દાખલ થનારનો નહિ, ખબર કાઢવા આવનારનો ય માભો પડે છે. સ્પેશિયલ રૂમોમાં ખબર કાઢવા આવવાની હવે પહેલા જેવી મઝા રહી નથી. એક તો આટલે દૂરથી મોટી આશાઓ લઈને ખબર કાઢવા આવ્યા હોઈ ને ખબર પડે કે, ડોહો હેમખેમ છે ને બીજા વીસ વરસ કાઢે એવો છે. સ્પે. રૂમનો અર્થ જ એ કે, પાર્ટી બચી ગઈ છે ને ઘેર પાછી આવવાની છે... આપણને બુકે અને ફ્રુટસ્ની સાલી બસો અઢીસોની ઉઠે ને આપણી નજર સામે ડોહો ફ્રુટસ્ને બચકાં ભરીને ખાવાનો છે.

ફોર્ચ્યૂનેટલી, નસીબ સારું હોય તો મોટે ભાગે આઇસીસીયુમાં ખબર કાઢવા ગયા પછી ખોટો ધક્કો પડતો નથી... પાર્ટી એક-બે દહાડામાં તો ઊઠી જ જતી હોય છે... ઘેર દાખલ થઈ હોય તો બચી જવાય ! સ્પે. રૂમમાં દાખલ કર્યા હોય ને ન જાઓ તો હજી ચાલે, પણ એકલાં નવરાં ખબર કાઢવા હરખપદુડા થઈને પહોંચી જઈએ છીએ... દર્દીની તો ઠીક ત્યાંના વોર્ડ-બોય કે નર્સની આખી ન્યાતમાંથી ય કોઈ ખબર કાઢવા આવ્યું હોતું નથી. ‘‘આ લોકોને બીજો કોઈ કામધંધો કે હૉબી લાગતી નથી’’ - આપણા માટે ખોટી છાપ ત્યાંના ડૉક્ટરો ઉપર પડે છે.

ઇશ્વરનો ઉપકાર કે, આઇ.સી.યુ.માં ખબર કાઢવા જાઓ તો જાલીમ જમાનો તમારી આવી મશ્કરીઓ કરતો નથી લોકો માનથી જુએ છે. ‘‘જોયું ? આટલા બિઝી હતા, પણ ખબર પડી કે તરત દોડતાં આવ્યા !’’ ખૂબીની વાત એ છે કે, દર્દીવાળા ગૅટની બહાર આપણાં જેવા જ બીજા દસ-બાર ઓળખિતાઓ ભરાઈ પડયા હોય છે. એમના ચહેરા પર ચિંતા ભરાઈ પડવાની હોય છે કે દર્દીના બચી જવાની તે તો જગતનું કોઈ સાયન્સ નક્કી કરી શક્યું નથી. સ્પે. રૂમ કરતાં અહીં જરા સહેલું હોય છે કે, અહીં આવ્યા પછી મોઢું થોડું ભારે રાખીને એક ખૂણામાં ઊભા રહી જવાનું હોય છે અને પાંચ-સાત સિલી સવાલો પૂછવાના હોય છે. (૧) ‘‘શું લાગે છે ?’’ આવું નળમાંથી હવા નીકળતી હોય એવા છપછપ અવાજે બાજુવાળાને પૂછવાથી એ ય ડાયો થઈ છપછપ અવાજે જવાબ આપશે ‘‘ગરમી બહુ લાગે છે.’’ (૨) બીજો સવાલ એવો જ પૂછો, ‘‘ડૉક્ટર શું કહે છે?...’’ અહીં સાચું હોય તો ય આપણાથી ના કહેવાય કે, ડૉક્ટરની તો જીભ ખચકાય છે... એટલે શું કહે છે એના કરતાં કેટલું કહે છે, એ અગત્યનું છે. (૩) ‘‘અંદર જવા દે છે ?’’ એનો સાચો જવાબ એ હોવો જોઈએ કે, દર્દીને પોતાને ય માંડમાંડ જવા દીધા... અહીંના રૂલ્સ બહુ કડક છે.’’ એને બદલે આપણને જવાબ મળે છે, ‘‘એક એક કરીને અંદર જવા દે છે...’’ સંસ્થા જાણવા માંગે છે કે, આવી માહિતી આપણને આપવાની શી જરૂર ? આપણે ડોબા છીએ,તે આપણને ખબર ન પડે કે, એકએક કરીને જવાનુંછે ! આઇસીસીયુમાં બધા એકબીજાનો હાથ પકડીને ‘ક્બ્બડી, કબ્બડી કબ્બડી’ કરતાં તો દર્દીના ખાટલે ન અડી આવે ને ? (૪) ‘‘હજી કેટલા દિવસ અહીં રાખવાના છે ?’’ દર્દી મૈસુર કાફેમાં મસાલા ઢોંસા ખાવા આવ્યો હોય ને પાકિટ ભૂલી જવાથી મૅનેજરે રોકી રાખ્યો હોય ને તમે પૂછો, તે બરાબર છે કે, ‘‘હજી કેટલા દહાડા રાખવાના છે ?’’ (૫) ‘‘કોઈ પણ કામકાજ હોયતો કહેજો ભાભી ! મૂંઝાતા નહિ’’ એવું પૂછો તો દુનિયાની કોઈ ભાભી તમને એમ કહેવાની નથી કે, ‘‘કામકાજમાં તો બીજું શું હોય ભાઈ...બસ આ જરા હૉસ્પિટલનું બિલ ભરવાનું છે !’’ અથવા તો ‘‘બીજું તો કંઈ કામ નથી... અમે આંઈ હોશપીટલમાં પઇડાં છીં ને બાપુજી ઘેરે એખલા છે... એમને ય અસ્થમા છે... બની શકે તો બે-ચાર દિ’ બાપુજીને તમારા ઘેરે લઈ જાવ ને...!’’ આવું કોઈ કહેવાનું નથી, માટે દિલ ફાડીને કહે, ‘‘કંઈ કામકાજ હોય તો જણાવજો શરમાતા નહીં !’’ (૬) આઇસીયુમાં ખબર કાઢવા આવ્યા હો એટલે બુટ-ચપ્પલ બહાર ઉતારવા પડે અહીં સેન્ટિમૅન્ટલ થવાની જરૂર નથી. પૂછી જુઓ, ‘‘બુટ બહાર કાઢ્યા છે... એનો વાંધો નહીં ને ?’’ એ વાત જુદી છે કે જરીક છૂટ મળતી હોત તો તમે દર્દીના પલંગ નીચે બુટ કાઢત ને ?

ઇન કૅસ, અહીં તમને અંદર જવા મળે ને દર્દીનો સાક્ષાત્કાર થાય તો અહીં દાખલ થતા પહેલાં દર્દી પચ્ચાસ હિંદી ફિલ્મોમાં જોઈ ચૂક્યો હોય છે કે, હૉસ્પિટલમાં લાંબા થઈને પડયા પછી. અધખૂલી આંખે અવાજે લાચારીથી કયો ડાયલોગ મારવાનો હોય છે, ‘‘સુંઉં કામ તકલીફો લીધી ? ખોટા ધક્કા સંઉ કામ ખાધા ?’’મનમાં તમે ય સમજતા હો કે, ધક્કો તો સાચ્ચે જ ખોટો પડયો છે કારણ કે એ બચી ગયો છે એટલે બીજો ધક્કો તો હજી બાકી...

સિક્સર

ભૂજના ધરતીકંપ પછી મહાત્મા ગાંધીનું ૫૦૦ વર્ષ જૂનું બાવલું મળી આવ્યું... ને રૂા. ૫૦ હજારમાં વેચાયું !

11/04/2001

ભગવાન ઉપર હોય કે નીચે ?

શ્રીકૃષ્ણનું એક નામ ‘માધવ’ પણ હતું. ટેક્સની બબાલોથી બચવા માટે ભલભલા ભગવાનો પણ જુદાં જુદાં નામે બેન્કોમાં ખાતાં ખોલાવતા, પણ આઇ એમ શ્યોર, આપણાં માધવની એકેય ફિક્સ (ડિપોઝિટ) (એફ.ડી.)માધવપુરા બેન્કમાં પડી નહિ હોય. નહિ હોય તો એ માધવ હોવા છતાં પૂરો થઇ ગયો હોત.

આપણાં બધાની કોમેડી એ છે કે, વાણીયા પાસેથી વાણીયા બુદ્ધિ રાખીને હાલ પૂરતાં રૂપિયા છુટાં કરાવવા માટે ભગવાન શ્રી.કૃષ્ણને પડતા મૂકીને ભગવાન શ્રી. રમેશ પરીખના ફોટાને ઘૂપ- નૈવેદ્ય ધરવા માંડો. આપણી એફ.ડી.ઓ ભગવાન શ્રી.કૃષ્ણ મહાવીર કે શંકર ઘેર નથી પડી. રમેશના ઘેર પડી છે... ગરજે રમેશનેય ભગવાન કહેવો પડે! 

આમ તો ગુજરાતને પહેલેથી માધવ નડતો જ આવ્યો છે, પણ આ વખતે તો યદા યદા હિ ધર્મસ્ય વાળો ય દેખાતો નથી. એની પોતાની એફ.ડી. માધવપુરામાં હલવાઇ હોત તો ખબર પડત! 

ઇન શોર્ટ, માધવપુરા બેન્કે ઇશ્વર, અલ્લાહ, જીસસ, ઝૂલેલાલ, શ્રી. મહાવીર કે વાહે ગુરૂ- આ બધાં ‘ધર્મોને એક કરી આપવામાં માધવપુરા બેન્કનો ફાળો મોટો છે. આ બધા લપટાઇ ગયા છે ને બધાં ઉપરવાળાને ઉપર પ્રાર્થના કરી રહ્યાં છે... ‘હે ભગવાન, માધવપુરામાં તઇણ લાખનું નાહી નાંખ્યું છે... એટલીસ્ટ, ૪૦-૫૦ હજાર તો પાછા કઢાઇ આલ!’’ 

ધરમ કોઇ બી હો. સહુ હાથ જોડીને પ્રાર્થના ઉપર જોઇને જ કરે છે. બધા કહેતા ભલે હોય કે, પરમેશ્વર કણકણમાં વ્યાપેલો છે. આવું બોલવામાં સારૂં લાગે. પણ નીચે જમીન સામે જોઇને પ્રાર્થના કોઇ કરતું નથી. ભગવાન પોતેય ભૂજના ભૂકંપ પછી ફફડી ગયો છે તે આંટો મારવા પૂરતોય આકાશમાંથી હેઠે નથી ઉતરતો, એમાં માધવપુરાના ખાતેદારોને નંબર કયાંથી લાગે ? લોકો તો શું ભગવાનની પોતેય ગભરાય એવા બનાવો બનતા જ રહે છે. હમણાં એક સર્વધર્મ સદ્ભાવ સમારંભમાં જવાનું થયું. એમાં પીવા માટે પાણીના પાઉચ અપાય ! આખા હૉલમાં તહેલકાવાળાએ કયાંય વિડીયો કેમેરા ગોઠવ્યા ન હતા, છતાં દૂધનાં દાઝેલા લોકો પાણીની કોથળીય સ્વીકારતા ન હતા!...

વાંચકોએ એપ્રીશિએટ એ કરવું જોઇએ કે, દુનિયાભરના કોઇ સાઘુ-મહાત્માને જે પ્રશ્ન થયો નથી તે મહાત્મા અશોકાનંદજીનો થયો છે, કે ભગવાનને હરકોઇ ઉપર જોઇને જ કેમ યાદ કરે છે.? નીચે જવા દો- મેં તો કોઇ ભક્તને સાઇડમાં જોઇને પ્રભુને પ્રાર્થના કરતાં ય જોયો નથી. જગતના માત્ર એકજ સ્થળે પુરૂષ થોડી થોડીવાર માટે ડાબે -જમણે જોઇ લે છે પણ એ પરમેશ્વરની ખોજમાં નહિ ! ઇવન, ઉપર-આકાશ તરફી જોવામાં ય માથું વઘુમાં વઘુ ૪૫°ના ખૂણે રાખવામાં આવે છે. કોઇ સાવ સીઘું ઉપર (નાક ઉપર સીઘું આકાશમાં તાક્યું હોય એમ) જોઇને પ્રાર્થના કરતું નથી. એમ કરવામાં ડોકીનો મણકો ખસી જાય. કહેવાનો મતલબ જ એ થયો કે, ભક્તોને પણ જે એન્ગલથી ફાવે, એટલા એન્ગલે પ્રભુએ આકાશમાં રહેવું જોઇએ. સચીન તેન્ડુલકર સેન્ચુરી માર્યા પછી સીઘું ઉપર આકાશમાં જુએ છે એમાં રન આઉટ થઇ જાય છે. વ્યવહારિક રીતે, એણે સામા છેડાના બેટસમેન સામે જોવું જોઇએ કારણ કે, રન આઉટ કરાવશે તો એ કરાવશે, ભગવાન નહિ કરાવે ! નવાઇની વાત એ છે કે, સચીનીયા -ફચીનીયાઓની સેન્ચૂરીઓમાં મોટો ફાળો ગ્રાઉન્ડસમેનનો હોય છે. લમણું ભાંગી જાય એવી વિકેટ બનાવીને આપે તો હમણાં ખબર પડે કે વીહ-પચ્ચી રન બી કઇ કમાણી ઉપર થાય છે. ધાર્મિક રીતે તો, સદી પુરી કર્યા પછી સચીને અગરબત્તી હળગાઇને સ્ટમ્પની પાસે રોપી, જમીનમાં જોઇને પ્રાર્થના કરવી જોઇએ. ઉપર જોઇને શું બબડ-બબડ કરે છે. ભાઇ? ઉપર તો તું ગોળીઓ ચઢાઇને દુશ્મન-ફીલ્ડરનાં હાથમાં ઝલઇ જાય છે, જયારે ભૂમિ-દેવતા તો પકડાયેલો કેચ પણ છોડાવશે. ક્રિકેટના કાનૂનની મુજબ , જમીનને અડેલા કેચથી આઉટ ના અલાય, ભ’ઇ ! 

હા. જમીન પણ જાણે સુંદર વિધવા હોય એમ ગરજ પડે, ભક્તો નારીયેળ પછાડવાના કામમાં લે છે, કારણ કે, હવામાં ગમે તેટલું પછાડવાથી નારીયેળ તૂટતું નથી. ઇશ્વરમાં શ્રદ્ધા ગમે તેટલી હોય, કોઇ બી ભક્ત પોતાનાં બરડામાં નારીયેળ ફોડવાની છુટ આલતો નથી. ભલે ભગવાન કણકણમાં વ્યાપેલો હોય- કોઇનાં બરડામાં વ્યાપેલો હોય, એવું સાંભળ્યું

ધરમ કોઇપણ હો, પ્રેયર, પ્રાર્થના કે ઇબાદત સહુ ‘ઉપરવાળા’ને જ કરે છે. આ કંઇ ન સમજાય એવી બાબત છે. જો કે, આવું બઘું બાજુવાળાને નહિં કરાતું હોય... બાજુવાળા તો ઘણીવાર વ્હિસ્કી- બીયરનું મેળવણ લઇ જાય તો જામ્યાં પછી ચખાડવા ના બોલાવે ! ભગવાન આજુાબાજુા ઉપર-નીચે આગળ-પાછળ બદ્ધે હોય, એ વાત સાચી પણ ઉપર સાવ શૂન્યાવકાશ છે...ખાલી જગ્યા. ઉપર જો કાંઇ ન હોય તો ભગવાને ય કયાંથી હોવાનો છે? ઇવન વાદળાંય દ્રષ્ટિભ્રમ છે...વાદળાંને અડી શકાતું નથી. અડવા જાઓ તો હાથમાં વાવટો ય ના આવે.! 

...આપણે તો સાચું કહેવા જોઇએ, બૉસ, બધી બાબતોમાં ‘‘ઉપરવાળાની મહેરબાની છે’ એવું કહે કહે ના કરવું જોઇએ... ખાસ કરીને ફલેટોમાં રહેવા વાળાઓએ ! 

હા. મંદિર કે ઘરમંદિર એવી જગ્યા છે જયાં આપણે માત્ર સામે (ઇશ્વરની પ્રતિમા,જ નહિ આજુબાજુ (પ્રભુના અન્ય ફોટોગ્રાફ્સ મૂર્તિઓ) કે ઉપર-ધુમ્મટ તરફ જોઇને દર્શન કરી લઇએ છીએ. બધીજ વખતે ઘ્યાન ઇશ્વર તરફ નથી હોતું. કયારેક મોટું મન રાખીને ઇશ્વરે બનાવેલાં સુંદજર સર્જનો તરફ પણ પૂર્ણ ભક્તિભાવથી જોઇએ છીએ, પણ મંદિરોમાં ય નીચે લાદી તરફ જોઇને હરિસ્મરણ કરવાની વ્યવસ્થા વિચારાઇ નથી. નીચે તો પરમકૃપાલુ પરમાત્મા કરતાં બુટ ચપ્પલનું ઘ્યાન વઘું રાખવું પડે છે. ઘણીવાર તો ઉતાર્યા હોય ગેટ નં. ૩ ઉપર ને આઇને આપણે શોધાશોધી કરતા હોઇએ ગેટ નં. ૪ ઉપર, આવી શોધમશોધ બુટ-ચપ્પલ માટે હોય તો બરોબર છે...કેટલાકં લોકો તો પ્રભુને ય આવા ખોટાં ગેટ ઉપર શોધતાં હોય છે...દર્દ એ વાતનું છે કે બુટ-ચપ્પલ સાચવવાનો રૂપિયો જ આલવો પડે છે. જયારે ખોવાયેલી.... ફિક્સ ડિપોઝીટરો ગોતી આલવા ખુદ ઇશ્વર પણ વોચમેન... આઇ મીન વોચ ગાડ બનતો નથી. 

આમ તો, માધવપુરાવાળાઓએ મારા મિનિમમ ૫-૭ લાખ રૂપિયા બચાવ્યાં છે મેં ત્યાં કે બીજે કયાંય એફ.ડીનો રૂપિયો ય મ્હેંલ્યો નથી...મૂક્ત તો ૫-૭ લાખમાં હલવાઇ જાત પણ સાંભળ્યું છે કે, કોઇ તમારૂં ‘‘કરી જાય,’’ એ માટે તમારી પાસે કાંઇક હોવું જોઇએ. આ પગારમાં તો માધવપુરાવાળો ય મારૂં શું તોડી લેવાનો છે ? બાપૂ ફળીયામાં ટિકડી હાથમાં રાખીને આંટા મારતાં હતાં. કોકે પૂછ્યું તો બાપૂકિયે, ‘જયમાં પછી લેવાની ટિકડી છે.’’ તો પૂછ્યું. ‘‘તો લેતા કેમ નથી.?’’ 

‘‘ઓહ... ઇ માટે ય ઘરમાં જમવાનું તો કાંઇ હોવું જોંઇ કે નંઇ ?’’ 

આ સાંભળ્યા પછી ઇશ્વર પ્રત્યે મારી શ્રદ્ધા વધી ગઇ છે, વટ પાડતા એવું કહેવાનું મન તો ઘણું થાતું કે, ‘‘માધવપુરામાં મારાંય ૫-૭ લાખ હલવાઇ ગયાં છે.!’’ થેન્ક ગોડ....મારૂં તો કાંઇ ગયું નથી અને માટે જ ઉપર જ નહિ. જમીન ફાડીને ઠેઠ અંદરના એપીસેન્ટર સુધી પ્રાર્થના કરૂ છું કે, માધવપુરા કે માધવ અડધાવાળા મારૂં ૧૦૦-૨૦૦ કરોડનું કરી નાંખી શકે, એવું મને કંઇ આલ તો ખરો ! નાકમાંથી નીકળતાં શેડાં સાથે આજે તો શરમથી મારૂં માથું ઝૂકી જાય છે કે, લોકો પોતાની ડિપોઝીટરો પાછી લેવા, ભડકે બળતી માધવપુરા બેન્કની લાઇનમાં ઊભા હતાં, ત્યારે હું ફીડલ વગાડતો હતો. આઇ મીન, લૂછી લૂછીને દાલવડાં ખાતો હતો ! નાતજાતમાં સગાંસંબંધીઓ હરખઘેલાં થઇને પૂછવા આવે છે કે, ‘‘તમારૂં કેટલું ગયું?...ચલો પાર્ટી આપો એઓ...!’’ ત્યારે શરમથી અમે વિથ ફેમિલી પાણી-પાણી થઇ જઇએ છીએ.’’ અમારૂં તો કાંઇ નથી ગયું !’ એવું સાંભળ્યા પછી કયો ડીપોઝીટર પોતાની બેન-દીકરી મારા પ્રતાપી પુત્રો ધાંધલ અને ધમાલ સાથે પરણાવશે. ? દીકરી મસ્તાનીના દેહજમાં હું ભલે શકોરૂં ય ના આલું, પણ વેવાઇ-વેલાંની જબાનને લગામ દેવા માટે ડૂબેલી માધવપુરાની ડૂબેલી ફિક્સ ડીપોઝિટોની રસીદો આપી શકું તો મારી લાડકવાયીને સાલાઓ દુઃખ તો ન દે ! 

સુંઉ કિયો છો

સિકસર 
- હમણાં હમણાં- ભૂકંપ પછી તમારા બધાં લેખો બહુ જામ્યાં છે, હોં
- એટલે ?.... નબળાં પડશે ત્યારે પ્રભુને મારે શી પ્રાર્થના કરવી ?