Search This Blog

29/09/2017

'પૂજા કે ફૂલ' ('૬૪)

ફિલ્મ : 'પૂજા કે ફૂલ' ('૬૪)
નિર્માતા : એવી મયપ્પન (એવીએમ)
દિગ્દર્શક : એ. ભીમસિંઘ
સંગીત : મદન મોહન-આસિસ્ટન્ટ 'સોનિક'
ગીતો-સંવાદ : રાજીન્દર કિશન
થીયૅટર : લાઇટ હાઉસ કે નોવેલ્ટી ? (અમદાવાદ)
રનિંગ ટાઇમ : ૧૭ -રીલ્સ
કલાકારો    : અશોક કુમાર, માલા સિન્હા, ધર્મેન્દ્ર, નિમ્મી, પ્રાણ, સધ્યા રૉય, નાના પળશીકર, મધુમતિ, મોહન ચોટી, શિવરાજ, ઉમેશ શર્મા, મુકરી, સુલોચના ચેટર્જી, કમ્મો, લીલા ચીટણીસ, ગોપીકૃષ્ણ.

ગીતો
૧. મેરી આંખો સે કોઈ નીંદ લિયે જાતા હૈ...    લતા મંગેશકર
૨. બંદા પરવર, રાત કે અંધેરે મેં ચોરી ચોરી...    આશા ભોંસલે
૩. અબ દો દિલોં કી મુશ્કિલ આસાન હો ગઈ હૈ...    આશા-રફી
૪. હે જમાલો, ઓ મેરા પ્યાર મેરી જાન...    આશા-રફી
૫. પહેલે મેરી આંખો કે ચિરાગોં કો બુઝાયા...    લતા મંગેશકર
૬. દિલ તોડના કિસી કા, યે ઝીંદગી નહિ હૈ...    લતા મંગેશકર
૭. મીયાંઉ મીયાંઉ મેરી સખી, અચ્છી અચ્છી    લતા મંગેશકર
૮. સનમ તુઝે અપની પલકોં પે બીઠાકર    મુહમ્મદ રફી
૯. દો ઘડી સાથ રહે, ખુશ રહે, આબાદ રહે...    મુહમ્મદ રફી
૧૦ મુઝે અપની અખીયાં દે દે...    લતા મંગેશકર
(ગીત નં. ૨, , ૬ ડીવીડીમાંથી કાપી નાંખ્યા છે જ્યારે છેલ્લું ગીત ફિલ્મમાં લેવાયું જ નથી.)

સાઉથમાંથી આવતી હિંદી ફિલ્મોને ખુલ્લા દિલે પસંદ કરનારું ગુજરાત હતું. એની ફિલ્મો આમ તો બધે હિટ જતી, પણ ગુજરાતમાં એકાદી સિલ્વર જ્યુબિલી તો સાચી. એક કારણ એ હતું કે, ત્યાંની બધી ફિલ્મો સામાજિક અને આ સામાજિક એટલે મારા/તમારા ઘરમાં બનતી રોજની ઘટનાઓની કોઈ વાર્તા બની ગઈ હોય, એની એ લોકો મૂળ ત્યાંની તમિળ/તમિલ/તેલગૂ કે કન્નડા ભાષામાં ફિલ્મ બનાવે. ત્યાં હિટ જાય એટલે ત્યાંના મજેલા નિર્માતાઓ એવીએમ, પ્રસાદ પ્રોડક્શન્સ, વાસુ ફિલ્મ્સ કે જેમિની સ્ટુડિયોઝ એ જ ફિલ્મોનું હિંદી સંસ્કરણ બનાવીને આપણે ત્યાં મોકલાવે.

એકાદા અપવાદને બાદ કરતા ત્યાંથી આવેલી બધી ફિલ્મો બાકીના ભારતમાં સુપરહિટ જતી. સામાજિક હોય એટલે કરુણા તો ભારોભાર મૂકવાની. દિગ્દર્શકનું પહેલું કામ જ એ હશે કે, ફિલ્મ જોતી વખતે કેટલા પ્રેક્ષકો રડે છે ! સાદો દાખલો આ જ ફિલ્મની સાઇડ હિરોઇન નિમ્મી પ્રજ્ઞાચક્ષુ છે. એક તો મૂળથી જ ફિલ્મની સ્ટારકાસ્ટમાં રોતડ ક્લબના ઘણા કલાકારો લીધા છે, નાના પળશીકર, શિવરાજ, લીલા ચીટણીસ એટલે સિનેમામાં રડવા માટેનો ખાસ રૂમાલ પ્રેક્ષકોને ઘેરથી જ લઈને આવવું પડતું.

છતાં ય પ્રેક્ષકો રડતા ન હોય તો નિમ્મી અંધ હોવાથી દર બબ્બે પગલે ઠેબાં ખાતી હોય. તમે કોઈ પ્રજ્ઞાચક્ષુને જોયા હોય તો ખ્યાલ હશે કે, આંખે બધું જોઈ શકતા આપણે ઠોકરો ખાતા હોઈશું પણ અંધ વ્યક્તિઓને આપણે તો અથડાતી-કુટાતી જોઈ નથી. અહીં આપણી પાસે દયા ઉઘરાવવા નિમ્મી જ્યાં ને ત્યાં ગબડી પડે, બોલો !

આ સિવાયની ય કૉમેડી એ લોકો કરુણ ફિલ્મોમાં કરતા હોય. હીરોઇન હાથમાં ચા-નાસ્તાની ટ્રે લઈને આવતી હોય, એ જ સમયે, 'નહિઇઇઇઇ...' વાળા સમાચાર સાંભળે, એટલે પોતે એમની એમ ઉભી હોય પણ હાથની ટ્રે તો નીચે પછડાવાની જ !

એકે ય હીરોઇન આવા આઘાતમાં ટ્રે નીચે પછાડવાને બદલે છત ઉપર પછાડતી નથી. આ બધું પતી જાય એટલે અંધ હીરોઇન પાસે આવા દયામણા સંવાદો બોલાવે કે, સાલું ઘેર ગયા પછી ય આપણે રડતા રહીએ ! તારી ભલી થાય ચમના... અમે બધા પરણેલા હોઈએ છીએ... અમને નવેસરથી ફરીફરી રડાવીને તને શું સોટો ચઢે છે ?

પણ થૅન્ક ગૉડ... ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આજ સુધીનો સર્વોત્તમ 'ઍક્ટર' દાદામોની આ ફિલ્મમાં ભલે અવારનવાર નથી દેખાતા, છતાં ફિલ્મ પર એમનો પ્રભાવ બન્યો રહે છે. એમાં ય, માલા સિન્હા સાથે બાપ -દીકરીનો એમનો કિરદાર ઑડિયન્સને બહુ પસંદ આવતો. ગુમરાહ, નઈ રોશની, બહુબેટી, પૈસા યા પ્યાર, પ્યાર કા સપના, દો ભાઈ, ગૃહસ્થી, ધર્મપુત્ર અને આજની પૂજા કે ફૂલમાં એ બન્નેનું કૉમ્બિનેશન જોવું ગમતું હતું.

આ ત્રણે લિસ્ટ્સમાં એકાદી ફિલ્મ રહી પણ ગઈ હોય, કારણ કે મૅમરીને આધારે આ લિસ્ટો લખ્યા છે. ધર્મેન્દ્ર સાથે માલુએ સાત ફિલ્મો કરી. અનપઢ, નીલા આકાશ, આંખે, બહારે ફિર ભી આયેગી, પૂજા કે ફૂલ, જબ યાદ કિસી કી આતી હૈ અને લલકાર. નવાઈ લાગી શકે, પણ માલાએ ધરમ કરતા વિશ્વજીત સાથે એક ફિલ્મ વધુ કરી છે. દો કલિયાં, આસરા, નાઇટ ઇન લંડન, ફિર કબ મિલોગી, જાલ, પ્યાર કા સપના, પૈસા યા પ્યાર અને નઈ રોશની. એ હિસાબે દાદામોનીનો આંકડો વધી જાય છે.

મુંબઈ કરતા મદ્રાસ (ચેન્નઇ)ની ફિલ્મો વધુ સફળ હોય છે એના કારણો સીધા છે. મુંબઈમાં હીરો થઈને ફરતા હીરો-હીરોઇનો સાઉથની ફિલ્મો કરવા તલપાપડ હોય. એક તો ભારે શિસ્તથી કામ થાય, એટલે કે, કીધું હોય, એ ટાઇમમાં ફિલમ પૂરી થઈ જાય, બીજું મુંબઈના ૪૦ ટકા નિર્માતાઓ 'કરૂબાજો' અને કલાકારોને એમની પૂરી ફીઓ ય ન મળે.

જ્યારે ત્યાં પેમેન્ટમાં કોઈ ગરબડ નહિ, એ તો જાવા દિયો મુંબઈ કરતા ઑલમોસ્ટ અઢી ગણા પૈસા ત્યાં મળે. જેમ કે, મેક્સિમમ ફિલ્મો કરતો જીતુ-જીતેન્દ્ર. એને અહીં એક ફિલ્મમાં કામ કરવાના (આજના ભાવ પ્રમાણે ગણીએ તો) માની લો કે એક કરોડ મળે છે, તો ત્યાં સીધા એના ખાતામાં બે-અઢી કરોડ જમા થઈ ગયા હોય.

આજે ય, ત્યાંની ફિલ્મોનું સ્ટાન્ડર્ડ તો બરકરાર રહ્યું છે. ('બાહુબલિ' જેવી ફિલ્મો તો ત્યાં જ બને !) પણ બધું હીરો-હીરોઇનોના કેરેક્ટર બાબતે આંખો ઉપર હથેળી રાખીને આંગળીઓ વચ્ચેના છિદ્રોમાંથી સતત અને બધું જ જોયે રાખવાના ધખારા ઉપડે.

ત્યાં કામ કરતા લોકો માટે કોઈ નવાઈ જેવું રહ્યું નથી કે, હીરોઈન કોઈ પણ લેવલની હોય, શુટિંગ કે સૅટ પર આવતાની સાથે જ, હીરોના ખોળામાં એ બેસવા દે ત્યાં સુધી બેસી જ રહેવાનું. ફરજીયાત કશું નહિ... હીરોઇનો ય જાણતી હોય કે, આનો ખોળો આગામી ફિલ્મો માટે બીજા ૮૦-૯૦ લાખનો પડે એવો છે. કહે છે કે, ત્યાં કાસ્ટિંગ કાઉચની જરૂર જ પડે એમ નથી. અડપલાં તો હીરોઇનોને ય ગમતા હોય એની મસ્તી લૂંટતી હોય.

અફ કૉર્સ, આ જમાનાની તાસિર છે. આપણે જે યુગની સાઉથની ફિલ્મો વિશે વાત કરીએ છીએ, એ વખતે 'સાવ' આટલું બધું નહોતું. એક પરણેલ પ્રદીપકુમારના પ્રેમમાં પડીને પસ્તાઈ, એ ગુન્હો બાદ કરીએ તો માલા સિન્હા તેજમિજાજ છોકરી હતી. એનું કૅરેક્ટર નંદા, નૂતન, તનૂજા અને સાધના જેવું 'અનટચ્ડ' હતું.

(પ્રદીપકુમાર તો પોતે પરણેલો હોવા છતાં માલુ સાથે પરણવાની બાંહેધરી આપી હતી અને ભ'ઇ એક સાથે મધુબાલા સાથે રંગરેલીયા મનાવતા હતા, એમાં છંછેડાયેલી માલુ પ્રદીપના ઘરે કોલકાતા જઈને બધાની હાજરીમાં પ્રદીપને તડાતડ-તડાતડ થપ્પડો મારી આવી હતી. હીરોલોગ ઉદ્યમ-પરિશ્રમમાં માને એટલે એમાંના ભાગ્યે જ બે-પાંચ જણા શુદ્ધ રહ્યા હતા, જેમને માટે 'કૅરેક્ટર' બાબતે કદી આંગળી ઉઠાવી શકાય નથી, 'જાની' રાજકુમાર, મોટા ભાગે તો એકલો જ શ્રીરામનો અવતાર હતો.

બાકી અશોક કુમાર-નલિની જયવંત, દેવ આનંદ-સુરૈયા વત્તા-વત્તા-વત્તા, રાજ કપૂર-નરગીસ વત્તા-વત્તા-વત્તા, દિલીપ કુમાર-કામિની કૌશલ અને મધુબાલા વત્તા-વત્તા-વત્તા, રાજેન્દ્રકુમાર-વૈજયંતિમાલા અને સાયરા બાનુ... કહાં તક નામ ગીનવાયેં, સભી ને અપના ક્વૉટા લિયા હૈ...! વિશ્વજીત તો દાદાની ઉંમરનો થઈ ગયા પછી ઑલમોસ્ટ એની પુત્રી જેટલી છોકરીના લફરામાં ભરાયો અને પત્નીએ પુત્ર (પ્રસન્નજીત) સાથે મળીને છૂટાછેડા આપી દીધા હતા. વિશ્વજીતે પેલી સાથે લગ્ન ય કર્યા ને એની દીકરીને ય હીરોઇન બનાવી.

આ ફિલ્મમાં તો હજી નવોસવો આવેલો ધરમો-ધર્મેન્દ્ર આવ્યો ત્યારે માધ્યમિક શાળાના શિક્ષક જેવો સીધો સાદો દેહાતી હતો, પણ અનેક વત્તા વત્તા વત્તાવાળી મીના કુમારીની નજરમાં ચઢી ગયા, પછી શરીર કસાયેલું અને વપરાયેલું રાખવામાં એણે કોઈ કસર છોડી નથી. એ વાત જુદી છે કે, એન દાવા મુજબ મીના કુમારી સાથે એનું કોઈ લફરૂં નહોતું.

એના પૂરતું એ સાચું ય હશે, પણ છેવટે તો એ ય પૈસા કમાવવા આવ્યો હતો. એ જાણતો હતો કે, એના કસાયેલા દેહાતી શરીર ઉપર મીના આંધળી પાગલ છે અને ફિલ્મે ફિલ્મે ધરમનું નામ સજેસ્ટ કરતી રહે છે એમાં ભ'ઇની કરિયર બનતી હતી. સૉલિડ-બૉડીને કારણે જે નિર્માતાઓને દારાસિંઘ મોંઘો પડતો હતો, એ ધર્મેન્દ્રને લેતા હતા.

મીના કુમારી સાથે એના લફરાની ચર્ચા ખુલ્લેઆમ થતી પણ વખત આવ્યો ત્યારે ધીમેથી પથ્થર નીચેથી હાથ કાઢી લીધો હતો. એ પથ્થરને બીજા ફૂલો (Fools) તૈયારના ભાવે જ મળતા હતા. ગીતકાર ગુલઝાર કે ઉષા ખન્નાના પતિ નિર્માતા-દિગ્દર્શક સાવનકુમાર ટાક અને બીજા ઘણા.

યસ પેલી યાદીમાંથી સન્માનપૂર્વક નિમ્મી કાઢી લેવી જોઈએ, જે આ ફિલ્મની સાઇડ હિરોઇન છે. એનું લફરૂ કોઈ સાથે નહિ એના લેખક-પતિ અલી રઝા સાથે એનો સંસાર વિના રોકટોક ચાલ્યો આવે. આમે ય, ભારતમાં નીલી આંખોવાળા 'રેર કોમોડિટી' ગણાય છે, એટલે ભૂરી આંખોવાળી નિમ્મીના ૩૩.૩૩ ટકા ચાહકો એની આંખોના કારણે ૩૩.૩૩ ટકા ચાહકો એની સુંદરતા માટે અને બાકીના ૩૩.૩૩ ટકા એના ખૂબ સુંદર સ્વાભાવિક અભિનય માટે.

અફ કોર્સ, એના અભિનયમાં મૅલો-ડ્રામાનું પ્રમાણ વધુ રહેતું. મોટા ભાગે તો દરેક ફિલ્મનો હીરો એને છોડી જતો જ હોય. ફિલ્મ પૂરી થાય એ પહેલાં કાં તો એણે વગર 'બ્લૂ વ્હેલ' રમે, આપઘાત કરી લેવાનો હોય ને કાં તો એની સાથે રમત રમી ગયેલા હીરોની શાન ફિલ્મની હીરોઇન ઠેકાણે લાવે.

બીજી એક સાઇડ-હીરોઇન છે, સંધ્યા રૉય. હિંદી ફિલ્મોમાં નામ એવું કોઈ આ બંગાળણનું જાણીતું થયું નહોતું, સિવાય કે દેવ આનંદની ફિલ્મ 'અસલી-નકલી' જોઈ હોય તો લતા મંગેશકરનું એક ગીત, 'લાખ છુપાઓ છુપ ન સકેગા રાઝ ઇતના ગેહરા...' આ સંધ્યા રૉય ઉપર ફિલ્માયું હતું. ઘણી ફિલ્મોમાં હીરોઇનની બહેન કે સખી બનવાના રોલ કરતી ગઈ એમાં હીરોઇન ન બની શકી.

બંગાળમાં એ જાણીતી ખરી-અહી કશું નહિ. એ તો પછી ફિલ્મો છોડીને રાજકારણમાં જોડાઈ અને મોમોતા બૅનર્જીની 'તૃણમૂલ કોંગ્રેસ'માંથી ચૂંટાઈને સંસદ સભ્ય પણ બની. હવે આ આ સંધ્યાનો ટેસ્ટ અને રાજકીય સમજ જુઓ. કોઈ નહિ ને વાત વાતમાં સહુની સાથે ઝગડતી ગુસ્સાથી ભરેલી મોમતા બેનર્જીના પક્ષમાં છે એ.

પ્રાણ સાહેબ એમના જુના પુરાણા ખલનાયકના અંદાજમાં હતા, પણ એમની ખૂબી કહો કે, એ વિલન હોવા છતાં પ્રેક્ષકોને સાદ્યંત ગમતા. એમના 'મેનરિઝમ્સ'ને ફિલ્મે ફિલ્મે બદલાયા કરે - કાં તો મોઢામાંથી સિગારેટની રિંગ કાઢે, કાં તો જોધપુરી-કૉટના કોલરમાં આંગળી નાખીને ફેરવે, પણ પ્રેક્ષકોના એ લાડકા બેશક હતા. એ જાણતા હતા કે, પ્રેક્ષકો એને સિનેમાના પરદા ઉપર જઈને ફટકારે, એટલા ગુસ્સે થાય એવી એક્ટિંગ કરવાની છે અને એમાં એ સફળ થતા.

હીરો ધર્મેન્દ્ર છે, પણ ઍક્ટિંગ માટે તો આજે ય એના વિશે બે શબ્દોથી વધુ તો કંઈ લખાય એવું નથી. એ જે હોય તે, પણ મુહમ્મદ રફીનો એ અમિતાભ બચ્ચન પછીનો સૌથી લાડકો અભિનેતા હતો. નવસવો આવ્યો, ત્યારે ધરમ ઘણા શિષ્ટ, સૌજન્યપૂર્ણ અને નિર્દોષ હીરોના કિરદારો કરતો. મારફાડી તો 'ફૂલ ઔર પથ્થર' પછી આવી.

કહેવાની કોઈ મજા આવતી નથી કે, આ ફિલ્મમાં મદન મોહનના સંગીતમાં કોઈ ચમત્કૃતિ નથી. એક ગીત પણ ડાબલીમાં વર્ષો સુધી સાચવી રાખીને મૂકાય એવું નથી. આમે ય સ્ટ્રાઇક-રૅટના ધોરણે જોવા જઈએ તો, અગાઉ પણ મદન મોહનની જેટલી ફિલ્મો આવી, એ બધામાં એકાદું ગીત ભારતભરમાં મશહૂર થયું હોય, પણ બાકીના તો આજે ય યાદ આવે નહિ.

શંકર-જયકિશન, નૌશાદ કે ઓ.પી. નય્યર માટે આટલો ફરક પડે, કે એમની ફિલ્મોમાં ૭-૮ ગીતોમાંથી માંડ એકાદું સફળ થયું ન હોય, બાકીના બધા જાણીતા તો થયા હોય. એવો સ્ટ્રાઇક રેટ મદન મોહનનો નહતો. રોશન, ચિત્રગુપ્ત, રવિ કે મદન મોહન લાંબુ ન ચાલ્યા એનું કારણ એમનો પુઅર-સ્ટ્રાઇક રેટ. પૂરી ફિલ્મના દસ ગીતોમાંથી માંડ એકાદુ સુપરહિટ ગયું હોય ! મદન મોહનનો આપણી સાથે પ્રોબ્લેમ એ હતો કે, એની મોટા ભાગની ફિલ્મોના તમામ ગીતોમાંથી મારા-તમારા જેવા ચાહકોને તો લગભગ બધા જ ગીતો ગમતા હોય, પણ એ લોકપ્રિય નહોતા થતા.

સારા ગીતો જ પ્રેક્ષકોને એકની એક ફિલ્મ બીજીવાર જોવા ખેંચી લાવે છે, નહિ તો ઓમપ્રકાશે ઉતારેલી ફિલ્મ 'જહાનઆરા' જેવા મીઠડાં ગીતો બીજી કેટલી ફિલ્મોમાં સંભળાયા છે ? મદનના કમનસીબે, એ ફિલ્મ થીયેટરોમાંથી એક્ઝેક્ટ ચોથા દિવસે ઉતારી લેવી પડી. ફિલ્મ સફળ ન થાય તો એના સંગીતકારને ય ભોગવવું પડે.

ગીતકાર રાજીન્દર કિશનનું ગાન્ડુ ખાતું હતું. જ્યારે લખે ત્યારે ફિલ્મ 'અદાલત' કે 'જહાનઆરા' જેવા બેનમૂન ગીતો સાહિત્યિક કક્ષાના લખે, નહિ તો 'રફતા રફતા દેખો આંખ મેરી લડી હૈ...' લખનાર રાજીન્દર કિશન જ હતા.

એમને માટે કહેવાતું કે ગાડીમાં બેઠા બેઠા સિગારેટના પેકેટ ઉપરે ય ગીત લખી નાંખે અથવા તો અંધારી રાત્રે સંગીતકાર મદન મોહનની ટૅરેસ ઉપર દારૂ પીતા પીતા આખું ગીત લખી નાંખે, 'સાવન કે મહિને મેં, ઇક આગ સી સીને મેં, લગતી હૈ તો પી લેતા હું...' એ કવિ નહિ ગીતકાર હતા, એટલે સાહિત્યને આટલું 'ઇઝી' લઈ લેતા હશે...!

આવા ગીતકારો પાસે કોઈ તેમની ટીકા કરવા (એટલે કે, ધ્યાન દોરવા) જાય તો કહી દે, 'ક્યા કરે... પ્રડુસર લોગ આજકાલ માંગતે હી ઐસે ગાને, તો હમ ક્યા કરે ?'
ગલત. બિલકુલ ગલત. પ્રોડયુસરો તો સાહિર લુધિયાનવીને ય એ જ મળ્યા હતા, પણ સમગ્ર સાહિરમાંથી એકાદી રચના ય આવી ફાલતુ લખાઈ હોય તો બતાવો.


બસ. લતાએ ગાયેલા 'મેરી આંખો સે કોઈ નીંદ લિયે જાતા હૈ...' ગીતમાં મદન મોહને ઉસ્તાદ રઇસખાન પાસે જે સિતાર વગાડાવી છે, તે લતાની ગાયકી જેવી જ કર્ણપ્રિય બની છે. બાકી તો, 'અલ્ટ્રા' કંપનીની ડીવીડી-ઓમાં આડેધડ ગીતો કપાઈ જતા હોય છે, એમ આમાં ય આપણા માનિતા ગીતો ડીવીડીમાં છે જ નહિ !