Search This Blog

27/06/2014

દાલ મેં કાલા ('૬૪)

ફિલ્મ : દાલ મેં કાલા ('૬૪)
નિર્માતા : બીપિન ગુપ્તા
દિગ્દર્શક : સત્યેન બોઝ
સંગીત : સી.રામચંદ્ર
ગીતકારો : ભરત વ્યાસ, પી.એલ.સંતોષી, મજરૂહ સુલતાનપુરી, રાજા મેંહદીઅલી ખાન
રનિંગ ટાઈમ : ૧૪ રિલ્સ
થીયેટર : ખબર નથી
કલાકારો : કિશોરકુમાર, નિમ્મી, અભિ ભટ્ટાચાર્ય, આગા, બીપિન ગુપ્તા, શમ્મી, સુંદર, મોહન ચોટી, સજ્જન, મારૂતિ, કમ્મો, ટુનટુન, મુમતાઝ બેગમ, સુલોચના ચેટર્જી, અશિમકુમાર, કેસ્ટો મુકર્જી, રવિકાંત, બાબુ રાજે, રતન ગૌરાંગ, મુકુંદા બેનર્જી, જેરી.ગીતો
૧. આઈ બલા, લાહૌલવલા, હોય હોય - કિશોર-ચિતલકર
૨. સજન બડે વો હૈ, સનમ બડે વો હૈ - આશા ભોંસલે
૩. ચાંદ ચુપચાપ હૈ, સિતારેં ગુમસુમ - કિશોર કુમાર
૪. લો હો ગઇ શામ, તારેં નીકલ આયે - આશા ભોંસલે
૫. દો આંખે જનાની, દો આંખે મર્દાની - આશા-કિશોર
૬. દુનિયા કે બાઝાર મેં કૈસે કૈસે ખેલ તમાશા - આશા-કિશોર
૭. ઇન આંખોને તુમ્હેં અપના બનાને કી - આશા ભોંસલે

હંમેશા 'અચ્છા' બુઢ્ઢાનો રોલ કરતા બીપિન ગુપ્તા આ ફિલ્મના પ્રોડયુસર છે. આ એકમાં જ પતી ગયા કે બીજી ફિલ્મો બનાવી હશે, તેની મને ખબર નથી. જામેલા દહીં જેવો કડક અવાજ, કાળી ફ્રેમના ચશ્મા, 'મુગલ-એ-આઝમ છાપ મૂછો' અને ઓડિયન્સને ગમે એવા જ કિરદારો નિભાવવાના, એ એમનું આઈ-કાર્ડ. મોટા ભાગે દયાળુ જમીનદાર અને પ્રભાવશાળી ધનવાનના પાત્રમાં હોય...

પણ આ ફિલ્મ 'દાલ મેં કાલા' બનાવ્યા પછી ન તો એ પ્રભાવશાળી રહ્યા હશે, ન ધનવાન. ફિલ્મ જોનારા અમીરો ય હાથમાં અરજીપત્રક પકડીને ગાંધીનગરમાં 'ગરીબ આવાસ યોજના'ની લાઈનમાં ઊભા હોય, એવી ફાલતુ ફિલ્મ હતી આ. લતા મંગેશકરનો ફોટો પૂજાના ઘરમંદિરમાં રાખનારા ભક્તો એ જાણે છે કે, આ પુજામાં પ્રસાદ સંગીતકાર સી.રામચંદ્રના હાથનો મળતો હતો, પણ આ ફિલ્મમાં લતા તો ગાયબ છે... ને લતા ગાયબ હોય, એટલે અન્નાના સંગીતમાં ય કોઈ ઠેકાણા ન હોય, એ ધારાધોરણ મુજબ અહીંયા ય રામભ'ઇએ ભોપાળું જ કર્યું છે. પોતાના સમયના બીજા અનેક સફળ સંગીતકારો કરતા અન્ના બે ગજ ઊંચા હોવા છતાં વેઠ ઉતારવાના પૈસા મળતા હોય, ત્યારે પોતાની શૌહરતનો ય વિચાર ન કરે કે, કેવું ઘટીયા સંગીત હું આપી રહ્યો છું ! જમાનો એ હતો દરેક સંગીતકારોનો કે કિશોરકુમારની ફિલ્મ કરવા મળે તો છવાઈ જવાય. કિશોરનું અસલી વાવાઝુડું તો '૬૯માં ફિલ્મ 'આરાધના' પછી આવ્યું, પણ ત્યાં સુધી તો એ દેવઆનંદને બાદ કરતા બીજા કોઈ હીરોને પ્લેબેક નહોતો આપતો. અપવાદો હતા થોડા ઘણા, પણ તો ય દાદા બર્મન, શંકર-જયકિશન, ઓપી નૈયર કે બાકીના છૂટક છૂટક સંગીતકારોએ આપણને આજ સુધી યાદ આવે, એવા તોફાની વત્તા-મધુરા ગીતો ય ખૂબ ગવડવ્યા છે. જોવાની ખૂબી નહિ પણ ખામી એ છે કે, સી.રામચંદ્ર કિશોરનો અહીં ધમાકેદાર ઉપયોગ થઇ શકે એવો હોવા છતાં કાંઈ કરતા કાંઈ ઉકાળ્યું નહિ. એક ગીત તો મશહૂર થઇ શક્યું હોત...? શીટ... એક અંતરો પણ નહિ.

અન્નાની દાઝી જવાય એવી નિષ્ફળતાનું કારણ તો બધા જાણે છે. ૧૯૫૯માં મુંબઇના ખૂબ જાણિતા સિનેમાઘર 'મરાઠા મંદિર'માં યોજાયેલા ફિલ્મ 'પૈગામ'ના પ્રીમિયરમાં લતા અને અન્ના થોડા વહેલા આવી ગયેલા. જે વાતની જાણ અન્ના-પત્નીને થઇ જતા, ઘટનાસ્થળે આવીને મોટો ધજાગરો કર્યોં અને લતાને પણ અપનામિનત કરી, તેનાથી છંછેડાયેલી લતાએ કાયમ માટે અન્નાને 'કાઢી મૂક્યા'. ગબ્બરના ખૌફથી તો જય-વીરૂને ગામવાળાઓ પાણી કે વ્હિસ્કી ય ન આપે, એમ લતાનો ખૌફ થયા પછી અન્નાની હાલત ધંધાકીય દ્રષ્ટિએ પણ ઝીરો થઇ ગઈ. એમની બધી ફિલ્મોનું સંગીત ફ્લોપ જવા માંડયું. કોઈ લેવાલ પણ નહિ.

આમાં આપણે સમજવા જેવી વાત એ નીકળી છે કે, લતાએ ધાર્યું હોત, તો જે તે સંગીતકાર માટે લતાની બહેન આશા ભોંસલેને પણ ગાવા ન દેત, પણ ધંધામાં મંગેશકર-સિસ્ટર્સ આપણી ભાષામાં 'બહુ જબરીઓ' છે. લત્તા જાણતી હતી કે, એ પોતે નહિ ગાય તો એને મળનારા તમામ ગીતો, ખાસ તો સુમન કલ્યાણપુર લઇ જશે. ગીતા દત્ત અને બીજીઓ ય ખરી, પણ આશા ભોંસલેને છૂટ આપો, તો પૈસો મંગેશકર-ખાનદાનમાં જ આવવાનો છે ! વ્હી. શાંતારામને લતા સાથે આપણી કાઠીયાવાડની ભાષામાં, 'ડખો' પડયો હતો, એટલે આવી જાજરમાન ફિલ્મ નવરંગમાં લતાને ન લેવાઈ, એનો સીધો ફાયદો આશાને થયો 'નવરંગ'ના ગીતોએ આશાની કેરિયર ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી, એ ઈતિહાસ છે, પણ મન્ના ડે ની જેમ આશાનેય સંગીતકારો 'ગરજ સરોને આશા મરો'ની નીતિથી ચલાવતા હતા. એ દ્રષ્ટિએ આ ફિલ્મ 'દાલ મેં કાલા' આશા ભોંસલે માટે કરિયર સુધારનારી બની હોત.... સી.રામચંદ્ર કોઈ સાધારણ સંગીતકાર નહોતા.

પણ વન્સ અગેઇન, અહીં પણ અન્નાએ ધાર્યા કરતા વધારે વેઠ ઉતારી. એક એકથી ચઢે એવા ફાલતુ ગીતો એક જ ફિલ્મમાં ભરી દેવાની અન્નાને ફાવટ હતી, સિવાય કે એ ફિલ્મમાં લતાના ગીતો હોય. અહીં તોલતાએ જ અન્નાને ખોટી જગ્યાએ લાત મારીને કાઢી મૂક્યા હતા અને નવરંગને બાદ કરતા આશાબાઈ પાસે ઉત્તમોત્તમ કામ લેતા ખુદ અન્નાને ય આવડતું નહોતું. કેમ જાણે અન્નાની કરિયર કેવળ લતાના ચરણોમાં સમૃધ્ધ થવા કે રગદોળાવા સર્જાઈ હોય. ઓર તો ઓર... અન્ના સ્વભાવે તોફાની સંગીતકાર ! હિંદી ફિલ્મોમાં 'આના મેરી જાન મેરી જાન, સન ડે કે સન ડે...' જેવા તોફાની ગીતોનો પ્રારંભ જ અન્નાએ કર્યો, એ હિસાબે અહીં તો તોફાનોના મહાસાગર કિશોરકુમાર પાસે કામ લેવાનું હતું... !
...સાલુ, એક ગીતમાં ઠેકાણું નહિ ! ભલે એક ગીત તો એક ગીત... કિશોર પાસે ફિલ્મ 'અધિકાર'માં 'તિકડમબાઝી' જેવું ઝક્કાસ ગીત ગવડાવીને આપણા ગુજરાતી સંગીતકાર અવિનાશ વ્યાસે કિશોરના વિન્ટેજ-ફેવરિટ ગીતોમાં તો પોતાનું નામ અંકિત કરી દીધું. અન્નાની છેલ્લી છેલ્લી ફિલ્મો જુઓ... 'દાલ મેં કાલા' તો કુછ નહિ, ભાઈસા'બ... એનાથી ય વધુ ભંગારના પેટનો માલ ઉતાર્યો હતો.

અર્થાત્, આ ફ્લોપ ફિલ્મને એના મહાન સંગીતકાર પણ ઉગારી ન શક્યા. ફિલ્મ વધુ બેકાર નહોતી, થોડી બેકાર હતી અને કિશોરની સાથે તત્સમયની સમજો ને... બધી હીરોઇનોને કામ કરવાની ગમ્મત પડી જતી, એમ નિમ્મીએ મને પોતાને કીધેલી વાત છે કે, 'મેં આટલા બધા હીરો સાથે કામ કર્યું, પણ હું સૌથી વધારે કમ્ફર્ટેબલ કિશોર સાથે હતી. એ હોય એટલે કામનું કોઈ ટેન્શન જ નહિ. હસતા હસતા એકટિંગ કરે જાઓ.' નિમ્મી રાજકપૂરની શોધ હતી. મેહબૂબખાનની ફિલ્મ 'અંદાઝ'નું જસ્ટ... શૂટિંગ જોવા આવેલી નવાબ બાનુનું સૌંદર્ય અને ખાસ કરીને તપખીરીયા રંગની એની આંખો રાજને ગમી ગઈ. ફિર ક્યા...? નવાબ બાનુ ફિલ્મ 'બરસાત'ની હીરોઇન નિમ્મી બની ગઈ. રાજકપૂરને 'નિમ્મી' નામનું ઓબ્સેશન હતું અને શરૂઆતની ફિલ્મોમાં એની હિરોઈનોના નામ 'નિમ્મી' રાખતો. છોકરી ફક્ત ખૂબસુરત જ નહિ, સારી અભિનેત્રી પણ હતી, એટલે દિલીપકુમારની સામે 'આન'માં પૂરેપૂરું કૌવત બતાવી દીધું. એ પછી તો અનેક ફિલ્મો આવી.

ઓસામા બિન લાદેન પાકિસ્તાનના જે શહેરમાં મરાયો, એ ઍબોટાબાદમાં બાળપણ ગુજારી ચૂકેલી નિમ્મીની માં વહિદનબાઈ લખનૌની તવાયફ હતી. વહીદનની બહેન જ્યોતિ ગાયિકા અભિનેત્રી હતી અને લૂઝ કેરેકટરને કારણે બહુ વગોવાયેલા ગાયક જી.એમ.દુરાણીની પત્ની હતી, દુરાણીને તમે ફિલ્મ 'લાલ પથ્થર'માં મુહમ્મદ રફીના પ્લેબેકમાં કિમતી ગીત, 'ઉનકે ખયાલ આયે તો આ કર ચલે ગયે...' ગીત તાનપુરા પર ગાતો જોયો છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ 'બેશરમ'માં દુરાણી બિંદુનો પિતા બને છે. નિમ્મી પોતાની પહેલી ફિલ્મ 'બરસાત'ના સંવાદ લેખક અલી રઝા સાથે પરણી ગઇ. અલી રઝાએ નિમ્મીની જ બે ફિલ્મો 'આન' અને 'અમર'ના ડાયલોગ્સ પણ લખ્યા હતા. આ અલી રઝા વિખ્યાત લેખક આગાજાની કશ્મિરીનો ભત્રીજો થાય. છેલ્લે છેલ્લે નિમ્મી ધર્મેન્દ્ર-નંદાની ફિલ્મ 'આકાશદીપ'માં આવી... સાલ હશે કોઈ ૧૯૬૫ની. પણ કે.આસીફની આખરી અને વિવાદાસ્પદ ફિલ્મ 'લવ એન્ડ ગોડ'માં (૧૯૮૬)માં એ સંજીવકુમારની સાથે ચમકી હતી. ફિલ્મ રિલિઝ થઇ હતી '૮૬માં પણ બનતી તો હતી છેલ્લા વીસેક વર્ષોથી. મૂળ હીરો ગુરુ દત્ત હતો. પણ એની જેમ આ ફિલ્મ સાથે સંકળાયેલા આ અનેક કલાકાર-કસબીઓ ગૂજરી જવા માંડયા, એમાં બચી ગઈ એક માત્ર નિમ્મી. પરિણામે ફિલ્મ આટલી મોડી રીલિઝ થઈ.

ફિલ્મ 'દાલ મેં કાલા'માં સજ્જન જેવા અસરકારક કલાકારને સાવ છોટો રોલ આપવામાં આવ્યો છે, એ નવાઈ લાગે. સજ્જન તો જો કે પોતે ભારે નિખાલસતાપૂર્વક કહેતો કે, 'હું કોઈ ગ્રેટ એકટર નહતો અને મારૂં નામ 'ગ્રેટ'માં મૂકાય, એવો કોઈ રોલ મેં કર્યો નથી. છેલ્લે છેલ્લે અરૂણ ગોવિલ સાથે ટીવી સીરિયલ 'વિક્રમ વેતાળ'માં એ વેતાળ બનીને વિક્રમના ખભે ચઢી જતો. એ પહેલા તમને ખાસ યાદ રહી જાય એવો એનો રોલ કિશોર કુમારની ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'માં મધુબાલાના મંગેતરનો હતો. જીતેન્દ્ર-બબિતાની ગોલ્ડન જ્યુબિલી ફિલ્મ 'ફર્ઝ'માં એ બબિતાનો બાપ બને છે. અમારા વડિલ દોસ્ત તુષાર માંકડના ફેવરિટ ગીત 'અપની નઝર સે, ઉનકી નઝર તક, એક જમાના એક ફસાના' ગીત સજ્જન ઉપર ફિલ્મ 'હમલોગ'માં ફિલ્માયું હતું. નૂતન હતી હીરોઇન, પણ ફિલ્મ ભલે ફ્લોપ ગઇ, પણ જેના ગીતો આજ તક સજ્જાદ હુસેનના બેનમૂન સંગીતને કારણે ખ્યાતનામ થયા હતા, તે મારા જેવા લતા-પાગલોની ફિલ્મ 'સૈયા'માં સજ્જન મધુબાલાનો હીરો હતો. આ ફિલ્મ હોલીવૂડની ફિલ્મ 'ડયુએલ ઇન ધ સન'ની સીધી ઉઠાંતરી હતી, જેમાં ગ્રેગરી પેકવાળો બદમાશ ભાઈનો રોલ સજ્જને કર્યો હતો. સજ્જન માટે આ ફિલ્મ પૈસા અને શોહરત સાથે બહુ લાડકી બની હતી, એટલે એણે પોતાના બંગલાનું નામ પણ 'સૈયા' રાખ્યું હતું. પૈસે ટકે બર્બાદી આવતા એ બંગલો ભાડે આપી દેવો પડયો હતો. એકટર-નિર્માતા બિપીન ગુપ્તાએ સજ્જનને આ ફિલ્મ 'દાલ મેં કાલા'માં બેવકૂફ જ બનાવ્યો. વાર્તા કંઇક સંભળાવવામાં આવી અને ફિલ્મ બની ત્યારે કપાઈ-ઝપાઈને સજ્જનનો રોલ સાવ ફાલતુ અને ટુંકો બની ગયો હતો.

ફિલ્મની વાર્તા મગજ સાસરે મૂકીને સમજવી પડે... અર્થાત્ કોઈને ન સમજાય એવી બની હતી. ધનવાન બિપીન ગુપ્તાના માણસો ભૂલમાં કિશોર કુમારને પ્રોફેસર સમજીને ઘરે લઇ આવે છે અને જે પ્રોફેસર હતો, તે અભિ ભટ્ટાચાર્યને ઓમપ્રકાશની નાટક કંપનીવાળા હીરો-ગાયક સમજીને પોતાને ત્યાં જબરદસ્તી લઇ આવે છે. આગા કિશોર કુમારનો ચમચો હોવાથી કિશોરની સાથે સાથે એ ય ઘસડાઈ આવે છે. ફિલ્મોના ગણિત મુજબ ત્યાં જઇને કિશોરે હીરોઇન નિમ્મી અને આગાએ સાઇડ હીરોઇન શમ્મીના પ્રેમમાં પડવાનું હોય છે. મૂળ તો બન્ને ખિસ્સાકાતરૂઓ છે અને નિમ્મીને આ વાતની જાણ થઇ જતા કિશોરને કાઢી મૂકે છે. અભિ ભટ્ટાચાર્ય મૂળ સ્થાને પાછો આવતા સઘળો ભાંડો ફુટે છે, પણ તેથી નિમ્મીના પિતા બિપીન ગુપ્તાને કોઈ ફરક પડતો નથી. પોલીસની હાજરીમાં બધું સાબિત થઇ જવા છતાં એ કિશોરને સજ્જન જ માને છે. પછી ફિલ્મ નિયત સમયમાં પૂરી કરવાની હોવાથી, દિગ્દર્શક આ બધી બબાલોમાં પડવા માંગતા નથી. વાર્તા લેખકની જેમ એમને ય ખબર પડતી નથી કે, ફિલ્મનો અંત કેવી રીતે લાવવો ! બસ, ફિલ્મોમાં આવી કશી ખબર ન પડે તો 'ધી એન્ડ' એના નિર્માતાઓ કરતા દર્શકોને વધુ વહાલો લાગે છે.

યસ. ફિલ્મની એક માત્ર રાહત કિશોર કુમારને જોયે રાખવાની આવે છે. એની પાસે કોમેડીનો જે કોઈ માલ પડયો હતો, તે બધો વાપરીને હસાવવાનો પ્રયાસ કરે છે... બાકી બધું જે શી ક્રસ્ણ.

25/06/2014

ઘર કે બુધ્ધુ ઘર કો આયે !

ઈન્ડિયા પાછા આવવા માટે ન્યુયૉર્ક-અમેરિકાના જહૉન એફ. કૅનેડી ઍરપૉર્ટથી 'ઍમિરેટ્સ'માં ઉપડયા પછી પહેલો હૉલ્ટ આપણા 'રાષ્ટ્રભાભી' સોનિયાજીના ઈટાલીના મિલાનો શહેરના ઍરપૉર્ટ પર હતો. આપણા દેશમાં સોનિયાજી હિંદી બોલી શક્તા નથી ને એમના દેશમાં કોઇ ઇંગ્લિશ બોલી શક્તું નથી. મિલાનો ઍરપૉર્ટ પર જે કાંઇ શૉપ્સ છે, ત્યાં કાંઇ પણ ખરીદવું-પૂછવું હોય તો ઘેરથી ઇટાલિયન શીખીને જવું પડે. આવડતું હોય તો ય ઈટાલિયનો ઇંગ્લિશ બોલતા નથી. હશે... ના બોલે તો એમની બહેનોના લગ્ન કરાવવા જાય... ઍરપૉર્ટ પર મારે ઑલમોસ્ટ ૪૦-૫૦ રૂપિયાનું ગંજાવર શૉપિંગ કરવું હતું.... મોંઘો ઘરાક એ લોકોએ ખોયો. મારી સાથે આપણી સત્યાગ્રહ છાવણીના અક્ષય શાહ હતા. ન્યુયોર્ક ઍરપૉર્ટ પર વૅઇટિંગ લાઉન્જમાં મારી સામે બઠા હતા. મને ઓળખી કાઢ્યો, 'તમે અશોક દવે છો ?' જગતભરનો આ એક જ સવાલ છે, જેની મેં કદી ના પાડી નથી. બસ. એ પછી ઠેઠ અમદાવાદ સુધી એમની મજાની કંપની મને મળી ગઇ. એમની શું હાલત હશે, તે પૂછવાનું રહી ગયું.

દુબાઇ ઍરપૉર્ટ પર છ કલાકનો હૉલ્ટ હતો ને આંખોમાં ચિક્કાર ઊંઘો હળવળતી હતી. ઊંઘને મારી મારીને સુમડી બનાવી દેવી પડે. કરવાનું શું બીજું ? વારાફરતી ત્યાંની એક એક શૉપમાં અમે લટાર એવા શાહી અંદાજથી મારતા કે, અમદાવાદી કપડાં પહેરીને બે આરબો સ્ટાફ સાથે આખી શૉપ ખરીદવા આવ્યા હોય, એવો અમારો પ્રભાવ હતો. વિન્ડો-શૉપિંગમાં ખરીદીનો જે આનંદ મળે છે, તે ઍકચ્યૂઅલ શૉપિંગમાં ન મળે. શિકાગોના 'લૅમ્બર્ગિની' શૉરૂમમાં એ લોકોએ મને રૉલ્સ રૉયસ, મૅઝેરાટી, મસ્ટાંગ, લૅમ્બર્ગિની કે જેગુવાર જેવી મોંઘી ગાડીઓ ખરીદવાની ઑફર કરી હતી. દોઢેક કરોડથી તો કોઈ સસ્તી નહિ. અને આમે ય, વિન્ડો-શૉપિંગમાં હું કદી સસ્તી ચીજોમાં હાથ નાંખતો નથી. મેં વાઇફ માટે એક 'લૅમ્બર્ગિની' પસંદ કરી... અને ના લીધી. મેં સાડા ત્રણ કરોડ રૂપીયા બચાવ્યા.

મારી આવી બચતો બહુ ! ન્યૂજર્સીના 'મૅસી'' શૉપિંગ મૉલના Godiva ('ગડાઇવા') સ્ટોરમાં જગતની સૌથી મોંઘી ચૉકલૅટો મળે. સમજો ને, અમદાવાદમાં જે સાઇઝની 'કૅડબરીઝ' રૂ. ૧૦૦/-ની આસપાસ મળે, એવું 'ગડાઇવા'નું નાનું પૅકેટ પણ મિનિમમ રૂ. ૪-૫ હજારથી તો શરૂ થાય. એક એક બચકું હજાર-હજારમાં પડે, 'ગડાઇવા'ના સ્ટૉરમાંથી લખોટીની સાઇઝની એક નાનકડી ચૉકલૅટ પણ નહિ લઇને મેં મારા દેશનું કિંમતી ધન વિદેશમાં ઘસડાઈ જતું બચાવ્યું, પણ દુબાઇના ઍરપૉર્ટ પર પેલી 'ડયૂટી-ફ્રી' શૉપમાંથી સોમરસની શીશીઓ ખરીદવાની લાલચો કાંઇ ઝાલી નો રિયે ! 'બ્લૅક-લૅબલ' કરતા 'ડબલ બ્લૅક'માં વ્હિસ્કી વધુ કાળી હશે, એમ સમજીને મેં ડબલનો મારો રાખ્યો. હજી સુધી જૈન-વ્હિસ્કીઓ માર્કેટમાં મળતી ન હોવાથી અક્ષય શાહે આવું એકે ય દ્રાવણ ખરીદવામાં રસ ન લીધો. કહે છે કે, જૈનો જે જે ચીજોમાં રસ લે છે, એ તમામ રસો ય કાંદા-લસણ વગરના હોય છે. બોલો !

મેં તો સાંભળ્યું હતું કે, દુબાઇની ડયૂટી-ફ્રી શૉપમાંથી ફક્ત બે જ બૉટલ લઇ જઇ શકાય છે, જેમાંની એક આપણે ઘેર જઇને પીવાની અને એક અમદાવાદ ઍરપૉર્ટના સાહેબનું મન રાખવા લેવાની. પણ અમદાવાદના ઍરપૉર્ટ પર એવું કશું જોવા ન મળ્યું. કોઇ પૅસેન્જરને કોઇ પરેશાની નહિ... કોઇને હેરાન કરીને મોંઘી ચીજો પડાવી લેવાની ખોરી દાનત કમ-સે-કમ અમદાવાદના ઇન્ટરનેશનલ પર તો જોવા ન મળી.

ઈટાલી સુધી બધું બરોબર હતું, પણ દુબાઇમાં ચારે બાજુ આપણા દેસીઓ જ દેસીઓ જોવા મળે, એમાં ખભે લુગડાંની થેલીમાં કરવત, રંધો ને લાપી, અસ્તરવાળા ય કોક બાંકડે આડા પડેલા દેખાય. આપણી ગુજરાતી ૫૦-ઉપરની દેસી સ્ત્રીઓ અમેરિકામાં આપણને શરમ નહિ, પણ હસવું આવે એવા પાટલૂન-જીન્સ અને સ્કર્ટ પહેરીને લટકમટક નીકળી હોય, તે એમ ફરવાની જાહોજલાલીનું આ દુબાઇ છેલ્લું સ્થળ. એમને પાછળથી (આપણા ભોગ લાગ્યા છે કે, 'ધારી ધારીને' જોઈએ ? ઇન્ડિયા આવીને સાલી એમની બાઓ ય આપણી ઉપર ખીજાય !) જોઇએ તો એક ધારણા નીકળી આવે કે, નારણપુરા વિસ્તારમાં કોઇ નવા બનતા ઍપાર્ટમૅન્ટની બહાર મૂકી રાખેલી રેતી આ માતા-બહેને જીન્સના પાછળના ભાગમાં ભરી રાખી હશેે. એ વિના સેલરનો આવો સમૃધ્ધ આકાર પકડાય નહિ. આવી માતા-બહેનોને અરીસા સામે એક મોટો ફાયદો કે, ચહેરો કેવો દેખાય છે, એટલી જ અરીસાને ફિકર... કમર નીચેના આકારો દેખાડે, એવા અરીસા જ ઘરમાં નહિ ઘાલવાના ! બસ, ઇન્ડિયા આવીને તો પહોળા પહોળા હાડલાઓ જ પહેરવાના છે, એટલે જેટલા જલસા કરવા હોય, એ દુબાઇ સુધીમાં કરી લેવાના... સુઉં કિયો છો ?

દુબાઇની માસીના દીકરા થતા મીડલ-ઈસ્ટના કતાર ઍરપૉર્ટ ઉપર તો કડક નિયમો આવી ગયા છે, કેવા કપડાં નહિ પહેરવા અંગેના ! પણ દુબાઈમાં ય કોઇ હિંમત ન કરે. નૉર્મલી, અમેરિકાના કોઇ પણ સ્થળે રસ્તા વચ્ચે આપણી નજર સામે બે જણા એકબીજાને ચોંટેલા હોય (બે જણા એટલે, એક પુરૂષ અને એક સ્ત્રી સમજવાના !) ને કોઇને એમની સામે જોવાની ફૂરસત, પડી કે સમય પણ ન હોય, કારણ કે એ પોતે ય ક્યાંક ચોંટેલા હોય.. ! બધા કાંઇ આપણા જેવા કરમ-બુંદિયાળો થોડા હોય.. ? (આ તો એક વાત થાય છે !) મારી ફ્લાઇટમાં એક બાજુ ધોઇળો અને બીજી બાજુ ધોઇળી હતી. ધોળીયાની તો સામું જોવાનો અહીં ટાઇમ જ કોની પાસે હતો, પણ ધોયળીની સ્કીન મુલાયમ, વાળ સિલ્કી, આંખો હૅઝલ, કપાળ ઉપર તેજ, ગુલાબી ચીઝની બબ્બે પટ્ટીઓ ચોંટાડી હોય એવા હોઠ, આંગળીઓ લાંબી, પગ ઢાંકેલા અને ઉંમર હશે કોઇ મારા જેટલી ! હું ઊંચ-નીચ કે રંગભેદમાં માનતો નથી, એટલે ધોયળીને પણ માં-બહેન નહિ સમજવાની ! હવે કોઇને પંખો ચાલુ કરવો હોય તો કરો !

પણ પાછળની સીટો ઉપર બે જણા બહુ ગાઢ રીતે ચોંટેલા હતા અને મોટે મોટેથી વાતો કરતા હતા. અમેરિકનોમાં આવા દ્રષ્યો સામાન્ય છે, એટલે આવતી-જતી ઍરહૉસ્ટેસો કે પૅસેન્જરોને આમાં કાંઇ નોંધવા જેવું ન લાગ્યું. પણ આપણાવાળી ધોયળીને ડિસ્ટર્બ થવા જેટલું ચોક્કસ લાગ્યું. અમેરિકાથી ઉપડયા પછી પહેલીવાર એણે મ્હોં ખોલ્યું (ફક્ત વાત કરવા) અને મને કહે, 'How these people behind keep on making constant noise... ! They don’t bother about others...! (પાછળ બેઠેલાઓ કેવો ઘોંઘાટ કરે જાય છે ? બીજાઓની એમને પડી જ નથી !)

હું તો આવી ફરિયાદો કરવાને બદલે, 'જુર્મ કા બદલા જુર્મ'ની થીયરીમાં માનું અને એવો જ વળતો હૂમલો કરૂં, પણ ધોયળી સમજવી જોઈએ ને ! આ તો એક વાત થાય છે ! બહુ લાંબુ ખેંચવાને બદલે મેં સ્માઇલ સાથે આપણા ગુજરાતી લહેકાવાળા ઇંગ્લિશમાં, 'યા યા....' કહી દીધું. (આ તો આપની જાણ ખાતર ઃ 'બાય વન-ગૅટ વન ફ્રી'ની શરૂઆત ગુજરાતીઓએ એક 'યા' ની સાથે બીજું 'યા' ફ્રી આપીને કરી હતી. ગુજરાતીમાં આ 'યા... યા'નો અનુવાદ થાય છે, 'યા....યા' !) પણ ધોયળી મારાવાળા 'યા...યા'નો અર્થ ના સમજી અને મેં જાણે એને ફક્ત 'યા...યા' જ કીધું હોય, એમ એ તાનમાં આવી જઇને પબ્લિક-ડીસન્સી વિશે બોલવા માંડી. અમેરિકાના કોઇ સાહિત્યકારે જાહેર-વિવેક વિશે કેવું સુંદર મજાનું પુસ્તક લખ્યું છે, એની વાતો કરવા માંડી. સાલું, એની વાતોમાંથી મારે કાંઇ કમાવાનું તો હતું નહિ, પણ આપણને એમ કે, સંબંધો રાખ્યા હોય તો પ્લૅનમાંથી નીચે ઉતરતા સુધીમાં કોઇ કામમાં આવે. મેં એને પણ માહિતી આપી કે, 'અમારા ઇન્ડિયાના મહાન સાહિત્યકાર શ્રી અશોક દવેએ પણ, 'પાછળની સીટ પર બેઠેલાઓ પાસેથી શું શીખવું જોઈએ, એના ઉપર અનેક પુસ્તકો લખ્યા છે...' તો ધોયળી તો જાણે કોઇ હાસ્યલેખકના પુસ્તકની વાતો સાંભળતી હોય, એમ હસવા માંડી. ... તારી ભલી થાય ચમની ! સાલું, મારા ઍકચ્યૂઅલ હાસ્યલેખો ઉપર કોઇ હસતું નથી અને અહીં હું એને જીવસટોસટની વાતો સમજાવી રહ્યો હતો, તો બધું હસવામાં કાઢતી હતી. એ એની જ વાતો ઉપર ઉપડી હતી, એમાં એક તબક્કો એવો આવ્યો કે, પાછળ બેઠેલા પેલા બંનેએ અકળાઈને ઊંચા થઇને અમને જરા ધીમે વાત કરવાની રીકવૅસ્ટ કરી ! અમદાવાદ આવતા સુધીમાં મારી સાથે સંબંધો સારા રાખવાનો એનો હેતુ તો પછી સમજાયો. ઑવરહૅડ લગેજ બૉક્સમાંથી એની ભારેખમ બૅગ મારે ઉતારી આપવાની હતી. 
***
'આઇ ગયા....?'

અમેરિકાથી આવ્યા પછી રોજ આ સવાલનો જવાબ આપવો પડે છે. મને આખેઆખો ફૂલપીસ જોવા છતાં બધાનો સવાલ આ જ રહે છે, 'આઇ ગયા ?'

'ના. હું હજી આખો નથી આયો. અત્યારે તો મારી બે કીડનીઓ જ આવી છે. હું હજી ન્યુયૉર્કના કૅનેડી ઍરપૉર્ટ પર ઉભો છું.' આવું મારાથી નથી કહેવાતું.


સિક્સર

- ન્યુયૉર્કમાં ભારતીય દૂતાવાસ (ઇન્ડિયન કૉન્સ્યૂલૅટ જનરલ)ની ડિનર-પાર્ટીમાં 'ડૅન' (ડૅનિયલ) નામના એક ધોળીયાએ મને પૂછ્યું, 'મિસ્ટર ડૅવ.. હાઉ ડૂ યૂ લાઇક ધીસ કન્ટ્રી ?' (તમને આ દેશ કેવો લાગે છે ?)
- મેં કહ્યું, 'તું ઇન્ડિયા આવે અને હું તને આ સવાલ પૂછું અને તું જે જવાબ આપે... એવો !'

(પાર્ટી પૂરી થઇ ત્યાં સુધી ડૅન એની ગુજરાતી પત્ની સ્વિટી ક્રિશ્ચિયનને પૂછતો રહ્યો, 'વૉટ ડીડ ડૅવ ટેલ મી ?' (આ દવે મને શું કહી ગયો ?)

22/06/2014

ઍનકાઉન્ટર : 22-06-2014

* સાંભળ્યું છે કે, આવતી આઈપીઍલમાં તમે અને ડિમ્પલ સાથે મળીને ફ્રૅન્ચાઇઝી લેવાના છો ?
- વેપારમાં પ્યાર નહિ... ! હાલમાં પ્રીતિ ઝીંટા નવરી પડી છે. એની ઑફર આવશે તો વિચારીશું.
(અભિષેક ઓઝા, ભાવનગર)

* ભવિષ્યમાં સની લિયોનનું સ્મારક બને તો ગાઇડ મુલાકાતીઓને શું સમજાવે?
- સમજાવવા પડે એટલે દૂર મુલાકાતીઓ ઊભા ન હોય !
(મધુકર માંકડ, જામનગર)

* સિંહોના ટોળા ન હોય, છતાં આજકાલ સિંહો ટોળામાં કેમ જોવા મળે છે ?
- ખોટા આક્ષેપો ન કરો. કયે દહાડે મને બીજા લેખકો સાથે જોયો ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* અશોકજી, પોસ્ટકાર્ડની કદર કરનારા તમે એકલા હતા.. એ પણ બંધ ?
- ટપાલીઓનું યુનિયન મને ફૂલની માળા પહેરાવવા આવ્યું હતું.
(નૂતન ભટ્ટ, સુરત)

* 'હું તો ખોબો માંગુ ને દઇ દે દરિયો..' ઓલી ખોબો જ માંગે છે, તો દોઢું સું કામ થાવું જોય ?
- કાલ ઉઠીને ઇ ખોબે ખોબે પ્રવાસે નીકળી નો પડે, ઇ હાટું !
(સુશાંત બારડ, રાજકોટ)

* તમે હજી ડૅટ્રોઇટમાં હો, તો હું તમને 'ડ્રિન્ક્સ' માટે ઈન્વાઈટ કરવા માંગું છું.
- ઈન્વાઈટ જ કરવાના હો, તો મારા ઇન્ડિયા ગયા પછી કરજો ને.. 'ડ્રિન્કસ' માટે તો હું ડૅટ્રોઇટ જ નહિ, મારા ઘરની નીચે ય આવવા તૈયાર છું.
(કે. બી., ડૅટ્રોઈટ-અમેરિકા)

* તમારી હાજરી હોય ત્યાં પંખો બંધ જ કેમ હોય છે ?
- આપણને જરી એ.સી.ની ફાવટ વધુ ...!
(રજનીકાંત જી. ઘૂંટલા, મુંબઈ)

* 'ઍનકાઉન્ટર'નો મતલબ તમારી દ્રષ્ટિએ શું છે ?
- એજ કે, હું બહુ દીર્ઘદ્રષ્ટિવાળો માણસ છું.
(ઊર્મી જોશી, વિથોન-નખત્રાણા)

* 'બુધવારની બપોરે'ની જેમ 'સોમવારની સવારે' ચાલુ કરો તો ?
- અમારા આગામી આકર્ષણો જોતા રહો, 'મંગળવારની મધરાતે....'
(ભાવેશ પરમાર, મુંબઈ)

* એક રૂપિયાના ૬૦-ડૉલર... આવું ક્યારે થશે ? ને થાય તો આખું ભારત પંખાને બદલે એ.સી. વાપરતું થઇ જાય... જો કે, મને તો આપણો 'પંખો' જ વધારે ગમે છે...
- બસ... પ્રોમિસ આપ્યા મુજબ, મોદી અમેરિકનોને ઇન્ડિયાનો વિસા લેવા લાઇનમાં ઊભા રાખે ત્યારથી !
(રૂચિ ભદે, મેરિએટા-જ્યૉર્જીયા, અમેરિકા)

* માં-બાપ બાળકોને નાનપણથી જ પૉલિટિક્સથી દૂર કેમ રાખે છે ?
- એ તો જે મમ્મી-પાપાઓ છોકરાઓને ડોબા રાખવા માંગતા હોય, એ આવું કરે !
(શ્વેતા જોશી, વડોદરા)

* અમેરિકન મકાઇ અને અમેરિકન માણસ વચ્ચે શું ફેર ?
- માણસના છોતરાં ઉખાડી ઉખાડીને દાણેદાણો ખવાય.. મકાઇ નહિ !
(કમલેશ ધોળકીયા, વડોદરા)

* કયા રાજકારણીને ભ્રષ્ટાચારથી પર ગણી શકાય એમ છે ?
- જેની ઉપર આક્ષેપો થયા હોય એ.
(રાજેશ પંચાલ, અમદાવાદ)

* સાચો ગુજરાતી કોને કહેવાય ?
- જે મારવાડીની દુકાનમાંથી ખરીદેલો માલ મહિનો વાપરીને પાછો આપી આવે!
(દીના અશોક મકવાણા, રાજકોટ)

* સાચો 'ઇન્ડિયન' કયાં શોધવો ?
- ગૂગલમાં.
(રિયાઝ જમાની, અમદાવાદ)

* તમારા મતે નરેન્દ્ર મોદી અને ઓબામા વચ્ચે શો તફાવત ?
- 'ઓબામા કે પાસ માં નહિ હૈ.. સિર્ફ વાઇફ હી હૈ !'
(યશ ઉલ્કેશભાઈ મોદી, અમદાવાદ)

* હું 'ઍનકાઉન્ટર'નો એવો વાચક છું, જેનો જવાબ આપ આપી શકતા નથી...
- લાઇનમાં આય, ભ'ઈ !
(હાર્દ કબીર, ગાંધીનગર)

* તમે આપેલા જવાબથી તમને હસવું આવે ખરૂં !
- હહહહહ હાહાહાહા !
(વિજય ધરાજીયા, સુરેન્દ્રનગર)

* શું આપના મતે હવે વૉટિંગ પણ ઈ-મૅઈલથી કરવું જોઇએ ખરૂં ?
- મૅરેજ પણ !
(ઉમંગ બી. દૈયા, ડીસા)

* અમિતાભ બચ્ચન અને સુનિલ ગાવસકર પણ 'કપિલની કૉમેડી નાઇટસ'માં આવી ગયા. તમે ક્યારે ?
- જુઓ. આજના એક જ હપ્તામાં આપણે એ ત્રણે ય ને 'ઍનકાઉન્ટર'માં બોલાવી લીધા ને ? જેવો જેનો વિવેક-વિનય !
(નિહાર કક્કડ, રાજકોટ)

* મારી ફિયાન્સી મને કાયમ પૂછે છે, 'પ્રેમ અને વહેમ' વચ્ચે શું તફાવત ? મારે શું જવાબ આપવો ?
- બસ... એ આ સવાલ મને પૂછે તો જવાબ તમને મળી જશે !
(મિત દરજી, અમદાવાદ)

* 'અફૅયર' અને 'લવ' વચ્ચે શું ફરક હોય છે ?
- 'અફૅયર'માં ઘર-ઘર ના રમાય.
(જીનાલી સોજીત્રા, સુરત)

* હું ઘણા વખતથી 'ઍનકાઉન્ટર' વાંચું છું, પણ કદી સવાલ પૂછી શક્યો નથી. શું હવે પૂછી શકું ?
- પહેલા તમારી બા ને પૂછી જુઓ... એ ખીજાય નહિ તો મને પૂછો.
(આનંદ રાવળ, ગીલોસણ-મેહસાણા)

* આજકાલ મોટા ભાગના કૉલમિસ્ટો કિલષ્ટ ભાષા વાપરે છે. તમે સરળ ભાષા વાપરો છો. કોઇ મજબુરી છે ?
- આ 'કિલષ્ટ' એટલે શું ?
(કનુ જાની, અમદાવાદ)

* મૅરેજ કરવા માટે છોકરીની કઇ લાયકાત જોવાય ?
- એ જ કે, એ છોકરી છે કે નહિ !
(ભાવેશ કે. પટેલ, વડોદરા)

* 'કૉમેડી વિથ કપિલ'માં શું જરૂરી છે કે, પુરૂષોએ સ્ત્રીના કપડામાં જ આવવું પડે ?
- ઘણી વાર બહાર-બહારથી ખબર નથી ય પડતી !
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

20/06/2014

'ગુડ્ડી' (૭૦)

ફિલ્મ : 'ગુડ્ડી' (૭૦)
નિર્માતા : રોમુ એન.સિપ્પી
દિગ્દર્શક : ઋષિકેશ મુકર્જી
સંગીત : સલિલ ચૌધરી
ગીતો : ગુલઝાર
રનિંગ ટાઈમ : ૧૩-રીલ્સ
થીયેટર : નટરાજ (અમદાવાદ)કલાકારો : જયાભાદુરી, સમિત ભાંજા, ઉત્પલ દત્ત, સુમિતા સાન્યાલ, અસરાની, એ.કે.હંગલ, આરતી, કેસ્ટો મુકર્જી, લલિતા કુમારી, શીરાઝ, મેહરબાનુ, રામમૂર્તિ, ચંદ્રા, ભાગવત, યોગેન ગુપ્તા,

મહેમાન કલાકારો : અશોક કુમાર, ધર્મેન્દ્ર, દિલીપકુમાર, રાજેશ ખન્ના,વિમી, ઓમપ્રકાશ

ગીતો

૧. હમ કો મનકી શક્તિ દેના, મનવિજય કરે... વાણી જયરામ
૨. બોલે રે પપીહરા, પપીહરા, ઇત ઘન ગરજે... વાણી જયરામ

૭૦ ની સાલ એટલે મારી ઉંમરના નૌજવાનોની પૂરબહાર જવાનીની મૌસમ ! ફિલ્મોની ઝન્નાટ અસર આપણા સહુ ઉપર હતી. જવાનીઓ ફફાટફાટ થતી હતી. આ સાલમાં મારાથી ય દસ-દસ વર્ષ મોટા જવાનો ય ઘરડાં નહોતા થઇ ગયા. અમે શમ્મીકપૂરો કે રાજેન્દ્રકુમારોમાં પડયા હોઈએ ને એ લોકો કાંઈ બલરાજ સાહની કે અશોક કુમારોના ફોટા વોલેટમાં નહોતા રાખતા. એ લોકો ય અમારી વૈજયંતિમાલાઓ કે નંદાઓમાં 'ભાગ લેતા...' બોલતા ભૂખાવડાઓ આવી પોંચતા આપણા જેવા સંસ્કારી છોકરાઓના તો જીવો બળી જાય કે, 'રાખોને તમારી લીલા ચીટણીસો, સુલોચનાઓ, લલિતા પવારો તમારી પાસે... અમે એમાં ભાગો પડાવવા આઈએ છીએ ? તમારા ઘરોમાં બા-દાદીઓ નથી ?'

નકલમાં અકલ નહિ દોડાવવાની, એ ધોરણે અમેસહુ પોતપોતાના ભાગે પડતા આવેલા હીરાઓની નકલો કરતા. દેવ આનંદ જેવી ગુચ્છાવાળી હેર-સ્ટાઈલ, દિલીપ-કટ વાળ, રાજેન્દ્ર કુમાર જેવું બારે માસ ડાચું ચઢાઈ-ચઢાઈને ફરવાનું, જેના દાંત મૂળથી જ વાંકા હોય, એ પોતાને શશી કપૂર સમજતો ને દાંત બતાય-બતાય કરવા, આપણે ગીન્નાઈ જઈએ ત્યાં સુધી હસહસ કરે જતો. એ જમાનામાં ફિલ્મફૅર, સ્ટાર એન્ડ સ્ટાઇલ, પિકચરપોસ્ટ હિંદીમાં માધુરી અને ગુજરાતીમાં આપણું આજનું આ 'ચિત્રલોક' તેમ જ મુંબઇનું 'જી' મુખ્ય ફિલ્મી સામયિકો ગણાતા, એમાંથી મણીયો કોકમાં વાંચી ગયો હશે કે, શશી કપૂર દર વખતે કોઇને મળે તો, બન્ને હથેળીઓ મસળતા પહેલું વાક્ય, 'હેલ્લો, આઈએમ શશીકપૂર...' બોલે, એમાં તો મણીયો ય ઉપડયો, 'હાય...આઈ એમ મણીલાલ...'

તારી ભલી થાય ચમના... પહેલા તો ઘેર જઇને તારા લેંગાની બાંયો નીચી ઉતાર ને પછી ઠોક, 'આઈ એમ મણીલાલ...' શશી કપૂર તો ફોરેનરને પરણ્યો હતો ને તું હજી આગળ દાંતવાળી બટકી કાળી ભઠ્ઠ કમલામાંથી બહાર આયો નથી.

કોઈ પ્રદીપકુમાર, ભા.ભૂ. એટલે કે ભારત ભૂષણ, મનોજકુમાર કે વિશ્વજીત બનવા તૈયાર ન હોય. એ ચાર 'પાવલીઓ' ભેગી કરીને જે રૂપિયો બનતો, તે આખી પોળમાં બધાનો હૂરીયો બનતો.

છોકરીઓ ય કોઈ કમ નહોતી. નંદા-વહિદાઓ તો તમને પોળને નાકે નાકે જોવા મળતી. મીનાકુમારી, માલાસિન્હા, સાધના, આપણી વૈજુ કે આશા પારેખો પેલા ચુસ્ત સલવાર-કમીઝો પહેરે, એમાં આ બધીયો ય મંડી હોય. કોટ ભરાવવાા હૂક જેવી કાનની નીચે લટો કાઢી હોય, આંખોમાંથી ખૂણીયા કાઢ્યા હોય. એ બધીઓને જોઈને આપણી ચંપા કે જ્યોત્સનાઓ ય હાથમાં પર્સ લઇને સવારના છાપાંની માફક બહાર પડી હોય. ચાલવાનું લટકમટક અને પાછળ ચૅક કરી લીધા પછી પોતાનો રૂમાલ જમીન પર પડવા દે, જેથી કોઈ રડયોખડયો શમ્મી કપૂર રૂમાલ ઉપાડી લઇને આપવા આવે, જેથી માલા સિન્હાની જેમ ખીજાઈને, 'શટ અપ' કહેતું નીકળી જવાય. પણ સરવાળે પેલા બુધીયાનો છાણવાળો પગ આના રૂમાલ પર પડી ગયો હોય, એમાં આને ગીન્નાવાનું આવે ! બુધીયાને આને એકલીને થોડી જોવાની હોય... એ ય ડાફરીયા મારતો આવતો હોય, એમાં આગળવાળી ઉપર તો રામકસમ... નજર ના ય પડી હોય... આ તો એક વાત થાય છે ! એ તો પરવિન બાબી આવી, પછી વળી છુટા વાળની ફેશન શરૂ થઈ, જે આજ સુધી બરકરાર છે. સાધના જેવી કપાળ ઉપરની કટને ઇંગ્લિશમાં 'ફ્રીન્જ' કહેવાય, (જે મૂળ તો ગ્રેગરી પેકવાળી ફિલ્મ 'રોમન હૉલી ડે'ની હોરીઇન ઓડ્રી હૅપબર્ને શરૂ કરી હતી.) આ ફ્રીન્જ પણ ઇન્ડિયાની છોકરીઓમાં બહુ ઉપડી'તી. અલબત્ત, '૬૦-ના દાયકાની આપણી તમામ હીરોઇન ખોટા વાળની વિગના ઝૂમખા બહુ લગાવતી. કાગડીએ માળો બાંધ્યો હોય, એવા અંબોડા તો બધીઓ લગાવતી.આ બધું શીખવા મળતું ફિલ્મોના હીરો-હીરોઇનો પાસેથી, ભારતની કોઈ સ્કૂલનો છોકરો ગણીત-વિજ્ઞાાનના શિક્ષક પાસેથી આમાંનું કાંઈ શીખી ન શક્તો. ફાધર જેવા દેખાવામાં તો 'ખાનદાન કી ઇજ્જત'ના ભડાકા થઇ જવાના હોય... ત્યારે ફિલ્મી હીરો-હીરોઇનો મદદે આવતા. એમના જેવા બેલ-બોટમ્સના પાટલૂન, છાતીને અડે ત્યાં સુધીના કોલરવાળા શર્ટ, ફિલ્મ 'અંદાઝ'ના રાજેશ ખન્ના જેવા નાક ઉપર ઉતારેલા ગોગલ્સ કે જીતેન્દ્ર જેવા સફેદ પેન્ટ નીચે સફેદ શૂઝ પહેર્યા પછી તો ઝાલ્યા નો રે'વાતું, ભાઆ'ય !

બસ, યુવક યુવતીઓમાં આવા ફિલ્મી સોટા મારવા, માત્ર ફેશન રહી ગઈ નહોતી...લાઈફ-સ્ટાઇલ બનવા માંડી હતી. બેશક મહાન દિગ્દર્શક ઋષિકેશ મુકર્જીએ યુવાવર્ગની આ જ નબળાઈઓ ઉપર સુંદર મજાની ફિલ્મ બનાવી, 'ગુડ્ડી'. અને તે પણ હસતા-હસાવતા. એમના ગુરૂ બિમલ રોયથી ઋષિ દા આ જ ને એક એન્ગલથી જુદા પડતા. ફિલ્મો તો બન્નેની ઉત્કૃષ્ટ, પણ ઋષિ દાને જે કાંઈ મેસેજ આપવો હોય, તે હાસ્યના માધ્યમથી આપતા. લેવા-દેવા વગરના કોઈ મેલોડ્રામા એટલે કે રડોરોળ નહિ. હજી તો સ્કૂલમાં ભણતી જયા ભાદુરી અન સખીઓ ફિલ્મસ્ટાર્સ પાછળ ગાન્ડીઓ છે. સહુ સખીઓએ પોતપોતાની યથાશક્તિ મુજબ જીતેન્દ્ર, રાજેન્દ્રકુમાર કે ધર્મેન્દ્રો બાપનો માલ હોય એમ વહેંચી લીધા હતા, એમાં જયા ભાદુરી (ગુડ્ડી) તો મનોમન ધર્મેન્દ્રને પરણી ચૂકી હતી. સ્કૂલમાં ટીચરજી (લલિતા કુમારી) બાઈ મીરાનો પાઠ ભણાવે છે, એમાથી ગુડ્ડી એટલું જ શીખે છે કે, આપણે પણ મીરાની જેમ સફેદ વસ્ત્રો ધારણ કરીને આધ્યાત્મના માર્ગે હાલી નીકળવું ને પરણવું-બરણવું નહિ ! એની સગી ભાભી (સુમિતા સાન્યાલ)નો ભાઈ સમિતભાંજા એને પ્રેમ કરે છે, પણ બેનબાઈ તો ઉપડયા'તા ધર્મેન્દ્ર સાથે સપનામાં, 'તુઝે જીવન કી ડોર સે બાંધ લિયાહૈ...' ગાવા ! ઘરના વડીલ તરીકે, આ બધું જોઇને ગુસ્સો કરવાને બદલે મામાજી ઉત્પલ દત્ત હસિન રસ્તો કાઢે છે. અસલ ફિલ્મસ્ટાર ધર્મેન્દ્રનો સંપર્ક કરીને આ કેસમાં એને મદદરૂપ થવા વિનંતિ કરે છે, ફિલ્મના પરદા ઉપર દેખાય છે, તે બધું સત્ય નથી હોતું, એ અપરિપકવ સ્કૂલ ગર્લ્સના ભેજાંમાં ઉતારવા તમે પણ મદદ કરો. એક હીરો એકલે હાથે પચાસ ગુંડાઓને ફટકારે, ઊડતા હેલીકોપ્ટરમાંથી કૂદકો મારીને દોડતી જીપમાં સીધો ખાબકે ને કોઈ ઉઝરડો યન પડે... ઉપરથી ગીત ગાય. હીરો પીરક્ષામાં કે રેસમાં ય ફર્સ્ટ આવતો હોય, એને ગાતા આવડે, પિયાનો વગાડતા ય આવડે ને પરફેક્ટ ડાન્સ કરતા ય આવડે...

પણ આ બધો ખેલ 'માલ કિસી કા, કમાલ કિસી કા...' વાળો છે, જેમાં હીરો તો એક કઠપૂતળીસ્વરૂપ જ છે. સંવાદ લખનાર કોઈ ઓર હોય, ગાનાર મૂહમ્મદ રફી કે મુકેશ હોય, પર્વતની ધાર પર લટકતા હીરોને બદલે કોઈ ડુપ્લિકેટ હોય ને મારામારીના દ્રષ્યોમાં હીરો જેવા કપડાં પહેરીને સ્ટંટ કરવા જતા કોઈ એકસ્ટ્રા કલાકારને વાગે કે મરી જાય તો કોઈ ભાવે ય પૂછતું નથી, પણ એમના કસબ-કરતબોની બધી તાળીઓ હીરો લઇ જાય. પરદા પર દેખાય છે, એમાં વાસ્તવિક્તા ઓછી ને કલ્પના વધુ હોય છે. વાસ્તવમાં ફિલ્મી હીરો કરતા ગુડ્ડીનો ભરમ દૂર થાય. આ કીમિયો કારગત નિવડે છે, જેમાં બનાવટ તો કોઈ નથી હોતી, પણ અંદાજ ફિલ્મી સ્ટાઈલનો હોવાથી વધુ અસરકારક સાબિત થાય છે.

ફિલ્મ ઋષિકેશ મુકર્જીની હોય, એટલે સંસ્કારી ઘરોના પ્રેક્ષકો આંખ મીંચીને ફિલ્મ જોઈ આવવાના... (સૉરી... આંખો મીંચીને નહિ... ખુલ્લી રાખીને !) એમની હરએક ફિલ્મમાં હળવું હળવું હસવું આવે રાખતું હોય, છતાં એમાંકોઈ મેસેજ હોય. બહુ ઓછા ફિલ્મી દિગ્દર્શકો એમના જેવા થયા. જેમની ફિલ્મોમાં ગીત પણ વાર્તાનો એક ભાગ હોય, માત્ર ફિલર નહિ ! કેમેરામેન જયવંત પાઠારેથી માંડીને એમના સાઇડ-એકટરો મોટા ભાગે રીપિટ થતા હોય, જેમ કે રસોઇયો રામુકાકા. પણ એક વાતની ખબર પડતી નથી, કે એમની મોટાભાગની ફિલ્મોમાં કલાકારોને ઝભ્ભો તો ઇનવેરિએબ્લી પહેરાવ્યો હોય, પણ દરેક ઝભ્ભો ઢીંચણ સુધીન હોવાથી એ લોકો એવા ફની અને બેહૂદા લાગે કે કારણ ખબર ન પડે ! મૂળ ઋષિ દા કેવળ સામાજીક ફિલ્મો બનાવતા હોવાથી ફિલ્મોની માવજતમાં વાતો મારા-તમારા ઘરની હોય. યાદ હોય તો એક જમાનામાં આપણે પણ પેલી સ્ટેચ્યુવાળી રમત રમતા. બન્ને વચ્ચે નક્કી થઇ જાય પછી અચાનક 'સ્ટેચ્યુ' બોલી જવાનું. એટલે પેલો શરીરના ગમે તે આકારમાં હોય, એ આકાર મૂર્તિની માફક હાલ્યાચાલ્યા વગર ઊભા રહી જવું પડે. ઋષિદાની ફિલ્મોમાં આવી ઘરઘરની તોફાનમસ્તીઓને કારણે એમની ફિલ્મો ય આપણા ઘરની લાગે.

એક વાર ઉત્પલ દત્ત જેવો એકટર હાથમાં આવી જાય પછી ઋષિ દાએ એકટરની બેસ્ટ ટેલેન્ટ બહાર લઇ આવે. આવું અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, અમોલ પાલેકર કે ઇવન એ.કે.હંગલને પોતાની ટીમમાં સતત સ્થાન આપીને શ્રેષ્ઠ અભિનયો કઢાવ્યા હતા. અહીં ધર્મેન્દ્ર જેવા નોન-એકટર પાસેથી એના રોલને લાગુ પડતો ખૂબસુરત અભિનય કરાવ્યો છે. એને તો દાદાએ ફિલ્મ 'સત્યકામ' અને બચ્ચન સાથે ફિલ્મ 'ચુપકે ચુપકે'માં ય લઇને બચ્ચન અને સંજીવકુમાર સામે બરોબરીનો અભિનય કરાવ્યો હતો. અહીં ધર્મેન્દ્ર ફિલ્મસ્ટાર ધર્મેન્દ્ર તરીકે જ પેશ થાય ચે, પણ પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટયૂટમાંથી તાજોતાજો એક્ટિંગના કોર્સ ભણાવીને આવેલા અસરાની પાસે ટચૂકડો પણ અસરકારક અભિનય ખેંચાવ્યો છે. આપણને ઋષિ દા જેવા અન્ય સર્જકો બહુ ઓછા મળ્યા, નહિ તો અવતાર ક્રિષ્ણ હંગલ જેવા બેશક પરફેક્ટ અભિનેતા પાસેથી તો અશોકકુમાર, દિલીપકુમાર કે નસીરૂદ્દીન શાહની કક્ષાનો અભિનય પડયોહતો. બહુ સાહજીક એકટર હતા એ.કે.હંગલ. કમોતે મર્યા આ સજ્જન એકટર, તે એટલે સુધી કે મરતી વખતે દવાના પૈસા નહિ અને એમના દીકરાએ ફિલ્મી હસ્તિઓને કંઇક મદદ કરવા અપીલ કરી અને દવા-સારવારનાપૈસા એકઠા કર્યા. એક જમાનામાં ઠસ્સો-દબદબો હોય અને બહુ દર્દભર્યા મૌતે ગરીબીમાં મર્યા હોય, એવા તો સેંકડો અભિનેતાઓ છે. ફિલ્મ 'એક થી લડકી'ની 'લા રાલપ્પા ગર્લ' મીના શોરી પાકિસ્તાનમાં ભીખ માંગતી મરી. હૅલન પહેલા જેનો ફિલ્મે ફિલ્મે દબદબો હતો, તે ડાન્સર કક્કુના બંગલાની ગોળફરતે, એના શોખ મુજબ હજારો જોડી ચંપલો મૂકવા માટે શો-કેસ બનાવ્યા હતા, એ કક્કુ પણ મરી ભિખારીની અવસ્થામાં. હેલનને ફિલ્મોમાં લાવનાર જ કક્કુ. કુલદીપ કૌર, ભારત ભૂષણ, પ્રદીપકુમાર કે ફિલ્મ 'હમરાઝ'ની હીરોઇન વિમી (જે સાચા અર્થમાં વેશ્યા બનીને સડકો પર ફરતી અને એના જ કોઈ કાયમી ગ્રાહકે દયા બતાવીને મુંબઇના ઠેલાવાળાઓ ટિફીનો લઇ જવા માટે ઠેલો વાપરે છે, એ ઠેલા ઉપર લાશને મૂકીને સ્મશાનઘરે લઇ જવી પડી હતી. એ વિમી આ ફિલ્મ 'ગુડ્ડી'માં પણ મેહમાન કલાકાર તરીકે ધર્મેન્દ્ર સાથે પિયાનો પાસે ઊભેલી અલપઝલપ દેખાય છે. વિમીને તો એનો હસબન્ડ સખત મારઝૂડ કરતો... અફ કોર્સ, એના અનેક લફરાં અને વેશ્યાવૃત્તિને કારણે, પણ આવા મૌતે મરેલા બધા કલાકારો આપણી સહાનુભૂતિને લાયક નહોતા. મોટા ભાગનાને તો દારૂ ભરખી ગયો. ભારત ભૂષણ પાસે તો મુંબઇનો સર્વોત્તમ બંગલો 'ડિમ્પલ' હતો, જેની સમૃધ્ધ લાયબ્રેરી મુલ્કમશહૂર હતી. આ બંગલામાં ભારત ભૂષણ નુશરત ફત્તેહઅલીખાનના પિતા પાસે ગઝલ-કવ્વાલીઓની અનેક બેઠકો ગોઠવતો, જેમાં આમંત્રણ પામવા રાજ-દિલીપ કે દેવઆનદને ય ભા.ભૂ.ને ખાસ રીકવેસ્ટ કરવી પડતી. સમય ખલાસ થઇ ગયો, એટલે આ બંગલો ભા.ભૂ.એ રાજેન્દ્ર કુમારને વેચવો પડયો ને એનો ય સમય ખરાબ આવ્યો, ત્યારે બંગલો રાજેશ ખન્નાએ ખરીદી લઇ 'ડિમ્પલ'નામ બદલીને 'આશીર્વાદ' રાખ્યું.

એક જમાનાની ફિલ્મ 'બૈજુ બાવરા'નો આ હીરો છેલ્લે છેલ્લે તો ફિલ્મોમાં રોજના રૂ. ૧૫૦ કમાવા માટે એકસ્ટ્રા તરીકે કામ કરતો અને હીરો પિયાનો વગાડતા ગીત ગાતો હોય, ત્યારે હાથમાં ડિન્ક્સના ગ્લાસ પકડેલા એકસ્ટ્રા મેહમાનોમાં ભા.ભૂ. જોવા મળતો.

આ તમામ અવદશાઓ માટે બીજું ય એક કારણ છે. કોઈ ચાર-પાંચ ફિલ્મો હિટ ગયા પછી ફિલ્મ કલાકારોને બધી એવી હિટ ફિલ્મો મળતી નથી ને છેવટે રાહ જોઇને ગમે તેવી ફિલ્મો લેવી પડે. એ ય બંધ થાય ત્યારે આ લોકો કોઈ દસ-પંદર હજારની નોકરી તો ક્યાંય કરી શકવાના નથી ને અધૂરામાં પૂરૂં...જાહોજલાલી ચાલતી હતી, ત્યારે શરાબ અને સુંદરીઓની એવી લત પડી હોય કે, ખરાબ દિવસોમાં સુંદરીઓ તો જો કે આપમેળે બંધ થઈ જાય પણ દારૂ છેવટે દેસી કે થર્રા ઉપર ચઢી જઇને મૌત વહાલું કરવું પડે.

ઋષિદાએ આ કરૂણા આ ફિલ્મમાં અસરાનીના પાત્રને લઇને બખૂબી વર્ણવી છે.

આ ફિલ્મનું એક મોટું આશ્ચર્ય ફિલ્મ 'આનંદ'ની હિરોઇન સુમિતા સાન્યાલ છે. ઋષિ દાની તો એ ખૂબ માનિતી હતી, પણ ક્યાંક કાંઈ ખોટું લાગી ગયું હશે, તે સુમિતાને આ ફિલ્મમાં અડધેથી પડતી મૂકી દીધી, એટલે શરૂઆતમાં સારી સારી ભાભીનો રોલ કરનારી સુમિતાને ફિલ્મની અધવચ્ચેથી ક્યાં ઉડાડી મારવામાં આવી, એનો તાગ મળતો નથી.

યસ, આ ફિલ્મ સાથે જોડાયેલું બીજું એક ફેકટર જરા સેન્સેનલ છે, જેનાથી ફિલ્મ સંગીતનો ઇતિહાસ ભયભીત બની ગયો. ફિલ્મના સંગીતકાર વસંત દેસાઈ હતા અને અગાઉની ઋષિ દાની ફિલ્મ 'આશીર્વાદ'માં મધુર સંગીત આપીને એ દાદાની આંખોમાં જ નહિ, કાનમાં ય છવાઈ ગયા હતા. પણ વસંત દેસાઈએ એમની કાયમી ગાયિકા લતા મંગેશકર ને પડતી મુકીને સાઉથની ક્લાસિકલ ગાયિકા વાણી જયરામને લીધી અને એક મોટો ભડકો થયો. વાણી એકદમ સુપરહિટ સાબિત થઇ. 'બોલે રે પપિહરા...' દેશની ગલીગલીમાં ગુંજવા માંડયું. સ્કુલોમાં જ આ જ ફિલ્મમાં આ જ વાણીએ ગાયેલું ભજન, 'હમ કો મન કી શક્તિ દેના, મનવિજય કરે...' પ્રાર્થનાઓમાં ગવાવા માંડયું. દેખિતી રીતે જ લતા મંગેશકર છંછેડાઈ. મૂળ કારિગર વસંત દેસાઈ તો એમના બિલ્ડિંગની લિફ્ટ ઉપરથી નીચે પછડાતાં ઘટનાસ્થળે જ ગુજરી ગયા, પણ વાણીની લતાએ એ હાલત કરી કે, એ કદી મુંબઇ પાછી જ ન આવી શકી.

બસ. 'ગુડ્ડી' એ સમયે જોઈ પણ હોય, તો અત્યારે ય ફરીથી જોવામાં નકરો આનંદ જ આવશે.

18/06/2014

અમેરિકામાં સુંદરતા અનોખી છે

ડૅટ્રોઈટ બોલો કે ડીટ્રોઈટ, અર્થ ઇઝ સેઇમ. અમેરિકાનું એક માત્ર દેવાળીયું થઈ ચૂકેલું રાજ્ય ને ત્યાં હું ૧૫-દહાડા રહી આવ્યો, એટલે ખાત્રી તો થઈ ગઈ કે, આપણા પગલાં બહુ સારા નહિ. પહેલા જ નહિ, આજે પણ દુનિયાની મોટા ભાગની કાર (ગાડીઓ) અહીં બને છે. હૅનરી ફૉર્ડની અહીં જાહોજલાલી આજે ય બરકરાર છે. પેલા લિ આઈઆકોકાવાળી 'ક્રાઈસલર' ગાડીઓ પણ અહીં બને છે. શુકનપેટે આ શહેરમાંથી સારા માયલી સાયકલ ખરીદવાનો વિચાર હતો... અમદાવાદ જઈને કહી તો શકાય કે, 'ગાડી' ડૅટ્રોઈટથી લાયો છું.' (અમદાવાદની લિંગો મુજબ, અહીં કાર અને સાયકલ-બન્ને ગાડી કહેવાય છે!) પણ તો ગુરૂ... સાયકલે ય બબ્બે હજાર ડૉલરમાં મળે (આપણા સીધા એક લાખ વીસ હજાર) પછી એ ય માંડી વાળ્યું કે, આપણે તો નારણપુરા ચાર રસ્તાથી સ્ટૅડિયમ સુધી જ ચાલવાનું હોય... એવું હોય તો રીક્ષા કરી લેવી સસ્તી પડે!

અત્યંત ગરીબીમાંથી વિશ્વોત્તમ ધનિક બનેલા હૅનરી ફૉર્ડ કાર બનાવવાની દુનિયાનો બેતાજ બાદશાહ હતા, પણ મારી માફક એમના વિચારો ય આદર્શ એટલે એ પોતાની કારની ફૅક્ટરીએ સાયકલ ઉપર બેસીને જતા. કોકે પૂછ્યું, ''તમારો દીકરો તો પ્લૅન કે ગાડી સિવાય ફરતો નથી.. તમે કેમ સાયકલ પર બેસીને ફૅક્ટરીએ જાઓ છો?'' (આઈ હૉપ... કે એ ય ભાડાની નહિ હોય?) તો હેનરીએ જવાબ આપ્યો, ''એનો બાપ અબજોપતિ છે.. મારા બાપ અબજોપતિ નહોતા.''

અહીં હૅનરી ફોર્ડનું જંગી ખર્ચે બનેલું મ્યુઝીયમ છે. લોકો પર-હૅડ ૨૦-ડૉલર્સની ટિકીટ ખર્ચીને જોવા આવે છે. એમાં ફોર્ડે બનાવેલી સેંકડો વિન્ટેજ ગાડીઓ અપ-ટુ-ડૅટ કન્ડિશનમાં જોઈ. જે કારમાં અમેરિકાના પ્રેસિડૅન્ટો આઇઝનહૉવર, જ્હૉન એફ. કેનેડી કે રોનાલ્ડ રીગન બેસતા હતા, એ કારો ય નવીનક્કોર હોય, એમ સાચવી રાખવામાં આવી છે. મ્યુઝિયમ જોઈને મને ત્યાં ઊભા ઊભા સપનું આવ્યું કે, 'એક દિવસ અમદાવાદમાં આવું જ 'અશોક દવે મ્યુઝીયમ' હશે. લોકો ૨૦-ડૉલર્સ નહિ તો ૨૦-રૂપિયાની ટિકીટો લઈને જોવા આવતા હશે, મ્યુઝિયમની બહાર ગૅટ પાસે મારું ઘોડા ઉપર બેઠેલું ભલે નહિ, પણ ઘરના હિંચકે બેઠેલું એક સ્ટેચ્યૂ મૂકાશે, એની ઉપર કબુતરા ના બેસે, એ માટે બસ્સો માણસોનો સ્ટાફ રાખવામાં આવશે, 'ગુજરાત સમાચાર'માંથી કટિંગ કરેલા મારા લેખો અને લોકો વાંચ્યા પછી કટ કરી નાંખે છે, એવા મારા ૩૬-પુસ્તક જાળવી જાળવીને મૂકવામાં આવ્યા હશે. દરેક પુસ્તકની બાજુમાં ઊભા રહીને વાચકો ફોટા પડાવતા હશે... આ બધા વિચારો ચાલતા હતા, ત્યાં પાછળથી કોક ધોળીએ મને સ્માઈલ સાથે કહ્યું, ''હે ય ડૂડ... જસ્ટ મૂવ અહૅડ!' ડોબીને શી ખબર હોય કે, આગળ વધવા માટે તો આ બધા સપનાં જોતો હતો!

ડૅટ્રોઈટથી એક આંટો ટ્રેનમાં બેસીને શિકાગો મારી આવ્યો. ત્યાંની ટ્રેનો 'ઍમટ્રેક'ના નામે ઓળખાય છે. સ્પીડને બાદ કરતા પ્લેન અને ટ્રેન વચ્ચે કોઈ ફરક ન લાગે. ભૈલુ નામે ઓળખાતો જૉય ક્રિશ્ચિયન મને કહે, ''અહીં શિકાગો જેવું ડાઉનટાઉન અમેરિકામાં બીજે ક્યાંય નહિ મળે.'' અને નીકળ્યા તો વાત સાચી લાગી. લૅક મિશિગન સરોવર છે કે દરિયો, એની તો ડૂબ્યા પછી ય ખબર પડે નહિ, એટલું વિશાળ છે. ૧૯૬૮-માં હું એસ.એસ.સી. પાસ થયો, એ સમયની અમદાવાદના ખાડીયાની મારી સાધના હાઈસ્કૂલની ફ્રૅન્ડ મૈનાક પટેલ મને મૅક્સિકન પિત્ઝા ખવડાવવા લઈ ગઈ ત્યારે ખબર પડી કે, પૂરા અમેરિકામાં જે અનાજપાણી આખા દેશના નાગરિકો જમે છે, એ જ પ્રેસિડૅન્ટ બરાક ઓબામા કે બિલ ગૅટ્સ જમે છે. ખાવા-પીવામાં અહીં આખા દેશમાં જાહોજલાલી છે. અહીં જમવાનું બહુ સસ્તું છે, એવું ય નથી. પિત્ઝા કે મસાલા ઢોંસા આપણા ચલણ મુજબ ૬૦૦-૭૦૦ રૂપિયાના થાય. આખું અમેરિકા ફરો, એમાં જમવા-બમવા માટે ચીપોટલી, ડન્કિન ડૉનટ્સ, ટાકો બૅલ કે મેક્ડોનલ્ડ્સ ઠેરઠેર પડયા છે. મોટા ભાગની ડન્કિન ડૉનટ્સના માલિકો આપણા જૈનો અને પટેલો છે. આપણા લોકોને આ સસ્તું એટલા માટે લાગે છે કે, આપણા દેસીઓ કમાય છે ડોલર્સમાં એટલે એમને માટે તો આઠ ડૉલર્સનો મસાલા ઢોંસો કે પિત્ઝો આઠ રૂપિયાનો જ થયો કે નહિ? એ તો બિલ ચૂકવવાનું આપણે આવે, ત્યારે પાટલૂનમાં ક્યાંક ભીનું થયેલું લાગે!

મોજમસ્તીની વાત તો એ છે કે, મોટા ભાગના અમેરિકામાં આપણા ગરમાગરમ ઉતરતા ફાફડા-જલેબી કે ભજીયા-ફજીયા બધું મળે. ભાવ નહિ પૂછવાનો. ભાવ પૂછો તો અડધું ફાફડું ગળાના હૈડીયામાં ભરાઈ જાય! પણ અમેરિકનો પીવાના જ નહિ, ખાવાના ય ઉડાઉ. પાંચ ફૂટ દસ ઇંચ ઊંચો તો હું ય છું, પણ હું એમના ઝભલું પહેરાવેલા બાબા જેવો લાગું, એ લોકોની હાઈટ-બૉડી પ્રમાણે. હાથમાં બિયરનું કૅન કે હૅમ્બર્ગર સાથે ચાવ ચાવ કરતા અમેરિકનોને ખાતા-પીતા જોઈને હેડકીઓ આપણને ઉપડે. એમાં ય કાળીયાઓ ક્યારેક તો મનુષ્ય અવતારે ય જોવા મળે. પણ ભા'આય... ભા'ય. હૉટેલ હોય કે વનવગડો, કોઈ જગ્યાએ નામનું ય કાંઈ વેરાયેલું જોવા ન મળે. હૉટેલોમાં તો જમી લીધા પછી આપણી ટ્રે જાતે જ ગાર્બેજ-બિનમાં નાંખતા જવાનું. પાણી-ફાણી એ લોકો ન આપે. ઍન્ડ યસ... પાણીના ય પૈસા અલગ! હૉટેલમાં કામ કરતા વૅઇટરો મારા-તમારા ઘરના યુવાન દીકરા-દીકરીઓ જેવા હોય. આપણે ત્યાં વૅઇટરોને સહેજ નીચી નજરે જોવાય છે, એવું ત્યાં પૉસિબલ જ નથી કારણ કે, તમને ચીઝ ઍન્ચીલાડાસ, ચાલુપા, સ્પીનચ કેસાડિલાસ અને બીન બરિતોસ જેવા અઘરા અઘરા નામોવાળી ડિશો પિરસવા આવ્યા હોય, 'બૉય' અમેરિકાનો ભાવિ ડૉક્ટર પણ હોઈ શકે. વૅઇટર ચોખ્ખા હાથવાળો હશે કે નહિ, પૂછવા-તપાસવાની જરૂર ન પડે. આ દેશમાં ખાસ કરીને હૉટેલના ધંધામાં સ્ટાફ હાથ સાફ કરવામાં (આપણી સરકારી ઑફિસમાં 'હાથ સાફ થાય છે', એવા નહિ) વૅઇટર એક નાનકડી ભૂલ કરે તો આકરી સજા હૉટલવાળો નહિ, પોલીસવાળા આપે.

પિરસવા આવેલો છોકરો શક્ય છે, તમારા જેવા પચ્ચીને ખરીદી શકે, એવા ધનવાન બાપનો દીકરો હોય. સીસ્ટમ એવી છે કે, કૉલેજમાં ભણતા છોકરા પોતાના પૉકેટ-મની માટે ડૅડ પાસે હાથ લાંબો કરવાને બદલે હૉટેલોમાં આવું પાર્ટ-ટાઈમ કામ કરીને કમાઈ લે અને શની-રવિના વીકઍન્ડ્સમાં બધું ઊડાડી ય મૂકે.

પણ વૅઇટરની નોકરી કરતા ભણેલા-ગણેલા એ છોકરાઓની કામ કરવાની નિષ્ઠા જોઈને દંગ તો થઈ જવાય. થાક-બાક તો માય ફૂટ... પણ એંઠી ડિશો કે હૉટેલના ફ્લૉર સાફ કરવામાં શરમ-બરમ પણ માય ફૂટ... આળસ કે નાગડદાઈ ક્યાંય નહિ. આવા લોકોને ગાંધીનગરમાં તો નોકરી ય ન રખાય... આપણા હાલના કર્મચારીઓ ઉપર કેવા ખરાબ સંસ્કાર પડે! આ તો એક વાત થાય છે.

યસ. આપણે પહેલી વાર આવા દેશમાં આવ્યા હોઈએ, એટલે કોઈની ય સાથે હાથ મિલાવતા સૂગ તો ચઢે. આખા દેશમાં, ઈવન આપણા દેસીઓ પણ ટૉઈલેટ-પેપરનો ઉપયોગ કરે છે. આમ આટલા ચોખ્ખા, પણ અમેરિકાને કુદરતે ઢગલાબંધ પાણી આપ્યું છે, છતાં ટૉઈલેટમાં તો કાગળ જ વાપરવાનો! પરિણામે, ધોયળી સુંદર ગમે તેટલી હોય... એની સાથે વધારે ઊભા રહો તો ગંધાવા તો માંડે જ. આપણે સાલો પાણીનો આગ્રહ રાખીએ, તો આપણા જ દેસીઓ આપણને ગામડીયા માને! તારી ભલી થાય ચમના... આવડો મોટો યજ્ઞ કરીને ટૉઈલેટની બહાર નીકળતા પહેલા અમે ગામડીયાઓ પણ દઝાય એટલા ગરમ પાણી અને સાબુથી હાથ ધોઈએ છીએ...!

ગરમ પાણીનું એક સુખ ખરૂં અહીં. દેશના કોઈપણ વૉશ-બેઝીન કે બાથરૂમમાં ગરમ પાણી ૨૪-કલાક આવે અને તે ય દોથાં ભરી ભરીને. કોઈનું પણ ઘર હોય કે હૉટેલ, ડાબી બાજુના નળમાં ગરમ અને જમણી બાજુમાં ઠંડું પાણી. કહે છે કે, આજ સુધીના ઈતિહાસમાં કોઈને ય ત્યાં લાઈટો ગઈ કે પાણી બંધ થઈ ગયું, એ અમેરિકામાં પૉસિબલ જ નથી. આરબો આડા ફાટે તો ય આવનારા ૪૦-વર્ષો સુધી ચાલે, એટલું તેલ અમેરિકાએ ભેગું કરી લીધું છે, એટલે પેટ્રોલ (અહીં ગેસ બોલાય છે.)ની તંગીની વાત નહિ. કુદરત પૂરી મહેરબાન છે આ દેશ ઉપર, એટલે અઢળક લાકડું, અઢળક પાણી, અઢળક જમીન, અઢળક વૈભવ અને અઢળક સુંદરતા આપી છે આ લોકોને!

અઢળક સુંદરતા એટલી હદે કે, કોઈ એક સુંદરીને જોઈ લીધા પછી મોટું મન રાખીને માફ કરી દેવાની... જવા દેવાની કારણ કે, એના કરતા વધુ સુંદર કાફલો પાછળ આવતો જ રહેવાનો! અહીં સુંદરતાના માવઠાં કે ઝાપટાં નહિ, હેલી થાય છે. કપડાંની લૅટેસ્ટ ફેશન એમને કારણે વધારે નિખરી ઊઠે છે. જોવાની ખૂબી એ છે કે, સ્ત્રી સુંદર હોય તો ય કોઈ ઍંટમાં ન રહે. બહુ સાહજીકતાથી આપણી સાથે વાતો કરે... પણ બસ, વાતો જ કરે!

એ વાત જુદી છે કે, આપણા જેવા ''એકપત્નીવ્રતધારીઓને'' જીવ બાળવો ન પડે...! (કેમ, અમે મજાકો ય ન કરીએ?)

સિક્સર

- કૂતરાની પૂંછડી વાંકી, તે વાંકી જ ! કબરમાં પગ લટકાવીને બેઠેલી કોંગ્રેસે ફરી પાછા હલાડાં શરૂ કરી દીધા. માણસે ઈતિહાસમાંથી એટલું જ શીખવાનું છે કે, માણસ ઈતિહાસ પાસેથી કાંઈ નથી શીખ્યો!