Search This Blog

30/06/2016

એકી કરવામાં શરમ શેની?

ગત ભરના એકીઓ કરનારાઓ, કોઈ માફ ન કરી શકાય એવો અપરાધ કર્યો હોય, એવા ગુન્હાઇત ભાવે એકી કરવા જાય છે. એકી શબ્દ બોલવામાં જ નહિ, એકી કરવા જવામાં પણ પોતે કોઈ જધન્ય અપરાધ કરવાનો હોય, એવા ડરે છે. કોકના ઘેર બેઠા હોય ને લાગી હોય, તો બધાની વચ્ચે પૂછતા તેમના મોઢાં તરડાઈ જાય છે. જાણે કંઈ ખોટુ કરવા માંગતા હોય, એવા આજીજીભર્યા સ્વરે પરમિશનો માંગે છે. બોલી ન શકે, ઉભા થતા ઈશારાથી મોઢું વાકું કરે, એટલે પેલા સમજી જાય, ‘‘ઓહ.... વૉશરૂમ જવું છે ને....? આ સામેના રૂમમાંથી બહાર નીકળશો એટલે ડાબી બાજુ જ છે.’’ મારે એકી કરવા જવું છે, અથવા મને લાગી છે, એવું બોલવું તો કેમ જાણે અસભ્યતાની નિશાની હોય, એમ ગુજરાતીમાં કોઈ બોલી શકતું નથી. આ સાયન્સ જ એવું છે કે, આમાં તો તાબડતોબ આવેલો પડકાર ઝીલી જ લેવો પડે. આ ગીતનો સહી મતલબ આજ સુધી લોકો ખોટો સમજતા રહ્યા છે, ‘લાગી છૂટે ના, અબ તો સનમ.... હોઓઓ....!’

મનુષ્ય એકી કરતા કરતા ડરે છે અને એકીનું કોઈને પૂછતાં ય ડરે છે. જેને બી ઘેર એ ટોઈલેટ જવાની પરમીશન માંગે, ત્યારે કોઈ પૂછતું નથી કે, ‘જાતા કહાં હૈં દીવાને, સબ કુછ યહાં હૈ સનમ....’ હકીકતમાં તો આ પ્રવાસ એણે એકલાએ ખેડી નાંખવાનો હોય. ‘ચલ એકલા, ચલ અકેલા, ચલ અકેલા, તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા....હોઓઓઓ.’ જીવનભર એકબીજાને સુખ-દુઃખનો કોલ આપનારાઓને પણ આ યાત્રામાં સાથ-સંગાથનું સપનું જોઈ શકતા નથી. આતો એક વાત થાય છે.

આ જગતમાં તમે વિવેક-વિનય અને સભ્યતાંથી જીવન જીવવા માંગતા હો તો, પણ ગુજરાતના શહેરોમાં જાહેર સ્થળોએ એક પબ્લિક યુરિનલ શોધવું ઈમ્પોસિબલ છે.... ખાસ કરીને સ્ત્રીઓ માટે. અમદાવાદના સી.જી. રોડ જેવા ભરચક વિસ્તારોમાં જવું હોય તો ક્યાં જાઓ...? આમાં તો ફૂટપાથો ય તમારી મદદે ન આવે, પણ ભોળો માનવી કોક છુપીછુપાઈ જગ્યાએ ફૂટપાથ શોધીને ઉભો રહેવા જાય તો કેવો ફફડતો હોય, એ તમે કદી જોયો છે ? (જવાબઃ આવું તો અમે ના જોયું હોય ને ? જવાબ પૂરો) હમણા કોક બૂમ પાડશે.... હમણા કોક જોઈ જશે...નો ભય એના આંતરડા સાફ કરી નાંખે છે. એનું ઘ્યાન ચાલુ યજ્ઞમાં રહેતું નથી. ચહેરા પર શાંતિના ભાવ છલકાતા નથી. પૂર્ણાહુતિ પ્રસંગે કંઈક કરી બતાવ્યાનો ને કંઈક પામ્યાનો સંતોષ તેના મોઢાં પર દેખાતો નથી. સંસ્થા ફક્ત એટલું જ જાણવા માંગે છે કે, એકી કરવા જવું શું પાપ છે ? (આકાશમાંથી ૩૬ કરોડ દેવી-દેવતાઓના મોઓઓ.... ટા મોટ્ટા પોકારો, ‘‘પાપ નથી..... પાપ નથી...પાપ નથી... !’’)

ફુટપાથ તો શું ચીજ છે.... કોકના ઘરે મહેમાન બનીને આવ્યા પછી જાતક કહી પણ શકતો નથી કે એને જવું ક્યા છે, એની મંઝિલ ક્યાં છે, આવનારી પાંચ મિનિટ માટે એનો ઘ્યેય શું છે ? એ સહન બઘુ કરશે પણ આવી લાગે તો પોતાનું કેટલું ખરાબ દેખાશે, એ ભયથી બી જાય છે. આટલે દૂર બેઠા-બેઠા નવાઈઓ આપણને લાગે કે, આમાં ડરવાનું શું ? ભાઈ જીવનમાં તે કદી ખોટું કામ કર્યુ નથી. તું હમેશા બીજાના કામમાં આવ્યો છું,એટલે અહીં પણ કોક તારા કામમાં આવશે, એ અપેક્ષા શું વધારે પડતી નથી ? (જવાબઃ ઘણી વધારે પડતી છેઃ જવાબ પૂરો) આખરે એને કચ્ચી કચ્ચીને લાગે, ત્યારે ભીખ માંગવા જવું હોય, એવા ગરીબ હાવભાવ સાથે એ પૂછે, ‘‘ઈફ યુ ડોન્ટ માઈન્ડ....બાથરૂમ કઈ બાજુ..... ?’’ ઓહ નો....! પેલો માઈન્ડ કરે અને કહી દે, ‘‘છુટા નથી..... આગળ જાઓ’’ તો શું પ્રવાસ પડતો મૂકવાનો છે ? અરે મૂરખ મનવા....! આવા યજ્ઞો માટે ભૂમિદાન કરવાની કોઇ ના પાડતું હશે ? આમાં તો પેલો માઇન્ડ કરે કે ન કરે, કવિ નર્મદ કહી જ ગયો છે કે ‘ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું....હોઓઓ !’ નર્મદે ના કીઘું હોત તોય જીવનમાં અમુક ડગલાં તો ભરવા જ પડે.... ! સુઊં કિયો છો ?

મારી લાઈફમાં ઘોડા ઉપર બેસી, તીરો-તલવાર કે ભાલા બરછી પકડીને હું એક પણ યુઘ્ધ લડ્યો નથી. એવા ફોટા ય પડાવ્યા નથી. શહેનશાહો યુઘ્ધમાં પહેરે એવા બખ્તર પહેર્યા નથી. એમાં મારી રાષ્ટ્રભક્તિ કાંઈ ઓછી ન હોય. હું ડરપોક નથી પણ ચાલુ યુઘ્ધે સમરાંગણમાં જો મને એકી લાગે તો, મારૂં શું થાય એ ચિંતાથી હું હલબલી જાઊં છું. દુશ્મન એક ઝાટકે ધડથી મારૂં માથું ઉડાડવા જતો હોય ને ત્યાં જ એકી લાગે તો શું હું ‘એકસક્યૂઝમી......થૂપ્પિસ.... !’ કહીને મેદાન છોડી શકવાનો છું ? રણભૂમિમાં પાકા બાંધેલા કંતાનના કામચલાઉ ટોઈલેટો હોતા નથી. અને માની લો કે દરિયાવદિલ દુશ્મન મારી હાલત સમજીને મને મેદાન-એ-જંગ છોડવાની બે ઘડી આપે તોય હું શું કરી લેવાનો હતો ? રણમેદાનમાં દુશ્મન અને આપણા જીવનમાં લાગેલી એકીઓ, કોઈના રોકયા રોકાતા નથી. યુઘ્ધશાસ્ત્રમાં તો કહ્યું છે દુશ્મનને કદાપિ પીઠ ન બતાવવી, પણ શું.... આવા તાકીદના કામો માટેય ન બતાવવી ?..... આ તો જરા અમથું પુછું છું.

ઓકે. રણ છોડ્યા પછી પહેરેલ બખ્તરે ભૂદાન કરવું, તમે માનો છો એટલું સહેલું નથી હોતું. ફૌલાદની જંઝીરો સાથે એકી કરવામાં એક સિપાહીનું ઝનુન, વીરતા, મર્દાનગી કે ભાયડાના ધડાકા....... કાંઈ કામમાં આવતા નથી. અહીં તો સૌમ્ય ચહેરે તનબદનમાં શાંતિ પ્રાપ્ત કરવાની ટ્રીકો વાપરવાની હોય છે. આપણા જેવા ને તો તાલીમને અભાવે બખ્તર ખોલતાય ૨૦ મિનિટ લાગે.

મને સમજ નથી પડતી કે રોજના રેગ્યુલર કામો જેવું આ એક કામ છે, જેમાં તમે કંઈ ખોટું કરતા નથી, કોઈનું જીવન બર્બાદ કરતા નથી કે, એમના બાથરૂમમાં ગયા પછી મહીંથી સ્ટોપર બંધ કરીને ધીમા અવાજે ગીતો ગાતા નથી. તો ફિર ડર કાહે કા.....? એકી એ રોજ ૧૫-૨૦ વખત કરવું પડતું વૈજ્ઞાનિક કામ છે, સામાજીક જરૂરિયાત છે. શરીરમાંથી ઉઠેલો એક કરૂણ પોકાર છે. આમાં ઘરના સારા સંસ્કાર, ઉચ્ચ વિચારો, અભૂતપૂર્વ વિવેક-વિનય કે તમારી દિલ્હી સુધીની ઓળખાણો કામમાં ન આવે. આ એક એવો યજ્ઞ છે જેમાં બા ખીજાતા હોય તો જવું જ પડે. એકી લાગવી એ ગુજરાતી ભાષાનો માન્ય શબ્દ પ્રયોગ છે. ‘મૂ’ થી શરૂ થતો શબ્દ પણ અફકોર્સ જોડણીકોષ માન્ય શબ્દ છે. પણ જાણે કોઈ ગાળ બોલ્યું હોય એવા મોઢાં ચઢાવવામાં આવે છે. પણ પોતે બહુ ભણેલા અને સંસ્કારી છે. એટલું દેખાડી આપવાની લ્હાયમાં ને લ્હાયમાં હાલમાં લાગેલી તાકીદની લ્હાયને લોકો ગૂન્હા જેવી ગંભીર ગણે છે. ધોળીયાઓનું શીખી શીખીને આપણેય હવે એકી કરવા જવું છે, ને બદલે Can I use your toilet? (હું તમારો બાથરૂમ વાપરી શકું ?) રામ જાણે કઈ કમાણી પર બોલવામાં આવે છે ? તારી ભલી થાય ચમના.....! પેલો એનો બાથરૂમ વાપરવાની ના પાડે તો શું તું એના બંગલાની ટેરેસ પર જઈને પ્રાણ-પ્રતિષ્ઠા કરવાનો છું ? ખોટી ફીશીયારીઓ ના માર.... વાંદરા.....! સીઘું પૂછ કે, મને એકી લાગી છે, કહાં જાઊં, કિધર જાઊં.. ?’ બાથરૂમ ન બોલાય, મેહતા સાહબ બાથરૂમ ન બોલાય. પેલો નહાવાનું સમજે. વોશરૂમ પણ ધોળીયાઓને બીજો કોઈ શબ્દ મળતો નહી હોય એટલે કૉઈન કર્યો છે. શું વોશરૂમનો અનુવાદ ‘એકી-ઓરડી’ કે ‘ધોલાઈ-ઘાટ’ કરી શકવાના છો ?

હાઈવે પર ગાડી લઈને જતા હો અને ગાડીમાં પુરૂષો-પુરૂષો હોય તો વાંધો નહિ. પણ કોઈ સ્ત્રી બેઠી હોય તો શરમથી માથું ઝૂકી જાય છે. એકી એક અરમાન નથી. એકી એક સપનું નથી. એકી કોઈ પાપે ય નથી. રોજ નિયમિત પુરૂં કરવાનું કામ છે.

આપણેય, સમજીએ કે ડીસન્સી ખાતર હાઈવે પર ગાડી ઉભી રાખ્યા પછી, લહેરાતા ખેતરોમાં તમે મનોરમ્ય છતા કોઈ ગીચ ઝાંડી-ઝાંખરા ગોતવા જાણે મફત સાબુની ભેટ-કુપન લેવા નીકળ્યા હો એમ, બહુ દૂર નીકળી જાઓ છો ! આવો જાતક ઝાડીઓમાં ગૂમ થવા જતો હોય ત્યારે જતી વખતે તમે ગાડીમાં બેઠા-બેઠા, પાછળથી એનો આકાર અને શરીરમાં થતી હલચલનો અભ્યાસ કરો, તો કરફ્યૂ વખતે સૂનસાન સડક પર છાપાનું પડીકું આમથી-તેમ હરફર-હરફર કરતું હોય, એવો આ ભટકતો લાગે. છેલ્લી ક્ષણો દરમ્યાન કાળી ભેંકાર રાતમાં શીતળ ચંદ્ર કાળા ડીબાંગ વાદળોની પાછળ આહિસ્તા...આહિસ્તા ખોવાઈ જાય, એમ આ પાર્ટી હળવે હળવે ગીચ ઝાડીઓની પાછળ ઓઝલ થતી દેખાય છે.

અફ કોર્સ, એની અઢી મિનિટ પછીનો સૂર્યોદય અલૌકિક હોય છે. શિકાર પતાવીને કોઈ જંગલી વરૂ ઝાડી-ઝાંખરામાંથી બહાર નીકળ્યું હોય, એવી બેફિકરાઈથી પ્રગટ થાય છે. એના ચહેરા પર કોઈ અનોખું તેજ અને શાંતિ મહેસૂસ થતી જણાય છે. આમ, બહુ ખુશ થવા જેવું એણે કાંઈ કર્યું નથી. પણ એના ચહેરા પર કોઈ અનુપમ શાંતિના ઘને બાદલ છલકાય છે. એને આવતો જોવો એક મંગલમય ઘટના છે. આવીને તરત, આ જ ઘટના સ્થળે નેનો જેવી કારનું કારખાનું નાંખશે, એવી આશા ઉભી થાય છે. હજી હમણા પતાવેલું કામ જ એવું છે કે, એની પૂર્ણાહૂતિ પછી મનુષ્યને કશું કરી બતાવવાનો વિચાર આવે.

નાનપણમાં હું વેકેશનમાં થાનગઢ (ચોટીલા પાસે) જતો ત્યાં ટોઈલેટ-ફોઈલેટની વ્યવસ્થા આખા ગામમાં કોઈને ત્યા નહિ. રોજ વહેલી સવારે ગામના પાદરે હાથમાં ડબલું લઈને જવું પડતું. વહેલી પરોઢે ત્યાં કોઈ સેલ ખૂલ્યું હોય, એમ આખું થાનગઢ પાદર પર છલકાય. પુરાણકાળમાં ઋષિમુનિઓ હાથમાં કમંડળ લઈને આમ જ નીકળી પડતા. ગામમાં બધાને ખબર એટલે આવે સમયે જતાં વટેમાર્ગુઓને કોઈ ન બોલાવે..... પાછા ફરતા બોલાવાય..... એમાં કોઈની બા ના ખીજાય. જતી વખતે સ્પીડ પકડવાનું અને કોઈની સાથે નહિ બોલવાનું કારણ એ રહેતું કે, શહેરના બિલ્ડરોની માફક થાનગઢવાસીઓને પણ રોજ નવી નવી ભૂમિ શોધવા નીકળવું પડતું. કેટલાક ભૂમિપૂજકો તો એવા દુર દુર નીકળી જતા કે, ઘરે ચિંતા થતી કે, ‘સુઊં એમણે સમાધિ ય તીયાં જ લય લીધી......?’ આજની જનરેશન આને ટ્રેકિંગ સમજે.

આ લેખ લખવા પાછળ ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાને મારો સંદેશ એટલો જ છે કે, જે કામ કરવામાં તમારો કોઈ વાંક ન હોય એ કરતી વખતે, કર્યા પછી કે એ વિશે બે માણસને વાત કરતા ગભરાવું નહિ.

‘‘એકી ‘કરણ’માં શરમ શેની !’’

સિક્સર
- અમિતાભ બચ્ચને મલ્લિકા શેરાવત સાથે કામ કરવાની ના પાડી !
- હવે........ઊંમર થઈ કહેવાય !
(Published on 05-01-2011)

29/06/2016

દમણ ભ્રમણ

અમારા ચારેયની ઉંમર ચાર ધામ યાત્રા કરી આવવાની થઈ ગઈ હતી, પણ એ ચારેમાંના એકે ય ધામમાં 'છાંટો-પાણી' કરવાની છૂટ નથી, પછી એટલે દૂર કોણ પેટ્રોલ બાળે ? અને ગુજરાતમાં જ કહેવાય, એવા કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territories) દમણાં સરકાર કે વાઇફના ડર વગર 'પી' શકાય !

આવે સ્થળે દૂર... જ્યાં શું કરીએ છીએ, એની કોઈને ખબર પડે એમ ન હોય ત્યારે સ્ત્રીઓ સાથે આંખમટક્કા કરી શકાય, એવી અમારી દાનત કે જરૂરતે ય નહોતી. સમજો ને, ઑલમોસ્ટ બુઢ્ઢા થઈ ગયા હોવા છતાં એમ પાછા મિસરની મહારાણી ક્લિઓપેટ્રાના ય ૮- ૧૦ બાળકો અમને પપ્પા કહે, એવા તંદુરસ્ત હજી ખરા. (ચારે ચાર ભેગા નહિ... ચાર ભાગ પાડીને વન-બાય-વન પપ્પા બનવાની વાત ચાલે છે !) બંદૂકમાં પોટાશ ભરચક ભરેલો હોય, પણહવે કોઈ ફોડવા ય ન દે ને ? કોક સામે જોયે રાખતી હોય અને એ ય અમને જોવી ગમે એવી હોય, તો પાછા અમારા હૃદયો વિશાળ. અમે એકબીજાને પૂછીએ પણ નહીં કે, 'તારી સામે જોતી'તી કે મારી સામે... ?' પણ એનાથી આગળ ઇવન પેલી ય વધે, તો અમારે 'જે સી ક્રસ્ણ, બેન' કહીને બાજી ફિટાઉન્સ કરી નાખવી પડે. ૬૦-ની ઉંમર વટાવ્યા પછી કેટલી ઇશ્કે-મિજાજી કરી શકાય ! આ ઉંમરે અમને 'જોવી' ગમે અને એ 'જોતી' હોય એટલું જ ગમે.... એથી આગળ તો અમારામાંથી ઉંમરમાં મોટી હોય તો ય, 'ઘરે જાઓ બેટા... મમ્મા રાહ જોતી હશે.' કહીને બાપ દીકરીને વળાવે એમ ભરચક આંખે વિદાય આપીએ. હાથમાં આવેલો આવો કોહિનૂર આમ જ... બસ, જવા દેવાનો હોય તો મનમાં ઢીલા થઈ જઈએ કે, 'માજી, પચ્ચી વરસ પહેલાં ક્યાં હતા ? લેવા- દેવા વિનાના અહીં દમણ સુધી લાંબા તો ન થાત !'' (સુઉં કિયો છો ? હું બરોબર જઈ રહ્યો છું ને ? હું આવો તાનમાં આવી ગયો હોઉં, ત્યારે મને રોકવો નહિ !)

પણ ૬૦- પછી સંસારના આ બધા મૂળભૂત રસો ટકાવી રાખવા નિહાયત જરૂરી છે, ભલે વાપરીએ નહિ ! 'ભાંગ્યુ ભાંગ્યું તો ય ભરૂચ', એમ ઘટમાં ઘોડા હણહણે ખરા, પણ મહાલક્ષ્મીના રૅસકોર્સ પર એમને દોડાવાય નહિ ! આ તો એક વાત થાય છે.

સાથે સાથે ઢળતી ઉંમરે વિચાર તો એ ય કરવો પડે કે, 'જીંદગીના રસને પીવામાં જલ્દી કરો 'મરીઝ', એક તો ઓછી મદિરા ને ગળતું જામ છે...'

દમણ જઈને પીવામાં એક મોટો ફાયદો છે. કોઈનાથી ફફડવાનું તો નહિ ! હજી આજે ય ગુજરાત વાંઝીયું રાજ્ય રહી ગયું હોવાને કારણે પીવાના શોખિનોની હાલત આપણાથી તો જોઈ પણ ન શકાય એવી દયામણી હોય છે. ફફડાટ એટલી હદનો હોય કે, ખિસ્સામાં રૂમાલ જેટલી જગ્યા રોકીને વરીયાળી ભરી હોય, જેથી પીધા પછી ફાકડા ઉપર ફાકડા મારી જવાય ને ઘેર વાઇફને અને રસ્તામાં પોલીસને ખબર ન પડે. જેને ઘેર પીવા જવાનું હોય, ત્યાં પોલીસ તો ગોઠવાઈ નથી ને, એવા ફફડાટમાં ખાદીના કપડાં પહેરીને પીવા ગયા હોઈએ. પરમિટ તો હોય નહિ, એટલે બીક લાગે તો, કેમ જાણે જન્મ્યો ત્યારથી પી- પી કરવાનો બહોળો અનુભવ હોય એમ બીજો પાછો શાયરીમાં વાત કરવા માંડશે, 'પરમિટ લઈને કે લીધા વગર, ક્યાં ચાલે છે કોઈને પીધા વગર !'

આ પીવામાં કે અન્ય એવા કોઈ પણ નાનાનાના ગુન્હાઓ ચોરીછૂપીથી કરવામાં જે લઝ્ઝત મળે છે, એ ખુલ્લેઆમ કરવામાં નથી મળતી. યાદ કરો, પહેલીવાર સિગારેટ પીધી હતી, ત્યારે આજુબાજુ તો ઠીક ઉપર આકાશના ચંદ્ર-તારા અને નીચે આપણો ધૂળજી ય જોઈ ન જાય, એનો ફડકો રાખવો પડતો. ટ્રાફિક સિગ્નલ પર હજી પીળી લાઇટ હોય ને પોલીસ ઊભો હોય છતાં ધમધમ ગાડી ભગાવવાનો જે ટેસડો પડે છે, એ સડસડાટ નીકળી જવામાં ક્યાં પડે છે ? વાઇફને ઉલ્લુ બનાવી અન્યત્ર મૂડીરોકાણ કરનારા વીરપુરુષોને ત્યાં સુધી જ જલસા પડે છે, જ્યાં સુધી વાઇફથી સાચવવાનું હોય છે. એકવાર એને ખબર પડી ગઈ તો બે દહાડા ધૂમધામ અને ધડાકા.. પછી 'હૂ કૅર્સ ?' પછી આ સેકન્ડ-હેન્ડ પ્રેમીઓને અંધારાનો આનંદ ન આવે ! નાના ગુન્હાઓની અસલી લઝ્ઝત છાનીમાની જ આવે ! સુઉં કિયો છો ? (એવી લઝ્ઝતો લેનારાઓને જ આ પૂછ્યું છે... બાકીનાઓએ આ પ્રશ્ન ઑપ્શનમાં કાઢવાનો છે.)

એ રીતે દમણ પવિત્ર ભૂમિ છે. અહીં ભક્તોના માન-સન્માન જળવાય છે. પીવામાં પોલીસ જોઈ જાય તો ય કોઈ ખૌફ નહિ... થોડું વધ્યું હોય, તો એમને ય આપણી સાથે જોડાવા બોલાવી શકાય. એ વાત જુદી છે કે, પોલીસો ડયુટી ઉપર 'પીતા' (કે 'ખાતા') નથી.

યસ. મને ય ડ્રિન્ક્સ બેશક ગમે, પણ પીતા આવડતું નથી એટલી ચોક્કસ ખબર કે, વ્હિસ્કી રકાબીમાં કાઢીને કે લસ્સીની માફક ગ્લાસમાં સ્ટ્રો નાંખીને ચૂસી ચૂસીને ન પીવાય. પણ ગ્લાસમાં કેટલી ભરવાની હોય, એની પહેલા ખબર નહોતી પડતી... હવે પડે છે કે, જાલીમ જમાનાને ખબર પડવા ન દેવી હોય તો પિત્તળના લોટામાં પીવી. વટેમાર્ગુઓને લાગવું જોઈએ કે, 'ડોહા છાશ-બાશ પીતા લાગે છે.' વર્ષમાં બસ કોઈ ૩- ૪ વાર યારદોસ્તોની સાથે આવા સેશનો થઈ જાય એ તો !

દમણનો દેવકા બીચ શનિ- રવિમાં કુંભમેળાનું સ્વરૂપ ધારણ કરે છે. સુરત- નવસારીના પદયાત્રીઓ આ વૈકુંઠધામમાં ગાડીઓ લઈને એટલી મોટી સંખ્યામાં આવે છે કે, હોટલોમાં જગ્યા ન મળે. મળે એનો ભાવ ટીંચર જેવા હોય (અલબત્ત, મેં ટીંચર ચાખ્યું નથી, એટલે માત્ર ભાવની ખબર છે !) યુનિયન ટૅરીટરી હોવાથી અહીં સૅલ્સ-ટૅક્સ લાગે નહિ, એટલે છાશના ભાવમાં મઠો મળે, એવી જાહોજલાલી થઈ. કહેવાય બીચ, પણ દરિયો પગમાં ઘુંચી જાય એવા કાંકરાવાળો. નહાવાની વાત તો દૂરની છે... મહી પડતું મૂકવા ય જવાય નહિ.

અમે ચારે ય દોસ્તો ખૂબ ભટક્યા, પણ ક્યાંય હોટલ મળે નહિ. ચાર- પાંચ કલાકના દમણ-ભ્રમણ પછી પાછા વળ્યા. પીવાનું તો ઘેર ગયું. ભૂખ્યા પેટે અમે દરદર ભટકતા હતા. હાઇ-વે પરની એક હૉટલમાં કૂપન લઈને ફાફડા- સમોસા ખાવાના હતા. હવે પીવાની નહિ, ખાવાની એટલી ભૂખો લાગી હતી કે, આપેલો ઓર્ડર સર્વ ન થાય ત્યાં સુધી ભૂખના માર્યા અમારા પોતાના શર્ટની બાંય ચાવતા હતા... થૅન્ક ગોડ, એને માટે કૂપન લેવાની નહોતી, પણ ડરી એવા ગયા હતા કે સેલ્ફ સર્વિસ હોવા છતાં ય ટેબલ પર બેઠા બેઠા તબલાં- ઢોલકની થાપ આપીએ પણ ઊભું થઈને કોઈ લેવા જાય નહિ, એટલે તૂટી ગયા હતા. છેવટે પેટ ભરીને નાસ્તા કર્યા, એમાં એક જણ વૉશરૂમ જતો હતો તો બીજાએ પૂછ્યું, 'કૂપન લીધી છે... ?' લઈને જજે અને જરા સંભાળજે... ત્યાં ય સેલ્ફ સર્વિસ છે...!

ઉફ્ફ.. એક ટીપું ય પીવા મળ્યું નહોતું, છતાં ઘેર આવીને છાપ એવી પડી કે, આ લોકો દમણમાં ડ્રિન્ક્સ લેવા ગયા હતા.

આ મામલે, હજી બસ્સો વર્ષ જમાવટ કરે જાય, એવા યુવા કવિ ભાવિન ગોપાણીનો શે'ર...
'એક ખાલી જામના તળિયેથી મળતી હોય છે,
લાગણીઓ ક્યાં ક્યાં રખડતી હોય છે !'

સિક્સર
બાયપાસ પછી મેં સિગારેટ છોડી દીધી, એનાથી ખુશ થઈને એક દોસ્ત ગિફ્ટમાં મને બિયરની બોટલ આપી ગયો.

28/06/2016

ખાડીયા ૧૯૬૦નું

બરોબર ઇ.સ. ૧૯૬૦ની સાલ. ખાડીયા દેસાઇની પોળને નાકે રા.બ. રણછોડ ગર્લ્સ સ્કૂલ. પોળની બાજુમાં દ્વારકાદાસ પરમાનંદ ગુજરાતી શાળા અને પોળની બરોબર સામે મ્યુનિસિપાલિટી શાળા… છતાં આખી દેસાઇની પોળમાં કોઇને પણ ભણતર ચઢ્યું હોય, એના પુરાવા આજ સુધી નથી મળ્યા. તમે જોઇ શકો છો, આખી પોળે ભણતરને પોળની બહાર કાઢ્યું હતું.

હું એ મ્યુનિ. શાળામાં ત્રીજા ધોરણમાં ભણતો. અમારે ભદ્રિકાબેન નામના ટીચર હતા, જે બાળકોને ખૂબ પ્રેમ કરતા પણ ચંદુલાલ ત્રિવેદી નામના મોંઢે શીળીના ચાઠાવાળા બારેમાસ ગુસ્સાવાળા એક માસ્તર અંગત રીતે મને જરા ઉંચા લેવલનો પ્રેમ કરતા. કાળી ટોપી, સફેદ ઝભ્ભો અને ધોતીયું એમનો બારમાસી પહેરવેશ. આખા કલાસમાં પહેલી પાટલી પર, બરોબર એમના પગની નીચે મારે બેસવાનું. આ પાટલીઓ એટલે, લાકડાના છ-સાત ફૂટ લાંબા પાટીયાઓ. હું તો ત્યારે પણ કાંઇ હોંશિયાર-બોશિયાર ન હતો, પણ ચંદુલાલ માસ્તરના બન્ને પગના આંગળાઓની વચ્ચેની જગ્યાઓ ફૂગાઈ ગઈ હતી. એમાં મીઠી ચળ આવતી… (અમને નહિ… એમને!) માસ્તર એ આંગળાઓ ખણી આલવા મને બેસાડે. ચામડીના રોગોના ડૉક્ટરો (ડર્મેટોલોજીસ્ટ્સ)ની ભાષામાં એને  Cutaneuos Blastomycosis Interdigitalis કહેવાય. આ કોઈ વેસ્ટ ઇન્ડીઝના કાળીયા ક્રિકેટરનું નામ નથી, પગમાં થતા ફંગસનું દાક્તરી નામ છે.

મેં કબુલ તો કર્યું કે, ઇવન એ જમાનામાં ય, કલાસના બીજા છોકરાઓ જેટલી શાણપટ્ટી આપણામાં નહિ. એ લોકો ચંદુલાલ માસ્તરના હાથમાં ન આવે, પણ હું તો પગમાં ય આવી ગયો હતો. મારે એક હાથે એમનો અંગૂઠો ખેંચેલો રાખીને, સુથાર કરવત ઘસે, એમ મારી આંગળી એમના પગના આંગળાઓની ગપોલીઓમાં ઘસવાની. એમને ખૂબ મઝા પડતી… મોંઢું હસુહસુ થાય. ‘હજી ઘસ… હજી ઘસ…’ નામના એ ઝીણકા ઓર્ડરો આજે મને ૫૦-વર્ષ પછી ય યાદ છે. મને આદત પડી ગઈ હતી, એટલે રવિવારે રજાના દિવસે ઘરમાં વિના મૂલ્યે કોઈનો બી અંગૂઠો ઘસી આલતો.

પણ આ હાળું રોજનું થઈ ગયું એટલે ગમે તો નહિ ને ? અમારી સ્કુલની સામે આંબોળીયાની લારી લઈને ઊભો રહેતો ‘વાડીયો’ (વાડીલાલ) કાચની બરણીમાં કાચી કેરીના કટકા વેચતો, એની ઉપર મીઠું ભભરાવવાનું. તરત બચકું નહિ ભરી લેવાનું. ખાસ તો કોઈ જોતું હોય ત્યારે મીઠામાં બોળેલા કટકાને જીભ ઉપર અડાડવાનો… એમાં જોનારો આખા શરીરે મરડાઈ-તરડાઈ જાય. બહુ ગીન્નાય… એનાં મોડામાં પાણી આવે પણ કેરીનો કટકો આપણી જીભ ઉપર હોય એ એનાથી ન રહેવાય, ન સહેવાય. વનિતા-વિશ્રામ ગર્લ્સ સ્કૂલની બહાર બરફના ગોળાવાળો હીરાલાલ નામનો એક સિંધી ઊભો રહેતો, જેને ઇવન આજે ય લોકો ભૂલ્યા નહિ હોય. શાકવાળો ‘‘છન્નુ ભૈયો’’ આખી ખાડીયાની માતા અને બહેનોમાં લોકપ્રિય, કારણ કે ગમે તેટલું ઓછું શાક લો, કોથમીર-મરચા ને લીમડો એ મફતમાં આલતો. એક પૈસો લીધા વગર બાળકોની સેવા કરવામાં ગોટીની શેરીના ડૉ. દુધીયા સાહેબ આજે પણ આખી દુનીયામાં મશહૂર. ખાડીયા આખામાં નવલ નામનો એક ‘લાકડા-ચોર’ મશહૂર થઈ ગયેલો… એક પણ લાકડું ચોર્યા વગર! ગાંડો થઈ જવાને કારણે, એ જ્યાંથી નીકળે, ત્યાં છોકરાઓ બૂમ પાડે, ‘‘લાકડા-ચોર…’’ ક્યારેક નવલ ખીજાય ને ક્યારેક હાથ જોડીને ઇવન બાળકોને આજીજી કરે, ‘‘બે, નથી ચોર્યા… જાને !’’… (આ ‘બે’ શબ્દ માત્ર અને માત્ર ખાડીયામાં શોધાયેલો અને ગુજરાતભરમાં વપરાયેલો. એ શેના ઉપરથી ઉતરી આવેલો, તે કોઈ નથી જાણતું, પણ ખાડીયામાં એકબીજાને દાદુ, ગુરૂ, પાર્ટી, બોસ, લેંચુ, અને હીરોની માફક આમ ‘બે’ કહીને બોલાવાતો.) છોકરી સુંદર હોય તો એને માટે ‘કબાટ’ બરોબર હોય, પણ હેન્ડલ બરોબર ન હોય, તો કમાવવાનું શું ? આ તો એક વાત થાય છે… !

વાડીયાની લારીમાં બઘું મળે. ચૂરણ, ખાટાં/ખારા અને તીખા આંબોળીયા (જે આજે પણ મારો સૌથી મનપસંદ ટેસ્ટ છે.), કોઠું, હળદર ચોપડેલા ખારા આંબળા, આંબલી, કાતરા… રીસેસમાં આ બઘું ખાવામાં જલસા પડી જતા.

મતલબ, આમાંની મોટા ભાગની આઈટમો મીઠામાં ઝબોળેલી હતી અને રોજના ઘરાક હોવાને કારણે મારા આંગળા પણ મીઠામાં ઝબોળેલા રહેતા… ! ફિર ક્યા… ? એ જ આંગળા ચંદુલાલ માસ્તરના ચીરાં પડેલા ફૂગાઈ ગયેલા આંગળાઓ વચ્ચે ઘસું, એમાં તો બાજુમાં આવેલી આખી અમૃતલાલની પોળ સાંભળે એવી રાડો માસ્તરના ગળામાંથી નીકળે જ રાખે… નીકળે જ રાખે… ! મને મારી આ સિદ્ધિ અંગે કાંઈ ખબર નહિ, પણ દરેક રાડારાડ પછી માસ્તર મને બધાની વચ્ચે ફટકારતા, એ દરમ્યાન પણ દુઃખ સહન ન થવાને કારણે એમનું બન્ને પગ ઉલાળવાનું ચાલુ રહેતું. મફતમાં ખણાવવાનું મળતું હોય તો એમાં ય કાર્ય સંપન્ન કરાવ્યાનો પૂરો સંતોષ.

એ જમાનામાં હોશિયાર કે ડોબા છોકરાઓ જેવા કોઈ ભેદભાવો નહોતા. બધાને પાસ કરી દેવાતા, એટલે હું ચોથા ધોરણમાં આવ્યો. અમારા ખાડીયાની જેઠાભાઈની પોળમાં ઊન્નતિ બાલમંદિર નવું નવું શરૂ થતું હતું. અમે બાજુની ખત્રી પોળમાં રહીએ એટલે જરી નજીક પડે, એ હેતુથી મને ઊન્નતિમાં મૂકવામાં આવ્યો. બાલમંદિર નવું નવું હતું એટલે ત્રીજા ધોરણમાં તો સારી સંખ્યા હતી, પણ ધો. ૪-માં અમે ફક્ત ચાર જ બાળકો. રાજુલ, હેમાંગ, અન્નપૂર્ણા અને હું. (જીવતરમાં પહેલી વાર હું ચોથા નંબરે પાસ થયો હતો, એ આ પહેલી અને છેલ્લી વાર… !) પરિણામે, એક રૂમમાં એક બ્લેક-બોર્ડની વચ્ચે ચોકનો લીટો પાડીને માસ્તર બે ભાગ કરતા. ડાબી બાજુ ધો. ૩ અને જમણી બાજુ ધો. ૪. અમને ભણાવવા આવતા માસ્તર બાજુના કલાસવાળા ‘બેન’ સાથે રોજ ઘર-ઘર રમતા. ઉન્નતિની બરોબર સામે રહેતો તોફાની લાલીયો (દીપક) પોતાની અગાસીમાંથી છાનોમાનો આ બધો ખેલ જોયે રાખે. આ બધી પાયાની તાલીમને કારણે… કહે છે કે, લાલીયાના મેરેજ તો બહુ જલ્દી થઈ ગયેલા ને અમે લોકો હજી સ્કૂલમાં હતા, ત્યારે એના બાળકોને રમાડવા જતા. લાલીયાના લગ્ન અમારા બાલમંદિરની પેલી માસ્તરાણી સાથે નહોતા થયા… ! લાલીયો તો, કહે છે… કોક સારી જગ્યાએ પરણ્યો હતો. પાંચમા ધોરણમાં મને સારંગપુર દોલતખાનાની ‘કાલીદાસ દવે વિનય મંદિર’માં એટલા માટે મુકવામાં આવ્યો કે, એના માલિકો અમારી જ્ઞાતિના હતા… તે કાલ ઉઠીને છોકરો પાસ તો કરી આલે… ! અમારૂં ગણિત અરવિંદભાઈ લેતા. બાળકોએ ગણિત શીખવું જ જોઈએ, એવું એ બહુ માનતા. એમની આ માન્યતા સામે આખી કલાસમાં મારો એકલાનો વિરોધ. સિઘ્ધાંતોની આ લડાઈમાં વર્ષની આખરે રીઝલ્ટ્સ આવે ત્યારે સત્યનો એટલે કે સ્કૂલનો વિજય થતો. મને તો સાલાઓ અક્ષરના માકર્સ પણ ન આપતા. ત્યાં ૩-૪ શુકલ સાહેબો હતા. બધા એકબીજાના ભાઈઓ અને ફિલ્મના હીરો જેવી પર્સનાલિટી હોવાને કારણે અમને બધાને બહુ ગમતા. પણ ઘરથી દૂર પડતી એ સ્કૂલને ત્યજીને ફરી એકવાર હું દેસાઈની પોળમાં આવેલી સાધના હાઈસ્કૂલના ધો. ૬માં જોડાયો.

આ જરા જોઈ લેજો. મહાપુરૂષો જીવનકથા લખતા હોય, ત્યારે આ ‘‘જોડાયો’’ શબ્દ બહુ વપરાવાનો. ‘‘… ૪૨-ની ‘ભારત છોડો’ ચળવળમાં હું જોડાયો, એ પછી મીઠાના સત્યાગ્રહમાં જોડાયો. ’૬૦-ના દાયકામાં પં.નેહરૂની કોંગ્રેસમાં જોડાયો, પણ નૈતિકતા ખાતર મેં કોંગ્રેસ છોડી જનસંઘમાં જોડાયો…’’ હજી એ જીવતા હોય ત્યાં સુધીમાં તો તેઓશ્રી ભાજપ અને કોંગ્રેસથી માંડીને નદીકાંઠા ધોબીઘાટ મંડળમાં પણ જોડાયા હોવાના ફોટા એમના ઘરની ભીંતો પર લટકતા હોય.

દેસાઈની પોળને ભણતર નહોતું ચઢ્યું, એ વાતને સમર્થન આપે એવું એક જ વર્ષમાં બની ગયું. જે સારંગપુર હું છોડીને આવ્યો હતો, ત્યાં જ તળીયાની પોળમાં સાધના હાઈસ્કૂલ ખસેડાઈ. ભૂગોળ બદલાવાથી ભણતર બદલાશે, એ માન્યતા ખોટી પડી. ડોબા તરીકેની મારી છાપ ભૂંસાઈ નહિ. આ સ્કૂલના માસ્ટરો પશાકાકા, કેશુભાઈ, અંબુભાઈ, સૂર્યકાંતભાઈ, રાજાસુબા, નીમુબેન ગ્લોરીયાબેન, સુધાબેન, મહેન્દ્રભાઈ, પ્રહલાદભાઈ, ભગુભાઈ અને પ્રિન્સિપાલ રતિભાઈ… આ સહુએ ભેગા મળીને સમગ્ર દેશને ઉત્તમ વિદ્યાર્થીઓ ભેટ આપવા ઘણી મેહનતો કરી.

અમારી ’૬૮-ની એસ.એસ.સી. બેચના પરિણામો આવ્યા ત્યારે નાપાસ તો કોઈ નહોતું થયું… પણ દેશ તો ઠીક, પોતપોતાની પોળનું ય નામ રોશન થાય એવું તો આજ સુધી કોઈ ન ભણ્યું… છોકરીઓમાં મૈનાક, પન્ના, હર્મ્યા, મીના, જાગૃતિ, સ્મિતા, મૃદુલા, મીરાં, મિત્રા, રીતા અને ભૈરવી તો છોકરાઓમાં જતીન, દીપક, રાજેશ, મહેશ, સુનિલ, મૂકેશ, રજનીકાંત, પ્રવીણ-ખમણ, તુષાર, કિરીટ, રમેશ, નિલેષ, દિલીપ… બધા આગળ જતાં મોટું નામ અને ખૂબ પૈસા કમાયા…

કહે છે કે, એમાંના એક વિદ્યાર્થીએ તો આગળ જઈને જોક્સવેડાં જેવા હાસ્યલેખો લખી લખીને ગુજરાતીના ટીચરજીઓનું નામ બોળ્યું… ન પૈસા કમાઈ શક્યો… ન નામ!

સિક્સર
હમણાં એક લેખકની બાજુમાં સોફા પર બેસતા બેસતા મારાથી ‘‘હે ભગવાન…’’ બોલી જવાયું. લેખકે મારી સામે જોયું. મેં કીઘું, ‘‘આવું સાલું ઘણાં સમયથી થાય છે… હું જ્યારે જ્યારે ‘‘હે ભગવાન…’’ બોલું છું, તો મારા શરીરમાં ક્યાંકથી ‘‘હાં, બોલ…’’ એવો ઘ્વનિ આવે જ છે, બોલો !’’

26/06/2016

ઍનકાઉન્ટર : 26-06-2016

* બસમાં બેઠેલા બાળકે મને પૂછી જ લીધું, 'તમે બસમાં સુઇ કેમ જાઓ છો ?' મારે શું જવાબ આપવો ?
- એ તો બસ તમે ચલાવતા હો, તો જવાબ આપવાનો હોય !
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* ડિમ્પલ કાપડીયાના ગળે હવે કરચલીઓ બહુ દેખાય છે...!
- તે તમારે ક્યાં એની ઉપર ઈસ્ત્રી ફેરવવા જવાનું છે !
(મધુરી ડી. પટેલ, વડોદરા) 

* શું દેશને વ્યવસ્થિત ચલાવી શકે, એવી સરકાર મળશે કે નહિ ?
- એ તો દેશને રીક્ષા સમજીને ચલાવવાનો છે કે ઘરડાનું ઘર સમજીને, એની ઉપર આધાર છે.
(ધરતી પટેલ, અંકલેશ્વર) 

* મોદી એમની સરકારમાં તમને જોડાવવા બોલાવે તો કયું ખાતું માંગો અને કેમ ?
- એમણે 'અચ્છે દિન 'આયેંગે' કીધું છે.. 'જાયેંગે' નહિ !
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ) અને (મિતુલ પ્રજાપતિ, અરોડા-ઈડર) 

* અમારૂં સરનામું અને ફોન નંબર તો લો છો... કોક દિવસ ફોન તો કરો !
- હું તો સારો માણસ છું.
(રોહિત દરજી, હિંમતનગર) 

* દેશ માટે ફાવે તેમ બોલનારાઓને પબ્લિકે શું સજા કરવી જોઈએ ?
- સજા આવું ચલાવી લેનારાઓને કરવાની હોય !
(મધુકર મેહતા વિસનગર) 

* તમે જ્યોતિષમાં માનો છો ?
- મને એમને એમે ય હસવું આવે છે..!
(ધવલ સોની, ગોધરા) 

* તમે ટ્રાફિક-પૉલીસથી બચવા શું કરો છો ?
- ધ્યાન ટ્રાફિકમાં રાખું છું, પોલીસમાં નહિ !
(સાગર ભટ્ટ, ભાવનગર) 
* આજકાલ ફિલ્મો સારી કેમ બનતી નથી ?
- ફિલ્મો જ...?
(શશીકાંત દેસલે, સુરત) 

* માણસ અને વાહનોની જેમ સરકાર પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત કેમ બનાવતી નથી ?
- પ્રાણીઓ દસની નોટ સરકાવી ન શકે ને !
(મુહમ્મદ હનિફ મહુડાવાલા, ડભોઇ) 

* આપણે બહારથી ભય રાખવાની જરૂર નથી. આપણી ભારતીયતા તોડવા આપણા જ કેટલાક લોકો કાફી છે...
- બોલો, જયહિંદ.
(વાહિદ સૈયદ, ધંધૂકા) 

* જેઍનયુના દેશવિરોધી સૂત્રો અને વિપક્ષોનો સાથ. આપનો શું અભિપ્રાય છે ?
- આપણા દેશપ્રેમીઓ કાફી છે, આવા હલકટોના છેદ ઊડાવવા !
(દિશા શાહ, મુંબઈ) 

* તમે કોઇની સાથે બેવફાઇ કરી છે, જેમાં તમારૂં દિલ દુભાયું હોય ?
- મારે બેવફાઈ કરવી પડે, એટલું મહત્ત્વ કોઇને આપતો નથી.
(શૈલેષ આહિર, બામણાસા-ગીર) 

* તમે ગુજરાતમાંથી પૂછાયેલા સવાલોના જવાબો પહેલા આપો છો. મુંબઇના પ્રશ્નો ભાગ્યે જ આવે છે !
- મુંબઇવાળાઓને પ્રશ્નો ઊભા કરવાની ટેવ જ નથી.
(જીજ્ઞા ગેવરીયા, મુંબઈ) 

* હું તમને શું સવાલ પૂછું, એ જ ખબર પડતી નથી !
- ....પડે ત્યારે પૂછજો !
(વૃંદા વાઘેલા, વડોદરા) 

* શું મોદી કામ કરી રહ્યા છે ?
- આ સવાલ તમે ભાજપને પૂછી રહ્યા છો કે કૉંગ્રેસને, એના ઉપર જવાબનો આધાર છે.
(મોબિન બ્લોચ, જામનગર) 

* છોકરીઓના ૩૬-ગુણ કયા હોઇ શકે ?
- એ લોકો કામ પૂરતું બોલે, એમાં ૩૫-ગુણ તો આવી ગયા... પછી બાકીનો એક શોધવાની જરૂર નથી.
(ઉદિત જગતાપ, વડોદરા) 

* ફિલ્મ 'આદમી ઔર ઈન્સાન' મુજબ, બંને વચ્ચે ફરક શું ?
- મને લાગે છે, ઈન્સાનમાં અડધો અક્ષર વધારે છે.
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા) 

* ડિમ્પલની જન્મ તારીખ જણાવશો ?
- હું એ વખતે હાજર નહોતો.
(હિતેશ પરમાર, મુંબઈ) 

* લેખક બનતા પહેલા, 'ઘર કેવી રીતે ચાલશે ?' એનો વિચાર તમને નહોતો આવ્યો ?
- વિચારી-વિચારીને લખે, એ બીજા !
(ધીરેન જોગીદાસ, ભરૂચ) 

* તમને નથી લાગતું હિંદુ, મુસ્લિમ કે સીખ્ખ- એમ જુદા જુદા ધર્મોને બદલે એક માત્ર 'ભારતીય' ધર્મ હોવો જોઈએ ?
- ના. ધર્મો તો બધા પવિત્ર છે... એમાંનો કયો ધર્મ ભારતીયતા શીખવે છે, એની ઉપર બધો આધાર છે.
(નાગરાજ ગીડા, સુરત) 

* લગ્ન કરવા સારા કે પ્રેમ ?
- પ્રેમ એકની સામે એક ફ્રી મળી શકે..
(સંકેત વ્યાસ, રાલીસણા-વિસનગર) 

* યુવાનોમાં મહાત્મા ગાંધીને બદનામ કરવાનો ટ્રૅન્ડ શરૂ થયો છે... આવા લોકો કેવા કહેવાય ?
- બાપુનું નામ એટલું નબળું નથી કે કોઇ પણ આલીયા-માલીયા બગાડી જાય !
(રવિ રસિકભાઈ શાહ, અમદાવાદ) 

* ફિલ્મ 'ઍરલિફ્ટ' માટે અક્ષય કુમારને નૅશનલ ઍવોર્ડ મળવો જોઈએ કે નહિ ?
- જે લોકોને આવા ઍવૉડર્સ મળી ચૂકયા છે.. એમાંના ઘણાનું સ્તર જોતા, અક્ષય આવા ઍવૉર્ડ કરતા ઘણો આગળ નીકળી ચૂક્યો છે.
(મયૂર વાળંદ, ભૂજ-માધાપર હાઈવે) 

* સાંભળ્યું છે, તમે ડિમ્પલના ફૅન છો...? બાય ધ વે, હું પણ ડિમ્પલ છું.
- તમારા ફોઇનો ટેસ્ટ ઊંચો કહેવાય !
(ડિમ્પલ વ્યાસ, સુરત) 

* હમણાં જ 'વૂમન્સ-ડે' ગયો. સ્ત્રીઓ માટે આપ શું માનો છો?
- બસ... પ્રભુ એક દિવસ તો 'મેન્સ-ડે' આપશે..!
(દેવાંગી દેત્રોજા, જામનગર) 

* શું આપણા દેશમાં 'રામરાજ્ય' આવશે?
- અત્યારે તો રામ(દેવ) રાજ્ય ચાલે છે... કહે છે કે, હવે તો આયુર્વેદિક પાણી-પુરીઓ ય આવી રહી છે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ) 

* વિશ્વમાં ક્રૂડ ઑઈલના ભાવો અડધા થઈ ગયા, છતાં આપણે ત્યાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં મામૂલી ઘટાડો...?
- પણ એટલે કાંઈ આપણી બહેનો માથામાં તેલને બદલે પેટ્રોલ-ડીઝલ તો ના છાંટે ને?
(વાહિદ સૈયદ, ધંધૂકા) 

* કેજરીવાલ જેવાઓને મીડિયા આટલું મહત્વ કેમ આપે છે?
- ન્યૂઝમાં ચમકતા રહેવા માટે બેવકૂફીભર્યા નિવેદનો આપતા રહો... બેવકૂફ મીડિયા તૈયાર જ છે.
(કૈલાશ હરિનારાયણ ભટ્ટ, અમદાવાદ) 

* ઘણા નેતાઓ હિંદીને બદલે ઈંગ્લિશમાં કેમ ભાષણો આપે છે?
- ઈંગ્લિશમાં બીજું શું આપે?
(સંજય ઓડ, વાલેવડાઃદસાડા)