Search This Blog

30/01/2013

ગુજરાતીઓને રેસ્ટોરન્ટમાં બેસતા આવડતું નથી !

સંદર્ભ એવો પકડાયો છે કે, એક જૂની સત્યઘટના અહીં ફરીથી લખવી પડે છે.

મારા લગ્ન થયા ત્યારે પત્ની અને ફાધર-મધર સાથે ખાડીયાની ખત્રી પોળમાં ૧૦-બાય-૧૦ ની બે રૂમોમાં અમે રહેતા. રહેતા એટલે કે, 'પડયા રહેતા'. સીધો હિસાબ છે કે, પ્રાયવસી જેવું કાંઈ હોય નહિ. મારે પત્ની સાથે પ્રેમના જોશોજૂનુનમાં ફક્ત 'આઈ લવ યૂ' કહેવું હોય તો ય મધરને, કામનું બહાનું બતાવીને વાઈફને ખાડીયા ગૅટ સુધી ચાલતા લઈ જવી પડતી. આજુબાજુ જોતા રહેવાનું કે, કોઈ સાંભળી ન જાય. આ ઘટનાક્રમ રોજનો. ખાડીયા ગૅટના કોક ખાનગી ખૂણામાં પહોંચીએ નહિ, ત્યાં સુધી 'આઈ લવ યૂ' કહેવાય નહિ... આવતી-જતી બીજી કોઈને ય ના કહેવાય ! વળી, એ દિવસોમાં ખાડીયામાં મોટા ભાગે લાડ, ખડાયતા ને મચકણીયા વૈષ્ણવો રહે, એટલે એકબીજાને રસ્તામાં મળે ત્યારે 'જયશ્રી કૃષ્ણ' કહેવાનો દસ્તુર હતો. સારૂં પાત્ર હોય તો હું ય કહેતો. વાઈફને 'આઈ લવ યૂ' કહેવા લઈ જવાની હોવાથી, ફિકર એક જ વાતની હતી, કે સામેથી 'જે શી ક્રસ્ણ' બોલતા કોઈ કાકી આવતા હોય, એમને 'જયશ્રી કૃષ્ણ' ને બદલે 'આઈ લવ યૂ' કહેવાઈ ન જાય...! કાકી સાચું માની લે તો, આપણે તો કાકી ૧૦-૧૨ વર્ષમાં ફાઈનલી પતે નહિ, ત્યાં સુધી ભરાઈ જઈએ ને ? આવા લોચા મારવામાં વાઈફને તો મેં હજારો વાર 'જયશ્રી કૃષ્ણ' કહી દીધું છે. બહુ સાચવીને વાઈફને ખાડીયા ગૅટના જે ખૂણે ભીડ ઓછી હોય ત્યાં લઈ જઈને 'આઈ લવ યૂ' કહી દેવાનું. એ વાત જુદી છે કે, ત્યાં સુધીમાં સઘળાં જોશોજૂનુન ઓગળી ગયા હોય !

આ મકાન બહુ નાનું પડતું એટલે, ભજન-કિર્તન માટે ખાડીયાના મોટા સુથારવાડાની પોળમાં અમે બે-રૂમ રાખ્યા હતા, આખો દિવસ રહેવાનું ખત્રી પોળમાં. હજી ધગધગતી જુવાની ફૂટુફુટુ થઈ રહી હતી અને ઝાડ નીચે ફેરફૂદરડી કરતા શશી કપૂર અને નંદાને કોઈ ફિલ્મમાં હજી હમણાં જ જોઈને આવ્યા હોઈએ, એટલે ભલે ઘરમાં ઝાડ ન ઊગાડાય, પણ શશી કપૂર નંદાના કપાળની લટ ઉડાડતો, એમ હું ય વાઈફના કપાળની લટ તો ઊડાડી શકું ને ? આમાં તો જેટલું ફાવે, એટલું જ કરવાનું હોય ! આપણે નવા નવા, એટલે કલાત્મક ઢબે લટો ઉડાડતા ન આવડે. કૅરમના સ્ટ્રાઈકરથી શોટ મારતા હોઈએ, એમ પેલીને લટને ઊડાડવાની. આમાં ભલે કલા ન હોય, પણ રોમાન્સ જરૂર રહેતો.

જવાબમાં એ ય પાછું મીઠું શરમાય ને આપણે બીજી વાર લટ ઉલઝાવીએ, એવું આમંત્રણ એની આંખોમાં હોય.. કેમ જાણે ઘરમાં આપણે બીજા કોઈ કામધંધા જ ના હોય...! આ તો એક વાત થાય છે !

લગ્ન હજી પહેલીવારના અને એ ય તાજાંતાજાં થયેલા, એટલે સ્વાભાવિક છે કે, બન્નેને ઈવન વાતો કરવા ય પ્રાયવસી જોઈએ. વાઈફ મને કોઈ રેસ્ટોરન્ટમાં જવાનું કહે. ત્યારે હું એને કહેતો કે, બ્રાહ્મણનો દિકરો થઈને હું રેસ્ટોરન્ટમાં નોકરી કરવા જઉં, એ સારૂં નહિ લાગે. વળી, મને હાથમાં પ્લૅટ પકડીને, ખભે પીળા પટ્ટાવાળા મરૃન રંગના કપડાં સારા ય નથી લાગતા. તું ધીરજ ધર. આજ નહિ તો કાલ, સારી નોકરી મળી જશે. એ ચિડાતી, ''અરે હું નોકરી કરવા નહિ, આપણને પ્રાયવસી મળે, માટે રેસ્ટોરન્ટમાં જવાનું કહું છું.''

આવા સંજોગોમાં એક સલૂણી સંધ્યાએ અમે બન્ને ટાઉનહૉલની બાજુમાં ચાલતી એક ઓપન રેસ્ટોરન્ટમાં ગયા. એ ખૂબ ના પાડતી રહી, ''ત્યાં તો તમારા યારદોસ્તો બહુ આવે... આપણે નથી જવું ત્યાં !'' હું ન માન્યો. હજી અમે બેઠા જ હતા અને ફિલ્મ 'મેરે મેહબૂબ'માં રાજેન્દ્રકુમાર સાધનાની હથેળી પોતાના હાથમાં લઈને રમાડતો, એવું મેં કરી જોયું. અફ કૉર્સ, આપણને કાંઈ સાધનાની હથેળી રમાડવા ન મળે... કહે છે કે, ઈમરજન્સીમાં જે મળે એનાથી ચલાવી લો, તો ભવિષ્યમાં દુઃખી નહિ થાઓ. મે વાઈફનો હાથ મારા હાથમાં લીધો... લોખંડનો ગરમ તાવેથો પકડાઈ ગયો હોય, એવું લખલખું બદનમાં પસાર થઈ ગયું. ઉષ્ણતામાન એની હથેળીનું વધારે નહતું, પણ કોઈ જોતું તો નહિ હોય ને, એવો આપણને ડર, એમાં નાનકડાં મકાનને કારણે આવા લખલખાં તો અડધી રાત્રે ઘરમાં ય મને તો આવે રાખે... કોઈ પંખો ચાલુ કરો !

કે.એલ. સાયગલ કાનનદેવીની આંખોમાં જોતા હોય, એમ હું હજી વાઈફની આંખોમાં જોવા જઉં ત્યાં જ એક બૂમ સંભળાઈ, ''દાદુઉઉઉઉ...'' હું ચમક્યો. મારી નાખ્યા. આ તો મિમિક્રી-આર્ટીસ્ટ શ્રી.કાંતિ પટેલનો અવાજ ! એ આવશે તો અમારી પ્રાયવસી પતી ગઈ...! એ બેઠા. મનભરીને બેઠા. અમથું ય કાંતિ પટેલ સાથે હોય ત્યારે આપણા સમગ્ર શરીરના તમામ અવયવોમાંથી ફક્ત કાનનો જ ઉપયોગ થઈ શકે !

એ બેઠા ત્યાં સુધી વાઈફ અકળાતી રહી. ટૅબલ નીચેથી પગના ગોદાં મારીને મને ઈશારા કરતી રહી કે, ''હવે આમને જે શી ક્રસ્ણ કહી દો... તો ઊભા થાય !''

ચારેક મિનિટ પછી કાંતિભાઈએ હસતા હસતા વાઈફને કીધું, ''ભાભી, હું મારી મેળે ઊભો થઈ જઈશ, પણ તમે ક્યારના પગના ગોદાં મારે રાખો છો, એ મારા પગને વાગે છે... મને તો સારૃં લાગે છે પણ, આ બિચારાને તો ખબરે ય નથી.''

હવે આ વાત તો આજથી ૩૬ વર્ષ પહેલાની, પણ રેસ્ટોરન્ટ્સમાં પ્રાયવસી આજે ય ક્યાં મળે છે ? (સમજવામાં લોચા ન મારતા. એ જમાના જેવી પ્રાયવસી મારે હવે ન જોઈતી હોય,.... કોઈને નથી મળતી, એની વાત છે.)

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ કે મારા જામનગરની કોઈપણ રેસ્ટોરન્ટમાં જાઓ ગુજરાતીઓની ટૅબલ-મૅનર્સ જોઈને ત્યાં પડેલા કૅચ-અપના એકોએક બાટલા બૂચ ખોલીને ગટગટાવી જવાની દાઝો ચઢે. મારા આ ઝનૂન માટે મને માફ કરવો. વાતમાં વજન લાવવા આ જાતનું ઝનૂન એટલા માટે ઉપડાવ્યું છે કે, રેસ્ટોરન્ટોમાં કૅચ-અપની બૉટલ ખુલે નહિ અને ખુલે તો એને ઊંધી કરીને, ભજનિકો ભારે ઝનૂનપૂર્વક હાથમાં કાંસી-જોડાં અને મંજીરા વગાડે એમ ધ્રુજારી અને ધડબડાટી બોલાવીને ઝટકઝટક કરવાની હોય છે. ઝટકાઝટકી પત્યા પછી બૉટલના તળીયા ઉપર હજાર હાથવાળા હો, એમ હાથ પછાડપછાડ કરો, ત્યારે બે ટીપાં ટોમેટો કૅચ અપના પામી શકો.

હવે તમને અંદાજ આવ્યો હશે કે, રેસ્ટોરાંની બધી બૉટલો ગટગટાવી જવાનું મારૃં ઝનૂન કેવું વિકરાળ હશે !

લોકો બે કારણે કલબ કે રેસ્ટરાંમાં જતા હોય છે. એક તો ઘર કરતા સારૂં જમવાનું મળવાની ગૅરન્ટી અને બીજું, બે ઘડી શાંતિ મળે, વાઈફોઝને એક ટંક કિચનની લમણાકૂટ નહિ અને જમતા જમતા આજુબાજુમાં સારા અને હૃદયને ઠંડક આપતા દ્રષ્યો જોવા મળે ! આપણે મનમાં સમજતા બધું હોઈએ, બોલીએ નહિ કે, આમ બહાર નીકળીએ તો ખબર પડે છે કે, ઘેર જમતી વખતે રોજ કેવું મોટું મન રાખીએ છીએ...! જમતા પહેલા ઘણા લોકો ઈશ્વરને પ્રાર્થના અમથે અમથી નથી કરતા હોતા... જય અંબે...!

રેસ્ટરાંની બધી શાંતિઓ છેતરામણીઓ હોય છે. જ્યાં ગુજરાતીઓ હોય ત્યાં શાંતિની અપેક્ષા રાખવી, એ માયાવતિ પાસે ફેશન શોનો રૅમ્પ-વૉક કરાવવા જેવું અઘરૂં કામ છે. ગુજરાતીઓનો મોટો પ્રોબ્લેમ એ છે કે, એ લોકો હોટેલ-રેસ્ટરાંમાં ય બારાત લઈને આવ્યા હોય એવી રમઝટ સાથે દાખલ થાય છે. હોટેલની બહાર એ તમામના પિતાશ્રીઓના નામ કોતરાવ્યા હોય એમ ચીસાચીસ કરતા આખી રેસ્ટરાંમાં ધડબડાટી બોલાવી દે છે. બીજા ગ્રાહકો ય અહીં બેઠા છે એની આ લોકોને પરવાહ હોતી નથી. કેટલું વિશાળ મન ? કે, 'તમે ભલે શાંત બેઠા હો, આવો... તમે ય અમારી ધડબડાટીમાં જોડાઈ જાઓ.' ઘેરથી લાવેલ બૅગ, પર્સ, બાળકોના ગરમ કપડાં, થેલાં - બધું ટેબલ ઉપર મૂકશે. એક-બે બાળકોને ટેબલ ઉપર બેસાડીને રમાડવા માંડશે. સૉલ્ટ-પૅપરની નાનકડી બૉટલો ઘુઘરા હોય, એમ ''આ લૂ લ્લૂ... આ લૂ લ્લૂ... માલું ડિકું...'' બોલીને છોકરીઓને રમાડવા માંડશે. કૉલેજના ગ્રાઉન્ડમાં એન.સી.સી.ના કૅડેટ્સ કસરતો કરવા આવ્યા હોય એમ આ લોકો ''પપ્પા અહીં બેસશે... મૉમ તમે પપ્પાની બાજુમાં આઈ જાઓ... જીગુ, તું સામે જતી રહે... વિમ્પી, તું સાઈડમાં જતી રહે... એટલે ટેણીયા-મેણીયા સચવાય...'' આ બધી ગોઠવણી નિષ્ફિકર અવાજે ચાલતી હોય, એટલે આજુબાજુ બેઠેલા બધાઓનું ધ્યાન એમનામાં લાગેલું રહે. છેક સુધી ખુરશીઓ ઍડજસ્ટ ન થતી હોય, એટલે બાજુના ગ્રાહકોને દયા આવે કે, ''ભ'ઈ, તું મારા ટેબલ પર આવી જા ને મારી ખુરશી લઈ લે... હું હોટેલની બહાર ઊભો ઊભો જમીશ... પણ તું જાળવ્યો જા...''

એ લોકોના બેઠા પછીય આપણને નિરાંત નહિ. લાઈફમાં પહેલી વાર હોટેલમાં આવ્યા હોય, એમ મોટે મોટેથી વાતો અને હાહાહિહિહૂહૂ કરશે. હોટેલ-મૅનર્સ કે ડીસન્સી ભૂલી જવાની ! મઝા તો સ્ટયુઅર્ડને ઑર્ડર બૂક કરાવે ત્યારે આવે. મોટા ભાગના ગુજરાતીઓને મૅન્યુ મુજબ ઑર્ડર કરતા આવડતો નથી ને એમાં એમનો કોઈ વાંકે ય નથી. ન આવડે એ ગૂન્હો નથી, પણ બધું આવડે છે, એટલું એમની સાથે આવેલાઓને સાબિત કરવા મિનિટો સુધી મૅન્યુ વાંચી લીધા પછી સ્ટયુઅર્ડને પૂછશે.

''ખાને મેં ક્યા ક્યા હૈ ?'' અલ્યા ગધેડા, સામે મૅનુ પડયું છે, તું સવારનો વાંચવાંચ કરે રાખે છે અને ખાસ વાત તો એ છે કે, તું હોટેલમાં આવ્યો છું તો ખાવા-પીવાની જ વાત હોય... અહીં ખેતરમાં વપરાતા ટ્રેક્ટરના ટાયર-ટયુબનો ઑર્ડર આપવાનો નથી, તે પૂછે છે, ''ખાને મેં ક્યા હૈ ?'' આખરે ઑર્ડર એવો આપે ને બધો માલ આવે, ત્યારે હેબતાઈ જાય. પૂરેપૂરો ભરાઈ ગયો હોય કે, આ ખાવાનું કઈ રીતે ? નાચોસ નામ મઝાનું લાગ્યું એટલે ઑર્ડર આપી દીધો પણ નાચોસ આવે ત્યારે ઉલ્લુ બન્યાની ખબર કોઈને પડવા ન દે કે, આ તો જાણે પાપડ ઉપર ચીઝ ચોપડીને આપી દીધું હોય, એને આ લોકો નાચોસ કહે છે. 'બિસ્સી બેલા' નામ મઝાનું પણ પેલો ઑર્ડર લઈ આવે ત્યારે ખબર પડે કે, આપણા ઘરની વઘારેલી ખીચડીને આ લોકો 'બિસ્સી બેલા' કહે છે...!

આખી હોટેલમાં બેઠેલા બધા ગ્રાહકોને ઊભા થઈને વારાફરતી આમના માથા ઉપર ગરમ સાંભાર ઢોળી આવવાની દાઝો એટલા માટે ચઢે કે, સાલાઓએ પોતે જમી લીધું એટલે ગળામાંથી બહુ વિકૃત ઓડકારો ખાવાના ચાલુ કરી દે. સુજ્ઞા શ્રોતાઓને કદી ય ખબર ન પડે કે, શરીરની કઈ સાઈડમાંથી એણે આવા અવાજો કાઢ્યા છે ! જડબું ફાડીને બધાના દેખતા ટુથપિક વડે દાંતમાં હળીઓ કરવા માંડે. સાલાઓ લૂછે પણ ટેબલક્લોથ ઉપર, એટલે એના પછી આવનારો ગ્રાહક હલવઈ જાય ! સુઉં કિયો છો ?

અમદાવાદના પાનકોર નાકા પાસે ખૈરાતી હોટેલની બહાર ગરીબોને ખૈરાત એટલે કે દાનમાં મળેલું મફત જમવાનું મળે છે... મુસલમાનો પોતાની શક્તિ પ્રમાણે બે-ત્રણ ગરીબોના જમવા માટે દાન આપી દે, એટલે વારાફરતી હોટેલવાળો બોલાવતો જાય. રોજ સાંજે અનેક ગરીબો ઊભડક પગે લાઈનમાં બેઠા હોય... એક અવાજ ન આવે કોઈનો...!

હોટેલ-મૅનર્સ તો એ લોકોની કહેવાય ને ?

સિક્સર

ગીરધરનગરની એક જનરલ હૉસ્પિટલની બહાર બૉર્ડ માર્યું છે, ''અહીં બૂટ-ચપ્પલની ચોરી થતી હોવાથી કોઈએ બૂટ-ચપ્પલ કાઢવા નહિ.''

આવી ચૉરીઓ ડૉક્ટરો એકબીજાના દર્દીઓ તફડાવીને કરતા હોય છે, એ ધ્યાનમાં રાખીને નવું બૉર્ડ લગાવવાનું સૂચન મેં ડૉ. અગ્રવાલને કર્યું.

''અહીં દર્દીઓની ચોરી થતી હોવાથી કોઈએ દર્દીઓને બહાર મૂકીને આવવું નહિ.''

27/01/2013

એનકાઉન્ટર 27-01-2013

૧. તમને પાન ખાતા જોઈને તમારા પત્ની, 'પાન ખાયે સૈંયા હમારો...' ગાય છે ખરા?
- કેટલાક પવિત્ર કામો અમે પહેલેથી જ નથી કરતા... એ ગાતી નથી અને હું પાન ખાતો નથી.
(રણધીર કે. દેસાઈ, પિપલોદ)

૨. દર ચાર વર્ષે આવતી આપની જે જન્મતારીખની શુભેચ્છા ચાર ગણી મળે છે કે ૧/૪...?
- હવે ૬૦ થયા પછી આશીર્વાદ આપનારા બહુ ઓછા રહ્યા હોય... શુભેચ્છાઓને આશીર્વાદ ગણીને ખુશ થાઉં છું.
(મેઘાવી હેમંત મેહતા, સુરત)

૩. 'ફલાઈંગ કિસ' બાબતે આપ શું માનો છો?
- કંઈજ નહિ.
(કિશોર વ્યાસ, ઘોઘા)

૪. કાયદો એક ખૂન માફ કરે, તો તમે કોને પ્રાધાન્ય આપશો? રાજકારણી, ક્રિકેટર કે ફિલ્મસ્ટાર?
- કાયદામાં સુધારો લાવો. વાત મશિનગનથી પતવી જોઈએ.
(જયેશ અંતાણી, ભાવનગર)

૫. કસાબને તો ફાંસી અપાઈ ગઈ... હવે શું?
- એમાં મારી સામે આમ ડાઉટથી શું કામ જુઓ છો?
(ઉષ્મા એચ. ઓઝા, ભાવનગર)

૬. બજારૃ લોભામણી જાહેરાતોમાં ગ્રાહકો કેમ આટલા લલચાય છે?
- મારાથી આમાં કાંઈ બોલાય એવું નથી. વર્ષો પહેલાં હું ય લગ્નવિષયક જા.ખ.માં પરણી ગયેલો, બોલો!
(જયેશ કે. સંપટ, મુંબઈ)

૭. ધર્મસ્થાનો પર કરોડો રૃપિયા ખર્ચવાને બદલે એટલા પૈસા દેશના કામ માટે વપરાય તો?
- એક આપણો જ દેશ એવો છે, જેની પ્રજા પાસે ધર્મદાઝ છે, દેશદાઝ નથી... એમાં ય, ચુસ્તપણે ધર્મમાં ડૂબેલાઓ પાસે તો નામની ય દેશદાઝ નથી.
(રમેશ પી. શાહ, વડોદરા)

૮. ડોસા થઈ જવા છતાં રાજકારણીઓ નિવૃત્ત કેમ થતા નથી?
- 'બુઢ્ઢા હોગા તેરા બાપ...'એવું કહી દે છે એ લોકો, બોલો!
(વિશનજી નરભેરામ ઠક્કર, મુંબઈ)

૯. નેતાઓ ભ્રષ્ટાચારમાં પકડાય કે સૅક્સ લીલામાં... ફરક શું છે?
- ભ્રષ્ટાચારમાં પહેરેલે કપડે પકડાય...!
(ડો. સનત જાની, ખેડબ્રહ્મા)

૧૦. પૈસો સાધનને બદલે સાધ્ય કેમ બની ગયો છે?
- મારા માટે તો એ એક 'સાધના' છે, બેન...હરિ ઓમ...!
(સંધ્યા પુરોહિત, અમદાવાદ)

૧૧. શું તમને નથી લાગતું પ્રજાએ હવે કાયદો હાથમાં લેવો જોઈએ?
- એ તો તમે સારા કામ માટે કહી રહ્યા છો... એનો ફાયદો ઉઠાવનારાઓ સામે આપણે ન ટકી શકીએ.
(ડો. ભાર્ગવી પરાગ પંડયા, રાજકોટ)

૧૨. રસ્તા ઉપર છુટાં ફરતા જનાવરો સામે પોલીસ કે કાયદો કેમ કાંઈ કરી શકતા નથી?
- કેમ જાણે પોલીસ કે કાયદો બીજા કામોમાં તોડીને ભડાકા કરી લેતા હોય...!
(જયેશ ચાવડા, અમદાવાદ)

૧૩. તમને ખડખડાટ હસવું ક્યારે આવે છે?
- કોઈપણ ફિલ્મમાં ખાસ કરીને મેહમુદની સાથે ધુમાલને જોઉં છું ત્યારે.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

૧૪. પૂજ્ય બાપૂના ઉપવાસ પરિણામલક્ષી હતા, જ્યારે અન્ના હજારેના ઉપવાસ...?
- મીડિયાલક્ષી.
(સલમા મણીયાર, વિરમગામ)

૧૫. શું મનમોહન કરતા બાજપાઈની સરકાર વધુ સારી હતી?
- એમાં બાજપાઈએ શું ધાડ મારી? મનમોહન કરતા તો ગામનું કૂતરું ય વધારે સારું હોય...!
(પરેશ પંચોલી, વલ્લભ વિદ્યાનગર)

૧૬. સાંભળ્યું છે કે, ઈમાનદારીનો પણ એક નશો હોય છે...!
- હું નશાખોર નથી.
(મહેશ માંકડ, અમદાવાદ)

૧૭. સ્ત્રીની જિંદગીમાં પ્રવેશવું સહેલું છે, પણ બહાર નીકળવું અઘરું છે. તમે સુઉં કિયો છો?
- એ તો જે પુરુષ, પોતાના કરતા સ્ત્રીને વધારે ચણા આલતો હોય એને માટે આ બધું અઘરું-ફઘરું હોય!
(ભરત ડી. સાંખલા, ડીસા)

૧૮. તમે કદી પોરબંદર આવ્યા છો? આવ્યા હો તો અહીનું શું ગમે છે.
- દરિયા કિનારે મળતો ગરમાગરમ 'કાવો'
(રૂચિરા વાય. દવે, પોરબંદર)

૧૯. તમને તમારા ગુરુ પ્રત્યે કેટલો આદર છે?
- ગુરુ રાખવા પડે, એટલો કાચો માણસ હું નથી. પણ સ્કૂલના શિક્ષકો મારા માટે ઈશ્વરથી કમ નથી.
(જગજીવન ટાકોલિયા, સુરેન્દ્રનગર)

૨૦. વાતવાતમાં ગુસ્સો કરનારને નાથવાનો કોઈ ઉપાય?
- સારો દિવસ જોઈને, 'જય અંબે' બોલીને એક દિવસ એને ઊંધા હાથની વળગાડી દો...!
(હિતેશ દેસાઈ, તલીયારા)

૨૧. કોઈ મકાનનું નામ 'ગોરધન નિવાસ' હોય, એનો શું મતલબ સમજવો?
- ખોદકામ કરો તો ત્યાંથી વાસ મારતા ગોરધનના અવશેષો મળી આવે!
(લલિત ઓઝા, જૂનાગઢ)

૨૨. કોંગ્રેસમાં નમૂનાઓ ઘટતા હતા, તે હવે પ્રિયંકાનો પ્રવેશ થઈ રહ્યો છે?
- જોકર પોતાની ટોપી ઉપર ગમે તેટલા બિલ્લાં ભરાવે, તેથી એ કાંઈ 'તાજ' થઈ જતો નથી.
(નૂતન એમ ભટ્ટ, સુરત)

૨૩. ઘણા લોકો એમનો મોબાઈલ બદલતા રહે છે, એનું શું કારણ?
- ઘરમાંથી જે કાંઈ શક્ય હોય, એ બદલવું... બીજું શું?
(શશીકાંત મશરૂ, જામનગર)

૨૪. બ્રાહ્મણો સિવાય તમામ કોમોમાં એક્તા છે, એવું તમે માનો છો?
- બ્રાહ્મણોના બધું મળીને ૮૪ - પ્રકાર છે, જેમાં નાગરો પણ આવી ગયા...! બાકીના ૮૩ - કરતા અમે સૌથી ઊંચા છીએ, એ તમામ પ્રકારના બ્રાહ્મણોની બેવકૂફી સાફ નહિ થાય ત્યાં સુધી બ્રાહ્મણોને બધા હડસેલતા રહેવાના...!
(પિનાકીન ઠાકોર, અમદાવાદ)

૨૫. પૈસા આપીને દર્શન કરવા જવાના ધંધા કરનારા મંદિરોની યાદી બહાર પડાય તો?
- એવું ન બોલો... ફક્ત ને ફક્ત પૈસાને ખાતર તો ઘણા ધર્મો ટકી ગયા છે...!
(પ્રહલાદ જે. રાવળ, રાજપિપળા)

25/01/2013

'દુલારી'

ફિલ્મ : 'દુલારી' (૪૯)
નિર્માતા-દિગ્દર્શક : અબ્દુલ રશિદ કારદાર
સંગીત : નૌશાદઅલી
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઈમ : ૧૪ રીલ્સ
કલાકારો : ગીતાબાલી, મધુબાલા, સુરેશ, જયન્ત શ્યામકુમાર, અમર, પ્રતિમાદેવી, નવાબ, રમેશ, આગા મીરાજ, આમિર અને બૅબી શોભા.


ગીતો : 
૧. દો દિન કી બહાર પ્યારે દો દિન કી બહાર ... લતા-કોરસ 
૨. તકદીર જગાકર આઈ હું, મૈં એક નઈ દુનિયા  ... લતા મંગેશકર 
૩. અય દિલ તુઝે કસમ હૈ, હિમ્મત ન હારના તુ  ... લતા મંગેશકર 
૪. આંખો મેં આજા દિલ મેં સમા જા, મેરી કહાની  ... લતા મંગેશકર 
૫. ન વો હમસે જુદા હોંગે, ન ઉલ્ફત દિલ સે નીકલેગી  ... લતા મંગેશકર 
૬. મુહબ્બત હમારી, જમાના હમારા, તુ ગાયેજા  ... લતા મંગેશકર 
૭. કૌન સુને ફરિયાદ હમારી, કૌન સુને ફરિયાદ  ... લતા મંગેશકર 
૮. રાત રંગીલી, મસ્ત નઝારે, ગીત સુનાયે, ચાંદ સિતારેં  ... લતા-રફી 
૯. મિલ મિલ કે ગાયેંગે હો હો દો દિલ યહાં, એક મેરા  ... લતા-રફી 
૧૦. સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગે  ... મુહમ્મદ રફી 
૧૧. ચાંદની આઈ બનકે પ્યાર ઓ સાજના ઓ સાજના  ... શમશાદ બેગમ 
૧૨. ના બોલ પી પી મોરે અંગના પંછી જા રે  ... શમશાદ બેગમ

આજથી કોઈ ૨૦-૨૫ નહિ, પૂરા ૬૩ વર્ષો પહેલા ઉતરેલી ફિલ્મ 'દુલારી' આજે ય મુલ્કમશહૂર હોય તો દુલારીરાણીના સર પર તાજ હોવા માટે ખુદ દુલારી ઉર્ફે મધુબાલા નહિ, બીજા પણ મહારથીઓના જ નામ લેવાય, નૌશાદઅલી, મુહમ્મદ રફી અને લતા મંગેશકર. આ લોકોએ શિલ્પી બનીને કંડારેલું એકએક ગીત હૃદયને મધુરી-મધુરી સંગીતમય છરીથી ચીરી નાંખે છે. નૌશાદ માટે ફિલ્મના ગીતો હિટ બનાવવા કોઈ મોટી વાત નહોતી. પણ મોટી વાત એમણે જ બે તબક્કે બનાવી. એક તો, ફિલ્મનગરીમાં હજી હમણાં જ આવેલા... અને વર્ષો સુધી રાજ કરવાના બે મહાન ગાયકો ધી ગ્રેટ લતા મંગેશર અને ધી ગ્રેટ મુહમ્મદ રફીને પહેલીવાર પોતાની ફિલ્મ માટે ભેગા કર્યા અને બન્નેનું પહેલું યુગલ ગીત 'રાત રંગીલી, મસ્ત નઝારે, ગીત સુનાયે, ચાંદ સિતારે...' ગવડાવ્યું અને હિંદી ફિલ્મોમાં પહેલી જ વાર ચીરંજીવ યુગલ ગીતોની શરૂઆત થઈ.

ટેકનિકલી, લતા-રફી પાસે એમનું પહેલું યુગલ ગીત '૪૯ની સાલમાં બનેલી ફિલ્મ શાદી સે પહેલેમાં પં. મુખરામ શર્માએ લખ્યું, બે સંગીતકારો પેન્ગણકર અને કર્નાર્ડે સંગીત આપ્યું અને ગીત બન્યું, 'ચલો હો ગઈ તૈયાર જરા ઠહેરો જી, ચલો બઢીયા સી ચપ્પલ દિલા દો હમે...' હતું (માહિતી સૌજન્ય : શ્રી યશવંત વ્યાસ-જામનગર અને શ્રી ઉમેશ માખીજા-અમદાવાદ) પણ વચ્ચેના બે વર્ષોમાં આવેલી ફિલ્મો 'અંદાઝ' અને 'બાઝાર'માં લતા-રફીએ ગાયેલા ગીતો આજે અનેક ચાહકોને કંઠસ્થ છે, એ સમયે આટલા મશહૂર નહોતા થયા.

અને બીજા સિંહાસન પર નૌશાદે મુહમ્મદ રફીને બેસાડયા, રફીના પોતાના કહેવા મુજબનું એમણે આખી કરિયરમાં ગાયેલું સર્વોત્તમ ગીત, 'સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગે...' ગવડાવીને. તો લતા મંગેશકર પણ હજી ફ્રેશ-ફ્રેશ હતી. એની પાસે જરા જુઓ તો ખરા, એક પછી એક કેવા મનોહર ગીતો ગવડાવ્યા છે?

કમનસીબે, આપણી આ કોલમ જે તે ફિલ્મના ગીત-સંગીત માટેની નથી, એટલે મારું ચાલત તો 'દુલારી'ના કેવળ ગીતો ઉપર દોઢ-બે હજાર પાનાનો લેખ લખું. આટલો ઉમળકો એટલા માટે કે, સાચું પૂછો તો આ જ ફિલ્મના ગીતોથી લતા-રફી જ નહિ, અન્ય પ્લેબેક સિંગરોના યુગલ ગીતોની હવા શરૂ થઈ. યુગલ ગીતો પહેલા ય બનતા હતા, પણ કારણ કોઈ બી હો, જોયા નહોતા. એ વખતે જામ્યું તો આ 'રાત રંગીલી, મસ્ત નઝારે...' કે લતા-રફીનું બીજું યુગલ ગીત 'મિલ મિલ કે ગાયેંગે દો દિલ યહાં...' પણ નહોતું. પણ મેલડીવાળા યુગલ ગીતોનો પવન શરૂ થઈ ગયો.

નૌશાદ માટે તો બીજો ય એક પ્રોબ્લેમ શરૂ થયો હશે. નૂરજહાં તો સમજ્યા કે, પાકિસ્તાન જતી રહી, પણ અધરવાઈઝ એમની પ્રિય ગાયિકાઓ જોહરા અંબાલેવાલી, અમીરબાઈ કર્ણાટકી, સુરૈયા કે શમશાદ બેગમને એકી ઝાટકે પડતી મુકીને સીધી લતા મંગેશકરને જ પોતાની કાયમી ગાયિકા બનાવી દીધી, ત્યારે ઉહાપોહ તો થયો હશે પેલી ગાયિકાઓમાં!

'દુલારી' આમ તો પાછી અત્યંત ફાલતુ ફિલ્મ હતી. જોવા હાથમાં લીધી પછી બરાબરના ભરાઈ ગયેલા લાગીએ. આમેય કારદારે પોતે દિગ્દર્શન કર્યું હતું. એટલે ફિલ્મ શરૂ થયા પહેલા, પડનારા મારનો અંદાજ તો આવી જાય, પણ કારદારે તો આ ફિલ્મ ગજાં બહારની થર્ડ-કલાસ બનાવી હતી. યસ, કારદારની ફિલ્મોમાં વખાણવા પડે, એવા એના સેટ્સ હતા. એની ફિલ્મોમાં સેટ્સ ભવ્ય હોય. આ ફિલ્મમાં તો દ્વારકાદાસ દિવેચાની ફોટોગ્રાફી પણ આંખને ગમે એવી હતી. વાર્તા, સંવાદ, અભિનય કે જોવા ગમે એવો (જયંત સિવાયનું) એકે ય મોંઢું આખી ફિલ્મમાં નહિ. મધુબાલા કે બધુમાલા ભૂલી જવાની. આપણે જે મધુબાલાને આજ સુધી ચાહીએ છીએ, એ મધુ હજી આ ફિલ્મ સુધી ખીલી નહોતી. સુદરતા... માય ફૂટ... નવટાંક પણ નહિ. એમ કહેવાય કે તાજમહલ હજી બની રહ્યો હતો. ગીતાબાલી તો આપણા સહુની પૂરજોસ લાડકી, તો એને ય ભૂલી જવાની. એ ય નવી નવી હતી એટલે જેવો મળે એવો રોલ લઈ લેવાને કારણે કોઈ ધડ-માથાં વગરનો કિરદાર એણે કર્યો છે. ફિલ્મનો હીરો સુરેશ તો જો કે, જમતી વખતે યાદ આવે તો ઘરની ૪૦૦ ગ્રામ દાળઢોકળી બગડે, એવો ફાલતુ એક્ટર અને એનાથી ય 'ફાલતુ-ગુણ્યા-બે' બ્રાન્ડનો દેખાવમાં. કોમેડીયન મેહમુદની બગડેલી આવૃત્તિ જેવો હાસ્યાસ્પદ લાગતો સુરેશ પણ પેલા લમ્બુ શેખ મુખ્તારની માફક ભારતમાં રહીને ભારતને નફરત કરતો અને પાકિસ્તાન જતો રહ્યો. ત્યાં બે ફિલ્મો 'દો કિનારે' અને 'ઈદ'માં કામ કર્યું, પણ ઍઝ યુઝવલ, પાકિસ્તાન ગયેલાઓને ગયા પછી ભારત વહાલું લાગવા માંડે, એમ શેખ મુખ્તારની માફક આ ભ'ઈય પાછા આવ્યા. સુરેશને નામે એક ઊલટો રેકોર્ડ ખરો. કહેવાય છે કે, હિંદી ફિલ્મોનો એ સહુથી પહેલો હોમો-સેક્સ્યુઅલ હતો. દેવ આનંદની ફિલ્મ 'દુનિયા'માં કે બલરાજ સાહનીની 'સટ્ટા બાઝાર'માં એ હતો. આપણો જીવ ત્યાં બળે કે રફી સાહેબનું ઓલટાઈમ ગ્રેટ સોન્ગ, 'સુહાની રાત ઢલ ચૂકી...' સુરેશ ઉપર ફિલ્માયું છે. હાથમાં મેન્ડોલિન કે એ જે કાંઈ સમજ્યો હોય એ વાજીંત્ર પકડીને આખું ગીત (અરે, ફિલ્મના એણે ગાયેલા બધા ગીતો) ગાય છે. પણ હરામ બરોબર જો એકે ય વાર તાર ઉપર ચોંટાડી રાખેલી એકે ય આંગળી એણે હલાવી હોય તો! તારી ભલી થાય ચમના... આખી ફિલ્મમાં તું ઘોડેસવારી કે પોલો રમવા વપરાતા હોલ-શૂઝ પહેરીને શેનો ફરફર કરે છે?

એ વખતની ફિલ્મોમાં લોજીક તો આમે ય જોવાતું. ઘરમાં બિમાર ડોહા માટે ડોક્ટર આવ્યા હોય, એને બહાર મૂકવા જતી વખતે હીરો એના હાથમાંથી બેગ લઈ જ લે. (આમાંનો એકે ય ડોક્ટર પોતાના ઘેર પહોંચતો હશે, ત્યારે... એક સામટી ૫૦ મૅટાસિનની સૌગંદ... એની વાઈફ એ બેગ લઈ લેતી હોય, તો શરતમાં આપણે ૨૦૦ કોમ્બિફ્લામ હારી જવા તૈયાર છીએ...!) એ ફિલ્મોમાં હીરો-હીરોઈનને ઉંમરમાં મોટા થઈ જતા બતાવવા માટે રસ્તા ઉપર દોડતા પગ બતાવવાના અને એ જ દ્રષ્યમાં ચડ્ડીમાંથી પાટલૂન આવે, એટલે પ્રેક્ષકોએ સમજી લેવાનું કે, હવે એ મોટો થઈ ગયો છે. ફિલ્મી હીરોઈનોને સપના ય રાત્રે સુતી વખતે જ આવે. એ સપનું છે એ બતાવવા એના મોંઢા ઉપર કાચબાછાપ મચ્છર અગરબત્તીના કૂંડાળા જેવું ફરતું કૂંડાળું બતાવવાનું, એટલે એ સપનું છે, એમ આપણે માનવાનું. ફિલ્મની વાર્તામાં કરુણ પ્રસંગ આવે, એટલે બહુ દુઃખો પડયા છે, એ બતાવવા ભારે દુઃખી મોંઢા કરીને લમણા ઉપર ઊંધો હાથ મૂકવો જ પડે. બાપ સાથે ઝગડો કરીને હીરો ઘર છોડીને જતો હોય, ત્યારે એની માં પેલો એક્ઝેક્ટ દરવાજે પહોંચે ત્યારે જ, 'બેટાઆઆઆ...રૂક જા, બેટાઆઆઆ...' નામની રાડું નાંખે. વહેલી એટલા માટે ન પાડે કે પેલો જવાનું માંડી વાળે તો ફિલ્મ આગળ ન ચાલે. કોઈ પણ જૂની ફિલ્મ લઈ લો, વાર્તામાં કોઈ પણ સમાચાર છાપામાં છપાવાના આવે, એટલે ગમે તે પ્રેસમાં ફરતા ચકરડાં અને ધમ ધમ નીકળી કોપીઓ બતાવવાની જ. એ તો જો કે, ધ્યાનથી જોનારાઓને જ ખબર પડે કે, ફિલ્મોમાં જે સમાચાર છાપામાં છપાયેલા બતાવે, એ અલગ સફેદ કાગળ પર છાપા ઉપર ચોંટાડેલા હોય. એ જ રીતે, 'દુલારી'નો જમાનો ૪૦ના દાયકાનો હતો, મતલબ... હજી અંગ્રેજોની ગુલામી ગઈ નહોતી. ફિલ્મમાં હરતા-ફરતા લોકો બતાવવાના હોય, એટલે શૂટ-ટાઈ તો જોઈએ જ. માથે ફૅલ્ટ હૅટ પહેરી હોય તો તે બહુ સુધરેલા લોકો માનવાના... ભલે આવા 'વૈભવી' કપડાં પહેર્યા પછી રસ્તાની ફૂટપાથ ઉપર ચાલતો મદારીનો ખેલ જોવા ઊભો હોય... અહીં પણ હીરો સુરેશ સુટેડ-બૂટેડ થઈને, માથે ફૅલ્ટ-હૅટ અને પગમાં હોલ-શૂઝ પહેરીને ફૂટપાથ પર ચાલતો મધુબાલાનો ડાન્સ પોતાના ઘોડા ઉપર બેસીને જૂએ છે. સાલો ઘોડો અસલી ઔલાદનો નહિ હોય, નહિ તો માલિકની આવી બેવકૂફી પછી ય ભડકે નહિ? (જવાબ : ના ભડકે. ઘોડો ય મધુબાલાને જોવામાં મસ્ત હતો! જવાબ પૂરો)

યસ. 'દુલારી'ના મસ્ત ગીતો મસ્ત હતા, એ અલગ વાત છે, પણ ફિલ્મમાં એ શેને માટે મૂક્યા છે, એ નહિ પૂછવાનું. સારા દિગ્દર્શકો ગીત એવી રીતે મૂકે કે, એ વાર્તાનો ભાગ લાગે. અહીં ગીતો તો જાવા દિયો... મધુબાલા કે ગીતાબાલીના ડાન્સ જોઈને હસવું ન આવે, ખૂન્નસ ઉપર ખૂન્નસો ચઢે કે, સાલું હાથ-પગની બે ફૂદરડી આમ અને બે ફૂદરડી તેમ, એમાં ડાન્સ આવી ગયો? કોરિયોગ્રાફી જેવું કોઈ નામ જ નહિ. ગીતના ફિલ્માંકનમાં મજા પડે એવું દરેક ગીતે થયું છે. કેમેરા એક જ સ્થાને સ્ટેડી હોય. ગીતનું મુખડું કે અંતરો શરૂ થઈને પૂરો થયા ત્યાં સુધી મજાલ છે કેમેરાની કે હીરોઈનની કે પોતાની જગ્યાથી હાલી શકે? નહિ તો લતા મંગેશકરના મારા જેવા ચાહકો માટે 'તકદીર જગાકર આઈ હું...' મંદિરના પ્રસાદ જેવું ગળચટ્ટું ગીત કહેવાય, પણ ફિલ્મમાં મધુબાલાનો ડાન્સ કે ગીતનું નિરસ ફિલ્માંકન જોઈને પ્રસાદની સાથે સાથે ગીત પણ બહાર ઓટલા નીચે ગાયને નાંખી આવવાનો ભાવ ઉપડે.

લેખની શરૂઆતમાં કીધું તેમ નૌશાદ, રફી કે લતાની મહેનત પર કારદારે ઠંડા પાણીનું ડબલું ઢોળી દીધું. જો કે, આ ફિલ્મમાં નૌશાદના આસિસ્ટ્ન્ટ સંગીતકાર ગુલામ મુહમ્મદના ચમકારા દરેક ગીતે જોવા... આઈમીન, સાંભળવા મળે છે. બધાને ખબર છે કે, હિંદી ફિલ્મોમાં ગુલામ મુહમ્મદ જેવો કોઈ ઢોલકબાજ નહિ. રિધમ-સેક્શનમાં પર્ક્શન્સના આ માસ્ટરે હિંદી ફિલ્મોમાં તબલાં-ઢોલક ઉપરાંત પણ અનેક તાલવાદ્યો આપ્યા છે. સદીની કોઈ બે-ચાર ઉત્તમ ફિલ્મો પૈકીની એક 'પાકિઝા'ના સંગીતકારએ ૧૯૪૩માં પોતાની પહેલી ફિલ્મ 'મેરા ખ્વાબ'માં સંગીત આપ્યું. એ ફિલ્મની હીરોઈન ઝેબુન્નિસા હતી. આ ઝેબુ કોણ ખબર છે? ફિલ્મ 'રામ ઔર શ્યામ'માં પ્રાણની ખતરનાક માં બને છે એ અને બીજી ઓળખાણ... હવે તદ્ન ભૂલાઈ ગયેલી પણ સાધના-રાજેન્દ્રકુમારની ફિલ્મ 'આરઝૂ'માં સાધનાની સખી બનતી અત્યંત નમણી છોકરી નાઝીમાની આ ઝેબુન્નિસ દાદી થાય.

શંકર-જયકિશનના કાયમી આસિસ્ટન્ટ દત્તારામ પણ ઢોલક-તબલાંના મહારથી, એમ નૌશાદે પણ મહારથીઓ બદલ્યા. અગાઉ પણ ગુલામ મુહમ્મદ, પછી એનો જ સગો ભાઈ મુહમ્મદ ઈબ્રાહીમ અને છેવટે મુહમ્મદ શફી (જે મુહમ્મદ રફી સાહેબના સુપુત્ર શાહિદ રફીના સસુરજી પક્ષમાં થાય!) પણ એ જમાનાના સંગીતકારો કે ગાયકો વચ્ચે વેરઝેર નહોતા. પોતાની પહેલી જ ફિલ્મમાં સંગીત આપી રહેલા શંકર-જયકિશનને ફિલ્મના થીમ-સોંગ 'બરસાત મેં તુમસે મિલે હમ સજન, હમસે મિલે તુમ...' ગીત માટે ગુલામ મુહમ્મદ જ ઠેકો વગાડે, એવી જીદ હતી. યાદ છે ને એ ખૂબ ફેમસ ઠેકો, 'તકધિનાધિન...?' એ ગુલામ મુહમ્મદે વગાડયો હતો.

યસ. આ શબ્દો, 'આસિસ્ટન્ટ સંગીતકાર' ઉપર સંગીતકાર પ્યારેલાલ ખૂબ ખીજાયા હતા. એ કહે, 'આસિસ્ટન્ટ સંગીતકારનું મહત્વ મૂળ સંગીતકારથી સહેજે ઓછું ન હોય. એ કોઈ સંગીતકારનો સેક્રેટરી કે જી-હજૂરીયો નથી. ગીતની ધૂન બનવામાં એનો ય (અને ઘણીવાર તો એનો એકલાનો) ફાળો હોય છે. ગીતની ધૂન સંગીતકાર હાર્મિનિયમ પર બેસાડે, ત્યારે આસિસ્ટન્ટ તબલાં ઉપર સંગત કરે. ધૂનમાં ફેરફારો ય સૂચવે અને આખી ધૂન નામંજૂર કરવાની ય સત્તા ખરી. મતલબ, ઉંમરમાં નૌશાદથી ૧૨ વર્ષ મોટા અને નૌશાદને ઉસ્તાદ ઝંડેખાન પાસે લઈ જઈને ફિલ્મોમાં પ્રવેશ અપાવનાર જ ગુલામ મુહમ્મદ... સમયની બલિહારી છે. નામ જ ગુલામ હતું, એટલે પોતાનો માલ વેચતા આવડયો નહિ, એમાં આવો સત્વશીલ સંગીતકાર દરેક પરીક્ષામાં નાપાસ થતો રહ્યો... થર્ડ-ક્લાસ પરીક્ષાઓમા પણ ઉત્તમ સંગીત આપવા છતાં...!

જાણકારો તો બિનધાસ્ત કહે છે, નૌશાદના નામે ચઢેલી ઘણી રચનાઓ ગુલામ મુહમ્મદે બનાવી હતી. 'દુલારી'ની એવી કઈ કઈ ધૂનો હતી, એ તો કોણ જાણે?

ધીરૂભ'ઇ ધારે બહુ...!

''હું ધારૂં છું કે...'' 

એમની વાત આ તકીયા કલામથી શરૂ થાય. નામ એમનું ધીરૂભ'ઇ, પણ વાતવાતમાં ધારધાર બહુ કરે, એટલે ઘણા તો એમને ધીરૂને બદલે 'ધારૂભ'ઇ કહેતા. કહે છે કે, ધારવા ઉપર એમનો સારો હાથ બેસી ગયો હતો, તે એટલે સુધી કે તેઓશ્રી કાંઇ પણ ધારી શકે છે, એવું અમે પણ ધારી શકતા. એ વિચારવાને બદલે ધારવાનું કામ વધારે કરે. કોકે એમને પૂછ્યું હશે કે, ''આ બેબી તમારી...?'' ત્યારે પણ એ ધારવા બેઠા હતા, ''મારા ધારવા પ્રમાણે ચુન્નીનો જનમ થયો ત્યારે હું જામનગર હતો. પણ હું ધારૂં છું કે...'' નસીબયોગે, એમને ખ્યાલ તરત આવી ગયો કે, દીકરી પોતાની હોય એ ધારવાનો વિષય નથી. આમાં તો સીધું બ્લડ-ગુ્રપ જ મેળવી જોવાનું હોય... અલબત્ત, આ સબ્જેક્ટમાં ઘણાખરાને ધારીને જવાબ આપવો પડતો હોય છે....!

''મારા ધારવા પ્રમાણે''... થી દરેક વાત શરૂ કરનારા લોકો હેર કટિંગના ધંધામાં પડેલા હોવા જોઇએ, કારણ કે ફક્ત આ બન્ને લોકોનો ધંધો 'ધાર ઉપર' ચાલે છે. સુઉં કિયો છો?

ધારવાના કામમાં ધીરૂભ'ઇ એટલી ચોક્સાઇ રાખતા કે, એમને ઓળખતા કેટલાક સ્નેહીઓ ખાસ એમની પાસે ધરાવવા જતા, એટલે કે એ લોકોને પોતાને કાંઇ ધારવું હોય, તો આપણને બહુ નહિ ફાવે, આમાં તો ધીરીયો ધારી આલે તો જ કામ થાય, એવી ધારણાએ જ્યોતિષીઓના ઘરની જેમ આમને ઘેરે ય લાઇનો લાગતી. 

''ધીરૂભ'ઇ'સાહેબ...મારે દીકરા માટે કન્યા જોવા પોરબંદર જવું છે... જવાય? જરા ધારી આપો ને...!'' 

પેલાનું કામ અડધી કલાકમાં પતી જાય. ધીરૂ ધ્યાનની મુદ્રામાં ધારવા બેસે અને બધું ધારી લીધા પછી-એટલે કે, કપાળ ઉપરથી કાંડુ નીચે ઉતાર્યા પછી કહે, ''મારા ધારવા પ્રમાણે, પોરબંદરમાં પડાય એવું નથી. ત્યાં ખારી જમીનમાં રોકાણ કરવા કરતા... આ બાજુ- સુરત બાજુ પડો! '' 

''ખોટું ધાર્યું, ધીરૂભ'ઇ... મારે જમીનમાં નહી, જમાઇમાં રોકાણ કરવાનું છે.''

વાચકોએ પણ ધારી લીધું હશે કે, ધીરૂભ'ઇનો અસલી ધંધો જ્યોતિષનો... એટલે ધારવાનો ધંધો જ થયો ને? બન્ને ધંધામાં વાગે તો તીર નહિ તો તુક્કો. એ વાત નોખી છે કે, નામ ધીરૂ અને ધંધો ધારવાનો, એટલે ઘણાને મતે એમનો ધંધો 'ધીરધાર'નો થયો! 'હું ધારૂ છું કે' કહેનારાઓ અચૂક નિશાનબાજ હોઇ શકે, કારણ કે, એમણે 'ધાર્યુ' નિશાન પાર પાડવાનું હોય છે. નિશાનોની માફક આ માણસ બધા કામો ધારીધારીને કરતો હશે. એવું પ્રજા માની શકે.

આપણે ત્યાં આવા ધારવાવાળા ધીરૂભ'ઇઓ હજારો છે, 'હું ધારૂ છું કે..' થી વાત શરૂ કરે. એમાં ય ધ્રાસકો આપણી છાતીમાં પડે કે, આણે વળી ધારવાનું ક્યારથી શરૂ કર્યું.. ? આજે ધારવા ઉપર ચઢ્યો છે તો કાલે વિચારવા ઉપર ચઢી જશે. ઘણા માણસો વગર વિચાર્યું કરે,એમાં સમાજને ફાયદો છે. તો કેટલાક લોકો વિચારવાનું ચાલુ કરી દે, એ બહું સ્ફુર્તિજનક ઘટના નથી હોતી. આપણે કાંઇક પૂછીએ એના જવાબમા એ, 'મારા ધારવા પ્રમાણે..' થી વાત શરૂ કરે, ત્યારે આપણા શર્ટના કોલર પાછળ લાંબી ઇયળ ભરાઇ ગઇ હોય, એવી અકળામણ થવા માંડે છે. ''અરે ભ'ઇ, તુ ધારે છે, એવું તારી બા નથી ધારતી ... ને તારા ધારવા પ્રમાણે આજ સુધીનું એકે ય કામ થયું નથી. કઇ કમાણી ઉપર તું ધારવા માંડયો છે?'' 

મોટા ભાગે આવા 'ધારૂઓ' બે પ્રકારના હોય છે. એક તો, આદત પડી ગઇ હોય, કોઇપણ વાત શરૂ કરતા પહેલા 'મારા ધારવા પ્રમાણે'થી બોલવાની. એમાં ધારવાનો અર્થ કાંઇ ન નિકળતો હોય. યાદ હોય તો, ટીવી પર જે કોઇ સેલિબ્રિટીઓના ઇન્ટરવ્યૂઝ આવે છે, એ બધા વાત અથવા દરેક વાતની શરૂઆત I thinkથી કરે છે. મેચ પત્યા પછી ક્રિકેટના કેપ્ટનો ખાસ. બોલતા પહેલા શબ્દો ઉપર કમાન્ડ ન હોવાથી યા એમની આ નર્વસનેસ હોય છે અથવા તો આદત પડી ગઇ હોય છે. I think બરાબર છે, પણ તે think કરવાની નેટ-પ્રેક્ટિસ કરી હોત તો આપણે મેચ હાર્યા ન હોત, મારા વીરા! તો બીજા કેટલાક 'હું ધારૂ છું કે... 'પોતાનું મહત્વ વધારવા બોલતા હોય છે. અહી ભાર 'હું' ઉપર હોય છે. ધારવા ઉપર નહિ. પણ એમાં ય, આત્મવિશ્વાસનો અભાવ તો હશે જ ને? જો એમની વાત નિવેદનસ્વરૂપ હોય તો સીધીસટ મૂકાવવી જોઇએ કે, ''પાકિસ્તાન ઉપર હૂમલો આપણે જ કરવો જોઇએ.'' એમાં ધારવા-ફારવાનું શેનું હોય? સ્વ.વડાપ્રધાન શ્રી.મોરારજી દેસાઇને '૬૯-ના પાકિસ્તાન સામેના યુધ્ધમાં કોક પત્રકારે પૂછ્યું હતું, ''શું આપ ધારો છો કે, પાકિસ્તાન સામે યુધ્ધ આપણે છેડવું જોઇએ?''ત્યારે કાકાએ પળનો ય વિલંબ કર્યા વિના કહી દીધુ હતું, ''એમાં ધારવા-ફારવાનું શેનું? આપણે એના કરતા બહુ મોટા અને શક્તિશાળી છીએ... ત્યાં એના ઘેર જઇને મુઠ્ઠીમાં મસળી નાંખવાનું હોય..!'' 

જૂના જમાનાના અમારા કવિ-લેખકોને છત તરફ સ્થિર દ્રષ્ટી રાખી, લમણા ઉપર પેનની અણી અડાડીને ફોટા પડાવવાના ધખારા ઉપડતા. આવો ફોટો પડાવતી વખતે, તેઓ કોઇ ગહેરા ચિંતનમાં ઉતરી ગયા હતા અને એમની નવી વાર્તા કે ગઝલ વિશે કંઇક ધારતા હતા, એવો સંદેશો સમાજને આપવા માંગતા હોય. આપણને શક પડે કે, આ હિસાબે એમની છત ઉપર ઘણું બધું વિદેશી સાહિત્ય ચોંટાડી રાખ્યું હશે. 

તો કેટલાક ''મારા ધારવા પ્રમાણે'' બોલીને આપણને બીવડાવી મારવા માંગતા હોય કે, હવે એમણે ધારવાનું ય ચાલુ કરી દીધું છે. આવું એમનાથી બોલાય? આપણા ઉપર કેવા ખરાબ સંસ્કાર પડે કે, ધીરૂભ'ઇએ ધારવાનું શરૂ કરી દીધુ, તો હવે એમના ઘર તરફથી ગાડી લેવી કે નહિ? ક્યાંક રસ્તામાં મળી જાય, આપણે ગાડી ઊભી રાખીએ ને આ બાજુ એ ધારવાનું શરૂ કરી દે, ''મારા ધારવા પ્રમાણે આપ અશોક દવે છો અને આપ મ્યુનિસિપાલિટીના સફાઇ ખાતામાં વર્ગ-૪ ના કામદાર તરીકે કામ કરો છો... બરોબર ને, રાજ્જા..?'' એમ કહીન ધબ્બો આપણા ખભે મારે. ડઘાઇ જવાય કારણ કે, એમનું અડધું ધારવું સાલું બિલકુલ સાચ્ચું હતું, પણ બેમાંથી ક્યા પાર્ટનું સાચું હતું, એ આપણે કેવી રીતે ધારવું ? મારા દેખાવ, લક્ષણ, કપડા અને લખાણો પરથી એમણે મને વર્ગ-૪ નો સફાઇ-કામદાર ધારી લીધો હોય, એવું ય મારાથી ધરાય એવું નહોતું, કારણ કે આ ચારમાંથી એકે ય નિરિક્ષણો મને લાગુ પડતા નથી. તો પછી હું અશોક દવે છું, એવી મજાક એમણે ક્યા ધોરણે કરી હશે? મને હેબતાઇ જવાની મોટી હોબી છે, એટલે હું હેબતાયો. હેબતાવાનું પૂરૂ થયું અને ન રહેવાયું એટલે પૂછી નાખ્યું, ''ધીરૂભાઇ સાહેબ, મને સફાઇ કામદારનો દરજ્જો આપી આપે મારૂં સોશિયલ સ્ટેટસ ઊંચુ કરી આપ્યું છે, એ બરોબર છે પણ ક્યા એન્ગલથી હું આપને અશોક દવે જેવો લાગ્યો ? મારા ખ્યાલથી, આવું ધારતા પહેલા આપે જરા વિચાર કરવો જોઇએ.... આમાં તો કોઇની કેરિયર બગડી જાય...!'' 

''હું ધારૂં છું કે, મેં કાંઇ ખોટું કહ્યું નથી. આપ 'બુધવારની બપોરે'માં જે કક્ષાના લેખો લખો છો, એ જોતા મને 'કચરાપટ્ટી' શબ્દ યાદ આવ્યો... અને એ જ ધોરણે મેં આપનો વ્યવસાય પણ ધારી લીધો...'' અમે રસ્તાની વચ્ચે ઊભા હતા તો ય, આ વખતે એમણે મને પૂછ્યું, ''પંખો ચાલુ કરૂં...?'' 

સિક્સર

- દેશ માટે સૌથી ખતરનાક નફરત કઇ કહેવાય? 
- ફુટપાથ પર ભૈયાના હાથની પાણી-પુરી ખાઇને મિનરલ વોટરની બોટલમાંથી પાણી પીવું.

20/01/2013

ઍનકાઉન્ટર 20-01-2013

* ગોરધન ભોળો અને બીજા લલ્લુ બનાવી જાય એવો અક્કલ વગરનો હોય છે, એવું પત્ની કેમ માનતી હોય છે?
- તમે ભોળા હો એટલે એને પસંદ કરી, ને ભૂતકાળમાં એના ફાધર તમને લલ્લુ બનાવી ગયા છે, એનાથી મોટી સાબિતી એની પાસે બીજી તો કઈ હોય ?
(અજય પી. પંચાસરા, રાજકોટ)

* બા ખીજાય તો બાપુ ?
- રૂમની બહાર ન નીકળે.
(દિનેશ જોષી, દહીંસર)

* આપણા દિલ્હી સ્થિત દલા તરવાડીઓએ પોતાના વેતનભથ્થાં પોતાની જાતે જ ત્રણ ગણા વધારી દીધા. સુઉં કિયો છો ?
- હું મહીં હોત તો મેં ય એમ જ કર્યું હોત. જાત મહેનત વગર કાંઈ આગળ ન વધાય.
(જયેશ અંતાણી, ભાવનગર)

* સુરેશ કલમાડી ધરાતો કેમ નથી ?
- પ્રભુ મનમોહને જેટલું ખાવા દીઘું છે, એમાં પેટ ભરાય એમ નથી.
(રાજેશ જાની, ખાંભા)

* રાજકોટમાં લકઝુરિયસ શૌચાલય બન્યું છે, પણ એનું ઉદઘાટન કોની પાસે કરાવવું ?
- કબજીયાતવાળા સિવાય કોઈની બી પાસે... ! નહિ તો રાહો જોઈને બધા બહાર ઊભા રહે ને પેલો સાંજ સુધી બહાર જ ન નીકળે.
(વંદિત નાણાવટી, રાજકોટ)

* વિધાનસભાની હવે પછીની ચુંટણી માટે ગુજરાત કોંગ્રેસે પોતાની કબર ખોદી રાખી છે, એવું નથી લાગતું ?
- કબરના ભૂમિપૂજન માટે ‘રાહુલજી’ એક વાર આવી જાય પછી ખબર પડે.
(હરેશ એ. વોરા, જેતપુર-કાઠી)

* ‘કૂતરા જેવો સ્વભાવ છે’, એવી ટીપ્પણી થતી હોય છે. તો કૂતરા જેવો સ્વભાવ એટલો કેવો સ્વભાવ ?
- હાઉ... હાઉહાઉ... હાઉહાઉહાઉહાઉ.... હાઆઆઆઆઆ.... ઉઉઉઉઉઉઉ !
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* ગુજરાતી સાહિત્યમાં ‘નોબેલ’ કક્ષાનું પારિતોષિક ક્યું ગણાય ?
- મળવાનું બાકી હોય એ.
(ગૌતમ દોશી/ભરત ગાંધી/ચંદુભાઈ શુકલ, અમદાવાદ)
દર સપ્તાહે તમે ૨૫-સવાલો પસંદ કરો છો. બાકી વધેલાનું શું કરો છો ?
- હોડીઓ બનાવું છું.
(ભક્તિ સુચક, નડિયાદ)

* ભારતના રેડિયો-સ્ટેશનો ઉપર શું ‘હંમેશા જવાં ગીતો’ જેવા કાર્યક્રમો નહિ આવે ?
- આપણે બહુ મોટી લધુમતિમાં છીએ. રેડિયો સ્ટેશનોવાળાઓને ધંધો આપણાથી ન મળે, પણ તો ય મિર્ચી જેવા સ્ટેશનો પર બપોરે ૨ થી ૪ જૂનાં ગીતો હજી ય આવે છે.
(મયંક આચાર્ય, જામનગર)

* તમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો ગુજરાત માટે સૌથી પહેલું કામ ક્યું કરો ?
- સોગંદવિધી પતાવવાનું.
(હર્ષ ઠક્કર, કોઠારા-કચ્છ)

* શેરીમાં અજાણ્યા કૂતરાં આવે કે તરત જ શેરીના કૂતરાં એમની સામે ભસે છે. આવું ભસીને બન્ને એકબીજાને શું કહેવા માંગતા હશે ?
- ‘‘જાગો ઈન્ડિયા જાગો.’’
(મીનાક્ષી નાણાવટી, રાજકોટ)

* તેંડૂલકરને ઇન્ડિયન એરફોર્સમાં ગ્રૂપ કેપ્ટનની માનદ પદવી મળી, તે બાબતે આપનું શું માનવું છે ?
- એ જ કે, આ લોકો મારા માનવા ઉપર ગયા ખરા.
(સંદીપ/કૃષ્ણ જોટવા, જૂનાગઢ)

* સાક્ષરતાનું સ્તર ઊંચું લાવવા શું કરવું જોઈએ ?
-ધારાસભ્યશ્રીઓને ગૃહમાં ખુરશીને બદલે બેન્ચો ઉપર બેસાડવા જોઈએ.
(આશિષ એન. વસાવા, કોસમાડી-ભરૂચ)

* મારી પ્રેમિકાને મેં લગ્ન કરવાનું પૂછ્‌યું, તો કહે, ‘‘અશોક દવે કહે તો કરૂં’’. તો મારે શું કરવું ?
- કરો કંકુના...
(જીતેન્દ્ર અડવાણી, જૂનાગઢ)

* સ્ત્રીઓને ‘માતાજી’ આવે છે, ‘પિતાજી’ કેમ નહિ ?
- એ વળી કોક લાઈનમાં ઊભા ઠેબાં ખાતા હોય... ક્યાંથી આવે ?
(લલિત ઓઝા, જૂનાગઢ)

* હું ધોરણ ૬માં ભણતો વિદ્યાર્થી છું. પરીક્ષા વખતે મમ્મી મારે છે. કોઈ ઉપાય ?
- બેટા, તારે વચમાં નહિ પડવાનું. પપ્પાને છોડાવવા તારે નહિ જવાનું. બા ખીજાય.
(વત્સલ એ. પંચાલ, વલભીપુર) 

* હું ઘણા સમયથી ‘એનકાઉન્ટર’ વાંચું છું, એમાં મને લાગ્યું છે કે, તમે બધી વાતે પૂરા છો. સુઉં કિયો છો ?
- કરેક્ટ, બધી વાતે પૂરો થઈ ગયો છું.
(કાજલ બી. પટેલ, મહુવા)

* પતિ-પત્નીના ઝગડામાં ‘થર્ડ-અમ્પાયર’ની જરૂર પડે ખરી ?
- હિંદીમાં, ‘થર્ડ-અમ્પાયર’નો અનુવાદ ‘વો’ થાય છે.
(કૌશિક એ. દવે, મૂળી- સુરેન્દ્રનગર)

* બાલ-વિવાહમાં ગુજરાત અગ્રેસર...
- બાપ-વિવાહમાં બહુ પાછળ... !
(ભરત પટેલ, મુંબઈ)

* કન્યાને લગ્નમાં લાલ સાડી કેમ પહેરાવવામાં આવે છે?
- લાલ જીન્સ મળતા નથી.
(પ્રકાશ ગીદવાણી, સંત રોડ)

* ગાર્ડનોમાં આજકાલ સીનિયર સિટિઝનો ઓછા કેમ થઈ ગયા છે?
- જુનિયરો ઘેર ન હોય એનો લાભ લેવા.
(હર્ષલ અંજારીયા, રાજકોટ)

* ‘ભેંસ આગળ ભાગવત’, એટલે શું ?
- રાજ્યસભા.
(શૈલેષ ડાભી, મોટી મુંડેલ-કઠલાલ)

* આપ ફિલ્મી હીરોઈનોની મુલાકાતો લો છો, એમાં હકીબેનથી સાચવવું પડતું નથી ?
- હકીથી એવું સાચવવાનું એ હીરોઈનોને હોય છે.
(નાનુભાઈ મગનભાઈ, નવસારી)

* આપને ‘આ બૈલ મુઝે માર’નો કદી અનુભવ થયો છે?
- મિત્રોની પસંદગીમાં કાયમ થયો છે.

16/01/2013

હું તો બહુ નાનો માણસ છું

‘‘ભ’ઈ... હું તો બહુ નાનો માણસ છું...’’ આપણને કહેતા આવા ‘નાના માણસો’ બહુ મળે છે.

જરાક અમથા તમે એના વખાણ કરવા જાઓ, એટલે બહુ નમ્ર થઈને સ્માઈલ સાથે કહેશે, ‘‘હું તો બહુ નાનો માણસ છું.’’

એ ન કહે તો ય આપણને ખબર છે કે, એ નાનો માણસ જ છે. અલબત્ત, આવી ફૂટપાથછાપ નમ્રતા બતાવીને એ ઠસાવવા માંગે છે કે, હું નાનો માણસ નથી. બીક સતાવી રહી હોય છે કે, સાલું, લોકો ભૂલી જશે કે ‘હું બહુ મોટો માણસ છું’, તો ? સરવાળો સીધો છે કે, એ પોતે એમ કહે કે, હું બહુ નાનો માણસ છું, તો જવાબમાં આપણે એમ જ કહેવાના છીએ, ‘‘અરે હોય...? આપ તો બહુ મોટા માણસ છો !’’ આપણે એની આ સિઘ્ધિ ભૂલી ન જઈએ, માટે જ્યાં ને ત્યાં એ કહેતો ફરે છે, ‘‘હું તો બહુ નાનો માણસ છું.’’

વ્હેંતીયા, ઠીંગણા, ઢાઈ ફૂટીયા કે ઈંગ્લિશમાં જેને આપણે Midgets (ઉચ્ચાર : મિજેટ્‌સ) કહીએ છીએ, એમને તમે ક્યારેય પોતાને ‘નાના માણસ’ કહેતા સાંભળ્યા ? તમારાથી ભૂલમાં ય એમને આવું કાંઈ કહેવાઈ ગયું હોય તો, તમારી બાજુમાં ટેબલ મૂકી, એના ઉપર ચઢી, તમારૂં મોંઢું એની તરફ કરાવીને થપ્પડ મારશે. થપ્પડ ખાઈ લીધા પછી, એને ટેબલ પરથી નીચે તમારે જ તેડીને એને ઉતારવો પડશે. મને કોઈ કહે છે, ‘‘ભ’ઈ, તમે તો બહુ મોટા માણસ...!’’ તો સહેજ પણ નમ્ર થયા વિના હું એ કદી ય ન ભૂલે, એ માટે એના ખભે હાથ મૂકીને કહી દઉં છું, ‘‘યસ... તમારી વાત સાચી જ છે. હું મોટો માણસ છું જ અને આ સ્થાને પહોંચતા મને ૪૦ વર્ષ થયા છે...!’’

આપણને મોટા માણસ કહેનારા મોટા ભાગના લોકો નાના માણસો હોય છે. ક્યાંક એમના પેટમાં દુઃખતું હોય છે, સહન નથી થતું. હું ખાડીયાની ખત્રી પોળમાં સાવ નાનકડા બે રૂમમાં ફાધર-મધર સાથે રહેતો. ખડકી કહેવાતી એને ને એમાં છ ભાડુઆત. બધા વચ્ચે એક જ સંડાસ. હું રહું, એ ‘ઘર’માં રસોડું ગણો, બાથરૂમ ગણો, ડ્રૉઈંગ રૂમ કે બૅડરૂમ ગણો, બઘું એક જ. અમારે એટલે કે મારે અને ફાધરને નહાવું હોય ત્યારે મધર નીચે જતા રહે. બહાર ઓટલે બેસે. કૉમેડી નહિ, પણ ટ્રેજેડી ત્યાં થતી કે, રોજ વહેલી સવારથી અમે બધા લાઈનમાં બેસી જતા... એક જ કૉમન સંડાસ હતું માટે. આમાં કોઈનું કશું ચાલે નહિ કે, આને બહુ લાગી છે એટલે એને વહેલો જઈ આવવા દે. મહીં છાપું લઈ જવાનો તો સવાલ જ નહતો. લઈ જઈએ તો પહેલું પાનું નાકને અડે, એટલું નાનું સંડાસ હતું. આ તો મારા ઘરમાં કેવળ હું ને મધર-ફાધર, એટલા જ. ઉપર સ્વ. ભાઈલાલભાઈ બ્રહ્મભટ્ટનું ફૅમિલી રહેતું, એમાં તો પર્મેનૅન્ટ સાત જણા. આ ભાઈલાલભાઈ ઘડિયાળી રોજ રાત્રે હાર્મોનિયમ લઈને સ્વ.કે.એલ. સાયગલના ગીતો ગાવા બેસે. આજ સુધી સાયગલ સાહેબની નજીકનો આવો અવાજ મેં તો સાંભળ્યો નથી. એ રૂમની બહાર એમણે ક્યારેય ગાયું નથી. આ ભાડુઆતોમાં ઊંઝાના સ્વ. ઈશ્વર કાકાનું ફૅમિલી ય ખરૂં. કાયમી પરિવાર છ જણનો, એમાં એક ભત્રીજો રમણ પર્મેનૅન્ટ અહીં રહે, જેના કસરતી બૉડીને કારણે, પોળ કે પોળની બહારના દુશ્મનો સામે અમારા બધાનો તારણહાર એ. ફક્ત ૧૦-બાય-૧૦ની બે રૂમોમાં બધાએ રહેવાનું. જરાય અતિશયોક્તિ વિના કહું તો, આ છ એ ભાડુઆતોને ત્યાં બારેમાસ મેહમાનવાળી ચાલુ જ હોય. મારા ફાધરનો પગાર મહિને રૂા. ૨૫૦/- અને મારા એક ફૂઆ દર વર્ષે એમનું ફક્ત આઠ જણાનું ફૅમિલી લઈને વૅકેશન માણવા આવે અને બહુ આગ્રહ કરીએ તો ય ફક્ત એકાદ મહિનો જ રહે. ફૂઆ એટલે તો જમાઈ થાય, એટલે આખા મહિનામાં એમની પાસેથી એક રૂપિયો ય ન લેવાય, પણ તો ય ફુઆ દિલના બહુ ઉદાર... જતી વખતે મારા હાથમાં આશિર્વાદના બે રૂપિયા દર વર્ષે આપે જ... કેટલી ય ના પાડીએ તો ય !

જીવનમાં પહેલી વાર, આ ખડકી છોડીને થોડા મોટા મકાનમાં અમે ભાડે રહેવા ગયા, ત્યારે હું થોડો મોટો માણસ બન્યો. પહેલીવાર નવા વાડજના ‘પસ્તીનગર’માં પોતાનું મકાન લેવાની હૈસિયત આવી ત્યારે ‘મોટો માણસ’ બનવાનો એહસાસ મને પહેલીવાર થયો.

એટલે આજે કોઈ મનમાં કટાક્ષ સાથે પણ મને મોટો માણસ કહે છે ત્યારે પણ ખુશ થવાય છે કે, ‘‘યસ... મોટો માણસ છું... ને મોટા માણસ બનવાની બહુ મોટી કિંમતો ચુકવી છે.’’

લેખક બનવામાં તમે મોટા કે નાના માણસ તો જાવા દિયો... માણસ પણ ન રહો, એટલું તમારૂં અસ્તિત્વ ભૂસાઈ જાય, એટલી મદદ સાહિત્યકાર મિત્રો કરતા હોય છે. ગુજરાતી સાહિત્યમાં ટકવા માટે કોઈ ચોક્કસ છાવણીના હોવું નિહાયત જરૂરી છે... ‘‘હું તારા વખાણ કરૂં, તું મારા કર...’’ એ જીવનશૈલી ન અપનાવો તો તમારા ચણા ય ના આવે...

અને છતાંય, તમે ટકી ગયા હો, તો બેશક મોટા માણસ કહેવાઓ !

લોકો કેમ આવું કરતા હશે ? આઈ મીન, મનમાં ઝેર સાથે બીજાને મોટા માણસ કહીને અથવા હાસ્યાસ્પદ નમ્રતા બતાવીને પોતાને ‘‘બહુ નાનો માણસ’’ કહેવડાવવાની પોતાની વાસના સંતોષવાનું એમનું કારણ શું હશે ?

રાજેશ ખન્નાની ફિલ્મ ‘સફર’માં છાતી ચીરી નાંખતો એક સંવાદ આવે છે, કે લોકો હૉસ્પિટલમાં બિમારની ખબર પૂછવા કેમ આવે છે, ખબર છે ? એ એટલા માટે કે, બિમારને જોઈને પોતે ખુશ થાય છે કે, પોતે આના જેવા લાચાર નથી, બિમાર નથી.

કંઈક આવું જ હશે આ નાના-મોટા માણસોનું. પોતાને નાનો માણસ કહેવડાવનારો પીડાતો હશે પોતાના ખતમ થઈ રહેલા સામ્રાજ્યથી. કર્યા એટલા વખાણ એને પૂરતા ન લાગ્યા હોય એટલે તમે હજી વધારે એના માનમાં કાંઈ બોલો ત્યારે એની આ નમ્રતા છલકવા માંડે છે. ખાસ કરીને, જ્ઞાતિ-સંમેલનોમાં સ્ટેજ પરથી આ સંવાદ હરકોઈ બોલે છે... ખાસ કરીને, મોટું પરાણે ડોનેશન લઈને, બોકડો બનાવીને જેને સમારંભનો પ્રમુખ કે ચીફ ગૅસ્ટ બનાવાયો હોય, એ આવા-પોતે નાના માણસ હોવાના લવારા બહુ કરે, ‘‘સ્નેહીઓ, આપણી જ્ઞાતિની કારોબારીની સભ્યશ્રીઓ મારા છ બેડરૂમના નાનકડા બંગલામાં આજના કાર્યક્રમનું આમંત્રણ આપવા રીક્ષા કરીને આવ્યા, ત્યારે મારી મર્સીડીઝ-બૅન્ઝ બગડી હોવાથી ન છુટકે મારા ડ્રાયવરને મારી ‘આઉડી’ કાઢવી પડી, એમાં વાર થઈ એટલે હું સહુને મળી શક્યો. ઘેર આવેલા મહેમાનો તો જ્ઞાતિજનો હતા, એટલે મેં બહુ ડરી ડરીને પૂછ્‌યું, ‘‘સાહેબો, જ્ઞાતિના ફંડ માટે હું ફક્ત રૂા. ૧૦-લાખ આપી શકું એમ છું, તો ચલાવી લેશો ? હું બહુ નાનો માણસ છું... ભવિષ્યમાં તક મળશે તો રૂા. ૧૦-કરોડ આપવાની પણ મહાપ્રભુજી મને શક્તિ આપે...!’’

યે તો અંદર કી બાત હૈ... કે ડોહા દસ હજાર આપવા ય માનતા જ નહોતા ને બીજા આવા ડોહા મળતા ય નહોતા, માટે આને એની શરતે બોકડો બનાવીને સ્ટેજ પર બેહાડી દીધા કે, હું ફક્ત પચ્ચી હજાર આલીશ... પણ જાહેરાત દસ લાખની કરવાની, તો આલું...! દેખિતું છે કે, જ્ઞાતિજનોને તો વકરો એટલો નફો એટલે ના પાડીને પચ્ચી હજાર કોઈ ગૂમાવે નહિ ! જે લોકો જે કોઈ જ્ઞાતિના આવા મંડળો ચલાવતા હશે એમને ખબર હશે કે, જ્ઞાતિના કહેવાતા શેઠીયાઓ ય પબ્લિસિટીના ભૂખ્યા હોય છે. આવું તો દરેકને બનવા માંડ્યું છે કે, સ્ટેજ પરથી જાહેર કરેલી રકમ કોઈ આપતું નથી અને કેટલાકે તો જાહેર કરેલી રકમ લેવા જાઓ તો... બ’ઈની ઝાલરે ય મળતી નથી... (શું નથી મળતી...? જવાબ : બ’ઈની ઝાલર : જવાબ પૂરો)

સિક્સર

- ચૂંટણીમાં હારેલાઓ માટે મુનવ્વર રાણાનો એક તગડો શે’ર...

- બિછી રહતી થી ઢાબે પર કઈ દર્જન પલંગે ભી, ઉન્હીં પર હમ જવાની કા જમાના છોડ આયે હૈં,
ન જાને ક્યું હમેં રહરહ કે યે મેહસૂસ હોતા હૈ, કફન હમે લેકે આયે હૈ, જનાઝા છોડ આયે હૈં

13/01/2013

ઍનકાઉન્ટર 13-01-2013


1 શું આપણા નૅકસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે ?
- જે એમને ગુજરાતનો નાથ બનાવવા તૈયાર ન હતા એ મોદીને હવે ‘ભારત-નરેશ’ બનાવશે... રોજ દિલ્હી-દિલ્હી-દિલ્હીની સળીઓ કરીને !
(પાર્થિવી પટેલ, અમદાવાદ)

2 આ ચૂંટણીમાં કોઇના હારવાનો તમને વિશેષ અફસોસ ?
- ખાસ ત્રણનો. એક શકિતસિંહજી ગોહિલ, બીજા જયનારાયણ વ્યાસ અને ત્રીજા પ્રફુલ્લ પટેલ...! લક્ષ્મી સામે સરસ્વતિ પરાજીત થાય, તે મને સ્વીકાર્ય ન હોય!
(કૌશલ્યા બિમલ શાહ, અમદાવાદ)

3 દાઢીમૂછ આપણા સંતો, રાજકારણીઓ અને ગુંડાઓ પણ રાખે છે. ફરક શું છે ?
- જે લોકો આ ત્રણેય કૅટેગરીમાં નથી આવતા, એ લોકો ય રાખે છે, એ ફરક !
(પ્રવિણસિંહ ગોહિલ, મોરિયાણા-અંકલેશ્વર)

4 દેવ, દાનવ અને માનવ... એ ત્રણેયમાંથી કોઈ પત્નીના ખૌફથી બચતું હશે ખરૂં ?
- લગ્નના પહેલા જ દિવસે પત્નીને પોતાનો ખૌફ બતાવી દીધો હોય, એને આવી ચિંતા કરવાની જરૂર નથી પડતી.
(કિશોર વ્યાસ, ઘોઘા) 

5 ગોરધનનું કાંઈ કામ ન હોય છતાં એ ઘેર મોડો આવે ત્યારે વાઈફ ઘૂંઆફૂંઆ કેમ થતી હશે ?
- છેવટે... ‘કંઈક તો કામનો રહે...’ માટે !
(ખુશ્બુ માલવ મારૂ, સુરત)

6 માજી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે કુટુંબ સાથે વિદેશ-પ્રવાસો સિવાય કાંઈ કર્યું હતું ખરૂં ?
- યસ. એમણે ૧૯-વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા... ફાંસીના હૂકમ પર સહિ નહિ કરીને !
(ડૉ.સનત જાની, ખેડબ્રહ્મા)

7 કેટલું સાચું કે, ‘ઍનકાઉન્ટર’ના જવાબો આપવામાં તમારા પત્ની મદદ કરે છે ?
- ઘણાની પત્નીઓ મદદ કરે છે !
(રમેશ ‘શેરેટન’ સુતરીયા, મુંબઈ)

8 વૈજ્ઞાનિકો બ્રહ્માંડનો તાગ મેળવી શક્યા, પણ નેતાઓના કૌભાંડનો તાગ...?
- નેતાઓના કૌભાંડ બ્રહ્માંડ સુધી પહોંચે પછી ખબર પડે !
(ચંદ્રવદન પટ્ટણી, ભુજ)

9 કાનુડો કાળો પણ રાધા તો ગોરી જ જોઈએ, એવી માનસિકતા ધરાવનારાની બા નહિ ખીજાતી હોય ?
- કાળી બાઓ ના ખીજાય...!
(ધરતી ભટ્ટ, પરખડી-બનાસકાંઠા)

10 આપને તો અનેક નામાંકિત વ્યક્તિઓ મળી હોય... એમાંથી કોને મળીને એવું લાગ્યું કે, હવે ભગવાન નહિ મળે તો ય ચાલશે ?
- અરિસો.
(ધીમંત ભાવસાર, બડોલી-ઈડર)

11 કેશુબાપાએ આટલો મૂઢમાર ખાધા પછી, ‘પટેલો હજી ભયભીત હશે ખરા ?’
- તે એ કહેતા’તા, એ સાચું જ પડ્યું ને...? બાપા હવે ભયભીત થયા !!
(સૃષ્ટિ મહેતા, અમદાવાદ)

12 વૃક્ષ પરથી પડેલા સફરજનને જોઈને ન્યુટને ગુરૂત્વાકર્ષણનો નિયમ શોઘ્યો. ન્યુટનની જગ્યાએ તમે બેઠા હોત તો ?
- અમારા ફલૅટ નીચે હું બેઠો હતો, ત્યાં ઉપરથી કોકનો સૂકાતો લેંઘો નીચે પડ્યો... ન્યુટનની માફક મેં ય એક નિયમ શોઘ્યો, ‘લેંઘો પાછો નહિ આપવો...!’
(જયદીપ બારૈયા, પાવડી-તળાજા)

13 સાસરે ચાર દિવસ રહ્યા પછી સસુરજી રેલ્વેની ટિકીટ જ પકડાવી દે છે... શું કરૂં ?
- તમે તો નસીબદાર છો... સસુરજી અમને તો અમારી વાઈફ પકડાવી દે છે... ! એમની પણ...!!
(પરેશ નાણાવટી, રાજકોટ)

14 અમદાવાદના મૅયર આટલા લાંબા કેમ છે ?
- એ લાંબા નથી... ઊંચા છે. બહુ વખત પછી શહેરને ઊંચા મૅયર મળ્યા છે. એ બૂટ-પૉલિશ કરાવતા હતા, ત્યારે છોકરાએ ઊંચું જોઈને પૂછ્‌યું, ‘‘સાહેબ, ઉપરનું હવામાન કેમનું છે ?’’
(ભરત પટેલ, અમદાવાદ)

15 અમારે લેખક કે શાયર થવું છે. તમારી શું સલાહ છે ?
- રહેવા દો.
(દિવ્યેશ ખેરડીયા, જેતપુર)

16 જમાનો આપણાથી છે કે આપણે જમાનાથી ?
- મને આમાં વચ્ચે ન લાવો... હું જમાનાથી બહુ દૂર નીકળી ગયો છું...!
(તખુભા સોઢા, વડાલા-કચ્છ)

17 આપની પાસે ૧૦-૧૫ કરોડ સ્પૅરમાં પડ્યા હોય તો મોકલી આપશો ?... અમારો ચા-પાણીનો ખર્ચો નીકળી જાય...!
- હું સ્વ. ડાહ્યાલાલની દીકરીને પરણ્યો છું. ડૉ. મનમોહનસંિઘની નહિ !
(દેવાંગ વિક્રમરાય જહા, ગાંધીનગર)

18 ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી એક ગુજરાતીએ છોડાવ્યો... હવે ભ્રષ્ટાચારની ગુલામીમાંથી છોડાવે એવો ક્યો ગુજરાતી છે ?
- મારા કામો વધારો નહિ... હું ઘરની ગુલામીમાંથી ય બહાર ડોકું કાઢી શકતો નથી...!
(ડૉ. કમલેશ મોઢા, મુંબઈ)

19 સચિન હવે ક્યા રૅકૉર્ડ માટે રમવા માંગે છે ?
- દુનિયામાં સૌથી વઘુ વખત આઉટ થવાનો રૅકૉર્ડ.
(હમઝા એન. વ્હોરા, કલોલ)

20 સ્વાદમાં ખારૂં હોવા છતાં ‘મીઠું’ કેમ કહેવાય છે ?
- તમારો કંઠ સાંભળ્યા પછી ખબર પડે !
(કોકીલા દવે, જૂના ડીસા)

21 ફિલ્મસ્ટાર્સ પાર્લામૅન્ટમાં શું કરી રહ્યા છે ?
- ત્યાં ય બોલવાના તો કોકના લખી આપેલા સંવાદો જ ને...?
(અજય મુંજપરા, લીંબડી)

22 આપણે ઘી ‘દેશી’ અને દારૂ ‘વિદેશી’નો આગ્રહ કેમ રાખીએ છીએ ?
- અમારામાં એવું ન હોય...! અમારામાં તો, વડાપ્રધાન દેસી અને ‘વડી’પ્રધાન વિદેશી... સાલા, બેમાંથી એકેય દારૂની જેમ ચઢે એવા નથી.
(આયુષ પંડ્યા, લૅક્સિંગ્ટન-અમેરિકા)

23 કર્ણ પોતાનો પુત્ર છે, એ ખબર હોવા છતાં કુંતી મૌન કેમ રહી ?
- મોંઢું આઈ ગયું’તું...!
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

24 હવે મને પણ ડિમ્પલ કાપડીયા ગમવા માંડી છે...
- તમારા બન્નેની અટકોને આધારે તો એ તમારી માતા-સ્વરૂપ કહેવાય !
(રોહિત કે. દરજી, હિંમતનગર)

25 સીતામાતાની જેમ દરેક પત્નીએ રામ જેવા પતિની પાછળ જવું જોઈએ...! સુઉં કિયો છો ?
- શું કામ પણ બધા પતિઓને આમ બીવડાવી મારો છો...???
(નીતિન ઉપાઘ્યાય, ભાવનગર)

12/01/2013

દિલ દિયા દર્દ લિયા

ફિલ્મ : ‘દિલ દિયા દર્દ લિયા’ (’૬૬)
નિર્માતા- દિગ્દર્શક : એ. આર. કારદાર
સંગીત : નૌશાદ
ગીતકાર : શકીલ બદાયુની
રનિંગ ટાઇમ : ૧૭ રીલ્સ
થીયેટર : રૂપાલી (અમદાવાદ)
કલાકારો : દિલીપકુમાર, વહીદા રહેમાન, પ્રાણ, રહેમાન, શ્યામ, જ્હોની વૉકર, ટુનટુન, અમર, દુલારી, એસ.નઝીર, સજ્જન, રાની, સપ્રૂ, મુરાદ, શાહ આગા, કાબુલી, અજીત બેંગાલી, બેબી ફરીદા, બિહારી, ખુરશીદ ખાન અને પરસરામ 


દિલીપકુમારો રોજ પેદા નથી થતા. પેદા થઈ ગયેલાઓ એની નકલ કરતા રહ્યા, પણ દિલીપ આખરે દિલીપ છે. આ એક માણસની ઉપસ્થિતિથી સાવ ફાલતુ ફિલ્મ ‘દિલ દિયા દર્દ લિયા’ જોવા પ્રેક્ષકો જતા હતા, એટલું જ નહિ, દિલીપની કરિયરમાં આ ફિલ્મ સીમાચિહ્‌ન લેખાઈ... અફકોર્સ, ફિલ્મની ગુણવત્તાને કારણે નહિ, એક માત્ર દિલીપકુમાર એનો હીરો હતો માટે. એમ તો, બીજો એવો જ યશ તમારે ખલનાયક પ્રાણને આપવો પડે અને નૌશાદના હરદિલઅઝીઝ સંગીત માટે પણ આપવો પડે. પ્રાણ માટે દિલીપકુમારે દિલના દરવાજા ઊઘાડીને કહ્યું છે કે, ‘દિલ દિયા...,ના રોલ માટે પ્રાણ સાહેબ સિવાય બીજા કોઈ અદાકારનો વિચાર પણ ન થાય !’

પ્રાણ સાહેબે પણ એમની ડોક્યુમેન્ટરીમાં (સૌજન્ય : શ્રી ચંદુભાઇ બારદાનવાલા- જામનગર) પોતાના સ્વમુખે કહ્યું છે કે, ‘એ જમાનો કોઈ ઓર હતો. દિલીપ સા’બને આ ફિલ્મમાં મારે ખૂબ નફરત કરવાની હતી.. એ કહેતા, ‘પ્રાણ સા’બ ઔર ગુસ્સા દિખાઇયે... ઔર ગુસ્સા દિખાઇયે... !’ આજના હીરો તો બીજાના રોલ કપાવવા માટે આમાદા હોય છે, ત્યારે દિલીપ સા’બ મને ઉજળો કરી બતાવતા હતા...!’ 

અને દિલીપનો ભરોસો કોઈ ખોટો નહોતો. પ્રાણે- તમે એને (દિલીપના બચાવમાં) સિનેમાના પરદા ઉપર જઈને મારી આવો એવા ઝનૂનો એક સામટા ઉપડે, એવી નફરત પેદા કરી છે. આ ફિલ્મમાં પ્રાણે દિલીપ માટેની નફરતમાં સાતત્ય રાખ્યું છે.. જો બીજો દિલીપ નહીં થાય તો બીજો પ્રાણ પણ નહિ થાય.. દિલીપ અભિનયનો પ્રાણ હતો, તો પ્રાણ ખલનાયકીનો ‘યૂસુફ’ હતો...! (‘યૂસુફ’ એક અતિ સુંદર પયગમ્બરનું નામ છે.) શંકર (દિલીપ) ઠાકૂર (પ્રાણ)ના મહેલમાં નોકર છે. એને ગાળો દેતો ઠાકૂર મહેલના દરવાજે આવે છે, ત્યારે શંકર ઘોડાની લગામ પકડીને ઉભો છે, ત્યારે કેવળ નફરત બતાવવા ઘાંટો પાડીને કહે છે, ‘‘લગામ છોડ ઔર ફંદા બના બેવકૂફ...’’ ઠાકૂરના જુલ્મ-ઓ-સિતમ કેટલી હદે વિકરાળ સ્વરૂપ ધારણ કરી બેઠા હતા એ દર્શાવવા શંકર ઉપર બેતહાશા જુલ્મો કરતો રહે છે. સ્ટોરી અને ડાયલોગ્સ : કૌશલ ભારતી.

અફ કૉર્સ, સ્ટોરી કોઈ ઍન્ગલથી ગળે ઉતરે એવી નહોતી. એની ઘટનાઓમાં કોઈ લૉજીક ન મળે, એ સમજાવવા એક જ દલિલ કાફી છે કે, પ્રાણે દિલીપને મારી નાખ્યા પછી વહિદા રહેમાન જેને માટે રહેમાન સાથે લગ્ન કરી લે છે, એ ‘ખાનદાન કી ઇજ્જત’ દિલીપ પાછો આવે છે અને વહિદાનો હાથ માંગે છે, ત્યારે ફરી પાછી કઈ રીતે જતી રહે, એ ફક્ત વાર્તાલેખકના ભેજાની કમાલ છે. દિલીપ નાનપણથી રાબેતા મુજબ પ્રાણનો માર શું કામ ખાધે રાખે છે, તે બીજો સવાલ. રાતોરાત દિલીપ ભિખારીમાંથી અબજોપતિ રાજાસાહેબ કેવી રીતે બની જાય છે ? શરદ પવાર તો આ ફિલ્મમાં હતા નહિ ! 

પ્રાણની ડોક્યુમેન્ટરીમાં એ વાત પણ કન્ફર્મ થઈ છે કે, દિલીપકુમારની ફિલ્મોમાં દિગ્દર્શન એનું જ હોય છે. આ ફિલ્મમાં દિગ્દર્શક તરીકે નામ અબ્દુલ રશિદ કારદારનું છે, પણ ફિલ્મ દિલીપે દિગ્દર્શિત કરી છે... એની મોટા ભાગની ફિલ્મોની જેમ ! આ ફિલ્મ માટે ’૬૭-ની સાલનો ‘ફિલ્મફેર’નો બેસ્ટ એક્ટરનો એવોર્ડ દિલીપ હારી ગયો. ધર્મેન્દ્ર ફિલ્મ ‘ફૂલ ઔર પથ્થર’ માટે નોમિનેટેડ હતો, એ પણ હારી ગયો... આખરી વિજેતા હતો, ફિલ્મ ‘ગાઇડ’નો દેવઆનંદ.

પ્રાણ પણ આ ફિલ્મ માટે ‘બેસ્ટ-સપોર્ટિંગ એક્ટર’નો ખિતાબ હારી ગયો, જે અશોકકુમારને ફિલ્મ ‘અફસાના’ માટે મળ્યો. વહિદાને અડધી ફિલ્મમાં હસ હસ કરવાનું અને બાકીની અડધીમાં રડ રડ કરવાનું હોવાથી એવા એવોર્ડ્‌સ તો ફિલ્મફેરમાં નહોતા અપાતા. અલબત્ત, એને અહીં પોતાની કમાલ બતાવવાનો ચાન્સ મળ્યો નથી. 

જો કે, કોઈનો ચાન્સ ઝૂંટવી લેવામાં વહિદા રહેમાને એકવાર પૂરી કમાલ બતાવી હતી. ફિલ્મ ‘રામ ઔશ શ્યામ’ની મુકર્રર હીરોઇન વૈજયંતિ માલા હતી. વહિદા આમે ય દિલીપની ઘણી નજીક હતી. આવી મહત્ત્વની ફિલ્મ હાથમાંથી જતી રહે, એ બર્દાશ્ત નહિ થયું હોય, એટલે પછી તો જે કાંઈ થયું... દિલીપે વૈજુને પડતી મુકાવીને વહિદાને લીધી. ઘુંઆફુંઆ થયેલી વૈજુના ફાધર સીધા કોર્ટમાં ગયા ને વાત વધી પડી. રસ્તો તો પછી જે કાંઈ નીકળ્યો, વહિદા ઇન... વૈજુ આઉટ ! 

દિલીપે જેને આવી જ કોઈ રીતે આઉટ કરી હોય તો તે સુરૈયા હતી. ગામ આખું જાણે છે કે દિલીપને કોઈ પણ ભોગે દેવ આનંદના હાથમાંથી સુરૈયાને છોડાવવી હતી. એણે કે. આસીફને વાત કરી. આસીફે સુરૈયા- દિલીપને લઈને એક ફિલ્મ જાહેર કરી દીધી, ‘જાનવર.’ સુરૈયાને આની પાછળના રાજકારણની આમ તો ગંધ ન આવત, પણ ફિલ્મના એક દ્રષ્યમાં સુરૈયાને ગાલે સાપ કરડે છે. દિલીપે ગાલ ચૂસીને ઝેર ગળી જવાનું હતું. એક્ટંિગનો આ બેતાજ બાદશાહ આ દ્રષ્ય બરોબર આપી શકતો નહોતો. સુરૈયાનો ગાલ ચૂસતા રહેવામાં એક દિવસ, બે દિવસ... ત્રણ દિવસ... ઓહ ઠેઠ ચોથા દિવસે સુરૈયાએ મીજાજ ગુમાવ્યો. એને ખબર પડી ગઈ કે, જાણી જોઈને દિલીપના કહેવાથી આસીફે આ દ્રષ્ય ફિલ્મમાં ધૂસાડ્યું છે અને રીટેકના બહાને દિલીપ વધારે પડતો રૉમેન્ટિક પણ થઈ રહ્યો છે. સુરૈયા સેટ છોડીને સીધી ઘેર જતી રહી અને પોતાના મામાને વાત કરી. મામા તરત જ સેટ પર દિલીપને રીતસર ફટકારવા જ આવ્યા... આસીફ અને અન્ય વચ્ચે પડ્યા ને વાત અટકી ગઈ. સહુ જાણે છે કે, દિલીપ- સુરૈયાએ એક ફિલ્મમાં કદી સાથે કામ કર્યું નથી. 

મુહમ્મદ રફી સાહેબના સુપુત્ર સ્વ. ખાલીદની પત્ની યાસમિને રફી સાહેબ માટે હમણાં એક પુસ્તક લખ્યું છે, જે મને વડોદરાના શ્રી હરેશ જોશીએ આપ્યું છે. એમાંથી કેટલીક તો ચોંકાવનારી હકીકતો સામે આવી કે રફી સાહેબે અગાઉ પણ એકવાર લગ્ન કર્યા હતા. પત્ની બેગમ બશિરાન રફી સાહેબના સગા કાકાની દીકરી હતી. એ બન્નેને એક પુત્ર પણ થયો મુહમ્મદ સઈદ, જે ’૬૧ની સાલમાં લંડન જતો રહ્યો, તે પહેલા રફી સાહેબના ઘેર જ રહેતો હતો. જો કે, સારા જમાનાથી આ વાત ગુપ્ત રાખવામાં આવી હતી. 

દુલારીએ આ ફિલ્મમાં નાનો રોલ કર્યો છે... સમજો ને, કોઈ મહત્ત્વ વગરનો. આમે ય, આ ચરિત્ર અભિનેત્રીની ફિલ્મી કરિયર પણ મહત્ત્વ વગરની રહી. નહિ તો એક જમાનામાં એ હિરોઇન તરીકે આવતી. સી. રામચંદ્રનું ખૂબ જાણીતું ગીત, ‘આના મેરી જાન, મેરી જાન સન ડે કે સન ડે...’ દુલારી ઉપર ફિલ્માયું હતું કે, પણ ફિલ્મોમાં આવ્યા પછી ‘રાજદુલારી’ને છેવટે રાજપાટ જતા પહેલા જ રાજ નીકળીને એકલું ‘દુલારી’ રહી ગયું. જૂના શોખિનો તો જાણે જ છે કે, દુલારીએ મુંબઈમાં દેશી નાટક સમાજ અને આર્ય નાટક સમાજના ગુજરાતી નાટકોમાં કામ કર્યું હતું. ગુજરાતી ફિલ્મ ‘ગુણસુંદરી’ અને ‘ચુંદડી અને ચોખા’ના ગીતો આજે ઘણાને કંઠસ્થ છે. દુલારીએ કોઈ એક- બે નહિ, પૂરી ૩૫ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. કાન્યકુબ્જ બ્રાહ્મણ પિતા પાસે દહેજ આપવાના પૈસા ન હોવાથી દુલારીને ‘જગન્નાથ ભિખાજી જગતાપ’ નામના મરાઠી ક્ષત્રીય સાથે પરણાવવામાં આવી હતી. આજે ૮૫ વર્ષની ઉંમરે દુલારી મહારાષ્ટ્રના કોઈ ગામમાં ‘ઘરડાના ઘર’માં અલ્ઝાઇમર્સના કરૂણ રોગ સાથે એકલી રહે છે.

એ તો આપણી આ કૉલમમાં અગાઉ પણલખાઈ ચૂક્યું છે કે, ‘દિલ દિયા...’ની સેકન્ડ લીડ રોલ કરતાં રહેમાને પણ પુષ્કળ ગરીબીમાં છેલ્લા શ્વાસો લીઘા હતા. એમનું સાસરૂં અમદાવાદના દરિયાપુરમાં હતું. બહુ સારો એક્ટર. મોટે ભાગે કરોડપતિના રોલ જ કર્યા છે. ફિલ્મ ‘વક્ત’માં ચિનોય શેઠનો રોલ આખા ભારતને યાદ રહી ગયો છે. 

આ ફિલ્મમાં દિલીપકુમારની બેવકૂફ પ્રેમિકા બનતી શ્યામા ય હજી જીવિત છે. મુંબઈમાં ફ્રુટની લારી ફેરવતા એક ગરીબ ફળવાળાની દીકરી ખુરશિદ અખ્તર બેગમ વિશે આ કોલમમાં અગાઉ ઘણું લખાઈ ગયું છે. 

એક યુઝવલ, ખરી કમાલ નૌશાદ સાહેબે આ ફિલ્મના એકએક ગીતને બેનમૂન બનાવીને કરી છે. કેવી હથોટી બેસી ગઈ હતી, મઘુરાં ગીતો પણ શાસ્ત્રીય રાગો પર આધારિત બનાવવાની ! રફી સાહેબના ચારે ગીતો જુઓ : ‘ગુઝરૈ હે આજ ઇશ્ક મેં હમ...’ રાગ દરબારી કાનડો, કોઈ સાગર દિલ કો બહલાતા નહિ... રાગ કલાવતી, દિલરૂબા મૈને તેરે પ્યાર મેં ક્યા ક્યા ન કિયા.., રાગ સારંગ. અને આશા ભોંસલે સાથેનું ‘સાવન આયે યા ન આયે, જીયા જબ ઝૂમે..’ પણ રાગ સારંગમાં જ. લતા મંગેશકર મોટા ભાગે તો પાર્ટી-સોંગ્સ નથી ગાતી અને એ જ સારું છે. એમાં એ કદી આશાની બરોબરી ન કરી શકે. અહીં નૌશાદે કેમ જાણે પરાણે એની પાસે, ‘ક્યા રંગે મહેફિલ હૈ, દિલદારમ, ઓ જાને આલમ...’ ગવડાવ્યું છે.. ઓહ, શું કામ ગવડાવ્યું હશે ? અહીં આશાએ ત્રણ ગીતો ગાયા છે, એમાં બે મુજરા. તો પછી લતાની જેમ નૌશાદને ય આશા સાથે બગડ્યું હશે, એટલે છેલ્લે કહેતા ગયા, કે ‘આશાના અવાજમાં તવાયફીપણું વધારે છે.’ 

દરેક સંગીતકારનું કોઈ એક વાજિંત્ર ફેવરીટ હોય છે, એમ નૌશાદે આ ફિલ્મના લગભગ તમામ ગીતોમાં સિતાર વગાડી છે. શંકર-જયકિશને તો રાજ કપૂરની ફિલ્મ ‘અનાડી’ના બધા ગીતોની જેમ ઘણી ફિલ્મોના તમામ ગીતોમાં ઍકોર્ડિયન વગાડ્યું છે. ઓ. પી. નૈયરે ‘એક મુસાફિર એક હસીના’ના તમામ ગીતોમાં હાર્મોનિયમ વગાડ્યું છે. 

જ્હોની વૉકરે કદાચ દિલીપકુમારની શરમમાં આવી જઈને આ ફિલ્મ કરી હશે, નહિ તો આવા સારા કોમેડીયન માટે આ ફિલ્મમાં કોમેડી તો જાવા દિયો... રોલ પણ એક એકસ્ટ્રા જેવો છે.

યસ. આ ફિલ્મમાં વેમ્પનો રોલ કરતી ડાન્સ અભિનેત્રી ‘રાની’ વિશે કાંઈ જાણવા મળતું નથી. ઘણી સારી ડાન્સર હતી, જેણે હેલનની સાથે અનેક ફિલ્મોમાં જુગલબંધી કરી છે. એસ. નઝીર દિલીપકુમારની લગભગ ઘણી ફિલ્મોમાં હોય જ. માથે સફાચટ રાખતો આ કલાકાર પણ ગુમનામીમાં ધકેલાઈ ગયો. અહીં એ દિલીપકુમારના સેક્રેટરીના રોલમાં છે. ફિલ્મ‘દોસ્તી’થી ભારતના ઘર ઘરમાં જાણીતી થયેલી ચાઇલ્ડ-આર્ટિસ્ટ બેબી ફરીદા પણ દિલીપની લાડકી હતી. પણ એકે ય અપવાદ વિના હિંદી ફિલ્મોમાં બનતું આવ્યું છે તેમ, ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે ઘૂમ મચાવતા છોકરાઓમાંથી એકે ય મોટા થઈને નામ ન કમાયા. 

એ દિવસોમાં એટલે કે ’૬૬ની સાલમાં ‘દિલ દિયા’ની સાથે સાથે અમદાવાદના કયા થીયેટરોમાં કઈ ફિલ્મો ચાલતી હતી, તે તમારી જાણ સારૂ : 

અનુપમા (મોડેલ), આયે દિન બહાર કે (કૃષ્ણ), લવ ઇન ટોક્યો (રીગલ), છોટા ભાઈ (પ્રકાશ), ડાકુ મંગલસિંહ (અશોક), દિલને ફિર યાદ કિયા (રીલિફ), દુલ્હન એક રાત કી (રૂપમ), દસ લાખ (લક્ષ્મી), મુહબ્બત ઝીંદગી હૈ (અલંકાર), નીંદ હમારી, ખ્વાબ તુમ્હારે (લાઇટ હાઉસ), તીસરી મંઝીલ (નોવેલ્ટી) 

ગીતો 
૧ દિલરૂબા મૈને તેરે પ્યાર મેં ક્યા ક્યા ન કિયા... મુહમ્મદ રફી 
૨ સાવન આયે યા ના આયે, જીયા જબ ઝૂમે સાવન હૈ ... આશા- રફી 
૩ ક્યા રંગે મહેફિલ હૈ દિલદારમ, ઓ જાને આલમ ... લતા મંગેશકર 
૪ ફિર તેરી કહાની યાદ આઇ, ફિર તેરા ફસાના... લતા મંગેશકર 
૫ દિલ હારનેવાલે ઔર ભી હૈ, ... સરકાર દીવાને ઔર આશા ભોંસલે 
૬ ગૂઝરે હૈ આજ ઇશ્ક મે, હમ ઉસ મકામ સે... મુહમ્મદ રફી 
૭ કોઈ સાગર દિલ કો બહેલાતા નહીં, બેખુદી મેં... મુહમ્મદ રફી 
૮ હાય હૈ રસિયા તુ બડા બેદર્દી... આશા ભોંસલે 

09/01/2013

ઈશ્વરનો ઈન્ટરવ્યૂ

એટલું સારું હતું કે, ઈશ્વરનો ઈન્ટરવ્યૂ લેવા જાતે મરવું પડે એમ નહોતું. ઈશ્વર નીચે આવે નહિ ને આપણને ઉપર જવું પોસાય નહિ. મરીને મળવાની પધ્ધતિ ખોટી. મારા તો આ જન્મના ય સંસ્કાર સારા... (આપણે શું કામ ખોટું બોલવું...?), એ હિસાબે થોડીઘણી ઓળખાણ નીકળી એટલે સ્વર્ગના દરવાજા સુધી ઘુસ મારવા મળી. અંદર તો ફ્રી-પાસ હોય તો ય આપણે ક્યાં જવું'તું...?


''ક્યાં જવું છે ?'' એક સૉલ્લિડ બૉડી-બીલ્ડરે મને પૂછ્યું. મેં પૂછ્યું, ''આપ કોણ ?''

''હું ભગવાન શ્રીકૃષ્ણનો 'બાઉન્સર' છું...''

''બા---બાઉન્સર...? યૂ મીન, બૉડી-ગાર્ડ ?... મારા શામળાને એની શી જરૂર પડી ?'' 
''યૂ સી... આજકાલ સ્વર્ગમાં ગમે તેવા લલ્લુ-પંજુઓ ઘુસી આવે છે... શ્રીનાથજી બાવાને જોયા નથી કે ઑટોગ્રાફ માંગ્યો નથી...! કેટલાક તો વળી ચીઠ્ઠીઓ લઈને આવે છે, ''જન્માષ્ટમીમાં આ વખતે જીતાડજો, પ્રભુ !'' આવાઓને દૂર રાખવા મારી હાલમાં ૫૦૦૦-૨૫૦-૮૦૦૦ ના સ્કૅલ પર SC/ST ક્વૉટામાં હંગામી ધોરણે નિમણુંક થઈ છે...!... એ ચલ... બાજુ હટ... પ્રભુશ્રી નટવર ગીરધરની મર્સીડીસ-બૅન્ઝ આવી રહી છે... હટ્ટ...!!!''

''એ... આઆઆઆ...ગઈ, એ મારા કન્હૈયાની કાર હતી...? મર્સીડીસ-બૅન્ઝ...? પપપ...પણ એ તો રથ ચલાવતા હોય છે...!''

''રથો આજકાલ બહુ ઍવરેજો નથી આલતા... વળી, એના પૈડાંમાં પંક્ચર પડે તો અહીંના તમામ ટાયર-પંક્ચરવાળા કૅરાલિયનો શ્રીતિરૃપતિ બાલાજીવાળા છે... જલ્દી ના કરે... અહીં ય નૉર્થ-સાઉથનું બહુ છે...!''

''ઓકે, સરજી... મારે મોડું થાય છે... ઈન ફૅક્ટ, હું અહીં પરમેશ્વરનો ઈન્ટરવ્યૂ લેવા આવ્યો છું...''

''કોણ મહાદેવજીનો ?... તું તો બ્રાહ્મણ છે, એટલે પૂછ્યું... જો... બ્રાહ્મણો અને પટેલો ભગવાન શંકરની બારી ઉપર ! ત્યાં સાત નંબરની બારી ઉપર જા...! ૨૮-નંબરની સોને મઢેલી બારી પર જૈનોના ભગવાન મહાવીર... જલાબાપાને મળવું હોય તો ગોરાચીટ્ટા લોહાણાઓ તમને ૧૮-નંબરની વિન્ડો પર મળશે... અને સ્વામી બાપાની વિન્ડો પર એકલા પુરૃષોએ જવાશે... કોઈ છોકરી-બોકરી સાથે લાયો નથી ને ? બાય ધ વે... તું કોણ છે ?''

''જી ?''

''આઈ મીન... તું પુરૂષ છે કે સ્ત્રી...?''

''ઓહ... સર જી, અહીં આવ્યો ત્યાં સુધી તો પુરૂષ છું... આગળનો ખેલ માતા બહુચરાજી જાણે...?''

''વૉટ...?''

''સર જી, આ બધી બારીઓ તો ચોક્કસ ધર્મ કે જ્ઞાતિના ભગવાનોની છે... મારે તો ભારત માતાને મળવું છે. અમારા ભારતવાસીઓના ભગવાન ભારત માતા છે...''

''નૉન સૅન્સ...! એવી કોઈ ખિડકી અહીં ખુલી જ નથી... ગૅટ લૉસ્ટ, યૂ સ્ટુપિડ...!''

''ઉફ... બધા ભગવાનોની ભાગે પડતી બારીઓ છે... ભારત માતાની કેમ નહિ ?''

''ઈડિયટ, સાઉથના સુપરસ્ટાર રજનીકાંતજીનું મંદિર તો અહીં ય છે. અમ્મા... આઈ મીન, જયલલિતા દેવીના મંદિરનું ઉદઘાટન ગયા વીકમાં જ થયું... પણ આ તું કહે છે, એ ભારત માતા કોઈ દેવી-બેવી છે ?''

''જી...???''

''જો ભ'ઈ... એક વાત સમજ. ભગવાનની વાત કરવી હોય તો વાણીયા, બ્રાહ્મણ, લુહાણા કે જૈનોના ભગવાનોની વાત કર... આઈ મીન, કૃષ્ણ, શંકર, રામ, જલારામ બાપા, મહાવીર સ્વામી... પણ''

''આ બધામાં મારા ભારત દેશને બચાવવાની શક્તિ ક્યા ભગવાનમાં છે ?''

''વ્હૉટ...? જરા ફરીથી બોલ તો--- જો ભ'ઈ, તાકાત-ફાકાતની વાત કરવી હોય તો અમારા હનુમાનજી હાજરાહજુર છે... બહુ લેંચુ તો મારતો જ નહિ...!''

''એવું નથી, સર જી. અમારા દેશમાં હજારો ભગવાનો અને માતાજીઓ છે... પણ એમાંના એકે ય ભગવાનમાં ભારત નથી... અને આજકાલ મારો દેશ બહુ બુરી રીતે રિબાઈ રહ્યો છે... માટે અહીં ઉપર સુધી લાંબા થવું પડયું...''

''તે કેમ... એ બધા છે તો ભારતના ભગવાનો જ ને ? અરે, અવાજ કર ને... એક સાથે બધા ભગવાનો ભારત દેશની લાજ બચાવવા હાજર થઈ જશે...''

''ના થાય, બૉસ. એટલી હદે આ સહુ ભગવાનોના ભક્તો તો જાવા દિયો... સ્વયં ભગવાનો ય તૈયાર નથી. અમારા દેશના ખેતરો, સ્કૂલો, મોટા બંધો કે ૪૦-માળનું બીલ્ડિંગ (જો હોય તો) દુશ્મનો ઉડાડી મારે તો કોઈ ફિકર નહિ... અમારા મંદિર-દેરાસર કે ગુરૂદ્વારા ઉપર હૂમલો થયો તો... મારી નાંખીએ મારી...!''

''કેમ વળી...! બળાત્કારીઓ ફફડી જાય એવો કાયદો ધીમે ધીમે આવી રહ્યો છે ને ?''

''સર જી... એમાં જરી જોવું પડશે કે, દિકરી અમારી જ્ઞાતિની છે છે કે બીજાની...! બીજાની હોય તો બીજાના કામમાં અમે પછી બહુ માથું મારતા નથી...! કોઈ બોલાવવા આવે તો, હાથમાં મીણબત્તીવાળા સરઘસમાં એકાદ આંટો મારી આઈએ, મારા ભ'ઈ !''

''તારું ભાષણ પત્યું...?''

''કેમ ? કેમ એવું પૂછો છો ?''

''આ મહીંથી હનુમાનજીનો મોબાઈલ છે... પૂછે છે કે, બહાર ઊભો ઊભો કોઈની સાથે ખપાય નહિ... જે હોય એને મહી લેતો આય...!''

''ઓહ નો સર જી નો... મારે કંઈ અંદર આવવું નથી. એમને કહો કે, પ્રભુશ્રી રામને મારા ચરણસ્પર્શ મોકલાવજો. સીતા માતા ય બાજુમાં બેઠા હોય તો એમને ય મારા પાયલાગણ કહેજો...''

''હું તારા બાપનો નોકર છું ?''

''જીજી...જી...???''

''આ સ્વર્ગ છે... બિગ-બાઝાર નથી. તારે જે કોઈ ભગવાનનો ઈન્ટરીયો લેવો હોય એમને માટે ફૉર્મ ભરીને જે તે બારીએ આલી આય...!''

''પણ બૉસ જી... આમ... અચાનક... આ ઉતાવળનું કોઈ કારણ ?''

''બધા ભગવાનો ટીવી પર મૅચ જોવા બેસી ગયા છે... ત્યારે ઈન્ડિયાના ઢીંઢા ભાંગી ગયા છે ને કોઈ બચાવનારૃં નથી... એનાં દેવી-દેવતાઓ અંદરોઅંદર ઝગડે છે... ''આ મારી જવાબદારી નથી...'' એવું કહી કહીને !''

''સર જી... ક્ષમા કરજો. હું તો કોઈ ઈશ્વરનો ઈન્ટરવ્યૂ લેવા આવ્યો હતો ને...''

''ડોબા, મને ન ઓળખ્યો...? હું જ સાક્ષાત ઈશ્વર છું... હું તારી પરીક્ષા લેતો હતો. મારે એ જોવું હતું કે, ધર્મને બાજુ પર રાખીને દેશને પોતાનો ધર્મ બનાવનારા આપણે ત્યાં છે કેટલા ?''

''ઓહ પ્રભુ... આપ હતા... સ્વયં...? તો એક રીક્વૅસ્ટ છે, પ્રભુ...''

''બોલ બોલ... ગભરાયા વગર બોલ...''

''સર જી, આપ જ સ્વયં પરમેશ્વર હો, તો આ દાનની પેટીમાં મેં પચ્ચાની નોટ નાંખી છે, એ પાછી ખેંચી આલો ને...!''

''હનુમાનજીઈઈઈઈઈઈઈઈઈઈઈ... આ ગધેડાને તાત્કાલિક બહાર કાઢો... આઈ મીન... નીચે પૃથ્વીલોકમાં પાછો જમા કરાઈ દો...!''

સિક્સર''કોંગ્રેસે પોતાની નીતિઓ 'મૉડીફાય' કરી હોત, તો આ દિવસો જોવાના ન આયા હોત...'' મેં રાકેશને પૂછ્યું.


''એ લોકો 'મોદી-ફાય' કરવા ગયા, એમાં ભરાયા...!''