Search This Blog

30/07/2017

ઍનકાઉન્ટર : 30-07-2017

* શુક્રવારની 'ફિલ્મ ઈન્ડિયા' કૉલમમાં હિંદી ફિલ્મો વિશે જ લખાય છે. ગુજરાતી ફિલ્મો વિશે કેમ નહિ ?
હવે કાંઇક સ્તરવાળી ગુજરાતી ફિલ્મો બનવા માંડી છે. ક્યારેક લખાશે.
(
હેમેન મેહતા, ફિનીક્સઍરિઝોના, અમેરિકા)

* ૧૦૦/ વાળી પૉપકોર્ન પછી પેલી ૧૦/૧૫/ વાળી ખારી સિંગ અને સમોસા બંધ તો નહિ થઇ જાય ને ?
તમારા હાથમાં શું છે, એના ઉપર આધાર છે... પૉપકૉર્ન કે ખારી સિંગ !
(
વિપુલ ચપલા, વડોદરા)

* ઘરમાં ય તમે આવા ફની જવાબો આપો છો ?
એ કોણ પૂછે છે, એના ઉપર આધાર છે.
(
કિશન ભુવા, જામજોધપુર)

* તમે દેશપ્રેમી કે મોદીપ્રેમી ?
મોદી ય દેશપ્રેમી છે.
(
જયેશ શાહ, ભાવનગર)

* મોડી રાત્રે પત્ની સાથે નીકળ્યા હો અને ભૂત મળી જાય તો ડરો ખરા ?
પત્નીને પૂછીને કહું.
(
હરૂભાઇ કારીઆ, મુંબઇ)

* સગાવ્હાલા સાથે કેટલો સમય વિતાવવો જોઇએ ?
એ લોકો બિલ ચૂકવી દે, ત્યાં સુધી.
(
સંકેત કે. વ્યાસ, રાલીસણાવિસનગર)

* ગાંધીજીએ પોતડી પહેરીને કરકસર શીખવી. આજના નેતાઓ શું શીખવે છે ?
પ્રજાને પોતડીભેર ફરતી કરી દેવી.
(
આયેશા માલવીયા, ધોરાજી)

* પ્રેમમાંથી નીકળવા શું કરવું ?
પડવા માટે જે કર્યું'તું એ...!
(
ભાવેશ સોલંકી, ભાવનગર)

* શ્રી. મોરારી બાપુ એમની કથાઓમાં રાષ્ટ્રધ્વજ જરૂર ફરકાવે છે.
તો રાષ્ટ્રગીત દૂર નથી.
(
હિમા શુક્લ, ભાવનગર)

* યુધ્ધ પહેલાની અને યુધ્ધ પછીની શાંતિ વચ્ચે શું ફરક હોય છે ?
એ વખતે યુધ્ધ શાંતિથી લડાતું હોય છે.
(
કલ્પના પટેલ, ભાવનગર)

* કેજરીવાલ પોતાનો કેસ લડવા સરકારી નાણાંનો ઉપયોગ કરે છે, તો એમને સજા કેમ ન થાય ?
એમને કૅસ લડવાના દહાડા આવી ગયા છે, એ સજા જ છે ને ?
(
મધુકર એન. મેહતા, વિસનગર)

* આટલા લોકપ્રિય હોવા છતાં તમે ચૂંટણી કેમ નથી લડતા ?
લોકપ્રિય રહેવા માટે.
(
ઉબૈદુલ્લા ખાન, મહુવા)

* ઇશ્વર પ્રસન્ન થાય તો શું માંગો ?
બસ. મારા રૂમની ચાવી શોધી આપે... પત્ની અંદર છે !
(
ધ્રૂવિત ડી. ચાવડા, જૂનાગઢ)

* ઉ.પ્ર.માં જે રીતે યોગી કામ કરી રહ્યા છે, એ જોતા એમ નથી લાગતું, દેશને આવા બીજા ૮૧૦ યોગીઓ મળી રહે તો કલ્યાણ થઇ જાય ?
કંઇક ઓછું કરી આપો... ૮૧૦ બહુ મોટો આંકડો છે !
(
વિનોદ ડી. પરમાર, અમદાવાદ)

* ક્રિકેટમાં થતા સ્લૅજિંગ વિશે શું માનો છો ?
સચિન કે વિરાટ જેવા બૅટ્સમેનો સામે કોઇ સ્લૅજિંગ કરી શકતું નથી, એ શું બતાવે છે ?
(
સાગર નલીઆપરા, જામનગર)

* મોડે મોડે અક્ષયકુમારને ફિલ્મ 'રૂસ્તમ' માટે નેશનલ ઍવૉર્ડ મળ્યો ખરો...
ઈશ્વરને ગમ્યું તે ખરૂં.
(
મયૂર મફતભાઇ વાળંદ, ભૂજમાધાપર)

* લગભગ બધા હાસ્યલેખકો બ્રાહ્મણો હોવાનું કારણ શું ?
લગભગ બધા બ્રાહ્મણો વેપારી નથી હોતા, એ જ કારણ.
(
યશવંત જાની, અમદાવાદ)

* નરનારી એક સમાન, તો પછી 'લૅડીઝફર્સ્ટ' શું કામ ?
એ બતાવે છે કે, નર વધુ વિવેકી હોય છે.
(
જીજ્ઞોશ ચાવડા, પોરબંદર)

* કોઇ પણ લાયક વ્યક્તિ માટે 'ભારત રત્ન'ની ઝૂંબેશ ચલાવવી પડે, તો એ શું સાચું સન્માન કહેવાય ?
આ બતાવે છે કે, લોકલાગણીને રાજકારણ સાથે સંબંધ હોતો નથી.
(
અશ્વિન એસ. મોરે, વડોદરા)

* 'પંખો કરવા છતાં બા શા માટે ખીજાય ?'

ગામ આખામાં 'એસી' આવી ગયા, છતાં હજી પંખોપંખોપંખો કર્યા કરીએ, એટલે !
(
વિનય ગુપ્તા, વડોદરા)

29/07/2017

'આરાધના' ('૬૯)

ફિલ્મ : 'આરાધના' ('૬૯)
નિર્માતા-દિગ્દર્શક    :    શક્તિ સામંત
સંગીત    :    સચિનદેવ બર્મન
ગીતકાર    :    આનંદ બક્ષી
રનિંગ ટાઈમ    :    ૧૮-રીલ્સ
થીયેટર    :    રૂપમ (અમદાવાદ)
કલાકારો    :    રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર, ફરિદા જલાલ, પહાડી સાન્યાલ, સુજીત કુમાર, અસિત સેન, સુબ્રોતો, અનિતા દત્ત (ગુહા), અભિ ભટ્ટાચાર્ય, સુભાષ ઘાઈ, દુલારી, મદન પુરી, મનમોહન, કૃષ્ણકાંત, બ્રહ્મ ભારદ્વાજ, સી.એસ. દૂબે, અભિમન્યુ શર્મા, મા. શાહિદ, સાધના પટેલ, બિરબલ, ઉમા દત્ત, રામ અવતાર, રાધેશ્યામ, લલિતા કુમારી, એમ.એ. લતિફ, ગુરનામસિંઘ, હારૂન, રતન ગૌરાંગ અને મેહમાન કલાકાર અશોક કુમાર.

ગીતો
૧.મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ...    કિશોર કુમાર
૨.રૂપ તેરા મસ્તાનાપ્યાર મેરા દીવાના...    કિશોર કુમાર
૩.કોરા કાગઝ થા યે મન મેરાલિખ દિયા...    લતા-કિશોર
૪.બાગોં મેં બહાર હૈકલીયોં પે નિખાર હૈ...    લતા-રફી
૫.ગુનગુના રહે હૈ ભંવરેખીલ રહી હૈ...    લતા-રફી
૬.ચંદા હૈ તૂમેરા સૂરજ હૈ તૂઓ મેરી...    લતા મંગેશકર
૭.કાહે કો રોયેચાહે જો હોયેસફલ હોગી...    બર્મન દાદા

આખા દેશના થીયેટરોમાં 'હાઉસફૂલ'ના બોર્ડ્સ લટકતા હોય, ત્યારે અમદાવાદની રૂપમ સિનેમાંમાં 'ભરચક'નું બોર્ડ માર્યું હોય. આજની ફિલ્મ 'બાહુબલી' જેટલી તો ગીર્દી ન કહેવાય, પણ આ વખતે ફિલ્મ 'આરાધના' હોવાથી 'ભરચક'નું બોર્ડ મહિનાઓ સુધી ઉતર્યું નહોતું. ત્યાં એ બોર્ડને બરોબર અઢેલીને સાધારણ શ્યામળી પણ માનવામાં ન આવે એવી સુંદર છોકરી ઊભી હતી. મારા નિર્ણયો ઝડપી બહુ, એટલે ત્યાં ને ત્યાં જ કાળુડી સાથે ચક્ષુવિવાહ તો કરી નાંખ્યા, પણ એ વન-સાઇડેડ હતા... હજી એને એના લગ્નની કંકોત્રી અમારા તરફથી આપવાની બાકી હતી. અને મારા જેવા તો બીજા અનેકો હતા, એ સાલા જાણે ફિલ્મ જોવા ન આવ્યા હોય, એવી કુદ્રષ્ટિથી શ્યામળી સામે ટગરટગર જોયે રાખતા, કોઈકે તો આગળ આવવું પડશે, એ ધોરણે મેં જ ઈનિશિયેટિવ લેવાનું નક્કી કર્યું. એ જમાનો એવો હતો કે, 'એક્સ્ટ્રા  ટિકીટ છે..?' એવું જે ઊભું હોય એને દયામણે અથવા યાચક મોંઢે પૂછવું પડતું.

પેલી શ્યામળીને જોયા પછી મને રાજેશ ખન્ના, શર્મીલા કે આરાધના-ફારાધનામાં કોઈ રસ નહોતો. ગમે તેમ કરીને એને તમારી ભાભી બનાવવી, એ મનસૂબો હતો. મારી મદદે એક ભિખારણ છોકરી આવી, રડતા ચેહરે હાથ લંબાવીને પાંચ-દસ પૈસા માંગતી હતી. (...ઓ મિસ્ટર દવે, આવામાં તો લોકો રડતા ચેહરે જ ભીખ માંગે, ''ઓ હાય હેન્ડસમ... જરા રૂપિયો-બે રૂપિયા આવવા દેજો ને!'' એવી સ્ટાઈલમાં ન માંગે.)

પેલી ભિખારણ છોકરીએ તો મેં શીખવેલું એમ જ કર્યું, 'સેઠે કીધું છે કે, દસ પૈસા આપો!'

''ક્યા સેઠ, વળી...?'' શ્યામળીના હાવભાવ પરથી આવું કાંઈ પૂછ્યું હશે, એવું માનું છું. પેલીએ મને બતાવ્યો, એમાં ગુસ્સાથી લાલઘુમ્મ થઈ જવાને બદલે એ તો મારી સામે જોઈને ફાટફાટ હસી પડી.

નસીબ લઈને આવી હશે કે, આ ઘટના પછી પ્રેમમાં તો પડી, પણ લગ્ન કરતા પહેલા એનામાં અક્કલ આવી ગઈ હતી! અને અમારા ફૅમિલીનો મંગળસૂત્ર બનાવવાનો ખર્ચો બચી ગયો હતો !

બસ. એટલે 'આરાધના' યાદ રહી ગયું હતું.

'આરાધના' વખતે તો ફિલ્મની સાલ ૧૯૬૯-ની હતી, પણ ઠેઠ ૧૯૩૧-ની ચાલી આવતી હિંદી ફિલ્મઈન્ડસ્ટ્રીમાં એક આ ફિલ્મને કારણે ફિલ્મોની આખી રૂખ બદલાઈ ગઈ. આજ સુધી દેવ આનંદ, રાજેન્દ્ર કુમાર કે (ભા.ભૂ. એટલે કે) ભારત ભૂષણ છાપના હીરોલોગ ચાલતા હતા. ખન્નામાં પ્રેક્ષકોએ નવું શું જોયું, તેની તો આ જ સુધી ખબર પડી નથી, પણ એક વાત ચોક્કસ બની કે, ખન્ના મેનરિઝમ્સ (જેને ખાડીયાની ભાષામાં, 'સ્ટાઈલો મારવી' કહે છે!) ઑવરએક્ટિંગ, દેશભરના દરજીઓના ભેજામાં ય ન ઉતરે, એવી એના કપડાંની ડીઝાઈનો પ્રેક્ષકોને ગમવા લાગ્યા. સારો દિગ્દર્શક મળે તો બેશક રાજેશ ખન્ના ઉત્તમ કલાકાર હતો (ઉદા. ફિલ્મ 'ઈત્તેફાક, આરાધના, અમર પ્રેમ, માલિક, સફર વગેરે) બાકી તો હાસ્યાસ્પદ લાગવાની હદો સુધી એ પરદા ઉપર નખરા કરતો, ખન્નાના આવતાની સાથે હિંદી ફિલ્મોમાં આવતી ફાઈટિંગ બંધ થવા માંડી.

ખન્નાને કારણે ભારતભરમાં મશહૂર બે ચીજો થઈ. એક તો એના ગુરૂ-શર્ટ (એજ જેમ 'મોદી-કૂર્તા'ની ફેશન ચાલી છે. ગુરૂશર્ટમાં સ્લીવ્ઝ (બાંયો) આખી, પણ નીચે લેંઘો પહેરવો જરૂરી નહિ... પેન્ટ આવવા માંડયું. બીજી પુરૂષોને માથે વિચિત્ર અને હાસ્યાસ્પદ લાગે એવી કપાળ ઉપરથી પાંથી પાડીને સહેજ સ્તૈર્ણ્ય લાગે એવી એની હેર-સ્ટાઈલ આશ્ચર્યજનક રીતે લોકોને ખૂબ ગમવા માંડી.

હેમા-શમ્મી કપૂરવાળી ફિલ્મ 'અંદાજ'માં એનો નાક ઉપર ઉતારીને ગોગલ્સ પહેરેલો ફોટો મશહૂર થયો કે, શહેરના સ્ટુડિયે-સ્ટુડિયે છોકરાઓ એવા ફોટા પડાવવા જતા. આમ જન્મે અનાથ પણ ચુનીલાલ ખન્નાએ દત્તક લીધેલા આ પુત્ર 'જતિન'નું નામ 'રાજેશ' કદાચ એણે પોતે જ કર્યું હતું, કારણ કે, એ જમાનામાં બીજો ઍક્ટર 'જતિન ખન્ના' હતો.

'યુનાઈટેડ પ્રોડયુસર્સ'ની સ્થાપના હિંદી ફિલ્મોના એવા પ્રોડયુસરોએ કરી હતી જે લોકો નવા હીરો-હીરોઈનોને ચાન્સ આપીને એવો કોન્ટ્રેક્ટ કરાવી લેતા કે, જીવનભર પેલો જેટલું કમાય, એ બધું આ નિર્માતાઓ પાસે જાય ને હીરો કો હીરોઈનને તો એમાંથી શ્રીનાથજીના પ્રસાદ જેટલું ય માંડ મળે. આ ટોળકીમાં બી.આર. ચોપરા, સુબોધ મુખર્જી, નાસિર હૂસને, શક્તિ સામંત, જી.પી. સિપ્પી, એફ.સી. મેહરા, યશ ચોપરા, મોહન સેહગલ, મુશિર-રિયાઝ અને પ્રમોદ ચક્રવર્તી ઉપરાંત અત્યારે બીજા યાદ નથી આવતા, એ નિર્માતાઓ હતા.

નવા હીરોને ગરજ હોય એટલે જ્યાં કહો ત્યાં સાઇન કરી આપે, એમાં રાજેશ ખન્ના ભરાઈ ગયો. એને તો શું, દુનિયામાં કોઈને ખબર નહોતી કે, એ આટલો તોતિંગ સફળ થવાનો છે. ખન્નાની કોઈ એક સાથે ૧૫-૧૬ ફિલ્મો સુપરહિટ ગઈ અને 'સિલ્વર જ્યુબિલી' થઈ એમાંની મોટા ભાગની કમાણી આ લોકો લઈ ગયા. ક્યારેક સફળતાની ખુશીની પાર્ટીમાં આ બધાઓ ખન્નાના વખાણે ચડયા, ત્યારે ખન્નાએ હાથ જોડીને બધાને વિનંતી કરી કે, ''મારે બીજું કાંઈ જોઈતું નથી... મને બસ, આ કોન્ટ્રેક્ટમાંથી છુટો કરો, તો મેહરબાની!'' એનું નસીબ વળી સારું હશે કે, આ લોકો માની ગયા અને ખન્નો છુટો થયો... એ વાત જુદી છે કે, એક વાર બળદ ખીલ્લેથી છુટયો, પછી એના માલિક ખેડૂતની જે હવા બગાડી નાંખે, એમ ખન્નાએ પણ એ બધાની ફિલ્મોમાં ઈવન શર્મનાક નખરા કરી કરીને પૂરા હેરાન કર્યા હતા... 'ગીન ગીન કે બદલા લિયા થા...!' આખી ફિલ્મના પૂરા શૂટિંગમાં માની લો કે, એક જ દિવસ ખન્નો ન આવે, તો લાખોનું નુકસાન થાય, એવા નુકસાનો એ કરાવી શકતો.

ખન્ના ઘણો સારો (અને બૉક્સ-ઓફિસ પર સફળ પણ!) એક્ટર હોવા છતાં અપમાનિત થઈને ફેંકાઈ ગયો, એના અનેક કારણોમાંનું એક તો અમિતાભ બચ્ચનની એન્ટ્રી, આ ભ'ઈનો અત્યંત તોછડો અને અભિમાની સ્વભાવ, સુજીત કુમાર (જે 'મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ') ગીતમાં ખન્નાની જીપ ચલાવે છે, વી.કે. શર્મા અને ગુરનામસિંઘ (બન્ને ખન્નાના દોસ્ત અને પર્સનલ સેક્રેટરી), જેમાંનો ગુરનામ આ ફિલ્મની શરૂઆતમાં સુતેલા ખન્નાને ચા આપવા આવે છે અને ફિલ્મ 'આનંદ'માં 'મુરારીલાલ'નો પહેલો ધબ્બો ખાય છે તે ગુરનામ), રૂપેશ કુમાર અને સત્યેન કપ્પૂ જેવા ચમચાઓએ ખન્નાને નિયમિતપણે અમિતાભ વિરુધ્ધ બહેકાવીને દુશ્મન બનાવી દીધો. આ લોકો જે રીપોર્ટ આપતા, તે બધા ખન્નો સાચા માની લેતો, એમાં પરોવાઈ ગયો.

એક શુધ્ધ નવાઈ ચોક્કસ લાગે કે, જીવનભર ગુંડા-મવાલીઓની સ્ટન્ટ અને એ વખતના 'અન્ડરવર્લ્ડ'ની જ ફિલ્મો બનાવતા નિર્માદા-દિગ્દર્શક શક્તિ સામંતમાં આવી સુંદર ફિલ્મ બનાવવાનું સૂઝ્યું કેવી રીતે? મોટા ભાગે અશોક કુમારને અન્ડરવર્લ્ડનો કિંગ બનાવીને બનતી '૫૦-ના દશકની શક્તિ દા ની ફિલ્મોમાં ક્યાંય કશો શકરવાર નહતો ને અચાનક 'આરાધના' જેવી અદ્ભુત ફિલ્મ પછી તો લગભગ બધી એવી જ સુંદર ફિલ્મો બનાવવા માંડી.

યસ. ગુજરાતીઓએ શરમાવવા જેવી વાત એ છે કે, મરાઠીઓ તો બેશક પ્રાંતવાદી હોવાનું ગર્વ અનુભવે છે અને પંજાબીઓએ તો સાબિત પણ કરી આપ્યું હતું કે, હિંદી ફિલ્મો એટલે પંજાબ. પણ બંગાળીઓ ય સહેજે ઓછા પ્રાંતવાદી નહોતા. બિમલ રૉય હોય કે ઋષિકેશ મુકર્જી, એમની ફિલ્મો બંગાળીઓથી ભરચક હોય. ન મળે તો બીજા રાજ્યોના કલાકારો લેવાય જેમ કે, આ ફિલ્મ 'આરાધના'માં હીરોઈન શર્મીલા ટાગોર, અભિ ભટ્ટાચાર્ય, અનિતા ગૂહા, અશોક કુમાર 'ગંગોલી' (આપણે જીવનભર સૌરવથી માંડીને કિશોર-બધાને ગાંગુલી બોલાવતા રહ્યાપણ આ ફિલ્મમાં અશોક કુમાર પોતે પોતાની અટક 'ગાંગુલી'ને બદલે 'ગંગોલી' કરે છે...! શું કરવું, બોલો?) સુબ્રોતો કુમાર, અસિત સેન, પહાડી સાન્યાલ (જેની દીકરી લુકુ સાન્યાલ મુંબઈમાં પહેલી વાર 'દૂરદર્શન' શરૂ થયું, ત્યારે ન્યુસ-રીડર હતી અને ભવ્ય સુંદરતાને કારણે ઘણી લોકપ્રિય હતી.) આ પહાડી કલકત્તાની ન્યુ થીયેટર્સની ઘણી ફિલ્મોનો હીરો પણ હતો. શક્તિ સામંત દાસગુપ્તા, વાર્તા લેખક સચિન ભૌમિક (જેણે કેમેરામેન આલોક શમ્મી કપૂરવાળી ફિલ્મ 'પ્રોફેસર'ની હીરોઇન કલ્પના સાથે લગ્ન કરી છૂટાછેડા લીધા હતા.

ગતાંકથી નહિ પણ ગતફકરાથી ચાલુ કરીએ તો હિંદી ફિલ્મોના આખા જન્માક્ષર બદલી નાંખવામાં (અથવા તો મુહમ્મદ રફીની બાદબાકી કરાવવામાં) 'આરાધના'ના સંગીતકાર દાદા બર્મનની બિમારી ય કારણભૂત બની.

રાહુલ એટલે કે 'પંચમ'ને ખ્યાલ આવી ગયો હતો કે, રફીનો જમાનો બહુ લાંબો ચાલે એમ નથી અને હવે કિશોર જ્યારે બીજા હીરોને પણ પ્લેબેક આપતા તૈયાર થયો જ છે તો શા માટે કિશોરને જ ન લેવો? પથારીવશ દાદાની પરવાનગી લીધા વિના પંચમે કિશોરના ત્રણ ગીતો રેકોર્ડ કરાવી લીધા (રૂપ તેરા મસ્તાના... મેરે સપનોં કી રાની કબ... અને કોરા કાગઝ થા યે મન મેરા...') એમાં બાપ-દીકરા વચ્ચે ઝગડો ય મોટો થયો. પણ એ વાતે વાત શાંત પડી કે, અમથા ય રફીના બે ગીતો તો ફિલ્મમાં લીધા જ છે ને? પછી શેનો કકળાટ?

આપણી આજ સુધીની તમામ હિંદી ફિલ્મોમાં વણલખ્યો નિયમ છે કે, હીરો એરફોર્સનો પાયલટ હોય એટલે લગ્ન પહેલા હીરોઇન રાંડવાની જ છે! કોઈ હીરોને રેલ્વેનો એન્જીન-ડ્રાયવર એકે ય ફિલ્મમાં બતાવ્યો? આમાં ય એવું થાય છે. પહાડના પ્રદેશોમાં રહેતા વૃધ્ધ અને વિધૂર ડૉક્ટર (પહાડી સાન્યાલ) અને તેમની દીકરી વંદના (શર્મીલા) એરફોર્સના પાયલટ રાજેશ ખન્નાના પરિચયમાં આવે છે. રીઝલ્ટ જાણીતું છે. બન્ને એકબીજાને મળે ત્યારે રાત અંધારી ને બહાર વરસાદ હોય એટલે મહીં જે થવું ન જોઈએ, એ બધું થાય જ... અને પેલીના પેટમાં નવો હીરો તૈયાર થતો હોય એ પહેલા હીરો વિમાન-અકસ્માતમાં મરી જાય. લોકલાજથી ડરીને કે, ''ઈસ બચ્ચે કા બાપ કૌન હૈ?''ની બબાલમાં પડવાને બદલે શર્મીલા બાળકને જન્મ આપે છે અને અનાથાશ્રમમાં રાત્રે મૂકી આવે છે, જેથી સવારે ૯ વાગે અનાથાશ્રમ ખુલે, એ પહેલા આવીને એને દત્તક લઈ લેવાય, પણ એ વહેલી સવારે પહોંચે, એ પહેલા અભિ ભટ્ટાચાર્ય પહોંચી જાય છે અને સંચાલક કાકા (ઉમા દત્ત)ને રીક્વેસ્ટ કરે છે કે, મારી વાઇફને ત્રીજી વાર મરેલું બાળક જન્મ્યું છે.

આ વખતે એને ખબર પડી જશે, તો આઘાતથી જ એ મરી જશે, માટે રાત્રે શર્મીલા પોતાના જે બાળકને દત્તક લેવા મૂકી ગઈ હતી, તે અભિ લઈ જાય છે. શર્મીલા રોતી-કકળતી અભિના ઘેર જાય છે, બધી પેટછુટી વાત કરે છે, જે અભિ માને તો છે પણ, શર્મીલાને એના ઘેર જ રહી જવાની રેક્વેસ્ટ કરે છે, જેથી બાળક મોભાપૂર્વક થાય, એને બે મા મળે અને ત્રીજું શર્મીલાને દરદર ભટકવું ન પડે. મરવાનું નક્કી જ હોય, એમ શર્મીલાને પ્રસૂતા બનાવી લીધા પછી ખન્નો વચન માંગી લે છે કે, 'તું એને પાયલટ બનાવીશ જ!' (એ જ વખતે, દુનિયાભરના ગાયનેક ડૉક્ટરો પહેલા આપણને ખ્યાલ આવી જાય છે કે, આ છોકરીને હવે બાબો જ આવવાનો છે, બેબી નહિ!)

હવે આટલું મોટું કમઠાણ કરી લીધા પછી 'ખન્નો-પાર્ટ-ટુ' પાયલટ ન બને અને આધાર-કાર્ડ યોજનાનો એક સામાન્ય ડેઈલી-વેજીસ પગારદાર બને, તો પ્રેક્ષકો શક્તિ સામંતને મારે! 'અહીં આટલે દૂર અમે ચોથા વર્ગના કર્મચારીના સપનાની ફિલ્મો જોવા થોડા લાંબા થયા છીએ...?' દરમ્યાનમાં ખન્નો-૨ નાનો હોય છે, ત્યારે અભિ ભટ્ટાચાર્યની પત્ની અનિતા ગૂહાના ભાઈ (વિલન મનમોહન) શર્મીલા ઉપર બળાત્કાર કરવા જાય છે, એ ગૂન્હા બદલ નાનો ખન્નો એના આ સગા મામાની પીઠમાં ખંજરના ઘા ભોંકી ભોંકીને મારી નાંખે છે. માયાળુ મમ્મી દીકરાને સમજાવી દે છે કે, કોઈ પૂછે તો તારે કશું બોલવાનું નથી. શર્મીલા પોતે ગૂન્હો કબૂલીને ૧૪-વર્ષની જેલમાં જાય છે. નિવૃત્ત થતા જેલર (મદન પુરી)ને સરકાર અને ભગવાને પેન્શન, રહેવાનો બંગલો, એક દીકરી (ફરિદા જલાલ) અને આ જમાનામાં તો કોઈને મળે ય નહિ, એવો કાયમી નોકર આપ્યો હોય છે, પણ સગી કે નોન-સગી બહેન આપી હોતી નથી, એટલે જેલર મદન પુરી શર્મીલાને જ બહેન બનાવીને પોતાના ઘેર લઈ જાય છે. (મદન પુરી કેટલો સુધર્યો કહેવાય! નહિ તો આપણે તો મદન પુરીને વર્ષોથી નથી ઓળખતા? આવા માણસ ઉપર વિશ્વાસ મૂકાય, '?) આ દીકરી ફરિદા એરફોર્સના પાયલટ ખન્ના પાર્ટ-ટુના પ્રેમમાં હોય છે. છેવટે બધા રાઝો ખુલી જતા ૧૮-રીલની લાંબી છતાં ખૂબ સંવેદનશીલ આ સુંદર ફિલ્મનો અંત આવે છે.

ઘણાની માન્યતા મુજબ, આ ફિલ્મનો વિલન મનમોહન ગુજરાતી નહતો, જમશેદપુરનો હતો. ફિલ્મ 'બોલ રાધા બોલ', 'લાડલા', 'દીવાનગી' અને 'ભૂત' ફિલ્મો બનાવનાર નીતિન મનમોહન એનો દીકરો થાય. (મને ય ડાઉટ તો પહેલેથી હતો જ કે, 'મનમોહન' જેવું નબળું નામ ધરાવનારો ગુજરાતી તો ન જ હોય... સુઉં કિયો છો?)