Search This Blog

30/04/2014

ન્યુયોર્કના એરપોર્ટ પર...

ન્યુયોર્કના એરપોર્ટ પર આખી દુનિયા મને મળવા આવી હોય એવું લાગ્યું. એમ પાછી આપણી એવી પોપ્યુલરિટી ખરી... ધોળીયા, કાળીયા, મૅક્સિકન, ચીનાઓ, જાપલાઓ, સ્પેનિયાડો... જેના ઉપર નજર પડે, એ ચોખ્ખું સ્માઇલ તો આપે જ. બોલે ય ખરા, 'ઓ હાય...' (યસ... સુંદર સ્ત્રીઓ પણ ! આપણે એ લોકોને જે કાંઈ માનતા હોઈએ... એ અબલાઓ આપણે એમના અનાથ બાળકો ગણીને સ્માઇલ આપે ! હું તો સાઇડ-ફેસથી અનાથ બાળક જેવો લાગુ ય ખરો !) બસ... આપણા ઈન્ડિયનો આપણને જોઈને મોંઢાં ફેરવી લે. કારણ એટલું જ કે, ઈન્ડિયનોને ખબર પડે ખરી કે, કોને સ્માઇલો આલવામાં નકરૂં નુકસાન જ છે !

પણ બધી પબ્લિકમાં તરત ''જણાઈ આવે'' કાળીયાઓ. રામ જાણે કઈ ચક્કીના આટા એમની માવરોએ ખવડાયા હશે કે, કિચનના પ્લેટફોર્મના કાળા પથ્થરો આમના કરતા વધારે રૂપાળા લાગે. એમની હેરસ્ટાઇલ જોઈને પહેલો સવાલ એ થાય કે, છેલ્લે છેલ્લે બીજી વર્લ્ડ-વોર થઈ ત્યારે આ લોકો નહાયા હશે, એ પછી માથાની તત્તણ-ચચ્ચાર હજાર ચોટલીઓ ધોતા સુધીમાં બીજી ૩-૪ વર્લ્ડ વોરો ફાટી નીકળે. એક ચોટલીને છુટી પાડવા માટે બબ્બે મજૂરો રાખવા પડે, એટલે આવા ચોટલા વાળ્યા પછી પાંચ-છ મહિના સુધી છોડવાની તો શક્યતા ન હોય !

ઈમિગ્રેશન માટે ૬૦-કાઉન્ટરો અને એટલી ભીડમાં ય નંબર તરત આવી ગયો. આ મારી પ્રકૃતિ છે. કોઈ ગુન્હો કર્યો ન હોય, છતાં સામે પોલીસવાળાને જોઉં, એટલે ફફડવા માંડું છું. ગુન્હો કરવાની મારામાં ત્રેવડ નથી. ઈન્ડિયાથી બેગમાં હું ચરસ-ગાંજો તો ઠીક, વાઇફે ૪૦-વર્ષ પહેલા મને લખેલા ગાંજાબ્રાન્ડના પ્રેમપત્રો ય લેતો આવ્યો નહતો. કહે છે કે, ઍરક્રાફ્ટમાં સ્ફોટક પદાર્થો ન લઈ જવાય. ઈમિગ્રેશન-કાઉન્ટર પર ચીનો બેઠો હતો. મને જોઈને સ્માઇલ આપ્યું. આપણું ય મન મોટું. '૬૨-માં ચીને આપણી ઉપર આક્રમણ કર્યું હતું ને સાલાઓ હજી કરે જાય છે, તો ય મેં સ્માઈલ આપ્યું, ''જા ભ', વાપર... ! અહીં અમેરિકામાં મારા સ્માઇલની કોઈ કિંમત નહિ હોય... બાકી ઈન્ડિયામાં આ જ સ્માઈલ લાખ રૂપિયે સેન્ટીમીટરના ભાવે વેચાય છે.''

હું છું જ, છતાં એને હું સજ્જન લાગ્યો હોઈશ, એટલે મને કાંઈ પણ પૂછ્યા-બુછ્યા વિના જવા દીધો. એટલું પૂછ્યું, ''કેમ આવ્યા છો ?'' મેં કીધું, ''બસ, આમ જ ! મૂળ તો હિમાલય સાધુ બનવા જતો'તો... એમાં આ તો આ બાજુથી નીકળ્યો'તો... તો મેં' કુ...લાય એક ચક્કર અહીં ય મારતો જઉં !'' અલબત્ત, આવું મેં મનમાં કીધું... કોઈની સાથે બોલીને સંબંધ બગાડવાની આપણને હૉબી નહિ !

હું જ્યાં જઉં, ત્યાં લોચા મારવા મારી પ્રકૃતિનો એક ભાગ થઈ ગયો છે. (આવા લખ્ખણને કારણે મારા લગ્ન થયેલા !) મારો લગેજ આવતો નહતો. કન્વેયર-બૅલ્ટના બે-ત્રણ ચકરડા ફરી ગયા, છતાં મારો લગેજ આવ્યો નહિ ને હું માલિકીભાવમાં માનતો નથી, એટલે મારો જ સામાન ઘેર લઈ જવો, એવા હઠાગ્રહને બદલે, જે કોઈ બેગ હાથમાં આવે, એ લઇ લેવી, એવું માનું. સ્વામીજીએ કીધું છે કે, 'વિશ્વની હરએક ચીજને આપણી સમજીને વાપરો... જગતમાં આપણું કશું નથી, તેમ બીજાનું ય કશું નથી.' (તાર્કિક સમજ નં. ૧ : સ્વામીજી એટલે આપણા પૂજનીય અને પ્રાતઃસ્મરણીય 'સ્વામી અશોકાનંદજી.' ... તાર્કિક સમજ નં. ૨ સ્વામીજીના ઉપરોક્ત ઉપદેશમાં ''હર એક ચીજ''માં પારકી સ્ત્રીઓનો સમાવેશ થતો નથી... બન્ને તાર્કિક સમજો પૂરી : કોઈ પંખો ચાલુ કરો.) ત્યાં તો એક ધોળી આવી. અમે બન્ને સગા ભાઈ-બેન થતા હોઈએ, એવા સ્માઇલ સાથે મને કહ્યું, ''આઈ એમ સોરી, ડીયર... ધીસ ઇસ માય બૅગ... !'' તારી ભલી થાય ચમની... એક બાજુ મને 'ડીયર' કહે છે ને બીજી બાજુ મારા-તારાના ભેદભાવો રાખે છે ?

ઓકે. એક વાતની ખાત્રી તો થઈ કે, એ ધોળી અને મારા વિચારો બચપનથી બહુ મળતા આવતા હતા... મારી બૅગ પણ એની બેગ જેવા રંગેરૂપે હતી. બૅગો બદલાઈ ગઈ હોત તો ફાયદામાં એ હોત... મારી બૅગમાં છ-છ જોડી લેંઘા અને સદરા હતા. એના ગોરધનને આવનારા અઢાર મહિના સુધી નવો લેંઘો લેવો પડયો ન હોત... આ તો એક વાત થાય છે.

ઉતરતા વ્હેંત મને ખબર તો પડી ગઈ કે, અમેરિકા મારા પૈસે તાગડધિન્ના કરવા માંગે છે, કારણ કે આપણા દેશના કે કોઈ પણ દેશના એરપોર્ટ પર સામાન લઈ જવાની ટ્રોલીના પૈસા ચૂકવવા પડતા નથી. અહીં તો પાંચ ડોલરની નોટ નાંખો, તો જ ટ્રોલી મળે. આપણે તો સીધા સાઇઠે જ ગુણવાના ને ? ત્રણસો રૂપિયામાં તો હું મારા ઘરના કામો ય કરતો નથી, પણ અહીં આપવા પડયા.

''કહાં સે હો ?... યુ.પી. સે યા બિહાર સે... ?'' એરપોર્ટ પર બે જુવાન છોકરાઓને ઝાડુ-પોતા મારતા હિંદીમાં વાત કરતા જોઈને મેં પૂછ્યું.

''નહિ સા'બ... હમ પાકિસ્તાન સે હૈં... આપ તો ઈન્ડિયા સે હૈં, ના ?''

મારે લોકલ ફોન કરવો હતો. લોકલ-ફોન કરવા ર્ક્વાર્ટર (એક ડોલરનો ચોથો ભાગ) સિક્કો જોઈએ. એ મળતો નહતો. પેલા બન્નેમાંથી એક જણ દોડતો જઈને મારા માટે ર્ક્વાર્ટર લઈ આવ્યો. એક પાકિસ્તાની હોવા છતાં ઈન્ડિયન માટે આવો સદભાવ જોઈને, મેં એના હાથમાં એક ડૉલર મૂક્યો. એ પાકિસ્તાનીએ ઝાડુ ચાલુ રાખતા સહેજ શરમાઈને મને કહ્યું, ''ક્યા સા'બ... આપ સે હમ પૈસા લેંગે ? ઇન્ડિયા-પાકિસ્તાનવાલે તો ભાઈ-ભાઈ હોતે હૈં...''

શું જવાબ આપું ? બદલામાં થોડી વાર એના બદલે ઝાડુ હું મારી આપું, એવી ઑફર મૂકવાની જીગર પણ ન ચાલી.

પહેલી વાર અમેરિકા આવ્યો હતો. આજુબાજુથી હડફડ-હડફડ પસાર થતા ધોળીયા, કાળીયા, ચીના કે જાપલાઓમાં એક માત્ર કાળીયાઓ સામે હું રૂપાળો લાગતો હતો, બાકી પેલાઓની સ્કીન જોયા પછી ત્યાં જ નિર્ણય લઈ લીધો કે, આવતા જન્મે ભલે જન્મવું ઈન્ડિયામાં, પણ વાઇફો તો આ બધા દેશોમાંથી જ એક એક ઉપાડી લાવવી. પોણા છ ફૂટ લાંબો તો હું ય છું, પણ છ-સવા છ-છ ફૂટની ધોળીઓને જોયા પછી વિચારો તો એવા ય આવ્યા કે, આપણે બચી ગયા. હાળું કાંઈ પણ કરવું હોય તો પેલીની બાજુમાં લાકડાનું સ્ટૂલ મૂકીને ઊભા રહેવું પડે. ઘરમાં જે કાંઈ માલ પડયો છે, એનાથી સંતોષ રાખો. નહિ તો આપણે પરદેશ છીએ ને દેશમાં બીજો કોઈ સ્ટૂલવાળો મળી જશે તો વાઈફ અમદાવાદના એરપોર્ટ પર લેવા ય નહિ આવે.

ન્યુ યોર્કના જહૉન એફ. કૅનેડી એરપોર્ટ પર મને લેવા બરાક ઓબામા આવ્યા નહોતા. સાલો આપણા ઈન્ડિયા અને અમેરિકાના સંસ્કારો વચ્ચે આટલો ફરક. આપણે તો પરદેશથી કોઈ બી આવ્યું હોય, લેવા જઈએ જ... અરે, જેને લેવા આવ્યા હોઈએ, એ ન આવ્યું હોય કે આપણને મોડું થતું હોય, તો પછી તો જે સામું મળે, એને ય એક વખત તો ઘેર લેતા જઈએ, પણ ઓબામાની બાએ આવું કાંઈ નહિ શીખવાડયું હોય... ભલે ઈન્ડિયામાં બેઠેલી આપણી બા ખીજાય ! ભ', સંબંધ તો વધારવાથી વધે... આપણે એના સારા ગુણો જોવાના. મને લેવા અશોક-ચેતના પંચોલી આવ્યા હતા, તે એ લોકો ય રાહુલ ગાંધીને લેવા આવ્યા હોય, એવા ખુશ થઈને મને એમના ઘેર લઈ ગયા.

મારે લોંગ આયલૅન્ડ જવાનું હતું. અમેરિકાના શહેરો-ટાઉનોના નામો નાગરોએ પાડયા હોય એવા મનોહર-મનોહર છે. ક્નેક્ટિકટ, સીનસીનાટી, સિયાટલ, મૅસેચ્યૂસેટ્સ... બીજી બાજુ આપણે ત્યાં ગારીયાધાર, જોરાજીના મુવાડા, ધોળકા, ધંધૂકા ને ધ્રાંગધ્રા... (સાલું વાઇફ ૬૦-ની થઈ... હજી સુધી એક હપ્તામાં આખું 'ધ્રાંગધ્રા' બોલી શકતી નથી. પહેલા એક-બે વખત 'ધ્રાંગ... ધ્રાંગ' બોલીને પાછળથી '...ગધ્રા' જોડી નાંખે છે. જો કે, અહીં અમેરિકાના આપણા દેસીઓએ ધોળીયાઓ સામે પૂરો બદલો લીધો છે. બ્રિટિશરોએ આપણા ભરૂચનું 'બ્રોચ', મુંબઈનું 'બોમ્બે' કે વડોદરાનું 'બરોડા' કરી નાંખેલું, તો વળતા હૂમલા તરીકે અહીંના દેસીઓએ 'મૅસેચ્યૂસેટ્સનું માસા... ચૂસો... માસા ચૂસો' અને શિકાગોનું 'ચિકોગા' કરી નાંખ્યું છે. એક જ દુઃખ થાય કે, અહીંના મૂકેશો 'મૅક્સ' અને સુરેશો 'સૅક્સ' થઈ ગયા છે, પણ અહીંના શહેર 'બફેલો'નું 'બળધીયો' કે સ્ટુઅર્ટનું 'સેવંતીલાલ' કરી શક્યા નથી.

સિક્સર
- મૅનહૅટનના ૧૦૨-માળ ઊંચા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ નીચે ફૂટપાથ પર મારાથી સિગારેટ હાથમાંથી પડી ગઈ. એક પોલીસ-ઓફિસરે તરત સિગારેટ લઈને સ્માઈલ સાથે ટ્રેશ-બિન (કચરો નાંખવાનો ડબ્બો)માં નાંખી દીધી. મારી સામે નફરતથી પણ ન જોયું.

- સૂચના : ગુજરાતના કોઈપણ પોલીસે આ સિક્સર વાંચવી નહિ... બા ખીજાશે.

27/04/2014

એન્કાઉન્ટર 27-04-2014

* સારી નોકરી માટે સારૂં ભણતર જરૂરી, પણ રાજકારણ માટે અક્ષરજ્ઞાન પણ નહિ ?
- ડૉ. મનમોહનસિંઘ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ શૈક્ષણિક ડીગ્રીઓ ધરાવવાનો વર્લ્ડ-રૅકૉર્ડ ધરાવે છે, પણ કામ કરે છે સોનિયાજીના હાથ નીચે...! કંઇ સમજાયું?
(નિમેષ પારેખ, અમરેલી)

* મોદી દિલ્હી જાય તો પછી ગુજરાતનું કોણ ?
- ભ'ઇ હું તો કેટલી જગ્યાએ પહોંચી વળું...? અહીં આવ્યા પછી મને ઓબામા અમેરિકાનું ધ્યાન રાખવાનું કહે છે.
(સોહેલ ઘોઘારી, ભાવનગર)

* હું તો ભાવનાનો ભૂખ્યો છું... તમે ?
- બેહો ને છાનામાના ! .... ભાવનાનો ગોરધન તમારા હોંથા કાઢી નાંખશે !
(કાર્તિક શાહ, ન્યુ જર્સી)

* ઇલૅકશનના આવા તોફાની માહૌલમાં તમે તો અહીં નથી. તમારો કિંમતી વૉટ તો ગયો ને ?
- યસ. એક વૉટથી પણ તખ્ત-ઓ-તાજ બદલી શકાય છે....કમનસીબે, ઇલેકશન કોઇ મૅરેજ નથી કે, આપણા બદલે બીજાને કરી આવવાનું કહી શકાય !
(કિશોરી પી. મેહતા, સુરત)

* આ વખતના ચૂંટણી પરિણામો વખતનું વાતાવરણ ધમધોકાર હશે. દેશ આખો રૉડ પર આવીને એક એક સીટના વિજયનો જયજયકાર કરશે... બોલો, ભારત માતા કી જય. તમે સુઉં કિયો છો ?
- બસ. આ વખતે સૌથી વધુ ખુશ ભારત માતા થવાના છે.
(તુષાર પટેલ, અમદાવાદ)

* અશોકજી, તમે ગઝલ-કવિતા કેમ લખતા નથી ?
- હું બિલ્ડિંગો બનાવું છું... તાજ મહલ નહિ !
(કેશવી મયંક શાહ, ઍટલાન્ટા)

* કોઇ સુંદર ગર્લફ્રેન્ડને કૉફી પીવડાવવા હોટેલમાં લઇ ગયા પછી બિલ એ ચૂકવે, એનો કોઇ ઉપાય ?
- તારી ભલી થાય ચમના...! બિલ હું ચૂકવી દઇશ... તું હૉટેલની બહાર બેઠો રહેજે...!
(ચિન્મય ધવલરાય મેહતા, મુંબઈ)

* આપણે ત્યાં ટ્રાફિક-સૅન્સ ક્યારે આવશે ?
- આપણા દેશના ટ્રાફિકને 'સૅન્સ' સાથે શું લેવા-દેવા ?
(જીગર પટેલ, અમદાવાદ)

* હવે તમે ઇન્ટરનૅટ પર સવાલો મંગાવવાનું શરૂ કર્યું... અમે પોસ્ટકાર્ડમાં પૂછેલા સવાલોનું શું ?
- હું ભારત પાછો આવું, પછી જૂનાં પોસ્ટકાર્ડ્સના સવાલોને પણ ધ્યાનમાં લેવાશે. પણ હવે પછી પૉસ્ટકાર્ડના સવાલો ધ્યાનમાં લેવાશે નહિ.
(સંજય સી. શાહ, અમદાવાદ)

* કોઇ છોકરીનો રૂમાલ પડી જાય તો ઉચકીને પાછો આપવા છતાં એ ખુશ નથી થતી.... કોઇ ઉપાય ?
- ઉંચકવાની છોકરીને હોય, રૂમાલ નહિ !
(જતીન કે. શાહ, અમદાવાદ)

* હવે બાગબગીચામાં પ્રેમિકાને લઇ જવાનો જમાનો ગયો... કેમ ?
- એનું નામ સાવિત્રી, કુસુમ, કવિતા કે જયાલક્ષ્મી હોય તો કદાચ આવે ય ખરી!
(જે.બી. શાહ, વડોદરા)

* સાંભળ્યું છે, તમે મોટા અંબાજીના પરમ ભક્ત છો ?
- સાચું સાંભળ્યું છે. સાયન્સના આ જમાનામાં પણ માની ન શકાય, એવા ચમત્કારો મેં એમના આશીર્વાદથી પ્રત્યક્ષ અનુભવ્યા છે. મંદિરનો વહિવટ પણ હવે ખૂબ સારો થાય છે.
(નમિતા, વી. દેસાઈ, વલસાડ)

* રાજ કપૂરની ફિલ્મ 'સંગમ'માં તમે રાજેન્દ્ર કુમારની જગ્યાએ હોત તો આવું બલિદાન આપત ?
- મને નિષ્ફળ જવાની આદત નથી.
(રંજન શેઠ, જામનગર)

* કોંગ્રેસે હજી સુધી એના વડાપ્રધાનપદનો ઉમેદવાર કેમ જાહેર કર્યો નથી ?
- હાલત એવી છે બદનસીબોની કે, હવે પછી તો ગ્રામપંચાયતની ચૂંટણીમાં ય એના સંભવિત પ્રમુખનું નામ જાહેર કરી નહિ શકે...! પાર્ટીમાં કોઇ બચ્યું હશે તો ને ...?
(પલ્લવી શિખર શાહ, અમદાવાદ)

* ભાજપ અને 'કોંગ્રેસ'... ચૂંટણીના પરિણામો અંગે શું માનો છો ?
-'હાલત હૈ અજબ દીવાનોં કી, અબ ખૈર નહિ પરવાનોં કી...'
(કૃતિકા એન. પટેલ, મૅલબૉર્ન -ઓસ્ટ્રેલિયા)

* તમારા પત્ની કરતાં તમે ઓછા બુદ્ધિશાળી દેખાઓ છો..
- નેહરૂ બ્રીજની પાળી ઉપર ચડીને બૂમો પાડીને જણાવો બધા ને...! બધા એકનું એક જ લોહી પી જાય છે...(કોઇ પંખો ચાલુ કરો, ભ'ઇ)
(વૈદેહી જનુભાઈ મેહતા, અમદાવાદ)

* કરોડ રૂપિયાની મોટર-બાઇક હાર્લી-ડૅવિડસન પર બેસીને લાલુ યાદવ-પ્રચાર કરે તો ?
- સર્કસમાં વાંકી ડોક કરીને સાયકલ પર બેઠેલું રીંછ ગોળગોળ ચકરડા મારતું હોય, એવું લાગે !
(પદ્મકાંત જ્યો. પરીખ, વડોદરા)

* ગાંધીનગરની સરકારી ઑફિસમાં ધક્કા બહુ ખવડાવે છે, તો શું કરવું ?
- અટક બદલીને જવું.
(કેતન ત્રિપાઠી, અમદાવાદ)

* સાધના, વૈજયંતિમાલા, વહિદા રહેમાન, માલા સિન્હા... તમારી દ્રષ્ટિએ ક્રમવાર ગોઠવી આપશો ?
- લખી લો... ડિમ્પલ કાપડિયા, સાધના, વૈજયંતિમાલા, વહિદા રહેમાન, માલા સિન્હા....
(પૂર્ણા એચ. શાહ, કનેકટિકટ-અમેરિકા)

* તમને ફાસ્ટ-ડ્રાયવિંગનો શોખ ખરો ?
- ઊંઘમાં.
(નિત્યા દૂધવાલા, સુરત)

* અમેરિકામાં તમે તમારી ફૅવરીટ ડૅમી મૉર કે ઍન્જેલિના જૉલીને મળ્યા કે નહિ ?
- મુહમ્મદ રફી સાથે ગુજરાતી ગીતો ગાનાર રવિબાળા પટેલ (લીલી પટેલના બહેન) અને સન્માન્નીય ગુજરાતી એક્ટર સ્વ. અરવિંદ પડયાના દીકરી નીલા પંડયાને મળ્યો.
(સુજ્ઞા ચાહવાલા, સુરત)

* કાર ચલાવતી વખતે બાજુમાં બેઠેલી પત્નીના આદેશો તમે માનો છો ખરા ?
- એ પત્ની હોય તો માનું છું...
(શ્રેયા જયન્તભાઈ પરીખ, ભાવનગર)

* હવે 'એન્કાઉન્ટર'ના જવાબો કોણ આપશે ?
- ઓ ભ'ઇ, 'હવે તો સદ્ગતની જગ્યા કોણ પૂરશે ?' એવા શબ્દોમાં સવાલ ન પૂછો... અહીં છાતીમાં ગભરામણો ઉપડે છે !
(સંકેત પંડયા, વડોદરા)

* હૉકી કે ક્રિકેટ જેવી રમતોમાં બહેનો માટે અલગ સ્પર્ધા હોય છે.. ચૅસમાં એવું ખરું ?
-હોય, પણ એ લોકો ચૅસ રમવા સ્પોર્ટસ-શૂઝ પહેરવા તૈયાર ન થાય ને !
(મોક્ષાકર બ્રહ્મચારી, વડોદરા)

25/04/2014

બહુ બેટી

- મુહમ્મદ રફીના બે મદમસ્ત ગીતો

- સબ મેં શામિલ હો મગર, સબ સે જુદા લગતી હો જીયો તો ઐસે જીયો, જૈસે સબ તુમ્હારા હૈ...

ફિલ્મ : 'બહુબેટી'
નિર્માતા : શત્રુજીત પોલ
દિગ્દર્શક : ટી. પ્રકાશરાવ
સંગીતકાર : રવિ
ગીતો : સાહિર લુઘિયાનવી
રનિંગ ટાઈમ : ૧૪ રીલ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, જોય મુકર્જી, માલા સિન્હા, મેહમુદ, મુમતાઝ, અનુપ કુમાર, આશિશ કુમાર, ધુમાલ, અલલા સચદેવ, મુકરી, બ્રહ્મ ભારદ્વાજ, રત્નમાલા, ચમનપુરી અને નીલમ.ગીતો
૧.ભારત મા કી આંખ કે તારોં, નન્હે મુન્ને રાજદુલારો...... આશા ભોંસલે
૨.આજ હૈ કરવા ચૌથ સખીરી, માંગ લે સુખ કા દાન....... આશા ભોંસલે
૩.મેરી માંગ કે રંગ મેં તુને રાખ ચિતા કી ભર દી....... આશા ભોંસલે
૪.મેરી જાં ન સતા તુ, મેરા જી ન જલા તુ...... મુહમ્મદ રફી
૫.રંગીન ફિઝા હૈ, આજા કે મેરા પ્યાર તુઝે ઢુંઢ રહા હૈ....... આશા-મહેન્દ્ર
૬.સબ મેં શામિલ હો મગર સબ સે જુદા લગતી હો...... મુહમ્મદ રફી
૭.જીયો તો ઐસે જીયો, જૈસે સબ તુમ્હારા હૈ...... મુહમ્મદ રફી

ઓહ... કેવો હેન્ડસમ હતો, જોય મુકર્જી! 'લવ ઈન ટોક્યો' અને 'ઝીદ્દી'ની જેમ આ ફિલ્મ 'બહુ બેટી'માં ય એવો જ ડેશિંગ લાગે છે! ચાલ્યો નહિ, નહિ તો અમિતાભ પાસે છે, એ બધું જોય મુકર્જી પાસે હતું. ચેહરામાં તો એ અમિતાભ કરતા ય વધુ હેન્ડસમ, પહાડી અવાજ, હાઈટ-બોડી અને સ્ક્રીન-પ્રેઝન્સ... બસ, એક્ટિંગ અમિતાભ જેવી નહોતી, એમાં માર ખાઈ ગયો. એક્ટિંગનું એની પાસે પ્રમાણપત્ર એટલું જ કે, એ ભારત ભૂષણ, પ્રદીપ કુમાર, વિશ્વજીત કે મનોજ કુમાર કરતા સારો હતો, પણ શશી કપૂર કરતા અડધો ય સારો નહિ! નહિ તો, અશોક કુમાર, કિશોર કુમારનો એ સગ્ગો ભાણીયો થતો ને વાત એથી ય ઉપર લઈ જઈએ તો, ફિલ્મીસ્તાનના સર્વેસર્વા શશધર મુકર્જીનો દીકરો હતો... છતાં, આ બધાની બાવજુદ, જોય મુકર્જી ૬૦ના દશકમાં ખૂબ ચાલ્યો. એના નસીબે એની ફિલ્મોને સંગીતકાર તરીકે ઓ પી નૈયર, શંકર-જયકિશન કે રવિ મળ્યા હતા અને આ ત્રણેએ પોતપોતાની જુબાનમાં અસ્સલ કમાલો જોયની ફિલ્મોમાં બતાવી દીધી હતી. પરિણામે, 'એક મુસાફિર, એક હસિના', 'ફિર વો હી દિલ લાયા હૂં', 'લવ ઈન ટોક્યો', 'દૂર કી આવાઝ' કે 'બહુ બેટી' જેવી સંગીતપ્રધાન ફિલ્મો જોયને ભાગે આવી.

જોયનું નામ 'જોય' નહિ, 'જય' મુકર્જી હતું, પણ બંગાળી ઉચ્ચારોમાં તો 'અશોક'નું પણ 'ઓશોક બાબુ' થઈ જાય છે, એમ 'જય'નું 'જોય' થઈ ગયું ને લોકો સમજ્યા ઈંગ્લિશ શબ્દ Joy ઉપરથી નામ 'જોય' પડયું હશે.

માણસ અંગત જીવનમાં બહુ ભલો હતો, એનો એક દાખલો કાફી છે. ગુજરાતમાં કચ્છનો ધરતીકંપ આવ્યો ત્યારે કોઈ પણ જાતની પબ્લિસિટી વિના જોય અને તેની પત્ની નીલમ રૂબરૂ કચ્છ પહોંચી ગયા હતા અને અક્ષરસઃ મજૂરો તરીકે કામ કર્યું હતું. કોઈને જણાવા દીધું નહિ કે, આટલો મોટો ફિલ્મ સ્ટાર આવી સેવા કરવા આવ્યો છે, પોતાના પૈસે! મેં મારી 'ફર્માઈશ કલબ'માં એને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવા એની પત્ની નીલમ સાથે વાત કરી તો, એણે ચોખ્ખો જવાબ આપી દીધો, 'જોય સા'બ તમારા શોમાં આવવાનો એક પૈસો લેશે નહિ, પણ તમારા શોની જે કાંઈ આવક થાય, તે બધી કચ્છના ભૂકંપ-પીડિતો માટે આપી દેવી.'

જેટલી આપણને ખબર, એટલી એમને ન હોય કે, આપણે તો એથી ય વધુ રકમ ભૂકંપ-પીડિતો માટે આપી દઈએ, પણ વચમાં એને ચાઉ કરી જનારા કેટલા હતા, એની આપણને ખબર, એટલે મેં ખર્ચાઓ બાદ કરીને જે તે રકમ આપી દેવાની વાત કરી, તો નીલમે કહ્યું, 'નહિ નહિ... શો મેં જીતની ભી ઈન્કમ હોંગી, વો સબ આપ ડોનેટ કર દેંગે...' એમાં વાત અટકી, પણ આખી વાતમાં દેખાય છે તો એ બન્નેનું સારું ને?

અંગત જીવનમાં જોયનો દોસ્ત એક જ શમ્મી કપૂર. ઘરડા થઈ ગયા એટલે જોયે તો ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું, પણ શમ્મીએ બુઢ્ઢાના રોલ પણ ચાલુ રાખ્યા, એમાં જોય બગડયો હતો, 'ક્યા શમ્મી...? ક્યા કર રહા હૈ? હમ હીરો થે... તો હીરો રહેકર હી મરેંગે? લોગ હમારા બુઢ્ઢા ચેહરા દેખના પસંદ નહિ કરેંગે!' જોયે પોતે આ પાળી પણ બતાવ્યું, તે એટલે સુધી કે, પૈસે ટકે ખાખી-બંગાલી થઈ ગયા પછી ચરીત્ર અભિનેતાના રોલ તો અમથા ય એની પાસે બહુ આવતા હતા. ના જ લીધા. વચમાં તો એણે કટલરી અને બબ્બે તત્તણ રૂપિયામાં વેચાય એવી ફાલતુ ચીજોનો એવો સાવ નાનકડો સ્ટોર પણ કર્યો હતો. એનો દીકરો આદર્શ ન નીકળ્યો સુરતના મારા આર્કિક્ટે દોસ્ત અને હાસ્યલેખક અજીતસિંહ સાથે જોયને સંબંધ ખરો. શમ્મી કપુરની પાર્ટીમાં અજીતસિંહ જોયને રીક્ષામાં બેસાડીને લઈ ગયા હતા.

હું એના નાનાભાઈ શુબિરના ઘરે બેઠો હતો, એણે કહ્યું કે, અમે ત્રણે ભાઈઓ કસરત પાછળ આજે ય પાગલ છીએ. રોજ કેટલીય દંડ-બેઠક કે પૂલ-અપ્સ કરતા હોઈશું, અમને ય ખબર નથી. (તનૂજાના પતિ શોમુ મુકર્જી આ લિસ્ટમાં નહિ!) જોય તો એટલે સુધી કે, એનો કસરત કરવાનો ટાઈમ થઈ જાય એટલે, એને સાઈન કરવા નિર્માતા આવ્યા હોય તો એમનો ય લિહાજ ન રાખે. પણ કસરતોનું તો કેવું છે કે, કરતા રહો ત્યાં સુધી જ એ તમને સાચવે... છોડી દો પછી ધોધમાર ભૂખો લગાડે અને શરીર ફૂલવા માંડે, જોય પણ પાછલી ઉંમરમાં બેતહાશા જાડો થઈ ગયો હતો.

માલા સિન્હાને હરકોઈ ફિલ્મમાં જોઈને એક સવાલ તો થાય જ કે, આવી અભિનેત્રીઓ હવે કેમ નહિ? જુઓ, સુંદરતા અને અભિનયમાં તો આજની હીરોઈનો ય કોઈનાથી કમ નથી, પણ ફર્ક આપણા જમાનાની અભિનેત્રીઓ સાથે એ હતો કે, એ લોકો નખશીખ ગ્રેશિયસ લાગે, ભારતીય લાગે. ૫૦-૬૦ના દાયકાની હીરોઈનો સામાજિક ફિલ્મોમાં 'બહુ' એટલે અફ કોર્સ, 'બહુ' જ લાગે. આપણી પરંપરાનુસાર આદર્શ સ્ત્રી લાગે જ. નૂતન, તનૂજા, મધુબાલા, નરગીસ, વહિદા, નંદા, સાધના, આપણી વૈજુ... આ બધીઓએ છેવટ સુધી પોતાના ફિગર કેવા જાળવી રાખ્યા હતા? માલાને પણ આજે જુઓ તો ગુજરાતી સ્ત્રીઓની જેમ લઠ્ઠાબેન્ડ થઈ ગઈ નથી. ચેહરાની ઉંમરને બાદ કરતા આજે ય એ ખૂબસૂરત લાગે છે.અશોક કુમાર અને અનુપ કુમાર આ ફિલ્મમાં છે. બન્ને જોય મુકર્જીના સગા મામાઓ થાય. જોવાની ખૂબી નહિ પણ ખામી એ છે કે, અનુપ કુમાર પણ એ જ ગાંગુલી પરિવારનો કલાકાર, છતાં એને મોટા ભાગે અશોક કુમારની ફિલ્મોમાં જ રોલ મળે, સ્વતંત્ર રોલ બહુ ઓછા. બેશક સારો કલાકાર, પણ નસીબની બલિહારી છે ેેકે, અશોક-કિશોર પોતપોતાના ફીલ્ડમાં ભારતના સર્વોત્તમ પૈકીના કલાકારો બન્યા ને આ ભાઈ... ઈંગ્લિશમાં મેરેથોન દોડમાં સૌથી છેલ્લે આવનારા માટે કહેવાય છે ને, 'હી ટુ રૅન...!' એમ અનુપનો કોઈ લેવાલ ન નીકળ્યો.

મેહમુદ અને મુમતાઝે આ ફિલ્મમાં જોડી બનાવી છે. આપણા શરીરના વજન જેટલું માન મુમતાઝ માટે થવું જોઈએ કે, તદ્ન ફાલતું ફિલ્મોની હીરોઈનમાંથી એ હિંદી ફિલ્મોમાં એના સમયની સૌથી ટોપની હીરોઈન બની ગઈ... ને આગળ-પાછળ કોઈ બેક ગ્રાઉન્ડ પણ નહિ! એને તો ૭૦ના દશકમાં એ ફિલ્મો મળી, જે હીરોઈન આધારિત હતી, જ્યારે માત્ર ખન્ના, જીતુ, શશી કે એવા બધા જ ચાલતા.આ ફિલ્મમાં માલા સિન્હાનો પતિ બનતો એક્ટર આશિશ કુમાર ફિલ્મ 'જય સંતોષી માતા'નો હીરો હતો અને વાસ્તવમાં એક સમયની ડાન્સર બેલા બોઝનો પતિ.

ફિલ્મની વાર્તા ય આ પતિ ઉપર જ છે. માલા સિન્હા ગરીબ ઘરની છોકરી, જે 'બહુ' તરીકે અશોક કુમારને પસંદ પડી જતા, અશોક પોતાના દીકરા આશિશ કુમાર સાથે લગ્ન કરાવીને ઘરમાં લાવે છે. ફૌજમાં આશિશ કુમાર મૃત્યુ પામતા વિધવા બનેલી માલાને જીવનમાંથી રસકસ ઊડી જાય છે. અશોક કુમાર નિવૃત ન્યાયાધીશ છે અને વિધવા વહુને ઘેર બેસાડી રાખવાને બદલે કોલેજમાં ભણવા મોકલે છે, જ્યાં માલા જોય મુકર્જીના પ્રેમમાં તો પડી જાય છે, પણ વિધવાને તો કેવી રીતે પરણાય, એ દહેશતથી માલા જોયમાંથી રાજીનામું આપી દે છે. અશોક કુમાર વહારે થાય છે ને સમાજની ઘાંટાઘાટને અવગણીને જોય સાથે લગ્ન કરાવી આપે છે.

આજની પેઢીને તો આ સબ્જેક્ટ જ ગળે ન ઉતરાય કે, એક વિધવા બીજા લગ્ન શું કામ ન કરી શકે? વળી, વખત પણ એવો હતો કે, ફિલ્મોમાં ય હીરો-હીરોઈન પૂરી મર્યાદા સાથે જ એકબીજાને અડી શકતા. હીરોઈનો તો ઠીક છે, હેલન જેવી કેબરે ડાન્સરોને પણ કપડાં મર્યાદામાં પહેરવા પડતા. છાતીથી ઉપર ગળાના ભાગ સુધી પારદર્શક નેટ પહેરવી જરૂરી હતી. પરદા પર એવું લાગે કે, બહેને કાંઈ પહેર્યું નથી. મજ્જા કરાવી દે છે, આ ફિલ્મના સંગીતમાં રવિ. એક તો રવિ હોય એટલે રફી તો હોય જ. લતા ન હોય, પણ આશા તો હોય જ! રવિએ મને કીધેલી વાત છે કે, રફી સા'બ રોજ સવારે એક્ઝેક્ટ ૮ વાગે મારા ઘેર આવી જતા. રીહર્સલ હોય કે ન હોય. એકે ય દિવસ મુંબઈના ટ્રાફિક કે તબિયતનું બહાનું નહિ. એમના જેવો સજ્જન આખી ફિલ્મ નગરીમાં કોઈ નહીં! અંગત રીતે, મારે બન્યું હતું એવું કે, આ ફિલ્મ 'બહુ બેટી'ના રફીએ ગાયેલા બે ગીતો (તમને ખબર છે, ક્યા હોય!) મેળવવા માટે મેં આકાશ અને મારી અગાશી એક કરી નાંખ્યા હતા. (આકાશની પાતાળ આવે, દવે સાહેબ... તમે અગાશી ક્યાંથી લાવ્યા?) દોસ્તો, પાતાળ મેં એકે ય વાર જોયું ન હોવાથી 'આકાશ ને પાતાળ' શબ્દો સાથે હું સહમત થતો ન હોવાથી પાતાળને બદલે, અહીં ેેજેટલું થાય એટલું મેં કરી આપ્યું છે. આજે તો મારી પાસે બધું ય છે, પણ એ જમાનામાં રૃા. ૧૬થી રૃા. ૨૨ સુધીના તોતિંગ ભાવોની 'કેસેટો' મળતી, ત્યારે દેશ કા ચપ્પા ચપ્પા ને દુકાન દુકાન છાન મારીથી, પણ 'સબ મેં શામિલ હો, મગર સબ સે જુદા લગતી હો...' અને 'જીયો તો ઐસે જીયો જૈસે સબ તુમ્હારા હૈ...' બલ્કે, આખી ફિલ્મના ગીતો ક્યાંથી નહોતા મળતા. એ તો પછીથી એવી ખબર પડી કે, એચએમવીના સ્ટુડિયોમાં આગ લાગી, એમાં આવી ઘણી બધી ફિલ્મોની રેકડર્સ બળી ગઈ હતી. મુહમ્મદ રફીના આ બન્ને ગીતો સાંભળવાથી મનને કેવળ શાંતિ જ નહિ, સમજ પણ મળે છે, કારણ કે શબ્દો કોઈ મજરૂહ-હસરતના નહોતા... સાહિર લુધિયાનવીના હતા, જેમાં સાહિત્યના શોખિનોને પણ દરેક ગીતમાં અર્થ કે અર્થઘટનો મળે રાખે...' ...મરો તો ઐશે કિ જૈસે, તુમ્હારા કુછ ભી નહિ.'

આ ફિલ્મમાં પણ રફીનું એક ફાલતું ગીત છે, 'મેરી જાં, ન સતા તુ, મેરે દિલ કો ન જલા તું...' મેહમુદ પર ફિલ્માયું છે. નોર્મલી મેહમુદ મન્ના ડેનું પ્લેબેક પસંદ કરતો ને જ્હોની વોકર ઈનવેરિએબ્લી રફીનું. એ બન્ને વચ્ચે તો પર્સનલ-વોર ચાલુ જ હતી, પણ રફી-મન્ના ડે વચ્ચે શુદ્ધ ભાઈચારો હતો. મન્ના દા એ એમના ઘરમાં મને કીધેલી વાત છે કે, ફિલ્મોમાં રફીમીયાં જેવો બીજો કોઈ ગાયક છે જ નહિ, ને રફીએ પણ ઓન-રેકોર્ડ કીધું છે. મારે સારા ગીતો સાંભળવા હોય ત્યારે મન્ના ડેને સાંભળું છું. પણ ફિલ્મોમાં આર. ડી. બર્મનના બ્યુગલો વાગવા માંડયા અને મેહમુદ પાસેથી રફી છીનવાઈ ગયા. આરડીને ચાન્સ અને શોહરત અપાવનાર મેહમુદ જ, પણ આર. ડી. ને મુહમ્મદ રફી કરતા કિશોર વધુ ગમે, એમાં ૬૯માં 'આરાધના' પછી કિશોરનું ત્સુનામી આવ્યું. એમાં અન્ય ગાયકોની જેમ રફી પણ તણાઈ ગયા. રફી જે ઉંમરે ગૂજરી ગયા, તે કોઈ મરવાની ઉંમર અફ કોર્સ નહોતી. પણ કિશોરના વાવાઝોડાને કારણે રફીના જ ગળે મોટા થયેલા તમામ સંગીતકારોને નફ્ફટાઈથી રફીને પડતા મૂકવા માંડયા, એક માત્ર લક્ષ્મીકાંત-પ્યારેલાલ બાદ કરતાં! સ્વાભાવિક છે, જે માણસે ઠેઠ ૪૬થી ૭૦ સુધી બસ, જાહોજલાલીઓ જ જોઈ હોય, એના કિલ્લાનું આમ ઢહ થઈ જવું, કોઈ પણ શહેનશાહ માટે કારમું પડે. બસ, બીજાનું જ હંમેશા ભલું વિચારતો આ ઓલીયો માણસ પોતાનું ભલું જોઈ ન શક્યો અને હૃદયરોગને શરણે જતો રહ્યો... ને સાહિરના શબ્દોને સાચા પાડતો ગયો, 'મરો તો ઐસે કિ જેૈસે તુમ્હારા કુછ ભી નહિ!'

નોંધ :

અનેક વાચકોએ પૂછાવ્યું છે, 'ફિલ્મ સીઆઈડી'ના ગીત 'લેકે પહેલા પહેલા પ્યાર, ભર કે આંખો મેં ખુમાર' ગીત દેવ આનંદની બેનમૂન ચાલને કારણે વધારે મશહૂર બન્યું પણ દેવ શકીલાની સાથે મુંબઈના મરિન-લાઈન્સની ફૂટપાથ પર આ ગાતા બન્ને કલાકારો કોણ છે? તો જવાબ છે, મુહમ્મદ રફીએ આ ગીતમાં પ્લેબેક આપ્યું છે, 'શ્યામ કપૂર'ને અને શમશાદે 'શીલા વાંઝને!'

(સીડી સૌજન્ય : ભરત દવે, સુરત)

23/04/2014

એર હોસ્ટેસ બહેન જેવી ન લાગવી જોઇએ..

અમેરિકા રીક્ષા કરીને નથી જવાતું, પ્લેનમાં જવું પડે છે ને પ્લેનોમાં યૂ નો... સાલા કાગળવાળા ટોઇલેટો હોય છે, જે આપણને ના ફાવે. ભલે, અમદાવાદની રીક્ષાઓમાં હજી સુધી ટોઇલેટની વ્યવસ્થા નથી થઇ શકી... પણ 'વિકાસ' શરૂ જ થયો છે, તો મોડી વહેલી એ ય થઇ જશે. પણ ફ્લાઈટોના એટલા સાંકડા ટોઇલેટમાં આપણા જેવાને તો 'યોગ' કે ઇવન મારામારી કરતા ય ન ફાવે, ત્યાં ૨૦-૨૨ કલાકની મુસાફરીમાં મિનિમમ ૩- ૪- વાર તો જવું પડે ? જગત જાણે છે કે, આ એક એવી મંઝિલ છે, જ્યાં ગયા પછી જ પૂર્ણ શાંતિ અને ચેહરા ઉપર પ્રસન્નતા મળે છે.

અલબત્ત, આ પ્રસન્નતા બહાર નીકળ્યા પછી મળે છે... બહાર ઊભા ઊભા નહિ. ધોળીયાઓ આમાં ય વહેલી સવારે લાઈનમાં ઊભા હોય ને ભા'ય... ભા', એમના ચેહરાઓ ઉપરની તંગદિલી જોઇને દયા આવી જાય કે, એને બદલે એક આંટો આપણે ફરીથી મારી આવીએ, પણ આને જામીન પર છોડાવીએ.

૯/૧૧ ના આતંકવાદી હૂમલા પછી અમેરિકનો તો ઠીક, આપણા દેસીઓ ય ફ્લાઇટમાં આપણી સાથે વાત ન કરે. કેમ જાણે એ બન્ને બિલ્ડિંગો ઉપર વિમાન અથડાવનાર પાઈલોટ હું હોઈશ, એવી નજરથી મારી બાજુમાં બેઠેલો ધોળીયો મને જોતો હતો. મારા નારણપુરામાં કોકના ઘેર ગેસનો બાટલો ફાટયો, ત્યારે મને એવો ડાઉટ નહતો પડયો કે, આની પાછળ અમેરિકાનો જ હાથ કે પગ હશે. ભ', માણસે-માણસે સંસ્કારનો ફરક તો પડે ને ?... સુઉં કિયો છો ? ડાયરેકટ અમદાવાદ-રાજકોટની વૉલ્વો બસમાં જતા હોઈએ, તો બાજુવાળાને પૂછીએ પણ ખરા કે, 'આપ રાજકોટ જાઓ છો ?' એટલે એની બાને બદલે પેલો ખીજાઈને કહે, 'ના... આ બસમાં હું શાંગહાઈ જઉં છું.' મને આવા અડપલાં કરવાની હોબી ખરી, એટલે બાજુમાં બેઠેલા ધોળીયાને મેં સ્માઇલ સાથે પૂછ્યું, 'તમે એકલા જ છો ?' ('ભાભી-બાભી નથી આયા... ?' એ મૂળ ઉદ્દેશ તો શું કે, આપણો ટાઈમ જાય ને એની વાઈફને સારી કંપની મળે. આ લલવામાં તો શું કમાવાનું હતું !)

મારો સવાલ સાંભળીને, મેં તો કેમ જાણે એની વાઈફના જન્માક્ષર માગ્યા હોય, એવો અકળાઈને બોલ્યો, 'નો... મારી સાથે આ વિમાનના પાયલોટ્સ છે...'

તારી ભલી થાય ચમના... અમારા જેવા નવલોહીયા યુવાનોને એરહોસ્ટેસોમાં રસ પડે... ને આ ધોળીયો પાયલોટમાં ભરાયો હતો. હું લજ્જાથી લાલલાલ થઇને, એટલી સાંકડી સીટમાં ય એનાથી આઘો ખસી ગયો. ભૂલમાં ય ઢીંચણ ન અડે, એના ધ્યાનો રાખ્યા. નક્કી કર્યું કે, ન્યુયોર્ક આવે ત્યાં સુધી હું જ એને નહિ બોલાવું. આપણને શું કે, કોઈની પર્સનલ વાતોમાં માથું મારવાની ટેવ નહિ.

એક તરફ ઇન્ડિયાની કોઈ પણ ફ્લાઇટની એર-હોસ્ટેસ જુઓ... સાલી, નવરાત્રીમાં આપણા ફ્લેટોમાં ગરબે ઘુમવા આવી હોય તો સામું ય ન જોઇએ. એટલી બટકી કે, એની સામે સીટમાં બેઠા બેઠા જોઇએ, તો અગાસીની પાળ ઉપરથી નીચે કમ્પાઉન્ડમાં જોતા હોઇએ, એવું લાગે. ગોળ ગડી વાળીને પાઉચમાં મૂકી દઇએ, એટલી પતલી... ને રામ જાણે મેક-અપ વગર એના કરતા તો એની બા સારી લાગતી હશે, દયા આવે.

જ્યારે અમારી 'ઍમીરેટ્સ'ની ફ્લાઇટની ઍર-હોસ્ટેસો જુઓ જરા... (સૉરી, આખું વાક્ય ઊડાડી મારો. તમારે કોઈએ જોવાની જરૂર નથી... મેં ધરાઈ ધરાઈને જોઈ લીધી છે.) હાઈટ-બોડી, ભૂરી આંખો. 'કોક'ની બોટલ જેવું ફિગર, આપણને જોઇને ચેહરા ઉપર આવી જતું સ્માઇલ....) ઓહ, કોઈ મને ખભેથી પકડી રાખો. મેં નશે મેં હૂં ! આપણા પુરાણ અને મહાન ઋષિમુનિઓએ કીધું છે કે, આવી બબાલોમાં વાઇફોને સાથે લઇ ન જવાય.

આવા જ કારણોસર મને ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરનું કાવ્ય ગમે છે, 'તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે... એકલો જાને રે... હોઓઓઓ !' માટે હું વાઇફને લીધા વગર એકલો અમેરિકા ઉપડયો હતો.

ભોળા માણસોનું આ જગતમાં કોઈ નથી. અમદાવાદમાં મારા તમામ સગા-સંબંધીઓ જેલસ છે. હું આત્માની શાંતિ માટે હિમાલય સાધુ બનવા જતો હતો... જરાક અમથો રસ્તો ફંટાઈ ગયો ને અમેરિકા આવી ગયો. અહીં મને શુધ્ધ જ્ઞાન પ્રાપ્ત થયું, કે આપણે કાંઈ સાધુ-ફાધુ બનવું નથી. ને તો ય, એ બધા ઘેર આઈ આઈને પેલીના દેખતા પૂછે રાખે, 'કેમ એકલા એકલા ?' ભાભીને સાથે કેમ લઇ જતા નથી ?

તારી બીજી વાર ભલી થાય, ચમના... સાલા, એમ કેમ પૂછતો નથી કે, 'કેમ એકલા ? 'તમારી' ભાભીને ય સાથે લઇ જાઓ ને ?' પણ હવે પહેલા જેવા દોસ્તો ને પહેલા જેવી ભાભીઓ ય ક્યાં થાય છે ? એ બધું તો ગયું... !

વચમાં દુબાઈ આવ્યું. અઢી કલાક રોકાવાનું હતું. આપણને એમ કે, આરબોની મેહમાનગતી અદ્ભુત હશે ને મને હારતોરા કરવા એ લોકો ધક્કામુક્કી કરશે. આપણા દેશમાં તો મેહમાન જાન સે પ્યારા હોતા હૈ, ના ? અહીં એવું કશું નહીં. ઉપરથી આપણે તો કોઇનું પાકિટ મારીને પ્લેનમાંથી ઉતર્યા હોઈએ, એમ ફરીથી મારા ખિસ્સા તપાસ્યા. ખિસ્સા સુધી વાંધો નહિ. બ્રાહ્મણના ખિસ્સા તપાસો તો ઉપરથી મહીં કંઇ મૂકવાનું મન થાય. આ લોકોએ તો આખું બોડી તપાસ્યું. મને કોઈ અડે એ ન ગમે (ભાઈઓની વાત થાય છે... !) ગલીપચી થાય. હસવે ચઢી જઉં હું તો ! ધોળીયા સીક્યોરિટીવાળાએ મને પૂછ્યું, 'વૉટ મેઇક્સ યૂ લાફ ?' (તમને હસવું કેમ આવે છે ?) મેં કીધું, 'ખાસ કાંઈ નહિ... આ તો ઇતિહાસનું પુનરાવર્તન છે. ઘેર આવું ત્યારે રોજ વાઈફ આમ તપાસી લે છે.'

બીજા ૧૪-૧૫ કલાકની મુસાફરી પછી ન્યૂયોર્ક આવ્યું. આપણે ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરોની મશ્કરી કરીએ છીએ કે, પ્લેન ઊભું રહે, એમાં આ લોકો ય ઊભા થઇ જાય ને મિનિમમ ૨૦ મિનિટ ખભે થેલા લટકાવીને દરવાજા પાસે ઊભા રહે છે, પણ ધોળીયાઓ ય ઓછા નથી. એ લોકો ય બેસી નહિ રહે. 'વહેલો તે પહેલો' આમાં ન હોય, મારા વીરા... !

ન્યુયોર્ક એરપોર્ટ પર ૬૦ બારીઓ ઇમિગ્રેશનની છે. લાઈન તો લાગે. ખાડીયાવાળી ઘુસવાની ટેવ અહીં બહુ કામ આવી. નજર સામે આપણે ઘુસ મારતા હોઈએ, તો ય એકે ધોળિયો વિરોધ ન કરે મને એમની આ ટેવ ગમી. આનું નામ સંસ્કાર. પણ અઢાર પુરૂષો ભાંગીને એક બનાવેલી એક કાઇળી (બ્લેક) મારી સામે ભડકી. શું બોલતી હતી, એ તો એની માં જાણે, પણ સારૂં નહોતી બોલતી, એવું એના વિકરાળ મોંઢા સામે જોઇને લાગ્યું. એનો એકલો નીચેનો હોઠ કાપીને રોડ ઉપર મૂકો, તો રોડ પર નવો ડામર લગાડયો હોય, એવું લાગે. લગભગ બધી કાઇળીઓ માથે વિગ પહેરે છે. વિગ વગર પણ એની હેર-સ્ટાઇલ જુઓ તો પહેલો સવાલ એ થાય કે, આ લોકો નહાતી કેટલા વર્ષે હશે ? આને એકલીને નવડાવવા માટે છવ્વીસ-માણસોનો સ્ટાફ ઓછો પડે. દરીયા કિનારે કોઈ કાળમીંઢ ભીના ખડકમાંથી કોતરીને બનાવ્યું હોય એવું એ કાઇળીનું શરીર સૌષ્ઠવ જોયા પછી, મનમાં હું ય બગડયો, 'એક વાર અમદાવાદ આય... તને ને તારી બાને... બે ય ને બતાવી દઉં... અહીં એકલો પુરૂષ ભાળીને બીવડાવે છે ? એ બૂમો પાડતી રહી, પણ સ્વામી વિવેકાનંદે કહ્યું છે, 'ધ્યેયપ્રાપ્તિ પહેલા યુધ્ધભૂમિ ન છોડવી.' મેં ન છોડી ને પહેલે નંબરે ફૂલ્લી પાસ થઇ ગયો.'

સિક્સર
રોજ પ્રગટ થતી 'નેટવર્ક' કોલમમાં આંકડા લખવાની એમની અલગ સ્ટાઇલ છે. કોઈ કૌભાંડ હજાર-બજાર અબજો રૂપિયાનું હોય તો એના શીર્ષકમાં આંકડો આવી રીતે લખાશે, 'કોલસા કૌભાંડમાં ચવાઈ ગયેલા રૂ. ૩૪૯૨૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦... કોના બાપની દિવાળી ?'

દર વખતે પાનાં ઉપર આટલી જગ્યા ન હોવાથી શક્ય છે, હવે પછી આમ લખાશે, રૂ. ૩૪૯૨૩૦૦૦૦૦૦૦૦૦... વધુ મીંડા આવતા અંકે...'

20/04/2014

ઍનકાઉન્ટર : 20-04-2014


*   શું વાત છે? બ્રાહ્મણો ય કરોડપતિ તરીકે ઓળખાય છે?
–   યુ સેઇડ ઇટ... જ્ઞાન અને સંસ્કારમાં તો પહેલેથી હતા... હવે લક્ષ્મીજી પણ આ સાઇડમાં આવવા માંડ્યા છે, અર્થાત્, હવે લક્ષ્મીજીએ પણ માતા સરસ્વતીને આવકાર દીધો છે.
(છાયા મહેતા, મુંબઈ)

*   પોસ્ટકાર્ડને પડતા મૂકીને ઈ–મેલમાં આવવાનું કારણ?
–   થોડાં વખતમાં, હું તમારા બધાને ઘેર આવીને જવાબ આપી જવાની પ્રથા શરૂ કરીશું.
(જીજ્ઞેશ બૅન્કર, અમદાવાદ)


*    આજના આધુનિક યુગમાં ટૅકનોલોજી શ્રાપ છે કે વરદાન?
–  પોસ્ટકાર્ડને બદલે ઈ–મેઇલથી જવાબ આપવામાં શ્રાપ લાગ્યો કે વરદાન?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

*   અશોક દવે અને જય વસાવડામાં શું તફાવત છે?
–  એ તો એક્કેય વાર પરણ્યો નથી, બોલો!
(જીગર મેઘપરા, જૂનાગઢ)

*   કેજરીવાલને તમાચા બહુ પડે છે. આપનો અભિપ્રાય?
–   લોકો પાસે દારુ ગોળો હાથવેગો તો ના હોય ને?
(મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)

*   સૂરજ હંમેશા પૂર્વમાંથી જ કેમ ઊગે છે?
–   એને પશ્ચિમમાંથી ઊગાડવાની વાટાઘાટો ચાલે છે, ગાંધીનગર પશ્ચિમમાં આવ્યું.
(જાગૃતિ ડી., અમદાવાદ)

*   અફઘાનિસ્તાનમાં ચૂંટણી સારી રીતે પતી.... તો ભારતમાં?
–   ભારતની ચૂંટણી અફઘાનિસ્તાનમાં લઇ જઈને ન કરાય... ‘બા’ ખીજાય!
(રવિ જાજડીયા, પાલિતાણા)

*   મનમોહન મૌન ક્યારે તોડશે?
–   હવે તો એ બોલે તો ય હાંભળે છે કોણ?
(કિર્તી ધામી, ડૉમ્બીવલી)

*   મેચ જીતાડનારને ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ મળે છે તો હરાવનાર (યુવરાજસિંહ)ને કયો ઍવોર્ડ મળે?
–   એ બેશક મહાન ક્રિકેટર છે. એ જ માણસે અભૂતપૂર્વ વિજયો અપાવ્યા છે.
(જયેશ કબૂતરવાલા, સુરત)

*   પ્રશાંત ભૂષણને કાશ્મિર આપી દેવું છે. ‘આપ’માં કેટલો વિશ્વાસ મૂકાય?
–   બસ, પ્રશાંત ભૂષણ પાકિસ્તાનને સોંપી દો.
(યશ મહેતા, અમદાવાદ)

*   બીજા ફિલ્મસ્ટાર્સની જેમ ડિમ્પલ કાપડિયાએ ચૂંટણીમાં કેમ ઝૂકાવ્યું નથી?
–   એના પહેલા ગોરધને રાજકારણમાં બહુ માર ખાધો હતો. 
(અજય વ્યાસ, બિલખા)

* ‘ઍનકાઉન્ટર’ જેવી કૉલમ ભારતના અન્ય કોઇ રાજ્યમાં ચાલે છે?
–   કહે છે કે, શ્રેષ્ડ સર્જનનો કોઇ વિકલ્પ હોતો નથી.
(વિજણ છાબડા, મહેસાણા)

*   કચ્છ વિશે આપનું શું માનવું છે?
–   કચ્છનો તો ઝાઝો અનુભવ નથી, પણ કચ્છીઓ મને બહુ ફળ્યા છે... ‘કિ આયોં...?’
(જીજ્ઞેશ ટાંક, મુંદ્રા)

*   ‘શ્રી’ એટલે લક્ષ્મી અને ‘મતિ’ એટલે બુદ્ધિ, તો જેના જીવનમાં શ્રીમતી નથી, તેનું જીવન...?
–   હા, પણ એને  માટે કાંઇ આઠ–દસ વાર પરણવાનું ના હોય!
(અફરોઝબેન મીરાણી, મહુવા)

*   ‘કર્મના સિદ્ધાંત’ વિશે આપનું શું માનવું છે?
–   હું જે માનતો હોંઉ છું, એ મારા ઘરમાં ય કોઈ માનતું નથી, ભ’ઈ!
(રાજેશ દરજી, અમદાવાદ)

*   ભગવાન જમતા તો નથી, છતાં લોકો ભોગ કેમ ધરાવે છે?
–   આપણા દેશમાં બેવકૂફોની કમી નથી.
(ગોપાલ કે ભટ્ટ, વડોદરા)

*   લગ્ન નહિ કરવાની સલાહ કોઇ કેમ માનતું નથી?
–   તમે ક્યાંક ભરાઇ ગયા લાગો છો?
(રવિ આડવાણી, ભાગનગર)

*   મોબાઇલથી જ વૉટ આપવાનું શરૂ થાય એમ નથી?
–   મોબાઇલથી જ હનીમૂન પતતું હોય તો વૉટ પણ અપાશે.
(મનોજ પંચાલ, મુંબઇ)

*   હું પણ બહુમતિ બ્રાહ્મણ છું, તમે બ્રાહ્મણોને લઘુમતિમાં મૂકાવો તો કંઇ વાત બને.
–    પહેલાં પટેલો, લોહાણાઓ, વૈષ્ણવો, સિંધીઓ અને બાકીના બધાનું પતાવીએ, પછી બ્રાહ્મણો ‘બહુમતિ’માં હોવાની લાચારી સાથે સરકાર પાસે વધુ ઓકાવશે.
(વિનોદ ભટ્ટ, અમદાવાદ)

*   મહિલા જેવું આરક્ષણ પુરુષોને ક્યારે?
–    જ્યારે પુરુષો પણ સ્ત્રીઓની સમકક્ષ ઊભા રહી શકશે.
(મહિપત વૈશ, ગીર–સોમનાથ)

*   ચૂંટણી ઉમેદવારની મિનીમમ લાયકાત ગ્રેજ્યુએશનની હોય તો ઘણો ફેર પડે કે નહિ?
–   મારી માહિતી ખોટી ના હોય, તો સમગ્ર વિશ્વમાં ડૉ. મનમોહનસિંહ જેટલી શૈક્ષણિક ડિગ્રીઓ વિશ્વમાં કોઇ પાસે નથી.... કેટલો મોટો ફેર પડ્યો...! આહ..... હજી દુ:ખે છે.
(સંજય ગોહિલ, જામખંભાળિયા)

*   આ તમે સવાલની સાથે ઘરનું એડ્રેસ માંગો છો, તે કોઇ ઈનામ મોકલવાના છો?
–   હું તો મૅક્સિમમ  તમને પૅશન્ટો મોકલી શકું.
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)

* ચૂંટણીના રીઝલ્ટ્સનું શું લાગે છે?
– હું તો અમેરિકામાં બેઠો છું. મોદી–રાહુલ બધાને કહી દીધું છે, ચૂંટણીઓનું તમે પતાવજો. હું તો કેટલે પહોંચી વળું?
(સુપ્રિયા દવે, અમદાવાદ)

*   આજની સ્થિતિ જોતા આપણો દેશ કઇ દિશામાં જઇ રહ્યો લાગે છે?
–   આ સવાલ કોઇ ટ્રાફિક પોલિસને પૂછો.
(મૌલિક પટેલ, અમદાવાદ)

*   તમારે માટે વધુ સારું કોણ કહેવાય? ગર્લ ફ્રેન્ડ કે વાઈફ?
–   સૅફ્ટીની ગૅરન્ટી મળતી હોય તો બન્ને.
(હિરેન પંખાનીયા, સુરત)

(‘ઍનકાઉન્ટર’ માટે તમારા સવાલો ઈ–મેઇલ પર જ પૂછી શકાશે. વાચકે સવાલની સાથે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે. સવાલો શક્ય હોય ત્યાં સુધી ગુજરાતીમાં લખીને મોકલવા. સવાલ પૂછવાનું ઈ–મેઇલ આઈડી છે: ashokdave@gujaratsamachar.com )